
હેમન્તકુમાર શાહ
એક વ્યક્તિએ હમણાં જ લખ્યું છે કે, “અમેરિકામાં અમેરિકા જે કંઈ કરી રહ્યું છે તે જો અમેરિકા જુએ તો, ખ્યાલ આવે કે અમેરિકાના ત્રાસથી અમેરિકાને આઝાદ કરવા માટે અમેરિકા અમેરિકામાં આક્રમણ કરે.”
છેલ્લાં સવાસો વર્ષમાં અમેરિકન રાજ્યના કે અમેરિકનોના સેંકડો રાજકીય ગુના હશે, અને છે પણ ખરા, તેમ છતાં અમેરિકા દુનિયાભરમાં તેની વાયબ્રન્ટ લોકશાહી અને વ્યક્તિની આઝાદીનાં ઉચ્ચ શિખરો માટે માનવજાતના ઇતિહાસમાં પંકાયેલું છે અને રહેશે. દુનિયાભરમાં માણસની સ્વતંત્રતા અને લોકશાહી માટે અમેરિકાનો જ દાખલો દેવાતો રહ્યો છે. પણ આજે એ લોકશાહી અને વ્યક્તિની આઝાદી ખતરામાં આવી પડ્યાં છે એમ લાખો અમેરિકનોને લાગી રહ્યું છે અને તેથી આજના દિવસે તેઓ તેના રક્ષણ માટે ‘ન રાજા’ (No Kings) આંદોલનના નામે રસ્તા પર આવી રહ્યા છે.
અમેરિકામાં આજની રેલીઓ માત્ર અમેરિકાના ઇતિહાસમાં જ નહિ પણ માનવજાતના ઇતિહાસમાં એક અવિસ્મરણીય ઘટના બનીને અનંત કાળ સુધી જીવતી રહેશે. એનું કારણ એ છે કે આજે પોતાની જાતને સીધી કે આડકતરી રીતે રાજા તરીકે સ્થાપવા માગતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ૭૯મો જન્મદિન છે, એટલું જ નહિ પણ, દેશની રાજધાની વોશિંગ્ટનમાં અમેરિકન લશ્કરની સ્થાપનાનાં ૨૫૦ વર્ષની ઉજવણી થઈ રહી છે અને બહુ મોટા ખર્ચે ભવ્ય લશ્કરી પરેડ થઈ રહી છે. આજનો દિવસ ફ્લેગ ડે તરીકે પણ અમેરિકામાં ઉજવાય છે કારણ કે ૧૭૭૭માં આ જ દિવસે તેના આજના રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
‘નો કિંગ્સ’ આંદોલન અમેરિકામાં ‘૫૦૫૦૧’ આંદોલનના વિષય પર આધારિત છે. ૫૦ રાજ્યો, ૫૦ વિરોધ અને એક આંદોલન; એવા ખ્યાલ સાથે આ અંદોલન શરૂ થયું છે. અમેરિકામાં તમામ ૫૦ રાજ્યોમાં આજે મોટાં શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી નીતિઓના વિરોધમાં રેલીઓ નીકળશે. લોકો એમ માને છે કે ટ્રમ્પ દ્વારા જે નીતિઓ અપનાવવામાં આવી રહી છે તે લોકશાહી રીતે ચૂંટાયેલા નેતાને છાજે તેવી નથી પણ રાજા જેવી છે. અને એટલે જ ‘નો કિંગ્સ’ જેવું નામ આ આંદોલનને આપવામાં આવ્યું છે.
ટ્રમ્પની નીતિઓ સામેનું આ આંદોલન કેમ છે? ડોનાલ્ડ ટ્રમ્પ તાનાશાહી રીતરસમ અપનાવે છે, અબજોપતિઓ તેમને માટે પહેલા ખોળાના બન્યા છે અને ટ્રમ્પ દેશનું લશ્કરીકરણ કરી રહ્યા છે એવા આરોપો સાથે આ વિરોધી દેખાવોના આયોજકો અમેરિકાને ધમરોળી રહ્યા છે. ‘નો કિંગ્સ’ની વેબસાઈટ એમ કહે છે કે “રાષ્ટ્રધ્વજ કંઈ ટ્રમ્પની માલિકીનો નથી, એ તો અમેરિકન નાગરિકોનો છે. ૧૪મી જૂને તેઓ જ્યાં નથી ત્યાં બધે જ અમે ઊભા રહીશું અને કહીશું કે – સિંહાસન નહિ, તાજમુગટ નહિ, રાજા નહિ.”
અમેરિકામાં આશરે ૨,૦૦૦ સ્થળોએ ‘નો કિંગ્સ’ના દેખાવો થવાના છે એમ આંદોલનકારો કહી રહ્યા છે. તેમની વેબસાઈટ પર તેઓ કહે છે કે, “તેમણે અમારી અદાલતોની અવજ્ઞા કરી છે, અમેરિકન લોકોનો દેશનિકાલ કર્યો છે, શેરીઓમાંથી લોકોને તગેડી મૂક્યા છે, અમારા નાગરિક અધિકારો પર તરાપ મારી છે અને અમને રાજ્ય તરફથી મળતી સેવાઓ પર કાપ મૂક્યો છે.” જે લશ્કરી પરેડ થવાની છે તે “ખર્ચાળ, ઉડાઉ અને બિન-અમેરિકન” છે એમ તેઓ કહે છે કારણ કે તેમાં આ વર્ષે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ લશ્કરી વાહનો અને સૈનિકોને જોડવાનું નક્કી કરેલું છે.
આ દેખાવો અહિંસક રહેશે અને કોઈ પણ જાતની ઉશ્કેરણી થાય તો પણ દેખાવકારો શાંત રહે તે માટે પણ અપીલ કરવામાં આવી છે. લાખો લોકો જેમાં ભાગ લેવાના છે તેવા આજના દેખાવોમાં કોઈ શસ્ત્રો લઈ જવામાં નહિ આવે એમ પણ તેમણે કહ્યું છે. અત્યાર સુધીમાં આ દેખાવોમાં ૧૫.૩૩ લાખ લોકોએ પોતાની ભાગીદારી માટે નામ નોંધાવી દીધું છે.
જ્યાં નાગરિક તાનાશાહી, સામ્યવાદી તાનાશાહી, લશ્કરી તાનાશાહી, ધાર્મિક તાનાશાહી કે રાજાશાહી છે તે દેશોની તો વાત જ બાજુ પર મૂકો. પરંતુ ભારત જેવા જે દેશોમાં લોકશાહી છે ત્યાંના નાગરિકોએ આ દેખાવોમાંથી બોધપાઠ લેવો જોઈશે અને લોકશાહી વ્યવસ્થામાં તાનાશાહીનાં જે તત્ત્વો ઘૂસતાં દેખાતાં હોય તેમને રોકવા માટે જહેમત ઉઠાવવી પડશે.
દુનિયામાં સામ્યવાદી સરમુખત્યારશાહી અને સોવિયેત સંઘનો સૂરજ સોળે કળાએ તપતો હતો ત્યારે છેક ૧૯૭૧માં પ્રકાશિત થયેલું ગેરી એલન નામના લેખકનું એક પુસ્તક મેં વાંચેલું લગભગ ૧૯૭૭માં. એનું નામ છે : ‘None Dare Call it Conspiracy’. ગુજરાતીમાં: ‘કોઈ એને કાવતરું કહેવાની હિંમત નહિ કરે’. એ પુસ્તકમાં ત્યારે લેખકે એમ કહેલું કે તાનાશાહીનો પ્રવાહ કંઈ માત્ર મોસ્કો, બૈજિંગ, બર્લિન, જોહાનિસબર્ગ કે રિયોદજાનેરોમાંથી જ નથી વહેતો પણ એ વોશિંગ્ટન, દિલ્હી, લંડન અને પેરિસથી પણ વહે છે. આની સામે આજે ચેતવાનું છે.
રાજકીય નેતાઓ રાજાની જેમ વર્તવા માંડ્યા છે, લોકોને ગુલામ થવા સમજાવી રહ્યા છે અને તેઓ લોકોને એમ કહે છે કે ગુલામીમાં જ તેમનું સુખ સમાયેલું છે, અને લોકો માની પણ લે છે એ એક મોટું તાજ્જુબ છે. ખરેખર તો માણસ સ્વતંત્ર રહેવા માટે જ જન્મ્યો છે અને તે રાજ્ય કે સરકારોનો ગુલામ થઈ બેઠો છે. વિખ્યાત ફ્રેન્ચ દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર કહે છે તેમ “મનુષ્ય પર સ્વતંત્ર થવાનો અભિશાપ છે.”
ચાલો, સ્વતંત્ર મનુષ્ય તરીકે જીવવા માટે લડીએ એમ અમેરિકાનું ‘નો કિંગ્સ’ આંદોલન કહે છે. જેવી છે તેવી પણ લોકશાહી જ સારી છે. ખરાબ લોકશાહીનો ઉપાય સારી લોકશાહી છે, તાનાશાહી કે રાજાશાહી નહિ; લોકશાહીનું માળખું નામ પૂરતું યથાવત રાખીને ચલાવવામાં આવતી તાનાશાહી કે રાજાશાહી પણ નહિ.
તા. ૧૪-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર