આડીઅવળી નહીં સીધી જ વાત કરીશ. શું મહિલાઓ પરની હિંસાને નાતજાત સાથે કોઈ સંબંધ છે? દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની મોટી કૉર્પોરેટ ઑફિસોમાં કામ કરતી મારી સહેલીઓ આ વાતનો ઈન્કાર કરે છે. તેમને લાગે છે કે મહિલા પરની હિંસા એટલે મહિલા પરની હિંસા તેમાં વળી નાતજાત કેવી ! આવું કહેતી વખતે એ તેમનાં ઘરમાં પણ નજર નથી કરતી ને દિલમાં પણ નહીં.
હાથરસમાં સામૂહિક બળાત્કાર અને ઘાતકી હત્યાનો ભોગ બનેલી ઓગણીસ વર્ષીય યુવતીની ચેહ પણ ઠરી નહોતી અને ફરી એ સવાલ ઉઠ્યો કે અગર એ યુવતી કથિત ઊંચી જ્ઞાતિની હોત તો સરકાર અને મીડિયાનું વર્તન આવું જ હોત, જેવું અત્યારે જોવા મળ્યું? શું રાતોરાત યુવતીની લાશ એનાં કુટુંબીજનોની હાજરી વિના જ સળગાવી દેવાઈ હોત? પોલીસને ફરિયાદ નોંધતાં આઠ દિવસ લાગ્યા હોત? વારંવાર રિપોર્ટ સાથે છેડછાડ થતી હોત? હકીકતો બદલવામાં આવતી હોત? જૂઠાં નિવેદન અપાતાં હોત? બળાત્કાર અને હિંસાની વાતને ખોટી ગણાવાતી હોત? શું હિંસાનો શિકાર બનેલી સ્ત્રી જો કહેવાતી ઊંચી જાતિની હોત તો સરકાર અત્યારના જેવી શાહમૃગવૃત્તિ દાખવતી હોત ?
ભૂલવાની આદત ન હોય તો થોડા પાછળ વળીને જોઈશું? યાદ છે ૨૭મી મે, ૨૦૧૪નો બદાયૂં બળાત્કારકાંડ? બદાયૂંના કટરા ગામમાં બે કિશોરીઓને સામૂહિક બળાત્કાર કરીને મારી નાખીને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી.આ ઘટના દુનિયા આખીમાં ગાજી હતી. સૌથી મોટી તપાસ સંસ્થા સી.બી.આઇ.ને તપાસ સોંપાઈ. મહિના લગીની ગહન તપાસના અંતે સી.બી.આઇ.ને બળાત્કાર અને હત્યાના કોઈ પુરાવા જ ન મળ્યા! એટલે બધા આરોપીઓ બાઈજજત નિર્દોષ છૂટી ગયા. બધા જ આરોપીઓ યાદવ હતા અને રાજ્યમાં તેમના મોભીઓની સરકાર હતી, જે જાતભાઈ એવા બળાત્કારી યુવાનોને સરાજાહેર “લડકેં હૈં, ગલતી હો જાતી હૈ” કહીને ક્લીનચીટ આપી ચૂકી હતી.
ડિસેમ્બર ૨૦૧૮માં ઉન્નાવમાં એક દલિત છોકરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. તે ન્યાય માગવા અદાલત સુધી પહોંચી તો ખરી, પરંતુ જે દિવસે તે કેસની સુનાવણીમાં હાજર રહેવા માટે ટ્રેન પકડવા જઈ રહી હતી, ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં આંતરીને જીવતી સળગાવી દીધી. તે મદદ માટે બૂમો પાડતી રહી, પણ કોઈએ તેને બચાવી નહીં.
ભંવરીદેવીના કેસને તો ત્રીસ વરસોનાં વહાણાં વહી ગયાં છે. હજુ તેમને ન્યાય નથી મળ્યો. વિમેન સ્ટડીઝની કિતાબમાં મેં વાંચ્યું કે કઈ રીતે તેમના કેસ પછી જ સુપ્રીમ કોર્ટે કાર્યસ્થળ પર થતી યૌન હિંસાને ધ્યાનમાં લઈને વિશાખા ગાઈડલાઇન્સ બનાવી છે. આ કેસ આઝાદ ભારતના ઇતિહાસમાં દાખલારૂપ છે તેમ છતાં, ન્યાય તો ન જ મળ્યો. નીચલી અદાલતે તો તેના ચુકાદામાં બેશરમીની બધી જ હદ પાર કરીને કહ્યું હતું, “આરોપી ઉપલી જાતિના છે. તે નીચલી જાતિની સ્ત્રીને સ્પર્શી ના શકે”, અને પછી વધારામાં એ પણ ઉમેર્યું, “કોઈ પતિ ચૂપચાપ આવું થતું જોઈ જ ન શકે.”
પાંચેય આરોપીઓ નિર્દોષ છૂટી ગયા. કેસ પછી હાઈકોર્ટ પહોંચ્યો, પરંતુ ૧૫ વરસમાં માત્ર એક જ વાર આ કેસની સુનાવણી કરવાની અદાલતને ફુરસદ મળી. હવે તો પચીસ વરસ થઈ ગયાં. ચાર આરોપીઓ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા છે. ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ અને ‘વૉલ સ્ટ્રીટ જરનલ’માં જેને સ્થાન મળ્યું હતું એ કેસની આ હાલત હોય તો એવા કેસની શી વાત કરવી, જે સ્થાનિકથી આગળ રાજ્યસ્તરે પણ ન પહોંચ્યા હોય.
હમણાં જ ખેરલાંજી હત્યાકાંડને ચૌદ વરસો પૂર્ણ થયા. ખેરલાંજીમાં પહેલાં દલિત મા-દીકરી, પ્રિયંકા અને સુરેખા ભોટમાંગે પર જઘન્ય બળાત્કાર કરીને તેમની હત્યા કરવામાં આવી. ત્યાર બાદ તેમના આખા કુટુંબને જીવતું જલાવી મૂક્યું હતું .. આ કેસમાં મીડિયા અને પોલીસની ભૂમિકા અંગે એકાદ લેખ નહીં, આખું પુસ્તક લખવું પડે.
લાંબા સમયથી આ દેશનું સવર્ણ ફેમિનિઝમ મહિલાઓ સાથે આચરાતી હિંસામાં નાતજાતની ભૂ્મિકા અંગે આંખમીંચામણાં કરતું રહ્યું છે. દલિત સ્ત્રીઓની મહેનતથી એ શક્ય બન્યું છે કે હવે એક સંવેદનશીલ સમૂહ કમસેકમ આ વાતનો સ્વીકાર કરે છે. આંકડા પોકારી પોકારીને કંઈક કહી રહ્યા હોય ત્યારે અસ્વીકારનું શું કારણ હોય? અંધાપો કે પછી કુટિલતા.
હાથરસની પીડિતાની લાશ હૉસ્પિટલથી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતી હતી ત્યારે જ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો તેના આંકડા જાહેર કરી રહ્યું હતું. એન.સી.આર.બી.ના આંકડા કહે છે કે આ વરસે સ્ત્રીઓ સામેની હિંસામાં ૭.૩ ટકાનો વધારો થયો છે અને દલિતો સામેની હિંસામાં પણ એટલો જ વધારો થયો છે. આ બંનેમાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે.
દેશની જી.ડી.પી.નો આલેખ ભલે ગમે તેટલો નીચે ઊતરે, મહિલાઓ સાથે આચરાતી હિંસા અને બળાત્કારના બનાવોનો આલેખ સતત ઊંચે જઈ રહ્યો છે. આ બધા બનાવોમાં પોલીસ, સમાજ અને મીડિયાની પ્રતિક્રિયા એ વાત પર આધાર રાખે છે કે આરોપી અને ભોગ બનનાર બંનેની જ્ઞાતિ કઈ છે? તે સમાજના ક્યા વર્ગમાંથી આવે છે? તેમની સામાજિક, આર્થિક અને રાજનીતિક હેસિયત અને દરજ્જો શું છે? આપણે ક્યારે ય આપણી અંદર દૃષ્ટિ કરીને એવું નથી વિચાર્યું કે નિર્ભયાકેસના આરોપીઓને સજા અપાવવી આસાન હતી. કેમ કે, એ કેસના બધા આરોપી સામાજિક, આર્થિક અને રાજનીતિક મોભાની રીતે બેહદ સામાન્ય અને ખુદ દુભાયેલા લોકો હતા. એમની એવી કોઈ હેસિયત નહોતી કે તેમને ગામના ઠાકુરો અને શહેરના નેતાજીઓ બચાવવા ઊમટી પડે.
નાતજાતમાં ન માનનારી મારી સવર્ણ સહેલીઓ પણ પરંપરાગત રીતે અરેન્જ્ડ મૅરેજ પોતાની જ્ઞાતિમાં જ કરી રહી છે. ક્યાંક બીજાને દિલ દઈ બેઠેલી છોકરીઓનાં લગ્ન નાતજાતના ભેદભાવના કારણે જ નથી થઈ રહ્યાં. છ વરસ પહેલાં તેમના પરિવારોએ જ્ઞાતિ જોઈને કમળનું બટન દબાવ્યું હતું. એમના ઘરે જે મત માગવા આવ્યા હતા, તેમણે પણ પોતાની જાતિ જણાવી હતી. તે એમ તો ખૂલીને કહેતી નથી, પરંતુ એ વાતનો ગર્વ તો એમને પણ છે કે તે ઊંચી જ્ઞાતિમાં પેદા થઈ છે – તેમના ખુદના કેટલાક વિશેષાધિકાર (પ્રિવિલેજ) હોય છે.
અંતમાં અમેરિકાનાં કાળાં લેખિકા-કવયિત્રી માયા એન્જેલૂની આત્મકથા “આઇ નો વ્હાય ધ બર્ડ સિંગ્સ”નો આ અંશઃ
અમીર- ગરીબમાં વહેંચાયેલા સમાજમાં તે ગરીબ હતી
કાળા-ધોળામાં વહેંચાયેલા સમાજમાં તે કાળી હતી.
સ્ત્રી-પુરુષમાં વહેંચાયેલા સમાજમાં તે સ્ત્રી હતી.
તે ગરીબ હતી,
તે કાળી હતી,
તે સ્ત્રી હતી.
બદાયૂં, ઉન્નાવ, ભટેરી, ખેરલાંજી, હાથરસની એ સ્ત્રીઓ માત્ર સ્ત્રીઓ જ નહોતી. તે ગરીબ હતી, તે દલિત હતી. તે સ્ત્રી હતી.
(અનુવાદઃ ચંદુ મહેરિયા, સૌજન્ય, ‘ધ પ્રિન્ટ’, હિંદી)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 02-03