Opinion Magazine
Number of visits: 9447120
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂચિત હાયર એજ્યુકેશન કમિશન વિશે ત્રણ અખબારો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 July 2018

સંસદના ચોમાસુ સત્ર (૧૮ જુલાઈ – ૧૦ ઑગસ્ટ) દરમ્યાન કેન્દ્ર સરકાર યુ.જી.સી.ને રદ્દ કરી તેને સ્થાને હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા – એચ.ઈ.સી.આઈ. લાવવા માગે છે. સરકાર હસ્તક સત્તાના કેન્દ્રીકરણ મારફતે સ્વાયત્તતાનો હ્રાસ કરવાની ગણતરી આ બિલ પાછળ છે. મુક્ત, પુખ્ત અને અભ્યાસમંડિત તેમ નિસબતચાલિત એવી કોઈ પૂરા કદની જાહેર બહસ વગર ઘડિયા લગનની એની મંછા એણે જે અતિ ટૂંકો સમય (પહેલાં ૭ જુલાઈ સુધીનો, અને હવે ઊહાપોહ પછી ૨૦ જુલાઈ સુધીનો) સાર્વત્રિક વિચારણા માટે આપ્યો એના પરથી પણ સમજાઈ રહે છે.

અમદાવાદમાં બુધવાર તા. ૪ જુલાઈના રોજ મીઠાખળી વિસ્તારના લાયન્સ હૉલમાં સૂચિત ખરડા બાબતે રોહિત શુક્લ (પ્રમુખ, ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી, ગુજરાત), રમેશ ચૌધરી (પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ), દિગ્વિજયસિંહ ગોહિલ (મહામંત્રી, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ આચાર્ય મહામંડળ), હરજિતસિંઘ (પ્રમુખ, કૉલેજ આચાર્ય મંડળ) પ્રકાશ ન. શાહ (તંત્રી, નિરીક્ષક) આદિની સામેલગીરી સાથે એક ચર્ચાસભાનું આયોજન થયું હતું. ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટીના ગુજરાત ખાતેના સહમંત્રી કનુ ખડદિયાએ સભાનું સંચાલન કર્યું હતું. સમગ્ર ચર્ચાનો સાર સ્વાયત્તતાની જાળવણી માટેની લાગણીનો તેમ જ લોકસૂચન માટે મુદત વધારવાની માગણીનો હતો.

દરમ્યાન, સહવિચારની સામગ્રીરૂપે અહીં ત્રણ અખબારી ટિપ્પણીઓ ‘અભિદૃષ્ટિ’ના સદ્‌ભાવથી સાભાર ઉતારીએ છીએ.

તંત્રી

સૂચિત વિધેયકઃ અતિનિયમનની સંભાવના

દેશના ઉચ્ચ શિક્ષણમાં સુધારાની બહુ તાતી જરૂર છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. ‘યુનિવર્સિટીઓમાં અધ્યયન-અધ્યાપન, મૂલ્યાંકન અને સંશોધનનું ધોરણ જાળવી રાખવું’ એ આદેશ(મેન્ડેટ)નો અમલ કરવામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન (યુ.જી.સી.) ઊણું ઊતર્યું છે. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિન્ગ્સમાં ભારતના સતત નબળા દેખાવ સહિત અનેક બાબતો આ વાતની સાખ પૂરે છે. એટલે ઉચ્ચ શિક્ષણના સંચાલનને સુધારવાના હેતુથી નવો આયોગ રચવા માટેનું ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા’ વિધેયક દેશની યુનિવર્સિટીઓ માટે અચ્છે દિનનાં એંધાણ આપે એવું બની શકે. એમ પણ બની શકે કે યુ.જી.સી.ની નિષ્ફળતા કરતાં ય વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાય, કારણ કે ૨૮મી જૂને જાહેર જનતાનાં સૂચનો આવકારવા માટે જાહેર કરવામાં આવેલા વિધેયકના મુસદ્દાનો ઝૂકાવ વધારે પડતું નિયમન કરવા કે અંકુશ  રાખવા તરફ છે. 

આ વિધેયકમાં યુ.જી.સી. ધારા-૧૯૫૬ને સ્થાને નવો કાયદો લાવવાનું અને યુ.જી.સી.નું નામ બદલીને ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા’ કરવાનું સૂચન છે. આ નવું નિયમનકારી એકમ યુનિવર્સિટીઓમાં વિદ્યાકીય ધોરણો ઊભાં કરવાં, જાળવવાં અને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અનુદાન આપવાનું કામ કેન્દ્રનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઉપાડી લેશે. નિયમન કરનાર અને નાણાં આપનાર એ બંને એકમોને વિધેયકમાં અલગ રાખવામાં આવ્યાં છે તે નિયમનકારી શાસન વ્યવસ્થા સાથે બંધબેસતી બાબત છે

‘યુનિવર્સિટીઓની સ્વાયત્તતા’નું દેખીતી રીતે સમાવવામાં આવેલું ધ્યેય પણ આવકાર્ય છે. જો કે, આ ધ્યેયને ફટકો પાડનારી બાબત એ છે કે વિધેયકમાં મંત્રાલયને નાણાં વહેંચનારું એકમ બનાવવામાં આવ્યું છે. આપણા દેશની વિદ્યાસંસ્થાઓ સરકારની દખલગીરીથી ક્યારે ય પૂરેપૂરી મુક્ત ન હતી એ વાત ભલે સાચી હોય, પણ નાણાં પર મંત્રાલય સીધો જ અંકુશ રાખે એ જોગવાઈથી સંસ્થાસંચાલનમાં સરકારી દખલગીરીનાં જોખમો અનેકગણાં વધી જાય છે. વળી એક સિદ્ધાન્ત એ પણ છે કે  યુનિવર્સિટી એ એવું સ્વ-નિયમનકારી સ્થાનક છે કે જ્યાં નિર્ણયો સંપત્તિ કે સત્તાના દબાણથી નહીં પણ વિદ્વાનો વચ્ચેના ચર્ચા-વિમર્શ દ્વારા લેવાતા હોય. મંત્રાલય  નાણાં પર સીધો  અંકુશ રાખે એવી જે જોગવાઈ વિધેયકમાં છે તે આ સિદ્ધાન્તની  વિરુદ્ધ છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન રચવા પાછળની પરિકલ્પના એવી હતી કે યુ.જી.સી. સરકાર અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વચ્ચે બફર તરીકે કામ કરનાર એકમ બને. જો કે, આ ધ્યેયની પૂર્તિમાં દરેક સરકારના હસ્તક્ષેપનું વિઘ્ન આવતું રહ્યું છે. સાથે એમ પણ બન્યું છે કે યુ.જી.સી. નામનું જ નિયમનકારી એકમ રહ્યું છે અને યુનિવર્સિટી શિક્ષણનાં કથળતાં ધોરણોને ચૂપચાપ જોતું  રહ્યું છે. નવી નિયમનકારી સંસ્થા દખલગીરી અને મૂંગાપણા વચ્ચેથી માર્ગ કાઢવા ધારે છે. પણ તેમાં એક આદેશ ‘શિક્ષણનાં પરિણામો, સંસ્થાઓના વિદ્યાકીય કામનું મૂલ્યાંકન અને અધ્યાપકોની તાલીમ’ એવો પણ છે. આ આદેશને કારણે નવી સંસ્થા યુનિવર્સિટીઓની નાની નાની સૂક્ષ્મ બાબતોમાં પણ સંચાલન કરવા તકે એવો ડર ચોક્કસ ઊભો થાય છે.

સૂચિત કાયદામાં એવી જોગવાઈ છે કે કેન્દ્ર સરકાર આ કમિશનના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને ‘નૈતિક અધઃપતન’ સહિતનાં કારણો માટે બરતરફ કરી શકે છે. યુ.જી.સી. ધારામાં આવી કોઈ જોગવાઈ નથી. આ મુદ્દો યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની  સરકારની શુભનિષ્ઠા સામે જ સવાલ ઊભા કરે છે. જાહેર જનતા માટે આ મુસદ્દામાં સૂચનો આપવાની છેલ્લી તારીખ સાતમી જુલાઈ છે. છેલ્લી તારીખનો કડક અમલ કરીને સરકાર આ વિધેયકને સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરી શકશે. પણ ઉચ્ચ શિક્ષણના માળખાની ધરમૂળથી ફેરગોઠવણી કરવાના ધ્યેય સાથેના આ વિધેયકમાં ઉતાવળ ન કરવી એ સરકાર માટે વધુ શાણપણભર્યું ગણાશે.

(તા. ૨૯-૦૬-૨૦૧૮ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો તંત્રીલેખ)

*   *   *

સૂચિત વિધેયકઃ યુ.જી.સી.નું નવું  બ્રાન્ડિન્ગ

વૈશ્વિક અર્થતંત્રમાં વિક્ષેપ ઊભો કરનારાં સ્વચાલન (ઑટોમેશન) અને વ્યાપાર ક્ષેત્રે વધતા જતા સંરક્ષણવાદ જેવા પ્રભાવક ટેક્નોલોજિકલ અને રાજકીય પરિવર્તનોની સાથે મેળ પાડીને વિકાસ સાધવા માટેના ભારત માટેનો સૌથી ઉત્તમ માર્ગ શિક્ષણ છે એ હવે સર્વસ્વીકૃત બાબત છે. તેના માટે ઉચ્ચ શિક્ષણની પાયામાંથી ફેરગોઠવણી કરવાની જરૂર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશનની જગ્યાએ નવા ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ રચવા માટેનો ખરડો ભારતના ઉચ્ચ શિક્ષણની કથળતી ગુણવત્તાની સમસ્યા પર ધ્યાન  કેન્દ્રિત કરે છે. સાથે તેમાં  શિક્ષણનાં વધુ સારાં ધોરણો અને શિક્ષણ સંસ્થાઓની સ્વાયત્તતાને પ્રોત્સાહન આપવાના મુદ્દાનો પણ સ્વીકાર કરાયો છે. જો કે, રાજકીય અંકુશો હળવા બનાવ્યા વિનાની સ્વાયત્તતાને સુધારણા ગણી શકાય નહીં. જો કે, યુ.જી.સી.ની જે ખામીઓને  કારણે ઉચ્ચ શિક્ષણ ખોડંગાતું હતું તેમનો ઇલાજ આ આયોગ કરી શકશે કે કેમ એ બાબતમાં ગંભીર શંકા સેવવામાં આવી રહી છે.

ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને અનુદાન આપવાની સત્તા અને તે શિક્ષણની ગુણવત્તા જાળવે તેની તકેદારી રાખવાની જવાબદારી યુ.જી.સી.ને સોંપવામાં આવી હતી. પણ તેનું પરિણામ એ આવ્યું કે યુ.જી.સી.ની કામગીરી બાબુશાહી થકી ચાલતા કેન્દ્રીકરણવાળા વૃથા વ્યાયામ સમી બની રહી. હવે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે અનુદાન આપવાનું કામ ઉપાડી લેવાનું  છે જ્યારે આયોગને મંત્રાલયે સોંપેલાં કામ આ મુજબ છેઃ અધ્યયન-અધ્યાપનનાં પરિણામો સુનિશ્ચિત કરવાં, અધ્યાપન અને સંશોધનનાં ધોરણો ઘડવાં, વિદ્યાકીય કામગીરીનું વાર્ષિક મૂલ્યાંકન કરવું અને સંશોધનને પ્રોત્સાહન આપવું. પણ જ્યાં સુધી નિયમનની નિયમનકારી દેખરેખનાં ધોરણો મુજબ કામગીરી બતાવનારને આર્થિક અને અન્ય પ્રકારનાં પ્રોત્સાહનો આપવાની સત્તા આયોગ પાસે નહીં હોય ત્યાં સુધી તેની અસરકારકતાની સામે સવાલ ઊભો જ રહેશે. જાણે કે આ પાયાની કચાશને દૂર રાખવા માટે મંત્રાલય શિક્ષા કરવાની સત્તા આયોગને આપે છે. તેમાં લાયસન્સ રાજના દિવસોના અતિનિયમનની યાદ આવી શકે.

જે સંસ્થાઓ આયોગનાં ધોરણો અનુસાર કામગીરી નહીં કરે તે બંધ કરી દઈ શકાશે અને તેમના વડાને કેદમાં પણ નાખી શકાશે. પણ આપણે જાણીએ છીએ કે ભય અસલામતીને જન્મ આપે છે અને તે વિકાસને રૂંધે છે. સરકારી હુકમ અને સજા દ્વારા ગુણવત્તા લાદી ન શકાય. હુકમ અને સજાની આ નીતિનાં અનેક ખરાબ પરિણામો હશે. તેમાંથી એક એ હશે કે વિદેશની નીવડેલી શિક્ષણ સંસ્થાઓ ભારતમાં તેમની શાખાઓ ખોલશે નહીં. મૂળ વાત તો એ છે કે સંસ્થાઓને સ્વાયત્તતા આપવી જોઈએ અને બજારની હરીફાઈમાં નિષ્ફળતા પણ અનુભવવા દેવી જોઈએ.

યુ.જી.સી.ને કારણે કેટલી હદે કેન્દ્રીકરણ થયું છે તેનો એક દાખલો ‘નેક’ છે. આ યુ.જી.સી.નું એક્રેડિટેશન અને એસેસમેન્ટ એકમ છે. ગયાં વીસ વર્ષથી અસ્તિત્વમાં હોવા છતાં ‘નેક’એ ૨૦૧૬ સુધીમાં દેશની માત્ર ૪૦ % કૉલેજોનું અને માત્ર ૨૦ % યુનિવર્સિટીઓનું જ ઑડિટિંગ કર્યું છે. એક્રેડિટેશનનું કામ અમેરિકામાં કેટલા ય દાયકાથી સક્ષમ અને સ્વતંત્ર એજન્સીઓને સોંપવામાં આવે છે. તેનાથી સંસ્થાઓનું સતત નિરીક્ષણ-મૂલ્યાંકન થતું રહે છે અને તે નિયમનકારે નક્કી કરેલા ધ્યેય તરફ ઝડપથી આગળ વધતી રહે છે. પ્રોત્સાહનો સાથેનું નિયમન એ ઉચ્ચ શિક્ષણમાં સુધારો લાવવાનો સર્વોત્તમ રસ્તો  છે.

(તા.૦૨-૦૭-૨૦૧૮ના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નો તંત્રીલેખ)

*   *   *

સૂચિત વિધેયકઃ વધુ વિચારણાની જરૂર

કેન્દ્ર સરકારે નવા ઉચ્ચ શિક્ષણ આયોગ માટેના વિધેયકનો જે મુસદ્દો ઘડ્યો છે તેની જોગવાઈઓમાં માનવ સંસાધન વિકાસના વિસ્તરણ અને તેની ગુણવત્તાની દૃષ્ટિએ દૂરગામી નિર્દેશો સમાયેલા છે. આ વિધેયક એવા સમયે આવી રહ્યું છે કે જ્યારે કૌશલ્યઘડતર અને શૈક્ષણિક તકોની સુલભતા અતિશય મહત્ત્વનાં બન્યાં હોય. એટલા માટે વિધેયક અંગે વધુ વિચારણાની જરૂર છે.

દેશમાં ૨૦૧૬-૧૭માં ૮૬૪ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીઓ અને ૪૦,૦૨૬ માન્યતાપ્રાપ્ત કૉલેજો હતી. તેની સામે શિક્ષણમાં પ્રવેશનો આંકડો માત્ર લગભગ ૨૬ % હતો. દેશ આઝાદ થયો ત્યારે આપણે ત્યાં માત્ર ૨૦ યુનિવર્સિટીઓ અને ૫૦૦ કૉલેજો હતી એ હકીકત ધ્યાનમાં લઈએ તો યોગ્ય પરિપ્રેક્ષ્ય મેળવી શકાય.

શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે પણ પ્રયત્નો થતા રહ્યા છે. નિષ્ણાતોની સમિતિઓ રચાઈ છે. સંસદમાં કાયદો ઘડીને ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટેના અલગ એકમ તરીકે યુ.જી.સી.ની રચના પણ થઈ. સુધારાના અનેક પ્રયત્નોમાં શિક્ષણમાં ફેરફારોની ભલામણ થતી જ રહી છે. તેમાં ઉચ્ચ શિક્ષણની સ્વાયત્તતા, સુલભતા, સમાવેશકતા અને સમાન તક પર ભાર મૂકાતો રહ્યો છે. ઉચ્ચ શિક્ષણમાં સુધારાનો પડકાર હવે યુ.જી.સી.ના અનુગામી એવા ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગે ઉપાડવાનો છે. એટલા માટે કેન્દ્રે શિક્ષણજગતના અધ્યાપકો અને એકંદર સમાજને આ વિધેયક પર વિચારપૂર્ણ મંતવ્યો આપવા માટે પૂરતો સમય આપવો જોઈએ.

ઉકેલ માંગતા પાયાના સવાલોમાં એક સવાલ અત્યારે ચાલતી નિયમનકારી સંસ્થાઓને લગતો છે. ઈજનેરી, તબીબી અને કાનૂની શિક્ષણ માટે અલગ અલગ નિયમનકારી એકમો છે. યશપાલ સમિતિએ તે બધાને એક આયોગ હેઠળ લાવવાની ભલામણ કરી હતી. આર્કિટેક્ચર અને નર્સિંગ સહિતના વ્યાવસાયિક શિક્ષણના પ્રવાહોને સમાવવાનો મુદ્દો પણ રહે છે. ધ્યેય તો દરેક શાખામાં એક માનદંડ ઊભો કરવાનું હોવું જોઈએ. આ માનદંડ મુજબ દરેક સંસ્થાને અભ્યાસક્રમોમાં નવપ્રવર્તનો કરવા અને આંતરવિદ્યાશાખાકીય અભ્યાસો માટે પ્રોત્સાહન મળવું જોઈએ. વિધેયકના મુસદ્દામાં વિવાદાસ્પદ નિર્ણય એ છે કે કેન્દ્ર અનુદાન આપવાની સત્તા માનવ સંસાધન મંત્રાલયને કે એક અલાયદા એકમને સોંપી રહ્યું છે. અત્યાર સુધી અનુદાન આપવાનું કામ યુ.જી.સી. કરતું હતું. એ સિવાય પણ તેનાં અનેક કામ હતાં. બધી મર્યાદાઓ વચ્ચે પણ યુ.જી.સી.એ એ તકેદારી રાખી હતી કે અનુદાનને લગતા નિર્ણયોમાં રાજકીય ગણતરીઓ ન હોય. અનુદાનની ફાળવણીમાં સંતુલન અને પારદર્શિતાનો આધાર હવે નવા આયોગની સલાહકાર સમિતિ પર રહેશે. એ સમિતિમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ છે જે આવકાર્ય છે. એને કારણે આયોગને સમવાયતંત્રી સ્વરૂપ મળે છે. જો કે, બધી બાબતોમાં આખરી અવાજ તો કેન્દ્રનો જ રહેવાનો છે, સર્વોચ્ચ એવા આયોગનો પણ નહીં.

વ્યાપક સ્તરે જોઈએ તો, આજે અર્થતંત્રને અસર કરનારાં ઝડપી ટેક્નોલોજિકલ પરિવર્તનોએ ઉચ્ચ શિક્ષણની સામે પડકાર ઊભો કર્યો છે. જરૂરી કૌશલ્ય ધરાવનાર માનવકાર્યબળ ઊભું કરવું જરૂરી બન્યું છે. એટલા માટે ઉચ્ચ શિક્ષણના સુધારામાં નવી સંસ્થા એવી હોવી જોઈએ કે જેમાં કૉલેજો અને યુનિવર્સિટીઓ નવાં પરિવર્તનો સાથે અનુકૂલન સાધવામાં મદદ કરનાર બૌદ્ધિકોનું એક જૂથ હોય. વળી, એ સંસ્થા પાસે જાહેર નાણાંને નવાં ક્ષેત્રો માટે ઉપયોગમાં લેવાની દૃષ્ટિ હોય.

પદવી આપનાર કારખાનાં અને બનાવટી સંસ્થાઓને નાબૂદ કરવા માટે વિધેયકના મુસદ્દામાં હકારાત્મક પ્રયત્ન છે. તેના માટે સંચાલકોની સામે કાનૂની કાર્યવાહી કરવાની અને કેદની સજાની જોગવાઈ આ વિધેયકમાં છે. સુધારા રાજકીય ઇચ્છાશક્તિ માગી લે છે, કારણ કે ગયા ત્રણ દાયકામાં મુક્ત અર્થતંત્રના ધોરણે કેવળ ધંધાદારી ઇરાદાથી શિક્ષણનો ફેલાવો થતો રહ્યો છે.

(તા. ૩૦-૦૬-૨૦૧૮ના ‘ધ હિન્દુ’નો તંત્રીલેખ)

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 04-06

Loading

17 July 2018 admin
← કટોકટી : ઘોષિત, અઘોષિત અને અન્યથા
How do we Promote Peace in India, Today? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved