ઉત્તર પ્રદેશમાં જે રીતે ગોદી મીડિયાને લતાડવામાં આવી રહ્યા છે, એ જોતાં એમ લાગે છે કે ગોદી મીડિયાનો પ્રભાવ ઘટી રહ્યો છે. આબરૂ તો ક્યારે ય હતી જ નહીં, પ્રભાવ ઘણો હતો જે હવે ઓસરી રહ્યો છે. ત્રણ ઘટનાઓને કારણે ૨૦૨૧ની સાલ ગોદી મીડિયા માટે બહુ વસમી સાબિત થઈ છે.
પહેલી અને સૌથી મોટી ઘટના હતી કોવીડ ઉપદ્રવનો બીજો દોર. આખું જગત ભારતના કોવીડ પેન્ડેમિક મેનેજમેન્ટ વિષે થૂ થૂ કરી રહ્યું હતું, ત્યારે આપણે ત્યાં ગોદી મીડિયા લોકોનું ધ્યાન અન્યત્ર દોરવાનો કે સરકારનો બચાવ કરવાનું કામ કરતાં હતાં. ઉત્તર પ્રદેશમાં ગંગામાં વહેલી લાશોએ શાસકોને નિર્વસ્ત્ર કરી નાખ્યા હતા ત્યારે ગોદી મીડિયા શાસકોનું અંગ ઢાંકવાનો પ્રયાસ કરતાં હતાં. બીકાઉ પત્રકારોને અને તેના માલિકોને એટલું ભાન નહોતું રહ્યું કે સ્વજનનાં મૃત્યુથી મોટી કોઈ હચમચાવી દેનારી ઘટના નથી હોતી.
બીજી ઘટના ખેડૂતોના આંદોલનની હતી. ખેડૂતોનાં સંગઠનો જાણે કે કોઈ સરકારી કર્મચારીઓનાં લેબર યુનિયન હોય અને ખેડૂત એ કોઈ જામી પડેલો કામચોર સ્વાર્થી કર્મચારી હોય એ રીતે ગોદી મીડિયાએ તેમને બદનામ કર્યા હતા. તેમને એ વાતનું ભાન નહોતું રહ્યું કે દેશમાં ખેતી અને ખેતી આધારિત રોજગાર લોકોને જ્યાં સુધી જીવનનિર્વહનનો બીજો સારો વિકલ્પ ન મળે ત્યાં સુધી ટકી રહેવાનું સાધન છે. જેમને બીજો સારો વિકલ્પ મળ્યો પણ છે અને ખેતી અને ગામ છોડીને શહેરમાં ઠરીઠામ થયા છે, એ લોકો પણ ખેતરમાં કાળે તડકે પરસેવો પાડીને કુટુંબને ટકાવી રાખનાર ખેતી અને ખેડૂત બાપને નથી ભૂલ્યા. તેમના થકી તે જીવનમાં થાળે પડ્યો છે એ વાતે તે ઓશિંગણ છે. માત્ર અને માત્ર હિંદુ કોમવાદીઓ અને જન્મજાત બેવકૂફો કોર્પોરેટ કંપનીઓને લાભ કરાવી આપનારા કૃષિ કાનૂનનો બચાવ કરતાં હતા. બાકી જે લોકો મુસ્લિમ વિરોધી છે, જે લોકો કાઁગ્રેસ માટે અણગમો ધરાવે છે અને જે લોકોને એમ લાગતું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની કાયાપલટ કરવાના છે, એવા લોકો પણ ખેડૂતોની સાથે કરવામાં આવેલા અન્યાયને અને મીડિયા દ્વારા કરવામાં આવતા બદનામી જોઇને હેબતાઈ ગયા હતા. એમાં પણ લખીમપુર ખીરીની ઘટના તો બેશરમને પણ શરમાવે એવી હતી, પણ ગોદી મીડિયાએ તેનો પણ બચાવ કર્યો હતો. જગત આખામાં ભારતીય મીડિયાએ બેશરમીની નવી ઊંચાઈ હાંસલ કરી હતી.
ત્રીજી ઘટના ચીનનો ભારતની ભૂમિ ઉપરનો કબજો છે. અક્ષરશ: ચીન ભારતની ભૂમિ ઉપર કબજો જમાવીને બેઠું છે અને ભારતની ભૂમિ ઉપર લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. આખી દુનિયા આ વાત જાણે છે અને તેના વિષે વાત થઈ રહી છે, પણ આપણાં દેશભક્ત મીડિયા માટે એ કોઈ મોટી ઘટના નથી. એક બાજુએ પોતાને દેશભક્તિના ઠેકેદાર તરીકે ઓળખાવે અને સરકારનો વિરોધ કરે તેને દેશદ્રોહી તરીકે બદનામ કરે એ દેશની રક્ષાના પ્રશ્ને લોકોનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ કરે એ લોકોના ધ્યાનમાં ક્યારે ય ન આવે એવું બને ખરું? ભારતના ૯૦ ટકા સૈનિકો ગ્રામીણ ખેડૂત પરિવારમાંથી આવે છે.
આમ પણ અતિને ગતિ નથી હોતી. એવું છે કે જ્યાં સુધી જૂઠાણાં પોતાને ન ગમતા માણસો કે સમાજને બદનામ કરતાં હોય ત્યાં સુધી જૂઠની જાણ હોવા છતાં પણ આપણને વિચલિત નથી કરતાં, જેમ કે રાહુલ ગાંધી, મુસલમાનો, તબલીગીઓ, કાશ્મીરીઓ વગેરે; પણ એ જૂઠાણાં જ્યારે તમારા બાપને બદનામ કરવા લાગે, જ્યારે જૂઠાણાં ગંગામાં વહેતી લાશોનો મલાજો ન રાખે ત્યારે કાળજામાં વાગે છે. ગોદી મીડિયા કોઈની ગોદમાં બેઠા છે અને પૈસા લઈને કઢીચટ્ટું પત્રકારત્વ કરે છે એની જાણ તો હતી જ, પણ આપણને વસમું નહોતું લાગતું જે હવે લાગવા માંડ્યું છે. આને પરિણામે ઉત્તર પ્રદેશમાં ગોદી મીડિયાના પત્રકારો જ્યાં પણ ચૂંટણીના અહેવાલ લેવા જાય છે ત્યાં દરેક જગ્યાએ તેમને લતાડવામાં આવે છે.
પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું ગોદી મીડિયા ગોદમાંથી બહાર આવશે? આનો જવાબ હા અને ના બન્ને છે. જે મીડિયાહાઉસીઝ અંગ્રેજીમાં કહીએ તો સિરિયસ પ્લેયર્સ છે, પત્રકારત્વમાં દાયકાઓથી જામેલા છે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક એમ બન્ને ક્ષેત્રોમાં છે એ ઠાવકાપણાની દિશામાં થોડાં પાછા ફરશે. એને ટકવું છે. વધુ કમાઈને લાંબો સમય ટકી રહેવા માટે ગોદમાં બેઠાં હતાં અને ટકી રહેવા માટે ગોદમાં બેસીને પણ ગોદમાં નથી બેઠા એવો દેખાવ કરશે. જે પત્રકારત્વમાં છેલ્લા એક દાયકા દરમ્યાન આવ્યા છે, જેનાં માલિકો નવશ્રીમંતો કે કોર્પોરેટ કંપનીઓ છે અને જેઓ માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ કામ કરે છે એવાં મીડિયા જ્યાં સુધી ચણ મળતી રહેશે ત્યાં સુધી ચણતા રહેશે. ચવાણું મળતું બંધ થશે ત્યારે દુકાન સંકેલીને જતા રહેશે. તેમને રૂપિયા સિવાય બીજી કોઈ ચીજમાં રસ નથી.
અને હા, ભારતમાં છેલ્લાં બે-ત્રણ વરસમાં ડિજીટલ મીડિયાએ જે પ્રતિષ્ઠા રળી છે એ લાજવાબ છે. પેગાસસ સ્પાઈવેર ‘ધ વાયર’ નામના ડિજીટલ પોર્ટલે ખુલ્લું પાડ્યું છે, જે સરકારને ભારે પડી રહ્યું છે. દેશમાં શું બની રહ્યું છે એ જાણવા માટે દેશના નાગરિકો આવા ડિજીટલ પ્લેટફોર્મનો આશારો લે છે અને ત્યાં તેમને જે કહેવામાં નથી આવતું અથવા જે છૂપાવવામાં આવે છે એની જાણકારી મળી રહે છે. જેમને આંખ ખોલવી છે અને ખુલ્લી રાખવી છે તેમની પાસે વિકલ્પ છે. ગોદી મીડિયા, ખાસ કરીને જેમને સિરિયસ પ્લેયર્સ કહેવાય એવા ગોદી મીડિયા, ભીંસમાં છે એનું આ પણ એક કારણ છે.
આમ પણ ગોદી મીડિયા અને તેમના આકાઓ દ્વારા ગવડાવવામાં આવતા ગરબા ગાઈગાઈને એક દિવસ દયાબહેન (તારક મહેતા ફેમ) પણ થાકે કે નહીં!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ફેબ્રુઆરી 2022