જીવનઘડતર, સમાજનિષ્ઠા, શિક્ષણવંચિતતા, વિદ્યાર્થીઓ, શિક્ષકો, છાત્રાલયો, ગ્રંથાલયો, માધ્યમ, વિશ્વવિદ્યાલયો, અનુદાન, માનવવિદ્યાઓ જેવાં શિક્ષણનાં અનેક પાસાં પર ઉમાશંકરે લેખન કર્યું છે
સર્જક ઉમાશંકરને ઘણાં પોંખનાર ગુજરાતે શિક્ષક ઉમાશંકરને ઓછા પિછાણ્યા છે. ‘જાહેરજીવનનો કોઈ એવો પ્રશ્ન નહીં હોય જેના વિશે ઉમાશંકરે વિચાર્યું કે લખ્યું નહીં હોય’ એવું નિરીક્ષણ તેમના કવિના શિક્ષણચિંતનને પણ તંતોતંત લાગુ પડે છે. કેળવણીના સંખ્યાબંધ પાસાં અંગેનાં તેમનાં મંતવ્યો અનુભવ, અભ્યાસ અને વ્યાપક માનવતાવાદી આદર્શો પર આધારિત છે. તે બધાં ‘કેળવણીનો કીમિયો’ નામના સંચય ઉપરાંત, તેમણે સાડત્રીસ વર્ષ ચલાવેલાં અનન્ય માસિક ‘સંસ્કૃિત’નાં લખાણોમાંથી બનેલાં ‘સમયરંગ’, ‘શેષ સમયરંગ’ અને ‘જગતરંગ’ ગ્રંથો, તેમ જ ‘હૃદયમાં પડેલી છબિઓ’ના બીજા ભાગમાં વાંચવા મળે છે.
તેમાંથી સમજાય છે કે ઉમાશંકરનો કેળવણીવિચાર સમાજકેન્દ્રી અને નક્કર હતો, કારણ કે તેમને શિક્ષણક્ષેત્રનો ઠીક પ્રત્યક્ષ અનુભવ હતો. ‘કેળવણી શબ્દ મારે મન ધર્મનો ઘરગથ્થુ પર્યાય છે’ એમ લખનાર ઉમાશંકરે ‘વર્ગ એ સ્વર્ગ’ નામના નાનકડા નિબંધમાં ખુદની ઓળખ ‘ગુજરાતનો આપ-નિયુક્ત ફરતો શિક્ષક’ એમ આપી છે. આવા શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત મુંબઈના વિલેપાર્લેની ગોકળીબાઈ શાળાથી થઈ. પછી 1938માં સિડનહામ વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજમાં ગુજરાતી ભાષાના ખંડ સમયના અધ્યાપક બન્યા. તેના પછીનાં જ વર્ષે આનંદશંકર ધ્રુવના આમંત્રણથી તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાએ શરૂ કરેલાં અનુસ્નાતક અધ્યયન-સંશોધન કેન્દ્રમાં જોડાયા. અહીં તેમણે પુષ્કળ સંશોધન કરીને ‘પુરાણોમાં ગુજરાત’ પુસ્તક ઉપરાંત ‘હિંદ છોડો’ ચળવળની ભૂગર્ભ પત્રિકાઓ લખી. સપ્ટેમ્બર 1946માં વિદ્યાસભામાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. તે પછીનાં બાર વર્ષ કોઈ પણ પ્રકારની નોકરીથી દૂર રહી તેમણે ‘સંસ્કૃિત’ના સંપાદન અને લેખન-વાચન માટે આપ્યાં. ઉપરાંત ‘સેલ્ફ-અપૉઇન્ટેડ ટ્રાવેલિન્ગ ટીચર ઑફ ગુજરાત’ તરીકે ‘દક્ષિણમાં વાંસદા, ઉત્તરમાં રાધનપુર, પશ્ચિમમાં પોરબંદર એમ જુદે જુદે સ્થળે અવારનાર’ વ્યાખ્યાનો માટે જતા. સણોસરાની લોકભારતી સાથે વૈચારિક અને આયોજનની ભૂમિકાથી સંકળાયા. તેઓ જૂન 1954માં ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષાભવનમાં અધ્યાપક-અધ્યક્ષ નિમાયા. ચીમનભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને ઠાકોરભાઈ દેસાઈ થકી ઉચ્ચ શિક્ષણમાં કૉન્ગ્રેસે વર્ચસ જમાવવાની શરૂઆત કરી હતી. ‘રાજકારણને શિક્ષણમાંથી દૂર રાખવા’ ઉમાશંકર 1966ના નવેમ્બરમાં કુલપતિ માટેની ચૂંટણી જીત્યા અને વાઇસ-ચાન્સલર બન્યા. એ જ રીતે 1969માં ત્રણ વર્ષની મુદત પૂરી થતાં ફરી એકવાર તેઓ વાઇસ-ચાન્સલર બન્યા. 1972માં તેમની મુદત પૂરી થવામાં હતી ત્યારે અધ્યાપકોએ આગામી કુલપતિપદની ચૂંટણી રોકવા માટે હડતાળ પાડી. હિંસાચારની સંભાવના છતાં યુનિવર્સિટી પ્રાંગણમાં બંદોબસ્ત માટે પોલીસ બોલાવવાનો તેમણે ઇન્કાર કર્યો, ત્રણ દિવસના ઉપવાસ પર ઊતર્યા અને રાજીનામું આપ્યું. તેનાં સાત વર્ષ બાદ, 1979થી ત્રણ વર્ષ માટે ઉમાશંકરે પશ્ચિમ બંગાળની વિશ્વવિખ્યાત વિશ્વભારતી-શાન્તિનિકેતનનું માનાર્હ આચાર્યપદ શોભાવ્યું.
ઉમાશંકરની વિચારસૃષ્ટિમાં શિક્ષણનું જે અત્યુચ્ચ સ્થાન છે તેનાં મૂળ તેમનાં ઉછેર અને વિદ્યાર્થીકાળમાં છે. ઇડરનાં રજવાડાનાં ત્રણ ગામના પ્રગતિશીલ કારભારી પિતા જેઠાલાલે બામણા ગામમાં શાળા શરૂ કરી હતી. તેમાં ભણ્યા પછીનો અભ્યાસ ઉમાશંકરે ઇડરની ઍન્ગ્લો વર્નાક્યુલર શાળામાં કર્યો. અહીંના ‘ગુરુગણની મહેનત’ વિશે તેમણે ઊંડી કૃતજ્ઞતાથી લખ્યું છે. કંઈક આવો જ ભાવ તેમને અમદાવાદની પ્રોપરાયટરી શાળા માટે પણ હતો. ‘રાષ્ટ્રીય ચળવળમાં રસ હોવાથી’ ઉમાશંકરે આ શાળામાં પ્રવેશ લીધો હતો. એકંદરે, આમ વિદ્યાર્થીઓ માટેનો અંગત રસ અને રાષ્ટ્રીય ચેતનાનઓ આવિર્ભાવ એ ઉમાશંકરના શાળાજીવનના મુખ્ય અનુભવ હતા. આઝાદીની ચળવળ દરમિયાન કૉલેજશિક્ષણ તો આ ચેતનવંતા યુવાન માટે સ્વર્ગ સમું હતું. વીરમગામ-સાબરમતી-યેરવડા-વિસાપુર જેવી જેલો તેમની યુનિવર્સિટી બનતી. સજાની મજૂરી વચ્ચે મજૂરોના મસિહા માર્ક્સનો અભ્યાસ થયો. બેએક ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે ગાંધી અને કાકાસાહેબના સહવાસ, વિશાળ ગ્રંથાલય, તેજસ્વી મિત્રો, અગ્રણીઓનાં વ્યાખ્યાનો થકી ઉમાશંકર ન્યાલ થઈ ગયા. વિદ્યાપીઠને તેમના માટે જીવનની સાચી કેળવણી આપનારી શિક્ષણ સંસ્થા બની.
કેળવણીનું કામ દરેક માણસની અંદર રહેલા સર્જકતત્ત્વ-ક્રિએટિવ પ્રિન્સિપલને બહાર લાવવાનું છે તેમ ઉમાશંકર માનતા. વિદ્યાર્થી કમાણી રળી શકે તેવું ભણતર પામે તેની સાથે ઉત્તમ માણસ બનવાની કેળવણી પણ મળે એ જોવાવું જોઈએ. કેળવણીનો જીવાતા જીવન સાથે સંબંધ જોડવામાં આવે તો બેકારી નિવારણમાં સાચી મદદ મળે. 1948માં સરકારે નીમેલી વિશ્વવિદ્યાલય સમિતિની પ્રશ્નાવલિમાં ઉમાશંકરે ત્રણ સૂચનો કર્યાં હતાં. એક, કેળવણીનું માધ્યમ સ્થાનિક ભાષા હોવું જોઈએ. બે, મેકૉલે-યોજિત કેળવણીપ્રથામાં જેમ આ છેડે વિદ્યાર્થી દાખલ થતો અને બીજે છેડે કારકૂન નીકળતો એમ, નવી શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થી નિષ્ણાતોરૂપી યંત્રો માટેનો જીવતો માલ ન નીકળે તે સામે સાવધાન રહેવું જોઈએ. ત્રણ, યુનિવર્સિટીમાં કેન્દ્રસ્થાને રાજકારણ કે સમાજનો વ્યવહારુ માણસ નહીં પણ વિદ્યાને સમર્પિત વ્યક્તિ હોવી જોઈએ. રાજ્ય કે સમાજ કેળવણીને આશ્રય આપે, પણ તેને ગુલામ ન બનાવે.
ઉમાશંકરને મન શિક્ષકનું સ્થાન ખૂબ આદર અને જવાબદારીભર્યું છે. તેમણે શિક્ષકને ‘ચેતનાનો માળી’ કહ્યો છે, અને વર્ગને સ્વર્ગ. વર્ગમાં સામી પાટલીએ બેસનારમાં ‘ભવિષ્યના ગોવર્ધનરામ કે આનંદશંકર’ હોઈ શકે એવી શ્રદ્ધા શિક્ષકમાં હોય. ‘વિદ્યાર્થીમાં વિદ્યાપ્રીતિના તાર ઝણઝણાટી ઊઠે’, તેને આખી જિંદગી માટે ‘એકાદ પણ યાદગાર ક્ષણ’ આપી શકાય તે રીતે ભણાવવાનું છે. ‘શિક્ષક પોતે લેસન કર્યા વગર વર્ગમાં પગ મૂકતો નથી’. ‘કેળવણીની હરિયાળીઓ’ ઊગાડનાર નાનાભાઈ, જુગતરામભાઈ, મોતીભાઈ, કરુણાશંકર, કલ્યાણજીભાઈ જેવા કેટલા ય માટે ઉમાશંકરે ભારોભાર આદરથી લખ્યું છે.એ કહે છે : ‘શિક્ષકે સુખી’ એવા ગુજરાતને ઘડવામાં માત્ર પ્રોફેસરોનો જ નહીં, માધ્યમિક શિક્ષકોનો પણ મોટો ફાળો છે, ‘ગુજરાત તેમનાથી ઉજળું છે’. માણસ જેમ માતાની સેવાનું પૂરું વળતર આપી નથી શકતો તેવું શિક્ષકની સેવાઓનું પણ છે – ‘સમાજ હંમેશાં શિક્ષકનો દેવાદાર રહેશે’. જો કે માત્ર ‘ભણાવી ખાનારા’, ‘ભાષણો ઝાડ્યે રાખનારા’, ‘બૌદ્ધિક પારતંત્ર્ય’ જાળવી રાખનારા અને ‘પ્રજાજીવનથી અતડાપણું કેળવનાર’ અધ્યાપકો ઉમાશંકરને ખસૂસ મંજૂર નથી.
ઉમાશંકરના કેળવણી વિચારમાં વિદ્યાર્થી વારંવાર આવે છે. તેમને અભિપ્રેત છે ‘ઠેરઠેરનાં વિદ્યાકાંક્ષી બાળકો, અકિંચન વિદ્યાર્થીઓ’. જો કે વિદ્યાર્થી શારિરીક મહેનત, અભ્યાસ અને સમાજથી વિમુખ રહે તે તેમને બિલકુલ નામંજૂર છે. વિદ્યાર્થીઓ માટેનો પ્રેમ સહુથી વ્યાપક રીતે વ્યક્ત થયો હોય તો તે નવનિર્માણ આંદોલનને લગતાં લખાણોમાં. ત્યાં ઠેકઠેકાણે ઉમાશંકર વિદ્યાર્થીશક્તિના જાણે ઓવારણાં લે છે: ‘વિદ્યાર્થીઓના હાથ સહુથી ચોખ્ખા છે એટલે સહેજે તેઓ ભષ્ટાચાર સામે ઝઝૂમી શકે એમ છે.’ તે વિદ્યાર્થીઓ પરના હિંસાચારના આરોપોનો રાજ્યસભાના પ્રવચનમાં બચાવ કરે છે. આંદોલન પૂરું થતાં તેમને પરીક્ષા આપવા સમજાવે છે. નવનિર્માણમાં કૉલેજની વિદ્યાર્થિનીઓ પર પોલીસે ગુજારેલા દમનથી તેમનું ‘હૃદય અત્યંત વિહ્વળ બને છે’. બંગાળમાં 1974ના મધ્યમાં ‘નક્સલ કહેવાતી છોકરીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો’ તે એમને ‘અમાનુષતાને હદ વટાવી જાય’ તેવો લાગે છે. આ નિમિત્તે તેઓ લેખ લખે છે ‘નેતાગીરીને મન યુવાનોની આ કિંમત?’ ઉદ્યોગપતિઓનો ઉચ્ચ શિક્ષણમાં રસ જોઈને ગુજરાત યુનિવર્સિટીની રચના વખતે ઉમાશંકરે ‘સંસ્કૃિત’ના 1948 જૂનના અંકમાં સવાલ કર્યો હતો : ‘અમદાવાદમાં વિશ્વવિદ્યાલય કસ્તૂરભાઈ ઍન્ડ કંપની માટે રચવાનું છે ?’
અંબાણી ઍન્ડ કંપનીએ જે રચી જ નથી, છતાં જાવડેકર સાહેબે જેને ઇન્સ્ટિટ્યૂશન ઑફ એમિનન્સ બનાવી જ દીધી છે તે જિઓ ઇન્સ્ટિટ્યૂટ સામે ઉમાશંકરે શું સવાલ કર્યો હોત ?
*********
19 જુલાઈ 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 20 જુલાઈ 2018
છવિસૌજન્ય : ઉમાશંકર જોશી નામે વેબસાઇટ