ભા.જ.પા.ના વરિષ્ઠ નેતાઓ કોઇ પણ પ્રકારની ગઠબંધનની વાત ફગાવી દઇ રહ્યા છે પણ સૂત્રો અનુસાર ભા.જ.પા. સારી પેઠે જાણે છે કે ભા.જ.પા. જમ્મુમાં બધી બેઠકો પર જીતશે તો પણ તેણે સરકાર રચવા માટે સામા પક્ષ સાથે એક લોકતાંત્રિક અને સ્થિર સંવાદ સાધવો જ પડશે.

ચિરંતના ભટ્ટ
જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં લોકસભાની ચૂંટણી સપ્ટેમ્બરથી ઑક્ટોબર દરમિયાન યોજાવાની છે. આ ચૂંટણી, ખાસ કરીને જમ્મુ કાશ્મીરની ચૂંટણી એ ભારતની લોકશાહી અને ખાસ કરીને ચૂંટણી પંચ માટે એસિડ ટેસ્ટ સાબિત થશે. જમ્મુ કાશ્મીરે પોતાનું ‘સ્ટેટ હેડ’ ગુમાવ્યું, લદાખને અલગ યુનિયન ટેરિટરી જાહેર કરાયું – એ પણ વિધાનસભામાં પ્રતિનિધિત્વ વગરનું એ પછીની આ પહેલી ચૂંટણી છે. જમ્મુ કાશ્મીર માટે આ ચૂંટણી અગત્યની છે એ કંઇ કહેવાની બાબત નથી કારણ કે જે પણ નવી સરકાર ચૂંટાશે તેનું લક્ષ્ય અને પડકાર, બન્ને એક સ્થાયી રાજકીય પ્રક્રિયા હશે. ચૂંટણીને લઇને ઉત્સાહ અને સાથે સાથે સતત બનતી હિંસાની ઘટનાઓ અત્યારે કાશ્મીરની સ્થિતિ દર્શાવતા બે મુખ્ય પરિબળો છે. દેખીતી રીતે ન્યાયી હોય અને પારદર્શી હોય એવી ચૂંટણી પ્રક્રિયા સ્વસ્થ લોકશાહીની નિશાની છે અને એ કાશ્મીર માટે પણ અગત્યની બાબત છે.
2019માં 370ની કલમ હટાવી લેવાઇ એ પછી જમ્મુ કાશ્મીરમાં ભૌગોલિક અને રાજકીય રીતે ઘણીબધી બાબતો ધરમૂળથી બદલાઇ ગઇ. લદાખને યુનિયન ટેરિટરી જાહેર કરાયું તેને કારણે કાશ્મીર પાસે પહેલાં સંસદમાં છ બેઠકો રહેતી હતી તે હવે પાંચ થઇ ગઇ. 2019ની ચૂંટણીમાં છ બેઠકોમાંથી ત્રણ ભા.જ.પા.ને મળી હતી અને ત્રણ જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સને ભાગે ગઇ હતી. પણ હવે લદાખ જેમાં ભા.જ.પા.ની પકડ મજબૂત હતી એ અલગ થઇ જવાથી ભા.જ.પા.એ હવે જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સત્તાઓ સાથે ચૂંટણીમાં બાથ ભીડવાની આવશે. આમ તો ભા.જ.પા.નો વોટ શૅર જમ્મુ કાશ્મીરમાં 46.39 ટકા છે. 2014ની ચૂંટણીમાં ભા.જ.પા.ને 1999 પછી પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં બહુમત મળ્યો જેમાં વોટ શૅર 32.36 ટકા હતો. કાઁગ્રેસની પકડ અને વોટ શૅર બન્ને જમ્મુ કાશ્મીરમા મજબૂત હોવા છતાં છેલ્લી બે ચૂંટણીમાં કાઁગ્રેસને કોઇ બેઠક નથી મળી.
જ્યારે 370ની કલમ હટાવાઇ હતી ત્યારે સ્થાનિક રાજકીય બળોએ તેનો વિરોધ કર્યો હતો પણ સુપ્રીમ કોર્ટ સામે તેમની કોઇ કારી ન ફાવી. આ કલમ ફરી લાગુ કરાઈ તેની તરફેણમાં જે પણ પક્ષો છે તેમણે ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે. પીપલ્સ અલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશનમાં (PAGD) ખીણ પ્રદેશના પાંચ પક્ષો છે. NC, PDP સહિત PAGDમાં CPI(M) અને ખાલિદા શાહની અવામી નેશનલ કોન્ફરન્સ પણ છે. આ વખતે તો ચૂંટણી જંગમાં INDIA બ્લૉકે પણ ઝંપલાવ્યું છે. આમ ભા.જ.પા. સામે વિવિધ પક્ષોના ગઠબંધનની લડાઇ પણ જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં એક અગત્યનું પાસું છે. NC અને PDP બન્ને જે જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને હટાવવાના વિરોધી છે તે INDIA બ્લોક સાથે જોડાયા છે પણ તેઓ રાજ્યમાં ત્રણ બેઠકો પર તો આપબળે ચૂંટણીના જંગમાં ઝંપલાવશે જ કારણ કે કાઁગ્રેસે INDIA બ્લોકના સાથે નેશનલ કોન્ફરન્સ માટે મેદાન મોકળું છોડ્યું. આમ બન્ને પક્ષો PDP અને NC આપબળે લડશે.
જમ્મુમાં ભા.જ.પા. સામે બે બેઠકો પર લડનાર કાઁગ્રેસે કેન્દ્ર સરકાર સામે 370 ખસેડી લીધા પછી, એક કવચ હટી ગયા પછી ખડા થયેલા રોજગારીના પ્રશ્નો પર જવાબ માંગ્યો છે. અહીં ભા.જ.પા. સામે ઉમેદવારો મજબૂત છે. કાશ્મીરમાં ભા.જ.પા.ની ચુપકીદી આંખે ઉડીને વળગે એમ છે કારણ કે 370ની કલમ ખસેડ્યા પછી મોદીએ ત્યાં મુલાકાત લીધી હતી ખરી પણ એ પછી કંઇ બહુ અવાજ સંભળાયો નથી. લાગે છે કે શ્રીનગર, બારામુલ્લા અને અનંતનાગ-રજોરીની બેઠકો પર ભા.જ.પા. હારવાનું જોખમ લેવા નથી માગતી.
આ તો સ્થાનિક સંજોગો છે પણ ભારત અને પાકિસ્તાન બન્ને માટે જમ્મુ કાશ્મીરની ચૂંટણી અગત્યની છે. આમ તો બન્ને દેશોના સંબધો 2019માં 370ની કલમ હાટવી લેવાયા પછી કોઇ રીતે બદલાયા નથી. આમે ય સંબંધો બહુ સારા કહી શકાય એવા છે નહીં, પણ ચૂંટણી પછી તેમાં કંઇ સળવળ થાય એમ બને. પાકિસ્તાને રાજદ્વારી સંબંધો ઘટાડી દીધા, ભારત સાથેના વ્યાપાર પર રોક લગાડી દીધી. આ તરફ ભારતનું માનવું છે કે પોતે જમ્મુ કાશ્મીરમાં વહીવટ કેવી રીતે કરે છે એની સાથે પાકિસ્તાનને કંઇ લેવાદેવા નથી. ભારત અને પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર પોતાના દાવાને મામલે તસુ ભાર પણ ફેરફાર કરવાનો ઇરાદો નથી ધરાવતા એ પણ સ્પષ્ટ છે. પાકિસ્તાન સરકારના મતે આ ચૂંટણીને પગલે લોકો શું માગે છે કે ઇચ્છે છે તેમાં કોઇ ફેર ન પડી શકે. કોર્ટ ભલે સ્ટેટહૂડ અને ચૂંટણીને માન્યતા આપે પણ પાકિસ્તાનનું દૃઢતાપૂર્વક માનવું છે કે ભારત જ્યાં સુધી 370ની કલમ હટાવવાનો નિર્ણય બદલીને જેમ હતો તેમ નહીં કરે ત્યાં સુધી કોઇ ફેર નથી પડવાનો. પાકિસ્તાનનો વર્ગ જે ભારત સાથે સંવાદ સાધવા માગે છે તેને આ ચૂંટણીમાં પ્રોત્સાહન મળશે અને તેઓ કાશ્મીરમાં અમુક હદ સુધીની પોતાની સ્વાયત્તતાની દલીલ કરશે. પણ પાકિસ્તાની ‘ડીપ સ્ટેટ’ જેનું સૂકાન ISIના હાથમાં છે તે આ સંભાવનાઓ રુંધી ચૂક્યા છે. તેમને અસ્થિરતા જ જોઇએ છે અને તે પણ ભારતીય પ્રતિસાદ નોતર્યા વિના. તેમની આ માનસિકતા તાજેતરના આતંકી હુમલાઓની વ્યૂહરચનામાં સાબિત થઇ જાય છે. ભારત આતંકવાદ સામે લડવા બાવડાં મજબૂત કરે છે અને સતત એ વાત પર ભાર મૂકે છે કે કોઇ પણ સંવાદ સધાય તે પહેલાં પાકિસ્તાને આતંકવાદ સામે નક્કર પગલાં લેવા જોઇએ. ભૂતકાળમાં નવાઝ શરીફ જેવા નેતાઓની શાંતિ માટેની પહેલ વગેરે થઇ હોવા છતાં ભારત ચાહે છે પાકિસ્તાનમાં પહેલાં હાઇ કમિશનરની ફરી નિમણૂંક થાય અને પછી સંબંધો સામાન્ય કરવાની દિશામાં કંઇ હિલચાલ થવી જોઇએ. તાજેતરના આતંકી હુમલાઓને કારણે બન્ને દેશોના સંબંધો તંગ છે અને આતંકવાદ વિરોધી કોઇપણ સ્પષ્ટ ખાતરી ન આપનારા પાકિસ્તાન સાથે ભારત કોઇ સંવાદમાં જોડવા તૈયાર નથી. ટૂકંમાં જમ્મુ કાશ્મીરની ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ બન્ને દેશો માટે અગત્યનાં છે પણ રાજદ્વારી સંબધોમાં બન્ને કોઇ ચોક્કસ ખાતરી આપનારી પહેલ નથી કરી રહ્યા.
ફરી સ્થાનિક સ્થિતિ પર નજર કરીએ તો ભા.જ.પા. તરફથી કાશ્મીરમાં ‘પ્રોક્સી’ પક્ષો ચૂંટણી લડી રહ્યા છે અને જેમ લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ના કોઇ ઉમેદવાર નહોતા તેવું જ વિધાનસભાની ચૂંટણીમાં થવાની વકી છે. જમ્મુમાં ભા.જ.પા. પોતાનો ઉમેદવાર કદાચ મૂકે પણ કાશ્મીર ખીણ પ્રદેશમાં ભા.જ.પા.એ સ્થાનિક સ્વતંત્ર ઉમેદવારો સાથે ગઠબંધન કરવું પડશે. ભા.જ.પા.એ રામ માધવને ચૂંટણીના અધ્યક્ષ નિમ્યા છે અને ભૂતકાળમાં તેમણે ભા.જ.પા. – PDP જોડાણ કરાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો, એ વાત અલગ છે કે જોડાણ તૂટી પડ્યું પણ તેમની આવડત ચૂંટણી પછીના સંજોગોમાં ચોક્કસ કામ લાગશે. ભા.જ.પા.ની નજર જમ્મુ પર હોય તે સ્વાભાવિક છે કારણ કે ત્યાં હિંદુ મતદાતાઓ છે અને અંદાજે 43 બેઠકો છે, ખીણ પ્રદેશમાં 47 બેઠકો છે. નવી સીમાંકન સાથે વિધાનસભામાં 90 બેઠકો છે. ભા.જ.પા.ના વરિષ્ઠ નેતાઓ કોઇ પણ પ્રકારની ગઠબંધનની વાત ફગાવી દઇ રહ્યા છે પણ સૂત્રો અનુસાર ભા.જ.પા. સારી પેઠે જાણે છે કે ભા.જ.પા. જમ્મુમાં બધી બેઠકો પર જીતશે તો પણ તેણે સરકાર રચવા માટે સામા પક્ષ સાથે એક લોકતાંત્રિક અને સ્થિર સંવાદ સાધવો જ પડશે.
બાય ધી વેઃ
આવનારી ચૂંટણી કેન્દ્ર સરકાર માટે મોટો પડકાર છે. જમ્મુ કાશ્મીરને લઇને જે પણ વાયદા કર્યા છે તે નિભાવવામાં શું ભા.જ.પા. ખરી ઉતરશે? આ ચૂંટણીના ગઠબંધનો, વ્યૂહરચનાઓ, ઉમેદવારની પસંદગી બધું ચોકસાઇ અને ચિવટથી થાય તે બધા જ પક્ષો માટે અનિવાર્ય છે. નરેન્દ્ર મોદી – ભા.જ.પા.ના આત્મવિશ્વાસમાં કંઇ કાચું કપાશે તો ભારતીય રાજકારણ પર તેનો ઘેરો પ્રભાવ પડશે અને જો બધું સમું સૂતરું પાર પડશે તો કેટલા ય લોકોએ ગમ ખાવો પડશે. કાશ્મીરી નેતાઓની અટકાયત પછી તેમને છોડવા, ત્યાર પછીના રાજકીય કાવાદાવા, ટેકા અને વિરોધમાં બાંધ છોડ કરવાની રમત તો રમાઇ ચૂકી છે. જમ્મુ કાશ્મીરનું રાજકારણ જટિલ છે અને અત્યારના પ્રતિબંધો, અમુક નેતાઓ સામે ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયાઓ અને આતંકી હુમલાઓના માહોલ વચ્ચે થનારી આ ચૂંટણી સુરંગ બિઝાવેલા મેદાન પર ચાલવા જેવી સાબિત થઇ શકે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઑગસ્ટ 2024