દેશમાં એક લાખ જેટલી શાળાઓમાં પહેલાં પાંચ વરસનું શિક્ષણ એક જ શિક્ષક પર નભે છે
અલ્હાબાદ હાઈકોર્ટે એના એક ચુકાદામાં નેતાઓ, અધિકારીઓ અને તમામ સરકારી કર્મચારીઓને તેમના બાળકોને ઉત્તરપ્રદેશની સરકારી શાળાઓમાં ભણાવવાનો આદેશ આપ્યો. જસ્ટિસ સુધીર અગ્રવાલના આ ચુકાદાથી સરકારની અને તેના અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. બીજી તરફ આ ચુકાદાએ સરકારી શાળાઓની સુવિધાઓ અને ગુણવત્તા સતત કથળી ગઈ છે તે વિશે પણ ઊહાપોહ જગવ્યો છે.
દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તરપ્રદેશમાં પણ સરકારી શાળાઓમાં ગરીબ-દલિત-પછાત વર્ગના બાળકો જ મુખ્યત્વે ભણે છે. એટલે એની ગુણવતા અને સગવડો તરફ ખાસ ધ્યાન અપાતું નથી. રાજ્યની કુલ સરકારી શાળાઓમાંથી 11 ટકા એટલે કે 26,379 શાળાઓ માત્ર એક જ વર્ગખંડ ધરાવે છે અને તેમાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. સરકારી શાળાઓના ચોથા ધોરણના 67 ટકા બાળકો બીજા ધોરણનું પુસ્તક વાંચી શકતા નથી. પાંચમા ધોરણના 75 ટકા બાળકોને સામાન્ય ગુણાકાર-ભાગાકાર આવડતા નથી! એનું પરિણામ એ આવ્યું છે કે યુ.પી.ની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોનું પ્રમાણ 2006માં 30.3 ટકા હતું, તે 2014માં વધીને 51.7 ટકા થયું છે.
બંધારણના નિર્માતાઓએ અનુચ્છેદ 14માં દેશના 14 વરસ સુધીના તમામ બાળકોને બંધારણ અમલી બન્યાના દસ જ વરસમાં સાર્વત્રિક, ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનું વચન આપ્યું હતું.પરંતુ તેનો કોઈ સરકારોએ અમલ ન કર્યો. છેક 1993માં સુપ્રીમ કોર્ટે શિક્ષણના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણ્યો. એ પછીના દોઢ દાયકે સરકાર જાગી અને 2010માં આ દેશના બાળકોને પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપ્યો. મહાત્મા ગાંધી શિક્ષણને અંતરાત્માના વિકાસ અને સામાજિક પુન:રચનાનું સાધન માનતા હતા. ડો. આંબેડકર તેને જ્ઞાન અને દલિતોની મુક્તિનો માર્ગ માનતા હતા, તો ડો. રામમનોહર લોહિયાએ ‘રાણી હો યા મહેતરાણી સબ કે બચ્ચોં કો એક હી શિક્ષા’નો નારો આપી તમામને સમાન શિક્ષણની વાત ઘુંટી હતી. શિક્ષણ અંગેના પહેલા પંચ કોઠારી કમિશને પણ કોમન સ્કૂલ સિસ્ટમની ભલામણ કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાએ ફરી એક વાર સમાન શિક્ષણની ચર્ચા જગવી છે.
એપ્રિલ 2011થી અમલી બનેલો ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારનો કાયદો એની ઐતિહાસિક મહત્તા છતાં ઘણી બાબતોમાં ઊણો છે. આ કાયદામાં 6 થી 14 વરસના બાળકોને જ શિક્ષણના અધિકાર હેઠળ આવરી લેવાયા છે અને 6 વરસથી નીચેનાં બાળકોની બાદબાકી કરી નાંખવામાં આવી છે. દુનિયાભરના શિક્ષણવિદો શિક્ષણનો પાયો પ્રાથમિક શિક્ષણમાં સવિશેષ પૂર્વ પ્રાથમિક શિક્ષણને ગણે છે, પણ સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી લીધી નથી. સમાન શિક્ષણના સંદર્ભે રાઈટ ટુ એજ્યુકેશનના ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ બાળકો માટે 25% અનામતની જોગવાઈ પણ છેતરામણી છે. જાણીતા શિક્ષણવિદ્ અનિલ સદગોપાલ, શિક્ષણના ઇતિહાસના 1991થી 2008ના ત્રીજા તબક્કાને, ‘રાજ્ય સમર્થિત મૂડીવાદના નવા ઉદારવાદી તબક્કામાં શિક્ષણનું ખાનગીકરણ જ નહીં બજારીકરણ’ થયાનું નોંધતા હોય કે આજે દેશમાં શિક્ષણ એ ધંધો બની ગયું હોય – ઉચ્ચ શિક્ષણ તો 50 અબજ ડોલરનો ઉદ્યોગ ગણાતું હોય ત્યારે ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને ચોથા ભાગની અનામત આપવાની આ રૂપાળી જોગવાઈ વાસ્તવમાં તો અનેક ભેદભાવો પોસતી આપણી શિક્ષણ વ્યવસ્થાને કાનૂની જામો પહેરાવનારી છે. બાળક માત્રને શિક્ષણ અને સમાન શિક્ષણ મળવું જ જોઈએ એને બદલે અહીં બાળકોના વાલીની જ્ઞાતિ અને વર્ગના આધારે તેને શિક્ષણ મળે તેવી જોગવાઈ ખુદ સરકાર કરે છે. મા-બાપની સામાજિક-આર્થિક સ્થિતિને આધારે બાળકનું શિક્ષણ અસમાન કઈ રીતે હોઈ શકે? અહીં તો નેબરહુડ સ્કૂલ કે સમાન શિક્ષણના પાયાના ખ્યાલનો જ છેદ ઉડાડી મૂકાયો છે.
શિક્ષણની અસમાનતા જેમ ખાનગી અને સરકારી શાળામાં તેમ શિક્ષણના માધ્યમમાં પણ દૃષ્ટિગોચર થાય છે. ડિસ્ટ્રીક્ટ ઈનફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન(ડીઆઈએસઈ)ના આંકડા પ્રમાણે દેશમાં 2008-09 થી 2014-15 દરમિયાન હિંદી માધ્યમની શાળાઓમાં પ્રવેશની ટકાવારી 25% વધી હતી, જ્યારે આજ ગાળામાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં તે ટકાવારી બમણી હતી. આજે દેશમાં હિંદી માધ્યમમાં ભણતા બાળકોની સંખ્યા 10 કરોડ 40 લાખ અને અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની સંખ્યા 2 કરોડ 90 લાખ છે. અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓનું શિક્ષણ મોંઘું છે. તે સહુને પરવડે તેવું ન હોવા છતાં સરકારી શાળાઓની હાલત કથળી હોઈ તેની સંખ્યા વધી રહી છે અને શિક્ષણમાં તે અસમાનતા સર્જે છે.
જેમ વર્ગખંડો વિનાની, ઓછા વર્ગ ખંડોવાળી કે શિક્ષકોવાળી શાળાઓ દેશમાં શિક્ષણની બદહાલીની ગવાહી દે છે, તેમ એકલ શિક્ષકવાળી શાળાઓની મોટી સંખ્યા શિક્ષણની બદહાલીની ટોચ દર્શાવે છે. દેશની 98,443 સરકારી પ્રાથમિક શાળાઓના 1 થી 5 ધોરણ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. જે દેશમાં એક લાખ જેટલી શાળાના પ્રાથમિક શિક્ષણના પ્રથમ પાંચ વરસોનું શિક્ષણ એક જ શિક્ષક પર નભતું હોય તે દેશના બાળકોનું ભવિષ્ય કેવું અંધકારમય હશે તેની ચિંતા આ દેશના નીતિનિર્ધારકોને છે ખરી?
આપણી સરકારી શાળાઓ જેમ ગુણવત્તા અને સગવડોમાં પછાત છે તેમ તે ભેદભાવને પણ પોસે છે. દલિત બાળકો માટે હજુ પણ શાળાઓ ભેદભાવનું થાનક રહી છે. હાલની શિક્ષણપદ્ધતિ, ખાસ કરીને અભ્યાસક્રમ – પરીક્ષાપદ્ધતિ અને પછીથી રોજગાર વડે દલિતમુક્તિનું આંબેડકરી સ્વપ્ન કેટલું સાકાર કરશે તે સવાલ તો ઊભો જ છે. તેમ છતાં એકલવ્યના અંગૂઠાથી શિક્ષણના અધિકાર સુધીની આદિવાસી-દલિત-પછાત-ગરીબની શિક્ષણયાત્રા ઘણી આશાઓ જગવે તેવી છે. 1961 થી 2001 દરમિયાનના ચાર દાયકાનો દેશનો સામાન્ય સાક્ષરતા દર બમણો થયો છે, પણ દલિતોનો ચાર ગણો થયો છે. ગુજરાતના દલિતો પણ શિક્ષણમાં આગળ વધી રહી રહ્યા છે. 2001નો ગુજરાતનો સામાન્ય સાક્ષરતા દર 69.14% હતો તો દલિતોનો તેનાથી થોડો વધારે 70.50% હતો. શિક્ષણનો આ વિકાસ જરૂર આનંદદાયી છે.
ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યના 99.80 ટકા વિસ્તારોમાં 3 કિલોમિટરના અંતરમાં અને 98.50 ટકા વિસ્તારોમાં 1 કિલોમિટરના અંતરે નિશાળની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રવેશોત્સવને કારણે શાળામાં દાખલ થવાપાત્ર બાળકોનું 100 ટકા નામાંકન પણ થાય છે. પરંતુ શિક્ષણની ગુણવત્તાની બાબતમાં હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. ગુણોત્સવો છતાં સરકારી શાળાઓની ગુણવત્તા ખાસ સુધરી નથી. દેશના અને રાજ્યોના અંદાજપત્રોમાં શિક્ષણ માટે થનારો ખર્ચ હજુ વધતો નથી. કુલ બજેટના 6 ટકા શિક્ષણ માટે ખર્ચાવા જોઈએ પણ ત્યાં સુધી કેન્દ્ર કે રાજ્ય સરકારો પહોંચી નથી. શિક્ષણના અધિકારને સાર્થક કરવા માટે શિક્ષણના ક્ષેત્રે જે શતમુખી વિનિપાત થઈ રહ્યો છે તેને અટકાવવા માટે કોઈ અદાલતી આદેશ મળે તે પહેલાં જ સરકાર, સમાજ અને શિક્ષણવિદોએ જાગવું જોઈશે.
http://www.divyabhaskar.co.in/news/ABH-black-letter-black-fact-the-destination-is-far-from-equal-education-in-india-5171799-PHO.html?seq=2
સૌજન્ય : ‘કાળા અક્ષર, કાળી હકીકત’, “દિવ્ય ભાસ્કર”, Nov 19, 2015