
પ્રવીણભાઈ જે. પટેલ
અહીં રજૂ કરેલ કાલ્પનિક સંવાદમાં, એક હિંદુત્વવાદી સોક્રેટિસ સાથે ચર્ચા કરે છે, જેમાં તે દલીલ કરે છે કે મુસ્લિમ શાસકોએ ભારત પર આક્રમણ કરીને તથા હિંદુ મંદિરોનો વિનાશ કરીને અમારા ઉપર જુલમ કર્યો હતો. વધુમાં તે જણાવે છે કે બ્રિટિશ સંસ્થાનવાદીઓએ તેમની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિથી બંને કોમો વચ્ચેનું અંતર વધાર્યું હતું, જેનાથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે કાયમી તિરાડ ઊભી થઈ હતી અને ભારતના ભાગલા પડ્યા હતા. વળી તે કહે છે કે, આઝાદી પછી પણ ભારત સાંપ્રદાયિક હિંસાથી ત્રસ્ત છે. હિંદુત્વવાદીની વાત શાંતિથી અને સહાનુભૂતિપૂર્વક સાંભળીને સોક્રેટિસ એક સત્ય શોધક તરીકેની તેમની હંમેશની આદત મુજબ તેના આ બધા દાવાઓને તર્કબદ્ધ પ્રશ્નોત્તરી દ્વારા તપાસે છે. અને તેની માન્યતાઓની ઝીણવટથી સમીક્ષા કરવા તેને પ્રેરે છે.
•••••
પાર્શ્વ ભૂમિ : સ્વર્ગનો શાંત બગીચો. એથેન્સના ફિલસૂફ સોક્રેટિસ આરસની બેન્ચ પર બેઠા છે. અને, તાજેતરમાં જ સ્વર્ગે સિધાવેલ એક પ્રખર હિંદુત્વવાદી ત્યાં આવી ચડે છે.
સોક્રેટિસ : આવો, મારા મિત્ર. જ્યારે મૃત્યુલોકનો માનવી સ્વર્ગમાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે નિશ્ચિંત હોય છે. પણ તમારી ઉપર કોઈ બોજો હોય એવું લાગે છે.
હિંદુત્વવાદી : (ગૌરવ સાથે) બોજો? બિલકુલ નહીં, સોક્રેટિસ! મારા લોકો, મારો ધર્મ, અને મારી સંસ્કૃતિને વિધર્મીઓથી બચાવવા માટે હું જીવ્યો છું એટલે મને સંતોષ છે.
સોક્રેટિસ : (હળવાશથી હસતાં) પોતાના લોકો, પોતાનો ધર્મ, અને પોતાની સંસ્કૃતિનો બચાવ એ તો ખરેખર એક ઉમદા કામ છે. પણ કોના તરફથી તમારી સંસ્કૃતિ ઉપર ખતરો હતો?
હિંદુત્વવાદી : (એકી શ્વાસે, પણ મક્કમતાથી) મુસ્લિમો, સોક્રેટીસ! મુસ્લિમો! સદીઓથી તેઓએ અમારા પર જુલમ કર્યો છે. તેઓએ અમારા ઉપર આક્રમણો અને હુમલા કર્યાં છે. મુસ્લિમ શાસકોએ તેમના શાસનકાળ દરમિયાન અમારા પર ત્રાસ ગુજાર્યો છે. અમારાં મંદિરોને તોડ્યાં છે અને અમારા દેવતાઓનું અપમાન કર્યું છે. વળી અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિએ તો અમારું સત્યાનાશ કરી નાખ્યું. અંગ્રેજોની મદદથી મુસલમાનોએ અમારા રાષ્ટ્રને વિભાજિત કર્યું છે. અમારી આઝાદી પછી પણ સતત ચાલતાં આવતાં કોમી રમખાણોને કારણે અમારો ઇતિહાસ લોહિયાળ રહ્યો છે.
સોક્રેટિસ : (ભ્રમર ઊંચી કરીને) ઓહો…હો…હો! આટલા બધા આરોપો! ચાલો આપણે તે દરેક આરોપ વિષે વિગતે વાત કરીએ. મારા મિત્ર, તમે સૌપ્રથમ ભારતમાં મુસ્લિમ શાસન દરમિયાન તમારા લોકો ઉપર થયેલ જુલમનો ઉલ્લેખ કર્યો. ચાલો પહેલાં એની ચર્ચા કરીએ. આ મુસ્લિમ શાસનમાં તમારી ઉપર કેવા જુલમ થયા હતા?
હિંદુત્વવાદી : સોક્રેટિસ, સાવ સીધી વાત છે. તેઓ આક્રમણખોરો તરીકે આવ્યા, અમારાં મંદિરોનો નાશ કર્યો, અમારી સંપત્તિ લૂંટી, અને તેમના ધર્મને અમારા દેશમાં ફેલાવ્યો. આવા અત્યાચારો પોતાની સંસ્કૃતિને ચાહનાર કોઈ પણ વ્યક્તિ કેવી રીતે સહન કરી શકે?
સોક્રેટિસ : હું સમજી શકું છું. આવી યાદો પીડાદાયક હોય છે. પણ તમે મને કહો, શું તમે ખરેખર માનો છો કે દરેક મુસ્લિમ શાસકે એકમાત્ર ધાર્મિક ઇરાદાથી જ કામ કર્યું હતું? અને શું તેઓ બધા એકસરખા દમનકારી હતા?
હિંદુત્વવાદી : અલબત્ત! અમારો ઇતિહાસ તેમની ક્રૂરતાનાં ઉદાહરણોથી ભરેલો છે. ગઝનીના મહેમૂદનો વિચાર કરો. તેણે અમારાં મંદિરોને લૂંટ્યાં હતાં. પેલા ક્રૂર ઔરંગઝેબે અમારાં અસંખ્ય મંદિરોનો નાશ કર્યો હતો અને કેટલાંક મંદિરો તોડીને તેણે ઉપર મસ્જિદો બાંધી હતી. વધુમાં, તેણે હિંદુઓ પર જીજિયા વેરો પણ નાખ્યો હતો.
સોક્રેટિસ : આ બધાં ઉદાહરણો ખરેખર દુ:ખદ છે. પરંતુ, શું આવા શાસકો સંપૂર્ણપણે ધર્માંધ હતા, કે પછી રાજકીય મહત્ત્વાકાંક્ષા અને આર્થિક લાભ જેવાં અન્ય પરિબળો પણ તેમનાં આવાં કૃત્યો માટે જવાબદાર હતાં?
હિંદુત્વવાદી : હું માનું છું કે કદાચ તેમને સંપત્તિ અને સત્તામાં પણ રસ હતો.
સોક્રેટિસ : આ એક રસપ્રદ મુદ્દો છે. પરંતુ, શું એકલા મુસ્લિમ શાસકો જ યુદ્ધો, આક્રમણ, વિજય, અને લૂંટ કરતા હતા? કે પછી, આપણે ઘણાં સામ્રાજ્યો અને સંસ્કૃતિઓમાં આવું બનેલું જોઈએ છીએ? શું હિંદુ શાસકોએ પણ લડાઈઓ નથી કરી? શું તેમણે પણ લૂંટ-ફાટ નહોતી કરી? અને તેઓએ પણ હારેલા લોકો પાસેથી ખંડણી વસૂલી નહોતી?
હિંદુત્વવાદી : (ખચકાતાં) તે સાચું છે, પરંતુ તેમણે ધાર્મિક કારણોસર મંદિરોનો નાશ કર્યો નથી. તેઓ અમારા દેવતાઓને માન આપતા.
સોક્રેટિસ : તમારી વાત બરાબર છે. પરંતુ, ચાલો આ અંગે વધુ વિચારીએ. શું બધા મુસ્લિમ શાસકો એકસરખા ક્રૂર હતા? શું તે બધા જ હિંદુ મંદિરો અને પરંપરાઓનો સમાન રીતે અનાદર કરતા હતા? દાખલા તરીકે, મુગલ સમ્રાટ અકબરે જીજિયા વેરો નાબૂદ કર્યો હતો અને હિંદુઓ તથા હિંદુ પ્રથાઓને માન આપ્યું હતું. શું અકબર એવો મુસ્લિમ શાસક નહોતો જેણે હિંદુ-મુસ્લિમ વચ્ચે એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ગંભીર પ્રયત્નો કર્યા હતા?
હિંદુત્વવાદી : અકબર કદાચ અલગ હશે. પરંતુ, તે એક અપવાદ હતો. મોટાભાગના ઔરંગઝેબ જેવા હતા. તેઓ તેમની માન્યતાઓ અમારા પર લાદવા માંગતા હતા.
સોક્રેટિસ : તમે કહો છો કે અકબર એક અપવાદ હતો. પરંતુ અકબર ઉપરાંત જહાંગીર અને શાહજહાઁએ પણ સહિષ્ણુતાને ઉત્તેજન નહોતું આપ્યું? વળી, દારા શિકોહે તો તમારા ધર્મગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. અને બહાદુરશાહ ઝફર તો ઈ.સ. ૧૮૫૭માં હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રતીક નહોતો? હિંદુ રાજાઓએ પણ તેને પોતાના નેતા તરીકે સ્વીકાર્યો હતો.
હિંદુત્વવાદી : તમારી વાત સાચી છે. બધા મુસ્લિમ શાસકો ઔરંગઝેબ જેવા હતા એમ કહેવું કદાચ વધારે પડતું કહેવાય.
સોક્રેટિસ : તો શું આપણે ક્યારેક ઉતાવળમાં ધારણાઓ બાંધવાની કે ચુકાદા આપવાની ભૂલ નથી કરતા? અને છૂટાછવાયા કિસ્સાઓ પરથી વધારે પડતા સામાન્યીકરણ (વ્યાપ્તિ) ઉપર કૂદી નથી પડતા? શું આપણે એમ ન માની શકીએ કે કેટલાક શાસકોનાં બૂરાં કાર્યો પાછળ કેટલાક વિશેષ સંજોગો પણ જવાબદાર રહ્યા હશે?
હિંદુત્વવાદી : કદાચ. પરંતુ મંદિરોનો વિનાશ અને તેમની ઉપર બાંધેલી કેટલીક મસ્જિદો આજે પણ તેમની કિન્નાખોરીના પુરાવા તરીકે મોજૂદ છે.
સોક્રેટિસ : બેશક, કેટલાક મુસ્લિમ શાસકોએ હિંદુ મંદિરો તોડ્યાં હતાં. પરંતુ, મને કહો, મારા મિત્ર, શું આવાં કૃત્યો પાછળ હંમેશાં ધર્મ જ એકમાત્ર કારણભૂત પરિબળ હતું? કે પછી તેની પાછળ ધન-દોલત લૂંટવાનો કે જીતેલા લોકો પર તેમની ધાક જમાવવાનો ઇરાદો પણ હતો? શું એવું ન બની શકે કે તેઓ જીતેલા લોકોનાં ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રતીકોને નિશાન બનાવીને તેમને ડરાવવા માંગતા હતા? શું તમારા દેશમાં બુદ્ધો અને જૈનો પણ ફરિયાદ નથી કરતા કે હિંદુઓએ તેમનાં ધાર્મિક સ્થાનોનો નાશ કર્યો હતો?
હિંદુત્વવાદી : (થોભો) મેં આ રીતે વિચાર્યું ન હતું. તમારો મતલબ છે કે મુસલમાનોએ હિંદુ મંદિરોનો નાશ માત્ર ધર્મના કારણે નહીં પરંતુ તેમના વિરોધીઓમાં ધાક જમાવવા માટે કર્યો હતો?
સોક્રેટિસ : ચોક્કસ. ઘણા કિસ્સાઓમાં, મંદિરો માત્ર પૂજાસ્થાનો જ નહીં પરંતુ સંપત્તિ અને રાજકીય સત્તાનાં કેન્દ્રો પણ હોય છે. વિજેતા શાસકો, પછી ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ, ઘણી વાર આવાં પ્રતીકોને નિશાન બનાવીને તેમના પ્રતિસ્પર્ધીઓને ડરાવવાની કોશિશ કરતા હોય છે. શું આ રીતે પણ વિચારવાથી તમે આવાં કૃત્યોનું જુદી રીતે અર્થઘટન ન કરી શકો?
હિંદુત્વવાદી : (વિચારપૂર્વક) હું ધારું છું કે કદાચ તેવી રીતે પણ વિચારી શકાય. પરંતુ, બળજબરીથી કરેલા ધર્માંતરણનું શું? એ તો એમની ધર્માંધતા બતાવે છે.
સોક્રેટિસ : આ એક મહત્ત્વપૂર્ણ સવાલ છે. પણ, શું બધાં ધર્માંતરણો ફરજિયાત હતાં? કે કેટલાંક આવાં ધર્માંતરણો સ્વૈચ્છિક પણ હતાં? શું કેટલાક હિંદુઓએ કઠોર જાતિપ્રથામાંથી બચવા અથવા મુસ્લિમ શાસનમાં કૃપાપાત્ર થવા માટે અથવા સામાજિક કે આર્થિક કારણોસર ધર્માંતરણ કર્યું હોય તેવું ન બની શકે?
હિંદુત્વવાદી : (અનિચ્છાએ) કેટલાક કિસ્સાઓમાં આવું બન્યું હોય તે શક્ય છે. પરંતુ તેથી કરીને બળજબરીથી થયેલાં ધર્માંતરણો માફ કરી શકાય નહીં.
સોક્રેટિસ : ખરેખર, બળજબરીથી થયેલ ધર્માંતરણને માફ ન કરી શકાય. પરંતુ ચાલો આપણે આપણી જાતને પૂછીએ : શું આવાં કૃત્યો ઇસ્લામના ઉપદેશોને અનુરૂપ છે, કે અમુક શાસકોની મહત્ત્વાકાંક્ષાઓને કારણે આમ થયું હશે? શું અમુક પથભ્રષ્ટ લોકોના બહેકાવાથી થયેલ કાર્યો માટે સમગ્ર ધર્મને જવાબદાર ઠેરવવું અન્યાયી નથી?
હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) આ અંગે મેં જે વિચાર્યું હતું તેના કરતાં આ સમસ્યા થોડી જટિલ લાગે છે. મેં તેમને બધાને હંમેશાં ધર્માંધ આક્રમણકારો તરીકે જોયા હતા. પરંતુ, કદાચ કેટલાક મુસ્લિમ શાસકોનાં કુકર્મો માટે અન્ય પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે.
સોક્રેટિસ : મારા મિત્ર, જટિલતા એ ઇતિહાસનો પદાર્થ પાઠ છે. અનેક ઘટનાઓ પાછળ વિવિધ હેતુઓ જવાબદાર હોય છે. શું આવી જટિલતાને સમજવાની કોશિશ કરીને, આપણે ભૂતકાળના ઘા છંછેડવાને બદલે તેને ઠીક કરવાનો માર્ગ ન શોધી શકીએ?
હિંદુત્વવાદી : (શાંતિથી) કદાચ. મારે આ વિશે વધુ વિચારવાની જરૂર પડશે.
સોક્રેટિસ : મારા મિત્ર, ઘણી વખત જે ઉપર ઉપરથી દેખાય છે તે સાચું નથી હોતું.
હિંદુત્વવાદી : તમે શું કહેવા માંગો છો?
સોક્રેટિસ : કેમ વળી, આપણે રોજ જોઈએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. બરાબર? પણ, વાસ્તવિકતા તો અલગ છે. સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આજુ બાજુ ફરે છે. ઘણી વાર બહારનો દેખાવ અને વાસ્તવિક સત્ય અલગ હોઈ શકે છે. તેથી મારા મિત્ર, ઊંડાણપૂર્વક વિચારવું અને આપણી માની લીધેલી ધારણાઓ પર પ્રશ્ન કરવો એ શાણપણનો માર્ગ છે. શું આપણે સાથે મળીને આવું અન્વેષણ કરવાનું ચાલુ રાખીએ? અંગ્રેજોના શાસન કાળમાં તમારા લોકોએ જુલમનો સામનો કર્યો હતો તે વિશે તમે વાત કરતા હતા. તો તે સમયે તમને કઈ તકલીફ પડી હતી?
હિંદુત્વવાદી : સોક્રેટિસ, અંગ્રેજોએ અમારી એકતાને તોડી. તેઓએ હિંદુઓ અને મુસ્લિમોને વિભાજિત કર્યા, અમને એકબીજાની સાથે લડાવ્યા, અને નફરતનો વારસો છોડીને ગયા, જે હજી પણ અમે ભોગવીએ છીએ.
સોક્રેટિસ : ચાલો, આપણે એના વિષે વિચારીએ. જ્યારે તમે કહો છો કે અંગ્રેજોએ “અમને વિભાજિત કર્યા,” ત્યારે આ વિભાજન તેમણે કેવી રીતે કર્યું? શું તમે લોકો અંગ્રેજોના આગમન પહેલાં સંપૂર્ણ રીતે સંગઠિત હતા?
હિંદુત્વવાદી : કદાચ અમે સંપૂર્ણપણે સંગઠિત ન હતા. પરંતુ, અમારી વચ્ચે થોડા-ઘણા પ્રમાણમાં સુમેળ તો હતો. અમે સદીઓથી પ્રમાણમાં શાંતિથી એકબીજા સાથે રહેતા હતા. પણ અંગ્રેજોએ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવીને ફાચર મારી. અને અમારામાં જે થોડા-ઘણા મતભેદો હતા તેનો ફાયદો ઉઠાવ્યો.
સોક્રેટિસ : હઁ, તો અંગ્રેજોના આવતાં પહેલાં પણ તમારા લોકોમાં ભેદભાવ હતો. અને અંગ્રેજોએ તેનો ફાયદો ઉઠાવ્યો. તમે કયા પ્રકારના ફરક વિશે વાત કરો છો–ધાર્મિક, સાંસ્કૃતિક કે આર્થિક?
હિંદુત્વવાદી : બધે બધા! અંગ્રેજોએ ભારતના હિંદુ-મુસલમાનને લઈને બે બિલાડી અને એક વાંદરાની વાર્તા પ્રમાણે વહાલાં-દવલાંની નીતિઓ અમલમાં મૂકી. અમારામાં જે તફાવતો હતા તેને લઈને અમારા લોકોમાં દુશ્મનાવટ પેદા કરી. અને અમને એકબીજા પ્રતિ શંકાશીલ બનાવ્યા.
સોક્રેટિસ : હું સમજી શકું છું. પરંતુ મને કહો, શું અંગ્રેજોએ આ તફાવતો ઊભા કર્યા હતા? કે તેઓએ તમારા લોકોમાં પહેલેથી ચાલતા આવતા તફાવતોને ફક્ત વધાર્યા હતા? શું અંગ્રેજોના શાસન પહેલાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ક્યારેક ક્યારેક તણાવ ઊભો થતો ન હતો?
હિંદુત્વવાદી : (અનિચ્છાએ) હા, ક્યારેક ક્યારેક તણાવ થતો હતો. પરંતુ અંગ્રેજોએ અમારામાં કાયમી વિભાજન કરી નાખ્યું. ઉદાહરણ તરીકે, તેઓએ અલગ મતદાર મંડળો ઊભાં કર્યાં, અને સાંપ્રદાયિક ઓળખને પ્રોત્સાહન આપ્યું.
સોક્રેટિસ : સાચી વાત છે. એંગ્રેજોએ હિંદુ અને મુસલમાનોના અલગ મતદાર મંડળો બનાવીને તમારા લોકોમાં વિભાજન કાયમી બનાવ્યું. પરંતુ ચાલો વિચાર કરીએ : આવી નીતિઓ કેમ સફળ થઈ? જો હિંદુઓ અને મુસ્લિમો ખરેખર પોતાને એક જ પ્રજા તરીકે જોતા હોત, તો શું અંગ્રેજોની આવી નીતિઓ સફળ થઈ શકી હોત?
હિંદુત્વવાદી : (ખચકાતાં) હું માનું છું કે અંગ્રેજોની સફળતા માટે કદાચ અમારા લોકોમાં પહેલેથી જ જે ફાટ-ફૂટ હતી તે કેટલેક અંશે જવાબદાર હતી. પણ અંગ્રેજોએ અમને વેરવિખેર કરી નાખ્યા !
સોક્રેટિસ : કબૂલ. તેઓએ તમારા મતભેદોને વધુ વકરાવ્યા હશે. પરંતુ આપણે આપણી પોતાની જવાબદારીમાંથી ન છટકી શકીએ. શું તમે, એક સમાજ તરીકે, આ વિભાજનનો સંગઠિત પ્રતિકાર કર્યો હતો? કે પછી તમે ક્યારેક પોતપોતાના વ્યક્તિગત અથવા સામૂહિક લાભ માટે આવા ભાગલાને સ્વીકાર્યા હતા?
હિંદુત્વવાદી : (નિસાસો નાખે છે) હું માનું છું કે અમારા કેટલાક નેતાઓ અને જૂથોએ પણ અમારી ફાટ-ફૂટમાં પોતાનો ફાયદો જોયો હતો. પરંતુ તેથી બ્રિટિશરો દોષમુક્ત નથી થતા. તેમણે અમારા લોકોમાં નફરતનાં બીજ રોપ્યાં હતાં.
સોક્રેટિસ : પણ તમે મને કહો, જો કોઈ ખેડૂત ફળદ્રુપ જમીન પર બીજ વાવે, અને તે ફળેફૂલે તો તેની જવાબદારી કોની – ખેડૂતની, જમીનની, કે બંનેની?
હિંદુત્વવાદી : કદાચ બંનેની. પરંતુ, તમે શું કહેવા માગો છો?
સોક્રેટિસ : હું એ સૂચવું છું કે અંગ્રેજોએ તો માત્ર ખેડૂતની ભૂમિકા ભજવી હતી. પણ, તમે લોકોએ તમારામાં રહેલા ભેદભાવને કારણે તેમણે રોપેલાં બીજને ફળદ્રુપ જમીન આપી.
હિંદુત્વવાદી : (વિચારીને) તમારો મતલબ છે કે માત્ર અંગ્રેજો પર દોષનો ટોપલો નાખવાને બદલે અમારે અમારા પોતાના સમાજની કમીઓને પણ જોવાની જરૂર હતી.
સોક્રેટિસ : ચોક્કસ. શાણપણ સમજણમાં રહેલું છે. હિંદુઓ અને મુસ્લિમો શા માટે અંગ્રેજોની સામ્રાજ્યશાહી સામે એક થયા નહીં? શું આપણે આપણા પોતાના પૂર્વગ્રહો, ભય, શંકા-કુશંકા વગેરે વિષે જાગૃત બનીને કંઈક શીખી શકીએ નહીં?
હિંદુત્વવાદી : (ધીમેથી માથું હલાવતાં) વાત તો સાચી છે. પરંતુ આઝાદી પછી પણ અમારું વિભાજન ઘટ્યું નથી. અમે એક-બીજા સાથે લડતા રહીએ છીએ ! શું આ અંગ્રેજોની નીતિઓનું પરિણામ નથી?
સોક્રેટિસ : આ એક વિચાર કરવા જેવો પ્રશ્ન છે. કદાચ એવું ન બની શકે કે તમારા લોકોના ભાગલા તમારા પોતાના સમાજમાંના કેટલાકના હિતમાં કામ કરતા હોય? આખરે, સત્તા મેળવવા કે ટકાવી રાખવા ઘણી વાર ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ઘણા સત્તા- લોલુપ લોકો ઉપયોગી માનતા હોય છે. શું તમારી આઝાદી પછી હિંદુ અને મુસ્લિમ બંને કોમના નેતાઓને તમારા મતભેદો પર ભાર મૂકીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું મુનાસિબ લાગ્યું હશે?
હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) મને લાગે છે કે તેઓએ આમ જ કર્યું છે. પરંતુ હવે અમે તેના વિશે શું કરી શકીએ? નુકસાન તો થઈ ગયું છે.
સોક્રેટિસ : સાચું, ભૂતકાળ બદલી શકાતો નથી. પરંતુ તમે મને કહો, જો પડોશીઓ વચ્ચે દીવાલ બનાવવામાં આવી હોય, તો શું દીવાલ તેના બિલ્ડરને કારણે ટકી રહે છે, કે પછી પડોશીઓ તેને તોડવાનું પસંદ જ નથી કરતા તેથી તે ટકી રહે છે?
હિંદુત્વવાદી : (શાંતિથી) પડોશીઓ તેને તોડવા માંગતા નથી માટે તે ટકી રહે છે.
સોક્રેટિસ : તો, મારા મિત્ર, શું હવે સમય નથી આવી ગયો કે ફક્ત બિલ્ડરને દોષ દેવાનું બંધ કરીને એ દીવાલ તમે જાતે જ તોડી નાખવાનું શરૂ કરો? આજે તમે લોકો તમારા વિવિધ સમુદાયો વચ્ચે વિશ્વાસ અને સમજણ વધારવા માટે શું પગલાં લઈ શકો?
હિંદુત્વવાદી : (લાંબા નિસાસા પછી) કદાચ અમારે એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરવું જોઈએ અને પરસ્પર વાતચીત કરવાનું શરૂ કરવું જોઈએ. અમને જે પરિબળો જુદા પાડે છે તેની ઉપર ધ્યાન આપવાને બદલે અમને કયાં પરિબળો એક કરે છે તે અંગે અમારે સૌએ વિચારવું જોઈએ.
સોક્રેટિસ : મારા મિત્ર, આ એક સમજદારીની શરૂઆત છે. ચાલો આપણે બીજા મુદ્દા પર આવીએ. તમે ભારતના ભાગલા વિશે વાત કરી હતી. હું જાણું છું કે તમારા માટે ઇતિહાસની તે એક એવી કમનસીબ ઘડી હતી જેને કારણે લાખો લોકોને હિજરત કરવી પડી હતી અને અનેકોની કતલ પણ થઈ હતી. પણ, તમે આ વિભાજનનું કારણ શું માનો છો?
હિંદુત્વવાદી : સોક્રેટિસ, મુસ્લિમોની તેમના માટે અલગ રાષ્ટ્રની જીદ જ અમારા દેશના વિભાજનનું કારણ હતું. તેઓ અમારી સાથે શાંતિથી ન રહી શક્યા અને પાકિસ્તાનની માગણી કરીને અમારી સાથે દગો કર્યો.
સોક્રેટિસ : દગો એ એક કઠોર શબ્દ છે, મારા મિત્ર. ચાલો આપણે તેના વિષે વિચારીએ. તમારી દૃષ્ટિએ મુસ્લિમોએ કયાં કારણોસર અલગ રાષ્ટ્રની માંગ કરી હતી?
હિંદુત્વવાદી : તેઓએ એવો દાવો કર્યો હતો કે તેઓ અમારી ઉપર, એટલે કે હિંદુઓ પર, વિશ્વાસ કરી શકતા નથી. અને અમારા ધર્મો અને સંસ્કૃતિ ખૂબ જ અલગ હોવાથી અમારી સાથે તેમનું સહઅસ્તિત્વ શક્ય નથી. એકતાને સ્વીકારવાનો ઇન્કાર એ તેમનો શુદ્ધ સ્વાર્થ હતો.
સોક્રેટિસ : હઁ. તમે કહો છો કે એકતા સ્વીકારવાનો ઇન્કાર. પરંતુ, વિચાર કરો, શું તમારો દેશ તે સમયે ભેદભાવથી મુક્ત હતો? શું હિંદુઓની જાતિપ્રથા આજે પણ લાખો લોકોને સામાજિક ભાગીદારીમાંથી બાકાત રાખતી નથી? જો હિંદુ સમાજમાં જ આવાં વિભાજન અસ્તિત્વમાં હોય, તો શું તે શક્ય નથી કે મુસલમાનોને પણ હિંદુ બહુમતી ધરાવતા રાષ્ટ્રમાં હાંસિયામાં ધકેલાઈ જવાનો ડર હોય?
હિંદુત્વવાદી : (અનિચ્છાએ) કદાચ તેઓ તેનાથી ડરતા હતા. પરંતુ તેઓ શા માટે અમારા પર વિશ્વાસ ન કરી શક્યા? તેઓ અમારી સાથે એક અવિભક્ત રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરી શક્યા હોત.
સોક્રેટિસ : આ એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. પણ મને કહો, મારા મિત્ર, શું બંને બાજુના બધા જ નેતાઓ – હિંદુ અને મુસ્લિમ – ખરેખર પરસ્પર વિશ્વાસ બનાવવાનું કામ કરતા હતા કે પછી કેટલાક નેતાઓ પોતાના સ્વાર્થ માટે બંને કોમો વચ્ચે અવિશ્વાસ વધારવાનું કામ કરતા હતા?
હિંદુત્વવાદી : કેમ, અમારા ગાંધીજીએ તો હિંદુ-મુસ્લિમ એકતા માટે તેમના પ્રાણની આહુતિ આપી હતી. પરંતુ, જિન્નાહ અને મુસ્લિમ લીગે શું કર્યું? શું તેઓ પોતાના સ્વાર્થ માટે અમારા દેશને વિભાજિત કરવાનું રાજકારણ નહોતા રમ્યા?
સોક્રેટિસ : હા, ઝીણા! ભારતના ભાગલાની વિભીષિકાનું તે એક મુખ્ય પાત્ર હતું તેમાં કોઈ શંકા નથી. પરંતુ ચાલો આપણે એક જ માણસનો દોષ જોવા કરતાં એમ વિચારીએ કે તેમની પાકિસ્તાનની માંગને મુસ્લિમોમાં આટલું જબરદસ્ત સમર્થન કેમ મળ્યું? શું આટલા મોટા સમુદાયને ફક્ત એક નેતાની મહત્ત્વાકાંક્ષાઓ દ્વારા ઉશ્કેરી શકાય?
હિંદુત્વવાદી : કદાચ તેમને લાગ્યું હશે કે હિંદુ બહુમતી રાષ્ટ્રમાં તેઓ તેમની ઓળખ ગુમાવશે. પરંતુ, તેઓ એ કેમ ન જોઈ શક્યા કે અમારો કેટલો બધો ઇતિહાસ સહિયારો છે, અને અમારી સંસ્કૃતિમાં પણ કેટલી બધી સમાનતા છે?
સોક્રેટિસ : સમાન ઇતિહાસ અને સંસ્કૃતિ – ખરેખર, એકબીજાને બાંધે છે. પરંતુ મને કહો, શું કેટલાક ઐતિહાસિક ઘા એવા ન હતા જેણે વિભાજનને અનિવાર્ય બનાવવામાં કોઈ ભૂમિકા ભજવી હશે? શું બંને પક્ષના પરસ્પર ડર અને અવિશ્વાસ માટે પરસ્પર સંવાદની નિષ્ફળતા જવાબદાર ન હતી?
હિંદુત્વવાદી : (વિચારપૂર્વક) હું માનું છું કે બંને બાજુએ નિષ્ફળતાઓ હતી. પરંતુ વિભાજનથી લાખો પરિવારો નિરાશ્રિત થયા. તેમણે અપાર યાતનાઓ ભોગવી તે કેવી રીતે ન્યાયી ઠેરવી શકાય?
સોક્રેટિસ : ના, મારા મિત્ર, આવી અમાનવીય વેદનાઓ કદાપિ વાજબી ઠેરવી ન શકાય. પરંતુ શું હિંદુ અને મુસ્લિમ બંને પક્ષો લાંબા સમયથી ચાલતા આવતા તણાવને ઉકેલી ન શક્યા તેનું પરિણામ વિભાજન ન હતું? શું એવું ન બની શકે કે વિભાજન વખતે તમે જે હિંસા અને નફરત જોઈ તે આવી વણઉકેલાયેલી તંગદિલીમાંથી ઊભો થયેલો વિસ્ફોટ હતો?
હિંદુત્વવાદી : (નિસાસો નાખીને) કદાચ એમ પણ હોય. પરંતુ શું વિભાજનથી તે તણાવ દૂર થવાનો હતો? ઊલટાનું તેના બદલે, અમારી દુશ્મનાવટ વધી. આજે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ નફરત છે.
સોક્રેટિસ : તો પછી મારા મિત્ર, આગળનો રસ્તો શું છે? શું તમારે એકબીજા પર દોષારોપણ કરવાનું ચાલુ રાખવું જોઈએ કે ભયને બાજુ પર મૂકીને નવી આશાઓ સાથે નવી શરૂઆત કરવી જોઈએ? શું પરસ્પર સહાનુભૂતિ અને સમજણ આજે પણ, આ ઘા માટેનું મલમ ન બની શકે?
હિંદુત્વવાદી : (શાંતિથી) જ્યારે પીડાની યાદો અસહ્ય હોય ત્યારે સહાનુભૂતિ મુશ્કેલ છે, સોક્રેટિસ.
સોક્રેટિસ : ખરેખર તે અઘરું છે, પણ અશક્ય નથી. મને કહો, મારા મિત્ર, જો આપણે એકબીજાની પીડા સમજવાની કોશિશ નહીં કરીએ તો કોણ કરશે? શું તમારી પીડાનો ઇલાજ એકબીજાનો દોષ જોવાને બદલે બંને બાજુએ માનવીય દૃષ્ટિકોણ અપનાવવાથી ન મળી શકે?
હિંદુત્વવાદી : (લાંબા વિરામ પછી) કદાચ. પરંતુ તે માટે ઘણો સમય લાગશે. ઘા બહુ ઊંડા છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી પણ ભારતમાં વારે તહેવારે હુલ્લડો થતાં રહે છે. અમારા દેશમાં સાંપ્રદાયિક હિંસાનો લાંબો ઇતિહાસ છે.
સોક્રેટિસ : મારા મિત્ર, તમે તમારા વતનમાં થતી સાંપ્રદાયિક હિંસાથી આટલા બધા પરેશાન કેમ છો?
હિંદુત્વવાદી : સોક્રેટિસ, આ રમખાણો એ બતાવે છે કે મુસ્લિમો હંમેશાં અમારા માટે જોખમી રહ્યા છે. તેઓ અમને ઉશ્કેરે છે, અમારા સમુદાયોને નુકસાન પહોંચાડે છે, અને પછી જાણે પોતે પીડિત હોય તેવું નાટક કરે છે. છેલ્લા અનેક દશકાઓથી આવું જ થતું રહ્યું છે.
સોક્રેટિસ : આ તો એક ગંભીર બાબત કહેવાય. પરંતુ તમે શું માનો છો કે આ રમખાણોનું કારણ શું છે?
હિંદુત્વવાદી : કારણ? સોક્રેટિસ, કારણ તો સ્પષ્ટ છે! તેઓ અમારી સંસ્કૃતિમાં ભળી જવાનો ઇન્કાર કરે છે.
સોક્રેટિસ : તમારી વેદના સમજી શકું છું. પરંતુ ચાલો આ અંગે વિગતે વિચારીએ. શું બધાં રમખાણો મુસ્લિમો જ શરૂ કરે છે કે પછી એવા પણ કિસ્સાઓ છે કે જેમાં હિંદુઓએ પણ દિવાસળી ચાંપી હોય ?
હિંદુત્વવાદી : (ખચકાતાં) કદાચ તેમાં અપવાદો છે, પણ તે બહુ ઓછા છે. મોટે ભાગે તો તે અમને ઉશ્કેરે છે.
સોક્રેટિસ : શું તમે આ રમખાણોનો ઇતિહાસ બારીકાઈથી તપાસ્યો છે? શું કોમી હિંસા હંમેશાં ધાર્મિક મતભેદોમાંથી જ પેદા થાય છે, કે પછી ક્યારેક કોઈક ગેરસમજ, આર્થિક તણાવ, ધંધાકીય હરીફાઈ અથવા તો ભાગલા પાડવા માંગતા રાજકીય નેતાઓની ઇરાદાપૂર્વકની ચાલબાજી પણ તેને માટે જવાબદાર હોઈ શકે છે? જેમ કે, ક્યારેક ચૂંટણી જીતવા માટે કેટલાક રાજકારણીઓ ધાર્મિક ધ્રુવીકરણ કરતા હોય છે. તો કયારેક કેટલાક લાલચુ બિલ્ડરોની નજર કોઈક ખાસ પ્રોપર્ટી પર હોય અને તેઓ જાણી જોઈને કોમી ઉશ્કેરણી દ્વારા દંગા ફેલાવતા હોય. ક્યારેક કેટલાક ધાર્મિક નેતાઓનો પણ અંગત સ્વાર્થ આવા ઝગડાઓથી સધાતો હોય છે. તો વળી ક્યારેક બન્ને કોમના લોકોની ધંધાકીય હરીફાઈ પણ આ માટે જવાબદાર હોય છે. અને કેટલાંક અસામાજિક તત્ત્વો તો આવા દંગા-ફસાદનો લાભ લેવા હંમેશાં તૈયાર જ હોય છે.
હિંદુત્વવાદી : (અનિચ્છાએ) મેં સાંભળ્યું છે કે રાજકારણીઓ અને ધંધાદારીઓ આવા તણાવનો ઉપયોગ કરે છે. કદાચ કોઈક ધાર્મિક નેતાઓ પણ ક્યારેક તેમના સ્વાર્થ માટે ગ્યાસતેલ છાંટતા હશે. પરંતુ, મુસલમાનો અમારી સાથે ભળી જવા માંગતા નથી. અમારી સંસ્કૃતિને માન આપવાનો તેઓ ઇન્કાર કરે છે.
સોક્રેટિસ : આ એક ગંભીર મુદ્દો છે. સંવાદિતા માટે આદર ખરેખર જરૂરી છે. પરંતુ મને કહો, જો બંને સમુદાયો એકબીજાનો અનાદર કરે તો હિંસાનું આ ચક્ર કેવી રીતે તૂટી શકે?
હિંદુત્વવાદી : (વિચારીને) મને ખબર નથી. જ્યારે તેમની વસ્તી અને પ્રભાવ વધતો રહે ત્યારે તે અશક્ય લાગે છે. તેઓ અમારા ભવિષ્યને માટે હાનિકારક છે.
સોક્રેટિસ : શું તમને ડર છે કે આ રમખાણો માત્ર વર્તમાનમાં જ નહીં પણ ભવિષ્યમાં પણ હિંદુ ધર્મ માટે મોટા ખતરાની નિશાની છે?
હિંદુત્વવાદી : બરાબર, સોક્રેટિસ હવે તમે સમજ્યા! દરેક હુલ્લડ અમને યાદ કરાવે છે કે તેમના પર વિશ્વાસ કરવા જેવો નથી. તેઓ આવાં તોફાનોનો ઉપયોગ અમને નબળા પાડવા માટે કરે છે. અને કેટલાક ઇતિહાસકારો પણ આ હકીકતનું સમર્થન કરે છે.
સોક્રેટિસ : આ તો એક પરેશાન કરનાર ભય છે. પણ, શું આવો અવિશ્વાસ ફક્ત હિંસક કૃત્યોથી જ વધે છે, કે તે તમારા ઇતિહાસના અર્થઘટનને કારણે પણ વધે છે? શું તમે વિચાર્યું છે કે ઇતિહાસકારો પણ ક્યારેક એકબીજા પ્રત્યેની ધારણાઓને ઘડવામાં મોટો ફાળો આપે છે?
હિંદુત્વવાદી : તમારો મતલબ શું છે?
સોક્રેટિસ : શું ઇતિહાસનાં પુસ્તકો અને વાર્તાઓ હંમેશાં ઘટનાઓને નિષ્પક્ષ રીતે રજૂ કરે છે? કે પછી તેઓ ક્યારેક તેમને મન ગમતી એક બાજુની તરફેણ કરવા માટે કેટલીક વિગતોને તોડી મચેડીને રજૂ કરતા હોય, કે કેટલીક વિગતોને અવગણીને અને બીજી કેટલીક બાબતોની અતિશયોક્તિ કરીને બતાવતા હોય તેવું ના બની શકે ?
હિંદુત્વવાદી : (થોભો) હું માનું છું કે ઇતિહાસ પક્ષપાતી હોઈ શકે છે, પરંતુ હિંસા વાસ્તવિક છે. તમે તેને કેવી રીતે નકારી શકો?
સોક્રેટિસ : મારા મિત્ર, હું હિંસાનો ઇન્કાર કરતો નથી. પરંતુ મને કહો, જો આપણે ફક્ત ભૂતકાળના જખમો પર જ ધ્યાન આપીએ, તો શું તે આપણને એક થવામાં મદદ કરશે કે તે વિભાજનને વધુ ઊંડું કરે છે? શું એ શક્ય છે કે આ રમખાણોમાં હિંદુ અને મુસલમાન બંને ભોગ બનતા હોય? અને તેમને કોઈ પોતાના ફાયદા માટે બે બિલાડીઓની માફક લડાવી રહ્યું હોય?
હિંદુત્વવાદી : (નિસાસો નાખીને) કદાચ બંને સહન કરે છે. પણ મુસલમાનો પોતાનાં કૃત્યોની જવાબદારી કેમ લેતા નથી?
સોક્રેટિસ : જવાબદારી લેવી એ તો એક ઉમદા ગુણ છે. પરંતુ જો દરેક પક્ષ સામાવાળા પહેલું પગલું ભરે તેની રાહ જુએ તો શું સમાધાન ક્યારે ય શક્ય બને? શું સાચી જવાબદારી દોષના વિષચક્રને તોડવામાં અને સમજણ કેળવવામાં નથી રહેલી ?
હિંદુત્વવાદી : (ખચકાતાં) તે આદર્શ લાગે છે, પરંતુ કોમી રમખાણોના ભોગ બનેલા અમારા લોકોને ન્યાય ના મળવો જોઈએ?
સોક્રેટિસ : ન્યાય જરૂરી છે, મારા મિત્ર. પણ મને કહો, શું ન્યાય અને બદલામાં ફરક નથી? અને શું આપણે દોષિતોનાં કૃત્યો માટે નિર્દોષોને સજા આપીને ન્યાય મેળવી શકીએ? શાંતિ પ્રાપ્ત કરી શકીએ? શું અવિશ્વાસથી કે બીજાને દોષ દેવાથી ન્યાય કે શાંતિ મળશે કે પછી બંને સમુદાયો વચ્ચે સમજણનો સેતુ બાંધવાથી?
હિંદુત્વવાદી : (ધીમેથી માથું હલાવતા) ના, નિર્દોષને સજા કરવાથી તો પરિસ્થિતિ બગડે છે. પરંતુ જ્યારે તેઓ વારંવાર અમને નુકસાન પહોંચાડે છે ત્યારે અમે તેમના પર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ ?
સોક્રેટિસ : શું વિશ્વાસ કેળવવા એકબીજાને સાંભળવાની જરૂર નથી? ભૂતકાળમાંથી શીખવાની જરૂર નથી? શું તમારા સહિયારા ભવિષ્યને ઉજ્જવળ બનવવા પર ધ્યાન આપવાની જરૂર નથી?
હિંદુત્વવાદી : (વિચારપૂર્વક) તે જરૂરી છે. પરંતુ, કેટલાક ઘા ખૂબ ઊંડા હોય છે. તેમને ઝડપથી રૂઝવવા મુશ્કેલ હોય છે.
સોક્રેટિસ : ખરેખર, ઊંડા ઘા જલદીથી રૂઝાતા નથી. પરંતુ તમે મને કહો, જ્યારે તમે આવો ખૂની ખેલ સતત ખેલતા રહો તો તે ઘા કેવી રીતે ઝડપથી રૂઝાય? જ્યારે આપણે સહાનુભૂતિનો મલમ લગાવીએ અને વધુ નુકસાન અટકાવવા માટે કામ કરીએ ત્યારે શું ઘા ઝડપથી ન રૂઝાય?
હિંદુત્વવાદી : (થોડા વિરામ પછી) હું તમારી વાત સમજું છું. પરંતુ, સોક્રેટિસ, એક હાથે તાળી ન પડે. બંને બાજુએ ઘણો ડર અને ગુસ્સો છે.
સોક્રેટિસ : સાચું, ભય અને ગુસ્સો તો બહુ નુકસાનકારક છે. પણ શું આવા ભય અને ગુસ્સાને કારણે આપણે આપણામાં ભાગલા પાડવા માંગતા લોકોના હાથા બની જતા નથી? શું ભય અને ગુસ્સા જેવી બૂરી લાગણીઓ પર કાબૂ મેળવવો જરૂરી નથી? અને શું આપણને આપસમાં લડાવીને અને આપણા ભાગલામાંથી ફાયદો ઉઠાવનારાઓ સામે સાચી સમજ પ્રતિકારનું સૌથી મોટું સાધન ન બની શકે?
હિંદુત્વવાદી : (નિસાસો નાખીને) કદાચ. પરંતુ લોકોની વિચારસરણી બદલવામાં ઘણો સમય લાગશે.
સોક્રેટિસ : ખરેખર, મારા મિત્ર, પરિવર્તન ક્યારે ય ઝડપી નથી હોતું. પણ મને કહો, શું તમારી ભાવિ પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આવાં મૂર્ખામીભર્યાં તોફાનોને ડામી દેવાના પ્રયત્ન કરવા યોગ્ય નથી કે શક્ય નથી? શું ભારતના હિંદુઓ અને મુસ્લિમો એટલા પણ સમજદાર નથી કે તેઓ એકબીજાને ધમકી તરીકે નહીં, પરંતુ ન્યાયી અને સુમેળભર્યા રાષ્ટ્રના નિર્માણના સહિયારા કાર્યમાં ભાગીદાર તરીકે જુએ?
હિંદુત્વવાદી : (માથું હલાવતાં) હા, આ એક અનુસરવા જેવું સપનું છે. પરંતુ, રસ્તો ખૂબ મુશ્કેલ લાગે છે.
સોક્રેટિસ : હા, અઘરું જરૂર છે. પણ શું દરેક મહાન યાત્રા પહેલા પગલાથી શરૂ થતી નથી? શું તમે સૌ સાથે મળીને, તમારા ડરને દૂર કરીને, તમારી માની લીધેલ ધારણાઓની સત્યતા તપાસીને, તે પહેલું પગલું ન ભરી શકો? સમય અને પ્રયત્ન, બંને જરૂરી છે, મારા મિત્ર. જ્યાં સુધી આપણે ભૂતકાળને હથિયાર તરીકે વળગી રહીએ છીએ ત્યાં સુધી આપણે તેનો શિક્ષક તરીકે ઉપયોગ કરી શકતા નથી. શું ભારતના હિંદુ અને મુસલમાન બંને સાથે મળીને ભૂતકાળમાંથી શીખવાનું શરૂ ન કરી શકે?
હિંદુત્વવાદી : (ઊંડો વિચાર કરીને) સોક્રેટિસ, તમે મહાન ફિલસૂફ છો એવું મેં પૃથ્વીલોકમાં સાંભળ્યું હતું. પણ આજે તમને રૂબરૂ મળીને હું અનુભવું છું કે તમે ખરેખર મહાન વિચારક છો. તેમ છતાં, હજુ પણ મારા મનમાં કેટલીક ગૂંચવણો છે. કદાચ આપણે ફરી મળીએ ત્યારે તેની ચર્ચા કરીશું.
સોક્રેટિસ : જરૂર, મારા મિત્ર. આપણે ફરીથી મળીએ. ચર્ચા તો નિરંતર ચાલતી જ રહેવી જોઈએ. સંવાદથી જ સમજણ મળે છે. સતત મથામણ કરવાથી જ ક્યારેક સત્યનું ઝાંખું ઝાંખું દર્શન થઈ શકે છે.
આમ એકબીજાને ફરી મળવાનું કહીને હિંદુત્વવાદી અને સોક્રેટિસ બંને છૂટા પડે છે.
૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા-390 002
ઈ-મેલ:pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 04-07 તેમ જ 22-23