Opinion Magazine
Number of visits: 9507878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રવીશ કુમાર : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું… રોજ એક જૂઠાણું મને ડરાવે છે, તેનો હું સામનો કરું છું’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 August 2019

રવીશ કુમારના લેખોનું અંગ્રેજી પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ એ ગોદી મીડિયા, આઈ.ટી. સેલ, વૉટસઍપ યુનિવર્સિટી, ઝનૂની રાષ્ટ્રવાદ, લોકશાહી જેવા વિષયોની છણાવટ કરે છે. ગુજરાતીમાં તેનો સાર ‘વાત રવીશકુમારની’ નામે પ્રકાશિત થયો  છે.

મૅગસેસે પુરસ્કારથી સન્માનિત પત્રકાર રવીશ કુમાર ગયાં પાંચેક વર્ષથી ભારતીય જનતા પક્ષ, તેના સાથી સંગઠનો, મોદી ભક્તો અને ઝનૂની હિન્દુત્વવાદીઓના રોષનો સામનો કરતા રહ્યા છે. સરકારી અધિકારીઓ, પોતાની સુખાળવી જિંદગીની બહાર નહીં જોનાર ઇન્ડિયન મિડલ ક્લાસ અને મીડિયાનો એક હિસ્સો તેમના પ્રાઇમ ટાઇમ શોથી નારાજ રહે છે. જો કે  મૂલ્યનિષ્ઠ અને લોકધર્મી પત્રકારિતાનો એક નમૂનો પૂરો પાડતાં હોવા છતાં  રવીશ માટે ટીકા અને ટ્રૉલિંગ, ધાક અને ધમકી તેમના માટે રોજનાં થયાં છે. તેમનાં કામનું, ખાસ તો અત્યારના દેશકાળમાં, મહત્ત્વ સમજનારા સહુ રવીશ કુમારની ચિંતા કરે છે. તેમના જેવા સ્પષ્ટવક્તા પ્રહરીઓને અસલામતી અને હિંસાચારથી ખદબદતા આ દેશમાં વારંવાર સવાલ પૂછવામાં આવે છે : ‘તમને ડર નથી લાગતો ?’ રવીશનો જવાબ છે : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું …’  

આ પ્રવાસની માંડીને વાત રવીશ ‘ધ ફ્રી વૉઇસ : ઑન ડેમૉક્રસી, કલ્ચર ઍન્ડ નેશન’ નામનાં ખૂબ અસરકારક અંગ્રેજી લેખસંગ્રહના પહેલા લાંબા લેખ ‘સ્પીકીન્ગ આઉટ’માં કરે છે. તેમના આઠ લાંબા લેખોનું ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તક દિલ્હીનાં ‘સ્પીકીન્ગ ટાઇગર’ પ્રકાશને ગયાં વર્ષે પ્રસિદ્ધ કર્યું.  રવીશ કુમારે મૂળ હિન્દીમાં લખેલા લેખોનો આ પુસ્તક માટેનો વાચનીય અનુવાદ ચિત્રા પદ્મનાભન, અનુરાગ બાસનેટ અને રવિ સિંગે કર્યો છે. લોકોના વીતક કે દેશના સવાલો પર અઠવાડિયામાં પાંચ દિવસ દરરોજ વ્યાપક ફીલ્ડવર્ક, અકાટ્ય આધાર અને સ્પષ્ટ ભૂમિકા સાથે કાર્યક્રમ રજૂ કરતા ટેલિવિઝન પત્રકાર તરીકે તો રવીશ અજોડ છે જ. પણ ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તકમાં તે માધ્યમો અને લોકશાહીના ઊંડા અભ્યાસી તેમ જ વિશ્લેષક તરીકે આપણી સામે આવે છે. દેશમાં સતત ભય, વિભાજક પરિબળોએ સમાજમાં બધે ફેલાવેલું ઝેર, દેશભક્તિના નામે ધર્મઝનૂની રાષ્ટ્રવાદ, ઇતિહાસનું વિકૃતિકરણ, અને લોકશાહીમાં ‘પીપલ’ અર્થાત્‌ લોકો હોવાની જવાબદારી વિશે તે લખે છે. બાવાઓના ભરડામાં સપાડાયેલી આપણી જનતા, હુમલા અને લિન્ચિન્ગ, ટોળાંશાહી દ્વારા કોઈ પણ જગ્યાએ આવી શકે તેવો હિટલરનો ભીષણ ફાસીવાદ, આપણા સમાજમાં પ્રેમીઓ તરફનો  હિંસક તિરસ્કાર અને  મૂળભૂત  અધિકાર રાઇટ ટુ પ્રાઇવસી વિષયો પણ આ પુસ્તકમાં છે. તેમાંથી કેટલાક રવીશ કુમારનાં ફેસબુક પેઇજ, તેમના બ્લૉગ તેમ જ હિન્દી લેખોના બે સંગ્રહો ‘દેખતે રહિએ’ અને ‘રવીશપન્તી’માં પણ છે. વળી, કંઈક અંશે લેખકના પોતાના પ્રણયકાળની ઝલક આપતી ‘લઘુ પ્રેમ કથાઓ’નું મજાનું નાનકડું સચિત્ર પુસ્તક  રાજકમલ પ્રકાશને ‘ઇશ્કમેં શહર હોના’ નામે પ્રસિદ્ધ કર્યું છે.

રવીશના ગુજરાતના ચાહકો માટે આનંદની વાત એ છે કે રવીશકુમારના ઉપર્યુક્ત ‘ધ ફ્રી વૉઇસ’ લેખસંગ્રહનો સાર આપતું પુસ્તક ગુજરાતીમાં ‘વાત રવીશકુમારની’ નામે પ્રસિદ્ધ થયું છે. સારલેખનનું પડકારરૂપ કામ પખવાડિક સર્વોદયી વિચારપત્ર ‘ભૂમિપુત્ર’ના એક કર્મશીલ સંપાદક રજની દવેએ પાર પાડ્યું છે. તેમણે પહેલાં ‘ભૂમિપુત્ર’માં રવીશકુમારનાં અંગ્રેજી પુસ્તકની રજૂઆત કરતી લેખમાળા લખી. પછી તેમાં કેટલીક મહિતી અને સૂઝપૂર્વકની તસવીરોનાં ઉમેરણ સાથે પુસ્તક કર્યું. તે વડોદરાનાં યજ્ઞ પ્રકાશને લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં એટલે કે વીસમી એપ્રિલે પ્રસિદ્ધ કર્યું. અંગ્રેજી પુસ્તકમાં રવીશે પહેલા લેખ ‘સ્પીકીંગ આઉટ’માં મીડિયા દ્વારા સાચું કહી દેવાના સંદર્ભમાં ડર, અને લોકોને ડરાવવા માટે ચાલતી રાષ્ટ્રીય યોજના, ‘નૅશનલ પ્રોજેક્ટ ફૉર ઇન્સ્ટિલિન્ગ ફીઅર’ એવા વ્યંજનાત્મક મથાળાવાળા ત્રીજા લેખમાં  જે લખ્યું  છે તેની વાત અહીં કરવાની છે.

નાનપણમાં બિહારનાં ગામમાં બીલીનાં ઝાડ નીચેથી પસાર થતાં ડરતો રવીશ હનુમાન ચાલીસા બોલતો. પછીનાં વર્ષોમાં ફિલ્મોનાં હિંસક દૃશ્યો, પરીક્ષાના દિવસો અને કાલ્પનિક ભયથી પણ તે રડવા લાગતો. માતપિતા અને ત્યાર બાદ પ્રેમિકા – પત્ની નયનાએ તેને ડરમાંથી બહાર નીકળવામાં મદદ કરી. વ્યવસાયમાં પણ ડરને પોતે પ્રયત્નપૂર્વક કેવી રીતે દૂર કર્યો તે વિશે રવીશ લખે છે. ભારતમાં ગયાં પાંચ વર્ષોમાં રાજકીય પક્ષો કે વિભાજક જૂથોનાં ‘આઈ.ટી. સેલ’ અને  ‘તેમના માટેની પ્રયોગશાળા એવી વૉટસઍપ યુનિવર્સિટી’એ ફેલાવેલાં ભયનાં સામ્રાજ્ય, તેમનાં કાવતરાં અને તેમની સામે બોલનારા પર વીતાવામાં આવતા ત્રાસ વિશે રવીશ લંબાણથી લખે છે. તેમાં આમીર ખાન સામેની ઝુંબેશ, કરણી સેનાનાં કરતૂત, ડેન્માર્કના કાર્ટૂનિસ્ટના માથા માટેનું ઇનામ જેવા દાખલા તે આપે છે. રવીશના માનવા મુજબ ચૅનલ પરની ડિબેટસ્ પણ ડર ફેલાવનાર પરિબળ છે. આવા ભયભીત કાળમાં  ‘સ્પીક આઉટ’ એ કેટલી બધી હિમ્મત માગી લે છે તેની પણ વાત આવે છે.

પુસ્તકનો આરંભે જસ્ટીસ લોયાનાં શંકાસ્પદ મોત અંગે કાર્યક્રમ બનાવવામાં પોતે અનુભવેલા ખૌફ અંગે રવીશ લખે છે. તેમાંથી સમજાય છે કે તેમની અંદરનાં ડર પર ફરજપરસ્ત પત્રકારના માંહ્યલાએ જીત મેળવી. 23 નવેમ્બર 2017નો વિગતોથી ધ્રૂજાવી દેનારોએ કાર્યક્રમ અત્યારના દિવસોમાં ખાસ જોવા જેવો છે. જો કે નીડરતા અંગેની કોઈ હિરોગીરી રવીશ કરતા નથી. એ કહે છે :  એમની પાસે નિર્ભયતાનો કોઈ મંત્ર નથી, પોતે ‘વિશેષ વખાણ કરવા જેવું’ કંઈ કહેતા નથી, એ ‘માત્ર લોકો શું માને છે’ તેને જ રજૂ કરે છે, એમની જેમ બોલનારા બીજા પણ છે. રવીશના મતે ડર એટલો બધો છે કે બોલવું એ જ બહાદુરીમાં ખપે છે. જો કે એ સ્વીકારે છે કે બોલતાં પહેલાં ‘ડરનાં બોગદામાંથી પસાર થવું અઘરું હોય છે’.

મીડિયાકર્મીઓને ડરાવવાનો જાણે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમ રવીશને લાગે છે. લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને સૂચવ્યા મુજબના ‘નારદ’ જેવા પત્રકારો (જે રવીશના શબ્દોમાં ‘નારાયણ નારાયણ’ નામે સરકારનો જાપ કરે) અને સરકારને ખોળે અથવા તેની ગોદમાં બેઠેલા ‘ગોદી મીડિયા’ના અખબારનવેશો સલામત છે. બીજા બધા અસલામત છે, તેઓ કાયદાને નેવે મૂકતાં ટોળાંને હવાલે છે. રવીશ ‘કેરેવાન’ માસિકના ખબરપત્રી બાસિત મલિક પર ટોળાંએ કરેલા હુમલા ઉપરાંત બીજા ઘણાં દાખલા આપે છે. રવીશને ડર છે કે હવે વૈકલ્પિક મીડિયાના પત્રકારોનો વારો આવશે. કર્ણાટકના રૅડિકલ પત્રકાર  ગૌરી લંકેશની હત્યાની સાથે તે ત્રણ રૅશનાલિસ્ટો દાભોલકર-કલબુર્ગી-પાનસરેની હત્યાઓનો તે ઉલ્લેખ કરે છે. અલબત્ત ગૌરીની હત્યાને સોશ્યલ મીડિયામાં જે રીતે મોટા પાયે યોગ્ય ઠેરવવામાં આવી તેનો રવીશને ખૂબ આક્રોશ છે. બેટીઓને બચાવવી પડે એવા દેશમાં રામ રહિમ કે આસારામની સામે પડનાર વીરાંગનાના ટેકામાં કોઈ પક્ષ ઊભો  ન રહ્યો, તેવું જ ગૌરીની બાબતમાં બન્યું એનો પણ રવીશ ઉલ્લેખ કરે છે. વધુ ખરાબ તો એ કે એક નિખિલ દધિચે ગૌરીની હત્યા પર ‘કૂતરી મરી ગઈ’ એ મતલબનું ટ્વિટ કર્યું. આ માણસના એક ટ્વિટર ફૉલોઅર વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. રવીશ લખે છે : ‘આ દેશના નાગરિકો તરીકે આપણે બધાએ વડા પ્રધાનને પૂછવું જોઈએ : ‘તમે દધીચને શા માટે ફૉલો કરો છો ?’ રવીશનું પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ નાગરિકોને અને નવી પેઢીને  આવા અનેક પ્રશ્નો કરવાની પ્રેરણા આપનારું છે.

*******

07 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 09 ઑગસ્ટ 2019 

Loading

9 August 2019 admin
← નકશા નવા હિન્દુસ્તાનના
ગૂંચવાડાભર્યા કાશ્મીરનો ઉકેલ શું હવે આવી ગયો સમજવો ? →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved