Opinion Magazine
Number of visits: 9665758
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘડપણ

હરિકૃષ્ણ પટેલ|Opinion - Opinion|9 March 2024

એક અંગ્રેજ લેખકે લખ્યું છે કે તમારી શત્રુની પસંદગી તમારા હાથમાં નથી, તમારી આસપાસની કોઇપણ વ્યક્તિ તમારો દુ:શ્મન હોઇ શકે. પણ મારે આજે એવી કોઇ વ્યક્તિ નહિ પણ જિંદંગીની એક અવસ્થાની વાત કહેવી છે અને તે છે — ઘડપણ.

નાનપણમાં મારા મગજમાં એક જ વિચાર – બસ, મારે મોટા થઇ જવું છે. યુવાવસ્થામાં આવ્યા પછી ભણતર અને સંસાર માંડવાની તમન્નાઓ – એ બધી પૂરી થઇ પછી પ્રૌઢાવસ્થામાં સંતાનોના ઉછેર પાછળ વર્ષો વિત્યાં. મારી આ ત્રણેય અવસ્થા દરમ્યાન મેં મારા દાદા દાદી, નાના નાની અને આડોસ પાડોસના બુર્ઝગોને જોયાં.

અને ત્યારે મને ઘડપણનો અહેસાસ થયો. તેઓનાં જીવનની અગવડતા અને મુશ્કેલીઓ જોઇ, ત્યારથી જ ઘડપણ પ્રત્યે એક જાતની નફરત પેદા થયેલી. સ્વભાવિક છે આવી નફરત દુ:શ્મનીમાં બદલાઇ જાય છે. ઘડપણ મારું શત્રુ બની ગયું. આ શત્રુ તમારી ઉંમરની રાહ જોતું હોય છે અને વખત આવે તે હથિયારો જેવાં કે રોગો અને શારીરિક નબળાઈઓ તમારી સામે ફેંકે છે આવા હથિયારો તેની પાસે રાફડાબંધ છે.

આ બધુ ઓછું હોય એમ એ તમારા પર માનસિક હુમલાઓ કરી તમારી યાદશક્તિ અને અમુક અંશે થોડું ગાંડપણ પણ ઊભુ કરે છે. આ શત્રુ પાસે હથિયારો ઘણાં છે જેવા કે આંખોથી જોવાની શક્તિ, કાનની બહેરાશ, બધા દાંત પડી જાય. આ ઉપરાંત મીઠીપેશાબ, સાંધાઓ અને કમરના દુખાવા. અને તેના કાતિલ હથિયારોમાં, કેન્સર કે હાર્ટ એટેકના સામના કરવાની આપણે પૂરી તૈયારીઓ રાખવી એવું મારું માનવું છે.

મારે તમને બધાને એટલું જ પૂછવું છે કે શું આવા જણને તમે શત્રુ ગણો કે નહિ ?

હવે હું આપ સર્વને એક સલાહ આપું છું, જો આ શત્રુને તમારે છેટે રાખવો હોય તો મારી જેમ ખાવાપીવાનુ ખાસ ધ્યાન રાખવું અને ઘરે બેઠાં શ્કય હોય એટલી નાની મોટી કસરતો કરવી, જેનાથી તમારા સાંધાઓ દુ:ખશે નહિ અને તમારા મગજને સતેજ રાખવા ક્રોસવર્ડ, સુડોકુ કે શેતરંજ જેવી રમતો રમવી.

આ મારા ટૂંકા નિવેદનથી મારે આપ લોકોને ભડકાવાનો હેતુ લગીર નથી.

e.mail : harikrishna38@gmail.com

Loading

દેશનો સ્વાદ

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|9 March 2024

પન્નાબહેન મહિનાઓથી દીકરીને જોઈતો સામાન લાવવામાં અને એને ભાવતી વાનગીઓ બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં. આમ તો ભૂમિને પરણાવીને અમેરિકા મોકલી એ વાતને પાંચ વર્ષ થઈ ગયાં અને એ દરમ્યાન એ બે વાર દીકરી પાસે જઈ આવેલાં. તો ય થોડો વખત થાય ન થાય ત્યાં એનું રટણ ચાલુ થઈ જાય,

“મમ્મી, તને જોવાનું બહુ મન થયું છે. તારા હાથની વેડમી, ભરેલા ભીંડાનું શાક અને ઊંધિયું તો મને સપનામાં આવે છે. ક્યારે આવે છે તું? તું કહે ત્યારની ટિકિટ મોકલું.”

“બેટા, તારી બધી વાત સાચી, ને મને પણ તું યાદ નહીં આવતી હોય? પણ હવે આટલી લાંબી મુસાફરીનો થાક લાગે છે. એના કરતાં તો તું …”

“મને ખબર છે કે, તું આગળ શું કહેવાની છે, પણ મેં તને કેટલી વાર કહ્યું છે કે મારે ત્યાં નથી આવવું. ત્યાં આવીને વળી પાછું …” બોલતાં બોલતાં એનો અવાજ ભરાઈ આવતો.

“હા ભઈ હા. દિવસ નક્કી કરીને તને જણાવું. બસ, હવે રાજી?”

આવતી કાલે રાતની ફ્લાઈટ હતી. પન્નાબહેન સામાન પર છેલ્લી નજર નાખી રહ્યાં હતાં કે, કંઈ રહી તો નથી જતું ને? બધું જોતાં જોતાં એ પલંગ પર બેસી પડ્યાં અને વિચારવા લાગ્યાં કે, દીકરીની આજની પરિસ્થિતિ માટે પોતાનો દુરાગ્રહ જ જવાબદાર છે. સોફ્ટવેર એંજિનિયર થયેલો વિશાલ ખાસ લગ્ન માટે ભારત આવ્યો છે એ ખબર મળ્યા ત્યારથી એ ભૂમિની પાછળ પડી ગયેલાં, “આટલો સ્માર્ટ, ભણેલો-ગણેલો અને કમાતો ધમાતો છોકરો બીજે ક્યાં મળવાનો? અમેરિકામાં બંગલો, ગાડી અને તગડા પગારની નોકરી. આ બધું જવા દઈશું તો તું ને હું હાથ ઘસતાં રહી જશું. તારા પપ્પાની ગેરહાજરીમાં હું એકલી ક્યાં ક્યાં મુરતિયો શોધતી ફરીશ?”

“પણ મમ્મી, મને થોડો સમય તો આપ! બે મુલાકાતમાં હું એને કેવી રીતે ઓળખી શકું? આમ ‘ચટ મંગની ને પટ શાદી’ કરીને પસ્તાવું પડશે ત્યારે?”

અંતે એમના દબાણને વશ થઈને ભૂમિએ હા પાડવી પડી અને માએ જે દરવાજો ચીંધ્યો એમાં એણે મૂંગે મોઢે પ્રવેશ કર્યો હતો.

ન્યુજર્સી પહોંચતાંની સાથે જ એને સમજાઈ ગયું કે, વિશાલે જે ચાંદ-તારા બતાવ્યા હતા એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. નહોતો બંગલો કે નહોતી ગાડી. એ બધું તો ઠીક, પણ ભૂમિને પોતાના કરતાં વધુ પગારની નોકરી મળી ગઈ એ એનાથી જરા ય સહન નહોતું થયું. લગ્નને માંડ બે મહિના થયા હશે ત્યાં વિશાલનો કકળાટ ચાલુ થયેલો,

“કંઈ જરૂર નથી નોકરી કરવાની. પહેલાં અમેરિકાની રીત-ભાત શીખ, ઘર કેવી રીતે સાચવવું એ શીખ, પછી બીજી વાત.”

ગમે તે થાય પણ નોકરી નહીં છોડવાની વાત પર ભૂમિ મક્કમ રહી ત્યારે એના કોઈ સહકર્મચારી સાથે નામ જોડીને વિશાલે એના ચારિત્ર્ય પર છાંટા ઉડાડવાનો  પ્રયત્ન કર્યો. લગ્ન ટકાવી રાખવાની મથામણ કરતાં કરતાં ભૂમિ માનસિક રીતે તૂટી ચૂકી હતી. કંપનીએ એને ટોરોંટોમાં ટ્રાંસફર આપી ત્યારે તરત એ સ્વીકારી લઈને ત્યાં પહોંચ્યા પછી એણે કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધેલા. આ અપરાધભાવ પન્નાબહેનને કોરી ખાતો પણ ભૂમિએ કદી પણ એમની પર દોષારોપણ નહોતું કર્યું. જ્યારે પણ ફોન પર વાત થાય ત્યારે એ કહેતી, “મારી જરા ય ચિંતા નહીં કરતી મમ્મી, હું ખુશ છું. એક બંધનમાંથી મુક્ત થઈ એવું અનુભવું છું. એ ય મમ્મી, ચાલ, આંખો લૂછી કાઢ તો! અને સાંભળ, આવે ત્યારે ચીકી અને શીંગ-ચણા લાવવાનું ભૂલતી નહીં.”

“દીકરી મારી, હજી તું એ બધા સ્વાદ ભૂલી નથી, કેમ?”

“જે દિવસે એ સ્વાદ ભૂલીશને મમ્મી, તે દિવસે તને અને મારા દેશને પણ ભૂલી જઈશ. એ સ્વાદની યાદ તો મારી જિંદગી છે.”

સમીરે તો કહ્યું હતું, “મમ્મી, સામાનનું વજન વધારે થશે તો આપણે પૈસા ભરી દઈશું,” પણ તોયે એરપોર્ટ જતાં પન્નાબહેન આખો રસ્તો પ્રાર્થના કરતાં રહ્યાં, “હે ભગવાન, વધારે ચેકીંગ ન થાય એવું કરજો. પણ ચેકીંગ તો થયું જ.”

બાજરાનો લોટ, નાળિયેરનું ખમણ, શીંગ-ચણા, રેવડી, ગજક – બધી ચીજો બહાર કાઢી કાઢીને ચેકીંગ ઑફિસરે પૂછ્યું, “આ બધું શું લઈ જાવ છો? આવા લોટ-બોટ નહીં લઈ જઈ શકાય.”

ખલાસ! જે બીક હતી એ જ થયું. હવે? ભૂમિની મનગમતી ચીજો કેવી રીતે લઈ જઈશ? એમની આંખો ભીની થઈ ગઈ. અચાનક એમને શું સૂઝ્યું તે સામાન સમેટવાનો બાજુએ રાખી, શીંગ-ચણાનું પેકેટ હાથમાં લઈને ઑફિસર પાસે પહોંચ્યાં અને ગળગળા સાદે કહેવા લાગ્યાં, “આ બધું તમે જુઓ છો ને સાહેબ, એ માત્ર ખાવાની ચીજો નથી. આ પેકેટોમાં તો આ દેશની ખુશ્બૂ છે, દેશનો પ્રેમ છે, અહીંનો સ્વાદ છે. આ એવો સ્વાદ છે જે મારી દીકરી પાંચ વર્ષ અમેરિકામાં રહ્યા પછી પણ નથી ભૂલી.” પછી સાડીના પાલવથી આંખો લૂછતાં બોલ્યાં,

“સાહેબ, તમારે દીકરી છે? દીકરી હોય તો તમે ચોક્કસ સમજી શકશો કે, દીકરીએ ખાસ યાદ કરીને મંગાવી હોય એ એને ભાવતી ચીજ આપણે ન લઈ જઈ શકીએ તો આપણા હૈયા પર શું વીતે? પરદેશમાં બેઠેલી મારી દીકરી માની રાહ તો જોતી જ હશે પણ સાથે દેશના સ્વાદની પણ રાહ જોતી હશે.”

ઑફિસરે ઈશારાથી એમને બધું લઈ જવાની છૂટ આપી. બધો સામાન ફરીથી બેગમાં મૂકતાં એકાએક એમને વિચાર આવ્યો ને એક રેવડીનું પેકેટ લઈને ઑફિસર પાસે ગયાં.

“સાહેબ, તમે મને પરવાનગી આપી એ પરથી હું સમજી ગઈ કે, તમારે ઘરે પણ દીકરી છે. આ રેવડી એક મા તરફથી એક દીકરીને પ્રેમ સાથે ભેટ તરીકે આપું છું. પ્લીઝ, ના ન કહેશો.”

અધિકારીએ પેકેટ આંખે અડાડીને ચૂમી લીધું. પન્નાબહેન એ જોઈને હસુ હસુ થઈ રહ્યાં.

(સુધા ગોયલની હિંદી વાર્તાને આધારે)                  
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2024; પૃ. 24

Loading

ચલ મન મુંબઈ નગરી—238

દીપક મહેતા|Opinion - Opinion|9 March 2024

કંપની સરકારના ‘દેશી’ સૈનિકોની અવનવી વાતો   

જ્યાં બહુ ઓછા લોકો જઈ શકે ત્યાં આજે આપણે જવાનું છે. પોતાના લશ્કર વિશેની માહિતી ‘ગુપ્ત’ રાખવા માટે નાના-મોટા બધા દેશો સતત મથતા હોય છે. હિન્દુસ્તાનમાંની કંપની સરકાર પણ પોતાના લશ્કર અંગેની માહિતી જાહેર ન જ કરતી. પણ મિસિસ પોસ્તાન્સના પતિ લશ્કરમાં નોકરી કરતા હતા. કાંઈ ઊંચી પદવી પર નહોતા. એક સામાન્ય સૈનિક હતા. લશ્કરમાંથી નિવૃત્ત થયા ત્યારે કેપ્ટનની પદવી સુધી પહોંચેલા. આર્મીની સીડીનું એ કાંઈ બહુ ઊંચું પગથિયું ન ગણાય. પણ આ હકીકતનો એક લાભ આપણને એ થયો કે લશ્કરના એક સામાન્ય સૈનિકની પત્નીની નજરે આપણને કંપની સરકારના લશ્કર અને તેના દેશી અને ગોરા સૈનિકો વિષે જાણવા મળ્યું. આ પુસ્તક હિન્દુસ્તાનના નહિ, ગ્રેટ બ્રિટનના વાચકો માટે લખાયું હતું. પ્રગટ પણ ત્યાંથી જ થયું હતું, ૧૮૩૯માં, એટલે કે આ લખનારના જન્મ પહેલાં બરાબર સો વરસે! અને છતાં અંગ્રેજ વાચકોને આ વાતો ગમશે કે નહિ, એની પરવા કર્યા વગર લેખિકાએ પોતાને જે લાગ્યું તે લખ્યું છે. એ વાંચ્યા પછી મનમાં એક સવાલ ઊઠે : આજે આપણા દેશના લશ્કર વિષે કોઈ આવું લખી શકે? … તો ચાલો, મિસિસ પોસ્તાન્સની સાથે કંપની સરકારના સૈનિકોને મળવા.

મિસિસ પોસ્તાન્સનું માનવું છે કે ઘણાખરા કાયદા ઘડનારાઓમાં સામાન્ય સમજણ ઓછી હોય છે, અને લશ્કરી કાયદા ઘડનારાઓમાં તો ખાસ. આપણા ‘હોર્સગાર્ડ રેગ્યુલેશન્સ’નો આદેશ છે કે ગ્રેટ બ્રિટનની બહાર જ્યાં જ્યાં તાજનું રાજ છે ત્યાં ત્યાંના લશ્કરને અને તેના સૈનિકોને ગ્રેટ બ્રિટનમાંના લશ્કરના બધાં ધારાધોરણ લાગુ પાડવાં. એટલે હિન્દુસ્તાની સૈનિકોએ પણ બ્રિટનમાં પહેરાતો ભારેખમ અગવડિયો યુનિફોર્મ પહેરવો જ પડે છે. હિન્દી સૈનિકોનો પરંપરાગત યુનિફોર્મ રંગબેરંગી તો છે જ, પણ અહીંની ગરમ આબોહવાને બહુ જ માફક આવે તેવો છે. બ્રિટનના સૈનિકોનો યુનિફોર્મ બ્રિટનની કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને ઠરાવાયો છે. હકીકતમાં તેમને માટે પણ હિન્દુસ્તાનમાં એ પહેરવાનું ઘણું જ ત્રાસદાયક છે. હિન્દુસ્તાનમાંના લશ્કરના દેશી સૈનિકો કાં મરાઠા હોય છે અથવા દક્ષિણ હિન્દુસ્તાનના હોય છે. તેમાંના ઘણાખરા બહુ સશક્ત તો હોય જ છે, પણ સાથોસાથ હેન્ડસમ પણ હોય છે. અને તેમનો પરંપરાગત પોશાક બહુરંગી તો હોય જ છે, પણ અહીંની આબોહવામાં માફક આવે એવો હોય છે. એશિયાના બીજા રહેવાસીઓની સરખામણીમાં આ સૈનિકોનો વાન વધુ ઉજળો હોય છે. અને તેમનો દેહ બહુ જ સપ્રમાણ હોય છે.

મિસિસ પોસ્તાન્સે દોરેલું ‘દેશી’ સૈનિકનું ચિત્ર

અહીંના સૈનિકોનો પરંપરાગત પોશાક પહેરવામાં સહેલું પડે તેવો છે. પહેરનાર સૈનિકનો મોભો જણાઈ આવે તેવો પણ એ પોશાક છે. તેમાં પણ રંગ દ્વારા અને બીજી રીતે ચડતી ઊતરતી પાયરી સ્પષ્ટપણે પ્રગટ થાય છે. રેશમી અંગરખું, કોણીથી નીચે ઝૂલતી બાંયો, ગળામાં દુપટ્ટો, માથે પાઘડી, (લેખિકાએ પોતે દોરેલું ચિત્ર અહીં મૂક્યું છે તે પરથી વધુ ખ્યાલ આવશે) આ બધું છોડીને તેણે બ્રિટિશ લશ્કરમાંના પગારદાર  સૈનિકનો યુનિફોર્મ પહેરવો પડે છે. પણ આ રીતે યુનિફોર્મ બદલાતાં દેશી સિપાઈનું આખું વ્યક્તિત્ત્વ પણ બદલાઈ જાય છે. એ જાણે કે ચાવીથી ચાલતી કઠપૂતળી જેવો બની જાય છે. પોતાની જાત અને પોતાના કુટુંબ વિષે, પોતાના દેશ વિષે, વિચારવાનું તે બંધ કરી દે છે. એ બધા વિષે ઉદાસી સેવતો થઈ જાય છે.

હવે બીજી બાજુ જુઓ, આ હિન્દુસ્તાની સૈનિકે જે યુનિફોર્મ પહેરવો પડે છે તે. નથી તો એ તેની ટેવોને અનુરૂપ, નથી તેના શરીરના બાંધાને માફક આવે એવો, અને ખાસ તો અહીંની આબોહવા સાથે તો તેનો કોઈ રીતે મેળ ખાય એમ નથી. તેણે શું પહેરવું પડે છે? લાલ કોટ, પેન્ટ, ચામડાના પટ્ટા, અને સૌથી વધુ તો ભારેખમ બૂટ. ક્યાં એ પહેરવા ટેવાયેલો તે હલકા ફૂલ સેન્ડલ અને ક્યાં આ અધમણિયા ખાસડા! જાડું, મજબૂત ચામડું, સતત પગને ડંખ્યા કરે. આમ તો આ દેશી સૈનિકોની ચાલ બહુ ચપળ, ચિત્તા જેવી, પણ બિચારા આવા ભારેખમ બૂટ સાથે સતત લંગડાતા રહે.

અશ્વારોહી દેશી સૈનિક

અહીં ઉનાળામાં થર્મોમિટરનો પારો ૧૧૦ (ફેરનહિટ) પાર કરી જાય ત્યારે આ બચારા જીવો પર દયા લાવીને લાલને બદલે સફેદ કોટ પહેરવાની છૂટ! તો ય પટ્ટા, બૂટ-મોજાં ને બીજો બધો સરંજામ તો જેમનો તેમ જ રહે. વળી દરેક સૈનિકે પોતાનાં કપડાં પોતે જ ધોવાનાં હોય. અહીં એક તો ઉનાળામાં પાણી મળવું મુશ્કેલ. એમાં આ સફેદ કોટને કાયમ બગલાની પાંખ જેવો રાખવાનો! પહેલાં પાણી શોધતાં, અને પછી કોટને ધોઈ ધોઈને ઉજળો બનાવતાં તો બિચારાને પરસેવો છૂટી જાય!

વળી અહીંના લોકોનો ધર્મ રોજેરોજ નહાવાનો આગ્રહ રાખે. કેટલાક તો દિવસમાં એક કરતાં વધારે વાર નહાય. હવે આ સૈનિક બિચારો જ્યારે માંડ પાણી ભેગો થાય ત્યારે પોતાના ધરમને સાચવવા પહેલાં નહાય, કે લશ્કરના નિયમને માન આપીને પહેલાં ધોળો કોટ ધોઈને સાફ કરે? વળી ઘણા સૈનિકો તો ટોપીની અંદર લાંબી ચોટલી રાખે. દરેક સૈનિક એની ટોપીની અંદર એક નાનકડો અરીસો તો રાખે જ. જ્યારે ટાઈમ મળે ત્યારે અરીસો કાઢી ટોપી બરાબર પહેરાઈ છે કે નહિ તે જોઈ લે. પછી ટોપી કાઢી વાળ બરાબર ઓળાયા છે કે નહિ તે જોઈ લે. જે ચોટલી રાખતા હોય તે તેને ફરીથી કસીને બાંધી લે! કેટલાક તો વળી લાંબો ચોટલો રાખે. ગૂંચળું વળીને પડેલા નાગને મદારી ટોપલીમાં મૂકી રાખે તેમ તેને ટોપીમાં ગોઠવેલો રાખે. ગોરા સાહેબના બંગલાના વરંડામાં બેઠેલા ઓર્ડરલીને બીજું કોઈ ખાસ કામ ન હોય ત્યારે તે આ રીતે અરીસામાં જોયા કરે અને વાળ અને ટોપી સરખાં કર્યા કરે. ગોરા સૈનિકોની જેમ દેશી સૈનિકો માટે વાળ ટૂંકા રાખવાનું ફરજિયાત નથી. પણ ટોપીની બહાર લાંબા વાળ દેખાય તે તો ન જ ચાલે. એટલે બિચારો સતત વાળની ચિંતા કર્યા કરે.

તેમાં વળી સૈનિકોની બદલી એક ઠેકાણેથી બીજે ઠેકાણે થયા કરે. ગોરા સૈનિકની બદલી થાય ત્યારે તેને રહેવા માટે બેરેક મળે. પણ દેશી સૈનિકને નહિ. એટલે એ બિચારો કાં તો કાચું-પાકું ઝૂંપડું બનાવી લે, કે પછી આગલા સૈનિકનું ઝૂંપડું સમુનમું કરી તેમાં રહેવા લાગે. દેશી સૈનિકો અને દેશી અફસરો, બધા સાથે જ રહે. હા, અફસરનું ઝૂંપડું થોડું મોટું હોય, અને તેમાં એકાદ હવાબારી વધુ હોય! અને ઝૂંપડાનું છાપરું પીળા ફૂલોવાળી વેલોથી શણગારેલું હોય! સૈનિક હોય કે ઉપરી અધિકારી, દરેકની ઝૂંપડીની બહાર તુલસીનો છોડ તો હોય જ. તેની આસપાસ ચોતરો બાંધ્યો હોય અને રોજ સાંજે ત્યાં દીવો કરવાનું તો એ ન જ ભૂલે. રાત પડે એ પહેલાં આંગણામાં ચૂલો જલાવી બાજરાનો રોટલો શેકી લે. અને સાથે હોય ઘરેથી આણેલું અથાણું કે પછી કાપેલી ડુંગળી. અને ડ્યૂટીનો સમય પૂરો થઈ જાય એટલે તરત પેલો ભારેખમ યુનિફોર્મ કાઢીને ટૂંકી, સફેદ પોતડી પહેરી લીધી હોય.

સર આર્થર વેલેસ્લી

ઘણાખરા સૈનિકોએ સવારે અને સાંજે ગોરા ઉપરી સાહેબ પાસે હાજરી નોંધાવવી પડે. તેને જેની રખેવાળી સોંપી હોય તે કિલ્લો, ચર્ચ કે બીજી કોઈ ઈમારત કે જગ્યા અંગે ‘આલબેલ’ (all wellનું દેશી રૂપ) પોકારવી પડે. એ વખતે દેશી સિપાઈ બિચારો ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી અને હિન્દુસ્તાનીમાં બોલતો હોય. તેમાં ય ઘણા સૈનિકો માટે તો આલબેલ શબ્દ તકિયા કલામ જેવો બની ગયો હોય. જ્યારે બધું સમુસૂતરું ન હોય, કશુંક ન બનવાનું બન્યું હોય ત્યારે પણ પહેલાં તો એ ટેવ વશ ‘આલબેલ’ જ કહે અને પછી ખરી વાત કરે! અમે કચ્છના અંજારમાં હતાં ત્યારે ૧૮૧૯માં મોટો ધરતીકંપ આવેલો. કિલ્લાનો એક મિનારો ધરાશાયી થઈ ગયો. એ ખબર આપવા સંત્રી પોતાના સાહેબ પાસે દોડ્યો. જઈને પહેલાં તો ટેવ વશ બોલ્યો : ‘આલબેલ’. પણ પછી તરત મિનારો ઢળી પડ્યો છે એવા સમાચાર આપ્યા! જે સૈનિકોને રાતની ડ્યૂટી આપી હોય તેમણે રસ્તા પરથી પસાર થતી દરેક વ્યક્તિને પૂછવું પડે : ‘દોસ્ત કે દુ:શ્મન?’ પસાર થનારો બચાડો ગરીબડા અવાજે જવાબ દે : ‘દોસ્ત.’ જે ખરેખર દુ:શ્મન હોય તે પોતે દુ:શ્મન છે એમ ક્યારે ય કહે ખરો?

દેશી સિપાઈઓ બરાબર મન દઈને ડ્રિલ કરે છે, અને એટલે પરેડ કે રિવ્યુ વખતે ગોરા સૈનિકોની સાથે, ખભેખભા મિલાવીને કવાયત કરી શકે છે. થોડા વખત પહેલાં પૂનામાં એક મોટો કાર્યક્રમ થયો હતો. જુદી જુદી રેજિમેન્ટના સૈનિકો – દેશી તેમ જ ગોરા કૂચ-કવાયત કરી રહ્યા હતા. ત્યારે મારી સાથે બેઠેલાઓને મેં ખાસ આમ કહ્યું હતું, જે કેટલીક ગોરી સ્ત્રીઓને બહુ ગમ્યું નહોતું. એ મેદાનમાંથી દૂર દૂરનો શનવાર વાડાનો કિલ્લો અને પર્વતીના મંદિરનું શિખર દેખાતાં હતાં. પેશ્વા સામેની લડાઈમાં બ્રિટiશ લશ્કરના હિન્દી સૈનિકો પણ બહાદુરીથી લડ્યા હતા. આપણા લશ્કર માટે આ દેશી સૈનિકોનું મહત્ત્વ કેટલું બધું છે એ વાત એ વખતે સમજાઈ હતી. અને તેમના આવા મહત્ત્વનો સ્વીકાર કરીને સર આર્થર વેલેસ્લીએ તેમની બહાદuરી, શિસ્ત, અને નમકહલાલીની યોગ્ય રીતે જ પ્રશંસા કરી હતી. આ સૈનિકો પોર્ટુગીઝ અને ફ્રેંચ દુ:શ્મનો સાથેની આપણી લડાઈઓમાં પણ બહાદુરીપૂર્વક લડ્યા હતા. એક લડાઈમાં તો જ્યારે ગોરા સૈનિકો પાછા પડ્યા હતા ત્યારે આ દેશી સૈનિકોએ વિદેશી લશ્કરને હરાવ્યું હતું.

ટીપુ સુલતાન સાથેના યુદ્ધ વખતે કિલ્લાને ઘેરો ઘાલીને બેઠેલા ‘દેશી’ અને અંગ્રેજ સૈનિકો

આ બધું લખતી વખતે મારો ઈરાદો એમ કહેવાનો તો નથી જ કે દેશી સૈનિકો આપણા ગોરા સૈનિકોની બરોબરી કરી શકે તેવા છે. મારો મતલબ એટલો જ છે કે તેમને અપાતી સગવડો, તાલીમ, જવાબદારીઓની સરખામણીમાં તેઓ ઘણો સારો દેખાવ કરી શકે છે. એટલે તેમને વધુ સગવડો અને પ્રોત્સાહન આપવાની જરૂર છે. અને તેનાથી છેવટે લાભ તો આપણને જ થવાનો છે. જુદી જુદી જાતનાં અગવડ અને અભાવમાં પણ તેઓ જે બહાદુરીપૂર્વક લડે છે તે તો ખરેખર કાબિલે દાદ છે. એટલે આ દેશી સૈનિકોની હાલત શક્ય હોય તેટલી હદે સુધારવી એ છેવટે તો આપણા જ લાભની વાત છે.

અને આ ‘દેશી’ સૈનિકોની પડછે ગોરા સૈનિકોનું કેવું ચિત્ર મિસિસ પોતાન્સ ઊભું કરે છે? એ જોશું હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 09 માર્ચ 2024) 

Loading

...102030...770771772773...780790800...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved