
ચંદુ મહેરિયા
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તેમની સરકાર બેથી વધુ બાળકો હોય તેને ખાસ પ્રોત્સાહન આપશે તેમ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને ઉમેદવારી કરતાં અટકાવતો કાયદો આંધ્ર સરકાર સુધારશે તેવી પણ જાહેરાત કરી છે. ‘અમે બે અમારા બે’ના શોર અને વસ્તી નિયંત્રણના આકરા પગલાં પર જોર વચ્ચે વધુ બાળકોની અપીલનું કારણ ઘટતો પ્રજનન દર છે. દેશના ૨.૧ ટકા પ્રજનન દરની સરખામણીએ દક્ષિણના રાજ્યોનો પ્રજનન દર ૧.૬ ટકા હોવાથી વસ્તી વૃદ્ધિની અપીલો થઈ રહી છે.
આંધ્રના સી.એમ.ની અપીલના વળતા દિવસે જ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને સમૂહ લગ્નના સમારંભમાં કહ્યું કે પહેલાં નવદંપતીને સોળ પ્રકારની સંપત્તિના આશીર્વાદ અપાતા હતા, હવે સોળ સંતાનોના આશીર્વાદ આપવા જોઈએ. નવા પરણેલાં જોડાં નાના કુટુંબોનો ખ્યાલ છોડે તેવી વિનંતી તેમણે કરી છે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તો વળી આધુનિક વસ્તી વિજ્ઞાનનો હવાલો આપીને જણાવ્યું છે કે જ્યારે કોઈ સમાજનો પ્રજનન દર ૨.૧થી નીચે જાય છે ત્યારે તે આપોઆપ નષ્ટ થઈ જાય છે. આજે ભારત તે સ્થિતિએ છે. એટલે તેમણે લોકોને સમાજને જીવતો રાખવા ઓછામાં ઓછા ત્રણ બચ્ચાં પેદા કરવા અપીલ કરી છે. યાદ રહે મોહન ભાગવત અપરિણીત છે અને તેમને કોઈ સંતાન નથી. આંધ્ર પ્રદેશના સી.એમ.ને એક અને તમિલનાડુના સી.એમ.ને બે જ સંતાનો છે. પરંતુ તેઓ પોતાનાં વોટર્સ ઘટી ન જાય તે માટે પ્રજનન દરના ઘટાડાનો સરળ ઉકેલ વસ્તી વૃદ્ધિમાં જુએ છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા જણાવે છે.
૨૦૨૪ના મધ્યમાં તો ભારત ચીનને આંબીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને હવે ફરી પ્રજનન દરના ઘટાડાને અટકાવવા વસ્તી વધારાની અપીલો થઈ રહી છે. એક દંપતી દ્વારા જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા કે એક મહિલાએ તેના જીવનકાળમાં જન્મ આપેલ સંતાનોની સરેરાશ સંખ્યા એટલે ટોટલ ફર્ટિલિટી રેટ ( TFR) કે પ્રજનન દર ગણાય છે. મહિલા તેની ઉમરના ૧૫થી ૪૯ વર્ષના ગાળામાં ગર્ભધારણની ક્ષમતા ધરાવે છે. ૧૫થી ૧૯ વર્ષમાં આ ક્ષમતા વિશેષ હોય છે. ભારતીય મહિલાઓની ગર્ભધારણ ક્ષમતા, પ્રજનન દર કે જન્મ દર ઘટી રહ્યો છે અને તે ૨.૧ કે ૨-એ પહોંચ્યો છે.
માનવ ઇતિહાસના સૌથી મૂળભૂત સામાજિક પરિવર્તન પૈકીનું એક પ્રજનન દરમાં ઘટાડો છે. નિયંત્રિત પ્રજનન દર માટે જાણીતા બાંગ્લાદેશને બેના પ્રજનન દરે પહોંચતા સત્તર વરસ લાગ્યા હતાં પરંતુ ભારતે ચૌદ વરસમાં આ સિદ્ધિ મેળવી છે. તેનાં કારણો જાણીને આ પરિવર્તનને આવકારવાની જરૂર છે.
શિક્ષણ અને મહિલા શિક્ષણમાં થયેલા વધારાને કારણે વસ્તી વૃદ્ધિની વિપરિત અસરો વિશે જાગ્રતિ વધી છે. વસ્તી વધારા પર નિયંત્રણનું જ પરિણામ પ્રજનન દરનો ઘટાડો છે. જો કે તે નસબંદી કે વધુ બાળકો ધરાવનારને દંડિત કરવાથી નહીં પણ ચોક્કસ આર્થિક-સામાજિક કારણોથી થયો છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળે શિક્ષણના ઊંચા દર દ્વારા આ પ્રજનન દર હાંસલ કર્યો છે. મહિલા જાગ્રતિકરણ કે સ્ત્રી સશક્તિકરણ, શ્રમ શક્તિમાં વધેલી મહિલા ભાગીદારી, કુટુંબના નિર્ણયોમાં મહિલાનો અવાજ, ગર્ભ નિરોધક્ના ઉપયોગને મળેલી સામાજિક સ્વીકૃતિ, લગ્ન વયમાં વધારો, એક્લ અપરિણિત મહિલાઓનું વધતું પ્રમાણ, સમાજનું આધુનિકીકરણ, સંકોચાતા પરિવારો, આરોગ્ય સેવાઓમાં સુધારો, બાળ મૃત્યુનું ઘટતું પ્રમાણ,મહિલા અધિકારોનો અમલ, બાળકોના ઉછેર અને શિક્ષણ આરોગ્યના ખર્ચમાં વધારો, નવા મૂલ્યોનો જન્મ અને શહેરીકરણ જેવાં કારણોથી પ્રજનન દરમાં ઘટાડો થયો છે.
ટોટલ ફર્ટિલિટી રેટના ઘટાડાની સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે. પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તી વૃદ્ધિનો નો દર ઘટ્યો છે. ૧૯૬૩માં વૈશ્વિક વસ્તી વૃદ્ધિ દર ૨.૩ ટકા હતો જે આજે લગભગ ૧ ટકા છે. ભારતનો પ્રજનન દર અને વસ્તી વૃદ્ધિ દર સમાન એટલે ૨ છે. અધિક મૃત્યુ દરથી નિયંત્રિત થતી વસ્તી વૃદ્ધિ હવે ઓછા પ્રજનન દરથી નિયંત્રિત થશે. હાલમાં ભારતમાં યુવા વસ્તીનું પ્રમાણ વધુ છે. પરંતું પ્રજનન દરમાં ઘટાડાને કારણે યુવા વસ્તીમાં ઘટાડો થશે અને વૃદ્ધ વસ્તીમાં વધારો થશે. વલ્ડ પ્રોસ્પેકટ રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતમાં પાંત્રીસ વરસથી નાની વયની યુવા આબાદી ૬૫ ટકા છે. ટી.એફ.આર.માં ઘટાડો થતાં ત્રીસ વરસ પછી પાંસઠ વરસની વૃદ્ધ વસ્તી ૬૫ ટકા હશે. પ્રજનન દરના ઘટાડાનું આ સૌથી મોટું નકારાત્મક પાસું ગણાય છે.
એક એવો હાઉ ઊભો કરવામાં આવી રહ્યો છે કે પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તીમાં તુરત ઘટાડો થઈ જશે. પરંતુ આગામી કેટલાક દાયકા સુધી તો વસ્તી વધવાની જ છે. તે પછી તેમાં ઘટાડો થવો શરૂ થશે. હાલમાં યુવાઓની જનસંખ્યા વધારે હોવાથી કામ કરતા લોકોમાં વધારો થયો છે તેને કારણે આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. ઘરડા લોકો અને બાળકોની વસ્તી વધવાની અસર થઈ શકે છે કેમ કે આ વર્ગ અન્ય પર નિર્ભર છે. એટલે બુઝુર્ગ અને વૃદ્ધ વસ્તીની દેખભાળ મોટી ચેલેન્જ બની શકે છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતમાં મહિલાઓની ગર્ભધારણ ક્ષમતા રાષ્ટ્રીય લેવલે ૨ છે, પરંતુ ગુજરાતમાં તેનાથી થોડી ઓછી એટલે કે ૧.૯ છે. તેનું કારણ મોડાં લગ્ન, શહેરીકરણ અને ગર્ભનિરોધકનો ઉપયોગ તો છે જ, પરંતુ ગુજરાતમાં ૬૫ ટકા મહિલાઓ કુપોષિત છે. એટલે પ્રજનન દરનો ઘટાડો કુપોષણનું પરિણામ હોય તો તે દૂર કરવાની દિશાના પ્રયત્નો વધારવા પડે. બાળમૃત્યુ દરમાં ઘટાડો, સરેરાશ આયુષ્યમાં વધારો અને ઓછા વજન અને ઊંચાઈ ધરાવતા બાળકોની સર્વાધિક સંખ્યામાં ઘટાડાના સંદર્ભે યોગ્ય પગલાં પણ પ્રજનન દરના ઘટાડાની વિપરિત અસરો ઓછી કરી શકે છે.
રાજકારણીઓને પ્રજનન દરના ઘટાડાનો સરળ અને તુરત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દૃષ્ટિએ જોવાની જરૂર છે. ઓગણીસમી સદીમાં સરેરાશ છ બાળકોના પ્રજનન દરને અડધો કે ત્રણ કરતાં યુ.કે.ને ૯૫ વરસ અને અમેરિકાને ૮૨ વરસ થયા હતા. પરંતુ વીસમી સદીમાં બાંગ્લાદેશે ૨૦, સાઉથ કોરિયાએ ૧૮, ચીને ૧૧, ઈરાને ૧૦ વરસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ધીમા પણ મક્કમ સામાજિક પરિવર્તનને ફટાફટ વધુ બાળકો જણવા માંડો એમ કહીને વેડફી ના નાંખીએ.
જો અન્ય પર નિર્ભર વૃદ્ધોની વધુ વસ્તી સમસ્યા લાગતી હોય તો વૃદ્ધો લાંબો સમય કામ કરી શકે તેવા તંદુરસ્ત રહે તેવું કરવાની જરૂર છે. વૃદ્ધ વસ્તીને સમસ્યારૂપ માનવાને બદલે તેને સ્વસ્થ રાખી વધુ સમય કામ કરતા કરવાની જરૂર છે. વસ્તી વૃદ્ધિ કે વસ્તી નિયંત્રણને બદલે તંદુરસ્ત અને ખુશહાલ આબાદી દેશને આબાદ બનાવશે.
e.mail : maheriyachandu@gmail.com