ટૂંકી બિમારી બાદ ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ની સવારે જુઝાર એસ. બંદૂકવાલા સાહેબનું વડોદરા (પ્રતાપગંજ) ખાતે ૭૭ વર્ષની જૈફ વયે અવસાન થયું.
મોટી ઉંમરે કોવિડ-૧૯ને કારણે વકરેલા ચિત્તભ્રંશ વચ્ચે ય તેમને બે જીવનઘટનાઓ છેક સુધી બરાબર યાદ રહી હતી.
પહેલી ઘટના ૧૯૭૨માં અમેરિકાના એક ચર્ચમાં બની હતી, જ્યારે ત્યાંની એક સંન્યાસી સ્ત્રીએ તેમની જિંદગી બદલી નાખી, ત્યારે તેઓ પરમાણ્વિય વિજ્ઞાનમાં માનદ્ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં મદદનીશ પ્રાધ્યાપક બનવાના હતા. પણ એ સ્ત્રીના આ શબ્દોએ તેમનો આત્મા જગાવી મૂક્યોઃ “જાવ તમારા દેશમાં પાછા.”
પહેલી નજરે રંગભેદી લાગી શકતા આ શબ્દો પાછળ એ ખ્રિસ્તી સ્ત્રીનો ખરો સંદેશ આ હતોઃ “સ્વદેશ જઈને તમારા દેશબંધુઓની સેવા કરો!”
બંદૂકવાલા સાહેબનો સ્વભાવ ખૂબ લાગણીશીલ. તેમણે આ શબ્દો પર ઊંડું મંથન કર્યું, અને આખરે પોતાનું ગ્રીન કાર્ડ ત્યજીને ભારત આવી ગયા. પરિવારની નારાજગી વહોરીને પણ તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં નોકરી સ્વીકારી.
બીજી ઘટના પ્રમાણમાં તાજેતરની છે. ૨૦૦૨ની. એ સાલમાં ઉપરાછાપરી બે બનાવોએ તેમને પૂરા હચમચાવી નાખેલાઃ થોડા મહિના પહેલાં પત્નીનું અવસાન, અને પછી મુસ્લિમ વિરોધી રમખાણો દરમિયાન હિંદુત્વવાદીટોળાં દ્વારા તેમના ઘરની આગચંપી.
એક ટી.વી. ચેનલે તેમને એક મહેમાન આગળ પોતાની વ્યથા જણાવવા આમંત્રિત કર્યા.
હુમલામાં પોતાનું ઘર નાશ પામ્યા બાદ કેટલોક વખત તે મુંબઈ રહેવા ગયા હતા. કાર્યક્રમમાં બંદૂકવાલા સાહેબની ઓળખ મુંબઈસ્થિત એક વક્તા તરીકે જ આપવામાં આવી. તરત પેલા મોંઘેરા અતિથિ તાડુક્યાઃ “મતલબ તેઓ ગુજરાત છોડીને નાસી ગયેલા છે!”
આ શબ્દો ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હતા.
બંદૂકવાલા સાહેબે ત્વરિત જવાબ આપ્યોઃ “તમે બાકી જ શું રાખ્યું છે ત્યાં અમારા માટે?”
*** *** ***
બંદૂકવાલા સાહેબ મૂળમાં સુધારાવાદી માનસિકતા ધરાવતા માણસ હતા. તેમના વ્યક્તિત્વનું આ પાસું ઘણી રીતે છતું થાય છે.
પહેલું, તેઓ વધુને વધુ મુસ્લિમ મહિલાઓ પોતાના સમાજનો શીર્ષ અવાજ બને તેમ ઇચ્છતા હતા. છેક ૧૯૮૦ના દાયકાથી તેઓ એ વાતના પક્ષકાર હતા કે પતિ સાથે તલાક બાદ શાહબાનોને ન્યાયી ભરણપોષણ મળવું જોઇએ. આ કારણે તેમને મુસ્લિમ રૂઢિચુસ્તોનો વિરોધ પણ સહેવો પડ્યો હતો. મુંબઈના ગેંગસ્ટર હાજીમસ્તાને જાતે વડોદરા આવીને બંદૂકવાલા સાહેબને સમર્થન આપ્યું ત્યારે જ તેમનો સામાજિક બહિષ્કાર અટક્યો.
બીજું, હિંદુ દલિતો સાથે જ નહિ, મુસ્લિમ પછાત જ્ઞાતિઓ સાથે પણ એકતાની હિમાયત કરનારા તેઓ કદાચ પહેલા ગુજરાતી મુસ્લિમ હતા. આ કારણે ૧૯૮૩માં તેમને મળવા કાંશીરામ પોતે વડોદરા આવ્યા હતા. મુસ્લિમ-દલિત એકતાના મુદ્દા પર તેઓ ૧૯૮૯માં ચૂંટણી પણ લડ્યા. તાજેતરમાં જ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં તેમણે મુસ્લિમોમાં પ્રચલિત જ્ઞાતિવાદ પરના લેખમાં આવા વાડા-પંથોથી ઉપર ના ઊઠી શકવાના મુસ્લિમોના વલણની કડક ટીકા કરી હતી.
ઉપરાંત, તેઓ મુસ્લિમોને કટ્ટરપંથી રસ્તાઓ છોડવા સમજાવતા રહેતા, જેમ કે તેમણે ૨૦૨૦માં લખ્યું હતું, “ધાર્મિકતા સાચા નાગરિકત્વના માર્ગમાં અડચણ ઊભી કરે છે.” તેઓ મુસ્લિમોને સારું શિક્ષણ, ઉદ્યોગ-ધંધાઓ અને લૈંગિક સમાનતાના આદર્શો તરફ વળવા પ્રોત્સાહિત કરતા. પાછલાં વર્ષોમાં તેમણે આ આદર્શ સિદ્ધ કરવા પોતાના ઝિદ્નીઈલ્મા ટ્રસ્ટ મારફતે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવી.
જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં રાજકારણથી અલિપ્ત રહીને બંદૂકવાલા સાહેબે મુસ્લિમોના શિક્ષણ માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમનું માનવું હતું કે મુસ્લિમો રાજકારણથી અલગ રહીને જ વોટના ધ્રુવીકરણની રાજનીતિ અટકાવી શકશે. અંગત રીતે હું આ મુદ્દે તેમની સાથે સંમત ન હોવા છતાં તેમના આ વિચાર પાછળ રહેલાં દયાભાવ અને ઉદાર લાગણી ચોક્કસ જોઇ શકું છું.
૨૦૦૨માં ટોળાંએ તેમના ઘરને સળગાવી મૂક્યા બાદ બંદૂકવાલા સાહેબે ભલભલા લોકો ન કરી શકે તેવું કાર્ય કરી બતાવ્યું હતું. આ દુઃખદ ઘટના પાછળ છોડીને પોતાના જીવનમાં આગળ વધવા તેમણે હુમલાખોરોને માફ કરી દીધા હતા. તેમની આ વૃત્તિએ જ તેમની અને તેમનાં દીકરીની હત્યા કરવા આવેલાં ટોળાંને આત્મમંથન કરવા પ્રેર્યા.
આ માત્ર બહાદુરીનો નહિ, મોટા આપત્તિકાળ વચ્ચે સ્વસ્થતા કે આશાવાદ ન ખોવાનો પણ સબક હતો. આપણે નાગરિકગણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ, ત્યારે એ બંદૂકવાલા સાહેબને યાદ રાખીએ, જેઓ રાજ્યની અબાધિત સત્તા સામે નિઃસહાય તો હતા, પણ જેઓએ પોતાના કાર્યો થકી અસંખ્ય મુસ્લિમો સાથે આત્મતંતુ સાધ્યો, તથા સવિશેષ મહિલાઓ અને યુવાઓને શિક્ષણ મેળવવા અને પોતાના હકો પ્રત્યે સભાન થવા તરફ પ્રેર્યા.
બંદૂકવાલાસાહેબની સાથે આપણે એ પણ ન ભૂલીએ, કે તે ગુજરાતી મુસ્લિમ સમાજના સંઘર્ષનો તેઓ ચહેરો હતા, જેમની વિરુદ્ધ શારીરિક અને પ્રતીકાત્મક હિંસા સતત વધી રહી છે.
•••••••••
લાલીવાલાએ જે ટી.વી. સંવાદનો ઉલ્લેખ કર્યો છે તેમાં હું પણ સામેલ હતો. ઘણું કરીને એ સ્ટાર ચેનલનું આયોજન હતું. ગૃહમાંથી મને લગભગ પહેલો કે બીજો ઊભો કરાયેલો, પ્રશ્ન પૂછવા, એવું સાંભરે છે. ૨૦૦૨ના સંદર્ભમાં મેં કહ્યું કે રોજેરોજ નવાં હાડપિંજર બહાર પડે છે અને તે છુપાવવા સારુ કબાટ ઓછાં પડે છે ,એટલે ગુજરાતના નાગરિક તરીકે હું મને શરમિંદો અનુભવું છું. ન.મો. રાબેતા મુજબ લાજવાબ હતા. એમનું ધ્રુવગાન એ હતું કે પ્રકાશકુમાર એન્ડ કંપની કી બાત નહીં ચલેગી. મારી ૩૦ સેકન્ડની વાતના જવાબમાં એ અરધા કલાક દરમિયાન ત્રણ વાર ઉલ્લેખનું માન એમના તરફથી મળ્યું હતું.
‘એન્ડ કંપની’ની એમની વ્યાખ્યા શું હતી તે પછી તરત જ બંદૂકવાલા સાથે મુંબઈ ફોન જોડાયો એ સાથે સ્પષ્ટ થઈ ગયું હતું. જેવો મુંબઈનો ઉલ્લેખ થયો કે મોદીએ કમરપટા તળેનો પ્રહાર એમની અનૂઠી શૈલીએ કર્યો હતો, જેમાં અભિપ્રેત એ હતું કે તમે ડી-ગૅંગ સાથે શું કરી રહ્યા છો.
•••
લાલીવાલાએ હુમલાની અને હુમલાખોરને માફીની જે જિકર કરી છે એ મેં બંદૂકવાલા સાથેની વાતચીતમાં સાંભળ્યું છે તેમ વડોદરા યુનિવર્સિટીના તત્કાલીન રજિસ્ટ્રાર કે એવા કોઈ ઉચ્ચ અધિકારી બાબતે છે જેમના આગ્રહથી બંદૂકવાલા સાવરકર વિશે બોલવા ગયા હતા. સાવરકરના પૂર્વજીવનને (ક્રાંતિકારી અધ્યાયને) બિરદાવ્યા પછી ચર્ચા સમેટતાં બંદૂકવાલાએ કહ્યું હતું કે આપણી સામે બે માર્ગ છે, એક ગાંધીજીનો ને બીજો સાવરકરનોઃ પહેલો રસ્તો અમન અને એખલાસ સાથે આગેકૂચનો છે, અને બીજો રસ્તો કોમી બળોથી વહેંચાઈ મરવાનો છે … ગમે તેમ પણ, બંદૂકવાલાને આગ્રહ કરીને લઈ ગયેલા તે પણ વળતે પ્રસંગે હુમલાની આગેવાનીમાં હતા … એ રાષ્ટ્રવાદના ખાસ વિમર્શની બલિહારી, બીજું શું.
— પ્ર.ન.શા.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 07 તેમ જ 08