હુલ્લડોની પૅટર્ન એકસરખી છે. તમામ રમખાણો એકસરખાં છ બહાનાંઓ આગળ કરીને કરાવવામાં આવ્યાં છે. એ છ બહાનાંઓમાં મસ્જિદ, મદરેસા કે કબ્રસ્તાનનાં બાંધકામ સૌથી મોટું કારણ છે
લોકસભાની ચૂંટણી પહેલાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટીએ મળીને ૨૦૦થી વધુ સ્થળોએ કોમી હુલ્લડો કરાવ્યાં હતાં જેમાં મુઝફ્ફરનગરનાં કોમી હુલ્લડો હાથમાંથી સરકી ગયાં હતાં જેને પરિણામે બન્ને પક્ષોની મિલીભગત ઉઘાડી પડી ગઈ હતી. એ રમતમાં BJPને પ્રચંડ ફાયદો થયો હતો અને સમાજવાદી પાર્ટી(SP)ને મોટું નુકસાન પહોંચ્યું હતું. લોકસભાની ચૂંટણી જે વિધાનસભ્યોએ લડી હતી એમાંથી ૧૨ વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા છે એટલે આવનારા મહિનાઓમાં એ ૧૨ મતદારક્ષેત્રોમાં પેટાચૂંટણી યોજાવાની છે અને એમાં મતદાતાઓનું કોમી ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતવાનો જૂનો ખેલ પાછો શરૂ થયો છે.
“ઇન્ડિયન એક્સપ્રેસ”ના અહેવાલ મુજબ ૧૬ મેએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછીથી અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના સંબંધિત પ્રદેશોમાં કોમી હુલ્લડોની ૬૦૫ ઘટનાઓ બની છે. ૭૦ દિવસમાં ૬૦૦ ઘટનાઓ બની શકે તો એનો અર્થ એ જ કરવો રહ્યો કે કોઈ કોમી હુલ્લડો લોકોના રોષના પરિણામે નથી થતાં, પણ સ્થાપિત હિતો દ્વારા કરાવવામાં આવે છે. એકથી વધુ સંનિષ્ઠ નિવૃત્ત પોલીસ-અધિકારીઓએ કહ્યું છે કે કોમી હુલ્લડો થોડા કલાકો કે એક દિવસથી વધુ લંબાય તો સમજી લેવું કે એ હુલ્લડો સ્થાપિત હિતોએ પોલીસને સાથે રાખીને કરાવડાવ્યાં છે. લોકોનો રોષ થોડા કલાકોથી વધુ નથી ટકતો. ગયા વખતની જેમ જ આ વખતે પણ બને ત્યાં સુધી નાના પાયે સ્થાનિક હુલ્લડો કરાવવામાં આવી રહ્યાં છે. જે ગામ કે કસબામાં હુલ્લડો થાય ત્યાં તાત્કાલિક કોમી ધ્રુવીકરણ થઈ જતું હોય છે અને એના દ્વારા રાજકીય પક્ષોની વોટબૅન્ક અસ્તિત્વમાં આવે છે. ૧૨ મતદારક્ષેત્રોમાં ચૂંટણી થવાની છે એટલે ગણતરીપૂર્વક એ જ પ્રદેશોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
“ઇન્ડિયન એક્સપ્રેસ”ના અહેવાલ મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોમી હુલ્લડોની ૨૫૯ ઘટનાઓ બની છે જેમાં સહારનપુરનાં હુલ્લડો હાથમાંથી સરકી ગયાં હતાં અને છાપે ચડ્યાં હતાં. આ રમત ફરી વાર ઉઘાડી પડી ગઈ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી BJPના વર્તમાન અધ્યક્ષ અમિત શાહે કોઈ રાજકીય જાદુ કરીને નહોતી જીતી, પણ તેમણે ઠેકઠેકાણે કોમી હુલ્લડો કરાવીને જીતી હતી. ચૂંટણી જીતવાની પૅટર્ન તેઓ આપતા ગયા છે જે ફરી વાર લાગુ કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં પાંચ મતદારક્ષેત્રોમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં નેપાલની સરહદે આવેલા તરાઈ પ્રદેશમાં બે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે અને ત્યાં કોમી ધ્રુવીકરણ કરવા ૨૯ સ્થળે હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. અવધ પ્રદેશમાં એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે એટલે ત્યાં ૫૩ હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે એટલે ત્યાં ૧૬ સ્થળે હુલ્લડો થયાં છે. બુંદેલખંડમાં બે મતદારક્ષેત્રમાં ચૂંટણી જીતવા ૬ જગ્યાએ હુલ્લડો કરાવવામાં આવ્યાં છે.
હુલ્લડોની પૅટર્ન એકસરખી છે. તમામ રમખાણો એકસરખાં છ બહાનાં આગળ કરીને કરાવવામાં આવ્યાં છે. એ છ બહાનાંઓમાં મસ્જિદ, મદરેસા કે કબ્રસ્તાનનાં બાંધકામ સૌથી મોટું કારણ છે. ગયા માર્ચ મહિનામાં મુઝફ્ફરનગરમાં પણ હુલ્લડોનું આ જ કારણ મુખ્ય હતું. ૭૦ હુલ્લડો બાંધકામ સામે વિરોધ કરીને કરાવવામાં આવ્યાં છે. ૪૦૦માંથી ૧૨૦ હુલ્લડો નમાજના સમયે મસ્જિદની બહાર લાઉડસ્પીકર વગાડવાને કારણે થયાં છે. ૬૧ સ્થળે ગાયની હત્યા કરવામાં આવી હોવાનું બહાનું આગળ કરીને હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. હુલ્લડોની ૫૦ ઘટનાઓ મુસ્લિમ છોકરા દ્વારા હિન્દુ છોકરીની છેડતી કે પછી હિન્દુ પ્રેમિકાને લઈને નાસી જવાના બહાને થયાં છે. છ બહાનાં અને ૬૦૦ હુલ્લડો માત્ર બે મહિનામાં થાય એને વૈમનસ્ય ન કહેવાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘સબકા સાથ સબકા વિકાસ’ની મધુર વાતો કરી રહ્યા છે. આમાં કયો સાથ અને કયો વિકાસ નજરે પડી રહ્યો છે? ચૂંટણી જીતવા એક કોમને સતત ટાર્ગેટ બનાવવામાં આવે એ લોકતંત્ર નથી, વિકૃત ફાસીવાદી લોકતંત્ર છે.
ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકાર ફરી એક વાર નિષ્ફળ સાબિત થઈ છે. મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને રાજ કરતાં નથી આવડતું. દેશના સૌથી ફૂહડ મુખ્ય પ્રધાન જો કોઈ હોય તો અખિલેશ યાદવ છે. લોકસભાની ચૂટણીમાં બુરી રીતે દાઝવા છતાં તેમની અક્કલ ઠેકાણે નથી આવી. શક્ય છે કે SP કોમી હુલ્લડોમાં વળતી બૅટિંગ કરીને મુસ્લિમ મતનું ધ્રુવીકરણ થાય એની તક શોધતી હોવી જોઈએ. લોકસભાની ચૂંટણી વખતે BJP અને SP મળીને કોમી હુલ્લડો કરાવીને વોટબૅન્ક ઊભી કરતી હતી જેમાં SPને માર પડ્યો હતો. મુસલમાનોએ ચિડાઈને SPને મત નહીં આપીને તમાચો માર્યો હતો. અખિલેશ યાદવ જો એની એ રમત ફરી વાર રમતા હોય તો તેમને મૂરખ શિરોમણિ જ કહેવા જોઈએ.
લોકસભાની ચૂટણીમાં SP કરતાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીને મત વધુ મળ્યા હતા. આ વખતે માયાવતીના પક્ષના મત કાપવા એવાં પસંદ કરેલાં પૉકેટ્સમાં હુલ્લડો કરાવવામાં આવી રહ્યાં છે જ્યાં દલિતો અને મુસલમાનોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય. માયાવતી આયોજનપૂર્વકનાં હુલ્લડો સામે ઊહાપોહ કરી રહ્યાં છે, પણ એ પૂરતો નથી. BJPની રમત કોમી ધ્રુવીકરણ કરીને દલિતોને મુસલમાનોની વિરુદ્ધ હિન્દુ ફોલ્ડમાં લેવાનો છે જેથી માયાવતીનું દલિત-મુસ્લિમ સમીકરણ તૂટી પડે. BJPનું હિન્દુ રાજકારણ હિન્દુિહતનું રાજકારણ નથી, દેશહિતનું રાજકારણ પણ નથી, પરંતુ સત્તા માટેનું છે એ હજી પણ જો કોઈને ન સમજાતું હોય તો એવી વ્યક્તિ કાં કોમવાદી હોવી જોઈએ અને કાં મૂરખ હોવી જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2014