આપણા દેશના વડા પ્રત્યે અન્ય રાષ્ટ્રોના પ્રમુખ મિત્રાચારી દર્શાવે તેમાં આપણી શક્તિ નહીં પણ તેમનો સ્વાર્થ વધારે કામ કરી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત લઇને ભારત પાછા ફર્યા છે. ફ્રાંસ, બહેરીન અને યુ.એ.ઈ. તથા ફ્રાંસનાં બિઆરિટ્ઝમાં થયેલા જી-૭ સમિટમાં હાજરી આપીને આવેલા નરેન્દ્ર મોદીના આ વિદેશ પ્રવાસનો જે પણ પ્રચાર જોવા મળે છે, તેમાં તેમના આત્મવિશ્વાસ અને મુત્સદ્દી કુનેહની પ્રસંશા કરવામાં આવી રહી છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ પ્રવાસ દરમિયાન દરેક મુલાકાતમાં જાણે વડાપ્રધાન માટે એક પછી એક વ્યવસ્થિત રીતે ભારત માટે ટેકો ખડો થતો હોય તેવી પ્રતીતિ થાય છે. સૌથી પહેલાં બાય-લેટરલ મુલાકાત માટે વડાપ્રધાન પેરિસ પહોંચ્યા, જ્યાં તેમણે ફ્રેંચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોં સાથે બેઠક કરી. ત્યાર બાદ તેઓ યુ.એ.ઈ. પહોંચ્યા જ્યાં તેમને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા ‘ઑર્ડર ઑફ ઝાયેદ’થી સન્માનિત કરાયા. અહીં પણ તેમણે બાય-લેટરલ ચર્ચાઓ કરી. અહીંથી બહેરીન પહોંચેલા વડાપ્રધાને બહેરીનના રાજા સાથે મુલાકાત કરી ત્યારે તેમને ‘ધ કિંગ હમદ ઑર્ડર ઑફ ધી રેનેસાં’નું સર્વોચ્ચ સન્માન અપાયું. આ પછી તેઓ ફ્રાંસ પાછા પહોંચ્યા. અને બિઆરીટ્ઝમાં જી-૭ સમિટમાં હાજરી આપી. જી-૭ સમિટનાં સાત સભ્ય દેશોમાં ભારતનું નામ નથી, પરંતુ ફ્રાંસના પ્રેસિડન્ટના ખાસ આમંત્રણને પગલે વડાપ્રધાને સમિટમાં હાજરી આપી.
સમિટમાં હાજરી આપીને વડાપ્રધાને ‘બાયો ડાઇવર્સિટી, ઓશ્યન્સ, ક્લાઇમેટ’ વિષય પર તો જે વાતો કરવાની હતી તે તો કરી જ પણ સમિટમાં હાજર દેશોના વડા સાથે તેમણે અલગ વિશેષ મુલાકાત પણ ગોઠવી. સેનેગલિસ પ્રેસિડન્ટ મેકી સાલ, બ્રિટનના વડા બોરીસ જ્હોનસન, યુ.એન. સેક્રેટરી એન્તોનિયો ગુટેરેસ અને યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ સાથેની વિશેષ મિટીંગ્ઝમાં નરેન્દ્ર મોદીએ જરૂર લાગી ત્યાં અનૌપચારિક મિત્રાચારીની ઝલક આપી અને બાકી ઔપચારિક તથા મક્કમ નેતા હોવાની છબી જાળવી રાખી.
આંતરરાષ્ટ્રીય પ્રમુખ જે રીતે આપણા વડાને સન્માન આપે છે, જે રીતે તેમની સાથે મૈત્રી દર્શાવે છે તે જોઇને ખુશખુશાલ થનારાઓની કોઇ ખોટ નથી. મોદી હવે વૈશ્વિક નેતા એટલે કે ગ્લોબલ લિડર બની ચૂક્યા છે, અને એટલા માટે જ ભારત પણ હવે વૈશ્વિક સ્તરે સુપર પાવર તરીકે પોતાનું સ્થાન દિવસે દિવસે સ્પષ્ટ કરીને વૈશ્વિક સત્તાની હરોળમાં પહોંચી જશે અથવા તો પહોંચી ગયો છેનાં જોશમાં રાચનારાઓની સંખ્યા પણ વધી છે.
આમાં કેટલું સાચું, કેટલું ખોટું, કેટલું ઊંડાણ એ બધા વિશ્લેષણ કરતાં સૌથી પહેલાં આપણે એક વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે. અન્ય દેશોમાં વાહવાહી મેળવવી, મહાસત્તા ગણાતા રાષ્ટ્ર સાથે ભાઈબંધી સાબિત કરવી એ બધાં ય કરતાં અત્યારે કાશ્મીરની ગ્રાઉન્ડ રિયાલિટી સ્વીકારીને એ દિશામાં કંઇક રચનાત્મક પગલાં લેવાની વધારે જરૂર છે. મને ખબર છે કે આ વાંચીને ઘણાંના નાકનાં ટીચકાં ચઢી જશે. પરંતુ એ જરૂરી છે કે ખાસ કરીને મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાતનાં કારણ અને તારણને સમજવાનો પ્રયાસ કરાય.
ટ્રમ્પ અને મોદી વચ્ચે જે રીતે વાતચીત થઈ, જે રીતે પરસ્પર રમૂજ કરાઈ અને હાથ પર મુકાયેલા હાથ ઉપર દોસ્તીની થાપટ મારવામાં આવી, તેની જ વાત કરીએ પ્રકારે થયેલો સંવાદ ભારત માટે એક નોંધપાત્ર ‘ડિપ્લોમેટિક વિન’ કહેવાય. ટ્રમ્પે જે રીતે કહ્યું કે બંન્ને નેતાઓ વચ્ચે કાશ્મીર અંગે વાત થઈ અને ભારતના વડા પ્રધાનનું દ્રઢતાપૂર્વક માનવું છે કે પરિસ્થિતિ કાબૂમાં છે અને કોઈ ત્રીજા રાષ્ટ્રની મધ્યસ્થી તરીકે જરૂર નથી. પહેલાં ટ્રમ્પનું મેળવેલા હાથ પર થપાટ મારવું, પછી મોદીનું પણ એમ કરવું, બૉડી લેંગ્વેજની દ્રષ્ટિએ જાણે બંન્ને નેતાઓએ વારાફરતી પોતાનો હાથ ઉપર છે તે દર્શાવ્યું. આ તો એક મુલાકાતનો સંદર્ભ છે પણ આમ જોવા જઈએ તો કાશ્મીરના મુદ્દે લીધેલા નિર્ણય પછી મોદી માટે આંતરરાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ પોતાની છબી સ્પષ્ટ કરવી, ટેકો મેળવવો બધું જ બહુ અગત્યનું છે. કાશ્મીર મુદ્દે વૈશ્વિક નેતૃત્વનો પ્રતિભાવ ‘મેનેજ’ કરવો, હકારાત્મક રાખવો એ ભારત માટે કાયમી પડકાર રહ્યો છે. વળી અન્ય રાષ્ટ્રો માટે પણ કાશ્મીરનો ચરુ ઉકળતો રહે એ જરૂરી છે. અમેરિકાએ તો હંમેશાં કાશ્મીરનાં મુદ્દે સીધો કે આડકતરો લાભ ખાટ્યો છે. ડિફેન્સ એક્સપર્ટના મતે બંધ બારણે, છાના ખૂણે કંઈક વાટાઘાટો ચાલી જ રહી હતી.
અમેરિકા જો છૂટો દોર આપે તો બદલામાં પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચે તે રીતે આતંકી જૂથોને કાશ્મીરમાં કેર વર્તાવવા કામે લગાડે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કબૂલ્યું છે કે પાકિસ્તાનમાં રહીને કામ કરતાં હોય તેવાં ૩૦-૪૦ હજાર મુજાહુદ્દીન હજી પણ છે. હવે આવા સંજોગોમાં મહાસત્તા અમેરિકાને બરાબર ખબર છે કે પાકિસ્તાન કરતાં તેને ભારતની કંઇક ગણી વધારે ગરજ છે. ટ્રમ્પ પહેલાં બિઝનેસમેન છે પછી રાજકીય નેતા છે, અને વિશ્વની મહાસત્તા હોવાને નાતે અમેરિકાને અમુક હદ પછી આદર્શો કે નીતિ સાથે કંઈ લેવાદેવા નથી. વળી અમેરિકા જાણે છે કે ચીન સામેનાં સંઘર્ષમાં ભારત એક અગત્યની દિવાલ છે. ભારત અમેરિકા પાસેથી તેલની મોટા જથ્થામાં આયાત પણ કરે છે. વ્યાપારની દ્રષ્ટિએ ભારતનું મહત્ત્વ, વળી અમેરિકામાં રહેતા ભારતીયોની મોટી સંખ્યા બધું ટ્રમ્પ ગણતરીમાં લે તે સ્વાભાવિક છે અને માટે જ ભારત વિરોધી હોવું ટ્રમ્પ કે અમેરિકા બેમાંથી કોઈને ય ફાવે એમ નથી. ટ્રમ્પે દર્શાવેલી દોસ્તીથી ખુશ થવાની એટલા માટે જરૂર નથી કારણ કે આ એ જ માણસ છે જેણે એક સમયે કહ્યું હતું કે ‘પાકિસ્તાન પાસેથી અમેરિકાને હંમેશાં જૂઠાણાં મળ્યાં છે’ અને તાજેતરમાં ઇમરાન ખાનને મળ્યા પછી એવું વિધાન કર્યુ હતું કે ‘પાકિસ્તાન ક્યારે ય જૂઠું નથી બોલતો.’
ફ્રાંસ, રશિયા અને યુ.કે.એ જ્યારે કાશ્મીરના મુદ્દે ચીન અને પાકિસ્તાનની તરફેણ કરી ત્યારે આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો. પરિણામે હવે અમેરિકા સહિત આ તમામ રાષ્ટ્રો જાણે ભારતને સમય આપવા માગે છે અને ધીરજથી રાહ જોવા માગે છે, ભારત કાશ્મીરમાં સ્થિરતા લાવે. કાશ્મીરનાં મુદ્દે નિર્ણય લીધા પછીના મોદીના વિદેશ પ્રવાસમાં સતત પોતાના રાષ્ટ્રમાં બધું કાબૂમાં છે, પરિસ્થિતિ વણસી નથી અથવા તો વણસવા દેવામાં નહીં આવે એવી છાપ ખડી કરવામાં મોદીએ પાછું વળીને જોયું નથી. સાચી સ્થિતિ અમુક હદ સુધી આપણને અને પૂરેપૂરી તો કાશ્મીરમાં રહેનારાઓને જ ખબર છે. મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનની તરફેણ કરવાને બદલે ભારતને ટેકો અને મોદીને મહત્ત્વ આપે છે તેની પાછળ વ્યાપારી સંબંધો જ કેન્દ્ર સ્થાને છે. રાતોરાત ભારત વૈશ્વિક સત્તા નથી બની ગયો, દરેક રાષ્ટ્ર ભારત શું કરે છે તેની પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારત પાસે સ્રોત છે, માનવીય સંસાધનો છે અને વિદેશી રાષ્ટ્રોનાં અર્થતંત્રને કામ લાગે તેવી શક્યતાઓ છે. આપણી આંતરરાષ્ટ્રીય છબી અંગે હરખાતાં પહેલાં આપણે રાજકારણમાં સંબંધો સ્વાર્થના જ હોય છે એ યાદ રાખવું જરૂરી છે.
બાય ધી વેઃ
એ કહેવાની જરૂર નથી કે જો જમ્મુ-કાશ્મીરમાં લાંબો સમય સુધી નાગરિકોની સ્વતંત્રતા અને માનવ અધિકાર તથા લોકશાહી પર લગામ રહેશે તો શું સ્થિતિ સર્જાઈ શકે. આ મોદી સરકારનો એસિડ ટેસ્ટ છે, સાહસ દુઃસાહસ સાબિત ન થાય તે જરૂરી છે, નહીંતર આ બધો આંતરરાષ્ટ્રીય દેખાવ ‘દેખાડો’ બનીને રહી જશે એ નક્કી. મોદીએ સમિટમાં પ્લાસ્ટિકના ઉપયોગથી માંડીને અન્ય પર્યાવરણીય મુદ્દાઓ પર પણ રજૂઆત કરી છે પણ અંતે તો નિવડે વખાણ કારણ કે સપાટી પરનાં બદલાવ પછી સોદાઓમાં ખેતીલાયક જમીન અને જંગલોનું નિકંદન નિકળવાનું હોય તો બધું જ ખોખલું સાબિત થાય. આધુનિકીકરણ અને વિકાસનાં વચન સામે ઘર આંગણે સંસ્કૃતિને નામે થતાં લિન્ચીંગ, ધર્મનું બેહૂદું રાજકારણ અને નકરો અહમ્ બધું જ પોકળ સિદ્ધ કરે એમ પણ બને.
(સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2019)