ઉત્તર ગુજરાતના પછાત એવા વઢિયાર પંથકમાં, શિક્ષણનો ઓછો ફેલાવો થયેલો છે, તેવા સમી તાલુકાના સામાજિક ક્રાંતિના મશાલચી ફકીરભાઈ મોતીભાઈ વણકરનું સપ્ટેમ્બર ૧૯, ૨૦૨૦ના રોજ ,૭૫ વરસની વયે, સમી ખાતે, હાર્ટ એટેકથી અવસાન થયું.
તેઓ મામલતદાર કચેરી, સમી ખાતેથી પટાવાળાની સેવામાંથી વયનિવૃત્ત થયા હતા. સત્ય શોધક સભા સાથે સતત સક્રિય હતા. માત્ર ધોરણ ૯ સુધી ભણેલા ફકીરભાઈએ ક્રાંતિકારી વિચારનો અમલ તેમના ઘરથી જ કર્યો હતો. તેમનાં માતા મઘીબાનું અવસાન થતાં તેમની પાછળ, વઢિયારની તળપદી ભાષામાં કહીએ તો, રોટલા ખવરાવ્યા ન હતા. પ્રેતભોજન પાછળ માણસ દેવાદાર થઈ જતો. આવી પ્રથામાં ન માનનારા ફકીરભાઈનો વિરોધ તેમના કુટુંબ અને સમાજે પણ કર્યો હતો. તેમની પડખે તેમનાં પત્ની પૂરીબહેન અને દીકરાઓ રહ્યાં હતાં. બચેલાં નાણાંનો સદુપયોગ તેમણે સમાજની વિધવા બહેનોને આર્થિક મદદ કરવામાં કર્યો હતો .
૧૯૮૬-૮૭-૮૮ના દુષ્કાળ વખતે ગુજરાતના સ્વામી સચ્ચિદાનંદ પોતાના ખર્ચે બનાસકાંઠાના સૂઈ ગામે રાહતકામો ને ઢોરવાડા ચલાવતા. તેની મુલાકાત વેળાએ રસ્તામાં ફકીરભાઈને ઘેર પૂરીબહેનના હાથના બાજરાના રોટલા ને મગનું શાક સમી ખાતે જમીને જ જતા. ફકીરભાઈની ક્રાંતિકારી સામાજિક સેવાથી તે પ્રભાવિત હતા. વાલ્મીકિ સમાજના એક ભાઈને સરકારી નોકરી સમી ખાતે મળી હતી. તેમને કોઈ ઘર આપે નહીં, ત્યારે ફકીરભાઈએ ઘર ભાડે આપ્યું હતું. ફળિયાના લોકોનો વિરોધ ને રોષ હોવા છતાં પાછી પાની કરી ન હતી. તેમનાં પત્ની પૂરીબહેન અને ફકીરભાઈ પોતે વાલ્મીકિ ભાઈના ઘેર પાણી ભરીને આપતાં હતાં.
એક વિધવા બહેનનો નાની ઉંમરનો દીકરો ઘર છોડીને જતો રહ્યો હતો. મામલતદાર કચેરીમાં બહેન આવ્યાં. ફકીરભાઈએ ગુમ થયાની જાહેરાત તેમના ફોન નંબર, છોકરાના ફોટા સાથે પોતાના ખર્ચે છાપામાં આપી. ચાની લારીવાળાએ વાંચી. છોકરો એની લારી પર કામ કરતો હતો. તેણે ફકીરભાઈને ફોનથી જણાવ્યું. ફકીરભાઈ જાતે જઈને છોકરાને લઈ આવ્યા હતા ને વિધવા માને છોકરો સુપ્રત કર્યો હતો.
સ્વામી સચ્ચિદાનંદના વતન મુજપુરની બાજુના ગામ લોટેશ્વર ખાતે મહાદેવનો મેળો ભરાય. ત્યાં ભૂતપ્રેત, વળગાડના માનસિક રોગીઓને વિધિ કરવાના નામે શારીરિક ત્રાસ આપવામાં આવતો જોઈને ફકીરભાઈ અને તેમનો પરિવાર આવી અંધશ્રદ્ધા દૂર કરવા માટે નાટકો ભજવતા. તેમનાં પત્ની, પુત્રો-પુત્રવધૂઓ પણ હાથમાં પ્લેકાર્ડ સાથે સહકાર આપતાં. વઢિયાર જેવાં પંથકમાં આવો પ્રયોગ કરવો ખતરનાક હોવા છતાં અંધશ્રદ્ધા દૂર કરવાની ધૂણી ધખાવનાર ફકીરભાઈની હિંમતને દાદ દેવી પડે. તેમને ડોક્ટર કોવુર એવાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જગ રૂડો વઢિયારના વ્યવહારુ, સંવેદનશીલ અને માણસાઈના મોંઘેરા જણની વિદાય ન તો માત્ર તેમના કુટુંબને સાલશે, અમારા જેવા મિત્રો અને આખાયે વઢિયાર પંથકને સદાય સાલશે. ઝાઝા જુહાર, ફકીરભાઈ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 13