કોઈ ભગવાને કદી કહ્યું નથી કે મારી સ્થાપના કરો, પણ હૈયેથી પ્રેરણા થાય છે ને આપણે દશામા, ગણપતિ, અંબામા, કૃષ્ણ જેવા દેવીદેવતાઓની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરીએ છીએ. તેનું ભાવપૂર્વક ભજનકીર્તન, પૂજનઅર્ચન કરીએ છીએ ને સમય જતાં વિસર્જન પણ કરીએ છીએ. આમ કરવાનું કોઈ કહેતું નથી, પણ આમ થતું આવ્યું છે ને આપણે કરીએ છીએ. આપણે શેને માટે કરીએ છીએ તે હૈયે તો જાણીએ છીએ, પણ બહાર એવું દેખાડીએ છીએ કે આપણે ધર્મપ્રેમી, આસ્થાવાન પ્રજા છીએ ને આસપાસમાં આપણી ભક્તિ વખણાય, તેને કોઈ અહોભાવથી જોઈ રહે તેવી ઊંડે ઊંડે ઇચ્છા ધરાવીએ છીએ ને તેનો આનંદ પણ માણીએ છીએ. કારણ કોઈ પણ હોય, પણ ગણેશોત્સવ, નવરાત્રિ જેવા ધાર્મિક ઉત્સવો આપણે મન મૂકીને ભક્તિભાવથી મનાવીએ છીએ. આપણને ધર્મપ્રીતિ છે, ઈશ્વરભક્તિ છે તે બતાવવાનું ગમે છે. ઘણી વાર તો ભક્તિ, કોઈ આપણને જુએ, આપણી નોંધ લે એટલે પણ કરીએ છીએ, તો કેટલાક જીવો ખરેખર આ ઉત્સવોમાં એવા ઓતપ્રોત થઈ જાય છે કે જ્યારે વિસર્જનની ઘડી આવે છે ત્યારે ચોધાર આંસુએ દેવદેવીને વિદાય આપે છે. આમાં કૈં એવું નથી જેનો કોઈને વાંધો પડે. આપણે હિન્દુ છીએ ને ઉત્સવોની આપણી પરંપરા છે ને આપણે તેનું જ નિર્વહણ કરીએ છીએ. આનું ગૌરવ લઈ શકાય. લેવું જોઈએ.
આની બીજી બાજુ પણ છે. આપણે વિકસ્યા છીએ તે બતાવવા એ બધું પણ કરીએ છીએ જેની કોઈ ધર્મ મંજૂરી નથી આપતો. આપણે નંદ ઘેર આનંદ ભયો – કરીએ છીએ તેની સાથે જુગાર પણ રમીએ છીએ. જન્માષ્ટમીએ જુગાર રમવાનો જાણે ચાલ પડી ગયો છે. એમાં કદાચ, ‘મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિશ હારિયો’ એ પંક્તિ જવાબદાર છે. એને કારણે કદાચ કૃષ્ણને આપણે જુગારી ગણીને જુગાર રમીએ છીએ, પણ એ ખોટું છે. ‘નાગદમન’ વખતે નાગણોને, કાળીનાગ સુધી પહોંચવાનું કેમ બન્યું તેનું કારણ આપતાં કૃષ્ણ કહે છે, ‘ મથુરા નગરીમાં જુગટું રમતાં …’ ખરેખર તો એ બહાનું જ છે. કૃષ્ણને મથુરા જવાનું તો કંસવધ વખતે જ થાય છે ને ‘નાગદમન’ તે પહેલાંની ઘટના છે. એટલે કૃષ્ણ જુગારી હતા એ વાત ખોટી છે ને એને નામે જુગાર રમનારાઓ કૃષ્ણની ભક્તિ નથી કરતા, એનું અપમાન કરે છે. પાંડવો દ્યુત રમવા બેસે છે ત્યારે કૃષ્ણને ત્યાં હાજર ન રહેવાનું અને ન બોલાવાય ત્યાં સુધી ન આવવાનું યુધિષ્ઠિરે વિનંતી કરીને કહ્યું હતું, એટલે જ પાંડવો હારે પણ છે. જ્યાં કૃષ્ણ નથી, ત્યાં પરાજય નિશ્ચિત છે. ક્યાંક કૃષ્ણે કહ્યું પણ છે કે હું હાજર હોત તો યુધિષ્ઠિરને દ્યુત જ રમવા ન દેત ! ટૂંકમાં, કૃષ્ણ પોતે જુગારની વિરુદ્ધ છે એટલે એને નામે જુગાર રમવાનું કેવળ ને કેવળ અધાર્મિક છે તે સમજી લેવાનું રહે.
એવું જ ગણેશોત્સવને નામે પણ ચાલે છે. ગણપતિને ક્યારે ય ક્યાં ય પણ દારૂ પીતા બતાવાયા છે? કે એ કોઈ પંડાલમાં જુગાર રમતા દેખાયા છે? તો, આપણને ગણપતિની મૂર્તિ સામે જ દારુ પીવાનો કે જુગાર રમવાનો અધિકાર કેવી રીતે મળી જાય? બને કે આવું બધે ન થતું હોય, તો, પણ ક્યાં ય પણ ધર્મને નામે અધાર્મિક થવાનો પરવાનો તો ન મળે ને ! આપણને માણસની તો ઠીક, ભગવાનની શરમ પણ નડતી નથી. નડતી હોત તો તેની સામે બેસીને દારુ પીવાયો હોત કે જુગાર ખેલાયો હોત? કોઈ ધર્મમાં ભગવાનનું આટલું અપમાન થતું નથી ને આપણે તે કરવામાં જરા જેટલી પણ નાનમ અનુભવતા નથી.
નવરાત્રિ વખતે પણ માતાને નામે, માતા બનવા સુધી વાત પહોંચે છે એવું નથી? આ ધર્મ છે? ભક્તિ છે? ને આપણે હિન્દુ હોવાનું ગૌરવ લઈએ છીએ, આમાં કયું ગૌરવ જળવાય છે? પ્રમાણમાં હિન્દુ ધર્મ વધારે ખુલ્લો અને સહિષ્ણુ છે, પણ જે ઉઘાડાપણું તહેવારોને નામે વકરે છે એને કોઈ રીતે ધર્મને જમા પક્ષે મૂકી શકાય નહીં. આ જ વર્ષની વાત કરીએ તો દશામાની હજારો મૂર્તિઓ ખંડિત હાલતમાં વિસર્જન થયા વગર રઝળતી હાલતમાં જોવા મળી. આપણાં દેવીદેવતાઓનું વિદેશમાં અપમાન થાય છે તો આપણાં ભંવાં ચડી જાય છે, તે ચડવાં પણ જોઈએ, પણ આપણે, આપણા જ શહેરમાં આપણી જ મૂર્તિઓને રઝળતી મૂકીએ છીએ ત્યારે કેમ હૃદયમાં ચિરાડો નથી પડતી? ગણેશોત્સવની ધીમે ધીમે છૂટ મળી છે. પહેલાં વિસર્જન બહાર નહીં કરવા દેવાની વાત હતી. હવે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરી શકાય એવી છૂટ મળી છે. આ છૂટ પછી પણ વિસર્જન વખતે ભક્તો ગમે ત્યાં મૂર્તિ રઝળતી મૂકે એમ બને. ખરેખર તો તંત્રોએ વિસર્જનને દિવસે ચાંપતો બંદોબસ્ત રાખવો જોઈએ, જેથી મૂર્તિઓનો રઝળપાટ અટકે. મ્યુનિસિપલ કોર્પોરેશન પછી બધી મૂર્તિઓ સમેટીને ડુમસના દરિયામાં પધરાવી આવે છે, એ કામ કોર્પોરેશન વિસર્જનને દિવસે જ કરી શકે. તે આગોતરી જાહેરાત કરી શકે કે જેમને મૂર્તિ વિસર્જનની મુશ્કેલી છે તે ચોક્કસ જગ્યાએ મૂર્તિ જમા કરાવી શકે ને તે પછી કોર્પોરેશન બધી મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરી આવે. આમ થશે તો ઘણી મૂર્તિઓ રઝળતી અટકશે.
છેલ્લાં બેત્રણ વર્ષમાં એક નવી વાત સામે આવી છે. સિવિલથી મજૂરા ગેટ જવાના રસ્તે ગણેશની ને માતાજીની મૂર્તિઓ લઈને થોડા કારીગરો બેસતા હોય છે, એવું પાંડેસરા, બમરોલી, અડાજણ જેવા વિસ્તારોમાં પણ બેસે છે. વરસાદથી મૂર્તિઓ બચાવવા તેઓ પ્લાસ્ટિક ઢાંકે છે, પણ આસ્થા અને ભક્તિની બાબતમાં આ કારીગરો ઉઘાડા પડી જાય છે. ગણેશની કે માતાજીની મૂર્તિઓ જે તે તહેવાર શરૂ થાય ત્યાં સુધી વેચાતી હોય છે. આ કારીગરો વેચાય ત્યાં સુધી મૂર્તિઓ વેચે છે, તે પછી પણ મૂર્તિઓ વધે છે. આ વધેલી મૂર્તિઓ જે તે કારીગરોએ સાથે લઈ જવાની હોય, પણ તેઓ તેવું કરતાં નથી અને મૂર્તિનો ઢગલો એમ જ સ્થળ પર છોડીને જતા રહે છે. જે ભગવાને થોડીઘણી કમાણી કરાવી આપી, એ ભગવાન કારીગરોને એકદમ નકામા લાગવા માંડે છે ને એ પછી એમ જ રસ્તે મૂકીને ચાલતા થાય છે. એ ખરું કે નથી વેચાયા એ ભગવાન આ મિત્રોને કમાવી આપે એમ નથી, એટલે બોજ ઊંચકીને ક્યાં ફરવું? એટલે એ જ ભગવાનને નોધારા મૂકીને જતાં રહે છે. એમણે સમજવું જોઈએ કે જે નથી વેચાયા એ ભગવાનને નિમિત્તે જ એ બધા રોટલા ભેગા થયા છે. આમાં પીડા એ વાતની છે કે બધા જ ભગવાનને નામે માત્ર ધંધો કરે છે ને એમાં પવિત્રતા કે લાગણી કે ધર્મ કે આસ્થા જેવું ખાસ કૈં નથી. ધંધો થઈ ગયો, નફો ગાંઠે બાંધ્યો, એટલે હવે બીજા કશાની જરૂર રહેતી નથી, પછી એ ભગવાન જ કેમ ન હોય, એને છોડી શકાય છે. એમ લાગે છે આ મૂર્તિકારો કે વેચનારાઓને ધર્મ જેવું જ ખાસ નથી. એને તો ગોળ વેચવો કે ગણપતિ, એ બે વચ્ચે કોઈ ફરક નથી. ગણપતિ કે માતાજી એને માટે એક આઇટેમ છે, માત્ર આઇટેમ ! એથી વિશેષ એનું કોઈ મૂલ્ય નથી. એવું જ પંડાલમાં પધરાવાયેલ ભગવાનનું પણ છે. એક વાર સ્થાપના થઈ જાય, પછી ત્યાં જુગાર રમાય કે દારૂ પીવાય, કોઈને કોઈ સંકોચ થતો નથી.
આપણી જાતને પ્રમાણિકતાથી પૂછવા જેવું છે કે હિન્દુ ધર્મ સંદર્ભે જે આપણે કરીએ છીએ તે જ હિન્દુ ધર્મની અપેક્ષા છે કે હિન્દુ ધર્મની મહાનતાની જે વ્યાખ્યા કે સમજ છે તેમાં દેવીદેવતાને રઝળાવવાનું કહ્યું છે કે એ આપણા દંભની નીપજ છે? વિસર્જન પછી મૂર્તિઓ ખંડિત હાલતમાં રઝળતી હતી તે ઓછું હતું તે હવે સ્થાપનાના દિવસથી જ ન વેચાયેલી મૂર્તિઓ રઝળતી થઈ જાય છે ને તેની ન તો તંત્રને કે ન તો ભક્તોને કોઈ શરમ છે. આ કયા પ્રકારની ધાર્મિકતા છે કે હિન્દુઓ જ તેમના દેવીદેવતાઓને રઝળાવે છે ને કોઈનું રૂંવાડું ય ફરકતું નથી?
એટલું થયું કે ગણેશ ઉત્સવ સમિતિએ થોડી રઝળતી મૂર્તિઓ ભેગી કરીને તેને વિસર્જિત કરી, પણ એટલું પૂરતું નથી. મૂર્તિ વેચનારાઓ મૂર્તિઓ રઝળતી મૂકીને જઈ જ ન શકે એટલી, સમિતિઓએ ને તંત્રોએ આગોતરી વ્યવસ્થા જ કરવી જોઈએ, જેથી મૂર્તિ રઝળવાનો વારો ન આવે. અન્ય દેશમાં કોઈ મૂર્તિ તોડે છે તો આપણને આગ લાગી જાય છે ને એની ટીકા કરતાં કહીએ છીએ કે એ વિદેશીઓ પોતાના ભગવાનને છેડતા નથી, તો હિન્દુ દેવી દેવતાઓને કેમ છંછેડે છે? આપણી લાગણી વાતે વાતે દુભાઈ જાય છે, પણ અહીં આપણા જ દેવીદેવતાઓને આપણે જ રઝળાવીએ છીએ ત્યારે લાગણી દુભાતી નથી. એ જ બતાવે છે કે આપણા બતાવવાના ને ચાવવાના જુદા છે. આપણે દંભી અને લાગણીહીન, સ્વાર્થી અને લોભી પ્રજા છીએ. આપણું ચાલે તો આપણે સૂર્યને ચાવી જઈએ અને ઓડકાર પણ ન ખાઈએ.
ભગવાન બચાવે આવા દંભી ધાર્મિકોથી અને અસલી ભીરુઓથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 સપ્ટેમ્બર 2021