આપણી સામે આજે પ્રશ્નો આટલા છે :
૧. આપણું બંધારણ વાસ્તવિક ભારતને નિરૂપતું બંધારણ નથી, પણ હોવા જોઈતા ભારતને નિરૂપતું બંધારણ છે.
૨. બંધારણ નિરુપિત હોવું જોઈતું ભારત દરેકને પૂરેપૂરું સ્વીકાર્ય છે એવું નથી. કોઈને બ્રાહ્મણોના વર્ચસવાળું સનાતની ભારત જોઈએ છે, કોઈને હિંદુઓની સરસાઈવાળું હિંદુરાષ્ટ્ર જોઈએ છે, કોઈને સામ્યવાદી ભારત જોઈએ છે, કોઈને સમાજવાદી ભારત જોઈએ છે અને કોઈને વળી ભારતની અંતર્ગત દ્રવિડ ભારત, શીખ ભારત વગેરે જોઈએ છે. કેટલાક મુસલમાનોને બંધારણની સમાંતરે ઇસ્લામિક કાયદાઓની પણ આણ જળવાય એવું ભારત જોઈએ છે. એ દરેકને તેમની કલ્પનાના ભારતના નિર્માણમાં ભારતનું વર્તમાન બંધારણ અડચણરૂપ છે. આમ અત્યારે જે લોકો દેશ ઉપર શાસન કરી રહ્યા છે એ લોકોને હિંદુઓના વર્ચસવાળું હિંદુરાષ્ટ્ર જોઈએ છે એટલે તેમને ભારતનું બંધારણ અત્યારના સ્વરૂપમાં સ્વીકાર્ય નથી. ભારતનું બંધારણ હિંદુરાષ્ટ્રની રચનામાં બાધારૂપ છે.
૩. બંધારણનું અર્થઘટન કરવાનું, બંધારણનું રક્ષણ કરવાનું, બંધારણીય ભારતનું રક્ષણ કરવાનું, ભારતના સામર્થ્યહિન અદના આદમીના (નાગરિકના) અધિકારોનું રક્ષણ કરવાનું, ભેદભાવ વિના પ્રત્યેક નાગરિકને ન્યાય આપવાનું કામ ન્યાયતંત્રને અને મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવ્યું છે.
૪. દેખીતી રીતે જે લોકો પોતાની કલ્પનાના ભારતને સાકાર કરવા માગે છે તેમને વર્તમાન બંધારણની સાથે સાથે એ બંધારણનું, બંધારણીય ભારતનું તેમ જ બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરનાર ન્યાયતંત્ર પણ અડચણરૂપ છે.
૫. આખરે માનવરચિત પ્રત્યેક સંસ્થા માનવી જ ચલાવે છે અને એમાં ન્યાયતંત્રનો પણ સામવેશ થાય છે. ન્યાયતંત્રમાં નિયુક્ત થતા જજોની પ્રામાણિકતા, તેમની આવડત, બંધારણ-કલ્પિત ભારત માટેની તેમની પ્રતિબદ્ધતા, તેમની તટસ્થતા, તેમની નીર્વૈરતા અને નિર્ભયતાની ગેરંટી કોઈ ન આપી શકે.
૬. આ સ્થિતિમાં રસ્તો એક જ બચે છે; ચાળીચાળીને જજોની ભરતી કરવામાં આવે, ચાળીચાળીને બઢતી આપવામાં આવે, ચાળીચાળીને જજોને સર્વોચ્ચ અદાલતમાં મોકલવામાં આવે.
૭. પણ આ કરે કોણ? કરવાનો અધિકાર કોને આપવામાં આવે અને ચાળવાની અને પસંદગીની પ્રક્રિયા કેવી હોય? એ પ્રક્રિયા પણ કોણ ઘડે અને કોણ નક્કી કરે?
આપણા દુર્ભાગ્યે કે પછી કદાચ આપણા સદભાગ્યે બંધારણ ઘડનારાઓએ આ પ્રશ્ન ખુલ્લો રાખ્યો છે અને ભવિષ્યની પેઢી પર છોડ્યો છે. આમ કરવા પાછળનું એક કારણ તો એ કે જગતના કોઈ દેશમાં જજોની પસંદગીની અને બઢતીની ક્ષતિરહિત આદર્શ વ્યવસ્થા નથી. જે પણ પ્રક્રિયા અપનાવવામાં આવે એમાં પ્રશ્નો છે. બીજું કારણ એ કે આદર્શ વ્યવસ્થાના અભાવમાં કોઈ એક (એક બાજુ ન્યાયતંત્ર અને બીજી બાજુ સરકાર અને સંસદ અર્થાત્ એક્ઝીક્યુટીવ અને લેજીસ્લેચર)ને અસંતુલિત સત્તા આપવા કરતાં ભલે ખોરવાતું રહે, પણ સંતુલન સારું. ભવિષ્યમાં લડતા ઝઘડતા, પડતા-આખડતા ફરી પાછા સંતુલન મેળવી લેશે. ત્રીજું કારણ એ હશે (અને આ મારું અનુમાન છે) કે બંધારણ કલ્પિત ભારતને હજુ ઘડવાનું છે અને ઘડતર એક એવી પ્રક્રિયા છે જેમાં ઘડનારાઓના હાથ ચુસ્તપણે બાંધી લેવામાં ફાયદા કરતાં નુકસાન વધુ થઈ શકે. વળી ઘડનારાઓ એક નથી અનેક છે અને અનેક સ્તરે છે. દરેકના પોતાના અધિકારો છે અને ફરજો છે. માટે કોઈ એક પક્ષે ધોરીમાર્ગ કંડારી આપવા કરતાં અનેક કેડીઓ કંડારવામાં વધારે સલામતી છે. એ કેડીઓ ક્વચિત મળશે અને ક્વચિત છેદ ઉડાડશે, પણ અસંતુલન પેદા નહીં કરે.
આટલી પૃષ્ઠભૂમિ સમજી લીધા પછી જુઓ શું બને છે! બંધારણ ઘડનારાઓની દૂરદૃષ્ટિ નજરે પડશે.
હજુ તો બંધારણીય ભારત અસ્તિત્વમાં આવ્યું ન આવ્યું અને પ્રશ્ન ઉપસ્થિતિ થયો જમીનદારીનો. ભારતમાં જમીનદારી હતી અને કેટલાક લોકો પાસે હજારો એકર જમીન હતી. બીજું, જમીનદારી એ માત્ર જમીનની માલિકી નહોતી, જમીનદારી એક સામાજિક આર્થિક વ્યવસ્થા હતી જેને સામંતશાહી તરીકે ઓળખાય છે. જમીન ખેડનારા કૃષિ મજદૂરોને પેઢી દર પેઢી ગુલામ તરીકે રાખી શકાય, જમીનની માલિકીનો વારસો પરિવારના માત્ર પુરુષ સભ્યોને જ મળે અને કેટલીક વાર તો માત્ર મોટા દીકરાને જ મળે. આમ જમીનદારને ત્યાં જમીન ખેડનારા મજૂરને થઈ રહેલા અન્યાયની વાત છોડો, જમીનદાર પરિવારનાં સભ્યોને પણ અન્યાય કરવામાં આવતો હતો. માટે જમીનદારી એ જમીનની માલિકીનો પ્રશ્ન નહોતો પણ એ પોતે એક સામંતી વ્યવસ્થા હતી અને દેખીતી રીતે બંધારણ કલ્પિત ભારત સાથે વિસંગત હતી. બંધારણ નિરુપિત ભારતનું નિર્માણ કરવું હોય તો આ જમીનની માલિકીજન્ય સામંતી વ્યવસ્થાનો અંત લાવવો જરૂરી હતો.
હવે બન્યું એવું કે જે તે રાજ્યો જમીનદારી નાબૂદીના કાયદા ઘડવા લાગ્યા અને જમીનદારો તેને અદાલતમાં પડકારવા લાગ્યા. તેમની દલીલ એવી હતી કે જમીનદારી નાબૂદીના કાયદાઓ તો પ્રતિનિધિગૃહો(લેજીસ્લેચર)નાં ઘડેલા કાયદાઓ છે, જ્યારે ભારતના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો તો બંધારણ સભાએ આપેલા છે અને માટે તે વધારે વજન ધરાવે છે. આ દલીલ સાચી છે. બંધારણીય જોગવાઈ અને કાયદાકીય જોગવાઈ વચ્ચે અથડામણ થાય તો કાયદાકીય જોગવાઈ વધારે વજન ધરાવે છે. શ્રુતિ અને સ્મૃતિ જેવો સંબંધ છે. મૂળભૂત અધિકારોમાં સંપત્તિની માલિકીનો પણ સમાવેશ થાય છે.
એમાં કોઈ શંકા નથી કે ભારતના પ્રત્યેક નાગરિકને સંપત્તિના અધિકાર સહિત કેટલાક મૂળભૂત અધિકારો બંધારણે આપ્યા છે, તેને પવિત્ર માનવામાં આવ્યા છે, તેને સુરક્ષિત કરવામાં આવ્યા છે અને તેની સુરક્ષા કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. પણ એ જ સમયે સામંતી ભારત પણ સ્વીકાર્ય નહોતું. જમીનદારો જમીનદારી નાબૂદીના કાયદાઓને ઉપર કહી એવી દલીલોનો આશરો લઈને વડી અદાલતોમાં પડકારતા હતા અને જજો મોટાભાગે તેમની વિરુદ્ધ ચુકાદાઓ આપતા હતા. જજોનો વિવેક કામ કરતો હતો. તેમને જાણ હતી કે મૂળભૂત અધિકારો અદના નાગરિકના રક્ષણ માટે આપવામાં આવ્યા છે, તેની આડમાં સામંતશાહીને પોષવા માટે નથી આપવામાં આવ્યા. પણ એમાં એવું બન્યું કે પટનાની વડી અદાલતે જમીનદારની તરફેણમાં ચુકાદો આપ્યો અને એ પણ મૂળભૂત અધિકારોના સિદ્ધાંતનો આશ્રય લઈને.
એ ચુકાદો કાયદાની એરણે ન્યાયી હતો, પણ એ છતાં અન્યાયી હતો. એ ચુકાદો કાયદાની દૃષ્ટિએ ચુસ્ત હતો, પણ માનવતાની દૃષ્ટિએ અમાનવીય અને પછાત હતો. અન્યાય માત્ર જમીનદારના મજૂરોને જ નહોતો થતો, જમીનદારનાં પોતાનાં પરિવારના સભ્યોને પણ થતો હતો. એ સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પટનાની વડી અદાલતના ચુકાદાથી વ્યથિત થઈ ગયા હતા. તેમણે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું (અને અહીં મૂળ અંગ્રેજી ટાંકવાની લાલચ રોકી શકતો નથી.) : “Somehow, we have found that this magnificent constitution that we had framed was later kidnapped and purloined by lawyers.” નેહરુએ કહ્યું હતું કે આખરે આપણા મહાન બંધારણને વકીલો આંચકી ગયા.
જો પટનાની વડી અદાલતના જજે બીજી અદાલતોના જજોની માફક વિવેક વાપર્યો હોત તો આ ન બન્યું હોત અને બીજું ઘણું બધુ ન બન્યું હોત જે એ ઘટનાને પરિણામે બન્યું અને બની રહ્યું છે. આજે પણ તેના ઓળાથી ભારતનું બંધારણ અને બંધારણ નિરુપિત રાષ્ટ્ર મુક્ત નથી થઈ શક્યું.
એ પછી શું થયું એની વાત હવે પછી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 જાન્યુઆરી 2023