Opinion Magazine
Number of visits: 9449454
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૫) 

સુમન શાહ|Opinion - Literature|24 August 2022

એક વાર માર્ક્વેઝે કહેલું : જ્યારે જ્યારે મારી કૃતિની ભૂરિ ભૂરિ પ્રશંસા એમાં રહેલી કલ્પના માટે થતી હોય છે, ત્યારે ત્યારે મને રમૂજ થાય છે. કેમ કે સત્ય તો એ છે કે મારી તમામ કૃતિઓમાં એક પણ લીટી એવી નથી હોતી જેને વાસ્તવિકતાનો આધાર ન હોય. સમજવાનું એ છે કે કૅરેબિયન રીયાલિટી છે જ એવી, બેફામ કલ્પના જેવી.

માર્ક્વેઝના રસિકોએ, અને સમીક્ષકોએ તો ખાસ, એમનું ઉપર્યુક્ત કથન યાદ રાખવું.

પ્રકરણ : ૫ :

રેમેડિયોસ મોસ્કોતે તરુણાવસ્થાએ પ્હૉંચી હોય છે. એટલે પછી માર્ચના એક રવિવારે ઔરેલિયાનો સાથે એનાં લગ્ન થાય છે. પણ ત્યાંલગી રેમેડિયોસનું બાળપણ ગયું ન્હૉતું. માએ કહેલું – શરીરમાં બદલાવ આવી રહ્યા છે તો તારે શું શું કરવું જોઈશે. પણ ફેબ્રુઆરીની એક બપોરે એની બહેનો ઔરેલિયાનો જોડે લિવિન્ગરૂમમાં ગપાટા મારતી’તી ત્યારે એ બૂમો પાડતી પ્હૉંચી ને ચૉકલેટ-કલરની પેસ્ટવાળી પોતાની પૅન્ટીસ બતાવી રહી. રેમેડિયોસ રજસ્વલા થઈ’તી. શરીર જાતે સાફ કરવું, ઢંગનાં કપડાં પ્હૅરવાં કે ઘરગૃહસ્થી જાણવી વગેરે બધું એને શીખવવા જેટલો મા પાસે સમય જ ન્હૉતો. રેમેડિયોસથી પથારીમાં પેશાબ થઈ જતો. એ ટેવ છૂટે એ માટે એને ઊની ઈંટો પર પેશાબ કરવાનું શીખવવાનો ય સમય ન્હૉતો, કેમ કે લગન ઢૂંકડાં હતાં, માંડ મહિનો બાકી હતો.

પરણ્યા પછીનાં પવિત્ર રહસ્યો રેમેડિયોસને સમજાવવા જતાં એઓને ઘણી મહેનત પડેલી કેમ કે લગ્નની રાતે શું થવાનું એ જાણ્યા પછી એને મૂંઝવણ થયેલી, અચરજ પણ. એટલે એ બધી વીગતો એ સૌ કોઈને જણાવવા માગતી’તી. જો કે એ કામ એને થકવી દેનારું હતું. એટલે પછી, વિધિની તિથિએ એ સુકન્યા એની બહેનોની જેમ દુનિયાદારીની બધી જ બાબતોમાં નિપુણતાથી એકદમ સરસ વર્તવા લાગેલી.

પછી તો, રૉકેટ ઊડતાં’તાં, બૅન્ડવાજાં વાગતાં’તાં, રસ્તા ફૂલોના હાર ને તોરણોથી શણગારાયેલા હતા – એવા વાતાવરણમાં ડૉન અપોલિનર મોસ્કોતે રેમેડિયોસનો હાથ સાહીને એને લગ્નવિધિ માટેની વેદીની દિશામાં દોરી જાય છે. બારીઓ પરથી લોકો રેમેડિયોસને શુભેચ્છાઓ પાઠવતા હોય છે. રેમેડિયોસ સ-સ્મિત હાથ હલાવી દરેકનો આભાર માનતી હોય છે.

પણ ત્યાં મા અને બહેનોને ફડક કે છોકરી વિધિમાં કશો બફાટ ન કરે તો સારું. મા-બેનોની ચિન્તા આખરે એટલી બધી વધી કે લોકલાજ બાજુએ મૂકીને તેઓ રેમેડિયોસને ચૂમીઓ પર ચૂમીઓ ભરવા લાગી. લગ્નની પાર્ટી પછી રેમેડિયોસ સૌ સાથે હેત અને જવાબદારીભાવથી વર્તવા લાગેલી. અરે, એણે એટલે લગી જણાવેલું કે પોતે પિલાર તરનેરાથી જન્મેલા ઔરેલિયાનોના અવૈધ દીકરાને પણ ઉછેરશે. એ દીકરાનું નામ ‘ઔરેલિયાનો હોસે’ રાખવામાં આવ્યું હોય છે.

પણ ત્યારે, લગ્નની વિધિ પછી તરત, રેમેડિયોસે એકદમનું આપોપું અને સહજ તો આ કરેલું : એણે વેડિન્ગ-કેકનો એક મોટો ટુકડો કાપ્યો, પ્લેટમાં મૂક્યો, સાથે કાંટા લીધા, અને, ચેસ્ટનટના થડ સાથે બંધાયેલા, પામની પાંદડાં સમેતની ડાળોની છાપરી નીચે, લાકડાના સ્ટૂલ પર ચૉંટીને બેઠેલા, અતિશય વૃદ્ધ દીસતા, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા પાસે જઈ પ્હૉંચી. તાપ-વરસાદથી હોસેનો ચ્હૅરો શામળો પડી ગયેલો. હોસે ગોળમોળ સ્મિત કરી કૃતજ્ઞતા દર્શાવે છે. કેક પર આંગળાં ફેરવતો કશુંક ન સમજાય એવું ધર્મગીત ગણગણે છે.

રેમેડિયોસ હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને કેક આપે છે :

Pic Courtesy : Behance

એ બધાંમાં એક માત્ર દુ:ખી હતી, રેબેકા. પાર્ટી, સમજો, એની નિરાશાનો ઉત્સવ હતી. બાકી, ઉર્સુલાએ આયોજન તો એવું કરેલું કે સાથોસાથ રેબેકાનાં ય લગ્ન થઈ જાય. પણ મોકુફ રાખવા પડેલાં કેમ કે પિએત્રો ક્રેસ્પીને એક પત્ર મળેલો; એમાં જણાવાયેલું કે મા અતિ બીમાર છે ને તાબડતોબ એણે રાજધાની પ્હૉંચી જવું. ક્રેસ્પી નીકળી તો જાય છે પણ રસ્તામાં એને યાદ આવે છે કે મા તો શનિવાર-રાતની નીકળી ગઈ છે. ઔરેલિયાનાના લગનમાં પ્હૉંચી જઈને ગીત ગાવાની’તી જે ગીત એ એના દીકરાના લગનમાં ગાવાની’તી. રવિવારની મધરાતે ક્રેસ્પી પાછો ફરે છે, પેલી પાર્ટીની ‘રાખને’ – અવશેષને – વાળીઝૂડીને ઉશેટી દેવા ! પોતાનાં લગ્ન માટે જલ્દી પ્હૉંચવાની લ્હાયમાં રસ્તે એના પાંચેય ઘોડા થાકી ગયેલા. સુથારો વેદી આગળના મંડપને છોડી કરીને આટોપી લે એ કામ ત્યારે પૂરું ન્હૉતું થયું. છેવટે પુરવાર એમ થયેલું કે પત્ર બનાવટી હતો – લગ્નને વિલમ્બમાં મૂકવાનું તરકટ.

કશી આંતરિક માંદગીને કારણે રેમેડિયોસનું મૃત્યુ થાય છે. બને કે એ કસુવાવડમાં મરી હોય. પરિવારજનો શોકમાં ડૂબી જાય છે. ઉર્સુલાએ શોક પાળવા આજ્ઞાઓ કરી – બારીબારણાં બંધ રાખજો – અનિવાર્યતા વિના આવનજાવન કરશો નહીં. એણે સૌને પૂરા એક વર્ષ લગી મોટેથી ન બોલવાનો આદેશ પણ કરલો. શબને ઉર્સુલાએ ભૉંય પર રાખેલું, ત્યાં, એની બાજુમાં રેમેડિયોસનો ડેરોટાઇપ (ફોટો) ગોઠવેલો, ફરતે કાળી રીબન વીંટાળેલી, ને નિરન્તર પ્રજ્વલિત રહી શકે એવો દીવો મૂકેલો.

કથક કહે છે : ગરમીના દિવસે સૂમસામ બપોરે બે-ના શુમારે, કોઈએ ધક્કો મારીને બારણાને ધડામ્ ખોલી નાખ્યું. એથી ભૉંય સમેત ધરા એવી તો ધણધણી કે ઓટલે બેસી શીવણ કરતી અમરન્તાને અને એની બહેનપણીઓને, બેડરૂમમાં અંગૂઠો ચૂસતી રેબેકાને, રસોડામાં ઉર્સુલાને, અને ચેસ્ટનટ નીચે બેઠેલા એકલાઅટૂલા હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને પણ – બધાંને – ધ્રાસ્કો પડ્યો કે ધરતીકમ્પ થયો ! ઘરનો નાશ થઈ જવાનો !

વિશાળકાય મનુષ્ય આવેલો. એના ખભા એવા પ્હૉળા કે બારણાંમાં સમાતો ન્હૉતો. ઘણો જ બળવાન, મનુષ્ય રૂપે એ પશુ ભાસે. એના બાહુ અને છાતી પર ભેદી ટાટૂ ચીતરેલાં હતાં, આખા શરીર પર હતાં. એનામાં આવેગ અને ક્રૂરતા ભર્યાં પડ્યાં છે.

એના જમણા કાંડા પર સુરક્ષા માટેનું તાંબાંનું બ્રૅસલેટ હતું – કોતરેલું તાવીજ જેમાં “ninos en cruz” (children in the cross) લખેલું હતું. ખુલ્લી ગરમ હવાની ખારાશથી એની ચામડી શેકાઇને બ્રાઉન થઈ ગયેલી. એના વાળ ટૂંકા ને ખચ્ચરના હોય છે એવા સીધા હતા. જડબાં નિશ્ચલ, લોખંડી. એની ઉપસ્થિતિમાત્ર સૌને ધ્રૂજાવી દે એવી ખતરનાક હતી. એનું સ્મિત વિષાદમય હતું.

ઘોડાના પલાણ જોડે બાંધવાનો પોતાનો ઘસાયેલો થૅલો ઝુલાવતો એ દીવાનખણ્ડમાં થઈને પ્રવેશદ્વાર લગી, બેગોનિયા લગી, ગર્જના કરતો પ્હૉંચી ગયો. અમરન્તા અને એની બહેનપણીઓ સ્થિર ! શીવણકામની સૉયો અધ્ધર ! એમને એણે કહ્યું – હૅલોઓ. એના અવાજમાં થાક હતો. થૅલો એણે વર્કટેબલ પર ફૅંક્યો. પછી, ઘરના પાછલા ભાગમાં ગયો. રેબેકાએ જોયું કે એના બેડરૂમ આગળથી જતો’તો. ચૉંકી ગયેલી રેબેકાને એણે ક્હ્યું – હૅલો. સિલ્વરસ્મિથની પોતાની જગ્યાએ સ્વસ્થ બેઠેલા જાગ્રત ઔરેલિયાનોને એણે ‘હૅલો’ કહ્યું. કોઈની પણ જોડે એ રોકાયો નહીં, સીધો રસોડામાં ગયો, ને થંભ્યો. દુનિયાની બીજી બાજુ પરના પ્રવાસ પછી ત્યાં એ પહેલી વાર થંભેલો. ‘હૅલો’, એણે ઉર્સુલાને કહ્યું. પળભર ઉર્સુલાનું મૉં અચરજથી ખુલ્લું રહી ગયું પણ તરત ઊભી થઈ ને એની આંખોમાં નજર પરોવતાં ગળે વળગી રહી. ઉર્સલાના ચ્હૅરે આનન્દનાં આંસુ વ્હૅતાં’તાં … 

એ હતો હોસે આર્કાદિયો.

મોકુફ રખાયેલાં રેબેકા-ક્રેસ્પીનાં લગ્ન અને રેમેડિયોસના મૃત્યુનો શોક હોસે આર્કાદિયો બ્વેન્દ્યાના આ સૌથી મોટા દીકરા હોસે આર્કાદિયોના પુનરાગમનથી ખતમ થઈ જાય છે.

ઘરમાં સમરસ થઈને હોસે આર્કાદિયો કદી પરિવારનો ન થઈ શક્યો. દિવસ આખો ઊંઘે, રાત વેશ્યાબજારમાં ગાળે. ત્યાં પોતાના બળ પર લોકો જોડે શરતી દાવ લગાવે.

કદીમદી ટેબલ પર બેઠો હોય ને ઉર્સુલા જો એને ભાળે, તો એનો ચ્હૅરો ચમકી ઊઠે, કેમ કે એ સરસ મજાની હ્યુમર કરવાનો હોય. વળી, ઉર્સુલાને એણે દૂર દેશાવરનાં પોતાનાં પરાક્રમો વિશે ઘણી વાતો કરેલી :

કહે કે – એક વાર ‘સી ઑફ જાપાન’-માં અમારું વહાણ તૂટી પડેલું ને બે અઠવાડિયાં લગી અમે નિ:સહાય હતા. બનાવ એ બન્યો કે અમારા એક બન્ધુને લૂ લાગી ને એ મરી ગયો. પણ અમને એનું શરીર કામ આવી ગયું. અતિશય ખારું એનું માંસ અમે રાંધ્યું ને એ ખાઈને ટકી ગયા. તાપમાં રંધાયા પછી માંસ દાણાદાર થઈ ગયેલું ને મીઠો સ્વાદ આવતો’તો.

કહે કે – એક વાર ‘ગલ્ફ ઑફ બે’-માં, બળબળતી બપોરે, અમારા જહાજે એક સી-ડ્રેગનને અથાડી પાડેલો. ડ્રેગન મરી ગયેલો. એના પેટમાંથી અમને હૅલ્મેટ, બકલ્સ અને કોઈ ક્રૂઝેડરનાં શસ્ત્રો મળેલાં.

કહે કે – ‘કૅરેબીયન’-માં મેં ‘વિક્ટર હ્યુગો’ના ચાંચિયા વહાણનું ભૂત જોયેલું. મૉતના પવનોએ વહાણના શઢ ફાડી નાખેલા, કૂવાથંભને દરિયાઈ કીડા ચાવી ગયેલા. તો પણ, હોસે ક્હૅ – મારે ‘ગ્વાડલૂ’ તો પ્હૉંચવું’તું જ …

ઉર્સુલા રડવા જેવી થઈ જતી. એને થતું પોતે જાણે હોસેનાં કામો અને એનાં ખોટાં સાહસો દર્શાવતા પત્રો વાંચી રહી છે, જે કદી એને પ્હૉંચ્યા જ ન્હૉતા. 

ઉર્સુલા કહેતી એને : આ ઘર તારું જ હતું ને એમાં તારા માટે શું ન્હૉતું, બેટા? : એ રડી પડતી : કેટલું તો ખાવાનું હતું, ડુક્કરને નાખી દેતાં !

પણ અંદરખાને ઉર્સુલાને ગડ ન્હૉતી બેસતી કે જિપ્સીઓ જેને લઈ ગયેલા તે આ એ જ ખાઉધરો છે, જે લન્ચમાં અરધું સુવર ઝાપટી જતો’તો ને જેના પાદણની વાસથી ફૂલો કરમાઈ જતાં’તાં …?…

(હવે પછી, પ્રકરણ – ૬)
(August 24, 2022 :  USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

24 August 2022 Vipool Kalyani
← મીંડું
‘સાંભરી આવે બા …’ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved