જે લોકો ગાંધીજીની અહિંસાનો વિરોધ કરતા હતા અને જે લોકોની હિંસામાં શ્રદ્ધા હતી એવા એક પણ નેતાએ સશસ્ત્ર ક્રાંતિની હિમાયત નહોતી કરી. એ લોકોએ પણ નહીં જેઓ હિંદુ રાષ્ટ્રવાદી હતા અને એ લોકોએ પણ નહીં જેઓ જહાલ તરીકે ઓળખાતા હતા. ભારતમાં મહત્ત્વના એક પણ રાજકીય પક્ષે સશસ્ત્ર ક્રાંતિ દ્વારા અંગ્રેજ સરકારને ઉથલાવવાનો ઠરાવ નહોતો કર્યો. ‘હિંદુ મહાસભા’ નામના પક્ષે પણ નહીં અને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૧૯૩૭ પછી વિનાયક દામોદર સાવરકર હિંદુ મહાસભાના સર્વેસર્વા નેતા બન્યા એ પછી પણ નહીં. તેમની હિંસાની વકીલાત શાબ્દિક હતી અને એ પણ ૧૯૧૦માં ધરપકડ થઈ એ પહેલાંનાં વર્ષોમાં. આંદામાન જેલમાંથી માફી માગીને છૂટ્યા પછી તેમણે એક પણ વાર હિંસાના માર્ગની તરફેણ નથી કરી.
તો પછી હિંસાનો માર્ગ કોણે અપનાવવો જોઈતો હતો, ગાંધીજીએ? એ પણ ગાંધીજીની જવાબદારી? બીજાને મરદ ઠરાવવાની જવાબદારી પણ એની? જેમને શસ્ત્ર હાથમાં લઈને હિંસા કરવી હતી એ કરી શકતા હતા. ગાંધીજી તેમને વારતા નહોતા, તેમને તેવો અધિકાર નહોતો અને ગાંધીજીની વાત સાંભળવાની જરૂર પણ નહોતી. વાત એમ છે કે જેઓ ઠાવકા નેતાઓ હતા તેમને જાણ હતી કે હિંસાનો માર્ગ અવ્યવહારુ છે જેનાં કારણોની ચર્ચા આપણે ગયા સપ્તાહે કરી ચુક્યા છે. બીજા એવા લોકો હતા જેઓ હિંસાની હિમાયત તો કરતા હતા, પણ અંદરથી તેમને પણ જાણ હતી કે હિંસાનો માર્ગ વ્યવહારુ નથી અથવા તો પછી હિંમત ઓછી પડતી હતી. જે હોય તે, પણ હિંસક ક્રાંતિના વાચાળ હિમાયતીઓએ પોતે ક્યારે ય કોઈ પહેલ કરી નહોતી.
ભારતની આઝાદી માટે એવી એક પણ હિંસક વિદ્રોહની ઘટના બતાવો જે કોઈ એક પ્રદેશ છોડો, જિલ્લો છોડો, તાલુકો પણ છોડો, માત્ર પાંચ બાજુ બાજુનાં ગામમાં એક સાથે ઘટી હોય. આવી એક પણ ઘટના નહીં જડે. એ શક્ય જ નહોતું. હા, આદિવાસીઓએ, સાધુઓએ, કોઈ ધાર્મિક કોમે અંગ્રેજો સામે વ્યાપક હિંસા કરી હોય એવી સેંકડો ઘટના મળી આવશે; પણ એ હિંસા આઝાદી માટેની નહોતી. આમાં બે અપવાદ છે અને એ બન્ને અપવાદમાં જેઓ અગ્રેસર હતા તેઓ વિદેશમાં વસતા ભારતીયો હતા.
પહેલો પ્રયાસ અમેરિકા અને કેનેડામાં વસતા પંજાબીઓએ કર્યો હતો જે ગદ્દર પાર્ટીના વિદ્રોહ તરીકે ઓળખાય છે. લાલ હરદયાલના પ્રભાવ હેઠળ કેટલાક પંજાબીઓએ ૧૫મી જુલાઈ ૧૯૧૩ના રોજ કેનેડામાં ગદ્દર પાર્ટીની સ્થાપના કરી હતી. ગદ્દર અરેબીક શબ્દ છે જેનો અર્થ થાય છે, બળવો. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તક જોઇને ગદ્દર પાર્ટીના નેતાઓ ભારત આવ્યા હતા અને છૂપી રીતે શસ્ત્રો પણ ભારતમાં દાખલ કર્યા હતા. ગદ્દર પાર્ટીના કાર્યકર્તાઓ પંજાબમાં કેટલાંક ગામડાંઓમાં જઈને ક્રાંતિનો પ્રચાર કરતા હતા, પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. અંગ્રેજોએ ગદ્દરના બળવાને જોતજોતામાં કચડી નાખ્યો હતો. વિદ્રોહ નિષ્ફળ નીવડ્યા પછી સરકારે વિદ્રોહીઓ સામે ખટલો ચલાવ્યો હતો જે લાહોર કાવતરા કેસ તરીકે ઓળખાય છે. ખટલાને અંતે ૪૨ ગદ્દર વિદ્રોહીઓને મોતની સજા કરવામાં આવી હતી. એ પછી ગદ્દર પાર્ટીનું વિભાજન થયું હતું અને ક્રાંતિપર્વ પૂરું થયું હતું.
બીજી અપવાદરૂપ ઘટના ખૂબ જાણીતી છે. બીજું વિશ્વયુદ્ધ શરુ થયું ત્યારે કૉન્ગ્રેસના પ્રમુખ રહી ચુકેલા સુભાષચન્દ્ર બોઝે સલાહ આપી હતી કે આપણે તકનો લાભ લઈને દુશ્મનના દુશ્મન મિત્ર એ ન્યાયે યુદ્ધમાં જર્મની, ઇટલી અને જપાનની મદદ કરવી જોઈએ અને સામે અંગ્રેજો પાસેથી ભારતને મુક્ત કરવામાં તેમની મદદ માગવી જોઈએ. તેમનો પ્રસ્તાવ લોભામણો હતો, પણ વ્યવહારુ નહોતો.
તેમના પ્રસ્તાવની વિરુદ્ધમાં મુખ્યત્વે ત્રણ દલીલ કરવામાં આવી હતી. એક તો એ કે યુદ્ધ મૂળમાં સામ્રાજ્યવાદી વિસ્તારવાદી હોવા છતાં ય છેવટે તે એક બાજુએ લોકશાહીમાં તેમ જ કાયદાના રાજમાં માનનારા દેશો અને બીજી બાજુએ લોકશાહી તેમ જ કાયદાના રાજમાં નહીં માનનારા ફાસીવાદી દેશો વચ્ચેનું છે. ભારત સૈદ્ધાંતિક રીતે ન ફાસીવાદી શક્તિને મદદ કરી શકે અને ન મેળવી શકે. બીજી દલીલ એવી હતી કે જપાનની મદદ લઈને જપાનીઓને ભારતમાં પ્રવેશ આપવો એ બકરું કાઢતાં ઊંટને પ્રવેશ આપવા જેવું બને. અંગ્રેજો તો હજુયે લાજશરમ ધરાવે છે, પણ જપાનીઓ અત્યાચાર કરવામાં કોઈ શરમ અનુભવતા નથી. જપાન ભારતને મુક્ત કરાવીને જતું રહેશે એમ માનવું એ ભોળપણ છે. ત્રીજી દલીલ એવી હતી કે યુદ્ધ પછી યુદ્ધને પરિણામે ઇંગ્લેન્ડ એટલું ખખડી જશે કે અંગ્રેજો ધારે તો પણ ભારત ઉપર કબજો નહીં જાળવી શકે. યુદ્ધના અંત સાથે સંસ્થાનવાદનો પણ અંત આવશે.
સુભાષબાબુને ઉક્ત ત્રણેયમાંથી એક પણ દલીલ ગળે નહોતી ઊતરી અને ભારતના નેતાઓને સુભાષબાબુની એકેય દલીલ ગળે નહોતી ઊતરી. આશ્ચર્ય એ વાતનું છે કે સુભાષચન્દ્ર બોઝે એ હકીકતની પણ નોંધ નહોતી લીધી કે પરવા નહોતી કરી કે તેમને દેશના એક પણ પહેલી-બીજી હરોળના નેતાનું સમર્થન નહોતું મળ્યું. સુભાષબાબુએ તેમની રણનીતિ વિષે પુનર્વિચાર કરવો જોઈતો હતો, પણ તેવો તેમનો સ્વભાવ નહોતો. સંકલ્પ કર્યો તો પછી ગમે તે થાય, એકલા તો એકલા પણ નીકળી પડવાની તેમનામાં હિંમત હતી. એક દિવસ તેઓ છૂપા વેશે નીકળી પડ્યા. અફઘાનિસ્તાનના માર્ગે ૧૯૪૧ના નવેમ્બર મહિનામાં જર્મની પહોંચ્યા. તેઓ હિટલરને મળ્યા પણ હિટલરને ભારતને મુક્ત કરાવવામાં ખાસ રસ નહોતો. જર્મનીથી તેઓ સબમરીનમાં જપાન ગયા. જપાનને માત્ર બ્રિટિશ લશ્કરમાં નોકરી કરતા ભારતીય સૈનિકોમાં રસ હતો, બાકી સુભાષબાબુના ભારતની આઝાદીના ઉદ્દેશમાં કોઈ રસ નહોતો. સુભાષચન્દ્ર બોઝ ભારતીય સૈનિકોને ઉશ્કેરીને બળવો કરાવે તો બ્રિટન નબળું પડે એટલું જ તેને જોતું હતું.
સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોઝની રચના કરી હતી. પૂર્વ એશિયાઈ દેશોના સૈનિકોએ વિદ્રોહ પણ કર્યો હતો અને કેટલીક રેજીમેન્ટ રચવામાં આવી હતી. જપાની સૈન્યની મદદથી તેમણે ભારત ઉપર ચડાઈ કરી હતી. મણિપુરથી ભારતમાં પ્રવેશીને તેઓ નાગાલેંડમાં કોહિમા સુધી આવ્યા હતા જ્યાં અંગ્રેજોએ વળતો હુમલો કરીને ચડાઈ રોકી દીધી હતી. એ પછી સુભાષબાબુ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
ગદ્દર પાર્ટીના નેતાઓની જેમ સુભાષચન્દ્ર બોઝનો માર્ગ ભલે અવ્યવહારુ હતો પણ મર્દાના હતો. આ બન્ને પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી. આ બે ઘટના સિવાય હિંસક વિદ્રોહની તમામ ઘટના છૂટીછવાઈ હતી. પાછું જેણે કરી દેખાડ્યું એ ગાંધીવિરોધી નહોતા અને જેમણે શેકેલો પાપડ ભાંગ્યો નથી એવા બોલકા ક્રાંતિકારીઓ ખાસ ગાંધીવિરોધી હતા એ કોઈ યુગાનુયોગ નથી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 ફેબ્રુઆરી 2021