યુવલ નોઆ હરારીની સલાહ માનીને શ્વાસ પર ધ્યાન આપવાનું રાખીએ તો કદાચ સાચી સમજ મળશે, જાણીએ શા માટે.
ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારીનું પુસ્તક છે, ’21 લેસન્સ ફોર 21st સેન્ચ્યુરી’. આ પુસ્તકમાં બધા જ પ્રકારની સમસ્યાઓ, વિખવાદો, વિવાદોની વાતો કર્યા પછી, યુવલ અંતે એક જ સલાહ આપે છે કે ધ્યાન ધરો, મેડિટેશન કરો. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને મળેલી સૌથી સારી સલાહ હતી, ‘શ્વાસ પર ધ્યાન આપો’, (યુવલની આ વાતનું અનુસંધાન અંતે જડશે). 2020નું વર્ષ બસ પૂરું થયું જ સમજો. આપણે બનાવેલા પ્લાન્સ કોરાણે મુકાઇ ગયા અને રડતાં, કકળતાં, કંટાળતાં, ગભરાતાં, ચિંતા કરતાં આખું વર્ષ આપણે ઘરનાં કપડાંમાં, લૅપટૉપ્સ સામે અને ઝૂમ કૉલ્સ પર જીવી ગયાં. હજી કશું પણ રાતોરાત બદલાવાનું નથી એ હકીકતથી આપણે વાકેફ છીએ. આ વર્ષે જે શીખવ્યું હશે એ ખરું પણ બહુ લોકોએ એમ કહ્યું કે તેઓ જાત સાથે જોડાયા (એ વાત અલગ છે કે આવું પાછું એમણે સોશ્યલ મીડિયા પર આખા ગામને કહ્યું) તેમને આત્મમંથન કરવાનો સમય મળ્યો. હા એવું થયું જ હશે, થવું જોઇએ અને ખાસ એક વાત તો લોકોએ એમ કહી કે ‘ઓછામાં ચાલે છે, થોડી વસ્તુઓ સાથે પણ જીવી શકાય છે.’ આ એક વાક્ય પર ઊંડો વિચાર કરવો જરૂરી છે.
કોરોના વાઇરસે આખી દુનિયાને સૂમસામ કરી દીધી પછી અર્થતંત્રના કાંગરા ખર્યા અને એવા ખર્યા કે તેમાંથી કળ વળતાં બીજાં પાંચ વર્ષ થઇ જશે. ભલે દેશ-વિદેશની સરકારો આંકડા ફેંકે કે બધું બરાબર છે પણ સત્ય શબ્દોની સંવેદનામાં હોય છે. રાષ્ટ્રો ઇચ્છે છે કે લોકો કામે પાછાં વળગે, ઘણી જગ્યાએ બધું લગભગ હતું એવું થઇ ગયું છે. લોકો કમાવાની ઘટમાળમાં જોતરાવાં માંડ્યાં છે, જો કે વાઇરસનું જોખમ તો ગમે ત્યારે અવાજ મોટો કરીને પોતાનો હાઉ તો યથાવત્ રાખે જ છે. આ બધી વાર્તા કરવા પાછળ જે મૂળ મુદ્દો છે એ છે કેપિટાલિઝમ એટલે કે મૂડીવાદ. વાઇરસને કારણે ખડા થયેલાં સંજોગો મૂડીવાદને પડકારી રહ્યાં છે, લોકોએ વસ્તુઓ વગર ચલાવી લેતા શીખી લીધું છે.
જો કે કશું ધરમૂળથી બદલાયું નથી પણ વાઇરસે આપણી જે હાલત કરી છે એ જોતાં આપણે મૂડીવાદમાંથી પર્યાવરણવાદ તરફ વળવુ જોઇએ ખરું? ગાંધીજી સ્વદેશીની વાત કરતા અને કહેતા કે તમે જ્યાં હો તે વિસ્તારના ૧૦૦ મિટરમાં જે મળતું હોય તેનાથી ચલાવવાનું, જેથી આસપાસનાંને રોજી મળે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય. દુનિયાને તાળાં લાગ્યાં ત્યારે ડાહપણ આપણે મને-કમને જીવવું પડ્યું, ઘણી ચીજો વગર પણ ચલાવવું પડ્યું પણ કોરોના વાઇરસ પછીની દુનિયામાં આપણે આપણી સવલતો જતી
કરવા તૈયાર છીએ ખરાં? જે લોકો સાદગીની વાત કરે છે એ ખરેખર એમાં જીવે છે ખરા? વાઇરસ કાળ દરમિયાન એવા પોલ્સ થયા જેમાં એવું કહેનારા લોકો હતા કે તેઓ ‘નોર્મલ’ તરફ જવા નથી માગતા – તેમને ઓછો ટ્રાફિક, ચોખ્ખી હવા, વર્ક ફ્રોમ હોમ માફક આવે છે, પણ આ પોલ્સનું સત્ય કેટલું નક્કર? મૂડીવાદે આપણને જે સવલતો આપી છે, ઓછા પૈસામાં ઘણું અને 99/- થી 999/-નું જે બજાર કોટે વળગાડ્યું છે એ આપણને માફક આવી ગયું છે. આ સરળતાએ પર્યાવરણની હાલત બગાડી છે.
આ એવું વિષ ચક્ર છે જે આપણને સમજાય તો છે પણ સ્વીકારવાનું ગમતું નથી કારણ કે બીજાની સાદગીને વખાણનારા આપણે આપણી સવલતો જતી કરવામાં માનતા નથી. આવા સંજોગોમાં મૂડીવાદને કોઇ થોભ નથી, બિલકુલ એ જ રીતે જે રીતે લોભને કોઇ થોભ નથી હોતો. પહેલી સમસ્યા તો એ છે કે, સમસ્યા છે એનો સ્વીકાર. આપણે જાત સાથે પ્રામાણિક થવાની જરૂર છે, મૂડીવાદની ચકાચોંધ પાછળ કથળી ગયેલું પર્યાવરણ છે, સસ્તી સવલતોના ઉત્સાહમાં નકામું ઠાલવી રહેલા આપણે પણ અટકતા નથી. ક્લાઇમેટ ચેન્જ પણ મૂડીવાદની જ ભેટ છે પણ એ એટલી ધીમી ગતિએ થતો બદલાવ છે કે તેને ગણતરીમાં લેવાનું ય આપણને જરૂરી નથી લાગતું. દાયકાઓ પછી જે પરિવર્તન આંખ સામે હશે તેની ચિંતા આપણને અત્યારે નથી. જે લોકો સત્તા પર છે એમને માટે ‘વર્તમાન’ જ અગત્યનો છે એટલે મૂડીવાદનું પૅકેજિંગ ચાલતું રહે છે અને તંત્ર હોય કે પર્યાવરણ બધું જ અંદરથી પોકળ થતું જાય છે.
આપણે આપણી ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી માંડીને ઉત્પાદન કરવાની શૈલીઓ, ખેતીની કરવાની રીતો અને પાણીનો ઉપયોગ બધું જ બદલવાની જરૂર છે. આ બદલાવ આગામી દાયકામાં આવશે તો ય આપણે ગ્લોબલ વોર્મિંગમાં કોઇ ફેરફાર કરી શકીશું એની ખાતરી નથી. આપણી પાસે હવે વેડફવવા માટે સમય નથી – કટોકટીની પળ માથે આવીને ઊભી જ છે. કમનસીબે લૂપમાં વાગતાં ગીતની માફક આપણે માણસજાત રસ્તો શોધવાની ભાંજગડ કરીશું તો ખરા પણ નફો મળતો રહેશે, જિંદગી ચાલતી રહેશે, વિચારો અને વાસ્તવિકતાનું અંતર ગ્રાન્ડ કેન્યોનની પર્વતમાળા વચ્ચે છે એવું થતું રહેશે. માત્ર પ્લાસ્ટિકના ઉપયોગ અને કારપૂલથી ક્લાઇમેટ ચેન્જ નહીં અટકે.
એ પ્રશ્ન ઉકેલવા વિશ્વમાં રાષ્ટ્રોને જરૂર છે ‘ગ્રીન લીડર્સ’ની. એવું નેતૃત્વ જેને માટે સત્તાનો સ્વાર્થ અગ્રિમતા ન હોય. શું આપણે બધું જતું કરવાનું? કશું જ અચાનક નથી થતું અને માટે ત્યાગ કરવા કરતાં તેને માટે તૈયાર રહેવું વધારે અગત્યનું છે. આપણે શું એવા નેતૃત્વની પસંદગી કરી શકીએ છીએ જેને માટે પૃથ્વી અને પર્યાવરણ પ્રાથમિકતા હોય નહીં કે મોટામસ ખર્ચાળ પ્રોજેક્ટ્સ જેમાં કોર્પોરેટ્સનું હિત સચવાવાનું હોય. લોકો પણ ડાબેરી અને જમણેરીમાંથી પસંદગી કરે છે, આપણે સમાજને રાજકારણીઓની નજરથી જોઇએ છે, જિંદગીના મેગ્નિફાયિંગ ગ્લાસને હાથમાં ઝાલવાનું યાદ નથી આવતું. માણસ જાતમાં સહિયારી જાગૃતિ આવે તો ફેર પડે, બાકી મેધા પાટકર પણ છે અને ગ્રેટા થેનબર્ગ પણ છે, તો પોતાનું કામ કર્યાં કરે છે અને આપણે આપણી મૂડીવાદી આદતોમાં રાચ્યાં કરીએ છીએ.
બાય ધી વેઃ
જેને માટે મૂડીવાદ જ સર્વોપરી ન હોય તેવો નેતા આપણે શોધી શકીએ ખરા? આપણે, માણસ જાતિ તરીકે પૃથ્વીને બચાવવા માટે માત્ર એક્શન્સમાં નહીં પણ વિચારમાં પરિવર્તન લાવી શકીએ ખરાં? ગાંધીએ જે કહ્યું હતું કે જે બદલાવ જોવા ઇચ્છો છો તે પહેલાં બનો, એ વાક્યની ગંભીરતા સમજી શકીએ ખરાં? ગમે કે ન ગમે, વાસ્તવિકતા એ છે કે મૂડીવાદની સહુલિયત અને સવલતો જતી કરીશું તો જ કદાચ એક સ્થિર અને સ્વસ્થ વાતાવરણ – પર્યાવરણ – ક્લાઇમેટ આપણને મળી શકશે. કોરોના વાઇરસ, ક્લાઇમેટ ચેન્જ અને કેપિટાલિઝમની ત્રિરાશી કેવી રીતે માંડીશું તો બહેતર જિંદગી બની શકશે તેની પર વિચાર કરવો રહ્યો. યુવલ નોઆ હરારીની સલાહ માનીને શ્વાસ પર ધ્યાન આપવાનું રાખીએ તો સાચી સમજ મળશે કારણ કે તો જરા થોભીશું, વિચારીશું, ખમ્મા કરીશું. બાકી તો આ રેસ છે જેમાં જોતરાયેલી જિંદગીઓ માસ્ક પહેરીને અર્ધ મૂર્છિત હાલતમાં જીવાઇને મરી જશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ડિસેમ્બર 2020
![]()


છેલ્લા કેટલાક દિવસોમાં મૅકકેન્ઝી સ્કોટનું નામ વિશ્વનાં ટોચના દાનવીરોની યાદીમાં ચર્ચાતું રહ્યું છે. એમેઝોનવાળા જેફ બેઝોસની પૂર્વ પત્ની મિસ સ્કોટે આ એક જ વર્ષમાં ૬ બિલિયન ડૉલર્સનું દાન કર્યું છે. આમાંથી ચાર બિલિયન ડૉલર્સ તો છેલ્લા ચાર મહિનામાં જ દાન કર્યા છે. દાનેશ્વરી કર્ણને પાછળ પાડી દેવાની હોડમાં હોય એ રીતે મેકકેન્ઝી સ્કોટે પોતાની મિલકતની વહેંચણી અંગે કહ્યું કે આ રોગચાળાએ સંઘર્ષમય અમેરિકાની કમર તોડી નાખી, આર્થિક અને સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો આકરા બન્યા અને આ મહિલાઓ માટે, જુદાં વર્ણનાં લોકો માટે અને ગરીબાઇમાં જીવનારા માટે બહુ કપરો સમય રહ્યો છે, એવા અર્થની પોસ્ટ પોતાના બ્લોગમાં લખનાર મૅકકેન્ઝીએ એમ પણ ટાંક્યું છે કે અબજોપતિઓના ધનમાં તો વધારો જ થયો છે. મૅકકેન્ઝી સ્કોટના દાનથી લાભ મેળવનારાઓની યાદી બહુ લાંબી છે, ૩૮૪ જૂથની પસંદગી આ દાન મેળવવા માટે થઇ હતી. આ યાદીમાં ફૂડ બૅંક્સથી માંડીને, એલ.જી.બી.ટી. કોમ્યુનિટી માટે કામ કરતી સંસ્થાઓ, મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓ વગેરેને સમાવેશ થાય છે. મૅકકેન્ઝી સ્કોટનું નામ વિશ્વના ધનિકોમાં ૧૮માં સ્થાને છે અને તે બને એટલી ઝડપથી પોતાનું ધન દાન કરવા માગે છે. ૫૦ વર્ષની મૅકકેન્ઝી સ્કોટે ૨૦૧૯માં ગિવીંગ પ્લેજ પર હસ્તાક્ષર કર્યા હતાં અને તે અંતર્ગત તેણ વચન આપ્યું કે પોતાની મોટા ભાગની મિલકત દાનમાં આપી દેશે.
સત્તા પર આવ્યાને નરેન્દ્ર મોદીને સાડા છ વર્ષ થયા છે. આટલાં વર્ષોના શાસનમાં હાલમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન મોદી માટેનો સૌથી મોટો પડકાર છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ‘સત્તા મળવાથી પરિવર્તન રાતોરાત થઇ શકે છે’નો ભ્રમ ખોટો સાબિત થઇ રહ્યો છે. બહુમત મળવાથી મતભેદો દૂર નથી થતા, સત્તા હોવાથી લોકો બધું જ સ્વીકારી લે એમ નથી હોતું. નરેન્દ્ર મોદી પાસે શું વિકલ્પ છે? અચાનક જ પસાર કરી દેવાયેલા કૃષિ કાયદાને મામલે દેશમાં વિરોધનો વંટોળ ચાલ્યો છે તેમાં એક તબક્કે રોગચાળાની બીકને કારણે કંઇક અટકશે તેવી અપેક્ષા સરકારને હોય તે સ્વાભાવિક છે પણ એવું કંઇ થયું નહીં. વિરોધનો વંટોળિયો વધારે જોરથી ફુંકાઇ રહ્યો છે. ખેડૂતો સાથેની વાટાઘાટો કોઇ નિષ્કર્ષ પર નથી પહોંચી રહી. આ આખા ય આંદોલનની સરખામણી એન્ટી સી.એ.એ. સાથે ન થવી જોઇએ, એનું સીધું કારણ છે કે સી.એ.એ.ના મુદ્દામાં ભા.જ.પા.નો ભાવતો અને ફાવતો વિષય હતો, ધ્રુવીકરણ, જરૂર પડ્યે ત્યાં કોમવાદ. શીખોને તમે મુસલમાનોમાં ફેરવીને કોઇ બીજો ખેલ ન કરી શકો. છતાં ય ખાલિસ્તાની જમીનનો મુદ્દો ઉછાળવાનો પ્રયાસ થયો, જે ઠાલો અને નિષ્ફળ રહ્યો. સી.એ.એ.ની વિરુદ્ધમાં જે ચળવળ ચાલી તેમાં ડાબેરીઓ અને બૌદ્ધિક જૂથ હતા, જેમને હાંસિયામાં ધકેલી દેવા આસાન હતું, સરકારે તેમની સાથે વાત માંડવાનો પ્રસાય પણ નહોતો કર્યો પણ ખેડૂતોને એમ ટાળી શકાય તેમ નથી. આ તરફ જે પણ આર્થિક બદલાવના પ્રયાસો કેન્દ્ર સરકારે કર્યા છે તેને એક પણ અર્થશાસ્ત્રીએ વખાણ્યા નથી, અર્થતંત્રનો સ્તંભ પોલો થઇ રહ્યો છે તેવા જ અવાજો ઊઠે છે. વળી ‘આફતને અવસરમાં બદલવી’ વાળી જે વાત છે એની ત્રિરાશી કોઇ રીતે આ રોગચાળામાં સાચી મંડાઇ જાય તેવો પ્રયાસ પણ થયો. પણ દાખલાની રકમ જ ખોટી હોય તો સાચો જવાબ ક્યાંથી આવવાનો? ફટાફટ નિર્ણયો લેવાથી કંઇક સારું પરિવર્તન થશે એ ધારણા ખોટી પડી રહી છે. કૃષિ કાયદો અને પછી લેબર લૉઝમાં પણ કંઇ વળ્યું નહીં. હવે આ પરિસ્થિતિમાં મોદીએ શું એ કરવું જોઇએ જે મનમોહન સિંઘે લોકપાલ બિલ ટાણે અણ્ણા હઝારે કર્યુ હતું? તેઓ અણ્ણા સામે ઝૂક્યા, તેમના મુદ્દાને ચર્ચવા સંસદમાં સત્ર યોજ્યું, જે કબૂલવા જેવું લાગ્યું એ કબૂલીને નૈતિકતા અને રાજકીય ભથ્થું હોમી દીધા. યુ.પી.એ.-2નો ગઢ પડી જવા પાછળ અણ્ણા હઝારે એક માત્ર કારણ નહોતા, પણ ગાલાવેલા કૉન્ગ્રેસીઓ પણ આ સરકારને નડી ગયા. આ તો અણ્ણા અને લોકપાલ બિલની વાત થઇ.