Opinion Magazine
Number of visits: 9458067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્ક્રાન્તિ

મનીષી જાની|Poetry|5 June 2023

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંન્દ્રજી જ્યારે

વનવાસમાં વિરાજતા હતા ત્યારે

વાંદરાઓ માટે પ્રૌઢ શિક્ષણના વર્ગો ચાલતા હતા,

વાંદરાઓ શિલાઓ, પથ્થરોના માપ લેતાં શિખતા હતા,

વાંદરાઓ પથ્થરો પર રામનામ લખતા હતા,

રામનામ ઘૂંટતા હતા,

મનમાં રામસેતુના નકશા ચિતરતા હતા,

ચિતરેલા રામસેતુ ચણતાં હતા,

વાંદરાઓ માટે

પ્રૌઢ શિક્ષણના વર્ગો ધમધમાટ ચાલતા હતા ને

જ્યારે ડાર્વિને ઉત્ક્રાન્તિવાદને કાગળ પર ચીતર્યો,

સમયની પીંછીથી,

મહાકાળની પીંછીથી,

વાંદરામાંથી માણસને ચીતર્યો

ત્યારે રામરાજ્યમાં, અયોધ્યામાં રામનામ લખાયા વગ્ગરની

પથ્થરોમાંથી ઉત્ક્રાંન્તિ પામેલી ઈંટો લમણે ઝીંકાતી રહી.

સમયની પીંછીથી અભણ માણસોમાંથી

વાંદરાઓ તરફની પારોઠની ગતિ,

માણસમાંથી ફાનસ વગ્ગરના

વાંદરા તરફની પ્રતિગતિ ચીતરાતી રહી

ને

સમયની પીંછી ચીતરતી રહી …

24 જાન્યુઆરી 2018
[પ્રગટ : ‘મને અંધારા બોલાવે …’ કાવ્યસંગ્રહ; પૃ. 1]

Loading

પીડા

ઉમેશ સોલંકી|Poetry|5 June 2023

બહાર હતું

તે અંદર ગર્યું છે,

અંદર ગરીને તળિયે સર્યું છે,

તળિયે સરીને

એવું ચોંટ્યું છે, એવું ચોંટ્યું છે

કે, કરે સ્પર્શ

તો સ્પર્શનો લગીર અનુભવ નહીં,

વહાલા-વહાલા શબ્દો

ઠાલા-ઠાલા અર્થોથી ભરચક લાગે,

પુસ્તકમાં આંગળીઓ ફેરવું

તો આંગળીઓને ભચભચ કાંટા વાગે,

પાક્કા રસ્તા પર ચાલુ છું, ચાલ્યા કરું છું, ચાલ્યા કરું છું

રસ્તો રસ્તામાં ભળતો જાય છે, ભળતો જાય છે, ભળતો જાય છે

એક્કેય ઠોકર વાગી નથી,

પણ ક્યાંય ન પહોંચવાની પીડા

ઠોકરને ઠેઠ વટી ગઈ છે, હા, વટી ગઈ  છે.     

e.mail : umlomjs@gmail.com 

Loading

ભાર વગરનું ભણતર ને પાર વગરની ફી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|5 June 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર તરફથી 3/5/’23નો ક્રમાંક : પપમ/વ. વિ./2023 /3943-47નો સર્ક્યુલર તમામ શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓને, નાયબ નિયામક(વહીવટ)ની સહી સાથે મોકલાયો છે, જેમાં ‘જૂન-23થી શરૂ થતાં નવાં શૈક્ષણિક સત્રમાં ધોરણ 6થી 12માં ગણિત તથા વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો સંદર્ભે જણાવ્યું છે કે NCERT (નેશનલ કાઉન્સિલ ફોર  એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે Class-VI to XIIમાં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરેલ છે અને તે અનુસાર ઘટાડેલ પાઠયસામગ્રી મુજબ NCERTએ ધો. ૬થી ૧૨ના પાઠ્યપુસ્તકો આ વર્ષે પ્રસિદ્ધ કરેલ છે …’ સર્ક્યુલરનો હેતુ જૂનાં પાઠ્યપુસ્તકોમાંથી સૂચવેલી સામગ્રી દૂર કરીને શિક્ષકો ભણાવે એટલો છે. એ પછી ૨૮ પાનાંઓમાં જે કૈં રદ્દ કરવામાં આવ્યું છે તેની વિગતો આપવામાં આવી છે. કમાલ એ છે કે શું ભણવાનું છે એનાં કરતાં શું નથી ભણવાનું તેની સ્પષ્ટતાઓ સત્ર શરૂ થાય એ પહેલાં જ કરી દેવામાં આવી છે. આ બધું જ ગયાં શૈક્ષણિક વર્ષમાં મહત્ત્વનું હતું એટલે ભણાવાયું, એની પરીક્ષાઓ લેવાઈ ને હવે એ નિરર્થક ઠેરવાયું છે.

NCERT દ્વારા ધોરણ ૧૦નાં પાઠ્યપુસ્તકોમાંથી પિરિયોડિકલ ટેબલ, લોકશાહી સામેના પડકારો, જન સંઘર્ષ અને ચળવળ, રાજકીય પક્ષો, ઉત્ક્રાંતિનો સિદ્ધાંત જેવાં પ્રકરણો હટાવી દીધાં છે. આ ઉપરાંત છથી બારનાં ધોરણોમાંથી અન્ન સમસ્યા, ગરીબાઈ, અસમાનતા જેવી ઘણી સામગ્રી કાઢી નાખવામાં આવી છે. છથી આઠમાં વિજ્ઞાન વિષયમાંથી ફાઈબર અને ફેબ્રિક્સનો પાઠ હટાવી દેવાયો છે. ધોરણ બારમાંથી ગુજરાતનાં રમખાણોનું પ્રકરણ કાઢી નંખાયું છે. આ બધું નિષ્ણાતોની ભલામણથી NCERTએ કર્યું છે. એને કારણે 13.40 કરોડ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. આ ભલામણો રેશનલાઈઝેશનને નામે થઈ છે. NCERTએ ગયે વર્ષે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવાનું જરૂરી હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં, વિષય સામગ્રીનો ભાર ઘટાડવા પર અને સર્જનાત્મક માનસિકતા સાથે પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. એ સંદર્ભે NCERTએ તમામ પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાનો હેતુ રાખ્યો છે. હેતુ સારો, પણ જે સામગ્રીની બાદબાકી કરવામાં આવી છે તેમાં શુદ્ધબુદ્ધિનો અભાવ છે. ગાંધીજીનું કદ ઘટાડવાની કોશિશ થાય અને વીર સાવરકરનું કદ વધારવાનો પ્રયત્ન થાય, એમાં વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવો છે કે તેમને ચોક્કસ હેતુ માટે તૈયાર કરવા છે તે ન સમજે એટલી પ્રજા ભોળી નથી. એટલું બધું બાદ કર્યું છે કે પાઠ્યપુસ્તક બહાર પાડવા જેટલી સામગ્રી કેવી રીતે રહી ગઈ તેનું આશ્ચર્ય થાય. લોકશાહીનો પાઠ કાઢવાનું એ રીતે શંકા જન્માવે કે પાઠની જેમ જ લોકશાહી તો નહીં નીકળી જાયને ! જો એવું નથી તો લોકશાહી ન ભણાવવાનું કારણ શું છે? ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરી આજે આઉટડેટેડ હોય તો પણ, તે માનવ વિકાસ સંદર્ભે પાયાની કેટલીક સમજ પૂરી પાડે છે. ડાર્વિનનો પાઠ કાઢવાનો તો 1,800 એટલા વૈજ્ઞાનિકોએ વિરોધ કર્યો છે ને એ વૈજ્ઞાનિકો છે, રાજકારણી નથી કે વિપક્ષના સમજીને તેમને બાજુએ મુકાય. મોગલોનો ઇતિહાસ કાઢી નાખવાથી મોગલો ભારતમાં આવ્યા જ નથી એમ સિદ્ધ થઈ શકશે? તો, તાજમહાલ કે લાલ કિલ્લાનું શું કરીશું? એનો પણ દેશનિકાલ કરીશું? અંગ્રેજો મોગલોના સમયમાં આવ્યા. જો મોગલોનો નકાર હોય તો અંગ્રેજો પણ ભારતમાં નથી આવ્યા એમ માનવાનું છે?

અભ્યાસનું ભારણ ઘટાડવાનું એક કારણ કોરોનાનું આપવામાં આવ્યું છે. એ વખતે એ વાજબી પણ હશે, પણ પાઠ્યપુસ્તકમાંથી બાદબાકી કોરોના વખતમાં થઈ નથી. એ આગામી શૈક્ષણિક વર્ષ માટે થઈ છે. ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો ૨૦૨૩થી લાગુ કરવાની વાત છે, તો કોરોનાને આગળ કરવાનો કોઈ અર્થ ખરો? ભણતરનું ભારણ ઘટાડવા પાઠ કાઢ ઝુંબેશ ચાલી છે ને એમાં વિદ્યાર્થીઓને એટલા નાજુક માનવામાં આવ્યા છે કે તે ડાર્વિન કે મોગલો કે લોકશાહી કે ગાંધી-ગોડસેને નહીં જીરવી શકે. પુનરાવર્તન ટાળવામાં આવે એ જરૂરી છે, પણ જે જરૂરી જ છે એને બોજ ગણીને ભણાવવાથી દૂર રહેવું યોગ્ય ખરું? મોટે ભાગના વિદ્યાર્થીઓને તો ભણવું જ બોજ લાગે છે, તો ભણાવવાનું બંધ કરીને એમને પ્રમાણપત્રની લહાણી કરીશું? ભણવાનું બોજ લાગતું હોય કે મગજ ન ચાલતું હોય તો બોર્ડમાં હજારો વિદ્યાર્થીઓ A1, A2 ગ્રેડમાં કેવી રીતે આવે છે? એક તરફ પાઠ કાઢીને બોજ ઘટાડવાની કોશિશ ચાલે છે, તો પૂર્વ શિક્ષણ ‘બાલવાટિકા’ માટે (જે પાંચ વર્ષનાં બાળકો માટે છે) ત્રણ ત્રણ પુસ્તકો તૈયાર કરીને માથે મારવાનો મતલબ છે? વિદ્યાર્થીઓને એટલા પાંગળા કરવાની જરૂર નથી કે ભવિષ્યમાં તે પડકારોનો સામનો જ ન કરી શકે. વિદ્યાર્થીઓ પરનું ભારણ એ રીતે ચોક્કસ ઓછું કરી શકાય કે તે હજારો ખર્ચીને આ ક્લાસ કે તે ક્લાસમાં અટવાતો અટકે. એને બદલે એને એટલી મોકળાશ જરૂર આપવી જોઈએ કે તેની કલ્પનાશીલતા ને સર્જનાત્મકતાને વિકસવાની પૂરતી તકો રહે.

એક તરફ ભણતરનો બોજ ઘટાડવાની વાત છે ને બીજી તરફ ફીનું ભારણ વધે છે તે જાણે શિક્ષણ વિભાગનો વિષય જ ન હોય તેમ તે નિસ્પૃહી છે. સાદી વાત એટલી છે કે સરકાર મફત શિક્ષણ કે ગ્રાન્ટેડ સંસ્થાઓને ભણતરના બોજની જેમ જ પોતાનાં પરથી ઓવારી દેવા માંગે છે, તે એટલે કે એ બંધ થાય તો ખાનગીનું માર્કેટ ઊભું થાય ને સરકારના મળતિયાઓને ‘ખાનગી’ કમાણી કરવાનું લાઇસન્સ મળી રહે. ટૂંકમાં, સરકાર ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરવાની ફિરાકમાં છે, એટલે એ ગ્રાન્ટ ભીખ જેવી જ આપે છે, જેથી ખર્ચને ન પહોંચી વળતાં સ્કૂલો એની મેળે બંધ થાય ને ભણવું હોય તો વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો તરફ જ વળવું પડે. ખાનગી સ્કૂલોમાં ઉત્તમ શિક્ષણ અપવાદરૂપે જ અપાતું હશે. આમ તો એ ઉત્તમ રીતે ફી આવે એનાં જ દાખલા ગણતી રહે છે. તેમાં વળી કન્સેપ્ટ સ્કૂલને નામે રાજ્યભરમાં અનેક બહાને લાખો રૂપિયા ઉઘરાવાય છે. આટલી ફી પછી પણ આ સંસ્થાઓ તેનાં શિક્ષકોને પૂરો પગાર આપતી નથી. ગ્રાન્ટેડ સ્કૂલો કરતાં ફી અનેકગણી લેવાય છે, પણ શિક્ષકોને પગાર ગ્રાન્ટેડ સ્કૂલોનો અપાતો નથી, સવાલ તો એ છે કે કન્સેપ્ટ અને ડમી સ્કૂલો 50,000થી 1,00,000 સુધીની ફી શેને માટે ઉઘરાવે છે? ખાનગી શાળાઓમાં એપ્રિલ,‘22માં 33 ટકાનો વધારો સંચાલકોએ માંગેલો એ ખબર છે, એ પછી પણ ઉઘરાણીઓ તો ચાલ્યા જ કરે છે.

સ્કૂલની વાત તો છોડો, કોલેજોની ફી એટલી હોય છે કે તે ભરવા લૂંટ ચલાવવી પડે કે લોન લેવી પડે. 2 જૂનના જ સુરતના સમાચાર છે કે ભાઈબહેનની ફી ભરવા IITના વિદ્યાર્થીએ 65 લાખની લૂંટ ચલાવી. આમાં અતિશયોક્તિ હોય તો પણ ફી એટલી છે કે લૂંટ ચલાવવાનો વિચાર આવ્યા વગર ન રહે. શિક્ષણ એટલું ધંધાકીય થયું છે કે સંચાલકો ફી માટે વાલીઓને ને ફી ભરવા વાલીઓ બીજાને લૂંટે. એકાદ ખાનગી યુનિવર્સિટીની તો બી.એ., બી.કોમ.ની ચાર વર્ષની ફી જ 16.80 લાખ છે. એનો અર્થ એ થયો કે વાલીઓએ એક સંતાનને સાધારણ ગ્રેજ્યુએટ કરવો હોય તો તેની માસિક ફી 35 હજાર ભરવાની તૈયારી રાખવી પડે. ખાનગી કોલેજમાં ભણાવતા અધ્યાપકનો પગાર 35,000 નથી હોતો, પણ તેણે દીકરાને આર્ટસ કે કોમર્સ ગ્રેજ્યુએટ કરવો હોય તો મહિને 35,000 કાઢવા પડે. એ ઉપરાંત ખાવાપીવાના, પહેરવાઓઢવાના, રહેવાના ખર્ચ તો જુદા. સાધારણ માણસે ભણવા માટે મરવું પડે કે મારવા પડે એ હાલત છે ને આટલું કર્યા પછી પણ નોકરી મળે જ એની કોઈ ખાતરી નહીં.

આમ તો ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજોની ફી પણ ભારે પડતી હોય ત્યાં ખાનગીનો મોહ કેમ છૂટતો નહીં હોય તે સમજાતું નથી. સરકારી સ્કૂલોમાં ખાનગીથી ખરાબ શિક્ષણ અપાય છે એ ભ્રમ છે. ત્યાં સુવિધા ઓછી હશે, પણ ભણાવાતું નથી એવું નથી. સરકારી સ્કૂલોના શિક્ષકોને શિક્ષણેતર જવાબદારીઓ ઓછી સોંપાય ને વર્ગશિક્ષણની જ ફરજ પડાય તો શિક્ષણનું ધોરણ સુધરી શકે એમ છે, પણ એ સુધારવાની દાનત નથી, તે એટલે કે સરકારી સ્કૂલોમાં આયાતી શિક્ષકોથી, શિક્ષકોની ઘટ પૂરવાના ફાંફાં મરાય છે. એ શિક્ષણનાં હિતમાં નથી. બીજી તરફ ખાનગીમાં ફી વધુ રાખીને શિક્ષકો ઓછા પગારે રખાય છે. એટલે શિક્ષણનું હિત તો એમાં પણ જળવાતું નથી. અહીં વાલીઓનું અને શિક્ષકોનું સમાંતરે શોષણ થાય છે. આ સ્થિતિ સુધરવી જોઈએ. એ સૌથી દુ:ખદ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી લાગુ કરાય છે કે NCERT પાઠ્યપુસ્તકો નવાં કર્યે જ જાય છે, પણ તેને ભણાવનાર શિક્ષકો સંદર્ભે સૌથી વધુ દારિદ્રય ગુજરાતમાં પ્રવર્તે છે. જો શીખવનાર જ સક્ષમ ન હોય તો શિક્ષણ નીતિ નવી હોય કે જૂની, શો ફરક પડે છે? પાઠ્યપુસ્તક ઉત્તમ હોય પણ તેને શીખવનાર ઇરાદાપૂર્વક પાંગળો જ પસંદ થાય કે તેની ઉપર શિક્ષણ સિવાયની ફરજોનું જ દબાણ રહેતું હોય તો એ શિક્ષણનો સર્વનાશ થાય એમાં શંકા નથી. ગુજરાતનું શિક્ષણખાતું ફતવાઓ બહાર પાડવામાંથી જ ઊંચું નથી આવતું. રોજ જ તેણે એટલું કહેવાનું હોય છે કે તે ન સાંભળવાની સૌને ફરજ પડે. થોડો સમય શિક્ષણખાતું ગંભીરતાથી ચૂપ રહેશે તો બીજાની વાતો સાંભળવા તેને પોતાનાં કાન ખપમાં આવશે. શિક્ષણખાતું કોઈ રીતે વિચારશીલ કે મૌલિક નથી. આમ તો NCERTની જેમ જ GCERT પણ છે, પણ તે NCERTને ફોલો કરવા સિવાય ભાગ્યે જ પોતાની રીતે વિચારે છે. જો NCERTને જ ફોલો કરવાનું ફરજિયાત હોય તો GCERTની અનિવાર્યતા કેટલી રહે? સાચું તો એ છે કે ગુજરાતનું શિક્ષણખાતું શિક્ષણવિદોથી નહીં, પણ રાજકીય નેતાગીરીના પડઘાઓથી ગૂંજે છે, તે પણ શૈક્ષણિક પાત્રતા ધરાવતા હોય તો ધૂળ નાખી, એ તો સાધારણથી ય વધુ સાધારણ છે. મૃતકોનો તો વાસ પણ નાખીએ, પણ જગતિયું કેમ કરવું એની ચિંતા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જૂન 2023

Loading

...102030...983984985986...9901,0001,010...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved