પહેલાં મુસલમાનોનો વારો આવ્યો. ત્યારે અમે ચૂપ રહ્યાં.
કારણ કે અમે મુસલમાન ન હતાં.
પછી માનવ અધિકારવાળાનો વારો આવ્યો. ત્યારે અમે ચૂપ રહ્યાં.
કારણ કે માનવ અધિકારવાળાં ન હતાં.
પછી નોટબંધીમાં અમારો વારો પણ આવ્યો. ત્યારે અમે ચૂપ રહ્યાં.
કારણ કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે,
આ તો તમારો નહીં, કાળાં નાણાં ધરાવનારાનો વારો કાઢ્યો છે.
પછી સ્વતંત્ર પત્રકારોનો વારો આવ્યો, ત્યારે અમે ચૂપ રહ્યાં.
કારણ કે અમે સ્વતંત્ર પત્રકાર ન હતાં.
પછી લોકશાહી સંસ્થાઓનો વારો આવ્યો. ત્યારે અમે ચૂપ રહ્યાં.
કારણ કે અમે લોકશાહી સંસ્થાઓ ન હતાં.
પછી શ્રમિકોનો વારો આવ્યો. ત્યારે અમે ચૂપ છીએ.
કારણ કે અમે શ્રમિકો નથી.
હવે …
(અનુસંધાન ભવિષ્યમાં)
જર્મન પાદરી Martin Niemöllerના જગવિખ્યાત એકરાર પરથી પ્રેરિત
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 મે 2020
![]()


લૉક ડાઉન ખૂલી ગયું તેની રાહત કોને ન હોય? સપ્તાહોથી ઘરમાં પુરાયેલાં અનેક લોકો પાછા આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈને પોતાનું-પરિવારનું ક્ષેમકુશળ સાધવા મચી પડશે, તેનો આનંદ પણ ખરો. અમદાવાદ-સુરતના અમુક વિસ્તારો સિવાય રાજ્યભરમાં લૉક ડાઉન હળવું કરવાનો સરકારી નિર્ણય સમજી શકાય એવો છે. તેની પાછળ બે પ્રકારની મજબૂરી કારણભૂત હશેઃ ૧) લૉક ડાઉન રાખીને પણ આપણે કશું ઉકાળી શક્યા નથી. કોરોનાના કેસમાં વધારો જ થતો રહ્યો છે. ૨) આમ ને આમ લૉક ડાઉન ક્યાં સુધી લંબાવ્યા કરવું? હવે ઉઘાડું મૂકી જોઈએ.
હાલની પરિસ્થિતિ અંગ્રેજી શબ્દપ્રયોગ ‘કૅચ-22’ની યાદ અપાવે એવી છેઃ કોરોનાનો પ્રસાર અટકે તો અર્થતંત્ર ચાલુ થાય કે અર્થતંત્ર ફરી પાટે ચડે તો કોરોનાનો ખોફ ઓછો થાય? ત્રણ-ત્રણ લૉક ડાઉન અને ફેરફાર સાથેના ચોથાની તૈયારી પછી સ્વાભાવિક રીતે જ લોકો કંટાળ્યા હોય. સરકારો પણ આફતનું આવડ્યું એટલું મૅનેજમૅન્ટ કર્યા પછી, તેના કાતિલ ચક્રવ્યૂહમાંથી કોઈ પણ રીતે બહાર નીકળવા માટે તલપાપડ હોય. અખબારોમાં છેલ્લા થોડા દિવસથી અમદાવાદના સમાચારોને હકારાત્મકતાના રંગરોગાન સાથે રજૂ કરાતા હોય, તેમાં વળી રૂ. ૨૦ લાખ કરોડના આર્થિક પૅકેજની જાહેરાત ભળે, એટલે આશાનો માહોલ બંધાય – સૌ સારાં વાનાં થશે એવી લાગણી ધીમે ધીમે વ્યાપક બને.