ગયા અઠવાડિયે મેં આ કોલમમાં લખ્યું હતું કે ગાંધીજીના પ્રભાવ હેઠળ ભારતમાં જે જાહેરજીવન વિકસ્યું હતું એમાં અંતરાત્માના રખેવાળોની સંખ્યા ઘણી મોટી હતી. ઘણી મોટી એટલે તેના તમામ અર્થમાં ઘણી મોટી. આખા ભારતમાં તે ફેલાયેલી હતી. આજે અહીં એક પ્રસંગ ટાંકવો અને અને પછીના સપ્તાહે સંઘની અને બીજા વિચારપરિવારોની વાત કરીશું.
૧૯૮૭માં હું ઓડીશામાં કાલાહાંડી અને કોરાપુટ નામના બે જિલ્લામાં પડેલા દુકાળ(ખરું જોતાં એ દુકાળ નહોતો ભૂખમરો હતો જેને દુકાળ તરીકે ખોટી રીતે ઓળખવામાં આવતો હતો)નો અભ્યાસ કરવા ગયો હતો. સાથે ત્યાં રાહત કામ કરવા ઈચ્છતા એક હીરાના વેપારી હતા અને બીજા કેટલાક ગુજરાતી પત્રકારો પણ હતા. અમે અમારા પ્રવાસ દરમ્યાન લોકો સાથે વાતચીત કરી શકીએ અને ગ્રામીણ સ્તરે કામ કરતા કાર્યકર્તાઓને મળી શકીએ એ માટે ખરિયાર રોડના એક ગાંધીવાદી સર્વોદયી વડીલને સાથે લીધા હતા. પ્રવાસ દરમ્યાન એક દિવસ મેં સાથીઓને કહ્યું કે અહીં બાજુમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં જમીનમાંથી રૂબી, પુખરાજ, પન્ના જેવા કિંમતી પથ્થરો મળે છે અને આદિવાસીઓ આજકાલ ત્યાં આખો દિવસ માટી એકઠી કરી, ચાળી, ધોઈ ગાળીને કિંમતી પથ્થરો શોધે છે અને પછી વેપારીઓને વેચે છે. એક પ્રકારનું સ્મગલિંગનું નેટવર્ક ત્યાં વિકસ્યું છે જેમાં રાજકારણીઓ અને અમલદારો સંડોવાયેલા હોય છે.
મેં આ વાત કરી કે તરત મારા હીરાનો વેપાર કરનારા વેપારીના કાન સરવા થયા. એ સમયે મારા મિત્ર અને કાલાહાંડીના વિધાનસભ્ય ભક્તચરણ દાસ ત્યાં હાજર હતા. અમે જયપ્રકાશ નારાયણે શરૂ કરેલા સંપૂર્ણક્રાંતિ આંદોલનમાં સાથે હતા અને જેલમાં પણ ગયા હતા. એ સમયે તેઓ જનતા દળમાં હતા અને અત્યારે કૉન્ગ્રેસમાં છે. મારા હીરાના વેપારીએ ત્યાં જવાની ઈચ્છા બતાવી એટલે ભક્તચરણ દાસે કહ્યું કે તે ત્યાં કેટલાક લોકોને ઓળખે છે અને તે સાથે આવીને તેમને મળાવી આપશે. આ વાતચીત અમારા સર્વોદયી વડીલ (મને શરમ આવે છે કે આજે હું પ્રાત:સ્મરણીય એવા એ પવિત્ર માણસનું નામ ભૂલી ગયો છું) સાંભળતા હતા. તેમણે જ્યારે જોયું કે ભૂખમરાની સમસ્યા સમજવા અને સેવા કરવા આવેલા લોકો દાણચોરીના ધંધાને પણ સમજવામાં અને સંપર્કો શોધવામાં સેવા કરતાં પણ વધારે ઉત્સુક છે ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘જો તમે જૂનાગઢ જશો તો હું કાલાહાંડી શહેરની વચ્ચોવચ્ચ આવેલા ચોકમાં ઉપવાસ કરવા બેસી જઈશ. સેવા કરવા આવ્યા છો તો સેવા કરો. ધંધાનો વિચાર કરવો હતો તો અહીં આવ્યા શા માટે? અને એ પણ ખોટો ધંધો? જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તમે જૂનાગઢ નહીં જઈ શકો.’ આખરે એ વડીલ સામે વેપારીએ અને વિધાયકે ઝૂકી જવું પડ્યું હતું.
તમે ખરિયાર રોડનું નામ સાંભળ્યું છે? ન સાંભળ્યું હોય તો કાંઈ ફરક નથી પડતો. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે ખરિયાર રોડ જેવા ભારતના કસ્બે કસ્બે આવા સન્નિષ્ઠ ગાંધીવાદીઓ પડ્યા હતા જે પારકી છઠ્ઠીના જાગતલ હતા અને અંતરાત્માની રખેવાળી કરતા હતા. ગાંધીવિચાર પરિવારે હજારોની સંખ્યામાં આવા માણસો પેદા કર્યા હતા જે મૂલ્યોના છડીદાર હતા. તેમનો ડર રહેતો. ઇન્દિરા ગાંધીએ રાજ્યસભામાં નિયુક્ત કર્યા હોવા છતાં તેમની સામે આંખમાં આંખ પરોવીને ઉમાશંકર જોશીએ ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો એ તો ઉપરના સ્તરનું ઉદાહરણ થયું. પણ ખરિયાર રોડના સાવ અજાણ્યા વડીલનું ઉદાહરણ કોઈ ઓછું મહત્ત્વનું નથી. એ અજાણ્યો અવાજ પણ એટલો જ બુલંદ હતો જેટલો ઉમાશંકરનો કે જયપ્રકાશ નારાયણનો હતો, કારણ કે એ અંતરાત્માનો અવાજ હતો અને સાથે પ્રતિબદ્ધતા હતી. અંતરાત્માના આવા પ્રતિબદ્ધ અવાજ આખા ભારતમાં પથરાયેલા હતા. ભલભલા ચમરબંધીઓને પણ મર્યાદાનું ઉલ્લંઘન કરતી વખતે આવા અજાણ્યા અવાજોનો ડર લાગતો.
ગાંધીવિચાર પરિવારે પેદા કરેલા અંતરાત્માના રખેવાળોના આવા હજારો (જી હાં, હજારો) ઉદાહરણ ઉપલબ્ધ છે. પણ સંઘ પરિવારના? ગયા અઠવાડિયે મેં મારો લેખ પૂરો કરતા એક ટહેલ નાખી હતી કે સંઘપરિવારમાંથી આવાં કોઈ ઉદાહરણ હોય તો મહેરબાની કરીને મારું ધ્યાન દોરો. મર્યાદાલોપ અને અમાનવીયતા સામે સંઘપરિવારમાંથી કોઈ જયપ્રકાશ નારાયણે, કોઈ ઉમાશંકર જોશીએ કે કોઈ ખરિયાર રોડના વડીલે અવાજ ઉઠાવ્યો હોય તો ધ્યાન દોરે. હજુ સુધી એકે નામ કોઈએ આપ્યું નથી. એક સપ્તાહ હજુ તમારી પાસે છે. પ્લીઝ હેલ્પ મી. આવડો મોટો પરિવાર છે, કોઈક તો હશે જ.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જુલાઈ 2020