Opinion Magazine
Number of visits: 9733388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેલવેની ગરીબી સિનિયર સિટીઝન્સ જ દૂર કરી શકે એમ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 July 2022

સિનિયર સિટીઝન્સ આમ પણ ઘરમાં અને દેશમાં બોજ છે. એ વાત તેઓ સારી રીતે જાણે છે. એ એટલા મૂરખ પણ નથી કે કોઈ પતાવે છે કે પટાવે છે તે ન સમજે. સરકારે એમનું ઘણું ભલું કરવું છે, પણ તે હોય ત્યાં સુધી તો શક્ય લાગતું નથી. સરકાર તેમનું ભલું કરવાનાં નાટકો હોલસેલમાં કરતી રહે છે, પણ વૃદ્ધો છેતરાવા તૈયાર હોય છે એટલે સરકાર પણ છેતરવાનો આનંદ લઈ શકે છે. સિનિયર્સ પણ જેમ એમનું ઘરમાં જુદું કઢાતું હોય છે એમ સરકારનું પણ જુદું કાઢે છે. હવે ગાય-કૂતરાનું ને સરકારનું લગભગ ઘણાં ઘરો જુદું કાઢતાં થયાં છે જેથી કોઈ બારણેથી ખાલી પેટે ન જાય. એક જમાનામાં માંગનારાઓ બારણે ટહેલ નાખતા રહેતા, તે હવે સરકાર પાસે જાય છે ને સરકાર અનેક રૂપે સવારથી જ બારણાં ઠોકતી જનતાની સામે હાથ લંબાવતી ઊભી રહી જાય છે. કોર્પોરેશન, વીજળી કંપની ને એવાં તો કૈં કૈં ઉઘરાણી કાઢતાં હાજર થઈ જાય છે. આવકવેરો ભર્યા પછી પણ બિસ્કિટના પેકેટથી માંડીને અનેક વસ્તુઓની ખરીદી પર અને વેચાણ પર એટલી બધી જાતના ટેક્સ લાગે છે કે સાધારણ માણસની આવક એ વેરા ભરવા માટે તો નથી ને એવો વહેમ પડે. ઇન્કમ એટલે જ ટેક્સ એવું સમીકરણ સામાન્ય માણસ માટે સાચું થઈ ગયું છે. એ પણ પ્રશ્ન જ છે કે જેટલા વેરા ભરાય છે તે તો સીધા આવકમાંથી જ કપાય છે તો વેરા, ઇન્કમમાંથી બાદ મળવા પાત્ર ખરા કે કેમ? ખરેખર તો સિનિયર્સને આવકવેરામાંથી કાયમી ધોરણે મુક્તિ આપવી જોઈએ, પણ નાણા મંત્રીએ બધાં ઘરડાંઓની એમ કહીને મશ્કરી કરી હતી કે એમણે રિટર્ન ભરવાનું નથી. એમણે જ્યારે કહ્યું કે 75 ઉપરનાઓએ હવેથી રિટર્ન ફાઇલ કરવાનું નથી, તો ડોસાઓ રાજી થયેલા કે ટેક્સ ભરવામાંથી તેમને મુક્તિ મળી છે, પછી ભોપાળું બહાર આવ્યું કે રિટર્ન ન ભરો તો ચાલે, પણ તે ફોર્મ ન ભરો એટલા પૂરતું જ, બાકી ટેક્સ લાગતો હોય તો, તે પેન્શનરનાં ખાતામાંથી બેન્ક જ કાપી લેશે. ડોસાઓએ એ દિવસે ઉલ્લુ બન્યાનો આનંદ લીધેલો.

આ વૃદ્ધો જે વ્યાજની આવકમાંથી હોજરી ભરવાનું પ્લાનિંગ કરીને બેઠેલા તે પાંચ ટકાનું વ્યાજ પણ ખાઈ ન શકે એવી હાલતમાં અત્યારે જીવે છે, તેમાં ટી.ડી.એસ. કપાય તે દાઝ્યા પર ડામ તો ખરો જ ! ક્યાંકથી આવકની ભનક પણ પડે તો સરકાર વેતરવા તૈયાર જ ઊભી હોય છે. એ ગાળામાં તો બધાંને કતલખાને ઊભાં હોવાનો જ અહેસાસ થાય છે. ખરેખર તો સરકારે વૃદ્ધોને લાચાર જ રાખ્યા છે ને બહુ વહી જતું હોય તેમ આ કે તે યોજનાને નામે અજવાળાં વગરની આરતી જ ઉતારી છે. લોન સસ્તી કરવા સરકારે ડિપોઝિટના રેટ ઘટાડ્યા. એનું પરિણામ એ આવ્યું કે બાર ચૌદ ટકા વ્યાજમાંથી નિર્વાહ કરવાની ગણતરી રાખેલી તે સિનિયર્સ ઊંધા પડ્યા ને પાંચ ટકાની દદુડી પડે તેમાં દાંત ખેરવવાનો વારો આવ્યો. એવા સિનિયર્સ વધુ દંડાયા જેમણે વધુ વ્યાજની ગણતરીએ પેન્શનનો વિકલ્પ પણ જતો કરેલો. હવે તો સાંસદો કે ધારાસભ્યોને બાદ કરતાં પેન્શન પણ ખાસ ક્યાં ય રહ્યું નથી એટલે એનું તો નાહી નાખવાનું જ રહ્યું.

આમ તો મંત્રીઓ, સાંસદો કે ધારાસભ્યો વિમાનમાં ઊડતા હોય છે, કારણ એમને વિમાન મફત ઉડાડે છે. કદાચ ને ટ્રેનોમાં જવાનું થાય તો ત્યાં પણ ગજવામાં હાથ નાખવાનો હોતો નથી. એમને કારણે રેલવે ખોટમાં નથી જતી, પણ જે યાત્રીઓ ટિકિટ લે છે, જે માલની હેરફેરનું નૂર ચૂકવે છે એને કારણે રેલવે ખોટમાં જાય છે. છે ને કમાલ ! ધોળા હાથીઓથી રેલવેને નુકસાન નથી, પણ યાત્રીઓને કારણે રેલવે ખોટમાં જાય છે. એને લીધે રેલવેને વૃદ્ધ યાત્રીઓને ભાડાંમાં કન્સેશન આપવાનું પરવડતું નથી. કાલના જ સમાચાર છે કે રેલવે હવે સિનિયર્સને કન્સેશન આપી શકે એમ નથી. રેલવે આમ પણ રડવામાં બારમાસી રહી છે. જેટલા પણ આયામો સરકારે શરૂ કર્યા છે એમાં તે ભાગ્યે જ સફળ કે સંતોષી જણાય છે. સરકાર મફત કશું આપતી નથી. જ્યાં પણ આપે છે ત્યાં મફતનો દેખાવ માત્ર હોય છે, બાકી નીતિ તો બોર આપીને કલ્લી કઢાવી લેવાની જ હોય છે. સરકાર શ્વાસ મફત લેવા દે છે એટલું જ, બાકી એવી કોઈ ચીજ નથી જેના પર સરકારનો ડોળો ન ફર્યો હોય ને ટેક્સ લેવાનું તેને યાદ ન આવ્યું હોય. એમાં પાછા ભાવિક ભક્તો એવું કીર્તન પણ કરતાં રહે છે કે આટલો મોટો દેશ ચલાવવાનું સહેલું નથી. ટેક્સ તો લેવો જ પડે. તે ભલે લે, ટેક્સની ના જ નથી, પણ ટેક્સ ભરવા લોન લેવી પડે એટલો ટેક્સ તો ન લૂંટાય ને ! તેમાં બહુ ઉપકાર કર્યો હોય તેમ સરકાર રાહતો આપવામાં પણ દિલ ચોરી કરે તે બરાબર નથી.

ગેસ પર અપાતી સબસિડી વડા પ્રધાનના એક અવાજ પર આ જ પ્રજાએ જતી કરી ને એ પછી ગેસમાં પ્રજા  કેટલી લૂંટાઈ છે તે, તે બરાબર જાણે છે. સરકારની માનસિકતા એવી રહી છે કે એક તરફ તે રાહતો દૂર કરે છે ને તે સાથે જ મોંઘું પણ કરે છે. ગેસમાં સબસિડી દૂર થઈ તે સાથે જ સિલિન્ડરો મોંઘા પણ થયાં જ છે. રેલવેમાં પણ ભાવિ તો એવું જ દેખાય છે. રાહતો દૂર થશે ને ભાડાં વધશે. લોકસભામાં પુછાયું કે કોરોના કાળમાં રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને આપતી રાહત ફરી ક્યારે શરૂ થશે, તો રેલ મંત્રીએ કહ્યું કે હાલ તુરત તો એ શક્ય નથી, એટલું જ નહીં, ખેલાડીઓને પણ રાહતો આપી શકાય એમ નથી. સરકાર વરિષ્ઠો પુરુષોને 40 ટકા અને મહિલાઓને 50 ટકા રાહત આપતી હતી, પણ સરકારને ઓવરઓલ ખોટ 50 ટકાની જતી જ હતી. આ બધું છતાં રેલવે જીવદયામાં માને છે ને વિકલાંગ શ્રેણીઓ અને 11 પ્રકારના દરદીઓને અને સાંસદોને રાહત દરે કે મફત ટિકિટ આપે છે. 2019-20માં 22.62 લાખ સિનિયર્સ એવા હતા જેમણે ભાડાંમાં રાહત સ્વેચ્છાએ જતી કરી હતી. રેલવેમાં સુવિધાઓ વિકસે એ માટે આ કન્સેશન વૃદ્ધોએ જતું કર્યું હતું. વૃદ્ધોને નડી એટલી શરમ રેલવેને નડતી નથી તેનું આશ્ચર્ય છે. રેલ મંત્રીએ કહ્યું કે વૃદ્ધોને રાહત આપવાને કારણે ભાડાના 50 ટકા સરકાર ભોગવે છે. આ રાહતને કારણે 2019-20માં 1667 કરોડનો ખર્ચ ઉઠાવવો પડ્યો છે. 2018-19 માં એ ખર્ચ 1,636 કરોડનો હતો. 2017-18થી 2018-19 સુધીમાં 4,794 કરોડની આવક રેલવેએ ગુમાવી છે. રેલવેને હવે વૃદ્ધોને ડિસ્કાઉન્ટ આપવાનું ભારે પડે છે. સરકારને ભારે પડે તો એ રાહત બંધ કરી શકે, પણ જનતાને ટેક્સ ભરવાનું ભારે પડે તો એ ટેક્સ ભરવાનું બંધ કરી શકતી નથી એ લાચારી છે. કોવિડને કારણે રેલવેની કમાણી ઘટી છે, પણ રેલવેને એ વિચાર નથી આવતો કે આવક તો જનતાની પણ ઘટી છે. ઘણાંને તો આવકનાં સાધનો જ નથી રહ્યાં, ત્યારે આવક કરવા રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારવામાં નાનમ નથી રાખી. કોરોનામાં વરિષ્ઠોનું કન્સેશન બંધ કરીને રેલવેએ 2020માં 1,500 કરોડની કમાણી કરી. કોરોના કાળમાં વૃદ્ધોની રાહતબંધ હતી, પણ સાંસદોને 62 કરોડની રાહત રેલવેએ યથાવત રાખી. ગમ્મત તો એ છે કે રેલવેને પોતાનાં ભાડાં ઓછાં લાગે છે. બધું મોંઘું છે, પણ રેલવે સસ્તી છે ! કાલ ઊઠીને બીજા બધાંને પણ દાળ, ચોખા સસ્તાં લાગે ને એ ભાવ વધારે તો ફરી લોકોએ જીવદયાની રાહ જોવાની રહે.

એમ લાગે છે કે રેલવે ખાસી ગરીબ થઈ ગઈ છે ને તે સિનિયર્સને અપાતી રાહત અટકે તો જ બેઠી થઈ શકે એમ છે, તો, સિનિયર્સે પણ જીવદયા રાખી રેલવેને વધુ ગરીબ થતી અટકાવવી જોઈએ. રેલવે સાંસદોને કે અન્ય નેતાઓ, મંત્રીઓને ભલે બધું મફત આપે, કારણ એ લોકો દેશ સેવા કરે છે ને એમને સિનિયર્સ કરતાં રાહતની જરૂર વધારે છે, તો છો એ રેલવેમાં ફરી ખાતા. સિનિયર્સને મોંઘવારી, ટેક્સ, ગરીબી આ બધું તો નડતું જ નથી. એ તો ખમી ખાય એવા છે તો છો ખમી ખાતા ને ખપી જતા, એ કૈં કામ લાગવાના નથી. એ તો બોજ છે, ઘર પર ને દેશ પર, એને વળી રાહત શેની? રાહતની જરૂર તો એ લોકોને છે જે ટ્રેનમાં તો ઠીક, વિમાનમાં ઊડી શકે એમ છે, વધારે ગરીબ તો એ લોકો છે જે એકથી વધુ પેન્શન મેળવવા હકદાર છે. તો રાહત તો એને જ હોય ને ! આ વરિષ્ઠોનું શું છે, એ તો આજે છે ને કાલે …

000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જુલાઈ 2022

Loading

22 July 2022 Vipool Kalyani
← નીકળે છે !
મન્તવ્ય-જ્યોત (૧૭) →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved