માતા-પિતા સામેની ફરિયાદો લઇને જીવનારાઓને માટે સંબંધો સાચવવા મુશ્કેલ હોય છે, તેમના ગુસ્સાનું મૂળ શોધી કાઢવાનું તેમને માફક નથી આવતું અને તેઓ ફરિયાદોમાં જિંદગી પસાર કરે છે
થોડા અઠવાડિયા પહેલાં ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર એક ફિલ્મ રિલીઝ થઇ, ‘ગેહરાઇયાં’. શકુન બત્રાની આ ફિલ્મને તેની બોલ્ડનેસ માટે ઘણી ચર્ચવામાં આવી. કોઇએ તેને વખોડી તો કેટલાકે વખાણી. જો કે ગેહરાયઇયાંને માથે માછલાં વધારે ધોવાયા. લોકોએ તેને ઇનફિડલિટી – બેવફાઇના વિષયને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ફિલ્મ તરીકે ખપાવી.
આ ફિલ્મની ચર્ચા શા માટે? આ મુદ્દા પર આગળ વાત કરીએ તે પહેલાં કથાનકનો ટૂંક સાર – દીપિકા અને અનન્યા પિતરાઇ બહેનો છે, વર્ષો પહેલાં દીપિકાના પિતા પોતાના ભાઇ સાથેના બિઝનેસમાંથી નીકળી બીજા શહેરમાં શિફ્ટ થઇ ગયા છે. યોગ ઇન્સ્ટ્રક્ટર દીપિકાને તેના પિતા સાથે બહુ કનેક્શન નથી તે મુંબઈમાં પોતાના નાનપણના દોસ્ત અને હવે બૉયફ્રેન્ડ સાથે રહે છે. તે લાંબા સમય પછી પોતાની પિતરાઇ બહેનને મળે છે જેની સાથે તેનો ફિયોન્સ પણ છે, જે પૈસાવાળો અને હાઇ-ફાઇ લાઇફસ્ટાઇલ જીવનારો છે. ગણતરીની મુલાકાતોમાં દીપિકાનું તેની બહેનના ફિયોન્સ સાથે અફેર થાય છે. પોતાના બૉયફ્રેન્ડથી એ કંટાળેલી હોય છે અને તેમનું બ્રેક-અપ થાય છે. આ તરફ બન્ને બહેનો સાથે સંબંધ રાખનારું સિદ્ધાંતનું પાત્ર પોતાના બિઝનેસ માટેના પૈસાની સવલત માટે ખેલ ખેલ્યા કરે છે. કોઇ એક ક્ષણે તેની વાસ્તવિકતા દીપિકા સામે છતી થાય છે. એક અકસ્માતમાં સિદ્ધાંતનું મોત થાય છે. આમાં એક સમાંતર વાર્તા – ફ્લેશબૅકની – આવે છે કે નાનપણમાં દીપિકા પાદુકોણે તેની માને ગળે ફાંસો લટકેલી હાલતમાં જોઇ હતી. ફિલ્મના એક વળાંકે દીપિકાને ખબર પડે છે કે તેની મમ્મી અને અનન્યાના પિતા વચ્ચે સંબંધ હતો અને તે બાયોલૉજિકલી અનન્યાની બહેન છે. આ વાસ્તવિકતા તેને માટે ચોંકાવનારી હોય છે કારણ કે તેને હંમેશાં પિતાનો વાંક દેખાયો હતો અને પિતા સાથેની વાતચીતમાં તેને પિતા સમજાવે છે કે ભૂતકાળને ગળે વળગાડીને જીવવાનો કોઇ અર્થ નથી. હા જો કે ફિલ્મના છેલ્લા દૃશ્યમાં દીપિકાનો ભૂતકાળ – સિદ્ધાંત ચતુર્વેદી સાથેના અફેરનો જે તેણે કોઇને કહ્યો નથી – ક્ષણભર માટે ચમકી જાય છે.
આ ફિલ્મ બેવફાઇ વિશે છે? હા અને ના. આ ફિલ્મ એક બહુ અગત્યના મુદ્દા અંગે છે – ચાઇલ્ડહુડ ટ્રૉમા. ઇન્ટરનેટની દુનિયામાં તરબોળ લોકો હશે તે અને ખાસ કરીને Gen-Zને આ શબ્દ વિશે ખબર હશે. આમ તો આપણી ભારતીય સમાજ વ્યવસ્થામાં આ બધી બાબતો પ્રત્યે લોકો બહુ સંવેદનશીલ નથી હોતા, બદલાતા સમય સાથે શહેરોમાં આ બાબતે થોડીઘણી જાગૃતિ આવી છે. જો કે આ જાગૃતિ એવા લોકોમાં આવે છે જે નવી પેઢીનાં છે અને પોતાના વર્તન, વહેવાર, સંબંધોમાં આવતી સમસ્યાઓને ચાઇલ્ડહુડ ટ્રોમા સાથે સંબંધ છે, એવું સમજી શકે છે. અંગ્રેજી ફિલ્મો જોવાની ટેવ હશે તેને ખ્યાલ હશે કે ત્યાંની સંસ્કૃતિમાં મોટે ભાગે બાળકો સામે માતા-પિતા એકબીજાં સાથે ઊંચા અવાજે બોલવાનું પણ ટાળે છે. ત્યાં છૂટાછેડા થાય જ છે, પણ તેની આસપાસનો ડ્રામા-તાણ-હુંસાતુંસી બધું છોકરાંઓની હાજરીમાં કરવાનું ટાળવામાં આવે છે. આનો અર્થ એમ નથી કે ત્યાં સમસ્યાઓ હોતી નથી, પણ આપણે ત્યાં પિતૃસત્તાક સમાજને કારણે શારીરિક હિંસાના બનાવો, રોકકળના બનાવો, બોલાચાલી, ઝગડા બધું જ છડેચોક થાય છે. આ બધી બાબતોની બાળકોના મન પર ધાર્યા કરતાં વધારે ઊંડી અસર પડતી હોય છે. ફિલ્મના પાત્રોના સંદર્ભે ચર્ચા કરીએ તો દીપિકા – અલિશાએ નાનપણમાં માતાની આત્મહત્યા જોયા બાદ હંમેશાં પોતાના પિતા નસીરુદ્દીન શાહ – વિનોદ-ને આ ટ્રેજેડી માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેનું પાત્ર વયસ્ક થયું પછી પણ મનમાં ઘર કરી ગયેલા આ વિચાર અનુસાર જ તેનો વહેવાર પણ ઘડાયો. યોગ શિક્ષક હોવા છતાં તેને એન્ગ્ઝાયટી ઇશ્યૂઝ છે, આ માટે તે દવાઓ લે છે. તેને જિંદગીમાંથી બીજા લોકો તેને છોડીને ચાલ્યા ન જાય તેનો ડર રહે છે, એને લાગે છે કે જે રીતે તેની મમ્મીને લાગતું હતું કે પોતે ‘સ્ટક’ છે, ફસાયેલી છે એવી રીતે તે પણ સ્ટક થઇ જશે. તેનો વર્તમાનકાળ જેમાં તે જે રિલેશનમાં છે તેનાથી તે ખુશ નથી પણ ભૂતકાળનો બોજ તેને વર્તમાન બદલવાની હિંમત પણ નથી આપતો. આ તરફ સિદ્ધાંત ચતુર્વેદીનું પાત્ર છે તેણે નાનપણમાં ઘરમાં પોતાની માને માર ખાતા જોઇ છે, ટૉક્સિક રિલેશનશીપ ચલાવતા જોઇ છે અને બેજવાબદાર પિતા જોયા છે જેને કારણે ગરીબીમાં ઉછરેલા આ પાત્રને માટે આર્થિક સલામતી સૌથી અગત્યની બાબત છે, અને એ માટે તે કોઇપણ સ્તરે જવા તૈયાર છે. પછી ભલેને અનન્યા પાંડેને મારી નાખવાનો વિચાર આવે કે દીપિકાની હત્યા કરવાનો તે પ્લાન કરે. ફિલ્મના બીજા ભાગમાં જ્યારે અણધાર્યા વળાંકો આવી જાય છે પછી અનન્યા પાંડેનું પાત્ર – ટિયા દીપિકાને પોતાના પપ્પા અને તેની માતા વચ્ચેના સંબંધની વાત કરે છે. અચાનક જાણે ચોકઠાં ગોઠવાઇ જાય છે કે શા માટે બે ભાઇઓ છૂટા પડ્યાં, શા માટે માએ (ગિલ્ટમાં) આત્મહત્યા કરી. આખી જિંદગી પિતાને દોષી માનતી અલિશાને સમજાય છે કે વિક્ટિમ તો તેના પપ્પા પણ હતા, પણ તેમણે પોતાના ભૂતકાળને સ્વીકાર્યો. નસિરુદ્દીનનું વેર-વિખેર ઘર, પોતાની કાળજી ન રાખનારું પાત્ર એટલે કે એવી વ્યક્તિ જેને પ્રેમ નથી મળ્યો, દગો થયો છે અને માટે તેને પોતાની પરવા કરવામાં કોઇ ખાસ રસ નથી. એ દીકરીને ખાતર, જે દીકરી તેને ગુનેગાર માને છે, તેને ખાતર જિંદગી મેનેજ કરે છે કારણ કે તે ભૂતકાળમાંથી તેને ખાતર પણ ‘મુવ ઓન’ થયું છે. ફિલ્મનું હાર્દ અલિશા-વિનોદ વચ્ચેનો સંવાદ છે, જેમાં પિતા દીકરીને કહે છે કે, ‘આપણી ચોઇસ સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ તમારે તમારી જાતને એક મોકો તો આપવો જ પડે.’
બાળપણના આઘાતોની અસર ભવિષ્યના સંબંધો પણ અચૂક પડે છે. આ આઘાતોમાંથી જાતને બેઠી કરવી જરૂરી છે. અત્યારે જે માતા-પિતા ૪૦ કે ૫૦ની વયના દાયકામાં છે તેઓ પોતાની સમસ્યાઓની ચર્ચા સંતાનો સાથે ખુલ્લા મને કરવામાં માને છે. આજે વીસીમાં હોય તેવી પેઢી પાસે ઇન્ટરનેટ છે તેમને પોતાને થતી એન્ગ્ઝાઇટી, પેનિક અટેક્સ અને ચાઇલ્ડહુડ ટ્રોમાની અસરો સમજાય છે. પણ તેનો અર્થ એમ નથી કે તેઓ સમસ્યાઓ ઉકેલવા સક્ષમ છે. તેમને ધીરજભર્યા પેરન્ટિંગની સૌથી વધારે જરૂર છે, પછી ભલે ને કોઇ સિંગલ પેરન્ટ જ તેમને સંભાળતું હોય.
બાય ધી વેઃ
આધ્યાત્મિક વિચારધારામાં એક બહુ સરસ વાત છે જેમાં પોતાનાં માતા-પિતા અને જીવનસાથીને માફ કરવાની અનિવાર્યતા પર ભાર મુકાય છે. માતા-પિતા પણ અંતે માણસ છે, કોઇ મા-બાપ જાણી જોઇને છોકરાંઓને તકલીફ નથી આપતાં. તેમના પોતાના ટ્રોમા, ઉછેર, સમજણને ગણતરીમાં લેવા પડે. માતા-પિતા સામેની ફરિયાદો લઇને જીવનારાઓને માટે સંબંધો સાચવવા મુશ્કેલ હોય છે, તેમના ગુસ્સાનું મૂળ શોધી કાઢવાનું તેમને માફક નથી આવતું અને તેઓ ફરિયાદોમાં જિંદગી પસાર કરે છે. આમ થવા દેવાને બદલે માતા-પિતાના સમીકરણોથી પર જઇ, તેમને માફ કરી જાતને ‘હીલ’ (Heal) કરવું વધુ જરૂરી છે. દરેક સમસ્યામાં ‘ક્લોઝર’ નથી મળતું ,પણ તેનાથી આગળ વધી શકાય છે. ભૂતકાળ એકથી વધારે વખત તમારી સામે આવે એવું પણ બને પણ દર વખતે તમે તેનાથી થોડા વધુ દૂર થયા હો, ડિટેચ થયા હો તો તેનો બોજ ઘટતો જાય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ફેબ્રુઆરી 2022