પ્રાથમિક શિક્ષણ ને બે ભાગમાં સમજવાનું છે. પ્રથમ તબક્કો આત્મનિર્ભરતાનો છે. જન્મથી અત્યાર સુધી તે કોઈની દેખરેખ-સંભાળમાં રહ્યું છે. એટલે પ્રથમ તેને કુટુંબથી છૂટું પાડવાનું છે. તેને આત્મવિશ્વાસ બેસે કે તે એકલું રહી શકે છે, પોતાના કામ જાતે કરી શકે છે, પોતાની જરૂર બીજાને જણાવી શકે છે. બાળમંદિર કે કે.જી.ના આ તબક્કામાં તે પુસ્તકના નહીં, જીવનના પાઠ શીખે છે.
પછી શરૂ થાય છે બીજો તબક્કો ઔપચારિક શિક્ષણનો. તેમાં પ્રથમ તેને વિષયની ઓળખાણ કરાવવાની હોય છે. તેને વિષયની પાસે લાવવાનું હોય છે. અહીં કોઈ સાથે બેસીને જ તેને ભણાવી શકે. બાળકને ખબર નથી કે આ કબૂતર નો ‘ક’ છે કે એકડે એક છે. તેને પાસે બેસીને સમજાવવું પડે, જે ઑનલાઇન શક્ય જ નથી.
આમ પણ મોબાઇલ કે કમ્પ્યૂટર ચાલુ કરવા, સ્કૂલની લિન્ક ખોલવા કોઈ તો જોઈએ જ. ત્યાર પછી સાહેબ કહે તે પ્રમાણે બાળકને કરાવવા માટે પણ કોઈની જરૂર પડે. તેના કરતાં આપણે જ બાળકને કક્કો કે એકડો ઘુંટાવીએ તો વધુ સારું.
ઑનલાઇન શિક્ષણ માત્ર બાળકની આંખો નથી બગાડતું, પણ તેને ભણવા માટે અણગમો ઊભો કરે છે. તો પ્લીઝ, તમારા બાળક ને તમે જ કક્કો ઘૂટાવો …. પાસે બેસી ને. સ્કૂલ એ માટે દબાણ કરતી હોય તો ત્યાંના શિક્ષકો સાથે પણ વાતચીત કરી જુઓ અને શક્ય હોય ત્યાં સુધી, ટાળી શકાય એમ હોય ત્યાં સુધી આવી પરિસ્થિતિ ટાળો.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 05