ધંધુકા તાલુકાના રોજિદ ગામના વાડીલાલ ડગલી અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર’માં અનુસ્નાતક થઈ, 1951માં PTI – પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં જોડાયા હતા. 1957માં આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ના તંત્રીપદે રહ્યા. સામાન્ય જનકેળવણી માટે ‘પરિચય પુસ્તિકા’ઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટ’ના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. આ પરિચય પુસ્તિકાઓ UPSC / GPSCની પરીક્ષા માટે જડીબુટ્ટી ! પત્રકાર, કવિ, નિબંધકાર. દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓમાંના એક. તેમણે ‘શિયાળાની સવારનો તડકો’ (1975) / ‘થોડા નોખા જીવ’ (1985) વગેરે પુસ્તકો લખ્યાં છે, જે વાંચવાં જેવાં છે. થોડા નોખા જીવ’માં દાદાસાહેબ માવળંકર, પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર, ગગનવિહારી મહેતા, પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ.એમ. પટેલ, ચર્ચિલ, થોમસ માન, સોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન, ફ્રેન્ક મોરાઈસ, ટીટો વગેરેના ચરિત્રનિબંધો છે.
આપણી વચ્ચે પણ ‘થોડા નોખા જીવ’ હોય છે !
સુરતમાં નવા વરસના દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિર / દિનેશભાઈ કાનાણી / હિતેશ જાસોલિયા / જનક બાબરિયા અને સંજય ઈઝાવાને મળવાનું થયું. સરકાર ધારે તો અમને નક્સલવાદી ઠરાવીને જેલમાં પૂરી શકે. કોઈ પણ સત્તાને; જ્ઞાતિ / જાતિ / વર્ણ / ધર્મ / સંપ્રદાયના ભેદભાવ વિના વંચિતો / ગરીબો / દલિતો / આદિવાસીઓ / લઘુમતીઓ / મધ્યમ વર્ગની ચિંતા કરનારા લોકો હંમેશાં નક્સલવાદી-દેશદ્રોહી લાગતાં હોય છે ! કેટલાંક મિત્રો અને પરિવારજનો પણ મને કહે છે કે રાજકીય સત્તા / ધાર્મિક સત્તા / સામાજિક સત્તા સામે ન લખો, લોકો કંઈ સુધરવાના નથી, તમને હેરાન પરેશાન કરશે ! હું માનું છું કે ચૂપ રહેવા કરતાં બોલવું જોઈએ, નાગરિક સભાનતા કેળવ્યા વિના વિકાસ વ્યક્તિનો કે દેશનો શક્ય નથી.
જ્યોત્સ્ના આહિર : એક ઘા અને બે કટકા. હોય તેવું ચોખ્ખેચોખ્યું કહે. ઘર્મના ઢોંગ / પાખંડની બરાબર પોલ ખોલે; જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયની રીમાન્ડ લે. માનવમૂલ્યોની રખેવાળ. બંધુત્વ, સમાનતા, સ્વતંત્રતા, માનવ ગૌરવ, સામાજિક ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ. ધર્મવાદ અને રાષ્ટ્રવાદની આલોચના કરે; એટલે ભક્તોનાં ઝૂંડ તેમની વોલ પર ડોકાયા કરે, તેમને પણ બરાબર જવાબ આપે. નાગરિક સભાનતા કેળવવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપે છે. તેમના ક્રાંતિકારી વિચારોના કારણે નોકરી પણ ગુમાવી છે. બીજા પણ જોબ આપવામાં ડર અનુભવે છે. જાતે ઘસાઈને પણ જગાડવાનું કામ કરે છે.
દિનેશભાઈ કાનાણી : અમેરિકાના Marrylandમાં રહે છે અને વ્યવસાય કરે છે. અમેરિકામાં વસતા લગભગ 90% ગુજરાતીઓ ગોડસેવાદીઓ છે. ધર્મવાદ અને રાષ્ટ્રવાદના અફીણી નશામાં હોય છે. WhatsAppમાં રજૂ થતાં વિચારોને અંતિમ સત્ય માને છે. એટલે મોદીજીના ભક્ત હોય છે. પણ દિનેશભાઈ અલગ છે. તેઓ રેશનલ છે, જ્ઞાતિ / જાતિ / વર્ણ / ધર્મ / સંપ્રદાયમાં બિલકુલ માનતા નથી. અમેરિકાના Suwanee રહેતાં સુનિતા પટેલ અને દિનેશ પટેલ પણ જબરજસ્ત એક્ટિવિસ્ટ છે. તેઓ ઝૂંબેશ ચલાવે છે કે ‘ભારતમાં લોકશાહી સ્થાપો !’ અમેરિકામાં આવા ગુજરાતી ભાગ્યે જ જોવા મળે.
હિતેશ જાસોલિયા : તંત્રનાં અન્યાય / શોષણ સામે સોશિયલ મીડિયામાં તથા વાસ્તવમાં અવાજ ઉઠાવનાર યૂટ્યૂબર. RTI એક્ટિવિસ્ટ. ‘લોકો કદર કરે કે ન કરે, એ વિશે બહુ લાંબો વિચાર ન કરતા આપણે યથાશક્તિ જાહેર કામ કરવું જોઈએ’ એ મંત્ર સાથે સક્રિય છે. સંજય ઈઝાવાના સાથીદાર.
જનક બાબરિયા : સંઘર્ષશીલ પણ હસમુખા રેશનાલિસ્ટ છે. ડાયમન્ડ પોલિશિંગનો વ્યવસાય કરે છે. સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને તેને કારણે થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવે છે. ધર્મગુરુઓ / બાબાઓ / કોર્પોરેટ કથાકારો વિશે ફેસબૂક પર ઝૂંબેશ ચલાવે છે અને વિચારગોષ્ઠીનું આયોજન કરે છે. નર્મદ અને કરશનદાસ મૂળજી જેવો જુસ્સો ધરાવે છે.
સંજય ઈઝાવા : એક આદર્શ RTI એક્ટિવિસ્ટ કેવા હોવા જોઈએ તે જાણવા સંજયને મળવું પડે. અંગત કોઈ સ્વાર્થ નહીં, જે કંઈ RTI હેઠળ માહિતી માંગે તે સાર્વજનિક હિત માટે જ હોય. તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા સતત સંઘર્ષ કરે છે. મુદ્દા આધારિત ઝૂંબેશ ચલાવે. એમની ઝુંબેશના કારણે સુરતને નાગરિક સુવિધાઓ મળી છે. બંધારણીય મૂલ્યો / માનવ મૂલ્યોને પ્રતિબદ્ધ. એટલે જ ગોડસેવાદીઓ અને હિન્દુત્વવાદીઓ તેમની ફેસબૂક વોલ પર આવી ગાળાગાળી કરે, અપમાનજનક ટિપ્પણીઓ કરે. તેમણે આવા વિકૃત ટ્રોલ્સ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી છે. હજાર વિઘ્નો ભલે આવે પણ સંજય ઝૂકે તેમ નથી.
સલામ છે આવા થોડા નોખા જીવને !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર