નરેન્દ્ર મોદી ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો સાથે લોકસભાની ચૂંટણી જીત્યા, ત્યારે મારાં બે અનુમાન હતાં અને હજુ આજે પણ છે કે તેઓ આ વખતે તેમની બીજી મુદ્દત દરમ્યાન આર્થિક મોરચે ધ્યાન કેન્દ્રિત કરશે અને અર્ણવ ગોસ્વામીઓને તેમ જ આર્મી ઓફ ટ્રોલ્સને ડામીને રાખશે. આવાં બે અનુમાન કરવા પાછળનાં અનેક કારણો છે.
વાચકોને યાદ હશે કે પાંચ વરસના અંતે નરેન્દ્ર મોદીએ તેમની સિદ્ધિઓ બતાવીને લોકસભાની બીજી મુદ્દત માટે મત નહોતા માગ્યા; પરંતુ તેમણે દેશપ્રેમ, રાષ્ટ્રવાદ અને કૉન્ગ્રેસનો ઇતિહાસ યાદ કરાવીને મત માગ્યા હતા. તેઓ ચૂંટણી ભલે જીતી ગયા, પરંતુ તેમને પોતાને એટલી તો જાણ હોય જ કે તેમની પહેલી મુદ્દત આર્થિક મોરચે નાદારીની હતી તે ત્યાં સુધી કે તેઓ કોઈ બાબતે શ્રેય લઈ નહોતા શક્યા. તેમને (અને વાચકોને પણ) એ વાતની યાદ હશે કે આગલી યુ.પી.એ. સરકાર સામે પોતે ઝાંખા ન દેખાય એ માટે જી.ડી.પી.ના માપદંડ બબ્બે વાર સુધારવામાં આવ્યા હતા. પહેલીવારમાં માપદંડને બદલીને યુ.પી.એ. સરકારનો જી.ડી.પી. ઘટાડી નાખ્યો હતો અને એ પછી હજુ એક વાર જી.ડી.પી.નો માપદંડ બદલીને પોતાનો વધારી દીધો હતો. આને રમતગમતની ભાષામાં ખેલદિલીનો અભાવ કહેવાય અથવા અંચઈ કહેવાય, પણ સમરથ કો નહીં દોષ ગુંસાઈ.
તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ યાદ હશે કે તેમણે રિઝર્વ બેંકની મરણ મૂડી માગવી પડી હતી અને એવું ભારતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. નબળામાં નબળી સરકારે રિઝર્વ બેંકની મરણ મૂડી નથી માગી. સરકારે જ્યારે ડોશીની મરણમૂડી વાપરવાની જીદ કરી ત્યારે તેના વિરોધમાં રિઝર્વ બેંકના ગવર્નર ડૉ. ઊર્જિત પટેલે રાજીનામું આપી દીધું હતું. તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ યાદ હશે કે રિઝર્વ બેંકના બબ્બે ગવર્નરો, કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર, નીતિ આયોગના ડેપ્યુટી ચેરમેન જેવા દેશનું અર્થતંત્ર સંભાળનારા અડધો ડઝન ચાવીરૂપ માણસો મુદ્દત પૂરી કર્યા વિના જતા રહ્યા છે અને તેમને એ વાતની પણ યાદ હશે કે તેમની જગ્યાએ કોઈ તેજસ્વી માણસ આવવા રાજી નથી. બી.એસ.સી. થયેલા માણસને રિઝર્વ બેકનો ગવર્નર બનાવવો પડ્યો છે, અર્થશાસ્ત્રમાં કોઈ ખ્યાતિ નહીં ધરાવનારા કોઈ એક અજાણ્યા આંગળિયાતને નીતિ આયોગનો ડેપ્યુટી ચેરમને બનાવવો પડ્યો છે અને આર્થિક સલાહકારની જગ્યા એક વરસથી ખાલી પડી છે.
તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ જાણ હશે કે બેકારીનો દર વધી રહ્યો છે એવું કહેનાર ચાવીરૂપ સરકારી સંસ્થા નેશનલ સેમ્પલ સર્વેનો અહેવાલ દબાવી દીધો હતો. સરકાર પોતે જ પોતાની એજન્સીઓના અહેવાલ અને એ પણ સેમ્પલ સર્વેને દબાવે અને તેનો અસ્વીકાર કરે એવું પણ ભારતમાં પહેલી વાર બન્યું હતું. નેશનલ સેમ્પલ સર્વેની રચના શબ્દ જ સૂચવે છે એમ નમૂનારૂપ ડેટા એકઠા કરવા માટે કરવામાં આવી હતી જેને આધારે સરકાર પ્રાથમિકતા નક્કી કરી શકે અને જરૂર પડ્યે પ્રાથમિકતા બદલી શકે. જો રોજગારીમાં ઘટાડો થતો નજરે પડે તો સમજદાર શાસકો તેનો ઘટાડો કેમ રોકવો અને રોજગારી કઈ રીતે પેદા કરવી એ વિષે વિચારવા માંડે. શાસકોને સમયાંતરે નેશનલ સેમ્પલ સર્વે સેમ્પલ ડેટા ચકાસીને જાણ કરતી રહે કે દેશમાં શું બની રહ્યું છે. ઉદ્દેશ એ છે કે શાસકો ઊંઘમાં ઝડપાઈ ન જાય. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા શાસક છે જેમણે જગાડનારને જ ઓરડામાં પૂરી દીધો.
આટલાં પ્રમાણ પૂરતાં છે, નહીં? જો હજુ વધુ જોઈતાં હોય તો પંદર-વીસ બીજાં મળી શકે એમ છે. નરેન્દ્ર મોદી આ બધું જાણે છે એટલે તેમણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને નામે લડી હતી, કૉન્ગ્રેસને ગાળો આપીને લડી હતી; સિદ્ધિઓના નામે નહોતી લડી. પ્રજાને ભૂલવાડી દેવાય, પણ કર્તાને તો યાદ જ હોય જ કે આપણે શું ઉકાળ્યું છે.
આ હકીકત જોઈને મને એમ લાગતું હતું કે હવે તેમને બીજી મુદ્દત મળી જ છે તો તેનો ઉપયોગ તેઓ આર્થિક મોરચે ધ્યાન આપીને કરશે. જો દેશના સફળ વડા પ્રધાનમાંના એક તરીકે અમર થવું હોય તો આ કર્યે જ છૂટકો છે. દેશપ્રેમને બહેકાવીને અને બીજાને ગાળો દઈ દઈને તમે ક્યાં સુધી રોડવો? તમારે તમારું રળતર કરવું જ રહ્યું. અમર બનવાનો આ જ એક માર્ગ છે અને નરેન્દ્ર મોદી તો પાછા મહત્ત્વાકાંક્ષી માણસ છે. બીજું, જાગતિક સ્તરે આર્થિક પડકારો ઘણા મોટા છે અને તે વધવાના છે. જાગતિક મંદી, નિકાસમાં ઘટાડો, ચીન સાથેની હરીફાઈ, રોબોટાઈઝેશન, અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલી, ભારતને આપવામાં આવેલો ખાસ દરજ્જો અમેરિકાએ રદ્દ કર્યો વગેરે પ્રકારના અનેક પડકારો ઊભા છે અને તેમાં વધારો જ થવાનો છે. એ રીતે પણ વડા પ્રધાને આર્થિક મોરચે ધ્યાન આપવું પડે એમ છે.
મારા સહિત દેશમાં અનેક લોકોને એમ લાગતું હતું કે આ વખતે વડા પ્રધાન કોઈ પ્રોફેશનલ ઈકોનોમિસ્ટને નાણા પ્રધાન બનાવશે જેમ પી.વી. નરસિંહ રાવે ડૉ. મનમોહન સિંહને બનાવ્યા હતા. વડા પ્રધાને નિર્મલા સીતારામનને નાણા પ્રધાન બનાવ્યાં ત્યારે જ અડધી ઉમેદ આથમી ગઈ હતી. આનો અર્થ એવો નથી કે નિર્મલા સીતારામન કાંઈ કરી શકે એમ નથી અને નિષ્ફળ નીવડવાનાં છે. તેઓ કદાચ જાદુ કરી પણ શકે, પરંતુ તેમની પૃષ્ઠભૂમિ જોતાં એવી શક્યતા બહુ ઓછી છે. આમ કેટલીક બાબતે સફળતા મેળવીને અમર બનવા માટે બીજી વાર દાવ રમવા મળ્યો હોવા છતાં પણ વડા પ્રધાને તેને ગંભીરતાથી લીધો નથી એમ તેમનું પ્રધાન મંડળ જોતાં લાગે છે. એક વિદેશ પ્રધાન છોડીને એ જ જૂના ચહેરાઓ છે જેમાંના ૯૦ ટકા લોકો પહેલી મુદ્દતમાં કાંઈ ઉકાળી શક્યા નહોતા.
બીજી વાર દાવ રમવા અને રેકોર્ડ સુધારવાની તક બહુ ઓછા નસીબદાર લોકોને જ મળતી હોય છે. નરેન્દ્ર મોદી આવા નસીબદાર છે અને છતાં ય કોઈ સજ્જ માણસને નાણા પ્રધાન બનાવીને મંગલાચરણ કરવાની જગ્યાએ નિર્મલાચરણ કર્યું છે. આમ અડધી ઉમેદ તો જતી રહી છે.
હવે રહી બીજાં અનુમાનની વાત તો એ આવતા અઠવાડિયે.
[‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 જૂન 2019]