Opinion Magazine
Number of visits: 9552923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલાનુરાગી મહેન્દ્ર મહેતા

મનસુખ સલ્લા|Opinion - Opinion|2 November 2018

બધા માણસો કલાકાર ન બની શકે, પરંતુ કલાના પારખુ, ગુણીજન અને પ્રોત્સાહક તો જરૂર બની શકે. આવા કલાનુભવમાં બીજા અનેકને ભાગીદાર બનાવવાની જેમનામાં ધખના હોય એવી વ્યક્તિઓ સંસ્કારજીવનને ખૂબ સમૃદ્ધ કરે છે.

મૂળે ભાવનગરના અને અમેરિકામાં કૅલિફોર્નિયામાં વસી, એન્જિનિયર તરીકે સારું કમાઈ, પોતાના ઘરને કલાકારોનું ઘર બનાવી દેનારા મહેન્દ્ર મહેતાનું હમણાં (૮-૯-૨૦૧૮) બ્લડ કૅન્સરની લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ કલાના આવા ગુણીજન હતા. ગમતાંનો ગુલાલ કરવાની હોંશવાળા હતા.

મહેન્દ્રભાઈ અને તેમનાં પત્ની મીરાંબહેન સંગીતનાં, કવિતાનાં, આસ્વાદનાં ગજબના શોખીન કહો કે રસઘેલાં. ભારતમાંથી આવા ક્ષેત્રની વ્યક્તિ કૅલિફોર્નિયા આવે, તો તેમનું ઘર કલાકેન્દ્ર બની જાય. બંને એને ઉત્સવની જેમ ઊજવે-માણે. એ માટે ઘસાય અને અગવડો પણ વેઠે. આવનારમાં ઉમાશંકર જોશી હોય કે હરીન્દ્ર દવે હોય, નિરંજન ભગત હોય કે રઘુવીર ચૌધરી, અમર ભટ્ટ હોય કે પુરુષોત્તમ ઉપાધ્યાય હોય. આવા તો અનેક એમના મહેમાન બની ચૂક્યા છે. અમેરિકામાંથી મધુસૂદન કાપડિયાનું કવિતાના આસ્વાદનું દસ-બાર દિવસનું સત્ર પણ ગોઠવે. એટલા દિવસ પોતે ઘરમાં મહેમાન હોય, મહેમાન ઘરધણીની જેમ નિરાંતે રહી શકે.

નાની વિગતોની કાળજી એ એમનાં સ્વભાવ. મહેમાનને શું ભાવશે, વચ્ચે ભૂખ લાગે તો સૂકો મેવો ક્યાં છે, કઈ વસ્તુ ક્યાં પડી છે, તેની મહેમાનને પ્રથમથી ભાળ આપે. કાર્યક્રમની તમામ વિગતો ઉપર એમની નજર હોય. બધું સરસ, ચોકસાઈભર્યું, વ્યવસ્થિત રીતે હોય એનો આગ્રહ રાખે. વચલા સમયમાં (અમેરિકામાં કાર્યક્રમમાં શુક્રવાર રાતથી રવિવાર રાત સુધીમાં જ ગોઠવાય એટલે) પોતે ગાડી ચલાવીને મહેમાનને બધું હોંશથી બતાવે. એમાં મ્યુિઝયમ, યુનિવર્સિટી, દરિયાકિનારાઓ, દરિયાઈ જીવોથી લઈને શિલ્પો અને સ્થાપત્યો ગાઇડની જેમ બતાવે. ઝીણી વિગતો વર્ણવતા જાય. મહેમાન માટે મહેન્દ્રભાઈ છલકાતા હોય. જાણે રોગ કે માંદગીનો પડછાયો પણ નથી.

'દર્શક'-શતાબ્દીના અનુસંધાને અમેરિકન લિટરરી એકૅડેમી ન્યૂજર્સીએ મને વ્યાખ્યાન માટે ૨૦૧૪માં બોલાવ્યો હતો. મહેન્દ્રભાઈ ઇચ્છે કે મને ‘દર્શક' માટે વ્યાખ્યાનો આપવા કૅલિફોર્નિયા બોલાવવો. પણ મને વ્યક્તિગત રીતે ઓળખે નહીં. વક્તા અને અભ્યાસી તરીકે મને પારખવા માટે મહેન્દ્રભાઈ છ કલાકની હવાઈ મુસાફરી કરીને ન્યૂજર્સી આવેલા, ત્યારે એમને કૅન્સર છે, એવું પાકું નિદાન થઈ ચૂક્યું હતું. મને ખૂબ સંકોચ થયો. મેં કાર્યક્રમ ગોઠવવાની જ ના કહી. તેમનો ફોનમાં એક જ જવાબ હોય, એ તો કેમોથેરાપી વખતે અઠવાડિયું બગડે. બાકી કાંઈ વાંધો નથી. થાક લાગે પણ એની ચિંતા કરવાની જરૂર નથી.’ તેમની અંતરની ઇચ્છા કે ‘દર્શક’ શતાબ્દી નિમિત્તે કૅલિફોર્નિયામાં કાર્યક્રમ ગોઠવાય. સરસ ગોઠવાય. વૈવિધ્યભર્યો ગોઠવાય. હું તેમને ઘરે જ પાંચ દિવસ રહેલો. મહેન્દ્રભાઈ અને પ્રતાપભાઈ પંડ્યા મારા યજમાન. મારી સાથે બૉસ્ટનથી પલ્લવીબહેન ગાંધી આવેલાં. કોઈ વ્યક્તિ મહેમાનો માટે આવો ઉમળકો બતાવે એ ઝટ સુલભ નથી હોતું. હું તેમને ત્યાં ગયો (૨૦૧૪), ત્યારે તેમનાં પત્ની કલાબહેનનું અવસાન થઈ ગયું હતું. તેઓ એકલા હતા. રોગગ્રસ્ત હતા, પરંતુ કશું ય તેમને અવરોધી શકે તેમ નહોતું.

દરરોજ સાંજે તેઓ દસબાર જણને આમંત્રણ આપે. ૫-૭ જણ આવી શકે. મોટા ભાગના નિવૃત્ત હોય. ગુજરાત અને ગુજરાતી સાહિત્યને ચાહતા હોય. હું દરરોજ ‘દર્શક’ની એક-એક નવલકથા વિશે ચાલીસ મિનિટ જેટલું બોલું પછી પ્રશ્નોત્તરી થાય. સાંભળનારાં પણ બોલનારાં બને. એમાં અભિજિત પાઠક અને તેમનાં પત્ની પણ હોય, બીજાંઓ પણ હોય. એ બે કલાક જીવંત બની જાય. મહેન્દ્રભાઈ બધું હોંશથી માણે. જાણે કે ટીપે-ટીપે જિંદગીનો રસ લઈ રહ્યા હોય. ‘દર્શક’ વિશેના કાર્યક્રમ અને મારા વક્તવ્યથી તેઓ ખૂબ પ્રસન્ન હતા. તેમની અને પ્રતાપભાઈની ધારણા મુજબ બધું પાર પડ્યું હતું.

દર વર્ષે મહેન્દ્રભાઈ ભારત આવતા. જુદાં-જુદાં નગરમાં સ્નેહીઓને મળવા જતા. પરંતુ ૨૦૧૬ની એમની મુલાકાત છેલ્લી હતી. સૌ પરિચિતો અને સ્નેહીઓને એકસાથે મળી શકીએ એટલે એક હોટલમાં બધાને નિમંત્ર્યા. મને હતું કે આ વિદાય બેઠકનું આયોજન તેઓ કેવી રીતે કરશે ? ન વ્યાખ્યાન, ન લાંબી ભૂમિકા, બે મિનિટના સ્વાગત પછી દલપત પઢિયાર અને નિરંજન રાજ્યગુરુનાં ભજનો સૌએ સાંભળ્યાં. બધાં ભજનના રસથી અને ભોજનના સ્વાદથી તૃપ્ત થયાં.  અનેક લોકો તેમના સ્નેહાનુભવથી તરબોળ થયાં. ક્યાં ય કશી ઔપચારિકતા નહીં. એ છેલ્લી ભારતસફર હતી. પછી ફોન આવતા. છેલ્લે પોતાની ઘટતી જતી પ્રાણશક્તિ વિશે, જાણે, વિદાયગાન હોય તેવો ઇ-મેઇલ સૌ સ્નેહીજનોને મોકલેલો. પછીથી જાણ્યું કે ‘ડગલો’ સંસ્થા દ્વારા એમની કલાસેવા માટે ‘લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ’ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. ‘બે એરિયા’માં સાહિત્ય અને સાંસ્કૃિતક પ્રવૃત્તિઓના એમના યોગદાન વિશે સૌએ મધુરભાવ અને સ્નેહભાવ પ્રગટ કર્યો હતો. તેમણે બધું સાંભળ્યું, પ્રસન્ન થયા. પછી પથારીવશ થયા. શક્તિ ઘટતી જતી હતી, પીડા વધતી જતી હતી. પરંતુ સમતાપૂર્વક પ્રત્યેક ક્ષણને જીવવા પ્રયત્ન કરતા હતા. આખરે દીપ જાણે શાંત રીતે નિર્વાણ પામ્યો.

મહેન્દ્રભાઈ અને મીરાંબહેન કદાચ વહેલેરાં અમેરિકા પહોંચ્યાં, તેથી વતન માટે, એના સાહિત્ય માટે, સંગીત માટે એમનો લગાવ, જીવનભર ટક્યો. એટલે એના આયોજનથી તેઓ અનેકની આત્મીયતામાં નિમિત્ત સાહિત્ય અને સંગીત હતાં. આ ક્ષેત્રનું માધુર્ય તેમના વ્યક્તિત્વમાં પણ અનુભવાતું. છેલ્લાં પાંચેક વર્ષો તો એ એમના જીવતરનો આધાર પણ બન્યા.

એમ કહેવું બધી રીતે ઉચિત અને સંતર્પક છે કે મહેન્દ્રભાઈ મહેતા સારી રીતે જીવ્યા, સાચી રીતે જીવ્યા. અમેરિકામાં ગુજરાતી સાહિત્ય અને સંગીતની ધજા તેમણે ઊંચી રાખી.

E-mail : mansukhsalla@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 17

Loading

2 November 2018 admin
← અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી
કેન્દ્ર સરકારે આબરૂ ગુમાવી છે એમાં અરુણ જેટલીનો મોટો ફાળો છે →

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved