Opinion Magazine
Number of visits: 9448929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરહદપારના મિત્રો સાથેનાં સંભારણાં

આરતી નાયર|Opinion - Opinion|19 August 2022

કૅરેબિયન ટાપુઓ, પાકિસ્તાન, ચીન અને ગાઝાના સહાધ્યાયીઓ સાથે ગોઠડીનાં સંભારણાં

“જા સિમરન જા, જી લે અપની ઝિંદગી!” એ ડાયલૉગ લગ્ન કરવા માટે ભાગેલી યુવતીના સંદર્ભમાં ન બોલાયો હોત, તો મારી લંડન-યાત્રા માટે એ બરાબર બંધબેસતો હતો. આ લખી રહી છું ત્યારે લંડનમાં હું માસ્ટર્સ કરવા ગઈ તેને પાંચ વરસ પૂરાં થઈ ચૂક્યાં છે. વચ્ચે એક મહામારી પણ આવી ગઈ છતાં એ દિવસોનો રોમાંચ મારા મનમાં તાજો છે. સગાંવહાલાં અને મિત્રોથી દૂર જવાનું હતું એટલે હું થોડી ભાવુક જરૂર હતી, પણ મનમાં જરા ય સંકોચ ન હતો. મારે જીવનના નવા પાઠ શીખવા હતા, નવી સંસ્કૃતિઓ વિશે જાણવું હતું, અનેક લોકોને મળવું હતું અને નવા મિત્રો બનાવવાના હતા. એ વરસમાં મારે મારી મર્યાદાઓ સાથે પનારો પાડવાનો હતો.

આજીવન કોઈ એક જ દેશ કે શહેરમાં રહેવાને કારણે તેના અનુભવોનું અદૃશ્ય પોટલું પણ સાથે આવતું હોય છે. તમારું દર્શન એક દેશ પૂરતું મર્યાદિત રહે છે. મને સમજાયું કે ક્લાસમાં હોઉં કે કૉલેજની બહાર, હું સતત મારો દેશ શું છે અને શું નથી તેની ભાંજગડમાં રહેતી. આ લેખ લંડનમાં એક ભારતીય તરીકે, એક સ્ત્રી તરીકે અને એક વ્યક્તિ તરીકે મને જે કંઈ સમજાયું તે વિશેનો છે.

કપરા દિવસોમાં આસપાસ નજર કરી જુઓ

૨૦૧૮ના અંત ભાગમાં હું ભણવા માટે બ્રિટન આવી. પહેલા મહિના દરમિયાન હું લંડન શહેરની બહાર એક સ્થાનિક ગુજરાતી પરિવાર સાથે રહેતી હતી. બીજે રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમની સાથે રાખવાની ઉદારતા તેમણે દાખવી હતી. એ દિવસોમાં હું બે પાઉન્ડ (આશરે રૂ. ૧૮૦) બચાવવા માટે જાહેર પરિવહનમાં જવાને બદલે ચાલી નાખતી. હું નોકરી શોધી રહી હતી, પણ તે એટલું સહેલું નહોતું. એમાં ને એમાં એક દિવસ થાકી-કંટાળીને મારા બધા જ નિર્ણયો પર હું શંકા કરવા લાગી: મારે આ દેશમાં આવવાની શી જરૂર હતી? અને શા માટે હાડમારીઓ વેઠી રહી છું?

લંડનમાં મારો એક મિત્ર હતો. એ કઝાખસ્તાનનો હતો. હું એને ડેની કહેતી હતી. એ કાયમ ખુશમિજાજમાં રહેતો. મિથુન ચક્રવર્તીનું ‘જિમી, જિમી’ ગીત ગાઈને એ મને પણ આનંદમાં લાવવા કોશિશ કરતો. ખબર નહીં કેમ, પણ ‘જિમી, જિમી’ કઝાખસ્તાનમાં સૌથી જાણતાં હિંદી ગીતોમાંનું એક છે. તેણે મને કઝાખસ્તાનના લગ્નપ્રસંગોમાં હિંદી ગીતો પર નાચતા લોકોના વીડિયો પણ બતાવ્યા હતા. મને એ જોઈને બહુ રમૂજ થઈ હતી ને ગમ્યું પણ હતું.

એક દિવસ કૉલેજમાં લંચ-બ્રેક વખતે મેં ડેની આગળ બધો બળાપો ઠાલવ્યો: રૂપિયાનું સતત અવમૂલ્યન, બ્રિટનનું ઠંડુંગાર અને ઉદાસીપ્રેરક હવામાન અને રોજ દિવસના છેડે લાગતો થાક … તે શાંતિથી જમતાં જમતાં હકારમાં ડોકું ધુણાવતો રહ્યો. ત્યાર પછી અમે એક કૅનાલની પાળે પાળે ચાલવા લાગ્યાં. ત્યારે તેણે કહ્યું કે તેણે કઝાખસ્તાન છોડ્યું ત્યાર પછી તરતના અરસામાં દેશની બૅન્કિંગ વ્યવસ્થા ભાંગી પડી હતી. મને ખબર હતી કે તે સરકારી શિષ્યવૃત્તિ પર ભણતો હતો. એટલે ભાંગેલી બૅન્કિંગ વ્યવસ્થાની તેની પર માઠી અસર પડી હશે. તેની શિષ્યવૃત્તિનાં નાણાં અટવાઈ ગયાં હતાં અને તે મળશે કે નહીં એ પણ નક્કી ન હતું. એ નાણાંનું શું થયું તેનો કોઈ સરખો જવાબ આપતું ન હતું. હું જાણતી હતી કે તે મધ્યમવર્ગીય પરિવારનો હતો અને મારી જોડે, નહેરના કિનારે ચાલતાં ચાલતાં સ્વસ્થતાથી તેના દેશના રાજકારણ અને બૅન્કિંગમાં પડેલા ભંગાણ વિશે વાત કરી રહ્યો હતો. તેની વાતમાં “શું કરીએ?” એ સવાલ નહીં, ફક્ત ઉદ્‌ગાર હતો.

મહિલાઓને શું જોઈએ?

લંડનના એક બગીચામાં વિના મૂલ્યે ચાલતા તાઇ-ચીના વર્ગ ભરીને હું મારી સાથી વિદ્યાર્થિનીઓ–મિત્રો તનિશા અને ક્રિસ્ટીના સાથે લંડનની વિખ્યાત લાલ ડબલ ડેકર બસમાં પાછી ફરી રહી હતી. આ બસો ઘણી વાર સાઇકલ કરતાં પણ ધીમી ચાલતી હોય છે. આ તબક્કે એટલું કહી દઉં કે લંડન હું કોઈ કારણ વિના આવી હોત અને ફક્ત ક્રિસ્ટીના-તનિશાને મળી હોત તો પણ મારું લંડન આવવું વસૂલ થઈ જાત. બંને જણ કૅરેબિયન ટાપુઓનાં રહેવાસી હતાં : જમૈકા અને મોન્સેરાટ. ભારતની જેમ આ બે ટાપુઓ પણ અંગ્રેજી સંસ્થાનવાદનો ભોગ બન્યા હતા અને કાળા લોકોની બહુમતી ધરાવતા હતા. કઈ વાત કરતાં એ તો યાદ નથી, પણ અમારી પોતપોતાના દેશમાં મહિલાઓની સ્થિતિ વિશે વાત નીકળી.

આરતીઃ  દેખાવથી કે બોલચાલથી કે અજાણપણે સુધ્ધાં, પુરુષોને ઉશ્કેરવામાં સ્ત્રીઓની ભૂમિકા વિશે ભારતમાં હજુ સવાલો કરવામાં આવે છે. આ પ્રકારની મુસીબતમાંથી બચવું એ સ્ત્રીનું લક્ષ્ય હોય છે. સ્ત્રી પબમાં હોય કે ટૂંકાં કપડાં પહેર્યાં હોય તો તમને પુરુષને ઉશ્કેરવા બદલ જવાબદાર ગણી શકાય છે. જો કે, બાળકીઓની અને પૂરાં કપડાં પહેરેલી મહિલાઓની છેડતી તથા તેમની પર થતા બળાત્કાર વિશે એ લોકોને શું કહેવાનું હશે તે સમજાતું નથી.

ક્રિસ્ટીના : કૅરેબિયન ટાપુઓમાં મહિલાઓની જાતીયતા સરેઆમ હોય છે. અમને મન થાય એવાં કપડાં અમે પહેરીએ. અમારું સુંદર શરીર સંપૂર્ણપણે અમારી મરજીને આધીન હોય છે. લગ્ન તો અમારા મનમાં સૌથી છેલ્લે આવતી ચીજ છે. ઘણાં યુગલો પંદર-વીસ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી લગ્ન કરવાનું કે છૂટાં પડવાનું નક્કી કરે છે. દરમિયાન તેમને સંતાનો પણ થયાં હોય છે. આટલી મોકળાશ હોવા છતાં, હું પબમાં ડાન્સ કરતી હોઉં તો મારી મરજી જાણ્યા વિના કોઈ મારી પાસે આવીને ડાન્સ શરૂ કરી શકે.

આરતી :  ગમે તે માણસ? અને તને પૂછ્યા વિના?

તનિશા : હા. એમની માનસિકતા એવી હોય છે કે હું ડાન્સ કરું છું, મતલબ કે તેમની સાથે ડાન્સ કરવામાં પણ મને વાંધો નહીં હોય.

ક્રિસ્ટીના : પણ એવું રોકવાનો સૌથી સહેલો રસ્તો ખબર છે? એને કહી દેવાનું કે હું સિંગલ નથી અને કોઈની સાથે ડેટિંગ કરું છું કે પરણેલી છું. આ એકદમ સાદો અને અહિંસક ઉપાય છે, જે જાહેરમાં મોટા ભાગના પુરુષો માટે અકસીર નીવડે છે.

તનિશા : ખરી વાત છે. ક્યારેક મને ગુસ્સો ચડે ત્યારે હું દલીલો પણ કરું, “ના, મારો કોઈ બૉયફ્રૅન્ડ નથી. તેમ છતાં મને તારામાં રસ નથી.” તેમને આ સમજાતું નથી. એ કહે છે, “તો પછી તને વાંધો શું છે, છોકરી? કોઈ બૉયફ્રૅન્ડ નથી તો મને શું કામ ના પાડે છે?”

આરતી : ઓહો, આ તો લાગે છે એટલી મોકળાશવાળું નથી.

એક પાકિસ્તાની સાથેની પહેલી મુલાકાત

આપણને કાયમ પાકિસ્તાનીઓ પ્રત્યે નફરત કરવાનું શીખવવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકાર, પાકિસ્તાની લશ્કર, પાકિસ્તાની આતંકવાદી અને પાકિસ્તાનના સામાન્ય માણસ વચ્ચે ભેદ પાડવાનું આપણે ભૂલી ગયાં છીએ. એમાં ય કેટલાંક તો ભારતીય મુસલમાનોને પણ આમાં જોડી દે છે. ઉદારમતવાદી ભારતીયોને પાકિસ્તાન મોકલી દેવાનું કહેવામાં આવે છે. મારા લંડનના રોકાણ દરમિયાન એવા વીડિયો પણ જોવામાં આવ્યા, જેમાં પાકિસ્તાનના ઉદારમતવાદીઓને ભારત જતા રહેવાનું કહેવાતું હોય.

લંડન જતાં પહેલાં મારા મનમાં ‘દક્ષિણ એશિયાઈ’ તરીકેની ઓળખ સ્થાપિત થઈ ન હતી. પણ ધોળા લોકો અને મોટા ભાગના લંડનવાસીઓ માટે હું દક્ષિણ એશિયાઈ હતી. હકીકતમાં, દક્ષિણ એશિયાના ચાર લોકોને તમે જુઓ તો તેમાંથી કોણ કયા દેશનું છે એ કહી શકાય નહીં. મને તો કદી એ ખબર પડતી નહીં. આપણે એટલાં સરખાં લાગીએ છીએ. એટલું ઓછું હોય તેમ, ઉર્દૂ સાંભળવામાં લગભગ હિંદી જેવી જ લાગે અને બાંગ્લાદેશીઓ મોટે ભાગે બાંગ્લામાં વાત કરતા હોય.

પાકિસ્તાનીઓ ઉર્દૂમાં વાત કરે અને ભારતીયો હિંદીમાં, તો ત્રીજા પરદેશી માણસને ખ્યાલ ન આવે કે આ બે અલગ ભાષાઓ છે. આવી વાત કરતી વખતે, વર્તમાન સમયના તકાદાને ધ્યાનમાં રાખીને, એટલી સ્પષ્ટતા કરવી પડે કે હું ત્રાસવાદ નજરઅંદાજ કરવાનું કહેતી નથી. ‘બધા જ પાકિસ્તાનીઓ મૈત્રીપૂર્ણ હોય છે’ કે પછી ‘એ બધા જ ત્રાસવાદીઓ હોય છે’ — એવું કશું હું સૂચવતી નથી. કોઈ પણ દેશના બધા લોકો ક્યારે ય સારા કે ખરાબ હોતા નથી.

મારા ઘરની નજીક આવેલો ફાસ્ટ ફૂડનો સ્ટોર લાહોરથી આવેલા કેટલાક લોકો ચલાવતા હતા. આખા લંડનમાં સૌથી સોંઘાં જમવાનાં ઠેકાણાંમાં કદાચ તે આવતું હશે. ત્યાં જઈને વાત કરવાની પણ મઝા આવતી. પરંતુ વર્ષ ૨૦૧૮ સુધી મેં કદી કોઈ પાકિસ્તાનીને જોયા ન હતા કે તેમને મળી ન હતી. એક વાર હું મિત્રોને લઈને ત્યાં જમવા ગઈ ત્યારે એ સ્ટોરવાળા ભાઈએ સાવ મામૂલી રકમ પણ કાર્ડથી ચૂકવવા દીધી. મેં એમને કહેલું, “પ્લીઝ ભૈયા, લે લો ના!” તેમણે સ્મિત સાથે મારી સામે જોઈને કહ્યું, “અબ ભૈયા બોલા હૈ તો ના કૈસે બોલું?” જેમના પ્રત્યે કેવળ નફરત રાખવાનું શીખવવામાં આવ્યું હોય એવા સમુદાયનો માનવીય ચહેરો જોઈને ધિક્કારઝુંબેશોની નિરર્થકતા સમજાય. મારી પાકિસ્તાની મિત્ર ભારતથી મંગાવેલા કુર્તા પહેરતી અને પાકિસ્તાન માટે બૉલીવુડનું કેટલું મહત્ત્વ છે તેના વિશે ક્લાસમાં પ્રેઝન્ટેશન આપતી હતી. એ જોઈને મને રોમાંચ થતો હતો. ક્લાસમાંથી બહાર નીકળ્યા પછી અમારાં એક તુર્ક પ્રૉફેસરને ગૂંચવવાની બહુ મઝા આવી હતી. એ અમને બંનેને સારી રીતે ઓળખતાં હતાં. તેમણે અમને પૂછ્યું, “એક મિનિટ, તમે બંને કઈ ભાષા બોલો છો?” તરત મેં કહ્યું, હિંદી અને મારી બહેનપણીએ કહ્યું, ઉર્દૂ. અને અમારાં પ્રૉફેસર ચકરાવે ચડી ગયાં.

‘મેડ ઇન ચાઇના’ માણસો સાથે મુલાકાત

મારા ક્લાસમાં અડધોઅડધ વિદ્યાર્થીઓ ચીનના હતા. જો કે તેમની આટલી સંખ્યાની કશી નકારાત્મક અસર પડતી નહીં. ઊલટું, આટલા મોટા પ્રમાણમાં હોવા છતાં તે આશ્ચર્યજનક રીતે શાંત હતા અને તેમની હાજરી જરા ય વરતાતી નહીં. બ્રિટનમાં યુનિવર્સિટીઓ ચર્ચાવિચારણા અને સંવાદ માટે હોય છે. અધ્યાપકો ભણાવે ખરા, પણ વિદ્યાર્થીએ ક્લાસમાં જતાં પહેલાં સંદર્ભસાહિત્યનાં પચાસ-સો પાનાં વાંચવાં પડે. ખરું શિક્ષણ ક્લાસરૂમની ચર્ચા થકી જ આગળ વધે. અસંમતિ હોય તો પણ શાંતિથી શી રીતે વાત સાંભળવી એ ત્યાં શીખવા મળે. દુનિયા બહુ મોટી છે અને તમે તથા તમારો દેશ એનો નાનકડો હિસ્સો છો, એ પણ સમજવું-સ્વીકારવું પડે.

પરંતુ ચીની વિદ્યાર્થીઓ ચર્ચામાં ભાગ્યે જ ભાગ લે. આકરી ચર્ચામાં ઊતરવાની વાત તો દૂર રહી. સક્રિયપણે ચર્ચામાં ભાગ લઈને મારા દેશ વિશેના ટીકાત્મક દૃષ્ટિકોણ રજૂ કરનાર વ્યક્તિ તરીકે મને ચીનના વિદ્યાર્થીઓથી અકળામણ થવા લાગી. મને થયું કે ચીની વિદ્યાર્થીઓ સિવાયના બીજા લોકો તેમની સંસ્કૃતિ, સમાજ અને દેશ વિશે બધું સરેઆમ બોલે છે, ત્યારે ચીની વિદ્યાર્થીઓ સગવડપૂર્વક ફક્ત મૂક સાક્ષી બની રહે છે. કેટલાક ચીની વિદ્યાર્થીઓ બોલકા હતા, પણ તે તેમની સરકાર કે રાજકારણના વિરોધમાં હરફ પણ ન ઉચ્ચારે.

તેમાં સંપન્નપણાનો અને તેમાંથી પેદા થતા વિશેષાધિકારનો પ્રશ્ન પણ હતો. કેટલાક ચીની વિદ્યાર્થીઓ એટલા સમૃદ્ધ હતા કે તેમની આસપાસ થતો અન્યાય તેમને દેખાય જ નહીં. દક્ષિણ એશિયામાં મીડિયા કલ્ચર વિશેના એક ક્લાસમાં એક નિષ્ણાત બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ વિશે વાત કરતા હતા. સસ્તી મજૂરી ધરાવતા દેશોમાં બાંગ્લાદેશનું સ્થાન મોખરે છે. ત્યાં કામ કરતા લોકોને ખરાબમાં ખરાબ માનવીય પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. બાંગ્લાદેશમાં કામ કરનારા કેટલા ઓછા મહેનતાણામાં, કેવી ખતરનાક પરિસ્થિતિમાં અને હદ બહારનો શ્રમ કરે છે તેના વિશે સંશોધનાત્મક લેખો લખાયા છે અને દુનિયામાં હોબાળો પણ મચતો રહ્યો છે. મહિલા કામદારોનું જાતીય શોષણ પણ થાય છે. આ બધાના અંતે તૈયાર થતી ચીજો પર મોંઘાં લેબલ લાગે છે અને તે દુનિયાભરમાં જાય છે – ખાસ કરીને બ્રિટન જેવા પહેલા વિશ્વના દેશોમાં લેટેસ્ટ ફૅશનનાં કપડાં તરીકે. તેમના માટે વપરાતો શબ્દ છે : ફાસ્ટ-ફૅશન. એટલે કે ઝડપથી બદલાતા પ્રવાહોને પહોંચી વળવા માટે જથ્થાબંધના હિસાબે અને સસ્તા ભાવમાં ઝડપથી પેદા થતી ચીજો. બ્રિટનની કેટલીક નામી બ્રાન્ડ્ઝની આ મામલે ટીકા થયેલી છે, પણ વાત તેનાથી આગળ કદી વધી નથી.

ક્લાસ પછી યુનિવર્સિટીના શટલમાં ઘરે જવા નીકળી ત્યારે એક ચીની સહાધ્યાયી આવીને મારી પાસે બેઠી અને ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં કહ્યું (તેનું અંગ્રેજી બીજાં ચીની છોકરાંછોકરીઓ જેવું ફાંકડું ન હતું), “તને આ કોર્સ કેવોક ગમે છે?” મેં કહ્યું, “આકરો છે, પણ મને ગમે છે. ઘણું શીખવાનું મળે છે.” તે થોડી ક્ષણો મૌન રહી. પછી કહે, “મને તો બહુ ગૂંચવાડો થાય છે.”

“એટલે તને કોઈ મુદ્દો સમજવામાં તકલીફ થાય છે?” મેં પૂછ્યું.

“ના, મને તો લાગે છે કે હવે મને ઘણી સમજ પડે છે. પણ કેવી રીતે જીવવું, આટલી બધી માહિતી સાથે કેવી રીતે આગળ વધવું, શું ખરીદવું–શું ન ખરીદવું, એવી બહુ મૂંઝવણ થાય છે. મારાં કપડાં પર પણ કોઈના લોહીના ડાઘ છે.” એ પોતાનું દુઃખ છુપાવવા સહેજ હસી. મેં તેને મૂક આશ્વાસન આપ્યું.

મારાં ચીની સહાધ્યાયીઓ લોકશાહી વાતાવરણમાં ઊછર્યાં નથી અને ચર્ચા કે વાદવિવાદ તેમના ઉછેરનો હિસ્સો નથી, એ તો હું સમજતી હતી. પણ એ સ્થિતિ કેટલી ગંભીર છે તેનો પૂરો ખ્યાલ કોર્સના છેલ્લા દિવસે આવ્યો. છેલ્લા લેક્ચર પછી અમારા પ્રિય પ્રૉફેસર અમને જમવા માટે લઈ ગયા. તેમણે બધાંને પૂછ્યું, પણ તેમને ખબર હતી કે થોડાંક લોકો જ જોડાશે. અમે ફક્ત સાત વિદ્યાર્થીઓ હતાં અને બધાં જુદા જુદા દેશનાં. એ સાંજ બહુ મઝાની હતી. અમે પોતપોતાના દેશનાં ખાણીપીણી, સંસ્કૃતિ, ધર્મ, જાતીયતા જેવા ઘણા મુદ્દે વાત કરી. સાતમાંથી એક ચીની છોકરો હતો. તેને હું એક વર્ષથી ઓળખતી હતી. એકાદ અસાઇન્મેન્ટમાં તે મારી સાથે હતો. તેની સાથે દોસ્તી થઈ છે એવું માનીને એક વાર મેં તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ વિશે પૂછ્યું હતું. પણ તેણે કહ્યું, “સૉરી, ઇન્સ્ટાગ્રામ બહુ અંગત કહેવાય.” મેં તેને કંઈ કહ્યું નહીં, પણ મનમાં થયું, “ના, તે અંગત નથી. તેનું નામ જ સોશિયલ મીડિયા છે.”

પણ તે સાંજની વાત જુદી હતી. તે સાંજે બધાં પોતપોતાનાં માનસિક આવરણો અને બખ્તરો ધીમે ધીમે ફગાવી રહ્યાં હતાં. અમને જમવા લઈ જનારા પ્રૉફેસરના ક્લાસમાં ઉગ્ર ચર્ચાઓ થતી. તે સાંજે યોગ્ય સમય જોઈને તેણે ધીમેથી કહ્યું, “ચીની વિદ્યાર્થીઓ ક્લાસમાં ચૂપ રહે છે તેનાથી તમને બધાંને વિચિત્ર લાગતું હશે. મને ખાતરી છે. પણ અમારા માટે બોલવાનાં પરિણામ કેવાં ખતરનાક હોઈ શકે તેનો તમને અંદાજ નથી. અમે એવી સમજ સાથે જ રહીએ છીએ કે અમારામાંથી એક કે વધુ વિદ્યાર્થીઓ સરકારી જાસૂસ હોઈ શકે છે અને અમે ક્લાસમાં જે કહીએ તે સતત સરકારને પહોંચતું હશે. તેનાથી અમે ગંભીર મુસીબતમાં પણ મુકાઈ શકીએ. આમ પણ, અમે પાછાં દેશમાં જઈશું એટલે અમારો સઘન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. બ્રિટનમાં અમારું બ્રેઇનવૉશિંગ તો નથી થયું ને, તેની તપાસ કરવામાં આવશે.”

એ સાંભળીને અમે સૌ હચમચી ગયાં. ત્યાર પછી મારા મનમાં હજાર સવાલ પેદા થયા, પણ મેં તેને પૂછ્યા નહીં. તેને પૂછવાનું મને ઠીક ન લાગ્યું. હા, એટલું થયું કે તે સાંજ પછી ચીની વિદ્યાર્થીઓ માટે મારા મનમાં રહેલી ચીડ અને અણગમો દૂર થઈ ગયાં. મને તેમના માટે સહાનુભૂતિ થઈ.

રમૂજોમાં ભળ્યો ઘેરો રંગ

એ પરિવર્તન ક્યારે થયું તે યાદ નથી. પણ લંડનમાં મારી રમૂજોમાં થોડો ઘેરો રંગ ભળી ગયો – ખાસ કરીને ધોળા લોકોના વિશેષાધિકારો વિશે વાત કરવાની હોય ત્યારે.

ધોળો અંગ્રેજ સહકર્મી : તારું અંગ્રેજી બહુ સારું છે – હકીકતે, મારા અંગ્રેજી કરતાં પણ સારું.

હું : 200 વર્ષની ગુલામી ને ઉપર 70 વર્ષ. એનું પરિણામ છે.

(સ્વાભાવિક છે કે આ રમૂજ પર કોઈ હસ્યું નહીં.)

અસંવેદનશીલતાઃ રંગદ્વેષનો પ્રકાર

લંડનમાં થોડા ધોળા લોકો સાથે મારો પરિચય થયો. એ બધાં સરસ માણસો હતાં. આપણા મનમાં છાપ હોય એવાં તોછડાં, ઉદ્ધત, રંગદ્વેષી કે બ્રૅક્ઝિટમાં માનનારાં નહિ. છતાં, કેટલાક સંજોગોમાં તેમના પ્રતિભાવ બીજા જેવા જ રહેતા.

હું : ફેબ્રુઆરી 2020માં હું પરણવાની છું.

ધોળા પરિચિતો : અચ્છા? તું છોકરાને કદી મળી છું ખરી? એને સહેજસાજ પણ ઓળખે છે?

અંગત રીતે મને લાગે છે કે સવાલ ક્યારે ય રંગદ્વેષી હોતો નથી. એ કેવી રીતે પુછાય છે અને તેની પાછળનો આશય શો છે, તેના પરથી રંગદ્વેષ નક્કી થાય છે. મને જ્યારે પણ આ સવાલ પુછાતો ત્યારે તેની પાછળ એવી માન્યતા કારણભૂત હતી કે ઘણી બધી ભારતીય કન્યાઓ છોકરાને જોયાજાણ્યા વિના જ તેમની સાથે પરણી જાય છે. તેમને મન એ જ સચ્ચાઈ હતી.

સાથી કર્મચારી : આરટી (મારું નામ ત્યાં આ રીતે બોલાતું), તારી પાસે બ્રિટિશ પાસપૉર્ટ છે?

એ બહેનને ખબર હતી કે હું ભારતથી માસ્ટર્સ કરવા આવી છું. લંડન ભારતીયોની મોટી વસતી ધરાવતું એવું પચરંગી શહેર છે કે ત્યાં રહેનારને આટલી સાદી વાત ખબર ન હોય એ પણ અસંવેદનશીલતા ગણાય. જો કે, થોડા વખત પછી ચામડી જાડી થઈ જાય એટલે આવી બધી ચીજો તુચ્છ લાગવા માંડે.

મારી સમસ્યાઓની ક્ષુલ્લકતા

નાએલ વિશેની મારી પહેલી છાપ એવી હતી કે તે વિશિષ્ટ અંદાજમાં અંગ્રેજી બોલતો અને પોતાના મનમાં જે હોય તે કહી નાખતો છોકરો હતો. બીજા શું વિચારશે એની તેને પરવા ન હતી. તે હંમેશાં તેને જે લાગે તે કહેતો. એક વાર એક પ્રૉફેસરે તેને ‘નેઇલ’ (નખ) તરીકે બોલાવીને તેના નામની ગમ્મત કરી, ત્યારે પણ તે હતોત્સાહ થયો નહીં. હું એને ‘નીલ’ જેવા ભારતીય નામથી બોલાવતી.

અમારી વચ્ચે વાતો થતી રહેતી, પણ વર્ષ દરમિયાન ક્યારે ય નિરાંતે બેસવાનું થયું નહીં. અમારું ડેઝર્ટેશન જમા કરાવી દીધા પછી એક દિવસ મેં તેને શાંતિથી કૉફી પીતાં પીતાં વાતો કરવાનું આમંત્રણ આપ્યું. એ તરત તૈયાર થઈ ગયો.

વચ્ચે થોડી પૂર્વભૂમિકા આપી દઉં : ૨૦૧૯ના ઑગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ્દ થયા પછી ઘણી હિંસા થઈ હતી. ત્યાં ફોન અને ઇન્ટરનેટ સહિતની પાયાની સુવિધાઓ બંધ કરીને તેને બાકીની દુનિયાથી અળગું પાડી દેવામાં આવ્યું હતું. તે વાતો આંતરરાષ્ટ્રીય સમાચારોમાં ચમકતી હતી. નીલે મને કાશ્મીર વિશે પૂછ્યું હતું અને ત્યાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે મેં તેને કહ્યું હતું, “કાશ્મીર મુદ્દો ખૂબ જટિલ છે. ટૅક્સ્ટ મેસેજમાં સમજાવી શકાય એવો નથી. ક્યારેક મળીએ ત્યારે વાત.”

અમે મળ્યાં કે તરત એણે પૂછ્યું, “તો હવે તું મને કાશ્મીર વિશે કહીશ?” એની આંખોમાં જિજ્ઞાસા છલકતી હતી. કલમ ૩૭૦ વિશે મેં ઠીક ઠીક વાંચ્યું હતું, કેટલાંક કાશ્મીરી મિત્રોને પણ ઓળખતી થઈ હતી, અને ત્યારે થયેલાં પરિવર્તનો વિશે પણ જાણકારી હતી. છતાં, મારે કબૂલવું જોઈએ કે હું તેને આખી સમસ્યાનો નાનકડો હિસ્સો જ સમજાવી શકી.

“તો … ગાઝાનું શું છે? હવે તું ગાઝા વિશે વાત કર.” મેં એને કહ્યું. એ ગાઝાનો હતો.

“શું જાણવું છે?”

ગાઝાની ગંભીર સ્થિતિ અને ઇઝરાયલ સાથેના તેના સંઘર્ષ વિશે હું થોડું જાણતી હતી. મને એટલી ખબર હતી કે એ વાતો આનંદદાયક કે રોમાંચક ન જ હોય. છતાં, મને ફરી આવો મોકો ક્યારે મળવાનો? એમ વિચારીને એને પૂછ્યું, “ગાઝામાં જિંદગી કેવી હોય છે?”

“ડગલે ને પગલે અનિશ્ચિતતાઓથી ભરેલી. ગાઝા-ઇઝરાયલ સંઘર્ષ વિશે તું કેટલું જાણે છે એની મને નથી ખબર.” પછી તેણે સરળ ભાષામાં શી રીતે સત્તાધારી પક્ષોની ધાર્મિક અને અહંકારી રમતોનો ભોગ સામાન્ય નાગરિકો શી રીતે બને છે તથા તેના કારણે સામાન્ય નાગરિકો શી રીતે માર્યા જાય છે, તે સમજાવવાનું શરૂ કર્યું. “શક્ય છે કે તમે ઘરેથી નીકળો, પણ જીવતા પાછા ન આવી શકો. અરે, આખેઆખાં ઘરોને પણ બૉમ્બથી ઉડાવી દેવાય છે. તમે ક્યાં ય સુરક્ષિત નથી.”

“આ પરિસ્થિતિને કારણે તારી રોજિંદી જિંદગીની કઈ બાબત પર સૌથી વધારે અસર પડે છે?” સવાલ પૂછતાં મારા અવાજમાં થોડો કંપ ભળ્યો હતો. 

“અમારા જીવનમાં લાંબા ગાળાના આયોજન જેવું કશું હોતું નથી, બહુ તો પંદર દિવસ. એટલે લગ્ન કે એવા બીજા પ્રસંગો માટે કશું આગોતરું આયોજન થઈ શકતું નથી. ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે ને એ પૂરું ન થાય ત્યાં લગી તમારી બધી યોજનાઓ અટવાઈ પડે.”

અમે મળ્યાં તેના થોડા દિવસ પછી ટ્વિટર પર એની એક પોસ્ટ જોવામાં આવી હતી. તે મોટે ભાગે અરબીમાં લખતો હોય છે અને હું તેનો ગૂગલમાં અંગ્રેજી અનુવાદ કરીને વાંચતી હોઉં છું. મને ન સમજાય તો મેસેજથી એને પૂછી પણ લઉં. જો કે તે દિવસે કશી ચોખવટ કરવાની જરૂર ન પડી. તેણે લંડનના આકાશ વિશે લખ્યું હતું કે તેમાં કાયમ કોઈ ને કોઈ વિમાન ઊડતું હોય છે.

એ તો મેં પણ જોયું હતું. ક્યારેક ઊંઘ ન આવે ત્યારે હું પથારીમાં પડી પડી વિમાનો ગણીને સમય પસાર કરતી હતી. દર બે-ત્રણ મિનિટે એકાદ વિમાન આવે.

પણ નીલે ટ્વિટર પર કંઈક આવું લખ્યું હતું :

“ગમે ત્યારે લંડનમાં આકાશ તરફ નજર કરો અને એકાદ વિમાન નજરે ચડે જ. ક્યાંક જતું અથવા ક્યાંકથી આવતું. લંડનમાં આવ્યાને એક વરસ થઈ ગયું છે, પણ હજી હું વિમાનોના અવાજોથી ગભરાઈ જાઉં છું. સામાન્ય રીતે લોકો માટે વિમાનનો અર્થ હોય છે, રજાઓમાં ફરવા જવું અથવા જીવનમાં કોઈ નવા સાહસની શરૂઆત. પણ ગાઝા-પેલેસ્ટાઇનના લોકો માટે વિમાન કાયમ બૉમ્બમારાની અને મૃત્યુની જ સ્મૃતિ બની રહે છે.”

મેં આ વાંચ્યું અને મગજ બહેર મારી ગયું. થોડી વાર સુધી તો હું બેસી રહી. આજના જમાનામાં કોઈના દુઃખને સ્ક્રૉલ કરીને આગળ વધી જવું બહુ સહેલું થઈ ગયું છે. પણ હું તે કરી ન શકી. મને અમારી પાંચ કલાક ચાલેલી મુલાકાત યાદ આવી, જ્યારે અમે શરૂઆતમાં પોતપોતાના દેશ વિશે થોડી વાતો કરી હતી. મને હજુ યાદ છે રાહતનો એ વિચિત્ર અહેસાસ, જ્યારે મને એવું લાગ્યું હતું કે કાશ્મીરની જિંદગી કમ સે કમ ગાઝા કરતાં તો સારી છે. જેનાથી મનને થોડું સારું લાગે, જરા જેટલું પણ સારું લાગે, એવી લાગણીને છોડવાનું ગમતું નથી. પણ તેના પછી તરત આવે છે અપરાધભાવ – આવો છીછરો વિચાર કરવાનો અપરાધભાવ. એવો વિચાર કરવા બદલ હું હજુ આજે પણ છીછરાપણાની લાગણી અનુભવું છું અને તેમાંથી શી રીતે રાહત મેળવવી તે સમજાતું નથી.

મૂળ અંગ્રેજી પરથી અનુવાદઃ સુજાત
e.mail : rtnair91@gmail.com
પ્રગટ : “સાર્થક જલસો − 16”, મે 2022; પૃ. 115-121

Loading

19 August 2022 Vipool Kalyani
← Justice for Bilkis : બિલ્કિસને ન્યાય / The Indian Expressનો તંત્રીલેખ 
કૃષ્ણ ન હોય તો હોય જ શું? →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved