
પ્રકાશ ન. શાહ
લડાખના લોકાયની વિકાસકર્મી સોનમ વાંગચુક લોકશાહી પ્રતિનિધિત્વથી વંચિતવત્ સમુદાયને સારુ ન્યાયની લડાઈ રહ્યા છે – અને, જોગાનુજોગ, આ જ દિવસોમાં વીસમી ઓક્ટોબરે ગુજરાતના નાનાવિધ વિકાસકર્મીઓનું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે. ‘ચરખા’ થકી પરિચિત સંજય દવે આદિની આ પહેલને ‘ગણતર’ ખ્યાત સુખદેવ પટેલ સહિતના સિનિયર સાથીઓનું સમર્થન પણ સાંપડ્યું છે.
વાતની શરૂઆત મેં વાંગચુકથી સાભિપ્રાય કરી, કેમ કે છેલ્લાં પચાસ વરસમાં આપણે ત્યાં સ્વૈચ્છિક કર્મશીલોની જે નવી પેઢી (બલકે, પેઢીઓ) ઉભરી એ સૌ ઓછેવત્તે અંશે, કંઈક પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પણ સમતા અને ન્યાયલક્ષી વિકાસ માટેની સીધી લડાઈમાં નહીં તો પણ પ્રવૃત્તિમાં તો પડેલા જ છે. એમાં સીધી રાજકીય સંડોવણીનો છોછ હોય ત્યારે અને તો પણ નાગરિક હિલચાલ માત્રે રાજકારણ જોડે ક્યાંક તો પ્રસંગ પાડવો રહે જ છે.
સૂચિત સ્નેહમિલનમાં સિત્તેર વરસથી વધુ વયના સાથીઓ સારુ આદર અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવાનોયે ખયાલ છે એમ હોંશીલા નિમંત્રણપત્રથી સમજાઈ રહે છે. મતલબ, પાંચેક દાયકા પાછળ જઈએ તે અરસામાં જે છાત્રયુવા પેઢી નવનિર્માણથી માંડી જે.પી. આંદોલનના વારાથી જાહેર જીવનમાં આવી, એને વિશે એક પ્રકારે આત્મીય આદર તેમ આશા-અપેક્ષા (અને એથી જ કદાચ સહૃદય ટીકાનો પણ) ભાવ રહેલો છે.
1974ની વિભાજક, ખરું જોતાં જળથાળ, રેખાથી શરૂ કરવા પાછળ કંઈક ઇતિહાસબોજ તો કંઈક ઇતિહાસબોધ રહેલો છે. જરી અંગત બિનંગત સાંભરણની રીતે વાત માંડું તો નવનિર્માણના ગાળામાં પૂર્વ કાઁગ્રેસ પ્રમુખ ઢેબરભાઈની એક વિચાર પ્રેરક નોંધે ઠીક ધ્યાન ખેંચ્યું હતું. એમણે માત્ર કાઁગ્રેસજનો પૂરતી તે મર્યાદિત નહીં રાખતાં વ્યાપક રીતે પહોંચાડી હતી.

ઉછંગરાય ન. ઢેબર
જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીમાં ભોગીભાઈ ગાંધીની સંપાદકીય નિગેહબાનીમાં નગીનદાસ સંઘવી ‘સ્વરાજદર્શન’ પર લખી રહ્યા હતા. એનો પ્રવેશક ઢેબરભાઈ સરખા વિચારવંત રાજપુરુષ લખે એવી હોંશથી એમનો સંપર્ક સાધ્યો તો એમની તૈયારી લગભગ લેખનભાગી થવાની હદે સંડોવણીની હતી. ભોગીભાઈ થકી આ નિમિત્તે મારી એમની સાથેની પરિચયબારી ખૂલી એટલે પેલી નવનિર્માણ નોંધ ઢેબરભાઈએ મને પણ મોકલી હતી. પછીથી, એમની રજાથી, મેં ‘વિશ્વમાનવ’ સારુ એ ખપમાં પણ લીધી હતી.
1972માં ગુજરાત વિધાનસભામાં કાઁગ્રેસ પક્ષે નિર્ણાયક બહુમતી મેળવી હતી, પણ નવનિર્માણ આંદોલન જેવો વિસ્ફોટ વિધાનસભાને નામશેષ કરવાની હદે તે પછી વરસ બે વરસમાં આવ્યો ત્યારે આ જ કાઁગ્રેસ પક્ષ કેમ ઊંઘતો ઝડપાયો, આ સવાલનો ઢેબરદીધો જવાબ એ હતો કે પક્ષ હવે પૂર્વવત રચનાત્મક કાર્યસંધાનથી છૂટો પડી જઈ કેવળ ઈલેક્શન એન્જિન બની ચૂકેલ છે. સ્વરાજની શરૂઆતના દાયકાઓમાં સક્રિય કાઁગ્રેસકારણી હોવું તે લગભગ અવિનાભાવ કોઈ ને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવું પણ હતું. તેથી તમે નકરાં વિધાનગૃહો અગર પક્ષકચેરીમાં પુરાયેલાં ન રહેતાં ચૂંટણી સિવાયના સમયમાંયે લોકો સાથે સીધા સંપર્કમાં રહેતા હતા. કાઁગ્રેસના 1969ના ભાગલા સાથે જે નવું રાજકારણ પેદા થયું એમાં પેલું રચના સંધાન છૂટી ગયું હતું. આ સંજોગોમાં છતી બહુમતીએ આવી રહેલ વિસ્ફોટની રગ ક્યાંથી હોય, એ ઢેબરભાઈએ પૂછેલો ઉત્તરગર્ભ પ્રશ્ન હતો.
જે.પી. જનતા પર્વ એક અર્થમાં આ પ્રશ્નનો નવો ઉત્તર હતો. સહેજ દૂરાકૃષ્ટ લાગે તો પણ તમે જોશો કે ‘ઝોલા’વાળા અને એન.જી.ઓ.ની જેવી નસલ આપણી વચ્ચે આવી એમાં રચના ને સંઘર્ષની આવડી એવી અનૌપચારિક યુતિનું સ્વરાજ સંધાન હતું. રાષ્ટ્રીય સ્તરે આજે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ કુમાર પ્રશાન્ત કે બી.એચ.યુ.-જે.એન.યુ. પૃષ્ઠભૂ ધરાવતા આનંદ કુમારને આ સંદર્ભ સંભારી શકો. સૂચિત સ્નેહમિલનમાં પણ તમને આ જ ધારામાં આવેલા ચહેરાઓ મળે એ અનુમાન અસ્થાને નથી.
આરંભે સુખદેવ પટેલને સંભાર્યા, એમનો પ્રવેશ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સંપર્કથી થયો. એક નોંધપાત્ર નામ બનાસકાંઠામાં અમીરગઢ પંથકમાં શૈક્ષણિક ને સેવાલક્ષી થાણું જમાવનાર હસમુખ પટેલનું છે. રાજેન્દ્ર દવે હવે દેશમાં નથી પણ નવનિર્માણ કાળે એ પણ શાંતિ પ્રતિષ્ઠાન સાથે સક્રિયપણે જોડાયેલાઓ પૈકી હતા – અને મનીષી જાનીની અધ્યક્ષતામાં કાર્યરત નવનિર્માણ સમિતિ તથા જે.પી.એ રચેલી છાત્ર યુવા સંઘર્ષ વાહિની બંને પર હતા. જે.પી.ની ગુજરાત મુલાકાત સાથે લોકસ્વરાજ આંદોલનનો સૂત્રપાત થયો ત્યારે આરંભિક સંકલન-કામગીરી મંદાકિની દવેની રહી અને જનતા મોરચાની રચના લગીની પ્રક્રિયામાં કંઈક અગ્ર ભૂમિકા આ લખનારને પક્ષે રહી. આજે જેમ શતાયુ જી.જી. પરીખ, યુસૂફ મહેરઅલી કેન્દ્ર મારફતે સ્વરાજ સંધાન પૂર્વક કાર્યરત છે એવું ગુજરાતસ્તરનું નામ ને કામ આગળ-પાછળનાં વર્ષોમાં ભોગીલાલ ગાંધીનું હતું.
મેં કરેલા ઉલ્લેખો પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ છેલ્લા પાંચ દાયકામાં જે નવા કર્મશીલો આવ્યા એમનો ધોરણસરનો પ્રોફાઈલ પકડવામાં સર્વાગ્રપણે આર્ચ વાહિની ઉપરાંત કદાચ રાજકોટના યંગ મેન્સ ગાંધીયન એસોસિયેશન – વાય.એમ.જી.એ દ્વારા પુરસ્કૃત પ્રતિભાઓ સહિતની યાદી વધુ ઉપયોગી થઈ પડે. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો પૈકી પ્રતિવર્ષ અપાતા મહાદેવ દેસાઈ સન્માનની યાદી પણ ઉપકારક થઈ પડે. ‘સેવા’થી માંડી ‘અવાજ’ અને એવાં જ બીજાં સંગઠનો મારફતે ઉભરેલ કર્મશીલો પણ ચિત્રમાં અલબત્ત છે જ.
ટૂંકજીવી જે.પી. જનતા પર્વ પછી 2004થી કાઁગ્રેસ શાસનના નવા તબક્કામાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ (અને એના આગ્રહથી શક્ય બનેલો મનરેગાથી માંડી માહિતી અધિકાર સરખી જોગવાઈઓ) પણ આ સંદર્ભમાં લક્ષમાં લેવી રહે, જેમ રાહુલ ગાંધીની ભારતયાત્રા જોડે યોગેન્દ્ર યાદવના સંધાનથી ઉભરેલ શખ્સિયતો પણ.
નહીં કે વીસમી ઓક્ટોબરના મિલન સાથે આ કશાયનો કોઈ એજન્ડાગત સંબંધ છે, પણ રાજકારણને કેવળ રાજકારણીઓને ભરોસે રેઢું મેલી શકાય નહીં એવું નિ:શંક.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 16 ઑક્ટોબર 2024