આંતરરાષ્ટૃી ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ભાષાશાસ્ત્રી પ્રબોધ પંડિત(25 જૂન 1923 − 28 નવેમ્બર 1975)નું આ જન્મશતાબ્દી વર્ષ છે. એ નિમિત્તે સ્મરણાંજલિરૂપે “એતદ્દ”એ ખાસ નિમંત્રણ આપીને મેળવેલા બે લેખો આ અંકમાં (ઑક્ટોબર – ડિસેમ્બર 2022) પ્રસ્તુત છે. બન્ને લેખકમિત્રોનો પણ ખાસ આભાર.
— “એતદ્દ” સંપાદક

ઊર્મિ ઘનશ્યામ દેસાઈ
ડૉ. પ્રબોધ પંડિતનું નામ એમ.એ.માં ભણતી હતી ત્યારે સૌ પ્રથમ સાંભળવામાં આવ્યું હતું. અને તેમનો પરોક્ષ પરિચય તેમનાં લખાણોનાં વાંચન દ્વારા પ્રાપ્ત થયો હતો. સન ૧૯૬૨ સમય દરમ્યાન તેમના ‘ધ્વનિશાસ્ત્ર’ ઉપરના ત્રણ લેખો ‘સંસ્કૃતિ’ સામયિકમાં છપાયા હતા. એમ.એ.માં ‘ભાષાશાસ્ત્ર’ ભણવાનું હતું તેથી તેમના આ લેખો આશીર્વાદરૂપ બન્યા હતા. આ લેખો દ્વારા તેમની આ વિષય ઉપરની પ્રકાંડ વિદ્વત્તાનો પરિચય તો થયો જ. સાથોસાથ આવા શાસ્ત્રીય વિષયની રજૂઆત હૃદયને સ્પર્શી ગઈ. કેટલી સરળ અને પ્રવાહી ભાષા! તેમાં ક્યાં ય વિદ્વત્તાનો ભાર નહીં, આડંબર નહીં. માત્ર ને માત્ર વિષય પરનું પ્રભુત્વ જ નજરે પડ્યું. અને વિષયની શાસ્ત્રીય પરિભાષા પણ વિના આયાસે હસ્તગત હોય એવી સરળ, પ્રવાહી ભાષામાં રજૂ થઈ હતી. આ લેખો વાંચીને હું એટલી તો અભિભૂત થઈ ગઈ કે ન પૂછો વાત!
આ પેપરમાં અમને ‘વિવૃત્ત ઍ અને ઑ’ વિશે પણ ભણવાનું હતું. વર્ગમાં નરસિંહરાવ દીવટિયાના એ વિષય ઉપરના આલેખન ઉપર જ આધાર રાખીને ભણાવાતું હતું. વચગાળાના સમય દરમ્યાન ડૉ. પ્રબોધ પંડિતનો લેખ E and O in Gujarati (૧૯૫૫-૫૬), Indian Linguistics Vo. XV (પૃ. ૬૧૭-૬૫૫) છપાયો હતો. તે વાંચવાનું પ્રાપ્ત થયું. નરસિંહરાવનું લખાણ ૧૯૨૧-૧૯૩૨ સમયગાળા દરમ્યાન છપાયું હતું, જ્યારે પ્રબોધ પંડિતનું લખાણ અદ્યતન હતું. તેથી તેમના લેખના આધારે વર્ગમાં પ્રૉફેસર સાથે મારી (કુ)ટેવ પ્રમાણે ઘણી દાખલાદલીલો થઈ હતી. પ્રૉફેસર તેથી ઘણા નારાજ પણ થયા હતા. પણ મને એ લેખ વાંચવાથી આ વિષય વિશે ઘણી સાચી જાણકારી પ્રાપ્ત થઈ હતી. એટલે આ લેખ મને પ્રિય થઈ પડ્યો હતો. મેં તેનું ભાષાંતર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો કે તે ભાષાંતર હજી સુધી છપાયું નથી એ બીજી વાત છે. જો કે તેમના આ બધા લેખોથી પ્રબોધ પંડિતની મારા મનમાં એક પ્રખર વિદ્વાન તરીકે પડેલી છાપ અમીટ રહી છે. પછી તો એમનાં અનેક લખાણો સમય સમય પર વાંચતી રહી, એનો અભ્યાસ કરતી રહી અને ભાષાશાસ્ત્ર વિશેના મારા જ્ઞાનને સંકોરતી રહી.
સન ૧૯૭૩માં પ્રબોધ પંડિતને મુંબઈ યુનિવર્સિટી તરફથી ઠક્કુર વસનજી વ્યાખ્યાનમાળામાં પાંચ વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
તેમનાં વ્યાખ્યાનો સાંભળવા, આખા મુંબઈમાંથી દુર્ભાગ્યે માત્ર ત્રણ શ્રોતા હતા. મુંબઈ યુનિવર્સિટી ગુજરાતી વિભાગના હેડ, કૃષ્ણવીર દીક્ષિત – પત્રકાર અને હું, એમાંયે ગુજરાતી વિભાગના હેડ તો બે દિવસ માટે જ ઉપસ્થિત હતા. બાકી કૃષ્ણવીર દીક્ષિત અને હું – બે જ જણ. આ વ્યાખ્યાનો ખૂબ રસિક હતાં. એની ખૂબી એ હતી કે એમણે આ વ્યાખ્યાનોમાં પરિભાષા માટેનો એકે અંગ્રેજી શબ્દ વાપર્યો નહોતો. માત્ર ગુજરાતી અને ગુજરાતીમાં જ પાંચે વ્યાખ્યાનો રસાળ શૈલીમાં રજૂ થયાં હતાં. પણ એક વસ્તુની નોંધ લેતાં શરમ આવે છે કે આખા મુંબઈમાંથી માત્ર બે જ જણ સાંભળવા માટે હાજર! તે સમયે તો બધી કૉલેજમાં ગુજરાતી વિભાગ હતો. આટલા મોટા વિદ્વાન મુંબઈને આંગણે વ્યાખ્યાન આપવા આવ્યા હતા. તેની માહિતી શું મુંબઈની કૉલેજ સુધી પહોંચી જ નહોતી? કેટલી શરમજનક વાત હતી? મારે મતે તો આવા મોટા વિદ્વાનનું એક રીતે અપમાન જ ગણાય. પણ પ્રબોધ પંડિતના મન પર એની કોઈ અસર જ નહીં. એમણે તો અમને બે જણને માટે પણ પ્રેમથી, લંબાણથી એમને જે રજૂ કરવું હતું તે રજૂ કર્યું જ. પછી આ વ્યાખ્યાનો ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ નામે પ્રકાશિત થયાં (૧૯૭૮).

પ્રબોધ બેચરદાસ પંડિત
આ સમય દરમ્યાન હું મુંબઈ યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્ર વિભાગમાં સંશોધક સહાયક તરીકે કામ કરતી હતી. આ પાંચ દિવસ દરમ્યાન પ્રબોધ પંડિત રોજ મારી ઑફિસમાં આવતા. મારી સામેની ખુરશીમાં બેસે, મને ઘણો સંકોચ થાય. હું કહું, સાહેબ આ બાજુ બેસો ને! તો કહે તેનાથી શો ફેર પડવાનો છે? આટલા મોટા વિદ્વાન અને આટલી નમ્રતા! હું તો શરમની મારી પાણી પાણી થઈ જાઉં. પણ તેઓ તો જાણે સ્થિતપ્રજ્ઞ! અને પછી હું શું કામ કરું છું તેની પૂછપરછ કરતા. એક દિવસ મેં તેમને કહ્યું કે હું અકર્મક-સકર્મક પર કામ કરું છું પણ કોઈ તોડ નથી નીકળતો. તેમણે ઉત્તર આપ્યો કે આપણી ભારતીયોની એક નબળાઈ છે કે સંસ્કૃતને પગલે આપણે માત્ર રૂપતંત્રને જ લક્ષમાં લઈએ છીએ. સંસ્કૃતમાં તો વાક્યતંત્ર એટલું નિયત (Fixed) નથી. રૂપોનો પદક્રમ પણ નિશ્ચિત નથી હોતો, મુક્ત હોય છે. તેમનો સ્થાનફેર પણ કરી શકાય છે. પણ આપણી આજની ભારતીય ભાષાઓ વાક્યતંત્રીય ચોક્કસ બંધારણ ધરાવે છે. માટે તું રૂપતંત્રના પાયા પર આધાર ન રાખતાં વાક્યતંત્રીય રીતે વિચાર કર. બસ એમના એક સૂચનમાત્રથી મને મારા સંશોધનની સાચી દિશા સાંપડી ગઈ. ખરેખર એક વિદ્વાન સાથેની વાતચીત પણ કેટલું બધું શીખવી જાય છે? અહો આશ્ચર્યમ્! પછી આ જ વિષયને મેં ડૉ. કેનિથ પાઇકના અધ્યક્ષ હેઠળની ઇન્ટરનૅશનલ કાર્યશિબિર – મૈસૂરમાં અધ્યયન માટે પસંદ કર્યો. અને દોઢ મહિનાના સમયગાળામાં Intransitivity, transitivity and causativity (અકર્મકતા, સકર્મકતા અને પ્રેરકતા) ઉપર સંશોધન પેપર તૈયાર કર્યો. પ્રખર અમેરિકન ભાષાશાસ્ત્રી ડૉ. કેનિથ પાઇક તો એનાથી એટલા ખુશ થઈ ગયા કે મારા પેપર ઉપર લાલ શાહીથી Excellent એવો શેરો માર્યો. અને શ્રીમતી એવલિન પાઇકે તો આ ગુજરાતી સામગ્રીનો તેમના ભવિષ્યના કાર્યમાં ઉપયોગ કરવાની અનુમતિ પણ મારી પાસેથી લઈ લીધી. હું તો રાજીના રેડ થઈ ગઈ. જાણે આકાશમાં વિહરવા લાગી! અલબત્ત એનું શ્રેય તો પ્રબોધ પંડિતને જ જાય જેમણે મને આ વિષય પરના સંશોધનની સાચી કેડી ચીંધી હતી. પૂજ્ય ભાયાણીસાહેબ પણ આ વાતથી ઘણા ઘણા રાજી થયા હતા. આ જ પેપરને મેં કે.બી. વ્યાસ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે ૧૯૯૦માં ગુજરાતીમાં રજૂ કર્યો હતો. જેનો મેં મારા પુસ્તક ‘ભાષાશાસ્ત્રની કેડીએ’(૨૦૦૧)માં સમાવેશ કર્યો છે. (પૃ. ૨૦૨-૨૧૪)
આ જ દિવસો દરમ્યાન ‘ભાષાશાસ્ત્ર’ વિભાગ તરફથી મેં કરેલું મુંબઈના પારસીઓની ભાષા પરનું વર્ણનાત્મક કાર્ય પ્રકાશિત થતું હતું (૧૯૭૪). હું પ્રૂફ્સ તપાસતી હતી ત્યારે પ્રબોધ પંડિતે આ પ્રૂફ્સ જોયાં અને મને કહ્યું, હવે હું કહું તે પ્રમાણે વધારે સામગ્રી એકત્ર કર. તેનો સમાજભાષાશાસ્ત્રીય રીતે મુંબઈની પારસી ભાષાનો અભ્યાસ કરશું. અને પ્રૂફ્સના બધા ફરમા તેઓ સાથે લઈ ગયા. પણ આ વાત અમલમાં મુકાય તે પહેલાં જ કાળની ક્રૂર થપાટ વાગી અને પ્રબોધ પંડિતનું અકાળે અવસાન થયું. અને ભગવાને પ્રબોધ પંડિત પાસે અભ્યાસ કરવાની મારી આ તક છીનવી લીધી. આ વાત મને હજીયે કોર્યા કરે છે.
સન ૧૯૫૭થી ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં નોમ ચોમ્સ્કી નામના ભાષાશાસ્ત્રીનો ઉદય થયો. તેમણે Transformational Grammar અને પછી Generative Grammar દ્વારા ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં ક્રાન્તિ જ લાવી દીધી. તેને કારણે Sociolinguistics, Psycholinguistics, Mathematical Linguistics અને Language Teachingની નવી Method જેવાં ક્ષેત્રો વિકસ્યાં. તેથી મેં પણ Transformational Grammar વાંચવાનું શરૂ કર્યું. ઘણું વાંચ્યું, પણ તે વિષયની પૂરેપૂરી સમજણ પ્રાપ્ત ન થઈ. બહુ માથાઝીક કરી પણ સફળ ન થઈ.
તે સમય દરમ્યાન પ્રબોધ પંડિત દિલ્હી યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગના હેડ હતા. તેમની ઉગ્ર અને કઠોર સ્વભાવની છાપ હોવાને કારણે ડરતાં ડરતાં એક દિવસ હિંમત કરી મેં તેમને પત્ર લખી નાંખ્યો. પત્રમાં મેં જણાવ્યું કે, “એક વર્ષથી આપને પત્ર લખવાનું વિચારું છું. છેવટે હિંમત એકત્ર કરીને આજે તો પત્ર લખું જ છું.” મેં જણાવ્યું કે, “મારે Transformational Grammar શીખવું છે. કૃપા કરી મને મદદ કરો.” એમણે તરત ઉત્તરમાં જણાવ્યું (૩-૧૦-૭૫) કે, “હું અત્યારે થોડા કામમાં વ્યસ્ત છું. થોડા દિવસોમાં વિગતે પત્ર લખીશ.” તા. ૨૦-૧૦-૧૯૭૫ના રોજ તેમણે ઉત્તર પાઠવ્યો અને જણાવ્યું કે, “અમારા વિભાગમાં ડૉ. પાંડે Transformational Grammarના મોટા વિદ્વાન છે. વર્ણનાત્મક મૉડલથી શરૂ કરી બધાં મૉડલો શિખવાડવામાં આવે છે. બે સેમિસ્ટરનો કોર્સ છે. તું અહીં આવી અભ્યાસ કર.” મેં તેમને પત્રમાં જણાવ્યું કે, “વર્ણનાત્મક મૉડલ તો હું અહીં વિદ્યાર્થીઓને ભાષાશાસ્ત્રીય કોયડા ઉકેલવા ભણાવું છું. વળી, મારો દીકરો બહુ નાનો – માંડ બે વર્ષનો છે, એટલે બે સેમિસ્ટર માટે આવવું મને અઘરું થઈ પડે. હું બીજા સેમિસ્ટરમાં આવીશ. તે માટે મેં મારા દીકરા માટે મારી ભાણીને બોલાવવાની સગવડ કરી લીધી છે. અલબત્ત, મારો આ નિર્ણય હું ઘનશ્યામના પ્રોત્સાહનથી જ લઈ શકી છું.” કારણ કે ઘનશ્યામને મારા અભ્યાસ માટે અને મારી પ્રગતિ માટે એટલો રસ હતો કે તે માટે પોતે કોઈ પણ ભોગ આપવા તૈયાર થઈ જતા.
પછી દિલ્હીમાં મારા રહેવા માટે પ્રબોધ પંડિતે તપાસ આરંભી. ડિપાર્ટમેન્ટની બાજુમાં બે લેડીઝ હૉસ્ટેલો છે પણ તેમાં જગા નથી. બીજો ઉપાય સૂચવ્યો છે કે, “તેમની એક વિદ્યાર્થિની ફ્લૅટ રાખી એકલી રહે છે, તેની સાથે રહી શકાય, માટે તેને પૂછી જોઉં. યુનિવર્સિટીના ગેસ્ટહાઉસમાં પણ રહી શકાય.” અંતે તેમણે જણાવ્યું કે, “હૉસ્ટેલમાં ન ફાવે તો મારે ઘેર રહી શકાય.” વળતી ટપાલે તેમણે જણાવ્યું કે “મારો સ્ટડી રૂમ તારે માટે ખાલી કરી રાખ્યો છે.”
એક અલ્પપરિચિત વિદ્યાર્થીના અભ્યાસ માટે એમની ખેવના કેટલી? કોઈ વિચારી પણ શકે છે કે ઉગ્ર, કઠોર સ્વભાવની છાપવાળા પંડિતસાહેબ આટલા કોમળ પણ થઈ શકે છે! એટલે જ કહેવાયું હશે ને કે વજ્રાદપિ કઠોરાણિ, મૃદુનિ કુસુમાદપિ.
પણ હું કેવી નસીબની બળિયેલ તે તો જુઓ. બીજું સેમિસ્ટર શરૂ થાય તે પહેલાં જ ૨૮ નવેમ્બર, ૧૯૭૫માં તેમનું દુઃખદ અવસાન થયું. અને મારા ભણવાનું બાષ્પીભવન થઈ ગયું. અને એટલો તો સખત આઘાત લાગ્યો કે હતાશામાં સરી પડી. અને હવે ભાષાશાસ્ત્ર ભણવું જ નથી. અને ભાષાશાસ્ત્રનો આગળ અભ્યાસ કરવાનો વિચાર જ માંડી વાળ્યો. મારા વિદ્યાર્થીઓ મંદા અને નીતિન મહેતા અને એમના મિત્રો મને આશ્વાસન આપવા, મારું સ્વજન ગુજરી ગયું હોય એમ ખરખરો કરવા મારે ઘેર આવ્યાં હતાં. તેમને ક્યાં ખબર હતી કે મારે મન પ્રબોધ પંડિત એક સ્વજન કરતાં ક્યાંયે વિશેષ હતા. ખરા અર્થમાં તેઓ મારા તો માર્ગદર્શક, પથપ્રદર્શક અને ગુરુવર્ય હતા. એમના જવાથી મારા અસ્તિત્વનો એક અંશ ખરી પડ્યો હોય એટલું મને દુઃખ થયું હતું. એમના જવાથી મને પડેલી ખોટ હજી સુધી કોઈ પૂરી શક્યું નથી. માંડ માંડ આમાંથી ધીરે ધીરે હું બહાર આવી શકી.
આ પછી હું ૧૯૭૪થી ગાંધી મેમૉરિયલ રિસર્ચ સેન્ટરમાં (ચર્ની રોડ) ભાષાશાસ્ત્રના રિસર્ચ ઑફિસર તરીકે જોડાઈ. તે સમય દરમ્યાન મને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી પ્રબોધ પંડિતના અવૉર્ડ મેળવેલા પુસ્તક ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’નો પરિચય કરાવતો લેખ લખવાનું આમંત્રણ મળ્યું. હું તો હક્કાબક્કા થઈ ગઈ. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી! મેં પત્ર લખી પ્રબોધ પંડિત પાસે માર્ગદર્શન માગ્યું. પંડિતે પણ મનમાં ને મનમાં ઘણી રમૂજ અનુભવી જ હશે. પણ મને મદદરૂપ થઈ પડે એવા એમના પાંચ-સાત અંગ્રેજી લેખોની offprints મોકલી આપી. તેના આધારે મેં અંગ્રેજીમાં લેખ લખ્યો કે Sahitya Akadami Awards Books and awards (૧૯૫૫-૭૮) (P. ૧૧૨-૧૧૫) Sahitya Akadami Delhi(૧૯૯૦)માં પ્રકાશિત થયો. એનું ભાષાંતર મેં ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન – એક પરિચય’ એ નામે કર્યો અને એ લેખનો મારા ‘ભાષાનુષંગ’ (૨૦૦૩) પુસ્તકમાં સમાવેશ કર્યો છે. (પૃ. ૪૦-૪૩)
આવા મારા માર્ગદર્શક, પથપ્રદર્શક પરમ પૂજ્ય ગુરુવર્યને આ નિમિત્તે મારાં સહસ્રશત પ્રણામ.
ડૉ. પ્રબોધ પંડિત વિશે લખાયેલા લેખો અને અવલોકનોની સૂચિ :
૧. Gujarati Bhashanu Dhwani Swaroop and Dhwani Puripartan (૧૯૬૬) article in Sahitya Akademi Awards : Books and Writers – ૧૯૫૫-૧૯૭૫. (૧૯૯૦) (Pg. ૧૧૨-૧૧૫)
૨. પ્રબોધ પંડિતનું ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પ્રદાન – ‘ભાષાશાસ્ત્રની કેડીએ’ (૨૦૦૧) પુસ્તકમાં, પ્રકરણ ૩૨ – પૃ. ૩૧૧-૩૧૮
૩. ભારતના સમાજલક્ષી ભાષાવિજ્ઞાનના અગ્રેસર ડૉ. પ્રબોધ પંડિત, ‘ભાષાશાસ્ત્રની કેડીએ’ (૨૦૦૧) પુસ્તકમાં, પ્રકરણ ૩૩ – પૃ. ૩૧૯-૩૩૦
૪. ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિચય – ડૉ. પ્રબોધ પંડિત – એક પરિચય
‘ભાષાનુષંગ’ (૨૦૦૩) પુસ્તકમાં, પ્રકરણ ૪, પૃ. ૪૦-૪૩
૫. નવી શૈલીનું વ્યાકરણ – વ્યાકરણ અર્થ અને આકાર – ડૉ. પ્રબોધ પંડિત – સંપાદક : દયાશંકર જોશી
‘ભાષાનુષંગ’ (૨૦૦૩) પુસ્તકમાં, પ્રકરણ ૨, પૃ. ૨૧-૩૦
૬. ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન – ડૉ. પ્રબોધ પંડિત
‘ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ’ (૨૦૧૪) પુસ્તકમાં પ્રકરણ ૩૬ – પૃ. ૨૯૯
૭. A Grammatical sketch of Gujarati Language – Dr. Prabodh Pandit (Prepared in ૧૯૬૩, Published in ૧૯૭૬)
‘ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ’ (૨૦૧૪) પુસ્તકમાં પ્રકરણ ૩૭ – પૃ. ૪૦૨-૪૨૬
૮. વ્યાકરણ : અર્થ અને આકાર – ડૉ. પ્રબોધ પંડિત
‘ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ’ (૨૦૧૪) પુસ્તકમાં, પ્રકરણ ૩૮ – પૃ. ૪૨૭-૪૨૯
૯. પ્રાકૃત ભાષા (૧૯૫૪), પ્રબોધ પંડિત. અનુવાદ – પ્રાકૃત ભાષા (૧૯૬૬)
31/B, ગીતા ભવન, ભૂલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ − 400 026
પ્રગટ : “એતદ્દ” • 236 • ઑક્ટોબર – ડિસેમ્બર 2022; પૃ. 62-66