Opinion Magazine
Number of visits: 9448342
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… અને કોંગ્રેસે તેનો ગઢ ગુમાવ્યો છે.

રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|7 November 2014

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો મહારાષ્ટ્રના રાજકારણ માટે ધરતીકંપ સમાન છે. લોકસભાની ચૂટણીમાં જેમ કોંગ્રેસને જેમ તેના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠકો મળી છે એમ મહારાષ્ટ્રમાં આ વખતે બન્યું છે. કોંગ્રેસ આમ તો અનેક રાજ્યોમાં અનેકવાર હારી છે, પણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો પરાજય ઐતિહાસિક ઘટના છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસનો ગઢ હતો. ૧૯૬૭માં પહેલીવાર કોંગ્રેસના કેટલાંક રાજ્યોમાં અને કંઈક અંશે કેન્દ્રમાં વળતાં પાણી થયાં ત્યારે પણ મહારાષ્ટ્રમાં એની કોઈ અસર જોવા નહોતી મળી. જમણેરી મૂડીવાદી પક્ષ સ્વતંત્ર પક્ષનો ઉદય થયો અને એણે ગુજરાત અને રાજસ્થાનમાં રાજકીય જગ્યા બનાવી ત્યારે એને પણ મહારાષ્ટ્રમાં સફળતા નહોતી મળી. સ્વતંત્ર પક્ષે એટલું ગજું કાઢ્યું હતું કે ચોથી લોકસભામાં એ મુખ્ય વિરોધ પક્ષ હતો. દેશની આર્થિક રાજધાની ગણાતાં અને જ્યાં દેશનો સૌથી બહોળો મધ્યમવર્ગ હતો એ મુંબઈ શહેરમાં પણ સ્વતંત્ર પક્ષને સફળતા નહોતી મળી. ૧૯૬૯માં જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના તમામ નેતાઓ, અપવાદ વિના ઇન્દિરા ગાંધીની સાથે ગયા હતા. સદોબા પાટીલના કારણે મુંબઈ પ્રદેશ કોંગ્રેસ એ સમયની સંસ્થા કોંગ્રેસનું એકમ હતી, પણ એનું આયુષ ટૂંકું નીવડ્યું હતું. તરત જ મુંબઈ મહાનગરપાલિકા ઇન્દિરા ગાંધીની કોંગ્રેસના કબજામાં આવી હતી.

૧૯૬૨માં ઉત્તર મુંબઈમાં લોકસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં આચાર્ય કૃપાલાણી અને વી. કે. કૃષ્ણ મેનન જેવા જાયન્ટ ઉમેદવાર હતા. કૃપાલાણી વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવાર હતા જેમને ઉદ્યોગપતિઓનો ટેકો હતો અને ધનપતિઓએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. ડાબેરી વિચાર ધરાવનારા મેનન કોંગ્રેસના ઉમેદવાર હતા. એ ચૂંટણી વખતે જમણેરી વલણ ધરાવનારા કોંગ્રેસીઓએ પણ પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ પડદા પાછળ રહીને કૃપાલાણીને ટેકો આપ્યો હતો. એક બાજુ મેનન વિરુદ્ધ સાગમટી તાકાત અને બીજી બાજુ હિન્દી નહીં બોલી શકનારા દક્ષિણ ભારતીય મેનન, જેમની પાસે એક જ મૂડી હતી; કોંગ્રેસનું બેનર. અત્યાર સુધીની પેટા ચૂંટણીઓમાં એ પેટા ચૂંટણી ઐતિહાસિક ગણાય છે અને એ ઐતિહાસિક પેટા ચૂટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. મુંબઈના મતદાતાઓએ ગાંધીવાદી કૃપાલાણીને નકાર્યા હતા અને સામ્યવાદી ગણાતા મેનનને કોંગ્રેસના ઉમેદવાર હોવાના કારણે આવકાર્યા હતા. આશ્ચર્ય એ વાતનું છે કે હજુ થોડા મહિના પહેલાં જ મેનન દેશના સંરક્ષણ પ્રધાન હતા અને ભારતનો ચીન સામે પરાજય થયો હતો. એ સમયે મેનન વિરુદ્ધ ચૂંટણીપ્રચારમાં ઉપયોગમાં લેવાતું સૂત્ર પણ મઝેદાર હતું : ચીની હમલા હોતા હૈ, મેનનસાબ સોતા હૈ. સોતા હૈ તો સોને દો, કૃપાલાની કો આને દો. જે માણસને દેશના પરાજય માટે કારણભૂત સમજવામાં આવે છે એનો પરાજય પછી થોડાક જ મહિનામાં મહારાષ્ટ્રમાં વિજય થયો હતો.

૧૯૭૭માં ઈમરજન્સી પછી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ એમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો, પણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ખાસ ઈજા નહોતી પહોંચી. ૧૯૭૮માં કોંગ્રેસનું વિભાજન થયું હતું જેમાં મહારાષ્ટ્રના કોંગ્રેસના શીર્ષસ્થ નેતા યશવંતરાવ ચવાણે ઇન્દિરા ગાંધીનો સાથ છોડ્યો હતો અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ અલગ કોંગ્રેસની સ્થાપના કરી હતી. જનતા પાર્ટીની સરકારે કોંગ્રેસના શાસનવાળી રાજ્ય સરકારોને બરતરફ કરીને વિધાનસભાની ચૂંટણી યોજી હતી જેમાં એક રાજ્ય મહારાષ્ટ્ર પણ હતું. એ ચૂંટણીમાં મહારાષ્ટ્રના મતદાતાઓએ યશવંતરાવ ચવાણની ઉપેક્ષા કરીને કોંગ્રેસને સૌથી મોટા પક્ષ તરીકે વિજય અપાવ્યો હતો. એ પછી યશવંતરાવ ચવાણની રાજકીય કારકિર્દી રોળાઈ ગઈ હતી. જેમને મહારાષ્ટ્રના ઘડવૈયા તરીકે ઓળખાવવામાં આવે છે એ યશવંતરાવ ચવાણને ઇન્દિરા ગાંધીએ અપમાનીત કર્યા હતા. તેમને કોંગ્રેસમાં પ્રવેશ નહોતા આપતાં અને આપ્યા પછી તેમની ઉપેક્ષા કરતાં હતાં. યશવંતરાવ ચવાણ જેવા દિગ્ગજ નેતાનું અપમાન થવા છતાં મહારાષ્ટ્રના મતદાતાઓએ કોંગ્રેસનો સાથ નહોતો છોડ્યો.

દેશમાં કોંગ્રેસવિરોધી ગમે એવાં વાવાઝોડાં ફૂંકાય મહારાષ્ટ્રે ક્યારે ય કોંગ્રેસનો સાથ નહોતો છોડ્યો. ખાસ કરીને મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે ગાંધીવિરોધી ધ્રુવની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ગાંધીનો અસ્વીકાર (ડિનાઈંગ ગાંધી) કરનારી વિચારધારા અને પ્રવૃત્તિમાં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું છે. વિનાયક દામોદર સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનારા ડૉ. હેડગેવાર મરાઠી હતા. સાવરકરે હિન્દુત્વવાદી વિચારધારા વિકસાવી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગાંધીવિરોધી પ્રવૃત્તિ શરૂ કરી હતી. સંઘનું નેતૃત્વ એની સ્થાપનાના ૮૯ વર્ષ પછી હજુ આજે પણ મરાઠી બ્રાહ્મણોના હાથમાં છે. સંઘની વિચારધારાનો દેશભરમાં પ્રચાર કરનારા મોટાભાગના પ્રચારકો હજુ આજે પણ મરાઠી બ્રાહ્મણો છે. દેશમાં સંઘનું સંગઠન ફેલાવનારા પૂરા સમયના સંગઠકો મરાઠી બ્રાહ્મણો છે. આમ મહારાષ્ટ્ર ગાંધીવિરોધ માટે અને હિન્દુત્વવાદી વિચારધારા માટે વિચારકો અને કાર્યકરો પેદા કરનારી ફળદ્રુપ ભૂમિ છે. ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસે મરાઠી હિન્દુત્વવાદી હતો. ગાંધીજીની હત્યાનું કાવતરું કરનારાઓ સાવરકર સહિત બધા જ મહારાષ્ટ્રના હિન્દુત્વવાદી હતા. ગાંધીજીની હત્યા કરાઈ એ પહેલાં ગાંધીજીની હત્યા કરવાના પાંચમાંથી ચાર પ્રયાસ મહારાષ્ટ્રમાં થયા હતા.

મહારાષ્ટ્રની ફળદ્રુપ ભૂમિ મોટી સંખ્યામાં ગાંધીવિરોધી વિચારકો અને નેતાઓ આપે, તેઓ દેશમાં પ્રચંડ કદનું સંગઠન સ્થાપે, તેમને દેશમાં અન્યત્ર સફળતા પણ મળે, પણ મહારાષ્ટ્રમાં સફળતા ન મળે એનું કારણ શું? ગાંધીનાં ક્ષર દેહને અને અક્ષરદેહ(ગાંધીવિચાર)ને ખતમ કરવાના પ્રયાસ કરનારાઓ બધા જ મરાઠીઓ હોય એ પહેલું આશ્ચર્ય છે અને સામાન્ય મરાઠી પ્રજા તેમને ઘાસ ન નાખે અને ગાંધી અને ગાંધીની કોંગ્રેસની પડખે ઊભી રહે એ એનાથી પણ મોટું આશ્ચર્ય છે. એવું શું છે મહારાષ્ટ્રમાં જેણે ગાંધીવિરોધીઓને મોટી સંખ્યામાં પેદા કર્યા છે અને એવું શું છે મહારાષ્ટ્રની સામાન્ય જનતામાં જેણે આજ સુધી તેમને ફાવવા નહોતા દીધા?

મહારાષ્ટ્રની ભૂમિ ગાંધીવિરોધ માટે ફળદ્રુપ બની એનાં ત્રણ કારણો છે. પહેલું કારણ એ છે કે ૧૮૧૮માં અંગ્રેજોએ પેશ્વાઓ પાસેથી સત્તા આંચકી લીધી અને એ સાથે મરાઠી બ્રાહ્મણોના શાસનનો અંત આવ્યો. પેશ્વાઓનું શાસન એટલું આતતાઈ હતું કે જયારે પૂનાના શનિવારવાડા પર અંગ્રેજોનો યુનિયન જેક ફરક્યો ત્યારે પૂનાના બહુજન સમાજે બ્રાહ્મણશાહી અત્યાચારોથી છુટકારો મેળવવા માટે રીતસર દિવાળી જેવી ઉજવણી કરી હતી. સત્તા ગુમાવવાની અસૂયા મરાઠી બ્રાહ્મણો ધરાવતા હતા અને મ્લેચ્છ સંસ્કૃિત સામે હિંદુ સંસ્કૃિતની સર્વોપરિતા શોધતા હતા. બીજું કારણ એ કે ગાંધીજી ભારતમાં આવ્યા અને લોકમાન્ય તિલકનું અવસાન થયું એ પછી દેશની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહારાષ્ટ્રના બ્રાહ્મણોના હાથમાંથી સરકી ગયું હતું જેણે અસુયામાં વધારો કર્યો હતો. આમાં પાછા ગાંધીજી ઉદારમતવાદીઓમાં પણ ઉદાર હતા. જેમ ભારતના મુસલમાનો અંગ્રેજો સામે સત્તા ગુમાવવાનો ઘાવ રૂઝાવા દેતા નહોતા એમ મહારાષ્ટ્રના બ્રાહ્મણો સત્તા અને વર્ચસ ગુમાવવાનો ઘાવ ભૂલવા માગતા નહોતા. ત્રીજું કારણ એ છે કે મહાત્મા ફૂલેએ બ્રાહ્મણશાહીની માનસિકતા અને બ્રાહ્મણોના અત્યાચારો વિરુદ્ધ આંદોલન શરુ કર્યું હતું. પેશ્વાઈની યાદ હજુ ભૂલાઈ નહોતી. તેમણે મહારાષ્ટ્રના બહુજન સમાજને જાગૃત કર્યો હતો જેણે આગળ જતા પ્રચંડ આંદોલનનું સ્વરૂપ પકડ્યું હતું. એ આંદોલન બ્રાહ્મણવિરોધી કે બ્રાહ્મણેતર આંદોલન તરીકે ઓળખાય છે.

બ્રાહ્મણવિરોધી આંદોલન ચલાવનારા બહુજન સમાજના નેતાઓ ગાંધીજીના આગમન પહેલા કોંગ્રેસનો વિરોધ કરતા હતા કારણ કે કોંગ્રેસનું નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું. ગાંધીજીના આગમન પછી સ્થિતિ પલટાઈ ગઈ હતી. ગાંધીજી પરવડે નહીં એટલી હદે ઉદાર છે એની ખાતરી થતાં સંકુચિત મરાઠી બ્રાહ્મણોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને તેઓ ગાંધીવિરોધી થઈ ગયા હતા. બીજી બાજુ ગાંધીજી પરવડે એવા પૂરતા પ્રમાણમાં ઉદાર છે એની ખાતરી થતાં બહુજન સમાજના નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ગાંધીની કોંગ્રેસને મહારાષ્ટ્રના બહુજન સમાજે અપનાવી લીધી હતી. દેશમાં સર્વત્ર ગાંધીજીને બહુજન સમાજનો ટેકો સાંપડ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં બહુજન સમાજનો ટેકો ઝનુનપૂર્વકનો હતો કારણ કે એનાં મૂળમાં બ્રાહ્મણવિરોધ હતો. તમને આજે પણ ગાંધી ટોપી સૌથી વધુ મહારાષ્ટ્રમાં પહેરાતી જોવા મળશે. બ્રાહ્મણશાહીને નકારવાનું અને ગાંધીવિરોધી બ્રાહ્મણોને કોંગ્રેસવટો આપવાનું એક ઝનુન હતું. વિધિનો ખેલ જુઓ; મહારાષ્ટ્રના બહુજન સમાજને કોંગ્રેસની નજીક લઈ જવામાં યશવંતરાવ ચવાણનો મોટો ફાળો હતો. એ જ ચવાણે જયારે કોંગ્રેસમાંથી રુખસદ લીધી ત્યારે મહારાષ્ટ્રના બહુજન સમાજે તેમને સાથ નહોતો આપ્યો અને ચવાણે એકલા રઝળપાટ ભોગવવો પડ્યો હતો. કોંગ્રેસ છોડનારા નેતાને પણ છોડી શકે એવું ઝનુન મહારાષ્ટ્રનો બહુજન સમાજ ધરાવતો હતો.

ગાંધીજીની હત્યા પછી બ્રાહ્મણો સામે હુલ્લડો થયાં હોય એવું માત્ર મહારાષ્ટ્રમાં બન્યું હતું, કારણ કે ગાંધીજીનો હત્યારો મહારાષ્ટ્રનો બ્રાહ્મણ હતો. જાનહાનિ તો ખાસ નહોતી થઈ, પરંતુ ઠેકઠેકાણે બ્રાહ્મણોનાં ઘર બાળવામાં આવ્યા હતા. આજે જેમ ગામડામાં રહેતો અસુરક્ષિત મુસલમાન શહેરમાં સ્થળાંતર કરે છે એમ ત્યારે મોટા પ્રમાણમાં મરાઠી બ્રાહ્મણોએ ગામડાં છોડીને શહેરોમાં સ્થળાંતર કર્યું હતું. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરનું આવું બહોળું અને તીવ્ર વિભાજન મહારાષ્ટ્ર અને તામિલનાડુ સિવાય ભારતમાં બીજે ક્યાં ય નહોતું થયું. આમાં તમિલનાડુમાં બ્રાહ્મણો કોંગ્રેસ સાથે રહ્યા હતા એટલે ત્યાંનો બહુજન સમાજ કોંગ્રેસવિરોધી થઈ ગયો હતો જેને પરિણામે સાડા ચાર દાયકાથી DMK અને AIADMK તમિલનાડુમાં રાજ કરે છે. મહારાષ્ટ્રના સંકુચિત બ્રાહ્મણોએ ગાંધીવિરોધથી પ્રેરાઈને કોંગ્રેસનો સાથ છોડ્યો એટલે બહુજન સમાજે ઝનુનપૂર્વક કોંગ્રેસને સાથ આપ્યો હતો.

પણ હવે? હવે સમય બદલાઈ ગયો છે. હવે એ કોંગ્રેસ પણ નથી રહી અને હવે એ બહુજન સમાજ પણ નથી રહ્યો. મહારાષ્ટ્રમાં દાયકાઓથી સત્તા બહુજન સમાજના નેતાઓના હાથમાં છે અને તેમણે અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું છે. જેમ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજી સાથે દગો કર્યો છે એમ બહુજન સમાજના નેતાઓએ મહાત્મા ફૂલે સાથે દગો કર્યો છે. મહારાષ્ટ્રના બહુજન સમાજે દાયકાઓ સુધી જેમને ઝનુનપૂર્વક સત્તાથી દૂર રાખ્યા હતા તેમને હવે સત્તાની નજીક લઈ ગયા છે અને કોંગ્રેસે તેનો ગઢ ગુમાવ્યો છે.

(‘નો-નોનસેન્સ’ કટાર)

e.mail : ozaramesh@gmail.com

Loading

7 November 2014 admin
← Business As Usual
બુનિયાદી સવાલ શિક્ષણની તરાહનો? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved