Opinion Magazine
Number of visits: 9448707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ફુલે’ ફિલ્મનો વિરોધ; એ પુરાવો છે કે આપણે પ્રગતિશીલ મૂલ્યો પચાવી શકતા નથી !

રમેશ સવાણી|Opinion - Opinion|15 April 2025

[1]

‘ફુલે’ ફિલ્મ 11 એપ્રિલ 2025ના રોજ, જોતિરાવ ફુલેના જન્મદિવસે રજૂ થવાની હતી, પરંતુ સેન્સરબોર્ડે ફિલ્મમાં સુધારા સૂચવ્યા તેથી હવે 25 એપ્રિલના રોજ રજૂ થશે. સેન્સરબોર્ડના વાંધાઓ બાબતે ઊહાપોહ થયો છે. ભૂતકાળમાં લઈ જનારી ‘સત્તા’ને ફુલેના પ્રગતિશીલ વિચારો પચે નહીં તેવા હતા. અલગ અલગ બ્રાહ્મણવાદી સંગઠનોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો છે. આ ફિલ્મના નિર્દેશક છે અનંત નારાયણ મહાદેવન. પટકથા લેખક છે દારબ ફારુકી. મુખ્ય ભૂમિકામાં પ્રતીક ગાંધી અને પત્રલેખા છે.

ફિલ્મમાં એક સંવાદ છે : ‘બ્રાહ્મણો શૂદ્રોને માણસ માનતા નથી !’ આ તો ઐતિહાસિક તથ્ય છે. આ તથ્ય કાઢી નાખવામાં આવે તો ફિલ્મનો આત્મા જ મરી જાય ! બીજું એક દૃશ્ય છે જેમાં ‘સાવિત્રીબાઈ કન્યાઓને ભણાવવા શાળાએ જાય ત્યારે રસ્તામાં તેમની પર છાણ ફેંકવામાં આવે છે.’ જો આ દૃશ્ય હટાવી દેવામાં આવે તો ફિલ્મનો કોઈ અર્થ સરે? જે ઘટનાઓ બની છે, જેનું દસ્તાવેજીકરણ થયેલું છે તેનું ફિલ્માંકન થાય ત્યારે શા માટે વાંધો લેવો જોઈએ? 

જોતિરાવ ફુલે કોણ હતા? તેમના વિચારો કેવા હતા? તેમનું શું યોગદાન છે તેના પર નજર કરીએ : જોતિરાવ (11 એપ્રિલ 1827 / 28 નવેમ્બર 1890) અને સાવિત્રીબાઈ (3 જાન્યુઆરી 1831 / 10 માર્ચ 1897) દંપતીએ જાતિ / લિંગના આધારે થતાં અન્યાય સામે અવાજ ઊઠાવ્યો હતો. તેમણે 21 વર્ષની વયે, 1 જાન્યુઆરી 1848ના રોજ શૂદ્ર અને અતિશૂદ્ર કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી હતી. તેના કારણે પિતા સાથે વિવાદ થતાં ફૂલે દંપતીએ 1849માં ઘર છોડ્યું. 1851માં પુણેમાં કન્યાશાળા સ્થાપી. 1852માં પુના લાઈબ્રેરીની સ્થાપના કરી. 1855માં શિક્ષણના મહત્ત્વ અંગે નાટક ‘તૃતીય રત્ન’ લખ્યું. 1855માં રાત્રિશાળાની સ્થાપના કરી. 1856માં ફૂલે પર પ્રાણઘાતક હુમલો થયો. 1860માં વિધવા લગ્નમાં મદદ કરી. 1863માં બાળહત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી. 1868માં ઘરનો કૂવો અછૂતો માટે ખોલી દીધો. જૂન 1869માં શિવાજી મહારાજનાં પવાડા-શૌર્યગીતની રચના કરી. 1869માં ‘બામણોનો કસબ’ પુસ્તક લખ્યું. 1 જૂન 1873ના રોજ ‘ગુલામગીરી’ પુસ્તક લખ્યું. 24 સપ્ટેમ્બર 1873ના રોજ ‘સત્યશોધક સભા’ની સ્થાપના કરી. 5 સપ્ટેમ્બર 1875ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતીની શોભાયાત્રા કાઢી. 18 જુલાઈ 1880ના રોજ દારુની દુકાનોને લાયસન્સ ન મળે તે માટે પ્રયત્નો કર્યા. 18 ઓક્ટોબર 1882ના રોજ દલિતવર્ગના શિક્ષણ પ્રત્યે ઉદાસીનતાને લઈ હંટર આયોગને આવેદનપત્ર આપ્યું. 18 જુલાઈ 1883ના રોજ ખેડૂતોની હાલત અંગે ‘કિશાને કા કોડા’ નાટક લખ્યું. 4 માર્ચ 1884ના રોજ બાળવિવાહ અને વિધવાઓની સ્થિતિ અંગે આવેદનપત્ર આપ્યું. 1885માં ‘સત્સાર-1’ / સત્સાર-2 /  ‘ઈશારા’ પુસ્તકો લખ્યાં.  29 માર્ચ 1886ના રોજ પુરોહિત વગરનાં લગ્ન કરાવવા અંગેના કેસમાં જીત્યા. 11 મે 1888ના રોજ લોકોએ મહાત્માની ઉપાધિ આપી. 1 એપ્રિલ 1889ના રોજ ‘સાર્વજનિક સત્યધરમ’ પુસ્તક લખ્યું. 

તેમના પુસ્તક ‘ગુલામગીરી’ને કેન્દ્રમાં રાખીને જોતિરાવ ફૂલેનો સંઘર્ષ સમજીએ. જોતિરાવે ધોંડિબા નામનું કાલ્પનિક પાત્ર ઊભું કરી, તેની સાથે સંવાદના રૂપે છૂતાછૂત / અંધવિશ્વાસ / આડંબર-પાખંડ-છળકપટ પર રોચક શૈલીમાં પ્રહાર કર્યા છે. જોતિરાવે જે જવાબો આપ્યા છે તે રજૂ કરીએ તો કેટલાં ય રુઢિચુસ્તોની લાગણી દાઝી જાય તેમ છે. 1873માં ‘ગુલામગીરી’ પુસ્તક લખાયું તે પછી સ્વામી દયાનંદ સરસ્વતીએ બે વર્ષ બાદ 1875માં પોતાનું પુસ્તક ‘સત્યાર્થપ્રકાશ’ લખ્યું હતું. દયાનંદ સરસ્વતીએ પણ જોતિરાવની સવાલ-જવાબવાળી શૈલી ‘સત્યાર્થપ્રકાશ’માં અપનાવી હતી. ‘ગુલામગીરી’ પુસ્તક લખાયું ત્યારે ગાંધીજીનો જન્મ થવાને 4 વર્ષની વાર હતી. સહજાનંદ સ્વામીનું 1830માં અવસાન થયું ત્યારે જોતિરાવ 3 વર્ષના હતા. દયાનંદ સરસ્વતીનો 1824 જન્મ થયો ત્યારે જોતિરાવના જન્મને 3 વર્ષની વાર હતી. આપણા સમાજ સુધારક કરસનદાસ મૂળજી, જોતિરાવથી 5 વરસ નાના હતા. 1873માં ફૂલેએ ‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કરી, તેના બે વર્ષ પછી 1875માં ‘આર્યસમાજ’ની સ્થાપના થઈ હતી. 

જ્યોતિરાવે સમાજમાં સત્ય / ન્યાય / સમાનતા / સ્વતંત્રતા / માણસાઈ / ભાઈચારાની સ્થાપના માટે અનેક ક્રાંતિકારી પગલાં લીધાં. રુઢિવાદી સમાજનો તિરસ્કાર સહન કર્યો. પણ ઝૂક્યા નહીં.  રાજા રામ મોહન રાય / કેશવચંદ્ર સેન / દેવેન્દ્રનાથ ઠાકુર / સ્વામી દયાનંદ સરસ્વતીએ અનેક કુરીતિઓ પર પ્રહાર કર્યા. પરંતુ તેમનો સંબંધ મધ્યમવર્ગ અને ઊંચવર્ગ હતો; એટલે તેમનો પ્રભાવ તે વર્ગ સુધી હતો. તેમના મુદ્દાઓ હતા : મહિલા શિક્ષણ / બાળવિવાહ / વિધવા પુનર્વિવાહ. ફૂલેનો સંબંધ સમાજના નિમ્નવર્ગ સાથે હતો. તેમનો પ્રભાવ શૂદ્રો / અતિ શૂદ્રો / ખેડૂતો સુધી હતો. જાતિ વ્યવસ્થાની સમાપ્તિ / છૂઆછૂત નિવારણ / ધાર્મિક પાખંડ / અંધશ્રદ્ધાનું નિવારણ / ભેદભાવપૂર્ણ જાતિ, લિંગ ભેદભાવની સમાપ્તિ / ધાર્મિક આવરણ હેઠળ ગરીબોનું શોષણ / સામાજિક વિષમતા / અજ્ઞાનતા / બ્રાહ્મણવાદી-વર્ણવ્યવસ્થા-પિતૃસત્તા સાંસ્કૃતિક વર્ચસ્વને બદલે સમાજમાં લૈંગિક સમાનતા  સામાજિક સમાનતા, ધાર્મિક સહિષ્ણુતા, વૈજ્ઞાનિક – તાર્કિક અભિગમની સ્થાપના એ એમના આંદોલનનો ઉદ્દેશ્ય હતો. સમાજમાં બ્રાહ્મણવાદી વિચારધારાના કારણે શૂદ્રો-અતિશૂદ્રોને જ્ઞાન, સત્તા અને સંપત્તિથી વંચિત કર્યા જેથી તેમના વિકાસના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જોતિરાવે આ ભેદભાવભરી વિચારધારા સામે બળવો કર્યો. લોકોને જાગૃત કર્યા. 

અવિદ્યા / અજ્ઞાનતા શું કરે? જોતિરાવે સામાજિક શોષણ અને જુલમનું કારણ અજ્ઞાન અને નિરક્ષરતામાં જોયું. અજ્ઞાનના કારણે બુદ્ધિનો વિકાસ ન થયો, બુદ્ધિના અભાવમાં નીતિ-આયોજનનો અભાવ હતો. નીતિના અભાવમાં કોઈ પ્રગતિ ન થઈ. પ્રગતિ વિના સંપતિ અને સંસાધનોનો અભાવ હતો. અને સંસાધનોના અભાવમાં શૂદ્રો વિકાસ કરી શકતા ન હતા. અજ્ઞાનના કારણે આટલી બધી દુર્ઘટનાઓ સર્જાઈ. અશિક્ષિત સમાજ, અસુરક્ષિત સમાજ હોય છે.

‘સત્યશોધક સમાજ’ વર્ણ-મુક્ત, જાતિ-મુક્ત, લૈંગિક શોષણ મુક્ત, વૈજ્ઞાનિક ચેતના સંપન્ન વર્ગવિહીન સમાજની સ્થાપના માટે કામ કરતો હતો. જોતિરાવે ત્રણ દિશામાં કામ કર્યું : (1) એજન્ટો દ્વારા લાદેલી ધાર્મિક ગુલામીને નષ્ટ કરવી. (2) શાહુકારો અને જમીનદારોથી ખેડૂતોને મુક્ત કરવા. જ્યાં સુધી હળ ચલાવનાર ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં ન આવે ત્યાં સુધી ભારત જેવા કૃષિ પ્રધાન દેશની ઉન્નતિ ન થાય, કે પેદાશ પણ ન વધે. (3) દરેક જાતિઓના સ્ત્રી-પુરુષોને શિક્ષિત કરવાં.

જોતિરાવ કહેતા કે મહેનત કરનારા લોકોનું અધિકાંશ ધન દાન-પુણ્યમાં જતું રહે છે, જો આ ધનને પોતાના જીવનસ્તરને સુધારવા વાપરે તો તે સારું જીવન જીવી શકે. આ ધનથી પોતાના પરિવારના વિકાસ માટે અનેક કામ કરી શકે. બ્રાહ્મણ-પુરોહિતો અનિષ્ટનો ભય દર્શાવી લોકોને ઠગે છે. આ વાત સમજાવવા માટે તેમણે ‘તૃતીય નાટક’ / ‘બ્રાહ્મણો કી ચાલાકી’ / ‘કિસાન કા કોડા’ / ‘ગુલામગીરી’ પુસ્તકો લખ્યાં. તેમણે જ શોષણમુક્તિ માટે બ્રાહ્મણી-કર્મકાંડોનો વિકલ્પ આપ્યો, જેમાં કર્મકાંડોની પ્રધાનતા ન હતી, દક્ષિણાની આવશ્યકતા ન હતી. તેમણે જોયું કે સ્ત્રી-પુરુષ વચ્ચે અસમાનતા છે તેનું કારણ ધર્મગ્રંથો છે, કેમ કે કોઈ મહિલાએ ધર્મગ્રંથની રચના કરી નથી. એટલે ધર્મગ્રંથ લખનાર પુરુષોએ મહિલાઓની સ્થિતિ નિમ્ન ચીતરી છે. તેમણે સરકાર સમક્ષ માંગણી કરી કે ‘અભાગી બ્રાહ્મણ વિધવાઓના મુંડન કરવા પર વાણંદ પર પ્રતિબંધ મૂકો. જો વિધવાઓના પુનર્વિવાહની અનુમતિ ન હોય તો વિધુરને પુનર્વિવાહની છૂટ કેમ?’ જોતિરાવે પૂનામાં વિધવાઓ માટે / તેમના ગેરકાયદેસર બાળકો માટે અનાથાશ્રમ ખોલ્યો; અને અનાથાશ્રમમાં જન્મેલા બ્રાહ્મણ વિધવાના એક બાળકને એમણે દત્તક લીધું. ક્રાંતિકારી કામ કરવું અતિ કઠણ હોય છે. એક તરફ પોતાના પરિવાર / સમાજ સાથે સંઘર્ષ કરવો પડે, તો બીજી તરફ શાસન-સત્તા સાથે. કોઈ પણ સત્તા, લોકોને ઊંઘાડીને સત્તા ભોગવે છે. નશો સૌથી વધુ સરળ રસ્તો છે એટલે જ શોષક સત્તા હંમેશાં તેનો સહારો લે છે. વારંવાર સમાજ સુધારકોએ અવાજ ઊઠાવવો પડ્યો છે, અને નશામાં રહેલા લોકોને દળદળમાંથી મુક્ત કરવા માટે પ્રયાસ કરવા પડ્યા છે ! આવા ક્રાંતિકારી જોતિરાવ ફૂલેને ફિલ્મમાં રજૂ કરતી વખતે વિરોધ થાય; એ પુરાવો છે કે આપણે પ્રગતિશીલ મૂલ્યો પચાવી શકતા નથી !

•••

‘આ કૂટનીતિ શૂદ્રો ન સમજે તે માટે તેમને અજ્ઞાન રાખ્યાં !’

[2]

જોતિરાવ ફુલેનું પુસ્તક ‘ગુલામગીરી’ રુઢિચુસ્તો / વર્ણવાદી / સામંતવાદી માનસિકતા ધરાવનારને બરાબર ખૂંચે તેવું છે. આશ્ચર્યની બાબત એ છે કે 152 વર્ષ પહેલા 1873માં લખાયેલું આ પુસ્તક 2025 પણ એટલું જ સાંપ્રત છે. આ પુસ્તકમાં કુલ 16 પ્રકરણો છે. 1 થી 9 પ્રકરણોમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ / તેમનું શોષણ / તેમના અમાનુષી વ્યવહાર અંગે ચર્ચા છે. જ્યારે પ્રકરણ 10થી 16માં અંગ્રેજ શાસનમાં શૂદ્ર-અતિશૂદ્રોનું કેવી રીતે શોષણ થઈ રહ્યું છે તેની ચર્ચા છે. 

જોતિરાવે પુસ્તકની પ્રસ્તાવનાની શરૂઆતમાં હોમરનું આ વિધાન ટાંક્યું છે : “જે દિવસે કોઈ વ્યક્તિને ગુલામ બનાવવામાં આવે છે, એ દિવસથી એના અડધા સદ્દગુણ નષ્ટ થઈ જાય છે.”

જોતિરાવ કહે છે : “આ પુસ્તક લખવાનો મારો હેતુ ફક્ત એ બતાવવાનો જ નથી કે બ્રાહ્મણોએ કેવી રીતે શૂદ્રોનું શોષણ કર્યું પણ સરકારની આંખો ખોલવાનો પણ છે કે અત્યાર સુધી સતત ઉપલા વર્ગને શિક્ષણ આપવાની જે નીતિ ચાલી રહી છે એ શાસન માટે ખૂબ જ વધારે વિનાશકારી અને મુશ્કેલીભરેલી છે. અંગ્રેજ શાસનના કારણે ભારતમાં પશ્ચિમી સભ્યતા અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, પણ એનો લાભ ફક્ત ઉપલા વર્ણનાં લોકો અને એમાં પણ ખાસ કરીને બ્રાહ્મણોમાં ઉચ્ચશિક્ષિત નવા વર્ગનું નિર્માણ થયું છે, જે વર્ગ અંગ્રેજ શાસન ચલાવવા માટે નોકરશાહીના રૂપે મદદ કરી રહ્યો છે. ધર્મના માધ્યમથી ‘બ્રાહ્મણ પુરોહિતશાહી’ અને સરકારના માધ્યમથી ‘બ્રાહ્મણ નોકરશાહી’ એવાં બેવડાં શોષણચક્રમાં શૂદ્ર-અતિશૂદ્રો ફસાઈ ગયા છે. હાલના શાસન દ્વારા ફક્ત ઉપલા વર્ગને શિક્ષિત કરવાનું એ પરિણામ રહ્યું છે કે સરકારમાં લગભગ બધા જ ઊંચા હોદ્દાઓ પર ફક્ત બ્રાહ્મણ બેઠા છે. જો મહેનતુ ખેડૂતોના કલ્યાણની કોઈ ચિંતા સરકારને હોય તો સરકારની આ જવાબદારી છે કે એ અગણિત કુકર્મોને રોકે અને આ પદો ઉપર રહેવાનો જે એકાધિકાર બ્રાહ્મણોએ મેળવ્યો છે એને ઓછો કરે. અને થોડાક સાર્વજનિક હોદ્દાઓ બીજી જાતિના લોકોને પણ આપે. તેથી સરકારે શૂદ્રોના શિક્ષણ માટે વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે શૂદ્ર આ દેશના સ્નાયુ અને પ્રાણ છે. પ્રશાસનમાં યોગ્ય નોકરીઓ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રીતે શૂદ્રો-અતિશૂદ્રોને શોષણમાંથી મુક્ત કરવા જોઈએ.”

પરશુરામની ક્રૂરતા વિશે જોતિરાવે વિસ્તારથી લખ્યું છે : “જે અમાનવીય વ્યવહાર અને અત્યાચાર પરશુરામે અહીંના મૂળનિવાસીઓ પર કર્યા, જેનું વર્ણન કથાઓમાં મળે છે. જો એના દસમા ભાગ ઉપર પણ વિશ્વાસ કરવામાં આવે તો ખબર પડે કે પરશુરામ એ કોઈ ઈશ્વર નહીં પણ નિર્દય વ્યક્તિ હતા. પૂરા ઇતિહાસમાં પરશુરામથી વધારે સ્વાર્થી, ક્રૂર અને અમાનવીય વ્યક્તિ નહીં મળે. અન્ય દેશોના અત્યાચારી એવા નીરો, એલારિક કે મેકયાવેલીનાં કૃત્યો પરશુરામની ક્રૂરતા સામે કશું જ નથી. આ ધરતી ઉપર પોતાના બ્રાહ્મણ લોકોના કાયમી વર્ચસ્વ અને સત્તા જમાવવા માટે પરશુરામે અહીંયાનાં અગણિત લોકો, અસહાય માસુમ બાળકોની કત્લેઆમ કરી.” જોતિરાવે જે શબ્દોમાં પરશુરામની ક્રૂરતાનું વર્ણન કરેલ છે તે જો લખીએ તો રુઢિચુસ્ત / કટ્ટર લોકોની લાગણી તરત જ દાઝી જાય ! અહીં એ યાદ રાખવાની જરૂર છે કે જ્યોતિરાવ બ્રાહ્મણોના વિરોધી  ન હતા, બ્રાહ્મણવાદના વિરોધી હતા. બ્રાહ્મણ વિધવાઓ માટે અવાજ ઊઠાવનાર પણ તેઓ જ હતા !

“એ સમયે બ્રાહ્મણોએ પોતાના માટે વિશેષ અધિકાર, મોટી સુખસુવિધાઓ, મોટા દાન, ઉપહાર વગેરે માટે નિયમ બનાવ્યા. જેનાથી બ્રાહ્મણોનું જીવન ખૂબ જ સુખદ થઈ ગયું. જ્યારે શૂદ્ર અને અતિશૂદ્રોનું જીવન નફરત અને સામાજિક અપમાનના કારણે દયનીય અને નર્કાગાર થઈ ગયું એટલે સુધી કે એમને માણસ જ સમજવામાં આવ્યા નહીં અને જીવનની મૂળભૂત સગવડોથી વંચિત કરી દેવામાં આવ્યા. એમના અડવાથી પાપ સમજવામાં આવતું એટલે સુધી કે શૂદ્રોનો પડછાયો પણ અપવિત્ર માનવામાં આવતો ! બ્રાહ્મણ રાજમાં શૂદ્રોને વેપાર અથવા બીજા કોઈ સંબંધે મુસાફરી કરવી પડે ત્યારે તેમની મુશ્કેલી ખૂબ વધી જતી હતી અને એમાં પણ સવાર કે સાંજના સમયે મુશ્કેલી વધી જતી હતી, કેમ કે એ સમયે પડછાયો લાંબો પડે. એવા સમયે બ્રાહ્મણ સાહેબની સવારી આવી રહી હોય ત્યારે એની ઉપર પોતાનો પડછાયો ન પડે એવા ભયના માર્યા શૂદ્રોને રસ્તાની એક બાજુએ બેસી જવું પડતું હતું. એ બ્રાહ્મણના પસાર થઈ ગયા પછી જ શૂદ્રો પોતાના કામે રવાના થઈ શકતા હતા. જે અતિશૂદ્રોએ બ્રાહ્મણોના વિસ્તારમાં પસાર થવું હોય તો તેમની પાસે થૂંકવાનું વાસણ રાખવું પડતું. બ્રાહ્મણ કોઈ શૂદ્રની હત્યા કરે તો માત્ર એક દિવસનો ઉપવાસ કરે તો પાપમાંથી મુક્તિ મળી જાય; પણ જો શૂદ્ર કોઈ બ્રાહ્મણની હત્યા કરે તો એ જઘન્ય ગુનો બને અને એની સજા મૃત્યુદંડ ! બ્રાહ્મણને ઈશ્વરની બરાબર માનવામાં આવ્યા. બ્રાહ્મણની સેવા, પૂજા, સન્માનની ફરજ માનવામાં આવી. બ્રાહ્મણ ક્યારે ય અન્યાય ન કરી શકે એવું માનવામાં આવ્યું. જો કોઈ રાજાનો ખજાનો ખાલી થઈ જાય તો પણ બ્રાહ્મણ પાસેથી કોઈ કર લઈ શકાય નહીં, બ્રાહ્મણને ભૂખ્યો રાખે તો રાજ્યમાં દુકાળ પડે, ભૂખમરો આવે ! બ્રાહ્મણના પગ પવિત્ર, ડાબા પગમાં બધા તીર્થો વસેલા હોય છે. એ પગને કોઈ પણ પાણીમાં ડુબાડવામાં આવે તો એ પાણી તીર્થસ્થાન જેવું પવિત્ર બની જાય ! કોઈ પણ બ્રાહ્મણ કોઈપણ ગુલામવર્ગના વ્યક્તિને સેવા કરવા માટે દબાણ કરી શકે કેમ કે ઈશ્વરે શૂદ્રોને બ્રાહ્મણની સેવા કરવા માટે જ બનાવ્યા છે ! કોઈ બ્રાહ્મણ કોઈ શૂદ્રને સંસારની વ્યવહારિક બાબતમાં સલાહ આપી શકે નહીં કે ઉપદેશ આપી શકે નહીં. કોઈપણ શૂદ્ર વધારે પડતી સંપત્તિ ભેગી કરી શકે નહીં. ભલે એ એના માટે સક્ષમ હોય તો પણ નહીં. જો કોઈ શૂદ્ર કોઈ બ્રાહ્મણ સાથે ઘર વસાવે તો એને મોત મળે; પણ જો કોઈ બ્રાહ્મણ કોઈ શૂદ્રની પત્ની પાસે જાય તો કોઈ ગુનો ન બને ! શૂદ્રો અને અતિશૂદ્રોને ગુલામ બનાવી રાખવા માટે બ્રાહ્મણ કઈ હદ સુધી જઈ શકે છે? સદીઓ સુધી શૂદ્રો અને અતિશૂદ્રોએ ગુલામી સહન કરી છે. મનુ કે એના જેવા સ્વાર્થી અનેક લેખકોએ નિયમો અને આદેશોમાં પોતાની કલ્પનાની એવી વાતો જોડી દીધી જેને ઈશ્વરના આદેશ કે દેવીપ્રેરણા બતાવવામાં આવે. એ દેવીશક્તિના નામ પર અનૈતિક, અમાનવીય, અનુચિત વ્યવહાર થોપી દેવામાં આવ્યા; જેને આપણા જનક અને સંચાલક બતાવવામાં આવ્યા અને તેમને પવિત્ર જાહેર કરવામાં આવ્યા ! આ પ્રકારનું અનૈતિક લેખન એમના દ્વારા લખવામાં આવ્યું જે બીજાઓની બાબતમાં નડતરરૂપ રોગી માનસિકતા વાળા લોકો છે. આવા નિયમોને ઈશ્વરીય સત્ય તરીકે દર્શાવવામાં આવ્યા અને એના ઉપર કોઈ પણ પ્રકારની શંકા કે સવાલને ગંભીર ગુનો જાહેર કરવામાં આવ્યો. અમેરિકાના ગુલામોની સરખામણીમાં ભારતમાં શૂદ્રોને વધારે મુશ્કેલીઓ અને શોષણના શિકાર થવું પડ્યું. કોઈપણ નાનાં કે મોટા કાર્યક્ષેત્રમાં બ્રાહ્મણોએ એવી જડ ફેલાવી છે કે શુદ્ર કોઈ બ્રાહ્મણની મદદ વગર કોઈપણ ઘરેલું કે સામાજિક કામ કરી શકે નહીં. બ્રાહ્મણોની આ કૂટનીતિ શૂદ્રો ન સમજે તે માટે શૂદ્રોને અજ્ઞાન રાખ્યાં. તે માટે બનાવટી ગ્રંથો લખ્યા અને આ બધા ગ્રંથો ભગવાન પાસેથી મળ્યા છે એવું જૂઠ શૂદ્રોને સમજાવ્યું. આ ગ્રંથોમાં એમણે એવું લખ્યું કે શૂદ્રોને પેદા કરવાનો ઈશ્વરનો હેતુ એ જ હતો કે તેઓ બ્રાહ્મણોની સતત સેવા કરે, એમને ખુશ કરે; જેથી શૂદ્રો પાવન થઈ જાય !” (શિક્ષાપત્રી શ્લોક-90માં પણ શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવાનો આદેશ કરેલ છે)

“કેટલાક બ્રાહ્મણો દલીલ કરી શકે કે ‘જ્યારે આ ગ્રંથો જૂઠા છે ત્યારે શૂદ્રો અને અતિશૂદ્રોના પૂર્વજોએ એ ગ્રંથો ઉપર વિશ્વાસ શા માટે કર્યો? અને હજી આજે પણ ઘણા બધાં લોકો વિશ્વાસ કેમ રાખે છે?’ આ દલીલનો જવાબ એ છે કે અત્યારની સુધરેલી હાલતમાં કોઈની ઉપર કોઈ પ્રકારનો જુલમ નથી અને દરેકને પોતાના મન પ્રમાણે સ્પષ્ટરૂપે લખવાની / બોલવાની અનુમતિ છે. તેમ છતાં પણ જો કોઈ હોંશિયાર વ્યક્તિની પાસે કોઈ દગાબાજ કોઈ મોટા માણસનો જૂઠો પત્ર લઈને આવે ત્યારે, એને થોડો સમય સુધી એના ઉપર વિશ્વાસ રાખવો પડે છે અને સમય પ્રમાણે એ હોંશિયાર પણ છેતરાઈ જાય છે. જ્યારે આવી વાત હોય તો શૂદ્રો-અતિશૂદ્રો એક સમયે બ્રાહ્મણોના જુલમોનો શિકાર થવાના કારણે તથા એમને અજ્ઞાન બનાવવાનાં કારણે બ્રાહ્મણોએ પોતાના હિત માટે ઈશ્વરનાં નામે જૂઠા ગ્રંથો લખી એમની સાથે દગો કર્યો છે. આ વાત શૂદ્રો- અતિશૂદ્રો સમજી શક્યા નહીં અને આજે પણ એમાંથી અનેકોને બ્રાહ્મણ દગો કરી રહ્યા છે. બ્રાહ્મણ લોકો પોતાનું પેટ ભરવા માટે પોતાના ગ્રંથો દ્વારા વારંવાર અજ્ઞાની શૂદ્રોને ઉપદેશ આપતા રહે છે. એના કારણે એમના દિલોમાં બ્રાહ્મણો પ્રત્યે પૂજ્યભાવ નિર્માણ થયો, જે સન્માન ઈશ્વરને આપવામાં આવે છે તે સન્માન બ્રાહ્મણોને આપવા માટે પ્રેરિત કર્યા. આ કોઈ નાનો સૂનો અન્યાય નથી. બ્રાહ્મણોના તર્કટી ઉપદેશોનો અજ્ઞાની શૂદ્રોના મન ઉપર એટલો ગાઢ પ્રભાવ છે કે ગુલામીમાંથી આઝાદી અપાવવાવાળા લોકોના વિરુદ્ધ જ લડવા માટે તૈયાર થઈ જાય છે. એ ઘણી જ આશ્ચર્યની બાબત છે કે જે લોકો એમના ઉપર ઉપકાર કરી રહ્યા છે એમને ‘અમારી ઉપર ઉપકાર ન કરો, અમારી જે સ્થિતિ છે એ જ બરાબર છે’ આટલું કહેવાથી સંતુષ્ટ ન રહી; ઉપકાર કરનાર સાથે ઝઘડો કરવા માટે તૈયાર થઈ જાય છે.”

[3]

જોતિરાવ ફુલે ‘અંગ્રેજ સરકાર’નો શા માટે આભાર માનતા હતા?

જોતિરાવ ફુલે કહે છે : “માણસને આઝાદ હોવું અત્યંત જરૂરી છે. જ્યારે મનુષ્ય સ્વતંત્ર થાય છે ત્યારે એ પોતાના મનમાં આવતા વિચાર સ્પષ્ટ રીતે બીજાને કહીને અથવા લખીને બતાવે છે. આ જ વિચાર એને લખવા, બોલવાની સ્વતંત્રતા નહીં હોવાના કારણે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવા છતાં પણ, હિતકારી હોવા છતાં પણ બીજા કોઈને કહી શકતો નથી અને જ્યારે આવું થાય છે ત્યારે અમુક સમય બાદ આ બધા જ વિચારોનો નાશ થઈ જાય છે. આવી રીતે માણસ સ્વતંત્ર હોવાથી તે પોતાના બધા લોકોના સર્વ સાધારણ અધિકાર કે જે તેને પરમેશ્વરે આપેલ છે, પણ ફક્ત સ્વાર્થ તરફ જ ધ્યાન છે, એવા કૃત્રિમ લોકોએ (બ્રાહ્મણોએ) સંતાડી રાખ્યા છે. આ અધિકારો માંગવા શૂદ્રો ક્યારે ય પાછળ નહીં રહે. આ અધિકારો મળે તો તેઓ સુખ અનુભવે.” 5 સપ્ટેમ્બર 1875ના રોજ પુનામાં સ્વામી દયાનંદ સરસ્વતીની શોભાયાત્રાનો વિરોધ સનાતનીઓએ કર્યો હતો, ત્યારે જોતિરાવ દયાનંદ સરસ્વતીના વિચારે સાથે સહમત ન હોવા છતાં દયાનંદજીને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક છે, તે કારણે જોતિરાવે શોભાયાત્રામાં ભાગ લીધો હતો.

“જ્યારે બ્રાહ્મણવાદી વ્યવસ્થામાં શૂદ્રો અને અતિશૂદ્રોને ઘણાં બધાં ક્રૂર દુ:ખો સહન કરવા પડતાં હતાં, એટલામાં આ દેશમાં અંગ્રેજોનું રાજ આવ્યું અને તેઓ અંગ્રેજોના કારણે બ્રાહ્મણ લોકોની Slavery-ગુલામીમાંથી છૂટ્યાં. આ માટે તેઓ અંગ્રેજ સરકારના ખૂબ જ આભારી છે એને એમના હંમેશાં ઋણી છે. એમના ઉપકારો શૂદ્રો ક્યારે ય ન ભૂલી શકે. અંગ્રેજોએ શૂદ્રોને બ્રાહ્મણ લોકોનાં હજારો વર્ષોના ત્રાસમાંથી છોડાવી એમના બાળ બચ્ચાઓને સુખના દિવસો બતાવ્યા. જો તેઓ આ દેશમાં ન આવ્યા હોત, ત્યારે તો એ બ્રાહ્મણ લોકોએ એમનું ધનોતપનોત કાઢી નાંખ્યું હોત. કદાચ કોઈ શંકા કરી શકે કે આજે બ્રાહ્મણો કરતા શૂદ્ર-અતિશૂદ્રોની સંખ્યા અનેક ગણી વધુ છે ત્યારે બ્રાહ્મણ લોકોએ શૂદ્ર-અતિશૂદ્રોનું ધનોતપનોત કેવી રીતે કરી નાખ્યું? એનો જવાબ એ છે કે એક હોશિયાર મનુષ્ય 10 અજ્ઞાની મનુષ્યોને એમના તરફ તેઓના મન વાળીને પોતાના તાબામાં રાખી શકે છે. અને બીજી વાત એમ છે કે જો પેલા દસ માણસો એકત્ર થઈ જાય તો પેલા હોશિયાર માણસનું કંઈ ચાલી ન શકે. પણ તે દસ માણસો જુદા જુદા દસ વિચારોવાળા હોવાના કારણે પેલા હોશિયાર વ્યક્તિને એમને ફસાવવા માટે કોઈપણ મુશ્કેલી પડતી નથી.”

“એ જ રીતે શૂદ્ર-અતિશૂદ્રોના વિચાર, એક બીજા સાથે ન મળી શકે, એટલા માટે એના પહેલાં જ આ બ્રાહ્મણ લોકોએ ખૂબ મોટાં લુચ્ચા છળકપટના વિચારો શોધી કાઢ્યા છે. શૂદ્રોનો સમાજ જેમ જેમ વધતો ગયો એ જોતાં બ્રાહ્મણ લોકોને ભય લાગવા લાગ્યો અને એમણે શૂદ્રોમાં વેરભાવ કઈ રીતે રહે એની યોજના બનાવી, જેથી સતત એમના અને એમના વંશવારસોની ગુલામીમાં રહે. અને બ્રાહ્મણો વિના મહેનતે, શૂદ્ર-અતિશૂદ્રોના લોહીપરસેવાની કમાણી ઉપર બેધડક તાગડધિન્ના કરી શકે. પોતાના એ વિચારો સફળ બનાવવા માટે એમણે જાતિભેદના ઢોંગી સિદ્ધાંતની રચના કરી. અને એના વિશે અનેક સ્વાર્થી ગ્રંથો રચ્યા અને બધી જૂઠી બાબતોને અજ્ઞાની લોકોના મનમાં ઘૂસાડી. બ્રાહ્મણોએ શૂદ્ર-અતિશૂદ્રોમાં પરસ્પર વેરભાવ નિર્માણ કરીને તેમની જિંદગી પર તાગડધિન્ના કરવા લાગ્યા. અછૂતો, શૂદ્રોના દરવાજે અનાજ વગેરે માંગવા આવે છે, ત્યારે તેઓ એમને હડધૂત કરે છે અને ક્યારેક તો લાકડી લઈને એમને મારવા માટે એની પાછળ દોડી જાય છે. ટૂંકમાં, દેશમાં અંગ્રેજ સરકાર આવવાથી શૂદ્ર-અતિશૂદ્ર લોકો બ્રાહ્મણોની ગુલામીમાંથી મુકિત થઈ ગયા, એ વાત સત્ય છે પણ અમને એ જણાવતાં ખૂબ જ દુઃખ થાય છે કે અત્યાર સુધી આપણી દયાળુ સરકારે શૂદ્ર-અતિશૂદ્રોને ભણાવવાના કામમાં દુર્લક્ષ કરવાના કારણે તેઓ અજ્ઞાની રહીને બ્રાહ્મણ લોકોના બનાવટી ગ્રંથોના કારણે એમના માનસિક ગુલામ થઈ ગયા છે. અને એમનામાં સરકાર પાસે કંઈ પણ માંગવાની ચેતના ન રહી, પણ બ્રાહ્મણ લોકો બધા મળી બધા વ્યવહારિક સરકારી કામોમાં કેટલું લૂટી રહ્યા છે, એ વાત તરફ આપણી સરકારનું જરા પણ ધ્યાન નથી. ત્યારે એ વાત તરફ કડકાઈથી ધ્યાન આપવું જોઈએ અને એમને બ્રાહ્મણ લોકોની માનસિક ગુલામીમાંથી મુક્ત કરવા જોઈએ.”

વર્ણવ્યવસ્થા પર જોતિરાવ ફુલે કઈ રીતે પ્રહાર કરે છે તે જોઈએ : 

ધોંડિબા : “અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે દયાળુ સરકારોએ ગુલામ બનાવવાની મનાઈ ફરમાવી. તેમણે બ્રહ્મદેવના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કેમ કે મનુસ્મૃતિમાં લખ્યું છે કે બ્રહ્મદેવે પોતાના મોંમાંથી બ્રાહ્મણોને પેદા કર્યા અને તેમની સેવા માટે તેણે પોતાના પગમાંથી શૂદ્રો પેદા કર્યા.”

ફુલે : “અંગ્રેજ સરકારે ગુલામો બનાવવાની મનાઈ ફરમાવી, આમ તેમણે બ્રહ્માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, એમ તમે કહે છો. ત્યારે આ પૃથ્વી ઉપર અંગ્રેજો વગેરે અનેક પ્રકારના લોકો રહે છે, તેમને બ્રહ્માએ શરીરના ક્યા અવયવમાંથી પેદા કર્યા છે? એ વિશે મનુસ્મૃતિમાં શું લખ્યું છે?”

ધોંડિબા : “આ બાબતે વિદ્વાન અને અવિદ્વાન બ્રાહ્મણો કહે છે કે અંગ્રેજ વગેરે લોકો અધર્મી, દુરાચારી હોવાના કારણે મનુસ્મૃતિમાં એમના વિશે કોઈ જ ઉલ્લેખ નથી.”

ફુલે : “શું બ્રાહ્મણોમાં કોઈ પણ અધર્મી કે દુરાચારી નથી?”

ધોંડિબા : “તપાસ કરતાં બીજાં લોકો કરતાં બ્રાહ્મણોમાં વધુ અધર્મી તથા દુરાચારી લોકો છે એમ દેખાઈ આવે છે.”

ફુલે : “તો પછી એવા અધર્મી અને દુરાચારી બ્રાહ્મણો વિશે મનુસ્મૃતિમાં શું ઉલ્લેખ છે?”

ધોંડિબા : “કંઈ નથી. મનુએ એની સંહિતામાં ઉત્પત્તિનો સિદ્ધાંત લખ્યો છે એ સાવ જૂઠો છે, કારણ કે એ બધા જ મનુષ્યોને લાગુ પડતો નથી.”

[4]

‘ગુલામગીરી’ ભ્રમનાં જાળાં દૂર કરે છે !

‘ગુલામગીરી’ પુસ્તકના પ્રકરણ-1 બ્રહ્માની ઉત્પત્તિ / આર્ય લોકો વિશે છે. પ્રકરણ-2 મત્સ્ય અને શંખાસૂર વિશે છે. પ્રકરણ-3 કચ્છ-કાચબો, ભૂદેવ-ભૂપતિ / કશ્યપ રાજા અંગે છે. પ્રકરણ-4 વરાહ અને હિરણ્યાક્ષ વિશે છે. પ્રકરણ-5 નરસિંહ, હિરણ્યકશ્યપ, પ્રહલાદ, વિપ્ર વિરોચન બાબતે છે. પ્રકરણ-6 બલીરાજા, જોતિબા મરાઠા, ખંડોબા વગેરે વિષયનું છે. પ્રકરણ-7 બ્રહ્માની તાડપત્રી ઉપર લખવાની પ્રથા, જાદુમંતર, સંસ્કૃતનું મૂળ, મહાર, શૂદ્ર, કુલકર્ણી, કુણબા, કુણબીન શૂદ્રોનો પહેરવેશ, અસ્પૃશ્યતા, ધર્મશાસ્ત્ર, મનુ વગેરે બાબતે છે. પ્રકરણ-8 પરશુરામ, માતૃવધ, એકવીસ આક્રમણ, બ્રાહ્મણની વિધવાઓના વિવાહની મનાઈ વગેરે વિશે છે. પ્રકરણ-9 વેદમંત્ર, જાદુનો પ્રભાવ, બ્રહ્મ ઘોટાળો, શૂદ્રોને વિદ્યા આપવા ઉપર પ્રતિબંધ, ભાગવત, મનુસ્મૃતિમાં વિરોધાભાસ વિશે છે. પ્રકરણ-10 બ્રાહ્મણધર્મની ફજેતી, અમેરિકન અને સ્કોટિશ ઉપદેશકો દ્વારા બ્રાહ્મણોનો પર્દાફાશ અંગે છે. પ્રકરણ-11 પુરાણોનું વર્ણન, વિદ્રોહ, સરસ્વતીની પ્રાર્થના, જપ અનુષ્ઠાન, દેવસ્થાન બાબતે છે. પ્રકરણ-12 થી 16 સાંપ્રત સમસ્યાઓ અંગે છે. 

પ્રકરણ- 1 થી 11માં જોતિરાવ ફુલેએ તાર્કિક દલીલો દ્વારા બ્રાહ્મણોના ધર્મગ્રંથોની સખત શબ્દોમાં આલોચના કરી છે. પ્રકરણ-1 થી 11માં દર્શાવેલ વિચારો ટૂંકમાં જોઈએ : 

ફુલે : “બ્રહ્માના મુખેથી ગર્ભધારણના દિવસથી લઈને નવ મહિના સુધી ક્યા ભાગ ઉપર વધે છે, એ બાબતે મનુએ કંઈ કીધું છે?

ધોંડિબા : “ના.”

ફુલે : “એ જન્મેલ બ્રાહ્મણ બાળકને, બ્રહ્માએ પોતાનું દૂધ ધવડાવ્યું અથવા તો ઉપરનું દૂધ પીવડાવી પાલન પોષણ કર્યું, એના વિશે કંઈ લખ્યું છે?

ઘોંડિબા : “ના.”

pastedGraphic.png

ફુલે : “હાલના સુધરેલા જમાનામાં આજના બ્રાહ્મણો પોતાનું પેટ ભરવા માટે જપ, અનુષ્ઠાન અને જાદુમંત્ર વિધિ કરીને અજ્ઞાની માળી, કણબીઓને દોરા પહેરાવી ફસાવે છે, પણ કમનસીબ અભણ મનુષ્યને તે દંભી, ચાલાક મદારીઓ(બ્રાહ્મણો-પંડિતો-પૂજારીઓ)ની છેતરપિંડીની પોલ ખોલવાનો સમય જ નથી મળતો કારણ કે એ સરળ લોકોને; આખો દિવસ ખેતરોમાં મહેનત કરી પોતાના બાળબચ્ચાંનું પાલનપોષણ કરી, સરકારને કરવેરો પૂરો કરતાં નાકે દમ આવી જાય છે.”

ધોંડિબા : “મતલબ, જે બ્રાહ્મણો બડાઈ મારે છે કે ચાર વેદ બ્રહ્માના મુખમાંથી નીકળ્યા છે, તે સ્વયંભૂ છે. તે જે કહે છે અને તમે જે કહો છો તેમાં કોઈ સંકલન નથી !”

ફુલે : ”ખરેખર આ બ્રાહ્મણોનો આ અભિપ્રાય સંપૂર્ણપણે ખોટો છે. જો તેમનું વિધાન સાચું માનવામાં આવે, તો બ્રહ્માના મૃત્યુ પછી ઘણા બ્રહ્મઋષિઓ અથવા બ્રાહ્મણોના દેવઋષિઓ દ્વારા રચિત સ્તોત્રો બ્રહ્માના મુખમાંથી નીકળેલા વેદોમાં કેવી રીતે જોવા મળે છે? તેવી જ રીતે, એ પણ સાબિત થયું નથી કે ચારેય વેદ એક જ સમયે એક જ લેખક દ્વારા રચાયા હતા. એવું અનેક પરોપકારી યુરોપિયન લેખકોએ સાબિત કરી બતાવ્યું છે.”

pastedGraphic.png

ફુલે : “નરસિંહે થાંભલામાંથી જન્મ લીધો એમ માની લેવામાં આવે તો કોઈ અન્ય વ્યક્તિએ એને થાંભલામાંથી બહાર કાઢી દૂધ પિવડાવ્યા વગર એ જીવિત કેવી રીતે રહી શક્યો? ત્યારબાદ કોઈકે અથવા કોઈ દાયણે એને દૂધ પિવડાવ્યા વિના જ એ નાનેથી મોટો કેવી રીતે થઈ ગયો? જૂઠા બ્રાહ્મણ ગ્રંથકારોએ નરસિંહ એકાએક લાકડાના થાંભલામાંથી બહાર નીકળતાં જ કોઈ અન્ય વ્યક્તિની મદદ લીધા વગર આપબળે જ આટલો શક્તિમાન અને દાઢીમૂછવાળો માણસ બનાવી દીધો કે જેણે તરત જ હિરણ્યકશ્યપને પોતાના ખોળામાં ઉઠાવી એનું પેટ નખથી ચીરી નાખી એની હત્યા કરી !”

pastedGraphic.png

ફુલે : “આદિનારાયણે બલીને પાતાળમાં મોકલવા માટે વામનનો અવતાર ધારણ કર્યો અને વિકરાળ દેહે પોતાના બે ડગલામાં આખી પૃથ્વી તથા આકાશને આવરી લીધું હોય ત્યારે એના પ્રથમ પગલે અનેક પ્રદેશના ગામડાં કચડાઈને નષ્ટ થઈ ગયાં હશે. શું એવું થયું છે? બીજું ડગલું આકાશમાં મૂક્યું હશે, એ વખતે ખૂબ જ આલમ ડોલમ થઈ કંઈ કેટલાયે તારાઓ એકબીજા ઉપર પડી ચૂરેચૂરા થઈ ગયા હશે. ત્રીજું એવું છે કે એ વિકરાળ પોતાના બીજા ડગલાથી સંપૂર્ણ આકાશ ઘેરી લીધું હશે. ત્યારે એનું કમરથી ઉપરનું શરીર ક્યાં રહ્યું હશે? કારણ કે માણસનું બીજું ડગલું ધારો કે વધુ થયું તો પણ દૂંટી સુધી જ ઉપર આકાશમાં ઊંચે લઈ જઈ શકાય છે. એનાથી એવું સમજાય છે કે એની કમરથી લઈને મસ્તક સુધી આકાશ બચ્ચું હશે. ત્યારે એ મૂરખે માથા ઉપર જ પોતાનું ત્રીજું ડગલું મૂકતાં વચનને પૂરું કરવાને બદલે એણે ફક્ત દગાબાજી કરી પોતાનું ત્રીજું પગલું બલિરાજાના માથા ઉપર મૂકતા, એને પાતાળમાં ધકેલી દીધો, આમ કેવી રીતે શક્ય બન્યું? ચોથી વાત એમ છે કે જ્યારે પેલા વિકરાળ શરીર ઉપર આકાશની પણ પેલે પાર સ્વર્ગમાં ઊંચે ગયો હશે, ત્યારે એને ત્યાંથી બલીને ખૂબ જોર જોરથી બૂમ મારીને પૂછ્યું હશે કે હવે જો મારાં બે ડગલામાં જ સમગ્ર પૃથ્વી અને આકાશ સમાઈ ગયું ત્યારે હું મારું ત્રીજું ડગલું ક્યાં મૂકી વચન પૂરું કરું? કારણ કે આકાશમાં ઉપર ગયેલ એનું મુખ અને પૃથ્વી ઉપર ઉભેલ બલિરાજા એ બંને વચ્ચે અનંત કોષોનું અંતર થઈ ગયું હશે. અને એની વચ્ચે રશિયન, ફ્રેંચ, ઇંગ્લિશ અને અમેરિકન વગેરે લોકોમાંથી એક પણ માણસને એ બે વચ્ચે થયેલ વાતચીતનો એક પણ શબ્દ સંભળાયો નહીં; એવું કેવી રીતે બન્યું? અને એ જ રીતે પૃથ્વીના માનવ બલિરાજાએ એને જવાબ આપ્યો કે તું તારું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂક એ વાત પણ વામનને કેવી રીતે સંભળાઈ હશે? કારણ કે બલી એની જેમ વિચિત્ર ન હતો. પાંચમી વાત એ છે કે પહેલા અમાનવના વજનને કારણે પૃથ્વી પાતાળમાં ગઈ એ પણ ખૂબ જ નવાઈની વાત છે.”

જોતિરાવ ફુલેની એક પણ દલીલ એવી નથી કે તેમની સાથે અસહમત થઈ શકાય. ‘ગુલામગીરી’ ભ્રમનાં જાળાં દૂર કરે છે અને વૈજ્ઞાનિક અભિગમ તરફ દોરી જાય છે.

[5]

સમાજમાં / સરકારમાં ચાલતા પાખંડ, અનીતિ, દુરાચાર, ભ્રષ્ટાચાર ક્યારે દૂર થાય?

જોતિરાવ ફુલેએ સમાજમાં / સરકારમાં ચાલતા પાખંડ, અનીતિ, દુરાચાર, ભ્રષ્ટાચાર સામે અવાજ ઊઠાવ્યો. એમણે ઈશ્વરભક્તિ કરી હોત તો આજે અવતાર હોત, કદાચ ભગવાન હોત ! પરંતુ તે ઢોંગ / પાખંડના સખત વિરોધી હતા. પછાતવર્ગની સમસ્યાઓ ધાર્મિક ઢોંગના કારણે જ હતી, એવું દૃઢ પણે માનતા હતા. પાખંડ, અનીતિ, દુરાચાર, ભ્રષ્ટાચાર કઈ રીતે દૂર થઈ શકે તે માટે તેમણે રસ્તો પણ સૂચવ્યો હતો. તેમણે બે અદ્દભુત શબ્દો આપ્યા : ‘કલમકસાઈ !’ અને ‘ગ્રામરાક્ષસ !’ તેઓ નાના ફડણવીસના આલોચક હતા. નાના ફડણવીસ (12 ફેબ્રુઆરી 1742 / 13 માર્ચ) પેશવા રાજમાં મુખ્ય મંત્રી હતા. 1775 થી 1782 સુધી તેમણે અંગ્રેજો સામે પ્રથમ મરાઠા યુદ્ધનું સંચાલન કર્યું હતું. 1796માં નાના ફડણવીસના કઠોર નિયમના કારણે રાજા માધવરાવ નારાયણ પેશવાએ આત્મહત્યા કરી હતી.

ધોંડિબા : “એવો એક પણ સરકારી કે બિનસરકારી વિભાગ નથી જ્યાં બ્રાહ્મણો ન હોય; પણ એ બધામાં મુખ્ય બ્રાહ્મણ કોણ?”

ફુલે : “એ છે કુલકર્ણી-તલાટી. એમની કપટનીતિ દયાળુ યુરોપિયન કલેક્ટરો જાણે છે. તેથી તેમની કપટનીતિથી અજ્ઞાની શૂદ્રોને બચાવવા વ્યવસ્થા કરી છે. કડક નિયંત્રણો નાંખ્યા છે. છતાં પણ આ કલમકસાઈઓ પોતાના સ્વાર્થી, મતલબી, કપટી ધર્મનો અજ્ઞાની શૂદ્રો પર પ્રભાવ હોવાના કારણે તેઓ શેતાનની માફક અજ્ઞાની શૂદ્રોનું મન ભ્રષ્ટ કરે છે. શૂદ્રોને બિલકુલ લખતાં વાંચતાં આવડતું નથી, છતાં એમણે કોની પાસેથી અંગ્રેજો પ્રત્યે ધૃણા કરવાનું શીખ્યું? સરકારે આ કલમકસાઈઓને નિયંત્રિત કરવા શું કરવું જોઈએ? બધા ઉચ્ચ પદો ઉપર કામ કરવાવાળા બ્રાહ્મણો હોય છે. માટે આપણી સરકારે હોશમાં આવી પ્રથમ દરેક ગામમાં ઓછામાં ઓછા એક અંગ્રેજ અથવા સ્કોટિશ વ્યક્તિને એના જીવન ગુજરાત માટે અમુક ખેતીની જમીન ઇનામમાં આપી મોકલવો જોઈએ અને એને ગામવાળા લોકોને યોગ્ય સમજ આપવાની જવાબદારી સોંપવી સોંપવી જોઈએ. એ અધિકારી એ ગામની પરિસ્થિતિ વિશે વર્ષમાં ઓછામાં ઓછા એક વાર અહેવાલ સરકારને મોકલવો એવો સરકારે નિયમ કાઢી યોગ્ય બંદોબસ્ત કરવો જોઈએ. કેમ કે ભવિષ્યમાં પછી નાના ફડણવીસની માફક કોઈ બ્રાહ્મણ ફરી માથું ન ઊંચકે. જો આ યુરોપિયન ઉપદેશકો શૂદ્રોને સાચી જાણકારી આપી એમની આંખો ખોલશે ત્યારે શૂદ્રો ગ્રામરાક્ષસોની નજીક ઊભા પણ નહીં રહે. સરકારે મહેસૂલ ઉઘરાણી સહિત તલાટીનું કામ એક જ જાતિના લોકો સુધી સિમિત ન રાખવું જોઈએ. તલાટી તથા શિક્ષક તરીકે પરીક્ષા લઈ બીજી જાતિના લોકોને કામ સોંપવું જોઈએ. આમ કરવાથી કુલકર્ણીઓ-તલાટીઓ એકઠાં થઈ બદમાશ નાના ફડણવીસ જેવા લોકોને મદદ નહીં કરી શકે. આજ સુધી શિક્ષણ વિભાગે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ શૂદ્રોની સંખ્યાના પ્રમાણમાં એમનામાં શિક્ષણનો ફેલાવો નથી થયો. એટલું જ નહીં પણ મહાર, માંગ, અછૂત એ જાતિઓમાંથી એક પણ શિક્ષિત કર્મચારી નથી મળતો.”

ધોંડિબા : “આ કુલકર્ણીઓ અજ્ઞાની શૂદ્રોને ફસાવીને ખેતી કેવી રીતે હડપ કરી લેતા?”

ફુલે : “જે શૂદ્રોને બિલકુલ વાંચવા લખવાનું આવડતું ન હોય એવા લોકોને મળીને આ કુલકર્ણી લોકો એમના શાહુકાર બની જાય છે અને એમને જમીન ગિરવે મૂકવા માટે દસ્તાવેજ ઉપર લખાવી લે છે. ત્યારે એ દસ્તાવેજોમાં અમુક શરત લખતા હતા અને અજ્ઞાની શૂદ્રોને બીજી જ લખ્યા સિવાયની શરત વાંચીને સંભળાવતા અને દસ્તાવેજ ઉપર એમના અંગૂઠાનું નિશાન પડાવી લેતા હતા. ત્યારબાદ અમુક સમય પછી આ કપટનીતિમાં લખેલ શરતો મુજબ એમની જમીન પડાવી લેતા હતા.”

ધોંડિબા : “હવે એ સમજાવો કે આ કલમકસાઈઓ અજ્ઞાની શૂદ્રોમાં ઝઘડા કેવી રીતે કરાવતા હતા?”

ફુલે : “ખેતીવાડી, જમીન-મિલકત, હોળી વગેરે તહેવારોમાં શૂદ્રોમાં અંદરોઅંદર ઝઘડા કરાવવામાં આ કુલકર્ણીઓનો હાથ હોય છે.”

ધોંડિબા : “શૂદ્રોમાં આવા અંદરોઅંદર ઝઘડાઓ કરાવીને કલમકસાઈઓને શું ફાયદો થતો હતો?”

ફુલે : “અરે ભાઈ ! આ કલમકસાઇઓની લુચ્ચાઈને કારણે ફોજદારી અને દીવાની અદાલતોમાં કેસ લડવાનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે આ વિભાગોમાં મામલતદાર વગેરેને પૈસા આપ્યા સિવાય કામ થતું નથી. ગામેગામમાં એક કહેવત પડી ગઈ છે કે કોઈ પણ કચેરીમાં બ્રાહ્મણ કર્મચારીની હથેળીમાં કંઈક મૂક્યા સિવાય તેઓ ગરીબોના કામને હાથ અડાડતા નથી.”

ધોંડિબા : “જો આ સ્થિતિ હોય તો શૂદ્રો યુરોપિયન કલેક્ટરોને એકાંતમાં મળી પોતાની ફરિયાદ કેમ કરતા નથી?”

ફુલે : “અરે ભાઈ ! જે લોકોને સીધી, સરળ, મામૂલી વાતોની પણ ખબર નથી એવા ડરપોક શૂદ્રો આટલા મોટા અધિકારીની સામે ઊભા રહી પોતાની ફરિયાદ કરવાની હિંમત કેવી રીતે કરી શકે? એવામાં વળી કોઈ શૂદ્ર બટલર-રસોઈયાની મદદ વડે જો યુરોપિયન કલેક્ટરને એકાંતમાં મળી ‘મારી ફરિયાદ કોઈ સાંભળતું નથી’ એટલા ચાર શબ્દો કહ્યાની આ કલમકસાઈઓને જો ખબર પડી જાય તો પછી એમ સમજો કે એનાં કરમ ફૂટી ગયા. કારણ કે કલેકટરની કચેરીની આંટીઘૂંટી-ભેદ કલાર્કથી લઈને રેવન્યૂ અથવા ન્યાયાધીશની કચેરીના બ્રાહ્મણ ક્લાર્ક બધા જ સાથે મળી અંદરથી ચારેબાજુ ખબર પહોંચાડી તરત જ અડધા કલમકસાઈ વાદી-ફરિયાદી બાજુ અને અડધા કલમકસાઈ પ્રતિવાદીની બાજુ ગોઠવાઈ જઈ શૂદ્રોને અંદરોઅંદર લડાવી, એ ઝઘડાને એટલો ગૂંચવી નાખે છે કે એમાં સત્ય શું છે એ શોધવા માટે મોટા મોટા વિદ્વાન યુરોપિયન કલેકટર અને ન્યાયાધીશો પોતાની બધી જ બુદ્ધિ વાપરી નાખે તો પણ એ ઝઘડાનું મૂળ એમને સમજાતું નથી. અને તેઓ ઉલટા ફરિયાદ કરવાવાળા શૂદ્બને જ ‘તું મોટો તરકટી માણસ છે’ એમ કહી દે છે ! આ રીતે ધમકાવીને એને એના ઘરે વિલે મોઢે પાછો મોકલે છે. છેવટે આ બધા બ્રાહ્મણ નોકરોની ચતુરાઈના કારણે આ સરકારમાં આપણી સુનવણી થતી નથી, એવું સમજીને અનેક શૂદ્રોએ આત્મહત્યા કરી છે અને ઘણા બધા શૂદ્રો આવા દુઃખને કારણે ગાંડા થઈ ગયા હશે. અને એવા શૂદ્રો પણ હશે કે જેઓ અડધા ગાંડા થઈ પોતાના બાલઘાટી વધારી જે કોઈ પણ રસ્તે મળતું હશે એને પોતાની કરુણ કથની સંભળાવતા સડક ઉપર આમ તેમ ભટકી રહ્યા છે.”

આ સ્થિતિ 1873માં હતી. 2025માં શું આ સ્થિતિમાં ફરક પડ્યો છે? શું ગરીબોને ન્યાય મળે છે? એને કોઈ સાંભળે છે? હાલ એવી સ્થિતિ છે કે પોતાની જ્ઞાતિ / જાતિ / ઘર્મના ક્રિમિનલ પ્રત્યે પોલીસ અધિકારી / મામલતદાર નરમ વલણ રાખે છે અને અન્ય જ્ઞાતિ / જાતિ / ધર્મના ક્રિમિનલ પ્રત્યે કડકાઈ બતાવે છે. રાજકીય / ધાર્મિક / આર્થિક / સામાજિક સત્તાવાળા ક્રિમિનલને છૂટછાટ મળે છે. પૈસા આપો તો બધા રસ્તાઓ હાલના કર્મચારીઓ / અધિકારીઓ શોધી આપે છે. જ્યાં સુધી ધર્મ / જાતિ / જ્ઞાતિના કુંડાળાની બહાર નીકળી માણસાઈની નીતિ નહીં અપનાવીએ ત્યાં સુધી સમાજમાં / સરકારમાં ચાલતા પાખંડ, અનીતિ, દુરાચાર, ભ્રષ્ટાચાર દૂર થઈ શકે નહીં, તે કડવું સત્ય જોતિરાવ ફુલે કહી ગયા છે.

[6]

ખોત-પ્રથા’ શા માટે નાબૂદ કરી?

ધોંડિબા : “બ્રાહ્મણ લોકો મામલતદાર હોવાને કારણે અભણ, અજ્ઞાની શૂદ્રોને નુકસાન પહોંચાડતા હતા?”

ફુલે : “આજ સુધી જેટલા પણ બ્રાહ્મણ મામલતદાર થઈ ગયા એમાંથી કેટલા ય જણ એમના ખરાબ વ્યવહારને કારણે સરકારના ગુનેગાર બની સજા ભોગવી ચૂક્યા છે. તેઓ સરકારી કામકાજમાં કપટનીતિ કરતા, ગરીબ લોકો ઉપર પુષ્કળ જુલમ કરતા હતા. આ જુલમનો એક ગ્રંથ બની શકે એમ છે. આ પૂના જેવા શહેરમાં બ્રાહ્મણ મામલતદાર, કુલકર્ણી પાસે ભલામણ પત્ર લાવ્યા વિના મોટા મોટા શાહુકારોની વાત પણ તેઓ માનતા નથી. ત્યારે ગરીબની તો વાત જ કોણ સાંભળે? આ કુલકર્ણી શું ભલામણ પત્ર આપતી વખતે લાંચ નહીં લેતા હોય? આજ રીતે શહેરની મ્યુનિસિપાલિટી પણ કોઈ મકાન માલિકને, એના જૂના ઘરની જગ્યાએ નવું ઘર બાંધવા માટે બ્રાહ્મણ મામલતદારના માધ્યમથી એ રહેઠાણ – જગ્યાના કુલકર્ણી અભિપ્રાય ન આપે ત્યાં સુધી નવું ઘર બનાવવાની મંજૂરી આપતી નથી. આ કલમકસાઈઓના સ્વાર્થની રક્ષા માટે બ્રાહ્મણ મામલતદારે આ પદ્ધતિ બનાવી હશે. બાહોશ યુરોપિયન લોકોની વસ્તીની નજીક પૂના શહેરમાં જો બ્રાહ્મણ મામલતદાર પોતાની તાનાશાહીથી એમની જ જાતિના કલમકસાઈઓ માટે અતિરિક્ત ખાવા પીવાના સાધનો ઊભાં કરેલ છે તો ગામડામાં શું સ્થિતિ હોય?”

“શૂદ્રો રોદણાં રડે છે કે ‘બ્રાહ્મણ કુલકર્ણીના કારસ્તાનને કારણે બ્રાહ્મણ મામલતદારે મારી અરજી યોગ્ય સમયે સ્વીકારી નહીં, આથી મારા વિરોધીએ મારા બધા સાક્ષીઓને ફોડી, ઊલટો મને જ જામીન મેળવવા માટે વિવશ કર્યો.’ કોઈ કહે છે કે ‘બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધા બાદ આજ સુધી દબાવીને રાખી મૂકી છે. પણ મારા વિરોધીની અરજી બીજા દિવસે લઈને જ એની સુનાવણી કરી દીધી અને મારા અધિકારો સમાપ્ત કરી મને ભિખારી બનાવી દીધો.’ કોઈ વળી એમ કહે છે કે ‘બ્રાહ્મણ મામલતદારે મારા કહેવા પ્રમાણે મારી જુબાની લખી નથી અને પછી એ જ જુબાની ઉપરથી મારી ફરિયાદના વિષયને એવો ગૂંચવડાભર્યો બનાવી દીધો કે હવે હું ગાંડો બની જઈશ એવું લાગે છે.’ કોઈ કહે છે કે ‘મારા વિરોધીઓએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારા ખેતરમાં હળ ચલાવ્યું ત્યારે મેં તરત જ એ બ્રાહ્મણ મામલતદાર પાસે જઈ એની સાથે નમ્ર થઈ જમીન ઉપર હાથ અડાડતાં દંડવત પ્રણામ કર્યા અને એની સાથે એક શબ્દ પણ ન બોલતા એના હાથમાં મારી અરજી આપી અને ચાર-પાંચ ડગલા પાછળ હટીને બે હાથ જોડી એની સામે ધ્રૂજતા ઊભો રહ્યો. એટલામાં એ યમદૂતે મારા ઉપર નીચેથી ઉપર સુધી નજર ફેરવી તરત એ અરજી મારી ઉપર ફેંકતા કહ્યું કે તે કોર્ટનું અપમાન કર્યું છે અને એમ કહેતાની સાથે જ મને દંડ કર્યો. એ દંડ ભરવાની મારી ત્રેવડ ન હોવાથી મારે કેટલાયે દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું. બીજી તરફ મારા વિરોધીએ ખેતરમાં બીજની વાવણી કરી મારું ખેતર પોતાના કબજામાં લઈ લીધું એના માટે મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજીઓ આપી. પણ ત્યાં પણ મારી અરજી બ્રાહ્મણ બાબુ એ ક્યાં દબાવીને રાખી દીધી એની કંઈ જ ખબર નથી પડતી ત્યારે હવે આના માટે શું કરવું? ક્યાં જવું?’ કોઈ કહે છે કે ‘બ્રાહ્મણ કર્મચારીએ કલેક્ટર સાહેબ સમક્ષ મારી અરજી વાંચી અને કહ્યું કે આ તો ખૂબ ફરિયાદ કરનાર વ્યક્તિ છે.’ વળી કોઈ કહે છે કે ‘ભગવાનની પૂજાના નિર્ધારિત સમય અનુસાર બ્રાહ્મણના ઘરોમાં વસ્તુઓ પૂરી પાડતાં પડતાં મારું ઘરબાર વેચાઈ ગયું, ખેતરો ગયાં. અનાજ ગયું અને મારા ઘરની દરેક વસ્તુ ખલાસ થઈ ગઈ. મારી ઘરવાળીના શરીરનું એક તૂટેલું ઘરેણું પણ ન બચ્યું. અને જ્યારે છેવટે અમે બધા ભૂખે મરવા લાગ્યા ત્યારે મારા નાના ભાઈઓએ છૂટક મજૂરીનો ધંધો કરી, તેઓ સડક બનાવવાના કામમાં માથે વજન ઊંચકવા લાગ્યા. પણ ત્યાં પણ બધા બ્રાહ્મણ સાહેબો કોઈ પણ કામને હાથ લગાડતા નહીં, ફક્ત રોજ સવાર સાંજ એકવાર આવી, હાજરી પૂર્યા બાદ કોઈ મરાઠી સમાચાર પત્રોમાં કોઈ અંગ્રેજે ધર્મની હાંસી ઊડાવી હોય એવા સમાચાર જતાં જતાં સંભળાવી પોતપોતાના ઘરે ચાલ્યા જતા હતા. સરકાર આ બ્રાહ્મણોને છૂટક મજૂર કરતા બમણો પગાર આપતી હતી છતાં જો પગાર થયા બાદ કોઈ શ્રમિકે એમને કંઈક ઉપલક નાણાં ન ચૂકવ્યાં હોય તો તરત જ બીજા દિવસે એમના ઉપરી સાહેબને એ શ્રમિકની અનેક પ્રકારની ચૂગલી કરી એની હાજરી ભરતાં નહીં.’ આવી અનેક પ્રકારની બ્રાહ્મણો દ્વારા અપાતી તકલીફોનાં કારણે શૂદ્રો ઘેર જઈ દંડ દંડ આંસુ પાડે છે. આ બધા બ્રાહ્મણો અઢાર વર્ણોના ગુરુ છે, એટલે એ જેવું પણ વર્તન કરે, આપણે શૂદ્રોએ એક પણ શબ્દ ન કહેવો જોઈએ, શૂદ્રોએ એમની આલોચના ન કરવી જોઈએ, આવું એમના ધર્મશાસ્ત્રો કહે છે.”

ધોંડિબા : “જો બ્રાહ્મણ કર્મચારીઓના વર્ચસ્વના કારણે આવું દરેક સરકારી કચેરીમાં બનતું હોય તો યુરોપિયન કલેક્ટરો શું કરે છે? તેઓ બ્રાહ્મણોની લુચ્ચાઈગીરી અંગે સરકારને રીપોર્ટ કેમ કરતા નથી?”

ફુલે : “અરે ભાઈ ! આ બ્રાહ્મણ કર્મચારીઓની ચાલાકીને કારણે અંગ્રેજ અધિકારીના ટેબલ ઉપર કામનું ભારણ વધી જાય છે. મરાઠી કાગળો – ફાઈલ પર સહી કરતાં કરતાં નાકે દમ આવી જાય છે. એમાં સરકારને ક્યારે રીપોર્ટ કરે? તેમ છતાં અનેક દયાળુ કલેક્ટરો શૂદ્રો પરના જુલમ ખતમ કરવા પ્રયત્નો કરે છે. પરંતુ બ્રાહ્મણો શૂદ્રોમાં સરકાર વિરુદ્ધમાં ખોટી વાતો ફેલાવે છે. ભટકાવે છે. એટલે અનેક શૂદ્રોએ યુરોપિયન કલેક્ટરો વિરુદ્ધ સંઘર્ષ કરવાની તૈયારી કરી. શૂદ્રોએ જ વિચિત્ર માંગણી કરી કે અમારા પર બ્રાહ્મણ જમીનદારોની જે ‘ખોત-પ્રથા’ છે તે રહેવા દેવી !”

ધોંડિબા : “આવી રીતે અજ્ઞાની શૂદ્રો, બ્રાહ્મણોના ઉશ્કેરણીમાં આવી જાય તો તેઓ ચારેબાજુથી નુકસાન વહોરી લે છે.”

ફુલે : “આપણી દયાળુ સરકારે અન્ય જાતિઓના કર્મચારીઓની નિમણૂક કરવી જોઈએ. જો અન્ય જાતિના કર્મચારીઓ ન મળે તો યુરોપિયન કર્મચારીઓની નિમણૂક કરવી જોઇએ. જો આવું બને તો બ્રાહ્મણ કર્મચારીઓ સરકાર અને શૂદ્રોનું આટલું અહિત ન કરી શકે. તેમને નુકસાન કરવાનો મોકો ન મળે. બીજો ઉપાય એ છે કે જે યુરોપિયન કલેક્ટરોને મરાઠી ભાષા આવડે છે તેમને જીવનભર પેન્શન આપી, બ્રાહ્મણ કુલકર્ણી-તલાટી / કર્મચારીઓની ચાલાકી પર દેખરેખ રાખવા નિયુક્ત કરવા. સરકાર એમની પાસેથી રીપોર્ટ મંગાવે. સરકારી શાળાઓમાં બ્રાહ્મણ શિક્ષકોની પોલ પણ ખૂલી જશે. આપણા ગળામાં સદીઓથી આ બ્રાહ્મણ / પંડિત / પુરોહિતો દ્વારા બાંધેલી ગુલામીની સાંકળ જલદી કોઈ તોડી શકે તેમ નથી.”

ધોંડિબા : “તો પછી તમે નાનપણમાં અખાડામાં નિશાનબાજીની કસરત કેમ કરતા હતા?”

ફુલે : “આપણી દયાળુ અંગ્રેજ સરકારને દેશમાંથી ભગાડી મૂકવા.”

ધોંડિબા : “તાત ! તમે આવી દુષ્ટ વલણ ક્યાંથી મેળવ્યું?”

ફુલે : “બે-ચાર સુધારાવાદી બ્રાહ્મણ વિદ્વાનો પાસેથી. તેઓ કહે છે કે ‘આપણા લોકોની એકતા મરી પરવારી છે. આપણામાં અનેક પ્રકારના જાતિભેદ થઈ ગયા છે. આપણામાં ફાટફૂટ હોવાથી આપણું રાજ અંગ્રેજોના હાથમાં ચાલ્યું ગયું.’ હું યુવાનીના અમુક વર્ષ સુધી આવા તર્કવિહીન વિચારો કરતો હતો. પણ સમય જતાં મેં ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે મને એ સુધારાવાદી બ્રાહ્મણોની મતલબી ચાલાકીનો સાચો અર્થ સમજાયો. તે એમ હતું કે આપણે બધા શૂદ્ર લોકો ખ્રિસ્તી બની જવાથી બ્રાહ્મણોના પૂર્વજોના કૃત્રિમ ગ્રંથનો તિરસ્કાર કરીશું અને એના કારણે જાતિનું અભિમાન રાખનારા બ્રાહ્મણોની પોલ ખૂલી જશે. અને તેમને શૂદ્રોએ કરેલી મહેનતની ફોકટનો રોટલો ખાવા નહીં મળે, એટલું જ નહીં પણ બ્રહ્માના બાપથી પણ એમ ન કહી શકાય કે શૂદ્રોથી બ્રાહ્મણો ઊંચા છે. ભાઈ ! આ સુધારાવાદી બ્રાહ્મણ વિદ્વાનોના પૂર્વજોને જો સ્વદેશાભિમાન શબ્દની ખબર હોત તો તેઓએ તેમના ગ્રંથોમાં પોતાના જ દેશબાંધવ શૂદ્રોને પશુથી પણ નીચ માનવી માટે ગ્રંથ લખીને ન રાખ્યા હોત. તેઓ માનવમળ મૂત્ર ખાવાવાળાં પશુનું ગો-મૂત્ર પીને પવિત્ર થઈ શકે છે, પણ શૂદ્રોના હાથમાંથી નળના સ્વચ્છ પીવાના પાણીને અપવિત્ર માને છે ! જ્યાં સુધી આ દેશ પર અંગ્રેજોનું શાસન છે, ત્યાં સુધીમાં બની શકે એટલું જલદી બ્રાહ્મણ / પંડિત / પુરોહિતોની પરંપરાગત (ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક) ગુલામીમાંથી મુક્તિ મેળવીએ એમાં જ ડહાપણ છે. ઈશ્વરે શૂદ્રો ઉપર દયા કરતાં અંગ્રેજો દ્વારા બ્રાહ્મણ નાના સાહેબ પેશ્વાનો બળવો વિફળ કરી નાખ્યો એ બરાબર થયું, નહીં તો સુધારાવાદી બ્રાહ્મણોએ અત્યાર સુધી અનેક મહારો-અછૂતને ધોતી પહેરવા માટે કે ભજનોમાં સંસ્કૃત શબ્દોના ઉચ્ચાર કરવા માટ દોષી ઠેરવી કાળાપાણીની  સજા કરી હોત.”

‘ખોત- પ્રથા’ એટલે બ્રાહ્મણ જમીનદાર શૂદ્રોને જમીન વાવવા આપે. અનાજ પાકે ત્યારે 75% અનાજ બળજબરીથી લઈ લે. શૂદ્ર કિસાનોના લગ્ન થાય ત્યારે તેમની પત્નીને લગ્નની પ્રથમ રાત્રિએ ખોત-બંગલે ગાળવી પડે. આ ખોત-પ્રથા સામે ફુલે / શાહૂ મહારાજે  અવાજ ઊઠાવેલ અને ડો. બાબાસાહેબ આંબેડકરે મુંબઈ ધારાસભામાં ખોત-પ્રથા સામે કાયદો બનાવ્યો હતો.

[7]

‘ખરાબ સાધનથી સારા કામને ડાઘ લાગે છે !’

ભેદભાવના કારણે શૂદ્રો / અતિશૂદ્રોની કેવી હાલત થતી હતી, તેનું વર્ણન જોતિરાવ ફૂલેએ ‘ગુલામગીરી’માં કર્યું છે : 

ધોંડિબા : “સરકારના શિક્ષણ વિભાગમાં કામ કરતા બ્રાહ્મણ અધિકારીઓ દ્વારા કઈ છેતરપિંડી કરવામાં આવે છે?”

ફુલે : “એક પુસ્તક (બાઈબલ) હતું જેનો કાળજીપૂર્વક અભ્યાસ બ્રાહ્મણના બનાવટી ધાર્મિક પુસ્તકોમાં રહેલી બધી છેતરપિંડીઓને ઉજાગર કરી શક્યું હોત અને જેનાથી તેમના પૂર્વજો ખૂબ જ બદનામ થયા હોત. આથી બચવા માટે, ચાલાક બ્રાહ્મણોએ ખાનગીમાં ઉચ્ચ સરકારી અધિકારીઓને બોલાવ્યા, અથવા તેમના મરાઠી અખબારોમાં સુફિયાણા લેખો દ્વારા સરકારને છેતરવાનો પ્રયાસ કર્યો, અને અંતે સરકારને, સરકારી શાળાઓમાંથી તે પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટે સમજાવ્યા.”

ધોંડિબા : “આ માટે સરકાર કેવી રીતે દોષિત છે?”

ફુલે : “સરકાર ચોક્કસપણે આ દોષથી બચી શકે નહીં. સરકારે કેટલાક કહેવાતા સુધારાવાદી બ્રાહ્મણોના કહેવા પર સરકારી શાળાઓમાં પુસ્તકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ શું એ વિચિત્ર નથી કે સરકારે બાઈબલના આ બધા ટીકાકારો દ્વારા લખાયેલાં પુસ્તકોને સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો તરીકે શા માટે રાખવા જોઈએ? અને શા માટે બ્રાહ્મણોને શૂદ્રો માટેની શાળાઓમાં શિક્ષકો તરીકે નિયુક્ત કરવા જોઈએ? ખરાબ વિચાર ધરાવતા બ્રાહ્મણ લેખકો દ્વારા લખાયેલાં નવાં પુસ્તકોને પ્રતિબંધિત કરવાને બદલે સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો તરીકે રાખે છે અને સરકાર તેમને આવાં પુસ્તકો લખવા બદલ મોટા પુરસ્કારો શા માટે આપે છે? જો સરકાર આ પાઠ્યપુસ્તકોના લેખકોને કાઢી નાખવાનો માર્ગ શોધી શકતી ન હોય; સરકાર દયાળુ હોય તો સમગ્ર સરકારી શિક્ષણ વિભાગને કલમના એક ઝાટકે બંધ કરી દેવું જોઈએ. તે આપણા માટે એક મોટું વરદાન હશે. કારણ કે, તેથી શૂદ્રો કરવેરાના બોજથી મુક્ત થશે. શિક્ષણ વિભાગમાં મુખ્ય બ્રાહ્મણ અધિકારી દર મહિને ચમકતા સફેદ ચાંદીના 600 રૂપિયા, વાર્ષિક રૂપિયા 7,200નો પગાર મેળવે છે. કદાચ એટલા પૈસા કમાવવા શૂદ્રોના હજાર પરિવારોને એક વરસ સુધી રાત દિવસ ખેતીમાં મજૂરી કરવી પડે ! કેટલાક સારા લોકો આવા બ્રાહ્મણ અધિકારીઓને પ્રામાણિક, નિષ્ઠાવાન અને દેશભક્ત તરીકે વર્ણવે છે. આવા ‘પ્રામાણિક’ બ્રાહ્મણ અધિકારીઓએ શિક્ષણ વિભાગમાં લાખો રૂપિયા ઉડાડી દીધા છે. પરંતુ વિચિત્ર વાત એ છે કે આવા એક પણ બ્રાહ્મણ અધિકારી, એક પણ શુદ્ર વિદ્યાર્થીને પૂના મ્યુનિસિપાલિટીના સભ્ય બનવા માટે શિક્ષિત / લાયક / સજ્જ કરી શક્યા નથી. આ ઉદાહરણ છે કે શિક્ષણ વિભાગમાં આ બ્રાહ્મણ અધિકારીઓની દલિત વર્ગોના કલ્યાણ પ્રત્યે કેટલી ઉદાસીનતા છે. જ્યારે એક દેશભક્ત ‘પ્રબુદ્ધ’ બ્રાહ્મણ પૂના નગરપાલિકામાં ચીફ ઓફિસર હતા ત્યારે ગયા વર્ષે ઉનાળા દરમિયાન પાણી પુરવઠાની સ્થિતિ ખૂબ ગંભીર હતી, ત્યારે તેમણે આ હતાશ શૂદ્રોને સામાન્ય સરકારી કુંડમાંથી પીવાનું પાણી લેવાની મંજૂરી આપી ન હતી. એટલા માટે મ્યુનિસિપાલિટીમાં અતિશૂદ્રોને  સભ્ય તરીકે નિમણૂક કરવાની તાતી જરૂર છે.”

ધોંડિબા : “મ્યુનિસિપલ કમિટીમાં કેટલાક શૂદ્ર સભ્યો એટલા અજ્ઞાની છે કે તેઓ કાર્યવાહીને બિલકુલ સમજી શકતા નથી, અને તેઓ યાંત્રિક રીતે માથું હલાવી ફક્ત હા કે ના કહે છે. આવા શૂદ્ર લોકો શૂન્ય જેવા છે.”

ફુલે : “હા, હું સ્વીકારું છું કે ઘણા અતિશૂદ્રો હશે જેઓ કેટલાક શૂદ્ર સભ્યો કરતાં પણ વાંચન અને લેખનમાં વધુ જાણકાર હશે. પરંતુ બ્રાહ્મણોના બનાવટી ધાર્મિક પુસ્તકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, આ અતિશૂદ્રોને અસ્પૃશ્ય ગણવામાં આવે છે, અને તેથી, તેમને સ્પૃશ્ય સમુદાયના અન્ય સભ્યો સાથે મુક્તપણે ફરવાની અને તેમની નાણાંકીય સ્થિતિ સુધારવાની તકનો ઇનકાર કરવામાં આવે છે. તેથી અતિશૂદ્રોને ગધેડા હાંકી પેટ ભરવું પડે છે.“

ધોંડીબા : “જો આપણે પૂણે-નગરપાલિકાના સમુદાયવાર સભ્યપદની તપાસ કરીએ, તો કયા સમુદાયનો સભ્યપદનો સિંહફાળો મળે છે?”

ફુલે : “બ્રાહ્મણ લોકોનો !“

ધોંડિબા : “એટલા માટે જ અકુશળ કામદારો અને સફાઈ કામદારો સિવાય મ્યુનિસિપલ કર્મચારીઓમાં બ્રાહ્મણ સભ્યોનું વર્ચસ્વ છે. પાણી પુરવઠા વિભાગમાં મોટાભાગના કર્મચારીઓ બ્રાહ્મણ હતા, તેથી તેઓ ઉનાળાની ઋતુમાં, મે મહિનામાં બ્રાહ્મણ માટે ખાસ બનાવેલા કુંડોમાં વધુ પાણી છોડતા હતા, ત્યાં કપડાં અને વાસણો ધોવાં માટે પાણી ફાજલ રહેતું હતું. પરંતુ શૂદ્રોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં બપોર પછી પસાર થતી કોઈ પણ વ્યક્તિ કુંડ પર પોતાની તરસ પણ છીપાવી શકતી ન હતી. શુદ્રો પાસે નહાવા કે કપડાં ધોવાં માટે પાણી નહોતું. મ્યુનિસિપાલિટીએ મુખ્યત્વે બ્રાહ્મણોની વસ્તી ધરાવતા વોર્ડમાં ઘણા નવા પાણીનાં કુંડ બનાવ્યા છે, જ્યારે જૂના ગંજ વગેરે વોર્ડમાં જ્યાં શુદ્રો ઘણા લાંબા સમયથી પાણીના કુંડ માટે માંગ કરી રહ્યા છે પરંતુ બ્રાહ્મણ સભ્યોનું વર્ચસ્વ હોવાથી, મ્યુનિસિપલ કાઉન્સિલ વર્ષોથી શુદ્રોની સતત માંગણીઓ પર કોઈ ધ્યાન આપતી નથી. છેવટે, જ્યારે ગયા વર્ષે ઉનાળામાં પાણીની તીવ્ર અછત હતી, ત્યારે મામલો ચરમસીમાએ પહોંચ્યો; મહાર અને માંગોએ ફક્ત બ્રાહ્મણો માટે ‘કાળા કુંડ’ હતો તેમાંથી પાણી ખેંચવાનું શરૂ કર્યું. ત્યારે જ, મ્યુનિસિપલ કમિટીને અતિશૂદ્રોની વાસ્તવિક મુશ્કેલીઓનું ભાન થયું અને  અતિશૂદ્રો માટે એક નવો કુંડ બનાવ્યો. પરંતુ સમિતિએ આ નવા કુંડના બાંધકામમાં મોટી રકમનો બગાડ કર્યો. જો સમિતિના કામકાજમાં આટલો બધો ગેરવહીવટ છે, તો મરાઠી પત્રકારો શા માટે ચૂપ છે? તેઓ આ ગેરવહીવટ તરફ અંગ્રેજ સરકારનું ધ્યાન કેમ નથી દોરતા?”

ફુલે : “પૂનામાં મરાઠી અખબારોના બધા સંપાદકો બ્રાહ્મણ છે અને તેઓ સ્વાભાવિક રીતે જ પોતાના જ જાતિના લોકો વિરુદ્ધ કંઈ લખવા માંગતા નથી. મ્યુનિસિપાલિટીના ચેરમેન અંગ્રેજ હતા અને તેઓ બ્રાહ્મણોની ચાલાકીને ચાલવા દેતા નહીં. ત્યારબાદ બધા બ્રાહ્મણોએ તેમની વિરુદ્ધ ઊહાપોહ કર્યો કે તેમની નીતિઓ લોકોહિત માટે હાનિકારક છે. એ ચેરમેન એટલા નારાજ થયા કે તેમણે ગુસ્સામાં અધ્યક્ષપદેથી પોતાનું રાજીનામું આપી દીધું ! દુઃખની વાત છે કે આપણી પરોપકારી સરકારે એવું વલણ લીધું કે ચાલાક બ્રાહ્મણ પત્રકારો દ્વારા મરાઠી અખબારોમાં જે કંઈ લખ્યું હતું તે સાચું હતું ! સરકારે નિર્ણય લેવામાં મોટી ભૂલ કરી છે. સરકાર ચોક્કસપણે જાણતી નથી કે બ્રાહ્મણ પત્રકારો અને શૂદ્રો-અતિશૂદ્રોના દૃષ્ટિકોણ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. લગભગ બધા જ અતિશૂદ્રો એટલા અજ્ઞાની છે કે તેઓ ભાગ્યે જ જાણતા હોય છે કે અખબાર શું છે ! તો પછી રૂઢિચુસ્ત બ્રાહ્મણ પત્રકારો અતિશૂદ્રોના દૃષ્ટિકોણને સમજવાનો અને રજૂ કરવાનો દાવો કેવી રીતે કરી શકે? મોટાભાગના સરકારી વિભાગો બ્રાહ્મણ કર્મચારીઓ અને અધિકારીઓથી ભરેલા છે જે હકીકતમાં જનતાના હિતોની વિરુદ્ધ કામ કરે છે. મરાઠી જર્નલમાં દેખાતા સમાચાર અંગ્રેજીમાં રિપોર્ટ કરવાનું કામ મ્યુનિસિપલ કાઉન્સિલના બ્રાહ્મણ સભ્યને સોંપવામાં આવે છે. આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે તે બ્રાહ્મણ અધિકારી પોતાના જ જાતિના માણસો વિરુદ્ધ રિપોર્ટ કરે? પ્રતિકૂળ અહેવાલો ક્યારે ય સરકાર સમક્ષ મૂકવામાં આવતા નથી.”

ધોંડિબા : બ્રાહ્મણોના આ બધા દુષ્કૃત્યો અને શૂદ્રો અને અતિશૂદ્રોના અનાદર અને મુશ્કેલીઓનું વર્ણન કરતી એક સંક્ષિપ્ત પુસ્તિકા તમે શા માટે લખતા નાથી? જેથી અંગ્રેજ સરકારની આંખ ખૂલે.”

ફુલે : એ હકીકત છે કે બ્રાહ્મણો, અજ્ઞાની શૂદ્રોને તેમના દુષ્ટ ધર્મનું શિક્ષણ આપીને છેતરે છે, જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ તેમને તેમના નિષ્પક્ષ ધર્મ પર આધારિત અધિકૃત જ્ઞાન પ્રદાન કરે છે અને તેમને સત્યના માર્ગ પર લઈ જાય છે. મેં 1855માં બ્રાહ્મણોના ષડયંત્રો ખૂલા પાડવા એક નાનું નાટક ‘તૃતીય રત્ન’ લખ્યું હતું, સમિતિના પૂર્વગ્રહયુક્ત બ્રાહ્મણ સભ્યના વલણના કારણે સમિતિએ મારા નાટકને નકારી કાઢ્યું. તેથી મેં મારું નાટક બાજુ પર રાખ્યું અને થોડાં વર્ષો પછી બ્રાહ્મણોના ધૂર્ત સ્વભાવનું વર્ણન કરતું એક પુસ્તક લખ્યું અને તેને મારા પોતાના ખર્ચે પ્રકાશિત કર્યું.”

ધોંડિબા : “તમે આ બ્રાહ્મણ અધિકારીઓ સમક્ષ નમવાનો ઇનકાર કરો છો, અને તેથી, તમારા પુસ્તકો વેચાતા નથી.”

ફુલે : “હું સાધન શુદ્ધિમાં માનું છું. ખરાબ સાધનથી સારાં કામને ડાઘ લાગે છે !”

[8]

‘અતિશૂદ્રોના બાળકોને શાળામાં દાખલ કરતાં જ ભારતમાં બહુ મોટી આફત આવશે !’

શૂદ્રો અને અતિશૂદ્રોના શું સ્થિતિ હતી અને એમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય? તે અંગે જોતિરાવ ફુલે લખે છે : 

ધોંડિબા : “તમે બ્રાહ્મણો અને સંલગ્ન સમુદાયોની છોકરીઓ માટે 1848માં એક શાળા ખોલી હતી અને સરકારે શાલ આપીને તમારું જાહેર સન્માન કર્યું. પછી તમે 1851માં તમારા કોઈ પરોપકારી બ્રાહ્મણ મિત્રની મદદથી, અતિશૂદ્રોના બાળકો માટે બીજી શાળા ખોલી. તમે પોતે તે શાળામાં શિક્ષણ આપતા હતા. પરંતુ પછીથી તમે તે ઉપયોગી કાર્ય અચાનક છોડી દીધું. થોડા વર્ષો પછી તમે તમારા અંગ્રેજ મિત્રોના ઘરે જવાનું બંધ કરી દીધું. તેનું શું કારણ?“

ફુલે : “જ્યારે મેં બ્રાહ્મણ અને સંલગ્ન સમુદાયોની છોકરીઓ માટે શાળાઓ ખોલી ત્યારે સરકારે મારું સન્માન કર્યું. પરંતુ પછીથી મને અતિશૂદ્રોના છોકરાઓ અને છોકરીઓ માટે શાળા ખોલવાની ખૂબ જ જરૂર સમજાઈ. તેથી મેં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સભ્યોની નોંધણી કરાવી, આ કાર્ય માટે તેમનો સહયોગ મેળવ્યો અને તે બધી શાળાઓ તેમને સોંપી દીધી. ત્યારબાદ, મેં 1851માં અતિશૂદ્ર સમુદાયના છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શાળાઓ ખોલી. ઘણા અંગ્રેજ સજ્જનોએ મને ઉદારતાથી મદદ કરી. મહેસૂલ કમિશનર Reeves સાહેબની મદદને હું ક્યારે ય ભૂલીશ નહીં. આ પરોપકારી અંગ્રેજ વ્યક્તિએ મને સમયસર મૂલ્યવાન દાન આપીને મદદ કરી, પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને અતિશૂદ્ર બાળકો માટે આ શાળાઓની મુલાકાત લેતા અને વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ વિશે પ્રેમથી પૂછતા. તેઓ આ સારા કાર્યને પ્રોત્સાહન આપતા. હું કેટલાક અન્ય પરોપકારી અંગ્રેજોનો પણ આભાર માનું છું જેમણે મારા શૈક્ષણિક કાર્યમાં મને શક્ય તેટલી મદદ કરી. મેં મારા કેટલાક બ્રાહ્મણ મિત્રોનો સહકાર મારા કાર્ય માટે લીધો હતો. પરંતુ જ્યારે મેં મારી શાળાઓમાં બ્રાહ્મણોના પૂર્વજો દ્વારા લખાયેલા બનાવટી ધાર્મિક પુસ્તકોમાં સમાવિષ્ટ છેતરપિંડીને  સમજાવવાનું શરૂ કર્યું, ત્યારે મારા અને મારા બ્રાહ્મણ સાથીદારો વચ્ચે મંતવ્યોમાં સૂક્ષ્મ મતભેદો ઊભા થયા. તેમનો મુખ્ય મત એ હતો કે શૂદ્રોના બાળકોને કોઈ શિક્ષણ પૂરું પાડવું જોઈએ નહીં. જો તેમના માટે શિક્ષણ પૂરું પાડવું એકદમ જરૂરી હોય, તો તેમને ફક્ત પ્રાથમિક વાંચન અને લેખનની તાલીમ આપવી જોઈએ. બીજી બાજુ, મારો મત હતો કે આપણે તેમના માટે એવું ઉપયોગી શિક્ષણ પૂરું પાડવું જોઈએ જે તેમને પોતાનું જીવન અને કારકિર્દી ઘડવામાં સક્ષમ બનાવે. તે ખરેખર સારું શિક્ષણ હોવું જોઈએ. બ્રાહ્મણો એ ડરથી પ્રેરિત હતા કે જો શૂદ્રોને સારું શિક્ષણ મળ્યું તો તેઓ સમજી શકશે કે તે ઉદાર સરકાર દ્વારા શક્ય બન્યું છે અને તેના કારણે તેઓ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખી શકશે. કદાચ બ્રાહ્મણોને ડર હતો કે આ રીતે શિક્ષિત થયેલા અતિશૂદ્રો સરકારના વિશ્વાસુ અને વફાદાર સેવકો બની જશે. બ્રાહ્મણોના પૂર્વજો દ્વારા અતિશૂદ્રો ઉપર કરવામાં આવેલા અન્યાયની ગંભીરતાને સમજશે, અને તેથી, તેઓ બ્રાહ્મણોની નિંદા કરશે. જ્યારે મંતવ્યોના મતભેદોને કારણે અમારી વચ્ચે અણબનાવ થયો ત્યારે મને તેમના વિરોધનું વાસ્તવિક કારણ સમજાયું અને મેં બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટેની શાળાઓ અને અતિશૂદ્રો માટેની શાળાઓમાંથી મારી જાતને દૂર કરી દીધી. થોડાં વર્ષો પછી 1857માં બ્રાહ્મણ દુષ્ટો દ્વારા બળવો ફાટી નીકળ્યો. મારા ઘણા ભૂતપૂર્વ સાચા અંગ્રેજ મિત્રો મારા પ્રત્યે ઉદાસીન બન્યા. મને મળવા માટે નારાજગીના સંકેતો મળવા લાગ્યા. ત્યારથી, મેં તેમના ઘરે જવાનું છોડી દીધું.”

ધોંડિબા : “બ્રાહ્મણોની બદમાશીના કારણે યુરોપિયન લોકો તમારી જેવા નિર્દોષની ઉપેક્ષા કરે તે તેમને શોભતું નથી. આપણે બ્રાહ્મણોની વિધવાઓ ગર્ભપાત ન કરે અને તેમની ખાનગી પ્રસૂતિની વ્યવસ્થા કરી. એ કમનસીબ બાળકોની સંભાળ સાવિત્રીબાઈ ફુલેએ પ્રેમપૂર્વક કરી. સરકાર પાસેથી કોઈ મદદ ન લીધી. બ્રાહ્મણ સભ્યોની મદદ વિના આ કામ કર્યું.”

ફુલે : “પણ સરકારને કંઈ પડી નથી. અતિશૂદ્રોને અસ્પૃશ્ય ગણવામાં આવે છે, તેથી તેમના રોજગારના માર્ગો બંધ છે. તેઓ નાની ચોરી અથવા લૂંટ કરવા માટે મજબૂર છે. સરકારે આ અપરાધીઓ માટે નજીકના પોલિસ સ્ટેશનમાં ફરજિયાત દૈનિક હાજરી આપવાનો નિયમ કર્યો છે, તે સારી બાબત છે. પણ બ્રાહ્મણોની નિરાધાર / અનાથ / વિધવા સ્ત્રીઓના બીજા લગ્ન પર પ્રતિબંધ હોવાના કારણે ગર્ભપાત / ભૃણહત્યા કરે છે. સરકાર આ જૂએ છે પણ માતંગ-રામોશિયો જાતિઓની જેમ તેમની પૂછપરછ કરતી નથી. બ્રાહ્મણોની માનસિકતા એવી છે કે ‘કામ ઓછું બકવાસ વધુ !’ જે બ્રાહ્મણો પોતાની નાની બહેનોનું મુંડન કરતાં હજામના હાથ રોકી શકતા નથી, એવા ડરપોકને આવાં કામ માટે સદસ્ય બનાવવાથી શું ફાયદો?”

ધોંડિબા : “શાળા અને સરકારી વિભાગોમાં કઈ અવ્યવસ્થા છે?”

ફુલે : “પ્રથમ તો એ છે કે શૂદ્ર / અતિશૂદ્ર શાળાના શિક્ષકોને તાલીમ આપવા પ્રત્યે સરકારની ઉદાસીનતા.”

ધોંડિબા : “તમે આ કેવી રીતે કહી શકો? સરકારે ખાસ તાલીમશાળા શરૂ કરી છે.”

ફુલે : “મને કહો, ધોંડિબા, અત્યાર સુધીમાં અતિશૂદ્રોના કેટલા બાળકો પ્રશિક્ષિત શિક્ષકો બન્યા?”

ધોંડિબા : “બધા બ્રાહ્મણ શિક્ષકો માને છે કે જો અતિશૂદ્રોના બાળકોને શાળામાં દાખલ કરતાં જ ભારતમાં બહુ મોટી આફત આવશે ! એટલે સરકાર ગભરાય છે.”

ફુલે : “જ્યારે બધી જાતિના ઉમેદવારોને ફોજમાં ભરતી કરે છે ત્યારે લોકો કેમ ઊહાપોહ કરતા નથી? અતિશૂદ્રોના શિક્ષણ પ્રત્યે સરકાર ઉદાસીન છે. ઉદાસીનતા માટે સરકાર જવાબદાર છે.”

ધોંડિબા : “તો પછી, સરકારે આ પરિસ્થિતિને સુધારવા માટે કયા પગલાં લેવા જોઈએ?”

ફુલે : “મારા મતે, આનો એકમાત્ર ઉપાય એ છે કે સરકારે આ મહત્ત્વપૂર્ણ કાર્ય અંગ્રેજ કલેક્ટરોને સોંપી દેવું જોઈએ. તો જ સારા પરિણામો મળશે. આ કલેક્ટરો તેમની ફરજો દરમિયાન શૂદ્રો અને અતિશૂદ્રો સાથે સંપર્કમાં આવે છે. તેમણે બ્રાહ્મણ અધિકારીઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ, પરંતુ વારાફરતી ગામની મુલાકાત લેવી જોઈએ, કુલકર્ણીઓને અવગણવા જોઈએ અને બધા ગામલોકોને શિક્ષણ લેવાના ફાયદાકારક પરિણામો સમજાવવા જોઈએ. પછી ગ્રામજનો ગામડાઓમાંથી હોંશિયાર બાળકોને પસંદ કરશે અને રાજીખુશીથી તેમને પ્રાથમિક શાળાના શિક્ષકો તરીકે તાલીમ આપવા માટે કલેક્ટરોને સોંપશે. મને વિશ્વાસ છે કે કલેક્ટરના પ્રોત્સાહનથી, આ કાર્ય સંતોષકારક રીતે આગળ વધશે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આ કાર્યમાં અજ્ઞાની બ્રાહ્મણ અધિકારીઓની દેખરેખ હેઠળ કોઈ પ્રગતિ થઈ નથી. શૂદ્ર અને અતિશૂદ્ર સમુદાયોમાંથી તાલીમ પામેલા શિક્ષકો તૈયાર કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. આપણે જોઈએ છીએ કે આધુનિક સમયમાં પણ, અમેરિકાના અડધા પ્રબુદ્ધ લોકોએ તેમના પોતાના દેશબંધુઓ સામે ત્રણ વર્ષ (1862-65) સુધી લોહિયાળ યુદ્ધ કરવું પડ્યું હતું અને હબસી ગુલામોને તેમની ગુલામીમાંથી મુક્ત કર્યા હતા. ત્યારે આવા રુઢિવાદી બ્રાહ્મણ શિક્ષકો દ્વારા સરકારી શાળાઓમાં શૂદ્રો / અતિશૂદ્રોને સાચું જ્ઞાન આપીને એમને એમની ગુલામીમાંથી કેવી રીતે મુક્ત કરીએ, એવી બુદ્ધિ બ્રાહ્મણ શિક્ષકને ક્યાંથી આવશે? એક બ્રાહ્મણ પ્રોફેસરને એટલો સારો પગાર મળે છે કે સરકાર 6 શૂદ્ર પ્રોફેસર અથવા 9 અતિશૂદ્ર પ્રોફેસરને એટલા જ પગારમાં રાખી શકે છે. આપણી સરકાર આપણા અજ્ઞાન ભાઈઓના કમાણીના પૈસા બેફામપણે ખર્ચ કરે છે.”

[9] 

જેમ માતા / પિતાને ખુશ કરવા માટે કોઈ દલાલની જરૂર નથી, તેમ ભગવાનને જાણવા ભક્તને ગુરુ કે દલાલની જરૂર નથી !

ધોંડિબા : “તમારી વાતચીતથી એવું સાબિત થાય છે કે આ બધા બ્રાહ્મણો પોતાના કૃત્રિમ ધર્મની આડમાં આપણી સરકારની આંખમાં ધૂળ નાખી; શૂદ્ર અને અતિશૂદ્રો ઉપર અમેરિકાના ગુલામો કરતાં પણ અતિશય અત્યાચારો કરી રહ્યા છે. તો પછી, તમે બ્રાહ્મણોના ખોટા અને ચાલાક ધર્મની નિંદા કેમ નથી કરતા? અને આપણા અજ્ઞાની બંધુઓને જાગૃત કેમ નથી કરતા?”

ફુલે : મેં ગઈકાલે સાંજે આ વિષય પર એક પત્ર તૈયાર કર્યો છે : ‘શુદ્રોએ બ્રાહ્મણ રાક્ષસોની ગુલામીમાંથી પોતાને કેવી રીતે મુક્ત કરવા જોઈએ?’ બ્રાહ્મણોના પૂર્વજો ઈરાનથી અહીં આવ્યા હતા અને આ ભૂમિના મૂળ રહેવાસીઓ સામે લોહિયાળ યુદ્ધ કર્યું અને તેમને જીતીને ગુલામ બનાવ્યા હતા.પછી, તકો મળતાં, બ્રાહ્મણોએ, સત્તા ટકાવી રાખવા, ઘણા ધૂર્ત, દુષ્ટ અને બનાવટી ધાર્મિક ગ્રંથો રચ્યા. ત્યારબાદ તેઓએ જાતિ વ્યવસ્થાના વારસાગત રીતે ‘ગુલામો’ના હાથ અને પગને સાંકળોથી બાંધી દીધા. આ ગુલામોના ભોગે પોતે આનંદ માણી રહ્યા છે. ભારતમાં બ્રિટિશ શાસનના આગમન પછી, કેટલાક દયાળુ અંગ્રેજો આપણા શૂદ્ર અને અતિશૂદ્રની દુઃખદ દુર્દશાથી ખૂબ જ દુઃખી થયા. અંગ્રેજોએ સલાહ આપી કે તમે પણ અમારા જેવા માણસ છો. આપણા બધાનો સર્જક અને પાલનહાર એક છે. જ્યારે તમે અમારા જેવા માનવ અધિકારો મેળવવાને લાયક છો, ત્યારે તમે બ્રાહ્મણોના ખોટા, બનાવટી ધર્મનું પાલન કેમ કરો છો?’ તેઓએ મારી સમક્ષ ઘણા જુદા જુદા નવા વિચારો મૂક્યા. ઊંડા ચિંતન પછી, મને મારા યોગ્ય અધિકારો / સિદ્ધાંતો સમજાયા ત્યારે, ભારત બ્રાહ્મણોના જુલમ હેઠળ એક જેલ બની ગઈ હતી, તે જેલના બ્રહ્મદરવાજને લાત મારી હું બહાર આવ્યો. હવે, થોડા સમય માટે પરોપકારી અંગ્રેજી મિશનરીઓના આંગણામાં મારો તંબુ નાખતા પહેલા, હું નીચે મુજબ ગંભીર પ્રતિજ્ઞા લઉં છું : ‘હું બ્રાહ્મણોના તે બધા મુખ્ય ધાર્મિક ગ્રંથોની સખત આલોચના કરું છું જે આપણને તેમના ગુલામ જાહેર કરે છે, તેમ જ તેમના દ્વારા લખાયેલાં અન્ય પુસ્તકોમાં અથવા સમાન ઘૃણાસ્પદ સિદ્ધાંતને રજૂ કરતા અન્ય કોઈપણ સમાન ધાર્મિક પુસ્તકોમાં જોવા મળતા લેખોની પણ સખત આલોચના કરું છું. હું એવા પુસ્તકોની પૂજા કરું છું જે કહે છે કે બધા માનવીઓને સમાન માનવ અધિકારોનો આનંદ માણવાનો અધિકાર છે. આપણે બધા એક સર્જકના બાળકો છીએ, અને હવેથી તે મુજબ કાર્ય કરીશ. બીજું, ભારતમાં એવા બ્રાહ્મણો છે જે પોતાના દેશવાસીઓને નીચ, હલકી ગુણવત્તાવાળા અને અમાનવીય માને છે, તેમના કટ્ટર વિચારો એકપક્ષીય રીતે બીજાઓ પર લાદવામાં આવે છે, તેનો વિરોધ કરું છું. ત્રીજું, જે શૂદ્રો સર્જનહારનું સન્માન કરીને, નીતિને અનુરૂપ મહેનત કરે છે, પછી ભલે તે વિશ્વના કોઈપણ દેશના નાગરિક હોય, હું તેમને મારા પોતાના પરિવારના સભ્યો માનીશ અને તેમની સાથે ભોજન વહેંચીશ. જો મારા અજ્ઞાનથી પીડાતા શુદ્ર ભાઈઓ, ભવિષ્યમાં કોઈપણ સમયે બ્રાહ્મણોની ગુલામીમાંથી મુક્ત થવા માંગે છે, તો એક પત્ર દ્વારા મને તેનું નામ જણાવે, તો મારા આ કાર્યમાં મને ખૂબ જ હિંમત / બળ મળશે. [તારીખ : 5 ડિસેમ્બર 1872.]”

ધોંડિબા : “તમારા ઉપરોક્ત પત્રના દરેક સૂચન પ્રમાણે હું આચરણ કરીશ. હજારો વર્ષોની બ્રાહ્મણોના યાતનાઓથી ભરેલા કેદખાનામાંથી છૂટવાને કારણે હું ખૂબ જ ખુશ છું. હું તમારો ઋણી રહીશ. તમારા સ્પષ્ટ ખુલાસાઓએ મને હિન્દુ ધર્મની કૃત્રિમતા સમજાઈ છે. પણ એ સર્વવ્યાપી અને સર્વજ્ઞ ઈશ્વર, જેના પર આપણે, અને બીજા બધા સમજદાર, વિદ્વાન લોકો વિશ્વાસ કરીએ છીએ, તેમણે ભારતમાં શુદ્રો અને અતિશુદ્રોના કષ્ટો પર ધ્યાન કેમ આપ્યું નથી?”

ફુલે : “એ અંગે આગળ જતાં હું તમને બધી વાતો વિગતવાર સમજાવીશ, ત્યારે તમને વિશ્વાસ બેસી જશે.”

pastedGraphic.png

‘ગુલામગીરી‘ પુસ્તકનું અંગ્રેજી સંસ્કરણ ‘Slavery’ છે. તેમાં પુસ્તકના અંતે ‘A Ballad : Bhat Officers in Engineering Department – એક લોકગીત : એન્જિનિયરિંગ વિભાગમાં બ્રાહ્મણ અધિકારીઓ’ / ‘Abhang 1 : The Cunning of the Marwaris and the Bhats-અભંગ 1 : મારવાડીઓ અને બ્રાહ્મણોની ચાલાકી’ / ‘Abhang 2: The Craftiness of the Cunning Books of the Bhats – અભંગ દ્વિતીય : બ્રાહ્મણોના ધૂર્ત પુસ્તકોની બનાવટ’ / ‘Abhang 3: The Craftiness of the Bhats and the Superstitiousness of the Shudras – અભંગ ત્રીજો: બ્રાહ્મણોની ચુરાઈ અને શુદ્રોની અંધશ્રદ્ધા’ / Appendix ‘A’ ‘B’ ‘C’ પણ ધ્યાન ખેંચે છે. એન્જિનિયરિંગ વિભાગમાં બ્રાહ્મણ અધિકારીઓ કેવી રીતે શોષણ કરતા તે દર્શાવેલ છે. બ્રાહ્મણો કારીગરોને નીચ અને ધિક્કારપાત્ર માને છે. તેઓ સંપૂર્ણ ખુશામતમાં વ્યસ્ત રહે છે. લખવામાં કુશળ બ્રાહ્મણો સરળતાથી કારકુનની નોકરીઓ મેળવી લે છે. ખેડૂતોને દિવસે દિવસે લૂંટે છે. અને તેમની અસ્તિત્વમાં ન હોય તેવી ભૂલો માટે તેમના પર દોષારોપણ કરે છે. ઘરે પાછા ફરતા બ્રાહ્મણો શૂદ્રોના સિંચાઈવાળા ખેતરોની મુલાકાત લે છે અને તેમનાં શાકભાજી મફતમાં લઈ જાય છે. બ્રાહ્મણ અધિકારીઓ સુપરવાઇઝરને ખાસ પ્રિય હોય તેવી સ્ત્રી કામદારોને શોધી કાઢે છે. કાર્યસ્થળ પર મહિલા કામદારોને બ્રાહ્મણોના ઘરોમાં ગંદાં વાસણો સાફ કરવાનું કહેવામાં આવે છે, જ્યારે મજૂરો તેમના પલંગ તૈયાર કરે છે અને ખેડૂત તેના પગને હળવાશથી માલિશ કરે છે. અંગ્રેજ અધિકારીઓ શિકાર માટે આવે છે, તંબુઓ નખાવે છે. તેઓ ફક્ત કાગળો પર સહી કરતા હતા, બાકીની વહીવટી બાબતો બ્રાહ્મણ અધિકારીઓ પર છોડી દેતા હતા. બ્રાહ્મણો ખેડૂતોના પૈસાનો દુરુપયોગ કરે છે. જો કોઈ નુકસાન થાય તો તેઓ મોટી માત્રામાં પૈસા લખી નાખે છે અને નકલી આંકડાઓ સાથે ખોટા રેકોર્ડ તૈયાર કરે છે. જ્યારે અંગ્રેજ અધિકારીઓને બ્રાહ્મણ અધિકારીઓના ગેરકાયદેસર વ્યવહારોની ખબર પડે છે, ત્યારે તેઓ તરત જ પોતાના પદ પરથી રાજીનામું આપી દે છે. તેઓ પોતાના માટે ત્રણ માળના ભવ્ય મકાનો પણ બનાવે છે.

ફુલે લખે છે : “ઓ અંગ્રેજ શાસકો ! તમે પોતાને ન્યાયી અને નિષ્પક્ષ ગણાવવામાં ખૂબ ગર્વ અનુભવો છો પણ મારે કહેવું જ જોઇએ કે તમારા હૃદયમાં શૂદ્રો માટે કોઈ દયા નથી. હું આ વાત ગંભીરતાથી વ્યક્તિગત અનુભવના આધારે જાહેર કરું છું અને આપણા અંગ્રેજ શાસકોની ન્યાયની ભાવનાને અપીલ કરું છું કે તેઓ વસ્તીમાં તેમની સંખ્યાના પ્રમાણમાં બધા સમુદાયોમાંથી સરકારી નોકર પસંદ કરો અને આવા અમલદારોને તમામ વહીવટી અને સંબંધિત કાર્યો સોંપો. જો તમે આ સુધારો લાવશો, તો શૂદ્રો ખુશ થશે. ફક્ત એક જ સમુદાય-બ્રાહ્મણોમાંથી અમલદારોની ભરતી કરવા માટે, અને બીજા બધા શૂદ્રો અને અતિશૂદ્રોને બાકાત રાખવા માટે હું તમને જવાબદાર ગણું છું. ફક્ત એક જ સમુદાયમાંથી ભરતી કરાયેલા આ બ્રાહ્મણ અમલદારો આખા દેશના અભણ લોકોને લૂંટી રહ્યા છે. જ્યારે સરકારી સેવામાંથી બાકાત રાખવામાં આવેલા શૂદ્રો / અતિશૂદ્રોને આખો શો લાચારીથી જોવો પડે છે. મારવાડીનો વ્યવહાર ખૂબ જ નિર્દય છે. ગરીબ અજ્ઞાની ખેડૂત, બોન્ડ પર અથવા મહેસૂલ ખાતાના ચોપડામાં કુલકર્ણી શું લખે છે તે સમજી શકતો નથી. વકીલ તેની પાસેથી ખૂબ ઊંચી ફી વસૂલ કરે છે અને ન્યાયાધીશ ખૂબ ક્રૂર સાબિત થાય છે. અંગ્રેજ શાસકો પોતાને ન્યાયી હોવાનો ગર્વ કરે છે, તો પછી તેઓ હવે શા માટે પીછેહઠ કરી રહ્યા છે? જ્યારે બ્રાહ્મણ અને ખેડૂત બંને સમાન બુદ્ધિ અને સમાન શરીરથી સંપન્ન હોય છે, ત્યારે બ્રાહ્મણ વૈભવની પથારી પર આળોટતો રહે છે અને ગરીબ ખેડૂત દુઃખમાં કેવી રીતે ડૂબી જાય છે? હે શૂદ્રો, હવે પાછળ ન હટો ! મનુના શાપિત સિદ્ધાંતની આલોચના કરો અને તેને હંમેશ માટે દૂર કરો. જ્યારે તમે શિક્ષણ લેશો ત્યારે તમે ખરેખર ખુશ થશો.”

“ભગવાન ખરેખર સર્વવ્યાપી છે અને તેમની અને માનવજાત વચ્ચે કોઈ મધ્યસ્થી કે દલાલોની જરૂર નથી. બધા મનુષ્યો એક ઈશ્વરના સંતાન છે. તે આપણા બધાના પિતા છે. જેમ માતાને વિનંતી કરવા કે પિતાને ખુશ કરવા માટે કોઈ મધ્યસ્થી કે દલાલની જરૂર નથી, તેવી જ રીતે ભક્તને ભગવાનને તેમના સાચા સ્વરૂપમાં જાણવા અને તેમને ખુશ કરવા માટે પૂજારી, ધાર્મિક ગુરુ, બાપુ કે કોઈ મધ્યસ્થી કે દલાલની જરૂર નથી. જે આ સિદ્ધાંત સ્વીકારે છે તે સત્ય સમાજવાદી છે. દરેક સત્ય સમાજવાદીએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે : બધા મનુષ્યો એક ભગવાનના સંતાન છે. હું હંમેશાં ભાઈચારો જાળવીશ. ભગવાનની પૂજા કરતી વખતે, તેમની ભક્તિ કરતી વખતે અથવા કોઈપણ ધાર્મિક વિધિ કરતી વખતે, હું કોઈ મધ્યસ્થી કે દલાલની મદદ લઈશ નહીં. હું બીજાઓને પણ આ રીતે વર્તવા માટે સમજાવવાનો પ્રયાસ કરીશ. હું મારા બાળકોને શિક્ષિત કરવામાં નિષ્ફળ જઈશ નહીં.”

pastedGraphic.png

કપોળકલ્પિત બ્રાહ્મણ ગ્રંથો પર ફુલેનો હુમલો ઉચિત હતો. ફુલેએ બતાવેલું સત્ય એ માણસની હજારો વર્ષની મહેનતથી સાચવેલ સંસ્કૃતિ અને જ્ઞાનનો સાર છે. મહાત્મા જોતિરાવ ફuલેના જીવન-સંઘર્ષને રજૂ કરતી ફિલ્મ સામે દેકારો કરનારા ‘બ્રાહ્મણ સંગઠનો’ ગાંધીજી / નેહરુ / આંબેડકરનું પણ અપમાન કરે છે :

ગાંધીજી : “જોતિરાવ ફુલે સાચા મહાત્મા હતા.”

જવાહરલાલ નેહરુ : “જેમ જેમ ભારતીય લોકશાહીમાં ખેડૂતો અને મજૂરોની પ્રગતિ થશે તેમ તેમ મહાત્મા ફુલેનું વ્યક્તિત્વ ઇતિહાસમાં વધુને વધુ પ્રસિદ્ધ થતું જશે.”

ડો. આંબેડકર : “મહાત્મા જોતિબા ફુલે આધુનિક ભારતના મહાન શૂદ્ર જેમણે હિન્દુઓના નીચલા વર્ગોને ઉચ્ચ વર્ગોની ગુલામી પ્રત્યે સભાન બનાવ્યા અને જેમણે કહ્યું કે ભારત માટે સામાજિક લોકશાહી વિદેશી શાસનથી સ્વતંત્રતા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.”

(સંપૂર્ણ)
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

23 April 2025 Vipool Kalyani
← ચા તૈયાર છે
“બટાની બાનો ડોનાલ ટરમને કાગળ  …” →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved