ભગવદ્ ગીતામાં સાંખ્યયોગ છે, કર્મયોગ છે, योग: कर्मषु कौशलम्થી શરૂ કરીને योग: चित्तवृत्ति निरोध: સુધીનું સમગ્ર યોગદર્શન છે, ભક્તિયોગ છે, જ્ઞાનયોગ છે, સાધનાયોગ છે, ભગવાન કૃષ્ણએ વિરાટનું એટલે કે પોતાનું દર્શન કરાવ્યું છે, મનુષ્યની પામરતા બતાવી છે અને એ સાથે જ મનુષ્ય તરીકે સર્વોચ્ચ શિખરે પહોંચવાના સામર્થ્યની વાત કરાઈ છે એમ બધું જ છે.
મનુષ્ય પામર છે. તે વિરાટ સામે ન-જેવો અણુ છે, પરંતુ તે વિરાટનો અણુ છે એટલે કે અખંડનો હિસ્સો છે. મનુષ્ય સ્વભાવ ધર્મ અને ફરજથી બંધાયેલો છે એટલે તે તેનાથી ભાગી ન શકે, તેણે જરૂર પડ્યે યુદ્ધ કરવું જ જોઈએ. મનુષ્ય કર્મફળથી બંધાયેલો છે, પરંતુ ફળ પરત્વે અનાસક્ત રહીને સન્યાસવૃત્તિથી કર્મ કરી શકે છે. મનુષ્ય પરમ જ્ઞાની બનીને મુક્ત થઈ શકે છે, પરંતુ એની કાથાકૂટ પડ્યા વિના જો તે ભક્ત બનીને મારા શરણે આવે તો પણ તે મુક્ત થઈ શકે છે. મને (ભગવાનને) ભક્ત વધારે વહાલો છે. એમ દરેક પ્રકારનાં પ્રથમ નજરે વિરોધાભાસી જણાતાં ઉપદેશો ભગવાન ગીતામાં આપે છે.
જે અભ્યાસી સમગ્રમાં ગીતાને પકડવાની કોશિશ કરે એ ચકરાવો ખાઈ જાય, પરંતુ એ જ ગીતાના ઉપદેશોને પામવાનો ઉત્તમ માર્ગ છે. વ્યાસ મૂર્ખ નહોતા અને નબળા સર્જક પણ નહોતા કે જ્યાંથી જે તત્ત્વજ્ઞાન મળ્યું તેનું પડીકું વાળી દીધું. માણસ અખંડનો હિસ્સો છે અને છતાં સ્થળ-કાળ-ફરજ-સ્વભાવનાં કર્મ પરિબળોથી બંધાયેલો છે માટે ખંડિત છે. તે ખંડિત છે અને છતાં અખંડિત છે. આ બધા પહેલી નજરના વિરોધાભાસોને સમજવા પડશે.
દુર્ભાગ્યે આપણે ત્યાં ગીતાને તપાસવામાં બે મુશ્કેલીઓ નજરે પડી રહી છે. આદિ શંકરાચાર્ય પછી ભારતીય દાર્શનિક પરંપરા દ્વૈત-અદ્વૈતમાં અને હજુ આગળ વધીને પેટા સંપ્રદાયોમાં વિભાજીત થઈ હોવાથી જે તે શાખાના આચાર્યો અને પછીના અનુવર્તી ટીકાકારો ગીતાનું પોતાના સંપ્રદાયને માફક આવે એ રીતે અર્થઘટન કરતા આવ્યા છે. હજુ આજે પણ આ જ માર્ગ અપનાવામાં આવે છે. બીજી મુશ્કેલી કહેવાતા ચિંતકોની છે જે કોઈ સંપ્રદાયને વરેલા નથી હોતા એ ખરું, પરંતુ શ્રોતાઓ કે વાચકથી એટલા ડરેલા હોય છે કે તેઓ તેમનું રંજન કરવા એક વિચારને પકડીને વિચાર-વિસ્તાર કરે છે. અર્જુને કરવા જોઈતા યુદ્ધની વાત કરે તો એટલા રંગમાં આવી જાય કે ભગવાને કહેલા કર્મ-સંન્યાસની વાત જ ભૂલી જાય.
આગળ કહ્યું એમ વ્યાસ મૂર્ખ નહોતા અને નબળા સર્જક પણ નહોતા. તેમણે જ્યારે દરેક પ્રકારની મનુષ્ય-વૃત્તિઓને મહાભારતની કથામાં વણી લીધી અને મનુષ્યની મુક્તિના દરેક માર્ગો અને વિચાર-પ્રવાહો એક જગ્યાએ વણી લીધા તો તેની પાછળ કોઈ હેતુ હોવો જોઈએ. પણ આને સમજવા માટે વિવેક કરવો પડે. સાંપ્રદાયિક પક્ષાપક્ષીથી કે પછી શ્રોતાને આંજી દેવાની આસક્તિથી પણ મુક્ત થવું જોઈએ. આગળના લેખમાં કહ્યું હતું એમ અનાસક્ત વિવેક ગીતાનું રહસ્ય છે.
વ્યાસે બધા જ પ્રકારની પહેલી નજરે વિરોધાભાસી જણાતી વાત કર્યા પછી આ બધાની કલગીરૂપ વાત કરી છે. જેમ દોઢસો વર્ષનો રાષ્ટ્ર-વિમર્શ બંધારણમાં પરિણમ્યો છે, એમ કૃષ્ણાર્જુન વિમર્શનો નીચોડ ગીતામાં સ્થિતપ્રજ્ઞ લક્ષણની વાતમાં જોવામાં મળે છે અને એ પણ બીજા જ અધ્યાયમાં. જે કહેવું જોઈએ એ બધું જ બીજા અધ્યામાં લગભગ આવી જાય છે. જે માણસ ગીતાનો બીજો અધ્યાય સમજી લે એ જીવન સમજી લે એવો મારો નમ્ર અભિપ્રાય છે. જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે એ જ્ઞાન, કર્મ, ભક્તિ, સાધના એમ દરેક વાતે વિવેક કરી શકે. કોઈની ભૂમિકા નકારે નહીં અને કોઈને વરેલો રહે નહીં. વરેલો રહે માત્ર પ્રજ્ઞાને, એવી પ્રજ્ઞા જે અનાસક્ત વિવેક દ્વારા સ્થિર થયેલી હોય.
વિનોબા ભાવેએ ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ નામના તેમના ગ્રંથમાં કહ્યું છે કે આ શબ્દ ગીતાનો ખાસ શબ્દ છે. ગીતાની આગળના ગ્રંથોમાં આ શબ્દ જોવા નથી મળતો અને ગીતાની પછીના ગ્રંથોમાં આ શબ્દ ખૂબ વપરાતો જોવા મળે છે. ગીતા પહેલાનાં ગ્રંથોમાં કર્મયોગી, જીવનમુક્ત, યોગારૂઢ, ભગવદ્-ભક્ત, ગુણાતીત, જ્ઞાનનિષ્ઠ આદિ શબ્દો જોવા મળે છે અને તેમાંના કેટલાક ગીતામાં પણ વપરાયેલા જોવા મળશે; પરંતુ સ્થિતપ્રજ્ઞમાં આ બધાં જ લક્ષણો આવી જાય છે. આનો અર્થ એ થયો કે ભગવાન વ્યાસે વિચાર અને અભિગમોની સાધક-બાધક ચર્ચા કર્યા પછી તેને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવી તેમ તેને વિરામ આપ્યો છે.
વિનોબા આ મુજબ ક્રમ બતાવે છે. યોગ-બુદ્ધિનું પહેલું સ્વરૂપ છે કર્તવ્ય-નિશ્ચય. કર્તવ્ય-નિશ્ચય થયા વિના સાધનાનો આરંભ ન થઈ શકે. નિશ્ચય પછી એકાગ્રતા એટલે કે સાધનામાં તન્મયતા, ફળ ઉપર ધ્યાન આપ્યા વિના સાધનામાં લીન થવાની વૃત્તિ. આ બીજી મંજિલ છે. એની આગળની મંજિલ ચિત્તની નિર્વિકાર દશા અથવા સમતા, અર્થાત્ સમાધિ. એ જ્યારે સ્થિર, અચલ થઈ જાય, હવાના ઝોંકાથી પણ દીવાની જ્યોત ડગે નહીં એવી થઈ જાય એને સ્થિતપ્રજ્ઞાવસ્થા પ્રાપ્ત થાય છે. એ એવી અવસ્થા હોય છે જેના પર વિકારોની, વિચારોની, અરે વેદ-વચનોની પણ સત્તા રહેતી નથી એટલે કે તે તેને પ્રભાવિત કરી શકતાં નથી. આમ યોગ-બુદ્ધિની ચાર મંજિલ છે : ૧. સાધન-નિશ્ચય, ૨. ફળ-નિરપેક્ષ એકાગ્રતા, ૩. સમતા અથવા સમાધી અને ચાર. સ્થિર સમાધિ – અખંડ, નિશ્ચલ અને સહજ. આનું નામ સ્થિતપ્રજ્ઞાવસ્થા. વિનોબા ભાવેએ પૂર્વ-ભૂમિકારૂપે ચાર મંજિલ બતાવ્યા પછી સ્થિતપ્રજ્ઞ લક્ષણના ૧૯ શ્લોકોનું ૧૮ પ્રકરણમાં વિવેચન કર્યું છે.
પ્રારંભ આ રીતે થાય છે : અર્જુન ભગવાનને પૂછે છે : स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव I स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम I I અર્થાત્ સ્થિતપ્રજ્ઞના લક્ષણો શું છે? એ કેવી રીતે બોલે છે, કેવી રીતે રહે છે, કેવી રીતે ફરે છે એ બધું મને કહો. એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને એ પછીના ૧૮ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવ્યાં છે.
ગીતા પરની ચર્ચા પૂરી કરતાં પહેલાં મારી વાચકોને આગ્રહપૂર્વકની એક વિનંતી છે. ગીતાનો બીજો અધ્યાય પુનઃ પુનઃ વાંચો. પહેલી નજરે જાડું ભાસતું વણાટકામ મુલાયમ થતું જશે. મારી બીજી વિનંતી એવી છે કે બને ત્યાં સુધી કોઈ સંપ્રદાયીક ગુરુના ગ્રંથોનો આશ્રય ન લેવો. શ્રોતા કંટાળીને ભાગી ન જાય એવા ડરીને રંજન કરનારા પ્રવચનકારો કે લેખકો તો જરા ય કામના નથી. આ બન્ને પ્રકારના લોકોને પોતાને જ આસક્તિથી મુક્ત થવાનું બાકી છે. તમારી જાતે વાંચો. પુનઃ પુનઃ વાંચો અને જરૂર પડ્યે વિનોબા જેવા સ્વતંત્ર દાર્શનિકની સલાહ લો. ભગવદ્ ગીતા કામધેનું જેવો ખૂબ લાભકારી ગ્રંથ છે.
[‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 જૂન 2019]