Opinion Magazine
Number of visits: 9448784
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામચન્દ્ર ગુહા જેવાઓને ગુજરાતમાં ભણાવતાં રોકીને શું તેઓ સમગ્ર ગુજરાતની શાળા-કોલેજોને સંઘની શાખામાં ફેરવવા માગે છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|11 November 2018

જેને અંગ્રેજીમાં પબ્લિક ઈન્ટેલેકચ્યુઅલ કહી શકાય, એવા જાણીતા સમાજશાસ્ત્રી રામચન્દ્ર ગુહા ગુજરાતમાં ભણાવવા આવે, એની સામે હિન્દુત્વવાદીઓને વાંધો છે એ નિમિત્તે થોડું …

રૈયતને અભણ રાખવામાં ફાયદો છે. ન રહે બાંસ ન બજે બાંસુરી. તેઓ તેમનાં પ્રાચીન શાસ્ત્રોમાં અને રીતિરિવાજોમાં મશગૂલ છે. તેઓ પોતાને શ્રેષ્ઠ સમજે છે એટલે આપણાથી છેટા રહે છે, અને તેમનાં પોતાનાં ભાંડુઓને હલકા ગણીને છેટા રાખે છે. આ જગતમાં આવી પણ કોઈ પ્રજા હોય એ હિન્દુસ્તાનમાં જોવા મળ્યું. આવડો મોટો દેશ, વિપુલ કુદરતી સંપદા, ગ્રાહક તરીકે ખપમાં આવે એવી બહોળી વસતી અને એ પણ આપસ-આપસમાં ટાપુ બનીને જીવનારી. આવી અનુકૂળતા ભાગ્યે જ જોવા મળે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકોએ અને બ્રિટિશ સરકારે કહેવાતાં ઈંગ્લિશ મૂલ્યો અને ખ્રિસ્તી મૂલ્યોને વચ્ચે લાવીને ભાવનાશીલ બનવાની જરૂર નથી. એ મૂલ્યો જો વચ્ચે લાવીશું અને એક માણસ તરીકેના તેમના અધિકારો માન્ય રાખશું અને માનવી સાથેની વર્તણૂકની મર્યાદા આપણે આપણા ઉપર લાદીશું તો ભારતમાંથી જલદી ઉચાળા ભરવા પડશે.

ઉપરના ફકરા માટે અવતરણ ચિહ્ન વાપરવામાં આવ્યું નથી, કારણ કે આ કોઈનું ઉદ્ધરણ નથી; પરંતુ લગભગ શબ્દશ: આ જ ભાષામાં, ૧૯મી સદીના પૂર્વાર્ધમાં, અનેક અંગ્રેજો બોલતા હતા. જેટલું બને એટલું રાજ કરી લો ને, મારા ભાઈ ! પ્રજા જેટલી ગમાર એટલા લાભ વધારે. તેમને ઘેનમાં રાખવા માટે તેમની પાસે તેમનો ધર્મ છે જ અને હલકા વરણની પ્રજાને કચડી રાખવા માટે સવર્ણો છે. એ પાપ પણ આપણે કરવાનું નથી. બન્ને હાથમાં લાડુ ક્યાં મળે?

આની સામે કેટલાક અંગ્રેજોને એમ લાગતું હતું કે શાસક તરીકે આપણો કોઈ શાસકધર્મ છે. પ્રજાને ઘેનમાં રાખવાની, આપણે ગેલમાં રહેવાનું અને જેટલી તક મળે એટલો લાંબો સમય ખિસ્સા ભરવાના એ ન્યાય નથી. ઇસુનો ધર્મ અને ઇંગ્લિશ પરંપરા આવી અનુમતિ નથી આપતાં. થોડી તો શરમ કરવી જોઈએ. ૧૯મી સદીના પહેલાં ૩૫ વરસ સુધી લાંબી ચર્ચા અને મથામણ પછી, જ્યારે ૧૮૩૫નો ઇંગ્લિશ એજ્યુકેશન એક્ટ ચર્ચા માટે આવ્યો ત્યારે લોર્ડ થોમસ બેબિંગ્ટન મેકોલેએ કહ્યું હતું :

Are we to keep the people of India ignorant in order that we may keep them submissive? Or do we think that we can give them knowledge without awakening ambition? Or do we mean to awaken ambition and to provide it with no legitimate vent? Who will answer any of these questions in the affirmative? Yet one of them must be answered in the affirmative, by every person who maintains that we ought permanently to exclude the natives from high office. I have no fears. The path of duty is plain before us: and it is also the path of wisdom, of national prosperity, of national honour.

લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે ભારતની રૈયતને આધુનિક શિક્ષા આપવી એ આપણો રાજધર્મ છે. એનાથી તેમની અંદર જાગૃતિ આવશે અને એક દિવસ જાગૃત થઈને આપણી જગ્યા તેઓ લઈ લેશે એવા સ્વાર્થથી પ્રેરાઈને તેમને અંધકારમાં રાખવાના ન હોય. એવા દિવસને સુવર્ણ દિવસ સમજવો જોઈએ. આપણો રાજધર્મ સાર્થક થયો કહેવાય. ૧૮૩૫ના ખરડા પરની ચર્ચા ઘણી લાંબી અને વિશદ છે. શોષણની, સ્વાર્થની, ધર્મની, ફરજની, ખ્રિસ્તી ધર્મ અને પાશ્ચાત્ય સભ્યતાના સર્વોપરિતાની, વ્યવહારુ જરૂરિયાતની એમ અનેક દૃષ્ટિકોણથી ત્યારે દલીલો થઈ હતી. બેશરમ, શરમ ધરાવનારા અને પોતાને ઈશ્વરના લાડકા શ્રેષ્ઠ પુત્ર સમજનારા એમ ત્રણેય પ્રકારના લોકોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

છેવટે, ૧૮૩૫નો ખરડો મંજૂર રાખવામાં આવ્યો હતો અને ભારતની પ્રજાને ભેદભાવ વગર આધુનિક પાશ્ચાત્ય શિક્ષણ અંગ્રેજી ભાષામાં આપવાની જોગવાઈ અસ્તિત્વમાં આવી હતી. ‘કોન્સ્ટિટ્યુશન લૉ ઑફ ઇન્ડિયા’ નામના ત્રણ ભાગમાં લખેલા શકવર્તી પુસ્તકની દોઢસો પાનાંની પ્રસ્તાવનામાં એચ.એમ. સિરવાઈએ લખ્યું છે કે ભારતના ઇતિહાસમાં એ દિવસ નિર્ણાયક જ નહીં, સોનેરી દિવસ પણ હતો. આધુનિક મૂલ્ય વ્યવસ્થા, આધુનિક રાષ્ટ્રની આધુનિક કલ્પના, આધુનિક બંધારણ અને આધુનિક રાજ્ય એ નિર્ણયનું પરિણામ છે. તેમણે અંગ્રેજી ભાષાનો અંગ્રેજોના આશીર્વાદ તરીકે એમાં ખાસ સમાવેશ કર્યો છે.

એચ.એમ. સિરવાઈએ ૧૮૩૫ના ખરડાને મંજૂર રાખવામાં આવ્યો એ ઘટનાનું જરા વધારે પડતું ઉજ્વળીકરણ કર્યું છે, તેની મને જાણ છે. લોર્ડ મેકોલેને ભારત વિષે અને ખાસ કરીને હિન્દુ વિચારપરંપરાની બહુ કોઈ જાણકારી નહોતી. તેમણે કહ્યું હતું કે બ્રિટિશ લાયબ્રેરીના એક કબાટમાં સમાઈ જાય એટલું માંડ પૌર્વાત્ય સાહિત્ય હશે. આ અજ્ઞાન હતું. બીજું, અંગ્રેજોએ ભારતમાં પાશ્ચત્ય શિક્ષણ દાખલ કર્યું એનું મુખ્ય કારણ અમલદારો પેદા કરવાનું હતું. ઇંગ્લેન્ડથી અમલદારો લાવવાની જરૂર શું છે જો ભારતમાં પેદા કરી શકાતા હોય? આને કારણે ભારતમાં એક શાસકવર્ગ પેદા થશે જે બાકીની પ્રજા માટે મહાજનનું કામ કરશે. એક દિવસ અંગ્રેજીમોહ એવો ભરડો લેશે કે અલગથી આઝાદી માગવાની જરૂર જ નહીં પડે.

આમ છતાં, પાશ્ચાત્ય શિક્ષણને કારણે એક દિવસ અંગ્રેજોએ ઉચાળા ભરવા પડશે એની મેકોલે અને બીજાઓને જાણ હતી. ખ્રિસ્તી ધર્મ શ્રેષ્ઠ છે, પાશ્ચાત્ય સંસ્કૃિત શ્રેષ્ઠ છે, બ્રિટિશ પરંપરા શ્રેષ્ઠ છે, અંગ્રેજો શ્રેષ્ઠ છે એમ શ્રેષ્ઠત્વનાં ગમે એટલાં ગુણગાન ગાવામાં આવે; પણ પેલી જાગૃતિ બહુ ખરાબ છે. માણસ વિચારતો થાય એટેલ શંકા કરતો થાય અને શંકા કરતો થાય એટલે પ્રશ્ન કરતો થાય. પ્રશ્ન થયો નહીં કે હાંડી ફૂટી પછી તેને શ્રેષ્ઠત્વનો ગમે એટલો વરખ ચડાવવામાં આવ્યો હોય. પ્રશ્ન હાંડીને વધુ મજબૂત બનાવવાનું કામ પણ કરે છે જો એ સત્યની માટીની બનેલી હોય. આધુનિક વિજ્ઞાન આશંકા અને પ્રશ્નો દ્વારા વિકસ્યું છે. ૧૮૩૫માં નિર્ણય લેવાયો ત્યારથી જ અંગ્રેજોને જાણ હતી કે એક દિવસ પ્રજામાં પેદા થનારી જાગૃતિની કિંમત આપણે ચૂકવવી પડશે અને ઉચાળા ભરવા પડશે.

સંઘપરિવારના હિન્દુ રાષ્ટ્રવાદીઓ રામચન્દ્ર ગુહાને ગુજરાતમાં આવીને વિદ્યાર્થીઓને ભણાવવા નથી દેતા, એનો શું અર્થ કરશો? કોઈ વિદ્વાન આવી ચડે તો વિદ્યાર્થીઓ વિચારતા થાય, વિચારતા થાય તો શંકા કરતા થાય, શંકા કરતા થાય તો પ્રશ્ન પૂછતા થાય અને પ્રશ્ન પૂછતા થાય તો શ્રેષ્ઠત્વનો વરખ ઉખડી જાય એ વાતનો ડર છે? આ સિવાય કોઈ કારણ હોય તો ભક્તજનો મારું ધ્યાન ખેંચે. અંગ્રેજોએ તો કમસેકમ સ્વીકારી લીધું હતું કે એક દિવસ આપણો શ્રેષ્ઠત્વનો વરખ ઉખડી જવાનો છે અને આપણે જવું પડશે; પરંતુ એ છતાં ય આપણે પાશ્ચાત્ય આધુનિક શિક્ષણ આપવું જોઈએ. એનું કારણ રાજધર્મ પણ હોઈ શકે છે અને મજબૂરી પણ હોઈ શકે છે કે પછી બન્ને હોઈ શકે છે. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે તેમણે જાગૃતિ આણનારું અને પ્રશ્નો પૂછનારું શિક્ષણ ભારતમાં દાખલ કર્યું. આપણા રાષ્ટ્રપ્રેમીઓ કઈ પ્રેરણાથી ગુજરાતના વિદ્યાર્થીઓને વિચારથી વંચિત રાખવા માગે છે એ સ્પષ્ટ કરવું જોઈએ, જે રીતે અંગ્રેજોએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. અંગ્રેજો પ્રામાણિક હતા. જે અંગ્રેજો આધુનિક શિક્ષણનો વિરોધ કરતા હતા, તેઓ કહેતા હતા કે તેમનો ઉદ્દેશ શોષણનો છે. સૂતેલાને સહેલાઈથી લૂટી શકાય.

દેશપ્રેમી હિન્દુત્વવાદીઓ કયા ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને વિચારથી વંચિત રાખવા માગે છે? શું તેમને પોતાના વિચારના ટકાઉપણા ઉપર ભરોસો નથી? રામચન્દ્ર ગુહાની એક કાંકરી હિન્દુત્વની હાંડલી ફોડી નાખશે એનો ડર છે? શું એ હાંડલી કાચી માટીની છે? જાણીતા ગાંધીવાદી ચિંતક દાદા ધર્માધિકારી કહેતા કે વિચાર અપૌરુષેય હોય છે. વિચાર સ્ફૂર્યો અને વ્યક્ત થયો કે એ લોકોનો થઈ ગયો. એ પછી લોકો તેને સંભાળે છે, વિકસાવે છે, પોષે છે, વહેંચે છે અને જરૂર પડે તો એમાં પરિવર્તન પણ કરે છે. જેમ સુગંધ પ્રસરી જાય એમ વિચાર પ્રસરી જાય છે. એ પછી તેનો માલિક કોઈ હોતો નથી, તેમ તેનું જતન કરનારું પણ કોઈ હોતું નથી. બાળક પણ થોડું મોટું થાય એટલે સ્વતંત્ર થઈ જાય છે. ચોવીસ કલાકની કાળજીની કે જતનની જરૂર એને પડે જે વિકલાંગ હોય. ચોવીસ કલાકના રક્ષણની જરૂર એને પડે જે નિર્બળ હોય. પ્રચારક જેવી કાખઘોડીની જરૂર એને પડે જે વિચાર બે પગે ઊભો ન રહી શકતો હોય. બાકી વિચાર તો વ્યોમમાં વિહરે અને પોતાની તાકાતથી જીવે. વેદોના સૂકતો અને ઉપનિષદોના મંત્રો પોતાની તાકાતથી અમર થયાં છે.

તો શું હિન્દુ રાષ્ટ્રવાદી વિચારને પોતાની તાકાત પર ભરોસો નથી? નથી સ્તો. જો હોત તો રામચન્દ્ર ગુહાનો ડર ન લાગ્યો હોત. વિચારનો વિચાર દ્વારા મુકાબલો કરવાનો હોય કે તેને ઘરમાં પ્રવેશતા અટકાવવાનો હોય? આ તો નમાલાપણું કહેવાય. આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: (દરેક દિશાએથી શુભ અને સુંદર વિચાર પ્રાપ્ત થાઓ) એવો ઋગ્વેદનો મંત્ર છે. ટકાઉ વિચારને બીજા ટકાઉ વિચારનો ડર નથી લાગતો. પણ ખાટલે મોટી ખોડ એ છે કે ટકી શકે એવો વિચાર ક્યાંથી લાવવો? આપણો વિચાર ભિન્ન વિચાર સામે ટકી શકે એમ નથી અને ભિન્ન વિચાર મંજૂર નથી એટલે પ્રવેશબંદી. ગુજરાતના અને હવે દેશભરના હિન્દુત્વવાદીઓ દેશભરમાં યુવાનોને બાન પકડીને બેઠા છે. કોણે આવો અધિકાર આપ્યો તેમને? તમારી પાસે મૂડી ન હોય તો બીજાને શું કામ દરિદ્ર રાખો છો? અંગ્રેજોએ જ્યારે આપણને વિચારથી દરિદ્ર નહોતા રાખ્યા, તો તમે સ્વદેશી થઈને આવું કરો? આ છે રાષ્ટ્રવાદ? આવો દેશપ્રેમ?

મહારાષ્ટ્રમાં એસ.એચ. દેશપાંડે નામના મેધાવી અર્થશાસ્ત્રી હતા. તેઓ તેમની તરુણાવસ્થામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. તેમણે ‘સંઘાચે દિવસ’ નામનું મરાઠીમાં પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે સંઘ દ્વારા ઘડતર પામેલા રાષ્ટ્રવાદીમાં બે ગુણ અનિવાર્યપણે હોવા જોઈએ. એક તો શંકા નહીં કરવાની અને પ્રશ્નો નહીં પૂછવાના. શંકા કરનારાઓને અને પ્રશ્નો પૂછનારાઓને શ્રદ્ધાહીન ગણાવીને નોખા તારવવામાં આવે. રાણા પ્રતાપ, ભામાશા, શિવાજી વગેરેના દેશપ્રેમના પ્રસંગો સંભળાવવામાં આવતા હોય ત્યારે કોઈ તરુણ ભાવવિભોર થઈ જાય તો તેને ખાસ નોખા તારવવામાં આવે. આનો અર્થ એ થયો કે વિચારવાનું નહીં. શું તેઓ રામચન્દ્ર ગુહા જેવાઓને ગુજરાતમાં ભણાવતા રોકીને સમગ્ર ગુજરાતની શાળા-કોલેજોને સંઘની શાખામાં ફેરવવા માંગે છે?

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 11 નવેમ્બર 2018

Loading

11 November 2018 admin
← જીવન નિર્વાહની વીરપસલી
નોટબંધી, રિઝર્વ બેન્ક અને રાજન →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved