— 1 —
હિજાબ, સમાજ અને ધર્મ / ઇલિયાસ મનસુરી
કર્ણાટકમાં કેટલીક ઘટનાઓ બની જેને લીધે રાજ્ય સરકારે કેટલાક દિવસો માટે સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. ઘટનાઓને રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિપેક્ષ્યમાં જોઈ શકાય. રાજકીય પ્રચાર (કે અપપ્રચાર) મહત્ત્વનું કારણ છે, પણ અહીં સામાજિક-ધાર્મિક બાબતની વાત કરવી છે.
૧. શાળાઓમાં એક સરખો ગણવેશ હોવો જોઈએ તે બાબતે મોટા ભાગે સમાજમાં મતભેદ નથી. કેટલાક નાના-મોટા ફેરફારો નિશાળો ચલાવી લેતી હોય છે. દા.ત. ૧૯૮૦ના દાયકામાં હું ભણતો હતો તે નિશાળમાં છોકરીઓ માટે સ્કર્ટ અને બુશર્ટ, અને છોકરાઓ માટે ચડ્ડી અને બુશર્ટ ગણવેશ તરીકે હતો. કેટલાક રૂઢિચુસ્ત પરિવારની કે શરીરે ભારે દીકરીઓ મોટે ભાગે સ્કર્ટ નીચે પાયજામો પહેરતી. તો કેટલીક દીકરીઓ છાતી ઢાંકવા ઓઢણું ઓઢતી, એક-બે મુસ્લિમ છોકરીઓ માથે પણ ઓઢતી, તો પણ સંસ્થાને આ નાના મોટા ફેરફારોથી કોઈ અડચણ ન હતી. પછીનાં વર્ષોમાં તો પંજાબી ડ્રેસ અને ઓઢણું સત્તાવાર ગણવેશ તરીકે આવ્યો. વાલી-વિદ્યાર્થીઓ સાથે ગણવેશ અંગેની કોઈ ચર્ચા વગર જ તે ગણવેશ દાખલ થયો, બધાએ સ્વીકાર્યો પણ ખરો, તે સમયે સમાજમાં પંજાબી ડ્રેસ આજની માફક ચલણમાં ન હતો છતાં મર્યાદા જળવાય તેવો ગણવેશ હતો, તેમ સૌને લાગતું. સ્કર્ટમાં રમત-ગમત વખતે દીકરીઓ સંકોચ અનુભવતી. છોકરાઓનો ગણવેશ પણ પેન્ટ શર્ટ થઇ ગયો. (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ તાજેતરમાં ચડ્ડીમાંથી પેન્ટમાં પ્રવેશ કર્યો છે.)
૨. કર્ણાટકમાં શરૂઆતમાં જે છ વિદ્યાર્થિનીઓને ક્લાસ બહાર રાખવામાં આવી, એમને ગણવેશ પ્રમાણે પાયજામો, ટોપ અને ઓઢણી તો પહેરી હતી, પણ ઓઢણીને હિજાબ સ્વરૂપે માથે અને ગળે વીંટી હતી, રંગ જુદો ન હતો. રંગની એકસૂત્રતા હતી. ફરક એ હતો કે હિન્દુ દીકરીઓએ ઓઢણી માથે નહોતી વીંટી કે ઓઢી, પણ દુપટ્ટાની માફક રાખી હતી. આ ફરકનો કેટલાક લોકોએ વિરોધ કર્યો અને સ્કૂલના આચાર્યે એમને સ્કૂલમાં પ્રવેશ ન આપ્યો. વિદ્યાર્થિનીઓ દિવસો સુધી સ્કૂલે આવી અને બહાર બેઠી, જેને મીડિયા કવરેજ મળ્યું. પછી તો હિન્દુ સંગઠનોએ ઠેરઠેર વિરોધ શરૂ કર્યો. કોલેજોમાં જ્યાં મુક્ત ગણવેશ હતો ત્યાં પણ હિજાબ-બુરખાનો વિરોધ શરૂ થયો. કાળા નિકાબ (હિજાબ, ચદ્દર, નિકાબ, બુરખા – વિષે જાણી લેવું, એમાં હિજાબ સૌથી લિબરલ સ્વરૂપ છે) પહેરેલ એકલી સ્કૂટી પર આવેલ મુસ્કાન નામની વિદ્યાર્થિનીનો કેટલાક ભગવા ખેસધારી વિદ્યાર્થીઓ કે કાર્યકરોએ જય શ્રી રામનાં સૂત્રો બોલી વિરોધ કર્યો. તેણે સામે અલ્લાહુ અકબર કહી સામનો કર્યો, શિક્ષકોએ મામલો સારી રીતે સંભાળ્યો. પછી તો મીડિયા પણ કૂદ્યું. કેટલાક રાજકારણીઓ તો એમ પણ બોલ્યા કે 'હિજાબ-બુરખા પહેરવા હોય તો પાકિસ્તાન ચાલ્યા જાવ.', તથા ‘નિશાળ એ સેક્યુલર જગ્યા છે, ત્યાં ધાર્મિક પહેરવેશ નહિ ચાલે’ સામે પક્ષે 'સ્ત્રી સ્વતંત્ર છે એને જે પહેરવું હોય તે પહેરે’, 'અમને બંધારણમાં પહેવેશનો ધાર્મિક અધિકાર મળેલ છે’, વગેરે નિવેદનો થયાં.
સવાલ એ થાય છે કે શું આપણી નિશાળો ધર્મનિરપેક્ષ કે ધર્મનિષેધ છે.
૩. અમેરિકામાં ધાર્મિક પ્રાર્થના નથી થતી, પણ વિદ્યાર્થીને સંકુલના અનુરૂપ રંગનો ગણવેશ ફરજિયાત છે. હિજાબ પર પ્રતિબંધ નથી. મુસ્લિમ-શીખ-યહૂદી પોતાના ધર્મ પ્રમાણે ગણવેશને એકરૂપ રંગનો પોશાક પહેરી શકે છે, પણ બધા મુસ્લિમ કે યહૂદી ધાર્મિક પોશાક નથી પહેરતા, પણ જે પહેરે છે તેના વિષે બધા વિદ્યાર્થીઓને માહિતી અપાય છે અને એમની સાથે કોઈ ગેરવર્તાવ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ફ્રાન્સમાં જાહેર જગ્યાઓ પર ધર્મના પ્રતીકો પર પ્રતિબંધ છે, રાજકારણીઓ પણ ધર્મના નામનો કે પ્રતીકોનો ઉપયોગ નથી કરી શકતા. અમેરિકા અને ફ્રાન્સમાં અન્ય ધર્મોના નાગરિકો ઘણા ઓછા પ્રમાણમાં છે, તથા તેમના કાયમી રહેઠાણો ખાસ્સા મોડા થયા. ભારતમાં મુસ્લિમો સદીઓથી છે, એક મોટી લઘુમતી તરીકે તેને ધાર્મિક-સામાજિક અધિકારો બંધારણની રચના સમયે જ આપવામાં આવ્યા છે. ભારતનું બંધારણ નાગરિકના વ્યક્તિગત અને સામૂહિક અધિકારોનું રક્ષણ કરે છે. ભારત એક ધર્મ નિષેધ નહિ, પણ ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે બંધારણમાં આલેખાયું છે.
૪. આપણી મોટા ભાગની નિશાળોમાં પ્રાર્થના એક યા બીજા ધર્મની હોય છે, કહેવાતી સેક્યુલર સ્કૂલોમાં હિન્દુની પ્રાર્થના, હિન્દુ દેવી-દેવતાના ફોટા પૂજા, મૂર્તિઓ સામાન્ય છે. ધાર્મિક લઘુમતીની સ્કૂલોમાં જે તે ધર્મનાં પ્રતીકો હોય જ છે. કેટલાક વિદ્યાર્થીઓ તિલક, ચાંદલા, શિખા, જનોઈ, માળા, પાઘડી, ટેટુ, ટોપી રૂપે ધાર્મિક પ્રતીકો ધારણ કરતા જ હોય છે. આમ, ભારતની સ્કૂલો ફ્રાન્સ અને અમેરિકાની સ્કૂલોથી અલગ જ રીતે ધાર્મિક પ્રતીકોનો સ્વીકાર કરે છે, જેને લઇ કોઈ વિવાદ થયાની જાણ નથી. તો પછી ગણવેશને અનુરૂપ રંગના હિજાબનો વિરોધ શા માટે? બીજું કે કૉલેજમાં મુક્ત ડ્રેસ હોય છે, દરેક પોતાની પ્રણાલી અને સંસ્કાર પ્રમાણે કપડાં પહેરે છે. કૉલેજ કક્ષાએ ગણવેશ થોપવો કેટલે અંશે યોગ્ય?
૫. કેટલાક એવી દલીલ કરે છે કે હિજાબ એ સ્ત્રી પરના દમનનું પ્રતીક છે, પુરુષવાદી સમાજે તેને બંધનમાં રાખવા ધર્મનો આધાર લઇ તેના પર નિયમન રાખ્યું છે એનો ઇન્કાર નથી. પણ અહી હિજાબનો વિરોધ સામાજિક સુધારા માટે થઇ રહ્યો છે? શ્રી રામના નારા લગાવી, ડરાવી ધમકાવી સામજિક સુધારા શક્ય છે ખરા? કે પછી હિજાબ પહેરીને આવતી, એકલ પંડે સ્કૂટી ચલાવતી, હિન્દુબહુલ વિસ્તારમાં, હિન્દુબહુલ વિદ્યાર્થીઓ સાથે સેક્યુલર શિક્ષણ મેળવતી મુસ્લિમ વિદ્યાર્થિની ધીરે ધીરે પોતાના ધાર્મિક-સામાજિક બંધનોમાંથી મુક્ત થાય તે માટે સભાનપણે સંવાદ રચાવો જોઈએ?
૬. એક મુસ્લિમ દીકરી, જ્યારે હિન્દુબહુલ વિસ્તારમાં, હિન્દુબહુલ વિદ્યાર્થીઓ સાથે સેક્યુલર શિક્ષણ મેળવવાનો ઈરાદો જાહેર કરે છે, ત્યારે એના માટે એક બળવો જ હોય છે. એ કેટલાંક બંધનોનોનો સ્વીકાર પોતાના શિક્ષણ માટે કરતી હોય છે. એનો સમાજ હિન્દુ સમાજ જેટલો કદાચ ખુલ્લો નથી જ, તો એની સાથે સહાનુભૂતિ રાખવાની કે ધિક્કાર? સમાજો સુધરતા યુગો લાગતા હોય છે, અસ્પૃશ્યતા, દહેજ પ્રથા કે ઘૂંઘટપ્રથામાંથી સમાજ હજુ બહાર આવી શક્યો છે ખરો? વળી, કેટલીક દીકરીઓ પોતે ધાર્મિક પ્રકૃતિની હોવાથી હિજાબ-નિકાબ પહેરતી હોય છે, એ.આર, રેહમાનની એક દીકરી ચુસ્ત ઇસ્લામિક ડ્રેસ પહેરે છે તો બીજી દીકરી જીન્સ-ટીશર્ટ, એની ચોઈસનો સ્વીકાર હોવો જોઈએ. કોઈ એના પર થોપે તો ટીકા જરૂર થવી ઘટે.
૭. ફ્રાન્સને બાદ કરતાં યુરોપના દેશો તથા અમેરિકામાં મોટા ભાગે સકૂલોમાં ડ્રેસ કોડ નથી અને જ્યાં ડ્રેસ કોડ છે ત્યાં હિજાબનો સ્કૂલ ડ્રેસમાં સમાવેશ કરવામાં આવેલ છે. સ્કૂલ સ્ટોર પરથી જ ગણવેશના રંગનો હિજાબ મળી શકે છે. કેટલીક સ્કૂલ્સ ભારતમાં જેમ 'સાડી ડે’, ઉજવે તેમ ત્યાં 'હિજાબ ડે' ઉજવે છે અને વિદ્યાર્થીઓનો અન્ય સંસ્કૃતિ સાથે પરિચય થાય તે માટે સભાન પ્રયત્ન કરે છે. ભારતે વેસ્ટનું અનુકરણ કરવું હોય તો કરી શકે ..!
૮. કેરળ હાઈકોર્ટે હિજાબને સ્કૂલોમાં ધાર્મિક ફરજના ભાગરૂપે મંજૂરી આપી જ છે. આમ છતાં, હજારો દીકરીઓ આ ધાર્મિક-સામાજિક બંધનથી મુક્ત પણ છે, કેટલીકવાર તે વ્યક્તિગત ચોઈસ કે પરિવારની પરંપરાનો વિષય રહ્યો છે. કેટલાક મૌલવીઓ તો રોજ અને ઘરની બહાર નીકળો ત્યારે ફરજિયાત પણે હિજાબ નહીં પણ બુરખો પહેરવાનું કહે છે, તથા સેક્યુલર શિક્ષણનો દીકરીઓ માટે વિરોધ કરે છે, તે દીકરીઓ માટે તો સ્કૂટી લઇ, માત્ર હિજાબ પહેરી નિશાળે આવવું એ પણ પેલા મુલ્લા સામે બળવો છે, આ બારીકાઇ ન સમજાય કે ન પકડાય તો …… આપણે એકબીજા સમાજને નથી જાણતા-ઓળખતા એમ સમજવું. મુક્તિનું શિક્ષણ ધીરે પણ મક્કમ ફેરફાર લાવશે, પછી જે થશે તે થોપાશે નહિ પણ પસંદગી પ્રમાણે હશે. શિક્ષણનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના સંઘર્ષમાં જો 'શિક્ષણ’ પરથી નજર હટી તો પછી 'ધર્મ’ તો દરેકને પકડવા તૈયાર છે, હિન્દુ હોય કે મુસલમાન.
•••••
— 2 —
ધર્મની રાજનીતિ મહિલાઓ જ ખતમ કરશે / ડૉ. એઝાઝ
ધાર્મિક કટ્ટરતા જેવો અફીણનો નશો ધીરે ધીરે વૈજ્ઞાનિક આધુનિક શિક્ષણ અને ભૌતિક સુખાકારીના સમન્વયથી ઉતારી શકાય છે. સરકારોએ આ દિશામાં સતત પ્રયાસો કરવાના હોય અને ધીર ધીરે પરિણામો દેખાય. Change is a gradual process. પણ તાકત (force)થી નશો ઉતારવા જશો તો નશો વધશે. અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સરકારના પતનનાં કારણોમાં આ એક મોટું કારણ હતું. હું એવું માનું છું કે વિશ્વમાં ધર્મની રાજનીતિ મહિલાઓ જ ખતમ કરશે, કારણ કે એની સૌથી વધુ પીડિત મહિલાઓ જ છે. પણ એના માટે મહિલાઓને શિક્ષણની તકો મળે, સહેલાઇથી મળે, અને એમનું આર્થિક સશક્તિકરણ થાય એ પૂર્વશરત છે. મહિલાઓને હિજાબ કે બીજાં કોઇપણ કારણસર શિક્ષણ સંસ્થાનોમાંથી કાઢી મૂકવી એ ઘોર અન્યાય છે. એના કરતાં આપણે બધાંએ મળીને શિક્ષણની ગુણવત્તા વધે, મહિલાઓને શિક્ષણ સંસ્થાનોમાં જાતીય સતામણીનો અનુભવ ના કરવો પડે, જેવા બીજા ઉપાયોની વકીલાત કરવી જોઈએ. એક શિક્ષણ સંસ્થામાં ભાતભાતનાં ધાર્મિક પ્રતીકો હોય જ છે, એ બધાને હટાવીને યુવાનોને પ્રતિક્રિયાવાદી બનાવવા કરતાં યુવાનો વિજ્ઞાનવાદી કઈ રીતે બને એની મથામણ કરવી પડશે; આપણે બધાએ મળીને.
•••••
— 3 —
સ્કૂલ ડ્રેસમાં ધાર્મિક પ્રતીકનો વિરોધ ખોટો છે / ખેવના દેસાઈ
અમારી શાળામાં યુનિફોર્મ હતો. શાળામાં આશરે દસ ટકા વિદ્યાર્થિનીઓ મુસ્લિમ હતી. કેટલીક હિજાબથી માથું ઢાંકતી. બીજી નહોતી ઢાંકતી. બન્ને પોતાની મરજીથી જ આવું કરતી એવું ધારી લીધું હતું. એ જ શાળામાં આશરે ૩૦ ટકા જૈન વિદ્યાર્થીઓ પણ હતા. કેટલાંક કપાળે પીળો ચાંદલો કરતા. દેરાસર જઈને આવતા ત્યારે ખાસ, અમે પણ જોડાતાં ક્યારેક. આ બધું પોતપોતાની મરજી મુજબ. અમને શાળાએ કે માબાપે આ બાબતે ક્યારે ય ટોક્યા કે રોક્યા નહોતા. કોલેજમાં કેટલીક વિદ્યાર્થિનીઓ બુરખો પહેરતી. અત્યારે પણ પહેરે છે. કેટલીક નથી પહેરતી.
અમારી કોલેજમાં કે મુંબઈની કોઈ કોલેજ એમના પહેરવેશને આધારે એડમિશન કે પરીક્ષામાં કોઈ રોકટોક કરતી નથી. હા, પરીક્ષા વખતે identification પૂરતું ચહેરો ઢાંકવાની મનાઈ છે. યુનિવર્સિટીમાં મારી ખાસ બહેનપણી મુસ્લિમ હતી. એનાં ઘરમાં કોઈ બુરખો/હિજાબ નહોતું પહેરતું. અમારા એક પ્રોફેસર મિત્ર, પોતે PhD છે, તે કૉલેજમાં હિજાબ પહેરીને જ ભણાવે છે. મારા શીખ પાડોશીનો દીકરો ખૂબ પ્રતિષ્ઠિત સ્કૂલમાં જાય છે. એના યુનિફોર્મ સાથે એ પાઘડી પણ પહેરીને જ સ્કૂલમાં જાય છે. આમાંના એક પણ કિસ્સામાં કોઈ બળજબરી નથી થઈ. હું મારી વિદ્યાર્થિનીઓને પૂછું છું. એ લોકો હિજાબ પહેરે છે ત્યારે 'they feel they have a distinct identity, they feel one with their own people – community' અને એમાંની એકેય છોકરી બળજબરીથી નથી પહેરતી એવો એમનો દાવો છે. જૈન વિદ્યાર્થીને, સ્વામિનારાયણ કે શીખ વિદ્યાર્થીને પૂછું છું એમના ધાર્મિક પહેરવેશ, પાઘડી, ચાંદલો કે રિવાજ વિશે ત્યારે એ લોકો આ જ કહે છે. યુનિફોર્મ પહેરવા સામે વાંધો હોય એને શિક્ષણનો હક નથી એ સાચું. એ જ રીતે જે ચાંદલો, હિજાબ કે પાઘડીથી મૂળ યુનિફોર્મ બદલાતો ન હોય, અને શિક્ષણમાં ક્યાં ય કોઈને અન્યાય થતો ન હોય તો કોઈ પણ ધાર્મિક પ્રતીકનો વિરોધ કરવો ગેરબંધારણીય છે. અથવા દરેક ચાંદલો, ચોટલી, કડું, ફોટો, કંઠી, માળા, હિજાબ, બુરખા, ટોપી, પાઘડી સાથે આવનાર વિદ્યાર્થી પર પ્રવેશબંધી મૂકવી પડશે.
•••••
— 4 —
દાઢી, તિલક કે હિજાબ ધર્મનો ફરજિયાત પાળવાનો નિયમ નથી / ડૉ. મિતાલી સમોવા
ધર્મનો અનિવાર્ય હિસ્સો હોય તેવી બાબત અને તેના વિના ચાલે એમ તેમ હોય તેવા બે ફન્ડામેન્ટલ ભાગ હોય છે ડ્રેસકોડ બાબતે.
જેમ કે પાઘડી એ શીખ ધર્મના પાંચ મૂળ ફોલો કરવાના થતા નિયમોમાં ગણાય, તેથી તે મેન્ડેટરી ગણાય. પણ દાઢી, તિલક કે હિજાબ એ મેન્ડેટરી નિયમ ન ગણાય.
આ બેઝિક સમજ પર ધાર્મિક ચિહ્ન એલાઉ થતાં હોય છે.
જો કે શીખોને તો ધર્મ કિરપાણ રાખવાનો પણ આદેશ કરે છે. તેઓ રાખતા નથી તે તેમની સમજદારી ગણાય.
આ વિવાદિત મુદ્દો રહેશે.
•••••
— 5 —
હિજાબ : ધર્મ નહીં પરંપરા / બાબુ સુથાર
સાંભળ્યું છે કે કર્ણાટક વડી અદાલતે હિજાબ પરનો કેસ ચલાવવા કુરાન ગ્રંથ મંગાવ્યો છે. મને અહીં નર્મદ યાદ આવી ગયો. વરસો પહેલાં એણે કહેલું કે ‘શાસ્ત્રો ઈશ્વરરચિત નથી.’
હું સમજું છું ત્યાં સુધી હિજાબને મુદ્દે કુરાન પાસે જવાને બદલે પરંપરા પાસે જવું જોઈએ અને સ્વીકારવું જોઈએ કે આ પરંપરા કુરાનના એક ચોક્કસ એવા અર્થઘટનના પરિણામે વિકસી છે. બધા જ ધર્મો હકીકતમાં તો અર્થઘટન પર જ જીવતા હોય છે.
મારી માન્યતા પ્રમાણે જેમ હિન્દુ ધર્મ અને બીજા બધા ધર્મોમાં બન્યું છે એમ ઇસ્લામમાં પણ પરંપરાની સામે આધુનિકતાનો ઝઘડો છે જ. ઇજિપ્તની એક નવલકથામાં મુસ્લિમ સ્ત્રી હિજાબની સામે લડતી વખતે કહે છે કે મારા બાપુજી કુરાનનું પરંપરાગત અર્થઘટન કરીને મને એમના નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. અહીં, મારા મતે 'અર્થઘટન’ શબ્દ વધારે મહત્ત્વનો છે.
જે ધર્મોના કેન્દ્રમાં કોઈ ને કોઈ ગ્રંથ પડેલો હોય એ ધર્મોમાં પરંપરા અને આધુનિકતા વચ્ચેનો ઝઘડો વધારે sharp રહેવાનો. કેમ કે, એવા ધર્મમાં ધર્મગુરુઓ ધર્મગ્રંથના અર્થઘટન વડે લોકોને પરંપરા સાથે જોડી રાખવાનો પ્રયાસ કરતા હોય છે. ઇસ્લામ, ખ્રિસ્તી, જ્યુઈશ અને બીજા કેટલાક ધર્મોમાં આવું બન્યું છે. એ બધા ધર્મોના કેન્દ્રમાં ધર્મગ્રંથ છે.
હિન્દુ ધર્મમાં એવું નથી. હિન્દુ ધર્મના કેન્દ્રમાં કોઈ ધર્મગ્રંથ authority તરીકે કામ નથી કરતો. અને એ જ રીતે, કોઈ ધર્મગુરુઓ પણ authority તરીકે કામ નથી કરતા. હા, હિન્દુ ધર્મમાં સંપ્રદાયો વિકસ્યા પછી જે તે સંપ્રદાયનાં પુસ્તકો અને એમના ધર્મગુરુઓ authority બનવા લાગ્યા. તમે જો ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે હિજાબની સામે પડેલા મોટા ભાગના હિન્દુઓ કોઈને કોઈ સંપ્રદાયોને વરેલા હોય છે. આ મુદ્દો સાવ બાજુ પર મૂકવા જેવો નથી. હિન્દુત્વ પણ એક 'સંપ્રદાય’ છે, અલબત્ત, political. એને અને ધર્મને કોઈ સંબંધ નથી, અને છે તો રાજકારણ પૂરતો.
હું માનું છું કે કેટલીક પરંપરાઓ પ્રતિબંધ દ્વારા અટકાવી શકાય. જેમ કે, સતીપ્રથા, બાળલગ્ન. એ જ રીતે, કેટલીક પરંપરાઓ, ખાસ કરીને જે તે ધાર્મિક સમુદાયની ઓળખ બની ગયેલી પરંપરાઓ, પ્રતિબંધ દ્વારા ન અટકાવી શકાય અને જો તમે એવો પ્રયાસ કરો તો એના કારણે સામાજિક conflicts ઊભા થાય. પછી રાજકારણીઓ એ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરે. એ સંજોગોમાં આપણે એ પરંપરા સ્વયં અદૃશ્ય થઈ જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ અથવા તો ઓછામાં ઓછો conflict ઊભો થાય એવા માર્ગ શોધવા જોઈએ.
જ્યારે રાજકારણીઓ આવા મુદ્દાઓને ઉછાળવા માંડે ત્યારે સમજવાનું કે એમની પાસે આવા conflicts ઓછા કરવા માટે જોઈએ એવું / એટલું શાણપણ નથી.
•••••
(સંવિવાદ સંકલન : ચંદુ મહેરિયા)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 04-06