Opinion Magazine
Number of visits: 9732809
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પશ્ચિમનો આયાતી બાવડાબાજ રાષ્ટૃવાદ વેદાંતને જ નકારે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 July 2020

ગાંધીજી ભારત આવે એ પહેલાં એક નાનકડો ઉપસંહાર. એ ઉપસંહાર ગાંધીજીને સમજવા માટે જરૂરી છે.

એ વાતમાં તો કોઈ શંકા નથી કે હિંદુ સંસ્કૃતિને આકાર આપવામાં, તેનો ગાભો વિકસાવવામાં પહેલાં સવર્ણ હિંદુઓનો – ખાસ કરીને બ્રાહ્મણોનો અને એ પછી તેમાં શ્રમણો જોડાતા તેમનો સંયુક્ત હિસ્સો હતો. શ્રમણ-બ્રાહ્મણ ભાગીદારી સાવ સંઘર્ષવિહોણી તો નહોતી જ, પરંતુ ધીરે ધીરે તેમની વચ્ચે સમન્વય થયો હતો. ઇતિહાસ એમ કહે છે કે શ્રમણ-બ્રાહ્મણ સમન્વયમાં શ્રમણોએ જેટલું છોડ્યું છે એટલું બ્રાહ્મણોએ નથી છોડ્યું. પણ ખેર, એ બંનેએ મળીને ભારતીય સંસ્કૃતિને આકાર આપ્યો હતો, જે દેખીતી રીતે બ્રાહ્મણ વધુ છે, શ્રમણ ઓછી છે. આનો અર્થ એ થયો કે શ્રમણ પરંપરામાં જે ન્યાય અને સમાનતાનાં તત્ત્વો હતાં એ ભારતીય સંસ્કૃતિમાં જેટલાં પ્રમાણમાં સમાવાં જોઈતાં હતાં એટલા પ્રમાણમાં સમાયાં નહીં. આનો બીજો અર્થ એ થયો કે કરુણામૂલક ન્યાય તેમ જ સમાનતા આધારિત ભારતીય સંસ્કૃતિ વિકસાવવાની પહેલી બસ આપણે ચૂકી ગયા.

ઈસુની બીજી સહસ્ત્રાબ્દીની છ સદીઓ સૂફીઓ અને સંતોની હતી. ભારતીય સંસ્કૃતિને એ સમયે વિકસી રહેલી લોકભાષાઓમાં લોકો સુધી પહોંચાડવાનું કામ તેમણે કર્યું હતું અને એ રીતે તેમણે ભારતીય સંસ્કૃતિને વધુ સમૃદ્ધ કરી હતી. પણ યાદ, રહે તેમણે ભારતીય સંસ્કૃતિના મૂળ આકારને તેના ગાભાને પડકાર્યો નહોતો. ભારતીય સાંસ્કૃતિક મંદિરનું ગર્ભગૃહ તો એ જ હતું જે પ્રાચીન યુગમાં શ્રમણ-બ્રાહ્મણ સમન્વયે વિકસાવ્યું હતું.

તેમણે માનવતાવાદી કરુણાપ્રધાન અભિગમ અપનાવીને જેને બહાર રાખવામાં આવ્યા છે તેમને અંદર લેવાની વાત કરી હતી. સ્થૂળ કર્મકાંડ કરતાં જ્ઞાન અને ભક્તિ વધારે ઊંચેરા છે એ તેમણે સમજાવ્યું હતું. ખુદા-બંદા વચ્ચે કે જીવ અને શિવ વચ્ચે કોઈ ભેદ નહીં હોવાનું કહીને તેઓ વેદાંતની જ વાત કરતા હતા. તેઓ આખરે એ જ સંસ્કૃતિના અર્કને ઘૂંટતા હતા જે વેદાંતમાંથી મળ્યો હતો. એ કલ્યાણકારી સંજીવનીથી કેટલાક લોકોને વંચિત રાખવામાં આવે એ અન્યાય છે, અમાનવીય છે અને ભારતીય સંસ્કૃતિનું ગર્ભગૃહ દરેક માટે ખોલી નાખવું જોઈએ એવો તેમણે પડકાર નહોતો ફેંક્યો ત્યાં વિદ્રોહ તો બહુ દૂરની વાત છે. તેઓ લાગણીમય ઉપદેશ આપતા હતા. ફરી પાછો આનો અર્થ એ થયો કે ભારતીય સંસ્કૃતિને કરુણામૂલક ન્યાય તેમ જ સમાનતા આધારિત બનાવવાની બસ આપણે બીજી વાર ચૂકી ગયા.

એ પછી યુરોપિયનો આવ્યા અને સંસ્કૃતિઓના કેન્દ્રમાં માનવી, માત્ર માનવી જ નહીં પણ એનાથી આગળ જઈને વ્યક્તિ, તેનું હિત, ન્યાય, સમાનતા, કાયદાનું રાજ, જવાબદાર (આન્સરેબિલીટી- એકાઉન્ટેબિલીટી) રાજ્યતંત્ર અને રાજ્યના કાયદાને જવાબદાર નાગરિક, સ્વતંત્ર ન્યાયતંત્ર વગેરેનો પરિચય થયો. આનો અર્થ એવો નથી કે પશ્ચિમની સંસ્કૃતિ પરિપૂર્ણ હતી. એમાં અનેક ખામીઓ હતી. આપણી સંસ્કૃતિમાં જે ખામીઓ નજરે પડતી હતી એનાથી પણ મોટી ખામીઓ તેમાં હતી. આખેઆખી માનવજાતને મૂળસોતી ઉખેડી નાખવાનાં પાપ પશ્ચિમની સભ્યતાએ કર્યાં છે. ગુલામોનો ધંધો કરવામાં કોઈ શરમ નહોતી.

પરંતુ બન્યું એવું કે યુરોપમાં શરૂ થયેલા નવજાગરણના પરિણામે, તેણે પેદા કરેલા પ્રોટેસ્ટંટ આંદોલનના પરિણામે, ફ્રેંચ ક્રાંતિને કારણે, બીજાં અનેક નાનાંમોટાં આંદોલનોના કારણે સંસ્કૃતિના કેન્દ્રમાં માનવીને મૂકવાનું શરૂ થયું. આનો ત્યાંના સનાતનીઓએ વિરોધ કર્યો હતો, જે રીતે આપણે ત્યાં સનાતનીઓએ સુધારાઓનો વિરોધ કર્યો હતો, પરંતુ માનવકેન્દ્રીય નવસમાજ રચવાની ઉત્કંઠા એટલી પ્રબળ હતી કે તેની સામે સનાતનીઓનું કાંઈ ચાલ્યું નહીં. ભારતમાં જે યુરોપિયનો આવ્યા એ સનાતનીઓ પણ હતા (મુખ્યત્વે મિશનરીઓ) અને નૂતન અભિગમવાળા પણ હતા. ભારતના લોકો આ બંનેના પરિચયમાં આવ્યા.

તેમણે શું જોયું?

૧. તેમણે જોયું કે સનાતની યુરોપિયનો પાશ્ચાત્ય સભ્યતાની અથવા ઈસાઈ સભ્યતાની સર્વોપરિતામાં માને છે. તેઓ આપણને હીણી નજરે જુએ છે.

૨. તેમણે જોયું કે નૂતન અભિગમવાળાઓ દંભી છે અને બેવડાં ધોરણો અપનાવે છે. ઉપર વર્ણવી એવી સમાનતા અને ન્યાય આધારિત માનવકેન્દ્રી નવસંસ્કૃતિ તેમના પોતાના માટે ઘરઆંગણે છે, જે પ્રજાને તેમણે ગુલામ બનાવી છે તેમને માટે નથી. તેમનું શોષણ કરવામાં તેમને કોઈ શરમ કે સંકોચ થતો નથી. જેમ જેમ ભારતની પ્રજા શિક્ષિત થતી ગઈ તેમ તેમ તેમને આ દંભ અને બેવડાં ધોરણ નજરમાં આવવાં માંડ્યા.

તેમણે શું ન જોયું?

આમ તો ઘણી નાનીમોટી ચીજો તેમની નજરબહાર ગઈ છે, પરંતુ સૌથી મહત્ત્વની ચીજ તેમની નજરબહાર ગઈ તે અહીં નોંધવી જરૂરી છે. એ ચીજ હતી; સુખની શોધ. સંસ્કૃતિ અને સભ્યતાઓના કેન્દ્રમાં માનવી હોવો જોઈએ એટલું જ નહીં સૃષ્ટિના કેન્દ્રમાં પણ માનવી હોવો જોઈએ. અને આ માનવીનું હોવું એટલે માનવીનું સુખનું હોવું. ભૌતિક સુખ જ માનવીનો મહાપુરુષાર્થ છે એમ તેઓ માનતા હતા. નૂતન પાશ્ચાત્ય સભ્યતાની આ મર્યદા આપણા ૧૯મી સદીના મનીષીઓના ધ્યાનમાં આવી નહોતી. તેમણે પશ્ચિમના પુરુષાર્થનો મહિમા કર્યો છે, પેટ ભરીને મહિમા કર્યો છે, સ્વામી વિવેકાનંદે તો સૌથી વધુ કર્યો છે; પણ પશ્ચિમની સુખની શોધ એક નવી સભ્યતાને આકાર આપી રહી છે એ તેમના ધ્યાનમાં નહોતું આવ્યું.

એ નૂતન પાશ્ચાત્ય સભ્યતાના કેન્દ્રમાં માનવી નથી, પણ ખરું જોતાં માનવીય સુખ છે અને એ પણ ભૌતિક સુખ છે. પશ્ચિમની આધુનિક રાજ્યવ્યવસ્થાના કેન્દ્રમાં સુખ છે, માનવીય મૂલ્યો નથી. અરાજકતા સુખની શોધમાં બાધક બને છે માટે જવાબદાર આધુનિક રાજ્યવ્યવસ્થા તેમણે વિકસાવી છે. એ સભ્યતા ભૂખાળવી ઉપભોગ-પ્રધાન છે એ આપણા મનીષીઓના ધ્યાનમાં નહોતું આવ્યું. આવો સુખની શોધનો પુરુષાર્થ; માનવીને શોષણ કરવાનો, હિંસા કરવાનો, શોષણને વિકાસના નામે માન્યતા આપવાનો, તેને ઉચિત ઠેરવવાનો, એ રીતની રાજ્ય-રચના કરવાનો અધિકાર આપે છે. માટે તેઓ બેવડાં ધોરણ અપનાવતા હતા. તેમને સંસ્થાનોના શોષણમાં કોઈ શરમ-સંકોચ નહોતો. પહેલાં સમૃદ્ધિ અને પછી ન્યાયી વહેંચણી. માનવીય પુરુષાર્થ શક્તિ અને સમૃદ્ધિ રળવામાં છે. કૂવામાં હશે તો હવાડામાં આવશે. આ દલીલ આજે પણ કરવામાં આવે છે.

ટૂંકમાં બન્યું એવું કે આપણા ૧૯મી સદીઓના મનીષીઓએ શક્તિ અને સમૃદ્ધિનું સર્જન કરનારો પશ્ચિમનો પુરુષાર્થ તો જોયો અને તેનો મહિમા પણ કર્યો; પરંતુ એ પુરુષાર્થ ભૂખાળવી ભોગવાદી સંસ્કૃતિને આકાર આપી રહ્યો છે એ તેમના ધ્યાનમાં નહોતું આવ્યું. ઊલટું કેટલાક લોકોને તેનું આકર્ષણ પણ હતું અને તેઓ ભારતને શક્તિ અને સમૃદ્ધિના કેન્દ્ર તરીકે જોવા માગતા હતા. આ સિવાય સ્વામી વિવેકાનંદ અને બીજાઓને ભરોસો પણ હતો કે આપણી પાસે તો વેદાંત નામની સંજીવની છે જે પશ્ચિમને પણ તારશે અને આપણને તો તારશે જ તારશે.

લોચો અહીં પડ્યો. આપણી પાસે વેદાંત, શ્રમણ-દર્શન, સંતો અને સૂફીઓએ વિકસાવેલી અને ઘૂંટેલી ભારતીય સંસ્કૃતિ છે જેમાં હવે શક્તિ અને સમૃદ્ધિનું સર્જન કરનારા પશ્ચિમના પુરુષાર્થને ઉમેરવાનો છે પછી જોઈએ શું? પાછી આપણી સંસ્કૃતિ કોઈ જેવી તેવી સંસ્કૃતિ નથી. તેની ટકોરાબંધ ઓળખ છે અને એનો મજબૂત પાયો છે. એના ઉપર નવયુગનું ચણતર થઈ શકે એમ છે અને દરેક શક્યતાઓ એમાં રહેલી છે. એણે આક્રમણોનો સામનો કર્યો છે, એણે સમયની થપાટો ખાધી છે અને સહન કરી છે અને એણે ગમે તેવા અવરોધોની વચ્ચે ટકી રહેવાનું રસાયણ વિકસાવ્યું છે. ભારતીય સંસ્કૃતિ સમયસિદ્ધ, ટકાઉ અને ભરોસાપાત્ર છે.

તો ૧૯મી સદીમાં બે વાત બની. એક. પશ્ચિમની પુરુષાર્થપ્રધાન સભ્યતાનો અસલી ચહેરો આપણા મનીષીઓના ધ્યાનમાં ન આવ્યો અને ઉપરથી વેદાંતને ભરોસે પુરુષાર્થ અને સંયમનો સમન્વય શોધવા લાગ્યા. બે. જ્યારે સમયસિદ્ધ ટકોરાબંધ ભારતીય સંસ્કૃતિ સામે મુસલમાનો અને બહુજન સમાજે તે પૃથકતાવાદી છે એમ કહીને ઊહાપોહ કર્યો ત્યારે તેને કાન નહીં ધર્યા. તેમને અંદર લેવાનો સક્રિય પ્રયાસ કરવાની જગ્યાએ વેદાંત પ્લસ પુરુષાર્થના નવી સંજીવનીને દરેક માટે (પશ્ચિમ માટે પણ) અનિવાર્ય માનીને તેને ભરોસે ભિન્ન અવાજોની ઉપેક્ષા કરી. આ રીતે તેઓ ફરી એક વાર ભારતીય સંસ્કૃતિને કરુણામૂલક ન્યાય તેમ જ સમાનતા આધારિત બનાવવાની બસ આપણે ત્રીજી વાર ચૂકી ગયા.

આજે પરિણામ આપણી સામે છે. એક. પશ્ચિમથી આયાત કરેલો બાવડાબાજ રાષ્ટ્રવાદ (મૅચો નેશનાલિઝમ) વેદાંતને જ નકારે છે, જેની કલ્પના વિવેકાનંદે અને ૧૯મી સદીના બીજા મનીષીઓએ નહોતી કરી. બે. આટલું ઓછું હોય એમ શક્તિ અને સમૃદ્ધિનું સર્જન કરનારો પશ્ચિમનો વિકાસનો ઢાંચો પણ વેદાંતને (એટલે કે સંયમને વિવેકને) નકારે છે. અને ત્રણ, ભારતીય સંસ્કૃતિનાં ગર્ભગૃહની બહાર રાખવામાં આવેલી પ્રજા વેદાંતને એટલે ભારતીય સંસ્કૃતિને બ્રાહ્મણી સંસ્કૃતિ તરીકે ઓળખાવીને તેનો વિરોધ કરે છે. જેના પર ભરોસો હતો તેને આ ત્રણેય નકારે છે.

અહીં મોહનદાસ કરમચંદ ગાંધી આવે છે અને જ્ઞાત ઇતિહાસે ક્યારે ય ન જોયો હોય એવો પુરુષાર્થ ભજવાય છે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જુલાઈ 2020

Loading

19 July 2020 admin
← હું માનવતા
કૉન્ગ્રેસના ગઢમાંથી નવી પાકેલી ઇંટોનું ખસવું એ પાયા નબળા પડવાની નિશાની →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved