ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલી સિસિલ રહોડ્સ મસ્ટ ફૉલ મૂવમેન્ટ અને ઇતિહાસબોધ, આજકાલ જાણે આખી દુનિયા અશાંત અને આંદોલિત છે. ઑક્સફર્ડમાં આફ્રિકન વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું જે કહે છે, રહોડ્સ મસ્ટ ફૉલ. તેમની માગણી એવી છે કે કૅમ્પસમાંથી સિસિલ રહોડ્સનું પૂતળું હટાવવું જોઈએ અને રહોડ્સ સ્કૉલરશિપ મોટા પ્રમાણમાં લૂંટના વળતર તરીકે આફ્રિકન વિદ્યાર્થીઓને આપવી જોઈએ
તમે કદાચ સર સિસિલ રહોડ્સનું નામ નહીં સાંભળ્યું હોય, પણ સાઉથ આફ્રિકાના એક દેશ ર્હોડેશિયાનું નામ સાંભળ્યું હશે જે અત્યારે ઝિમ્બાબ્વે તરીકે ઓળખાય છે. તમે વિશ્વની સૌથી મોટી ડાયમન્ડ કંપની ડી બિયર્સનું નામ પણ સાંભળ્યું હશે અને કેટલાક પથન-પાઠનમાં રસ લેનારા વાચકોએ ઑક્સફર્ડ યુનિવર્સિટીની વિશ્વપ્રસિદ્ધ રહોડ્સ સ્કૉલરશિપ વિશે પણ સાંભળ્યું હશે. સર સિસિલ રહોડ્સ એના જનક હતા. મૂળ બ્રિટિશ સર સિસિલ રહોડ્સ કમાવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને ત્યાં એટલુંબધું કમાયા હતા કે આજે પણ નાણાંના કોથળા ખાલી નથી થયા.
કહેવાની જરૂર નથી કે એ કમાણી શોષણ આધારિત હતી. હીરાની ખાણોમાં ગરીબ કાળા ખાણિયા મજૂરો સાથે જે અત્યાચારો થયા હતા એ કમકમાં આવે એવાં હતાં. સિસિલ રહોડ્સે માત્ર અત્યાચારો નહોતા કર્યા, અત્યાચારોને વાજબી ઠેરવ્યા હતા. તેઓ એમ માનતા હતા કે ઍન્ગ્લો સેક્શન પ્રજા જ વિશ્વની સર્વોચ્ચ પ્રજા છે અને વિશ્વ પર આધિપત્ય ધરાવવાનો તેમનો ઈશ્વરદત્ત અધિકાર છે. તેઓ વંશવાદી અને સંસ્થાનવાદી એમ બન્ને હતા અને ઉપરથી દયાહીન પણ હતા. ૧૯૦૨માં ૪૮ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણીને આફ્રિકા ગયેલા સિસિલ રહોડ્સે તેમના વિલમાં કરેલા નિર્દેશ મુજબ મોટી રકમ યુનિવર્સિટીને આપીને ૧૯૦૩માં રહોડ્સ સ્કૉલરશિપ શરૂ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સત્તાવાળાઓએ ત્યારે યુનિવર્સિટીના કૅમ્પસમાં ઊંચા ઓટલા પર રહોડ્સનું પૂરા કદનું પૂતળું મૂક્યું હતું જે આજે હવે વિવાદનો વિષય બન્યું છે.
આજકાલ જાણે આખી દુનિયા અશાંત અને આંદોલિત છે. સોશ્યલ મીડિયા આને માટે મુખ્યત્વે જવાબદાર છે. ઑક્સફર્ડમાં આફ્રિકન વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું જે કહે છે : રહોડ્સ મસ્ટ ફૉલ. એ આંદોલનને બીજા માનવતાવાદી વિદ્યાર્થીઓનો, ફૅકલ્ટી-મેમ્બર્સનો અને નોમ ચોમ્સ્કી જેવા વિશ્વપ્રસિદ્ધ પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સનો ટેકો સાંપડી રહ્યો છે. તેમની માગણી એવી છે કે કૅમ્પસમાંથી સિસિલ રહોડ્સનું પૂતળું હટાવવું જોઈએ અને રહોડ્સ સ્કૉલરશિપ મોટા પ્રમાણમાં લૂંટના વળતર તરીકે આફ્રિકન વિદ્યાર્થીઓને આપવી જોઈએ.
તમને શું લાગે છે, તેમની માગણી ઉચિત છે? આનો ઉત્તર સામાજિક નિસરણી પર તમે કયા પગથિયે ઊભા છો એના પર નિર્ભર છે. જેમણે શોષણ અનુભવ્યું નથી એ શોષણની યાતના ક્યારે ય અનુભવી નહીં શકે. એક જ પરિવારમાં રહેતા હોવા છતાં અને એક સરખી સામાજિક પૃષ્ઠભૂમિ હોવા છતાં સ્ત્રીની પીડા પુરુષ નથી સમજી શકતો. બીજી બાજુ જેમનું શોષણ થયું છે અને જેમણે શોષણ અનુભવ્યું છે તે સમાજ જ્યારે જાગ્રત થાય છે અને ન્યાય અને સમાનતાનાં મૂલ્યો સમજતો થાય છે ત્યારે જૂના ઘા દુઝતા રાખવામાં તેમને એક પ્રકારનું સમાધાન મળતું હોય છે. તમે શોષક સમાજના સભ્ય છો અથવા શોષકોના વારસો છો એ વિશે આંગળી ચીંધવામાં તેમને સમાધાન મળે છે. પોતાને વ્યવસ્થાના શિકાર (વિક્ટિમ) ગણાવવામાં અને બીજાને ગુનેગાર ગણાવવામાં સમાધાન મળે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના કૅમ્પસમાં આ જ બની રહ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ ઉદાસીન છે અને બીજા કેટલાક વિદ્યાર્થીઓ ભૂતકાળનું વેર વાળવા માગે છે. રહોડ્સ મસ્ટ ફૉલની માગણીના ટેકામાં ૨૪૫ મત પડ્યા હતા અને વિરુદ્ધમાં ૨૧૨ મત પડ્યા હતા. શોષિત સમાજના વારસો મતદાનમાં જીતી શકે એટલી હદે જાગ્રત અને સંગઠિત થઈ રહ્યા છે અને તેમને શોષકોના વારસોનો સુધ્ધાં ટેકો મળી રહ્યો છે એ આનંદની વાત છે, પરંતુ આ અભિગમ યોગ્ય છે?
ઇતિહાસ ભણવા માટેનો અર્થાત્ શીખવા-સમજવા માટેનો વિષય છે, વેર વાળવા માટેનો નથી. સંસ્થાનવાદ, વંશવાદ, પુરોહિતવાદ કે મનુવાદ, સામંતવાદ, પુરુષાધિપત્યવાળો લિંગવાદ વગેરે એક જમાનામાં પ્રવર્તતા હતા અને આજે પણ કેટલેક અંશે પ્રવર્તે છે તો એ સ્થળ-કાળની એક પ્રક્રિયા છે અને એ સતત બદલાતી રહે છે. આજે આપણે જેને અન્યાય કે અમાનવીયતા સમજીએ છીએ એ એ જમાનામાં સ્વાભાવિક રીતરસમ હતી. સિસિલ રહોડ્સના વિચારો અને કાર્ય તેમના યુગની વિચારધારા અને રસમોનું પરિણામ હતું. જમશેદજી જીજીભાઈ ચીનમાં અફીણની નિકાસ કરીને પૈસા કમાયા હતા. ભાયખલા અને અગાસી ર્તીથમાં જૈન દેરાસર બંધાવનારા મોતીશા શેઠ પણ અફીણના ધંધામાં કમાયા હતા. ૧૮૬૧માં અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિન્કને જ્યારે ગુલામીના વ્યાપાર પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે અમેરિકન રાજ્યોએ કેન્દ્ર સરકાર સામે બળવો કર્યો હતો. અત્યારે એ જ અમેરિકામાં અશ્વેત બરાક ઓબામા પ્રમુખ છે અને ખૂબ લાડલા પ્રમુખ છે. ટૂંકમાં કહીએ તો, હજી ગઈ કાલ સુધી સમાજમાં જેનું-તેનું આધિપત્ય એ વાસ્તવિકતા હતી અને ન્યાયયુક્ત સમાજ એ આજના અને આવતી કાલના સમાજનું લક્ષ છે.
ન્યાયયુક્ત સમાનતા આધારિત સમાજના નિર્માણ માટેની આજની લડાઈમાં ઇતિહાસની સમજ ઉપયોગી નીવડે છે, પરંતુ બની એવું રહ્યું છે કે આજની લડાઈ માટે ઇતિહાસનો સાધન તરીકે જ નહીં, ઓજાર અને શસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો જમશેદજી જીજીભાઈનું પૂતળું ચીનમાં હોત તો તેમના પૂતળાના પણ એ જ હાલ થયા હોત જે સિસિલ રહોડ્સના પૂતળાના થઈ રહ્યા છે. ઇતિહાસનો અને ઐતિહાસિક પાત્રોનો ઇતિહાસબોધ તરીકે ઉપયોગ કરીને એને ભૂલી જવા જોઈએ. ઑક્સફર્ડ યુનિવર્સિટીના અંદાજે ૮૦૦ વર્ષ જૂના કૅમ્પસમાં ઇતિહાસના અનેક માઇલસ્ટોન્સ અલગ-અલગ સ્વરૂપમાં ઊભા છે એમાં સિસિલ રહોડ્સ એક છે અને તેમના પૂતળાને એ રીતે જોવું જોઈએ. વેર વાળવાથી ઇતિહાસ ભૂંસાઈ જવાનો નથી.
તો પછી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગનું નામ બદલવાનું શું ઔચિત્ય? એ તો આના કરતાં પણ વિકૃત ઘટના છે. ઑક્સફર્ડમાં જે બની રહ્યું છે એ આધિપત્યરહિત સમાજના નિર્માણ માટેની આજની લડાઈમાં સિસિલ રહોડ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, પરંતુ ઔરંગઝેબને ટાર્ગેટ કરવા પાછળનું કારણ હિન્દુઓના આધિપત્યને સ્થાપિત કરવાનું છે. સિસિલ રહોડ્સના પૂતળાને હટાવવાની માગણી કરનારાઓ આધુનિક માનસ અને વલણ ધરાવે છે એટલું તો સ્વીકારવું જોઈએ, જ્યારે ઔરંગઝેબનું નામ હટવાનારાઓ પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માગતા મધ્યકાલીન જુનવાણી માનસ ધરાવનારાઓ છે. વિચારી જુઓ. જો તમે સિસિલ રહોડ્સના પક્ષે હો તો ઔરંગઝેબના પક્ષે પણ ઊભા રહેવું જોઈએ. છે આટલી પ્રામાણિકતા?
સૌજન્ય : ’કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ફેબ્રુઆરી 2016
http://www.gujaratimidday.com/features/columns/history-is-to-learn-and-understand-not-for-to-take-revenge-2