'ફીલગુડ ફીલિંગ' થી 'એચીવિંગ ઇન્ડિયા' કેટલે ? પૂર્વે આ સવાલ અહીં 'સ્લમડૉગ મિલિયને'ર'ની ઑસ્કર ફતેહને પગલે પૂછવાનું બન્યું હતું અને વાંસોવાંસ એક સવાલિયા જવાબ પણ આપવાનું બન્યું હતું : 'સ્લમડૉગ મિલિયને'ર' જુઓ એટલે? વળી ઉમેર્યું પણ હતું કે ૧૪મી લોકસભા હવે ૧૫મી લોકસભા માટે અનુકૂળતા કરવામાં છે ત્યારે નિર્ણાયક વચગાળામાં 'કેટલે/એટલે'ની થોડીક પણ તપાસ થાય તો ઑસ્કર ફતેહને ખમ્મા બહું.
આ બધુ હમણાં ફરીને સાંભરી આવ્યું – આમેય, જાહેર જીવન અને મીડિયામારી બધો વખત દૂઝતા જખમની કમબખ્ત કહાણી જ છે ને – એનું તત્કાળ નિમિત્ત નીતિશકુમારની રીક્ષાયાત્રાના સતસવીર હેવાલોનું છે.
પટણામાં અણે માર્ગ પરના સત્તાવાર મુખ્યમંત્રી નિવાસેથી આ ભાઈ નીકળ્યા, સાઇકલ રીક્ષે સવાર થઈને તે બરાબર ચાર કિલોમીટર છેટે અશોક સિનેમા હૉલે પહોંચ્યા. ટિકિટબારીએથી ટિકિટ ખરીદી મૂર્છિતવત નહીં તો સંમોહિત ડોરકીપર કને અડધિયું ફડાવી થિયેટરમાં દાખલ થયા – ડોરકીપરને બચારાને મૂર્છા તો ક્યાંથી વળી હોય કે જોડે દાખલ થયેલા પ્રેસના માણસો અને બાકી કાફલાની ટિકિટ માંગી શકે. પોલીસનો પટો અને પ્રેસ પાસ, એને વળી ટિકિટની તે તમા હોતી હશે ? ન ભૂતો, ન ભવિષ્યતિ.
જ્યાં સુધી પટણાની પબ્લિકનો સવાલ છે, એ બચાડી તો આ ફિલ્મ ('સ્લમડૉગ મિલિયને'ર') જોતાં જોશે, પણ વીર નીતિશવાળે સાઇકલરીક્ષે સવાર થઈ ચાર કિલોમીટરનો પંથ કાપ્યો એ એક જોણું હતું – અને ફિલ્મનો વિનામૂલ્ય અવેજ પણ.
અને આ લોકસંપર્ક પ્રયુક્તિ વિશે (જે અલબત્ત નીતિશકુમારનો હક્ક છે, એને વિશે) એમની સફાઈ છે કે સાઇકલરીક્ષામાં બેસવાનો મારો જૂનો મહાવરો છે. વિદ્યાર્થી અવસ્થામાં કે કેવળ ધારાસભ્ય હતો ત્યારે, આમ ફરતો રહ્યો છું એમાં પણ આ ફિલ્મ વાસ્તે હું નીકળ્યો એ કૈં સત્તાવાર કામ તો નહોતું કે સરકારી ગાડી લઈને નીકળવું પડે.
આવા તો, એમ તો, બીજા પણ પ્રસંગો આવતા હશે અને નીતિશકુમાર સરકારી ગાડી જ બિનચૂક વાપરતા પણ હશે. પણ અહીં એ મુદ્દે ધોખો કરવાનો ખયાલ નથી. માત્ર, ચૂંટણીનો સમય આવ્યો કે કેવા કેવા કૌતુક સૂઝી રહે છે એટલો જ એક મુદ્દો કરવો છે.
ખરું જોતાં, નીતિશકુમાર [અને એમને કારણે એમનો પક્ષ – જનતા દળ વ્યુ'] ખરેખર જ વધુ સારી ભોંય પર દાવ લઈ શકે એમ છે. ગુજરાત સરકારી સીધી રહેમ નગર નીચે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' (અમદાવાદ) પર રાજદ્રોહનો મુકદમો ફટકારાયો તે પછીના સંજોગોમાં આપણે હમણે વાઈબ્રન્ટી માહોલમાં જોયું તેમ આ છાપું નમોની યશસ્વિતા બાબતે આગળપાછળ, ઉપરનીચે જ્યાં જુઓ, હર પાને એકદમ જ ગાગાલગા પેશ આવી રહ્યું હતું. પણ તે દિવસોમાંય દિલ્હીથી લખાયેલ બીજા અગ્રલેખમાં કોઈકે ડહાપણભરી એક લીટી વાઈબ્રન્ટ બલૂનમાં ટાંકણીની પેઠે ભોંકી હતી કે ગુજરાતનું પોતાનું એક વિકાસકૌશલ છે અને એની એક ધીંગી પ્રણાલિકા પણ છે – મોદીએ એ વહેતી ગંગામાં ધોરણસર હાથ બટાવ્યો, એટલું જ. એથી ઊલટું, વિકાસવાર્તા કહો, વૃદ્ધિદર કહો, એમાં વિકાસકૌશલની કોઈ ધીંગી પ્રણાલિકા વગરના બિહારે નીતિશકુમારના નેતૃત્વમાં જે હાંસલ કર્યું છે તે વિશેષ નોંધપાત્ર છે.
'સ્લમડૉગ મિલિયને'ર' થી માંડીને હવે, માનો કે, આઈપીએલ મેચોમાં મત્ત મીડિયા અને એની જોડે અફીણી હિલોળા લેતું લોકમાનસ – આ દિવસોમાં વસ્તુત: ધોરણસરના શાસન (ગવર્નન્સ)ની કસોટીએ દેશના કારભારને મૂલવવાની, જે વિવેક 'ટાઈમ્સે' ભલે છાપરે ચડીને નહીં પણ છાનેમાને પણ નમો અને નીતિશ વચ્ચે કર્યો એની રગ પકડવાની, સૂઝબૂઝ દાખવી શકશે ? મનમોહન શાસને દેશજનતાને જે બે મોટાં ઓજાર પકડાવ્યાં – રોજગારનો અધિકાર અને માહિતી અધિકાર – એનો મહિમા મતદારોને વસશે કે કૌતુક અને ગતકડાં એકમેક સામે લટકા કરશે? હમણાં તો સવારીનો જે ખરોખોટો આનંદ બેઉ પક્ષે મળે તે સાચો !