શાસકો પોતપોતાના પ્રતિનિધિગૃહોમાં અને જાહેરમાં જે બોલતા હોય છે એ હંમેશાં પૂર્ણ સત્ય હોતું નથી. તેઓ જેટલું બોલે છે એનાં કરતાં વધુ છુપાવે છે, અને કેટલીક વાર દેશહિતમાં છુપાવવું પડતું હોય છે. વિદેશ વ્યવહારના મુત્સદીઓ એમ કહે છે કે ઘર આંગણેની આંતરિક બાબતોમાં હજુ પણ શાસકો સાધનશુદ્ધિ જાળવી શકે, પરંતુ વિદેશ વ્યવહારમાં સાધનશુદ્ધિ શક્ય નથી. એમાં એક કરતાં અનેક પક્ષકાર હોય છે અને દરેકની મૂલ્યો માટેની સમજ અને પ્રમાણિકતા અલગ અલગ હોય છે.
બીજું કેટલાક દેશોમાં અને દેશો વચ્ચે શરમાવા જેવી અને છુપાવવા જેવી અનેક બાબતો બનતી હોય છે. સોવિયેત રશિયામાં અને ચીનમાં જે બન્યું છે, એની કેટલીક જાણકારી આમ તો આખા જગતને છે, પરંતુ સોવિયેત રશિયા તૂટી પડ્યું એને ત્રણ દાયકા થવા છતાં એ ઓર્વેલિયન યુગની પૂરી જાણકારી હજુ બહાર આવી નથી. આવું જ ચીનનું છે. બીજા વિશ્વયુદ્ધના રહસ્યો હજુ હમણાં સુધી બહાર આવતા હતા.
પણ શાસકો જો તામસી માનસ ધરાવનારા હોય અને ગમ ખાવા તૈયાર ન હોય ત્યારે કવેળાએ પણ રહસ્યો બહાર આવી જતાં હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પોતાને જે સંભળાવવું હોય એને રહસ્ય તરીકે કહેવામાં આવે છે. ગયા રવિવારથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થયું છે. મૂળમાં ઝઘડો બરાક ઓબામાના સમયમાં અમેરિકન લશ્કરના એડમિરલ રહેલા વિલિયમ મેકરાવેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયો હતો. એડમિરલ વિલિયમ મેકરાવેનના નેતૃત્વ હેઠળ અમેરિકન સૈન્યે પાકિસ્તાનની અંદર અબોટાબાદની લશ્કરી છાવણીની અંદર ઘૂસીને ઓસામા બિન લાદેનને પકડ્યો હતો, અને મારી નાખ્યો હતો. આ મેકરાવેને મીડિયાનું ગળું દબાવવાના ટ્રમ્પના વલણની ટીકા કરી હતી જેને કારણે ટ્રમ્પ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે મેકરાવેનને ઓબામાના પીઠ્ઠુ અને હિલેરી ક્લિન્ટનના સમર્થક તરીકે ઓળખાવીને કહ્યું હતું કે ઓસામાને પકડીને અમેરિકાએ કયું મોટું તીર માર્યું હતું! એ પાકિસ્તાનમાં હતો એ આખી દુનિયા જાણતી હતી, પણ ત્યારે તો અમેરિકાએ કોઈ બહાદુરી બતાવી નહોતી અને ઉપરથી અમેરિકા પાકિસ્તાનને આર્થિક મદદ કરતું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ ભૂલી ગયા હતા કે તેઓ અમેરિકાના પ્રમુખ થઈને અમેરિકાને નીચું ચીતરી રહ્યા છે અને એનાથી પણ મહત્ત્વની વાત એ છે કે ૯/૧૧ની ઘટના બની ત્યારે રિપબ્લિકન પાર્ટીના જ્યોર્જ બુશ અમેરિક્ન પ્રમુખ હતા અને તેમણે પાકિસ્તાનના શાસકોને નરેન્દ્ર મોદીની ભાષામાં બિરયાની ખવડાવી હતી. ઓસામાને ખતમ કરવાનું કામ ડેમોક્રેટિક પાર્ટીના તેમના અનુગામી બરાક ઓબામાએ કર્યું હતું. આમ ટ્રમ્પે એક દેશ તરીકે અમેરિકાને અને પોતાના જ પક્ષની પુરોગામી સરકારને કમજોર ગણાવી હતી. આ તો ટ્રમ્પ છે. ટ્રમ્પ પહેલાં બોલે છે અને પછી વિચારે છે.
અમેરિકામાં નિવૃત્ત એડમિરલ અને પ્રમુખ વચ્ચે જે તડાફડી થઈ એમાં ઇમરાન ખાને કૂદી પડવાની જરૂર નહોતી. પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પાણીમાં જાય છે અને પાકિસ્તાન ત્રાસવાદ સામેની દલાઈને નામે અમેરિકા પાસેથી પૈસા પડાવી રહ્યું છે એમ આ પહેલાં પણ ટ્રમ્પ બોલી ચુક્યા છે, એટલું જ નહીં પાકિસ્તાનને અમેરિકા દ્વારા મળતી સહાયમાં ટ્રમ્પે ઘટાડો પણ કર્યો છે. એ સમયે પાકિસ્તાને પ્રતિવાદ કર્યો હતો અને ખુલાસાઓ પણ કર્યા હતા. હજુ જોઈએ તો પાકિસ્તાન ત્રાસવાદ અને અમેરિકન સહાય વિષે ખુલાસા કરી શક્યું હોત, પરંતુ ઇમરાન ખાને ટ્રમ્પને ટ્રમ્પની ભાષામાં જ જવાબ આપ્યો હતો.
જેમ ટ્રમ્પને અમેરિકાના નજીકનાં વર્ષોના ઇતિહાસનું અને પોતાના જ પક્ષના પૂર્વશાસકોના કુકર્મોનું ભાન નહોતું રહ્યું, એમ ઇમરાન ખાનને પણ પાકિસ્તાનના નજીકના ઇતિહાસનું અને પાકિસ્તાનના શાસકોના કુકર્મોનું ભાન નહોતું રહ્યું. બન્નેને એટલી સમજ નહોતી કે જાહેરમાં ગંદા લૂગડાં ધોવાનાં ન હોય. એ શેતાની ધરીની આખા જગતને જાણ છે. ૧૯૭૮માં સોવિયેત રશિયાએ પોતાનાં સૈનીકો મોકલીને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો એ પછી અમેરિકા અને પાકિસ્તાને મળીને રશિયા સામે ધર્મયુદ્ધ શરૂ કર્યું હતું. એ ધર્મયુદ્ધ એટલે ત્રાસવાદ. અમેરિકા અને પાકિસ્તાને મળીને ત્રાસવાદીઓ પેદા કર્યા હતા. આખા જગતના મુસ્લિમ દેશોમાંથી યુવકોની ભરતી કરવામાં આવતી હતી, તેમની અંદર ધર્મઝનૂન પેદા કરવામાં આવતું હતું અને પાકિસ્તાનમાં તેમને લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી. હવે આખું જગત એ પણ જાણે છે કે ઓસામા બિન લાદેન અને બીજા ધર્મયોદ્ધાઓને એ સમયના અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગને (અગેન, રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ) વ્હાઈટ હાઉસમાં બોલાવ્યા હતા અને શાબાશી આપી હતી. તેમણે લાદેનની તો પીઠ થાબડી હતી.
૧૯૯૧માં સોવિયેત રશિયાનું પતન થયું અને એ પહેલાં રશિયાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ ખેંચ્યું એટલે અમેરિકાનો સ્વાર્થ પૂરો થયો. હવે ત્રાસવાદીઓની અને ત્રાસવાદી સંગઠનોની અમેરિકાને જરૂર નહોતી. પાકિસ્તાનને અને અફઘાનિસ્તાનને રેઢાં મુકીને અમેરિકા ખસી ગયું. આ બાજુ નવરા પડેલા ત્રાસવાદીઓએ શિયાઓને, ઉદારતવાદી મુસલમાનોને અને પાડોશમાં ભારતને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું. બીજી બાજુ તેમણે ખ્રિસ્તી સભ્યતાને, આધુનિક રાજ્યને અને વિશ્વાસઘાત કરનારાં અમેરિકાને ટાર્ગેટ બનાવ્યાં. ધર્મનો દુરુપયોગ શું કહેવાય એની અમેરિકાને અને દુનિયાને સાંપ્રત કાળમાં પહેલીવાર જાણ થઈ. ૯/૧૧નો ન્યૂયોર્કમાં ટ્વિન ટાવર પર થયેલો હુમલો તેની ચરમસીમા હતી.
એ પછી ત્રાસવાદ સામેનું યુદ્ધ શરૂ થયું હતું જેમાં પાકિસ્તાન અમેરિકાનું પહેલી હરોળનું સાથી રાષ્ટ્ર હતું. વાસ્તવમાં પાકિસ્તાન સોવિયેટ રશિયા સામેના યુદ્ધમાં પોતાની ભૂમિ વાપરવા દીધી, ત્રાસવાદીઓ પેદા કરી આપ્યા અને એમાં સરવાળે પાકિસ્તાને જે કિંમત ચૂકવી તેનું વળતર માગતું હતું. ત્રાસવાદ સામેની લડાઈના નામે પાકિસ્તાનના ૭૫ હજાર નાગરિકોની મૂલ્યવાન જિંદગી હોમાઈ ગઈ છે અને તમે પૈસા આપીને કોઈ ઉપકાર નથી કર્યો એમ ઇમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે પાકિસ્તાનને અમેરિકા પાસેથી જેટલા રૂપિયા મળ્યા છે, એના કરતાં દસ ગણા વધુ રૂપિયાનું નુકસાન તો પાકિસ્તાને અરાજકતાની કિંમત તરીકે કર્યું છે. અમેરિકા પણ જાણતું હતું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં છુપાયેલા ત્રાસવાદીઓને ઝેર કરવા હોય તો પાકિસ્તાનની મદદ વિના થઈ શકે એમ નથી.
હવે તેઓ આપસમાં લડી રહ્યા છે જે હાસ્યાસ્પદ છે. કોઈએ એમ નથી કહ્યું કે પાકિસ્તાને અને અમેરિકાએ મળીને ધર્મનો દુરુપયોગ કર્યો એ ખોટું હતું. ત્રાસવાદને વિદેશનીતિ બનાવવાની ન હોય એવો બોધપાઠ અમને મળ્યો છે એમ પણ નથી કહ્યું. ઠીક છે, યુગનો તકાદો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 નવેમ્બર 2018