Opinion Magazine
Number of visits: 9504136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તકાલય અને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ 

સુમન શાહ|Opinion - Opinion|22 March 2023

== ગુજરાતી સાહિત્ય પરિષદમાં, એના ચી.મં. ગ્રંથાલયના સ્થાપના દિવસે, તારીખ ૧૭-મી માર્ચે આપેલા વ્યખ્યાનનું લેખ-રૂપ == 

સુમન શાહ

આ ક્ષણે મેં જોયેલાં પુસ્તકાલયો યાદ આવે છે : ડભોઇ : સયાજી બાળ પુસ્તકાલય, સયાજી સાર્વજનિક પુસ્તકાલય. વડોદરા : હંસા મહેતા યુનિ લાઇબ્રેરી (ઘણા લાયબ્રેરી બોલે છે, એક રીતે સાચું બોલે છે, પુસ્તકોને અને સાહિત્યકલાને લ્હાય લાગી છે ને બધું ‘બરી’ રહ્યું છે). હંસા મહેતા લાઇબ્રેરીનું એ મકાન બનતું જોવાથી ગમતું અને બની રહ્યું એ પછી એમાં બેસીને વાંચવાની ખૂબ મજા લીધેલી. ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’ મારું પહેલું વિવેચન-પુસ્તક એમાં બેસીને લખેલું. ઉપલેટા, કપડવંજ અને બોડેલી -કૉલેજોની લાઇબ્રેરીઓ. અમેરિકામાં ફિલાડેલ્ફીઆમાં પેનની લાઇબ્રેરી. સ્વીચ દબાવો ને જોડે જોડેનાં રૅક્સ સાથેની આખી દીવાલ ખસે. પુસ્તક પાછું આપવું હોય તો બૉક્સમાં મૂકી દેવાનું. પન્નાબેન મને કહે, ચાલો હું તમને કંઈક બતાવું. ત્યાં એમણે મને જે બતાવ્યું તે એક પુસ્તક હતું – ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ! હું ‘આનન્દાશ્ચર્ય’ શબ્દ ભાગ્યે જ વાપરું છું પણ તે દિવસે આનન્દાશ્ચર્યનો સાક્ષાત્ અનુભવ કર્યો. એ હજી ત્યાં હશે, કોણે વાંચ્યું, કોણ વાંચશે, રામ જાણે !

અમદાવાદમાં, એમ.જે. અને વિદ્યાપીઠમાં કદીક ગયો છું. આ ચીમનલાલ મંગળદાસમાં કદી નથી આવ્યો. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીનો એક અનુભવ જાણવા જેવો છે. મારે એક પુસ્તક જોઈતું’તું. મેં નમ્બર વગેરેની કાપલી બનાવી લીધેલી. એક માણસ મને નીચેના માળે લઈ ગયો. એ શોધ કરતો ચાલ્યો. મેં એને કહ્યું – કયા રૅકમાં, આ નમ્બર પ્રમાણે છે, તે જુઓ ને. પણ એ કશું બોલે જ નહીં. મને ગુસ્સો આવતો’તો ને મારી નજર ધૂળ શોધતી’તી તે મને દરેક જગ્યાએ દેખાતી’તી. પુસ્તક ન મળ્યું. મેં કાઉન્ટર પરનાં બેનને પૂછ્યું – આ માણસ બોલતો જ નથી એવું કેમ? તો ક્હૅ – એ મૂંગો છે ! લાઇબ્રેરીમાં મૂંગા રહેવાનું હોય એમ શીખવનારો એ મને મહા મોટો શિક્ષક ભાસેલો ! પુસ્તકાલયમાં શાન્તિ જાળવવી જોઈએ એ આજ્ઞાનું જીવન્ત દૃષ્ટાન્ત હતો એ મૂંગેરીલાલ.

મારી હોમ-લાઇબ્રેરીમાં ગમતાં પુસ્તકો ઓછાં છે અને આવી પડેલાં અને રોજ આવ્યા કરતાં પુસ્તકો બહુ છે. તેનું હું વિસર્જન કરી રહ્યો છું અને મારા વડે લખાતાં પુસ્તકોનું સર્જન કરી રહ્યો છું, કોઈ ભાવિમાં થનારા એના વિસર્જન માટે.

આજના મારા વક્તવ્યમાં એક તીવ્ર પ્રશ્ન આ છે : પુસ્તકોની નિયતિ શી?

પુસ્તકાલયો? મેં કેટલીક કૉલેજોનાં પુસ્તકાલયોમાં તાળાંબંધ કબાટ જોયાં છે ! પુસ્તકોને સાચવે છે કે એમ સૂચવે છે કે વાપરવા માટે નથી? સાહિત્યકારો અને સાહિત્યરસિકોનાં ગૃહ ગ્રન્થાલયોમાં પુસ્તકો સચવાશે? એક નિવૃત્ત મુરબ્બી મિત્રે દસબાર પુસ્તકો મને પૂછ્યા વિના જ મોકલ્યાં, ચિઠ્ઠી મૂકેલી – તમારાં રસરુચિને અનુકૂળ આવે એવાં છે. એક-બે પુસ્તકોમાંથી સફેદ કીડા નીકળેલા. પુસ્તકો પસ્તીવાળા લઈ જશે? ગુજરીઓમાં જશે? કાગળ બનાવવાનાં કારખાનાંમાં જશે? કે પુસ્તકોને અગ્નિસ્નાન કરાવાશે? એક વાર એક પસ્તી લેનારો આવેલો, છાપાં તો લીધાં, પણ ક્હે – આ ચૉપડીઓ નથી આપવી? હું ને રશ્મીતા એકસાથે બોલેલાં – અત્યારે નહીં !

પુસ્તક માત્રનું છેલ્લે શું થવાનું? હું એના ઉત્તર લગી પ્હૉંચવા મથીશ.

પરમ્પરાગત પુસ્તકાલય સામે આજે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ ઊભાં થયાં છે. મોટું પ્લૅટફૉર્મ છે, ગૂગલ ક્લાઉડ. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલે-દોડે છે, ગૂગલ સર્ચ, ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ, અને યૂટ્યુબ.

બીજાં વિવિધ પ્લૅટફૉર્મ્સ છે :

૧ : વિમીઓ, સ્પૉટિફાય અને યૂટ્યુબ. એ મીડિયા શૅરેન્ગિ પ્લૅટફૉર્મ્સ છે. એ સોશ્યલ મીડિયા ઍપ્સ છે. આપણે વપરાશકારો એ પર ફોટા વીડિયો ઑડિયો વગેરે મલ્ટિમીડિયા ફાઇલ્સ મૂકીએ છીએ ને શૅઅર કરીએ છીએ.

૨ : ટ્વીટર, ફેસબુક, લિન્ક્ડ્ઇન, અને ઇન્સ્ટાગ્રામ એવી જ સોશ્યલ મીડિયા સાઇટ્સ છે :

૩ : ક્વોરા, સ્ટૅકઓવરફ્લો, અને રેડીફ – નૉલેજ-બેઝ્ડ પ્લૅટફૉર્મ્સ છે. આ હૅલ્પ-સૅન્ટર સૉફ્ટવેર છે. એમાં આપણે એકબીજા માટે જાતે વિષયવસ્તુ સરજી શકીએ, તેનાં આયોજન કરી શકીએ. ક્વોરામાં માહિતીના પ્રશ્નોત્તરની એટલી બધી ચટાકેદાર સચિત્ર લીલા હોય છે કે તમને યાદ જ ન આવે કે તમારે મહત્ત્વનાં બીજાં અનેક કામ છે.

૪ : ગૃબહબ, ઉબર, અને ઍરબન્બ – સર્વિસ-બેઝ્ડ પ્લૅટફૉર્મ્સ છે. એ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલે છે. સૉફ્ટવેરનો પ્રવાહ અસ્ખલિત ચાલે એ માટે મલ્ટિટેનન્ટ આર્કિટૅક્ચરનો વિનિયોગ કરે છે. ભૌતિક અને ડિજિટલ વિશ્વો વચ્ચે ડેટા, ડેટા-મૅનેજમૅન્ટ, ડેટા-સ્ટોરેજ, ડેટા-ઍનાલિસિસની માંગને પ્હૉંચી વળવા આઇ.ટી.ના વ્યાપારોને સંકોરે છે.

ગૂગલે એની એક વિકાસ-સભામાં કહેલું કે એની પાસે ૭ પ્રોડક્ટ્સ છે અને તેના ૧ બિલિયન વપરાશકારો છે. જીમેઇલ, ક્રોમ, મૅપ્સ, સર્ચ, યૂટ્યુબ, ગૂગલ પ્લેસ્ટોર, અને ઍન્ડ્રોઇડ – બે બિલિયન ઍક્ટિવ ડીવાઇસિસ ધરાવે છે.

મૅસેજિન્ગ ઍપ વ્હૉટ્સઍપના સક્રિય વપરાશકારો આશરે ૨૦૦૦ મિલિયન છે. એની પૅરન્ટ ફર્મ ફેસબુક મૅસેન્જરના ૧.૩ બિલિયન વપરાશકારો છે. ભારતમાં વ્હૉટ્સઍપના વપરાશકારો ૪૮૭ મિલિયન છે.

આ બધાં પ્લૅટફૉર્મ્સ જોડાયેલાં છે, ઇન્ટરનેટ સાથે. એમનું હાથવગું થાણું છે, કમ્પ્યૂટર.

કમ્પ્યૂટરમાં શું નથી? કમ્પ્યૂટરને હું વિશ્વના અભૂતપૂર્વ અને વિશાળ માહિતીભંડારોનો હજાર બારીબારણાંવાળો અને એ બહુ જ બહુ માળ ધરાવતો મહેલ કહું છું.

કમ્પ્યૂટરમાં, તમે માગો એ છે : વિશ્વભરનું સાહિત્ય. કાવ્ય, કથા, નાટક. તે-તેનાં શાસ્ત્રો. થીએટર. સિનેમા. ફિલ્મો. બધી જ લલિત કલાઓ. ઍજ્યુકેશન. અધ્યાત્મ અને પૂર્વનાં અને પશ્ચિમનાં બધાં જ તત્ત્વજ્ઞાન. મનોવિજ્ઞાન સહિતનાં બધાં જ સમાજવિજ્ઞાનો. બધાં જ નેચરલ સાયન્સિસ. હરેક પ્રકારની ડિક્ષનરીઓ, પ્રોનનસિએશનની પણ. સ્પેલચૅક. ગુજરાતી માટે સ્પૅલચૅક ક્યારે થશે? જોડણી અને મહામૂલા ‘સાર્થ જોડણીકોશ’-ની ભલામણો મુજબની જોડણી પૂરેપૂરી રફેદફે કે નષ્ટભ્રષ્ટ થઈ જાય એ પ્હૅલાં થાય તો સારું.

આ પ્લૅટફૉર્મ્સને જોઈને શરૂમાં હું નર્મદના જમાનાના માણસની જેમ બ્હાવરું બ્હાવરું જોતો’તો. એવા આગળના જમાનાનું ‘બુધવારિયું’ છાપું જોઈને પેલા બે જણા, જો મારામાં છે એ જ જગ્યાએ તારામાં છે, એમ કહેનારાની જેમ હું અચંબાથી અંજાયેલો હતો. પહેલી વાર કમ્પ્યૂટર પર લખ્યું ત્યારે લાગેલું કે આ ધરતી પરના કોઈ અજાણ્યા ટાપુ પર હરતોફરતો થઈ ગયો છું. હવા જ જુદી હતી. પિતાજી એક વાર વડોદરેથી મારા માટે કણવાળી પેન્સિલ અને પાકાં પૂઠાંની ૩૦૦ પાનની નોટબુક લાવેલા, મારી ખુશીનો પાર નહીં. એ નાનપણની નોટબુકમાં અને આ નોટબુકમાં એ જ કામ કરું છું, લખવાનું. પણ બેમાં ફેર છે. પેલી એક ડેડ આર્કાઇવ બની ગઈ છે, જ્યારે આનાં પાનાં બેહિસાબ છે અને બધું લેખન હાજરાહજૂર હોય છે.

પ્રાથમિક શાળામાં સ્લેટમાં ઘણા બધા ભાઈબંધો થૂંકથી ભૂંસતા, હું સ્વચ્છ પોતું લઈ જતો. લેખક થયો તેમાં, ચૅંકભૂંસ અને સુધારાવધારાથી લખાણ આડું જ નહીં પણ ઊભું, ત્રાંસુ, વચ્ચેની કોઇપણ કોરી જગ્યામાં ગોઠવાઈ ગયેલું થઈ જતું. એ નાનકડો સ્પર્શક્ષમ ગૂંચવાડો હતો. લેખકપત્નીની કરુણા જાગ્રત થતી – લેખકપતિ કેટલા કાર્યરત છે, શ્રમ લઇ રહ્યા છે. કાગળના ડૂચા વેરાયેલા પડ્યા હોય એને કામવાળી કાળજીથી વાળે એ વાતની કાળજી રાખતી. કાળી ને ભૂરી કે લાલ શાહીના ખડિયા ગયા, એ પડ્યા છે ગામડાગામના સૂકા કૂવા જેવા. વડોદરાની ‘પ્રતાપ’ પેનથી માંડીને દુનિયાભરની ઇન્ડિપેનો પણ ઊભી છે પુનર્જન્મની આશામાં જીવતી ડોશીઓની જેમ. મોતીના દાણા જેવા કે ટાઇપ્સ જેટલા મરોડદાર મારા હસ્તાક્ષર હમ્મેશને માટે ગયા. કંઈક લખું છું પછી મને જ નથી ઊકલતું.

પણ મારે “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ” માટે ઘરની પર્સનલ કે પબ્લિક લાઇબ્રેરીમાં જવાની જરૂર ન્હૉતી પડી. ચૅંકભૂસથી ઊભો થનારો ગૂંચવાડો કર્યા વિના મને ખોટું લાગે એ વાક્યને હું ડીલીટ કરી શકું છું. મને ગમતા કે મારા લખાણને સુસંગત એવા ગમે એટલા પ્રાચીન કે કાળગ્રસ્ત મનીષીનો ફોટો મૂકી શકું છું. લખતો હોઉં તેની સાથે, હરિપ્રસાદ ચૌરસિયાને જોતાં જોતાં સાંભળી શકું છું. ગમે એટલા અઘરા સ્પૅલિન્ગવાળા મહામનાના નામના ઉચ્ચારને એની મૂળ ભાષા પ્રમાણે તેમ જ બીજી અનેક ભાષાઓ પ્રમાણે સાંભળી શકું છું.

પુસ્તકાલય, ના, પુસ્તકાલયો, હવે મારા સ્ક્રીન પર છે. એ જ છે એનો ચિરંજીવી અવતાર. ત્યાંથી શરૂ થાય છે, પુસ્તકની નિયતિ. પુસ્તકનાં સમરિ રૂપો, એનાં અનૂદિત રૂપો, એની સમીક્ષાઓ ત્યાં જ છે.

આપણા જમાનામાં કહેવાયું કે અર્થનું મૃત્યુ થયું છે પણ અહીં પુસ્તકના મરણનો સંભવ જ નથી. અર્થમૃત્યુના સમાચારને ચોપાસથી તપાસી જોવાની સગવડ છે. કોઈ મોટાભાના ઓશિયાળા થવાની જરૂર નથી, એમને પણ તક નથી.

પુસ્તક વાચક માટે એટલું બધું નજીક છે, જાણે એનું હૈયું. એ હૈયામાં એ પુસ્તકનો વાચન-અનુભવ સંઘરાશે પણ વિકસતો રહેશે એ જ છે એની નિયતિ. 

પહેલાં પણ સંઘરાતો હતો પણ હવે એ અનુભવ એ-નો-એ નથી રહેતો, એમાં સુધારાવધારા થયા કરે છે. એ જ છે પુસ્તકવાચનનું ભવિતવ્ય જેમાં એના નિરન્તરના વિકાસની શક્યતા પડેલી છે. કેમ કે, એ વાચન કોઈ એક મલ્લીનાથના સિક્કા પછી અટકી ગયું નહીં હોય. રવીન્દ્રનાથની કૃતિનો અનુવાદ કોઈ એક નગીનદાસની સહી પછી અટકી ગયો નહીં હોય. શેક્સપીયરકૃત ટ્રેજેડીઝ વિશે એ.સી. બ્રૅડલિએ કરેલી સમીક્ષાઓ પછી પણ એ જ ભૂમિકાનાં બીજાં લેખનો થઈ શકતાં હશે.

માનવીય માહિતીસંસારને અને જ્ઞાનપુંજને સતત વિકસાવનારી આ નિત્યવર્ધમાન શક્યતા અભૂતપૂર્વ છે.

મારે એક વાત ભારપૂર્વક કહેવી છે. વેદો જો ‘અપૌરુષેય’ મનાય છે તો આ પ્લૅટફૉર્મ્સની ઉપયોગીતા ‘અપૌરુષેય’ લાગે એટલી બધી સહજ છે, પ્રયાસહીન છે. એવી બે ઉપયોગીતા વિશે દાખલા સહિતની વાત કરવા માગું છું :

એક છે, આપણા રસાનુભવનું દૃઢીકરણ.

કેવી રીતે? જુઓ, હવે આ બધાં પ્લૅટફૉર્મ્સ મારાં પુસ્તકાલયો છે. ‘પુસ્તકાલય’, ‘પુસ્તક’ અને ‘વાચન’ સંજ્ઞાઓના સંકેત બદલાઈ રહ્યા છે. આ પુસ્તકાલયોનાં આ બધાં વિવિધ અને બહુરૂપધારી ‘પુસ્તકો’-નો હું ‘વાચક’ છું. એનો ‘ગ્રન્થપાલ’ પણ હું છું. એની મદદો લઈને હું મારા રસાનુભવને સુધારી શકું છું.

દાખલા તરીકે, મને ‘તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ પંક્તિમાં, એના વ્યાપક સંદર્ભમાં ‘શાન્તરસ’ દેખાયો છે. કાશ્યપની એ ઉક્તિ પાસે હું થંભી ગયેલો. મને યાદ આવ્યું હતું કે આ પ્રસંગને ભલે કરુણમાં ગણાવાય છે, પણ મને એમાં શાન્તરસ અનુભવાયો છે. અને આનન્દવર્ધન જેવા મહાન કાવ્યાચાર્ય પણ દર્શાવી ગયા છે કે ‘મહાભારત’-માં પ્રમુખપણે વ્યાપક રસ કોઈ હોય તો તે શાન્ત છે. તો હું સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં થયેલા સમગ્ર રસવિધાનમાં જવા માગું તો આ પુસ્તકાલયો મને તુરન્ત મદદ કરશે. હું અભિધા, લક્ષણા અને વ્યંજના ઉપરાન્તની શબ્દની તાત્પર્યશક્તિની ચર્ચા પાસે જવા માગું તો જઈ શકીશ. રસના મૂળમાં ધ્વનિ છે કહેનારા ધ્વનિવાદ જેવી એકથી વધુ સિદ્ધાન્તસરણીઓ પાસે પણ જઈ શકીશ. ટૂંકમાં, મદદ માટે આ પ્લૅટફૉર્મ્સ પર કેટલાયે સુજ્ઞો મારી સમીપે ઊભા હોય છે. અથવા હું એમની સમીપે જઈ શકું છું.

બીજી અપૌરુષેય મદદ મેળવી શકું છું chatGPT પાસેથી. બે માસ પૂર્વે ચિ. મદીરે એની વાત કરેલી. એનું પૂરું નામ છે, ચૅટજનરેટિવ પ્રીટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર. આ એક aichatbot છે. એ nlp-નો એટલે કે, નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગનો વિનિયોગ કરે છે. એની સ્થાપક openai કમ્પની કહે છે કે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ભૂમિકાએ વિકસાવાયેલું એક નૂતન મૉડેલ છે. ગૂગલ સર્ચ અને ચૅટજીપીટીમાં ફર્ક એ છે કે ગૂગલ હનુમાનજીની જેમ આખો પર્વત ઉપાડી લાવશે, જ્યારે આ તો સંજીવનીનો માત્ર છોડ જ લાવશે. તમે માગ્યું એ જ આપવું અને એના કેન્દ્રમાં રહીને સંવાદના વર્તુળને વિકસાવવું એ એની વિશેષતા છે.

એ આપણી જોડે વાતચીત કરતું હોય એમ, સંવાદની રીતે, વર્તે છે, અલબત્ત, બોલીને નહીં, પણ હું જો એને પૂછું કે ગુણસુંદરીના ઘરસંસારમાં માનચતુર અને ધર્મલક્ષ્મી એની સાથે કેવોક વર્તાવ રાખે છે, તો એ મને ‘સરસ્વતીચંદ્ર’-માં જોઈને યોગ્ય ઉત્તર આપશે. હું એને કંઈક બીજું પૂછીશ કે ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન કયા કયા વિદ્વાનોએ ચર્ચ્યો છે તો એ મને સુરેશ જોષી સુધી લઈ જશે. અમારી વચ્ચેના એવા સંવાદમાં એની કશીક ભૂલ હશે તો, સુધારશે.

એટલું જ નહીં, ખોટી સ્થાપનાઓને ચૅલેન્જ પણ કરશે. એને હું પૂછું કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉમાશંકર જોશી અને સુરેશ જોષી પછી કોની વિચારસરણી પ્રભાવક નીવડી છે, તો એ કહેશે કે, સુરેશ જોષીની. હું પૂછું કે એ હકીકતને મચડવાનો પ્રયાસ કોણે કર્યો તો એનું નામ અને જેમાં એ મચડાટ છે એ લેખને હાજર કરશે. એવાં એવાં ઉપજાવી કાઢેલાં જેટલાં જૂઠાણાં હશે,‘પોસ્ટ ટ્રુથ’, એ તમામ વિશે રહસ્યસ્ફોટ કરશે. પરિણામે, હવે ખોટા ઇતિહાસ નહીં લખી શકાય.

સામે, ચૅટજીપીટી મારી અનુચિત માગણીઓને પણ ફગાવી દેશે. હું આને એક સુલક્ષણા અને પરિશુદ્ધ વિદ્વાનનું વર્તન ગણું છું. કુદરતી બુદ્ધિવાળો આપણો કહેવાતો વિદ્વાન, બની બેઠેલો મોટાભા, અંગત રાગદ્વેષ ભેળવીને જે પ્રકારની ગરબડ-સરબડ કરે, એ આ આર્ટફિશ્યલ ઇન્ટેલિજન્સની હન્ડ્રેડ પરસૅન્ટ વસ્તુલક્ષીતામાં શક્ય જ નથી.

ગુજરાતી ભાષા અને એના સાહિત્ય વિશે ચૅટજીપીટી હજી અભ્યાસો કરી રહ્યું છે. પણ એના વિધિસરના chat.openai.com પોર્ટલ પર જાય એને એ હાલ મફત વાપરવા દે છે, પછીના સમયમાં ફી માગે, કે ન પણ માગે.

આ બધાં પ્લૅટફૉર્મ્સની મોટી એક મદદ એ છે કે હું જે છું એ જ રૂપે સંસાર સામે રજૂ થઈ શકું છું. એ મારા જ્ઞાનને જાહેરમાં મૂકવાની મારી હિમ્મતને દાદ આપે છે. હું મારી પ્રામાણિકતાને સૂર્યપ્રકાશ હેઠળ મૂકું છું. વિશ્વનો કોઈપણ મનુષ્ય એની ચકાસણી કરી શકે છે. આ ઓપનનેસ પણ અ-પૂર્વ છે.

જેમ કે, હું મારું પુસ્તક પ્રોડ્યુસ કરી શકું છું, મારું પુસ્તકાલય ખડું કરી શકું છું. એ માટે મારે ઘોડા કે કબાટ વસાવવાની જરૂર નથી. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીના પેલા મૂંગેરીની જેમ અહીં બધાં જ મને મૂંગે મૉંએ મદદ કરે છે. હું મારી પોતાની વેબસાઇટ કે બ્લૉગ ખોલીને બધી જ રીતે જાહેર થઈ શકું છું. હું પોડકાસ્ટ પર મારા સાહિત્યકાર સાથીમિત્ર સાથે સંવાદ રચી શકું છું. એનાં ઍપિસોડ્સ કરી શકું છું. સ્ટ્રીમયાર્ડ કે ઝૂમ પર સાહિત્યચર્ચાઓ રાખી શકું છું. સાહિત્યજનો ઓછાં પણ લોકો જ જેમાં વધારે હોય છે એવાં સાહિત્યકલાના જીવને ન છાજે એવાં ભદ્દાં લોકાર્પણ કાર્યક્રમોને સ્થાને એ પુસ્તક વિશે અભ્યાસ કરીને આવેલા ત્રણ-ચાર મિત્રોની વાતો સાથે ઇ-મિત્રાર્પણ કાર્યક્રમ યોજી શકું છું.

પણ જો નીવડેલા લેખકો આ બધી નવતાઓને આત્મસાત્ કરશે નહીં તો કશો જ લાભ થશે નહીં. દેશી નામાની પદ્ધતિ ગઈ એમ પરમ્પરાગત લેખન અને એવું જ પછાત સાહિત્ય કાયમ માટે કદાચ લુપ્ત થઇ જશે. કેમ કે હવે કોઇ પેપર અને પેન લઇને લખવા બેસવાનું નથી. અને નીવડેલાઓ કઈ સમ્પદા સાચવવાને જોડાતા નથી એ જો નવોદિતો સમજશે તો એ દિશાએથી મળનારા લાભને પણ તેઓ આ નવતાઓની મદદથી પોતાનાં લેખનોમાં ઉમેરી શકશે. 

હું ભૂતકાળમાં આસાનીથી જવાય એટલે દૂર જઉં છું એ મારો વર્તમાન હોય છે અને ભવિષ્ય તો મારા હાથમાં જ હોય છે. કાળની આ પ્રવાહિતા આમ પણ સૂચવાઈ છે – આપણે નેવિગેટ કરીએ – સ્ક્રોલ કરીએ – સ્ટ્રીમિન્ગ કરીએ તે શેમાં કરીએ છીએ? એક અપ્રતિમ એવા ડિજિટલ પ્રવાહમાં.

ભવિષ્યમાં પરમ્પરાગત પુસ્તકાલયો પણ ડિજિટલ સગવડોવાળાં થઈ ગયાં હશે, કમ્પ્યૂટર પર જ પુસ્તક, લેખ, લેખક જાતે શોધી લેવાં પડશે. એ પછી જ જે તે સ્થાનેથી મળશે. અમેરિકામાં હું જ્યાં રહું છું એ પીઓરીઆ શ્હૅરની પબ્લિક લાઇબ્રેરી એવી અદ્યતન છે. એમાં પુસ્તકો ઉપરાન્ત, મૂવીઝની કે જાતભાતના સ્ટડીઝની ડીવીડીઝ છે. ઑડિયો બુક્સ છે. સ્પોકન ઑડિયો પણ ઉપલબ્ધ છે. સોફા પર બેસીને વાંચી શકો એવા આરામદાયક સોફા ઠેકાણે ઠેકાણે પાથરેલા છે. ઉનાળાની ગરમીથી બચવા માટે એમાં સૅન્ટ્રલ એ.સી. છે. શિયાળાની ઠંડીથી બચવા તમારા સોફા સામે જ ફાયરપ્લેસ છે. તમારે બે કે ચાર મિત્રોને નાની સભા કરવી છે તો કાચની કૅબિન્સ છે. પણ બધું જ તમારે તમારા કમ્પ્યૂટરથી કે લાઇબ્રેરીનાં કમ્પ્યૂટર્સથી શોધી લેવાનું રહે. તમે ગૂંચવાવ ને લાઇબ્રેરીના કર્મચારીઓ પાસે મદદ માગો તો પ્રેમથી આપશે.

ત્યાં પહેલી વાર મેં દૉસ્તોએવસ્કી કામૂ કાફકા કે સાર્ત્રની સૃષ્ટિઓની કક્ષાનાં પુસ્તકો શોધવા મથામણ કરેલી પણ નિષ્ફળ ગયેલો. મેઇન લાઇબ્રેરિયનબાનુ મને કહે, ધિસ ઇઝ પબ્લિક લાઈબ્રેરી, સર. મને ભાન પડેલું કે જનતાજનાર્દન માટેનું સાહિત્ય વિપુલ છે અને તે પણ ખાસ્સું સુવાચ્ય તેમ જ રસપ્રદ હોય છે.  

= = =

(March 20, ’23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

22 March 2023 Vipool Kalyani
← ગાંધીવારસાનાં નારીરત્નો : : બિરદ ભોંય પર પદચિહ્નો
કેતન મહેતાની અને ધીરુબેન પટેલની ‘ભવની ભવાઈ’ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved