૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૪૬૪ પક્ષોએ ભાગ લીધો હતો. આમાંથી ચૂંટણી પંચે જેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા છ પક્ષો છે, ચૂંટણી પંચે જેને પ્રાદેશિક પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા ૩૯ પક્ષો છે અને બાકીના નોંધયેલા પક્ષો છે, પણ માન્યતાપ્રાપ્ત પક્ષો નથી. આનો અર્થ એ થયો કે એવા પક્ષો ચૂંટણીની બાબતમાં ગંભીર નથી અને ચૂંટણી પંચની માન્યતા મેળવવા જેટલા મત મેળવી શકતા નથી. આમ છતાં એવા પક્ષો દરેક ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. જે પક્ષો નોંધાયેલા નથી એને ઉમેરો તો ભારતમાં ૨,૨૯૩ પક્ષો છે. આમાંથી ૧૪૯ પક્ષો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નોંધાયા છે.
જે દેશમાં ૨,૨૯૩ પક્ષો હોય, ૪૧૯ પક્ષો કોઈ પણ પ્રકારની ગંભીરતા વિના, એટલે કે જીતવાના કોઈ ઈરાદા વિના ચૂંટણી લડતા હોય અને ૧૪૯ પક્ષો ચૂંટણીની પૂર્વસંધ્યાએ માત્ર દોઢ મહિનામાં નવા રચાતા હોય અને રજીસ્ટર્ડ થતા હોય તો અબૂધ માણસ પણ સમજી શકશે કે આમાં કોઈક ગોલમાલ ચાલે છે. ચૂંટણી પંચે છેલ્લા દાયકાઓમાં અનેક વાર કહ્યું છે કે આપણી ચૂંટણી પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ છે જેને દૂર કરવાની જરૂર છે. પ્લીઝ, કાંઇક કરો, પણ આપણા શાસકો ટાઢા ડીલે બેઠા છે અને કોઈ કહેતા કોઈ કાંઈ કરતું નથી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતમાં રામરાજ્ય લઈ આવવાનાં વચનો આપતા હતા ત્યારે તેમને એટલી તો જાણ હશે જ કે રામરાજ્યનો રસ્તો ક્યાંથી પસાર થાય છે.
જગતમાં ગર્વ લઈ શકાય એવા દેશનું નિર્માણ કરવું હોય તો શું શું કરવું જોઈએ અને કેટલી ખામીઓ દૂર કરવી જોઈએ એની જાણ નવનિર્માણના દાવા કરનારા શાસકને હોવી જોઈએ. પાછી આમાં કોઈ વિશેષ મહેનત પણ કરવી પડે એમ નથી. કાયદાપંચે કાયદામાં શું સુધારા કરવાની જરૂર છે અને કયા કાયદા નાબૂદ કરવાની જરૂર છે એ કહ્યું છે. ચૂંટણીપંચે અને બીજા અભ્યાસકોએ ચૂંટણીકીય સુધારાઓની ભલામણો કરી છે. નાણાપંચે નાણાકીય બાબતો વિષે, વહીવટી સુધાર પંચે વહીવટી બાબતો વિષે, સરકારિયા પંચે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો વિષે એમ જુદા જુદા અભ્યાસપંચોએ બીમારીઓનું નિદાન અને ઈલાજો આ પહેલાં જ બતાવી દીધા છે. ભારતમાં એવી એક પણ બીમારી નથી જે અજાણી હોય, જેની પંચો અને સમિતિઓ દ્વારા તપાસ ન થઈ હોય, ઈલાજો બતાવવામાં આવ્યા ન હોય અને રાષ્ટ્રીય સ્તરે તેના વિષે આમુલાગ્ર ચર્ચા ન થઈ હોય. આય રિપીટ એક પણ બીમારી અજાણી નથી.
દાયકાઓથી બીમારીની જાણ છે, તેનાં સ્વરૂપની જાણ છે, તેનાં કારણોની જાણ છે, ઈલાજની જાણ છે; તો કાંઈ કરવામાં કેમ નથી આવતું? મેં ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ભારતને અંદરથી કોરી રહેલી અને ચીન અને બીજા પ્રતિસ્પર્ધીઓ સામે ભારતને પાછળ રાખનારી બીમારીઓનો ઈલાજ હાથ ધરે તો સમજવું કે તે પ્રામાણિક માણસ છે, ૫૬ ઈંચની છાતી ધરાવે છે અને સાચો દેશભક્ત છે અને જો એમ ન કરે તો માનવું કે તેમનો ઈરાદો સત્તા ભોગવવાનો અને હિન્દુત્વનો છે.
માત્ર નરેન્દ્ર મોદી શા માટે? તેમના પહેલાના અને તેમની પછીના શાસકોને પણ આ એક માત્ર એરણે ચકાસવા જોઈએ. આવતા મહિને નરેન્દ્ર મોદીની જગ્યાએ જો કોઈ બીજી વ્યક્તિ વડા પ્રધાન બને (અને એવી શક્યતા નજરે પડે છે) તો એ વ્યક્તિને પણ આ જ એરણે ચકાસજો. ‘ભાઈ, વાતો તો મોટી મોટી કરી, હવે વ્યવસ્થામાં ક્યારે સુધારા કરો છો? બીમારીનો ઈલાજ ક્યારથી શરૂ કરો છો? તમને માર્ગદર્શન જોઈતું હોય તો તમારા મંત્રાલયમાંના બાબુને પૂછી જુઓ, તે દરેક બીમારી વિશેના રિપોર્ટ અને ઈલાજના પ્રિસ્ક્રીપ્શનો તમારી સામે ધરી દેશે. તેના વિષે જાણકારોએ કરેલી ચર્ચાના તારણો પણ ઉપલબ્ધ છે. દરેકે દરેક સમસ્યા સમજાઈ ચૂકી છે, એટલે બતાવો સાહેબ, કામે ક્યારે વળગો છો?’ જો એ કાંઈ ન કરે તો અને તેની જગ્યાએ ન કરવાના કામ કરે અથવા ગલ્લાતલ્લા કરે તો એ માણસને દરવાજો બતાવી દેજો.
વૈદકશાસ્ત્રની પરિભાષામાં બીમારીઓ ક્રોનિક છે. આટલા બધા રાજકીય પક્ષો એટલા માટે છે કે તેના સ્થાપકોને ખબર છે કે ચૂંટણીપ્રક્રિયામાં ખામી છે એટલે તેનો દુરુપયોગ કરી શકાય છે અને વળી કોઈ જો અદાલતમાં લઈ જાય તો ક્યાં બે દાયકા સુધી ચુકાદો આવવાનો છે. ત્યાં સુધીમાં તો આપણે બધું ભોગવીને ઉપર જતા રહીશું. આ જે નિર્લજ્જતાજન્ય હિંમત છે એ વ્યવસ્થામાં રહેલી ખામીમાંથી આવે છે. કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ ન હોય ત્યારે નીચ માણસોની હિંમત વધી જતી હોય છે અને નિર્લજ્જ બની જતા હોય છે.
આપણને એવા શાસકની જરૂર છે જેનામાં કોઈનો વાળ વાંકો કરવાની ત્રેવડ હોય. નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે જો તેમના કાર્યકાળમાં કોઈનો વાળ વાંકો કર્યો હોય, વ્યવસ્થામાં સુધારા કર્યા હોય, બીમારીઓનો ઈલાજ કર્યો હોય તો તેમને બીજી વાર મત આપીને વડા પ્રધાન બનાવવા જોઈએ. મત ન આપીએ તો આપણે નગુણા કહેવાઈએ. પરંતુ જો એવું કાંઈ ન કર્યું હોય અને ગરીબ-સામાન્ય માણસની હાલાકીમાં વધારો થયો હોય તો તેમને દરવાજો બતાવી દેવો જોઈએ. એક બીજો માપદંડ પણ ઉપયોગમાં લેવો જોઈએ. સત્તાને અને ભયને સંબંધ છે એટલે તો સત્તા સામે શાણપણ ન ચાલે એવી આપણે ત્યાં કહેવત છે. નાગરિકની અંદર ભયમાં વધારો કરનારા શાસકોને પણ જાકારો આપવો જોઈએ.
આ બે માપદંડોના આધારે ભારતના નાગરિકોએ નરેન્દ્ર મોદીના શાસનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને આ બે માપદંડોના આધારે જ આવનારા શાસકોનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ, પછી એ કોઈ પણ હોય. આપણને કૉન્ગ્રેસ ગમે છે માટે રાહુલ ગાંધીની નિષ્ફળતા માફ, આપણે મરાઠી છીએ એટલે નીતિન ગડકરી કે શરદ પવારની નિષ્ફળતા માફ, આપણે બંગાળી છીએ એટલે મમતા બેનર્જીની નિષ્ફળતા માફ એમ ઓળખના ધોરણે શાસકોનો બચાવ કરશો તો તેઓ તો સત્તા ભોગવીને જતા રહેશે, તમે હતા ત્યાંને ત્યાં જ રહેશો.
આપણે ત્યાં રાજકીય પક્ષો અને નેતાઓ ઓળખનું રાજકારણ કરીને સત્તા સુધી પહોંચે છે અને પછી એ ઓળખના નામે સત્તામાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે. હું તો ઝોળી લઈને જતો રહીશ પણ … હિંદુઓનું/મરાઠાઓનું/દ્રવિડોનું/બ્રાહ્મણોનું કે દલિતોનું રાજ જશે એવું જે તે સમાજવિશેષના નેતાએ કહ્યું કે તરત એ સમાજવિશેષના લોકો નિષ્ફળ શાસકને બચાવવા નીકળી પડે છે. આવી માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. તમારે જે ઓળખ સાથે જીવવું હોય એ ઓળખ સાથે જીવો, પણ કમસે કમ શાસકને મૂલવવાનું અને મત આપવાનું કામ ભારતના નાગરિક બનીને કરો.
પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બહુ અઘરું કામ નથી અને જો કાયમ માટે નાગરિક બની શકતા હો તો એના જેવું ઉત્તમ બીજું શું હોય! તમે જે દિવસે નાગરિક બનશો એ દિવસે બીમારીઓનો ઈલાજ થવા લાગશે. કારણ કે તમે તેમને પાંચ પાંચ વરસે તગેડી મૂકશો એટલું જ નહીં, રસ્તા પર ઊતરશો, અદાલતના દરવાજા ખખડાવશો, તેમની સાથે ચર્ચામાં ઊતરશો વગેરે. એક દિવસે તેમને સમજાઈ જશે કે ઝોળો લઈને જતા રહેવાનો ડર હું શું બતાવવાનો હતો, નાગરિકો પોતે જ ઝોળો પકડાવતા થઈ ગયા છે.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2019