
હેમન્તકુમાર શાહ
ભારતમાં લોકશાહી ઢબે હિન્દુ રાષ્ટ્ર સ્થપાય તેમ છે જ નહિ. એટલે બંધારણના અક્ષરો અને ભાવનાઓને બાજુ પર મૂકીને તાનાશાહી વ્યવસ્થા કાયદાઓ અને હુકમો કે નિયમો દ્વારા ઊભી કરવામાં આવી રહી છે. એને માટે *ડર* અને *લાલચ* નામનાં બે સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે.
લોકશાહી વિરોધી જે રીતરસમો અપનાવવામાં આવી રહી છે તે જુઓ:
(૧) જે કોઈ ભા.જ.પ., આર.એસ.એસ. કે ભા.જ.પ.ની સરકારોનો વિરોધ કરે તે બધા દેશદ્રોહી, અર્બન નક્સલ વગેરે છે તેમ ચીતરવું.
(૨) કાઁગ્રેસ અને તેના સહયોગી પક્ષો હિન્દુવિરોધી છે અને પોતે જ હિન્દુઓનું રક્ષણ કરશે એમ કહેવું.
(૩) કોઈ પણ જાતના વિરોધને કોઈ પણ રીતે દાબી દેવો. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર કૂચડો ફેરવી દેવો.
(૪) ભારતના મુસ્લિમો ભારતના અને હિન્દુઓના દુ:શ્મનો છે એમ પ્રચાર કરવો.
(૫) ભા.જ.પ.ની સરકારો જે કંઈ કરે છે તે બધું જ હિન્દુઓના હિતમાં કરે છે એટલે એના પર લોકો અંધ વિશ્વાસ મૂકે તેમ કરવું.
(૬) રાષ્ટ્રનો નેતા એક જ હોઈ શકે અને તેનામાં હિન્દુઓના હિતની દૈવી શક્તિ છે એમ પ્રસ્થાપિત કરવું.
(૭) લોકશાહી બરકરાર રહે તે માટે કામ કરતી ન્યાયતંત્ર સહિતની બધી જ વ્યવસ્થાઓ કહ્યાગરા કંથ જેવી બની જાય તેમ કરવું.
(૮) હિન્દુઓ એક થાવ અને તમારે દેશમાં જ રહેલા દુ:શ્મનો એટલે કે સેક્યુલરો અને મુસ્લિમો કે ખ્રિસ્તીઓ સામે લડવાનું છે એમ સમજો; એવું સતત કહ્યા જ કરવું.
(૯) કાઁગ્રેસ અને તેના સાથી પક્ષો તેમ જ સેક્યુલર લોકોના વિચારો સામે જુઠ્ઠાણાંભર્યો પ્રચાર કર્યા જ કરવો. એટલે જ કાઁગ્રેસમુક્ત ભારતનું સૂત્ર ગજવવામાં આવેલું, કારણ કે એણે તેના ઇતિહાસમાં કદી પણ ધર્મનિરપેક્ષતા એક સિદ્ધાંત તરીકે છોડી નથી.
(૧૦) જેઓ હિન્દુ રાષ્ટ્રના અને દેશને વિશ્વગુરુ બનાવવાના વિચાર સાથે સંમત ન થાય તેમની પર દમનનો કોરડો વીંઝવો. સરકારી સંસ્થાઓ તેમની પાછળ ડાઘિયા કૂતરાની જેમ છોડી દેવી. તેમની પર અદાલતોમાં કેસ કરીને તેમને કાયમ માટે તેમાં ફસાવી દેવા વગેરે.
(૧૧) લોકો લોકશાહી ભૂલી જાય અને તાનાશાહીને યોગ્ય જ સમજવા માંડે તે માટે ધર્મનો ઉપયોગ કર્યા જ કરવો અને ઇતિહાસ ગમે તે હોય તો પણ તેનું મહિમામંડન કરવું.
(૧૨) કેટલાક સારા રાજાઓનાં નામો લઈને લોકોના મનમાં એવો ખ્યાલ ઊભો કરવો રાજાશાહી લોકશાહી કરતાં સારી હતી. એમ કરવાથી તાનાશાહ પ્રત્યે આસક્તિ ઊભી થાય.
(૧૩) હિન્દુઓ ૩,૦૦૦ જાતિઓ અને ૨૫,૦૦૦ જેટલી પેટા જાતિઓમાં વહેંચાયેલા હોવા છતાં એમ કહેવું કે હિન્દુઓ એક જ છે અને તેમણે તો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે લડવાનું છે.
(૧૪) હિન્દુ રાષ્ટ્ર ઊભું કરવામાં સત્ય, અહિંસા, નૈતિકતા, પ્રેમ, સદ્ભાવ એવું બધું વિચારવાનું નહીં. એ જે ન વિચારે અને સત્તાધીશો જેને હિન્દુવિરોધી કહે છે તેમને રંજાડે, અને ગમે તે ભોગે સત્તા મેળવવી અને ટકાવી રાખવી એને ચાણક્ય નીતિ કહેવી. હિન્દુ ધર્મના બધા આદર્શોને ભૂલી જવા અથવા એમ કહેવું કે એ તો હિન્દુઓની નબળાઈ છે. હિન્દુ ધર્મને નામે સત્તા પ્રાપ્ત કરવામાં અને એને ટકાવી રાખવામાં શરમ જેવું કશું હોય જ નહીં. બેશરમી એ જ હિન્દુ ચાણક્ય નીતિ.
હિન્દુ રાષ્ટ્ર તાનાશાહીથી જ ઊભું થાય એમ નહીં, એ હિન્દુ રાષ્ટ્રમાં લોકશાહી હોય જ નહીં.
એટલે જે આર.એસ.એસ. ૧૯૭૫-૭૭ની ઇન્દિરા ગાંધીની સેક્યુલર તાનાશાહી સામે લડ્યો હતો તે એના જ પ્રચારકની તદ્દન નગ્ન હિન્દુ તાનાશાહી સામે ચૂપ છે કારણ કે તે એમ જ ઈચ્છે છે.
તા.૨૮-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર