
રવીન્દ્ર પારેખ
આ દેશમાં અનેક રાજાઓ હતા ને મોટે ભાગે તો અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા આવતા ન હતા. બીજી પ્રજાઓ અહીં વેપાર-ધંધા અર્થે આવી ને તેણે જોયું કે અહીં બધું જ છે, નથી તો કેવળ સંપ ! મોગલો, ફિરંગીઓ ને અંગ્રેજો આક્રમણ અર્થે આવ્યા, ત્યારે પણ અહીંની પ્રજા કરતાં તો તેમની સંખ્યા ઓછી જ હતી, છતાં વિદેશીઓ હજારેક વર્ષ આપણને ગુલામ બનાવવામાં સફળ રહ્યા. એ સ્થિતિ આજે પણ બહુ બદલાઈ નથી. પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ વિશ્વભરમાં ફેલાવી શકે છે, પણ તેને ખતમ કરવાનું કોઈને સૂઝતું નથી. ચીન ભારતની સરહદો ભૂંસીને નામચીન થતું રહ્યું છે ને સરકાર છેક હવે સ્વીકારે છે કે ચીને ઘૂસણખોરી કરી છે. POK લઈને રહીશું એવો અવાજ થોડે થોડે વખતે બુલંદ થતો રહે છે, પણ 75થી વધુ વર્ષ થવા છતાં એનું મુહૂર્ત આવતું નથી. થોડા આતંકીઓ ઠાર થતાં હોય, તો પણ યુદ્ધ વગર ભારતીય સૈનિકો શહીદ થતા રહે તે દુ:ખદ છે.
આજે પણ અલગ રાજ્યોની, દેશની માંગ થતી રહે છે. ભાષાનો વિવાદ પણ ગમે ત્યારે માથું ઊંચકે છે. તે ઓછું હોય તેમ ધાર્મિક વિવાદ પણ ગમે ત્યારે ભડકી ઊઠે છે. નાગપુરમાં થયેલી હિંસા ને તે પછી થતો બુલડોઝર ન્યાય છેક ઉત્તર પ્રદેશથી માંડીને ગુજરાત સુધી આવ્યો છે. શાંતિ કદાચ કોઈને જ ખપતી નથી. કોઈ છે જેને રસ છે કે ભડકો થતો રહે. તે થયા પછી બીજો રસ્તો જડી જાય છે, તે જવાબદારી બીજા પર ઢોળવાનો –
ભારત સર્વ ધર્મ સમભાવમાં માને છે. આટલા ધર્મો ને સંપ્રદાયો એટલે છે, કારણ ભારત બિનસાંપ્રદાયિક છે. આ બધું એક આદર્શ તરીકે ગમે, પણ વાસ્તવિકતા એ છે કે ધર્મ છે, તો અધર્મ પણ છે. આચાર છે, તો અનાચાર પણ છે. ધર્મગુરુ દુરાચારી ન હોવા જોઈએ, પણ હોય છે. 29 માર્ચના જ સમાચાર છે કે સાગર સમુદાયના જૈનાચાર્ય સાગરચંદ્રસાગર મહારાજ અને બે જૈન સાધ્વીઓની બીભત્સ તસ્વીરો વાઇરલ થતાં જૈન સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. મુનિને પદભ્રષ્ટ કરીને ફરી સંસારમાં મોકલી દેવાની સમુદાયે જ હિલચાલ શરૂ કરી છે. ગયા ડિસેમ્બરમાં આ તસ્વીરો વાઇરલ થતાં મહારાજ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. મહારાજ તાજેતરમાં પાલિતાણાના જંબુદ્વીપ આરાધના ભવનમાં છે એવી ખબર પડતાં જૈન યુવાનો સંસારી વસ્ત્રો લઈને તેમને પદભ્રષ્ટ કરવા ત્યાં પહોંચતાં ધમાલ મચી ગઈ. પોલીસ પણ હકીકત જાણીને આ મામલાથી દૂર રહેતાં, ગચ્છાધિપતિ નરદેવસાગર સૂરીશ્વર મહારાજે યુવાનોને સમજાવ્યા કે સાગરચંદ્રસાગર મહારાજને દંડ તેમના ગુરુ જૈનાચાર્ય અશોકસાગર મહારાજ જ આપી શકે. અઠવાડિયા પછી આવે તે પછી જ તેઓ નિર્ણય લઈ શકે.
આ સમાચાર અંગે કૈં નક્કી થાય ત્યાં તો ગઈ કાલે જ સમાચાર આવ્યા કે સાગરચંદ્રસાગરની જૈન સાધ્વી સાથેની અશ્લીલ તસવીરો જૈન સાધુઓને બદનામ કરવાનું કાવતરું છે. એ તસ્વીરોની ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરાતાં એવું બહાર આવ્યું કે તસ્વીરો કોમ્પ્યુટર અને AIની મદદથી ઊભી કરવામાં આવી છે. એવું સાગર સમુદાયના ગચ્છાધિપતિ અશોકસાગર સૂરિ મહારાજે જણાવ્યું, એ સાથે જ સુરતની ફોરેન્સિક લેબોરેટરીનો 9 માર્ચ, 2025નો રિપોર્ટ પણ પ્રગટ કરવામાં આવ્યો. આવું એટલે કરવામાં આવ્યું કે મિલકતો બાબતે ટ્રસ્ટીઓ વચ્ચે ઝઘડા ચાલે છે ને એ અંગે જૈન મુનિઓ ટ્રસ્ટને માર્ગદર્શન આપે છે, તો જૈન આચાર્યોને ટાર્ગેટ કરવામાં આવે છે. આ અગાઉ પણ પાલિતાણામાં અઢીદ્વીપ તીર્થમાં હાર્દિક રત્ન મહારાજના ફોટા વાઇરલ કરી તેમને બદનામ કરવાનો પ્રયત્ન થયેલો. સવાલ એ થાય કે આ ટ્રસ્ટીઓ અન્ય ધર્મના છે? પેલા યુવાનો મહારાજને સંસારી બનાવવા પહોંચ્યા તે અન્ય ધર્મના છે? એક જ ધર્મના સજ્જનો સામસામે આવીને ધર્મની આ કેવી સેવા કરે છે? આવું કરવાનું ધર્મ કહે છે?
કોઈ પણ ઘટનાની સચ્ચાઈ જ હવે શંકાસ્પદ છે. એક તબક્કે મહારાજ જવાબદાર લાગે ને તેમને વિષે કોઈ મત દૃઢ થાય ત્યાં તો આખી ઘટના ઉપજાવી કાઢેલી છે એવી વાત બીજે જ દિવસે જાહેર થાય છે. કાલે કોઈ જુદી જ વાત બહાર આવે તો તેની તૈયારી પણ રાખવાની. સાચી વાત એ છે કે સાચું કદી હાથમાં જ ન આવે એ રીતે વાતો બહાર આવે છે ને તે પણ એવી રીતે કે બધું જ સાચું લાગે. એક તરફ ધર્મના લોકો મહારાજને બદનામ કરવા બહાર પડે છે, તો એ જ ધર્મના લોકો બચાવમાં પણ આગળ આવે છે. બીજી તરફ સંતો જ પોતાના ભગવાનને ઊંચે સ્થાપવા એ જ ધર્મના અન્ય ભગવાનોને નીચા પાડવા મથે છે. એથી ભગવાનોને તો ફેર નથી પડતો, પણ એક જ ધર્મના લોકો સામસામે આવી જાય છે એ ખરું. દુ:ખદ એ છે કે આવું સંતો કરે છે. એક જ ધર્મના લોકો વચ્ચે સંપ ન હોય તો અન્ય ધર્મીઓ તો તેનો લાભ ઉઠાવવાના જ છે.
ઉત્તર પ્રદેશના છપૈયા ગામે 3 એપ્રિલ, 1781માં હિન્દુ ધર્મી હરિપ્રસાદ પાંડે અને પ્રેમવતી પાંડેને ત્યાં ઘનશ્યામનો જન્મ થાય છે. એ દિવસે યોગાનુયોગે રામનવમી હતી. એટલે કે ઘનશ્યામના જન્મ પહેલાથી જ રામનવમી તો છે જ ! પિતા પાસેથી ઘનશ્યામ વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત વગેરે શીખે છે. ગુરુ રામાનંદ સ્વામી તેને મહાદીક્ષા આપે છે ને બે નામ આપે છે – સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. રામાનંદ સ્વામીએ જ તેમના ઉદ્ધવ સંપ્રદાયનું ગુરુપદ સહજાનંદ સ્વામીને સોંપતાં જેતપુરની ગાદી પણ સોંપી. એ પછી ઉદ્ધવ સંપ્રદાય સ્વામી નારાયણ સંપ્રદાય તરીકે ઓળખાયો ને સહજાનંદ સ્વામી પછીથી ભગવાન સ્વામિનારાયણ તરીકે પૂજાય છે. એ પછી તો સંપ્રદાય દેશ-વિદેશમાં ઘણો વિકસ્યો. અનેક સેવાકાર્યો માટે સંપ્રદાય હરહંમેશ તત્પર હોય છે, પણ અહીં વાત સ્વામીનારાયણી સંતોની કરવી છે. છેલ્લા થોડા સમયમાં આ સંતોએ હિન્દુ દેવી દેવતાઓ સંદર્ભે જે ટિપ્પણીઓ કરી છે એથી હિન્દુધર્મીઓમાં ને સંપ્રદાયમાં પણ, લાગણીઓ દુભાતી રહી છે.
તાજો જ વીડિયો નિત્ય સ્વરૂપદાસજીનો ફરતો થયો છે, જેમાં કહેવાયું છે કે સ્વામિનારાયણે પહેલાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ બનાવ્યા. થોડા વખત પર સાળંગપુર મંદિરનાં ભીંતચિત્રોમાં હનુમાનજીને, સ્વામી નારાયણને વંદન કરતા બતાવ્યા હતા. વંદન તો પરસ્પર કોઈ પણ કરે, પણ અહીં જે ભાવ હતો તે વંદન કરતાં, ભક્તિનો વિશેષ હતો. વડતાલ સંસ્થામાં જ વિવાદને કારણે ફાંટા પડ્યા. અત્યારે જે BAPS તરીકે ઓળખાય છે તે સંપ્રદાયનો ત્રીજો ખંડ છે. સ્વામિનારાયણે પોતે તો આ ખંડો પાડ્યા નથી કે નથી તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બનાવવાનો દાવો કર્યો, તો સંતો આવી ટિપ્પણી દ્વારા શું મેળવે છે તે નથી સમજાતું. સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં આવું લખ્યું છે, ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ.’ સહજાનંદ પોતે હિન્દુ ધર્મમાં જન્મ્યા હોય ને પોતે કદી ન કરે એવી ટિપ્પણી એમને મોટા કરવા સંતો કરે એમાં ભગવાનની શોભા વધે એવું લાગે છે?
દેખીતું છે કે હિન્દુ સમાજ દુભાય ને ઉશ્કેરાય. તેણે સંતોને માફી માંગવા જણાવ્યું ને દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસજીએ કહેવું પડ્યું કે અમારા સાધુ દ્વારા દ્વારકાધીશનો દ્રોહ થયો છે, તો દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સ્વામી નારાયણ સંતો વતી કરબદ્ધ પ્રાર્થના કરું છું ને અન્ય જે કોઈ પણ સમાજને દુ:ખ પહોંચ્યું હોય તો તેના માટે ક્ષમાપ્રાર્થી છું.
થોડા વખત પર જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતે જલારામ બાપા વિષે એવી ટિપ્પણી કરી કે જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે. આવી ટિપ્પણીથી બાપાને તો કોઈ ફરક પડતો ન હતો, પણ રઘુવંશી સમાજમાં રોષ વ્યાપ્યો. વિવાદ વકરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગીને વીડિયો ડિલિટ કરી દીધો. જો કે, વીરપુરવાસીઓને એથી સંતોષ ન થયો. તેમણે આગ્રહ રાખ્યો કે સ્વામી જ્ઞાનપ્રકાશ જલા બાપાની જગ્યામાં માફી માંગે ને સ્વામીએ પાછલે બારણેથી આવીને માફી માંગવી પડી.
હનુમાન, શંકર વગેરે સહજાનંદ સ્વામીની સેવામાં હોય એવું બતાવીને આ સંતો સિદ્ધ શું કરવા માંગે છે? સ્વામી કદી ન માને એવી વાત એમને નામે ચડાવવાનો કોઈ અર્થ ખરો? એથી હિન્દુઓ તો નારાજ થાય જ છે, સ્વામી ભક્તો પણ રાજી નથી થતા. જ્ઞાનવત્સલ સ્વામી મહંત સ્વામી હોંગકોંગમાં હતા ત્યારે સિટીમાં રહેતા એક હરિભક્તને મળવાની વાત કરતાં કહે છે કે ટ્રાફિકથી બચવા એરપોર્ટ પાસેની હોટેલમાં જ રોકાયા. 25-30માં માળેથી મહંત સ્વામી પડદો ખસેડીને ઓફિસો-કંપનીઓમાં ચાલતાં કારભાર સંદર્ભે કહે છે કે આ લોકોને એમ જ છે કે દુનિયા અમે જ ચલાવીએ છીએ. પછી પોતાની તરફ આંગળી કરતાં મહંત સ્વામી કહે છે કે એમને ખબર નથી કે અનંત કોટિ બ્રહ્માંડનું સંચાલન તો અહીંથી થાય છે. જ્ઞાનવત્સલ સ્વામી જેવા ગુરુનો મહિમા કરવા આવું કહે એનું આશ્ચર્ય જ છે. મહંત સ્વામી આવું ન બોલે. બોલ્યા હોય તો ઠીક નથી. બ્રહ્માંડનું સંચાલન તેમના દ્વારા થતું હોય તો ટ્રાફિકથી બચવા એરપોર્ટ પાસે ન રોકાય, સિટીમાં જ જાયને !
આવી વાતો ઉપજવાઈ હોય એમ બને, પણ કહેવાનું એ છે કે આપણે સત્ય અને સંપને મરડી રહ્યા છીએ. સંતો શિક્ષિતો પણ છે ને તે અવાસ્તવિક ટિપ્પણીઓથી શું પ્રાપ્ત કરે છે તે અકળ છે. આનાથી ધર્મ કે સંપ્રદાયને શો લાભ થાય છે તે પણ સમજાતું નથી. આ ધર્મપ્રચાર પણ નથી. આવી પરપોટા ફોડવા જેવી પ્રવૃત્તિ અનેક રીતે, અનેક ક્ષેત્રોમાં ચાલે છે ને એમાં નિંદારસનો આનંદ મળતો હશે, પણ સરવાળે એ ધર્મને, સંપ્રદાયને હાનિ કરે છે. આપણો કેટલો બધો સમય આવા મિથ્યા પ્રલાપોમાં જ જાય છે ને છેડો મનદુખમાં કે માફીબાફીમાં જ આવે છે. આ એવું નથી કે એનાથી બચી ન શકાય. કદાચ આપણે માની લીધું છે કે ધર્મને નામે કોઈને પણ મૂર્ખ બનાવી શકાય છે, અથવા તો એવું ધારી લીધું છે કે સત્ય આપણે પક્ષે જ છે ને એ માન્યતા જો અહંકારમાંથી આવી હોય તો એ પણ માની લેવાનું રહે કે સત્ય સામે પક્ષે હોવાની શક્યતાઓ વધુ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 માર્ચ 2025