Opinion Magazine
Number of visits: 9457461
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારીસંવેદનની હૃદયસ્પર્શી લઘુકથાઓ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 November 2023

પુસ્તક પરિચય

ગુજરાતી કથા-સાહિત્યમાં અત્યારે નોંધપાત્ર કામ કરી રહેલાં ગિરીમા ઘારેખાનની લઘુકથાઓના બીજા સંગ્રહ ‘ક્ષણનો ટહુકો’ની સાઠ વાર્તાઓમાંથી અનેકમાં નારી સંવેદનની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ છે.

એમાંથી કેટલીક, પરિણીત સ્ત્રીના તન-મન પરના ઉઝરડા એવી રીતે બતાવે છે, જેનાથી જખમોનો અંદાજ આવી જાય. આવી માર્મિકતા લઘુકથાના સ્વરૂપની લેખિકાની પાકી સમજ બતાવે છે. વિભાએ શરીર પરના સોળ છતાં ‘લંપટ અને દારુડિયા’ મેહુલ સાથે ‘નિભાવવાનું જ હતું’. ‘રાક્ષસ’થી દૂર થઈને પિયર આવેલી પ્રતીમાની તેને પાછી ન મોકલવાની આજીજીઓ મા-બાપને અડતી નથી.

જ્યાં સગપણ જ કરવા જેવા ન હતા તેવા સાસરેથી એક મહિનામાં ‘રાયણમાંથી કોકડી થઈ’ ઘરે આવેલી શ્રાવણીની હાલતની માને પરવા નથી. પતિએ તરછોડેલી બે જીવસોતી વૈદેહી આપઘાત કરવા નીકળે છે.

મોટી વહુને કઠપૂતલીવાળાનો ખેલ એટલા માટે ખૂબ જ ગમે છે કે એ ચાલતો હોય એટલો વખત એ ખુદને દોરીસંચાર કરનારની જગ્યાએ જુએ છે, અને ઢીંગલીઓ તરીકે તેના વસ્તારી કુટુંબના માણસોને કલ્પે છે.

પુત્રવધૂની તકેદારીને લીધે પુષ્પાબહેન હાર્ટ એટેકના મોતમાંથી બચી જાય છે. તે પછી તેની પાસે માળા માંગતાં પળવાર માટે તેમના મોંમાંથી ‘ભૂમિ બેટા’ એવું નીકળી જાયછે. પણ તરત જ સ્પષ્ટતા આવે છે : ‘હા બેટા, હવે તો આ 108 જ મારી જીવાદોરી છે.’ ચકલીના બચ્ચાંની ચિંતામાં મેધાનું  ધાબે રોકાઈ રહેવું તેની સાસુને કઠે છે.

જો કે નણંદ-ભાભીના સંબંધો કૂણાં છે. સોનાભાભીને લગ્ન પછીના એક વર્ષમાં લાગેલી ઠેસ નણંદ મીતાના ધ્યાનમાં આવે છે. લગ્ન બાદ થોડા જ દિવસોમાં સ્વાતિના પગ ઢીલા પડતા હતા’ એનો  લોપાભાભીને ખ્યાલ આવ્યા વિના રહેતો નથી.

દેખીતી રીતે સુખી ઘરસંસારમાં પણ બધું સમુસૂથરું નથી હોતું. શ્રાવણની સવારે આંગણામાં ખીલેલાં ગુલાબ માલિની બતાવે છે, પણ પરેશ સમય જ નથી. પેલી ફૂલના ફોટાને વૉટસએપ પર મૂકે છે, પેલો તેમને ઑફિસમાં જઈને તરત ‘લાઇક’ કરી દે છે.

ભ્રષ્ટાચારમાં ઊતરતો જતો મોહિત ‘ઑફિસની બાબતમાં બૈરાંઓએ ગાંધારી જ થઈને રહેવાનું’ એમ અંજનાને સંભળાવતો હોય છે. એક હદ પછી એ પાટા અને પતિને છોડી દે છે.

દામ્પત્યના વધુ સંકુલ પાસાં પણ ઝીલાયાં છે. તમાચા સુધીના ઝગડા પછી તરતનો મનમેળ અહીં છે. ‘રિપોર્ટ’ વાર્તામાં ‘યંગ ડૉક્ટરની ટ્રીટમેન્ટ’થી પોતે પ્રેગ્નન્ટ થઈ હોવાના સમાચાર માતંગી તેના પતિને આપે છે એટલે અને ‘કૅન નેવર બી ફાદર’ એવો રિપોર્ટ પેલો ખીસામાં મૂકી રાખે છે.

અત્યાચાર પીડિતા માટેની સમાજની દૂષિત પૂર્વધારણા પણ જોવા મળે છે. ગરીબ ઘરની ગુમ થયેલી દીકરી ‘આશિક સાથે ભાગી ગઈ હશે’ એમ માનવામાં પોલીસ એ ‘પાંચ જ વર્ષની છે’ એ વિચારી જ શકતી નથી.

ઇન્સ્પેક્ટર ઝાલા માને છે કે છોકરીઓ ‘રાતવરત ગમે તેવાં કપડાં પહેરીને ભટક્યા કરે’ એટલે બળાત્કારો થાય છે. સંગ્રહની સહુથી વેધક અને ઉત્તમ વાર્તા ‘ટૅક્સ’ દેહવ્યવસાય કરતી રેવતી અને અંજુ વચ્ચે કુર્તાનું ગળું સરખું કરવા નિમિત્તે થયેલી વાતચીતથી રચાય છે.

માતાના અનેક રૂપો લેખિકાએ બતાવ્યાં છે. ‘બાવીસ વર્ષ પહેલાં’ મૃત્યુ પામેલા દીકરાનો ફોટો જોયા પછી જ સરલાબહેનનો અટકેલો જીવ નીકળે છે.

મમતા દીકરીને આગમાંથી બચાવે છે. ગોબરા લીંટાળા દીકરા શિવાને ફેરિયો ‘રૂપાળો’ કહે છે એટલે તરત જીવલી ફુગ્ગો ખરીદી લે છે. સવિતા સાવ વંઠેલ હિતીયા માટે ય બારણાને ક્યારે ય ‘સાંકળ ન દેતી’. સરહદ પરનું ગામ ખાલી કરાવવામાં આવ્યું હોય ત્યારે ય યુદ્ધમાં દીકરો ગુમાવી ગંગામાસી લડાઈ માટે ગામમાં થાણું નાખીને રહેતા સૈનિકોને ‘રોટલા ઘડીને’ ખવડાવવા ખાતર સલામત જગ્યાએ જતાં નથી.

અનાથાશ્રમમાં સમાજસેવા કરવામાં વ્યસ્ત તનુજાથી તેના દીકરાની ઉપેક્ષા થઈ જાય છે. મંજુબહેન કાનૂની લડતથી ઘર પરનો પોતાનો હક સાબિત કરીને ‘તમે માના ઘરમાં રહો છો’ એમ દીકરા અને વહુને બતાવી આપે છે. દીકરો કોલકાતા સ્થાયી થતાં નયનાબહેન ખૂબ  નારાજ રહે છે.

સંતાન માટે મા એ મા હોય છે. સુકેશિની મા કૅન્સરને કારણે વાળ ગુમાવી દે છે. પતિથી ફારકત પછી અનેક જવાબદારીઓના બોજ તળે દીકરાને ઉછેરતી મા ‘અકાળે વૃદ્ધ’ દેખાવા લાગે છે. પણ બંને વાર્તાઓમાં સંતાન માટે તે સુંદર તો ‘એવી ને એવી જ છે’.

બાળ માનસને લગતી અન્ય એક વાર્તા ચશ્માં આવવાને કારણે શાળાએ જવા ન માગતી છોકરીની છે. ‘છત્રી’ અને ‘બહાદુરી’ નાની ઉંમરના દીકરાઓને ન સમજનારા પિતા વિશે છે.

‘હૅંડ ને!’ અને ‘રેલા’ વાર્તાઓ કારમી ગરીબી નિરુપે છે. ‘પાંઉભાજી’ અને ‘સીયાની ભાવના’ વર્ગભેદ પરની ખૂબ સૂચક વાર્તાઓ છે. રમખાણોમાં ઘર ગુમાવનાર યુગલ અને કાર્ગોમાં શહીદ સાથીનો દેહ હોય તેવી ફ્લાઇટમાં જતા સૈનિકની વાર્તાઓ વ્યાપક અર્થમાં હકારાત્મક દૃષ્ટિકોણ બતાવે છે.

લઘુકથાના સ્વરૂપની ગિરિમાબહેનની સમજ મોટાભાગની વાર્તાઓમાં દેખાય છે. સંગ્રહ તેમણે  ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના આરંભકાર ‘હૃદયસ્થ મોહનભાઈ પટેલ’ને અર્પણ કર્યો છે.

‘હૅંડ ને કોરોના લઈ આપડેય ચોંકથી કોરોના લૈ આઇયે’, ‘એ કાર્ગોમાં સૂતા છે’, ‘એક નો એક’, ‘જેવો છે તેવો’ જેવા વાક્યો બરાબર નિશાન તાકે છે. દીકરી કે પુત્રવધૂ ધાબે ઊભી રહે, બાળક છત્રી વિના ભીંજાઈને શાળાએથી ઘરે આવે, પ્રૌઢા ખુદનું પ્રતિબિંબ નિહાળે જેવી રોજ બ રોજના પરિસ્થિતિઓ(situations)માંથી લેખિકાએ વાર્તાઓ સર્જી છે.

સરળ ભાષા અને સહજ અભિવ્યક્તિ, ઓછા શબ્દોમાં પણ અસરકારક વર્ણનો, સૌંદર્યસ્થાનોના અકૃત્રિમ લસરકા લેખિકાની શૈલીની ખાસિયતો છે. વધારે પડતી પ્રતીકાત્મક, અપ્રતીતિકારક, ધારણા મુજબની predictable અને અસ્પષ્ટ વાર્તાઓ પણ છે. બે વાર્તાઓ પ્રગતિશીલતાનો નિર્દેશ આપીને પરંપરામાં અટકી જાય છે.

જો કે સમગ્ર રીતે આ ‘ક્ષણના ટહુકા’ સંગ્રહ, ગયાં છએક  દાયકામાં ધીરે ધીરે સમૃદ્ધ થતાં જતાં ગુજરાતી લઘુકથા સાહિત્યમાં મહત્ત્વનું ઉમેરણ છે.

[આભાર : સુશ્રી તોરલબહેન પટેલ, ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદી]

‌‌‌——————————–

ક્ષણના ટહુકા, ગૂર્જર પ્રકાશન, પાનાં 136, રૂ.200/-

 પ્રાપ્તિસ્થાન : 

 ગૂર્જર, સંપર્ક : 079-26934340, 22144663,22149660, મો. 9835368759

 ગ્રંથવિહાર : 079-26587949 , 9898762263

26 નવેમ્બર 2023
[800 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આતંકવાદઃ સત્તાને બદલે બચાવ માટે લડવું પડે તે પહેલાં રાજકીય સ્વાર્થ નહીં, સમજને કામે લગાડવી જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 November 2023

વૈશ્વિક સ્તરે આતંકવાદ વધુ લોહિયાળ, ક્રૂર અને કોઇપણ પ્રકારના નિયંત્રણ વગરનો બની રહ્યો છે અને તે જાણે માનવ સમુદાયનું નિકંદન કરવા નીકળેલા રાક્ષસ જેવો છે

ચિરંતના ભટ્ટ

રશિયાએ યુક્રેન પર ચઢાઇ કર્યાને 600 દિવસથી વધારે દિવસ થઇ ચૂક્યા છે. આ સંઘર્ષને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક, રાજકીય કટોકટીનો માહોલ તો છે જ. કયો દેશ કોની પડખે, કોણે કોને કેટલી મદદ કરવી, યુ.એસ.એ.નો અભિગમ, ભારતનું વલણ વગેરે મુદ્દાઓ ધાર્યા કરતાં ઘણા જટિલ છે. એ સંઘર્ષ હજી ચાલુ છે એમાં હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો પછી હમાસ-ઇઝરાયલ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ છેડાયું છે. આ મામલે કોણ કોની પડખે છે-ના વિવાદ અટકવાનું નામ નથી લેતા. જાનહાનિના વીડિયોઝથી હ્રદય દૃવી ઊઠે. હમાસ અને ઇઝરાયલના ખટરાગમાં થોડા દિવસો પહેલાં યમનના હૂતી વિદ્રોહીઓએ ઝંપલાવ્યું અને ભારત આવી રહેલા ઇઝરાયલના એક માલવાહક જહાજને કબજે કરી લીધું. ઇઝરરાયલને જ્યારે આ અપહરણ અંગે સમાચાર મળ્યા, ત્યારે આ જહાજ તુર્કીના કોરફેજમાંથી ભારતના પીપાવાવ તરફ આવી રહ્યું હતું. ઇઝરાયલ-હમાસના સંઘર્ષનો વ્યાપ વગર કારણ ફેલાઇ જવાની શક્યતા આ ઘટનાને કારણે મજબૂત બની છે.

હૂતી વિદ્રોહીઓએ એવી જાહેરાત કરી છે કે ઇઝરાયલ સાથે જોડાયેલા અથવા ઇઝરાયલની માલિકીના જહાજો પર તેઓ આંતરરાષ્ટ્રિય જળ ક્ષેત્રમાં નિશાન સાધશે જઅને આવું એ લોકો ત્યાં સુધી કરશે જ્યાં સુધી ઇઝરાયલ હમાસ સામે લડત આપશે. આ જે જહાજને એ લોકોએ કબજે કર્યું એમાં કોઈ ઇઝરાયલી નાગરિક હતો પણ નહીં તેમાં ફિલિપાઇન્સ, મેક્સિકો, યૂક્રેન જેવા દેશોના નાગરિક હતા પણ કોઈ ઇઝરાયલી નહોતું. હવે આવા સંજોગોમાં જે રાષ્ટ્રોના નાગરિકો ફસાય છે એ બધા જ રાષ્ટ્રોને પોતાના નાગરિકોના હિતમાં કોઇને કોઇ તરફનું વલણ તો સ્પષ્ટ કરવું જ પડે તે સ્વાભાવિક છે. ઇઝરાયલને હમાસ, હિઝબુલ્લા અને હવે હૂતી સાથે ઝીંક ઝીલવી પડે છે.

આ કોઇ બે-ત્રણ રાષ્ટ્રો વચ્ચેના વૈમનસ્યની વાત નથી રહી. વર્તમાન સમયમાં આતંકવાદ એક એવું વમળ બની ચૂક્યો છે, જેમાં ક્યારે કોણ ક્યાંથી તેનો હિસ્સો બની જશે એ કળવું મુશ્કેલ બની રહ્યું છે. ગાઝા અને ઇઝરાયલ વચ્ચે જે પણ થઇ રહ્યુ છે તેમાં આ સંઘર્ષ કેટલો વખત ચાલશે, તેમાં કેટલા બાહરી પક્ષોને મને-કમને જોડાવું પડશે, યુ.એસ.એ. – મહાસત્તા હોવાને નાતે તેમાં કેટલો હસ્તક્ષેપ કરશે, આ બધી જ બાબતો આતંકવાદના જોખમને વધારનારી છે. વૈશ્વિક સ્તરે જેહાદીઓ અત્યારે ચાલી રહેલા સંઘર્ષનો પોતાની રોટલી શેકવા ઉપયોગ કરી જ શકે છે અને હિઝબુલ્લા અને હૂતીઓએ જે રીતે હમાસના આતંકવાદીઓને ટેકો આપ્યો તે તેનો ઉઘાડો પુરાવો છે. હિઝબુલ્લા પાસે મોટી સંખ્યામાં શસ્ત્રો છે અને જો તેઓ પોતાનું જોર વધારશે અને સીરિયા, ઇરાક અને યમનમાં ઇરાન તરફી સૈન્યો ગાઝાના સંઘર્ષમાં જોડાયા છે તેને કારણે યુ.એસ.એ. જવાબી હુમલો કરવાનું પસંદ કરે તેવી પૂરી શક્યતાઓ છે. અત્યારના સંજોગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ મધ્ય પૂર્વીય દેશોની આગળ વધે તેવી વકી છે. યુ.એસ.એ.ના જહાજને નિશાન બનાવવા, યુ.એસ.એ.ના અધિકારીઓ કે નાગરિકોને બંધક બનાવવા જેવી વ્યૂહાત્મક પગલાં લેવામાં ઇરાન પાછું વળીને નહીં જુએ. હમાસ પાસે વ્યાપક આંતરરાષ્ટ્રીય નેટવર્ક નથી પણ હમાસની તરફેણ કરનારા જૂથોને કારણે તેમની એ સમસ્યા ઉકલી જાય એવું બની જ શકે છે. વિવિધ આતંકી જૂથો હમાસના સંઘર્ષમાં જોડાઇને પોતાના એજન્ડા પ્રમાણે કામ કરે છે અને આ કારણે બે રાષ્ટ્રો વચ્ચે ચાલતો સંઘર્ષ વૈશ્વિક સ્તરે વ્યાપક બનવાની તલવાર તોળાઇ રહી છે. ભૂતકાળમાં આતંકી ષડયંત્રોમાં અન્ય ગુનાહિત વિશ્વના ગુનેગારોને સંડોવવાની ઘટનાઓ બની છે જેમ કે ભૂતકાળમાં હિઝબુલ્લા અને ઇરાને અંડરવર્લ્ડના માફિયાઓને યુ.એસ.એ. જ નહીં પણ બીજા રાષ્ટ્રોમાં પણ રાજકીય હત્યાઓના પ્લોટ ઘડવામાં પોતાની સાથે લીધા હતા. 2011માં ઇરાની ઓપરેટિવે યુ.એસ.એ.માં સાઉદીના એમ્બેસેડરની હત્યા અને વૉશિંગ્ટનમાં ઇઝરાયલી એમ્બેસીને બોમ્બથી ઉડાવી દેવા માટે મેક્સિકન ડ્રગ કાર્ટેલની મદદ લીધી હતી.

હમાસ અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ અંગે અમેરિકન સમાજનો જે પ્રતિભાવ આવ્યો છે તેમાં પણ વિરોધાભાસ છે. મોટાભાગના અમેરિકન્સ ઇઝરાયલને ટેકો આપે છે પણ કેટલાકે તો બેધડક 7મી ઑક્ટોબરના હુમલાને વખાણ્યા કારણ કે તેમને માટે ઇઝરાયલ પ્રત્યેની શત્રુતા યહૂદીઓ પ્રત્યેના ખુન્નસનો જવાબ હતી. આ વિભાજનને પગલે આતંકવાદની વ્યાખ્યા પણ જટિલતાથી બદલાશે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. હમાસના આતંકી હુમલાને વખોડવાનું ટાળનારા તેને સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ તરીકે જુએ છે અને હમાસની હિંસાની ટીકા નહીં કરી તેને યોગ્ય ઠેરવે છે. સામી બાજુએ ઇઝરાયલ અને હમાસના સંઘર્ષને પેલેસ્ટિયન મુસ્લિમ બ્રધરહુડનો જ એક પ્રકાર ઠેરવી રહ્યા છે. ઉગ્રવાદીઓ વિશ્વના જે પણ ખૂણે છે ત્યાં બેસી આતંકીઓને શાબાશી આપી રહ્યા છે અને ઇન્ટરનેટ પર હિટલરે શરૂ કરેલા કામને પૂરું કરવા બદલ હમાસને બિરદાવી રહ્યા હોવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો. ઓનલાઇન ફેલાઈ રહેલું ઝેર ક્યારે ય પણ વાસ્તવિકતા બની શકે છે. આતંકી હુમલા રાજકીય એજન્ડા નથી હોતા પણ શત્રુતાના ખુન્નસનું પરિણામ હોય છે – બદલો, ધાર્મિક અને વંશીય તિરસ્કાર જેવી બાબતો હિંસાના પ્રકારમાં દેખાઈ આવે એમ બનતું જ હોય છે અને એમ થવાની સંભાવના પણ છે. આતંકવાદ વધુ લોહિયાળ, ક્રૂર અને કોઇપણ પ્રકારના નિયંત્રણ વગરનો બની રહ્યો છે અને તે જાણે માનવ સમુદાયનું નિકંદન કરવા નિકળેલા રાક્ષસ જેવો છે.

એક તરફ રશિયા જેણે યુક્રેન સાથેનું યુદ્ધ ચાલું રાખ્યું છે તેણે પણ હમાસની નિંદા નથી કરી અને તેની સાથે સારસારી રાખી છે. રશિયાએ હમાસને આતંકવાદી સંગઠન તરીકે સ્વીકારવાનું પણ ટાળ્યું છે. મોસ્કો હમાસને પડખે છે કારણ કે તે ગ્લોબલ સાઉથ સાથેના સંબંધોને મજબૂત કરવા અને મિડલ-ઇસ્ટ અને તેનાથી આગળના રાજદ્વારી ભાગીદાર તરીકે પોતાનું સ્થાન દ્રઢ બનાવવા માગે છે. ક્રેમલિને પહેલાં પણ આ રીતે આતંકી જૂથોના ઇરાદાઓ અને ઉદ્દેશોને ટેકો આપ્યો છે – જેમ કે અફઘાનિસ્તામાં કાળો કેર વર્તાવતા તાલીબાનીઓ સાથે મોસ્કોના સંબંધો આજે પણ સારા છે. બીજી તરફ પોતાના વિરોધીઓને આતંકી જૂથો તરીકે ઓળખાવવામાં રશિયાને ક્યારે ય કોઇ વાંધો નથી આવ્યો.

એક તરફ યુ.એસ.એ. છે તો બીજી તરફ રશિયા છે. વળી ઇઝરાયલે પણ હમાસના હુમલાનો જવાબ આપવામાં ‘યુદ્ધમાં શુ કરવું યોગ્ય છે’ વાળી બાબતનો બિંધાસ્ત છેદ ઉડાડ્યો છે કારણ કે તેને અમેરિકા અને અન્ય મિત્ર દેશોનો ટેકો મળી રહ્યો છે. અમેરિકાએ લડેલા બધાં જ યુદ્ધોનાં પરિણામ ભયાનક જ આવ્યા છે એટલે અમેરિકા માનવાધિકારને નામે ઇઝરાયલને ખમ્મા કરવા કહેશે એવું માનવાનો કોઇ સવાલ નથી. ગાઝાના નાગરિકો, જેને આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી તે પોતાને ભરોસે છે. ઇઝરાયલ અને અમેરિકાએ એ સમજવું પડશે કે આતંકવાદ તાકતથી નહીં ખતમ થાય. આતંકવાદ આમે ય નબળાઓનું હથિયાર છે અને તેને ડામવા માટે રાજનૈતિક પ્રશ્નોનું સમાધાન જરૂરી છે. આ પ્રશ્નોને આગળ ધરીને જ આતંકી હુમલાઓ કરાય છે.

સત્તાધીશોએ એ સ્વીકારવું પડશે કે વિશ્વમાં આંતકવાદ બમણા જોરથી ત્રાટકવાનો છે અને જીઓ-પોલિટીકલ રાજકારણની અરાજકતા આ જોખમને દિવસે ને દિવસે વધુ સ્પષ્ટ કરી રહી છે. અમેરિકાએ ઇઝરાયલને ગાઝામાં વિધ્વંસ કરતા રોકવાની જરૂર છે. સાઉદી અરબના નેતૃત્વ હેઠળના દેશોને ચીનની મદદથી ગાઝામાં યુદ્ધ રોકવું છે. ઇરાન અને લેબનન જેવા દેશોએ હમાસને કાબૂમાં લેવાની જરૂર છે જેથી યુદ્ધ થોભે. અત્યારે અમેરિકા અને અરબ દેશો ચાહે એ રીતે આ સંજોગોને બદલી શકે છે, તેમનું દબાણ હશે તો આ બર્બરતા અટકી શકે છે અને આતંકવાદનો ઓછાયો મોટો થતા અટકી શકે છે.

બાય ધી વેઃ

આપણે રશિયા, ઇઝરાયલ સાથે ક્યારેક દોસ્તીનો હાથ બતાડીને તો ક્યારેક થોડી ટીકા કરીને સંતુલન જાળવીએ છીએ પણ આપણો પાડોશી દેશ – પાકિસ્તાન તો આર્થિક પાયમાલીને સાથે આખી દુનિયા સાથે થતા ધાર્મિક સંઘર્ષો સાથે જોડાયેલો છે જે આપણે માટે નાનું જોખમ નથી. પાકિસ્તાન આતંકવાદમાં હિંસાનું જુનૂન છે એવામાં બહુમતીવાદમાં ઠેકડા મારતા ભારત પર, કોઇ ધાર્મિક કાર્યક્રમમાં આતંકવાદી હુમલો થયો તો સરકાર ગુંચવાઇ જશે કે હવે સામે પાકિસ્તાનને કઇ રીતે જવાબ આપવો. નસીબજોગે આ તો એક કાલ્પનિક સ્થિતિ છે, પણ આપણે હમાસ-ઇઝરાયલ સંઘર્ષમાંથી બોધ લઇને ચેતી શકીએ છીએ, એ પણ માથે લટકતી પરમાણુ હથિયારની તલવાર યાદ રાખીને. બીજું બાય ધી વે એ કે હમાસનો નેતા છે યાહ્યા સિનવાર જે અત્યારે ગાયબ છે. આ મોસ્ટ વૉન્ટેડ ગુનેગારે હમાસે કરેલા હુમલાની યોજના બનાવવામાં ભાગ લીધો હતો અને સાવ 25 વર્ષની વયે હમાસના અત્યંત જોખમી ગણાતા સુરક્ષા સંગઠન અલ-મજ્દની સ્થાપના કરી હતી અને તે એમ માને છે કે તેણે પેલસ્ટાઇનને સ્વતંત્રતા અપાવવા જ જન્મ લીધો છે. આ વાત ખાસ ટાંકી કારણ કે આપણને એક વિશ્વ તરીકે બીજો ઓસામા બિન-લાદેન પોસાય એમ નથી. રાજનૈતિક સમજ અને માણસાઈ માત્ર આતંકવાદને વિશ્વને ભરખી જતા અટકાવી શકશે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 નવેમ્બર 2023

Loading

વિદેશમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વરસના અંતે 10 લાખ સુધી પહોંચશે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 November 2023

રમેશ ઓઝા

દેશપ્રેમના અભાવમાં ભારતીય વિદ્યાર્થીઓ ભારત છોડીને વિદેશ ભણવા જાય છે એવું નિદાન નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ-(ફેમસ એન.સી.ઈ.આર.ટી.)એ કર્યું છે અને તેના ઈલાજ તરીકે વિદ્યાર્થીઓને શાળામાં જ રામાયણ, મહાભારત અને અન્ય પ્રાચીન વિદ્યાઓ ભણાવાશે અથવા તેનાથી પરિચિત કરાવાશે. એન.સી.ઇ.આર.ટી.ના કહેવા મુજબ દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે અને પછી ત્યાં જ ઠરી ઠામ થઈ જાય છે. જો તેમની અંદર દેશાભિમાન જાગૃત કરવામાં આવે અને ભારતીય સંસ્કૃતિ તેમ જ તેનાં મહાન વારસાનો પરિચય કરાવવામાં આવે તો વિદેશમાં સ્થળાંતરિત થવાનું પ્રમાણ ઘટી શકે.

દેશમાં ઘણા સમયથી ઊહાપોહ કરવામાં આવી રહ્યો છે કે દેશમાં હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર આવી એ પછીથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો દેશ છોડીને અન્યત્ર જઇ રહ્યા છે. ૨૦૧૯માં લોકસભામાં મોટી બહુમતી મેળવ્યા પછી સરકારે આક્રમકપણે હિન્દુ રાષ્ટ્રવાદી ધોરણ અપનાવ્યું તેમ જ શૈક્ષણિક સુધારાઓ કરવાનું તેમ જ પાઠ્યપુસ્તકો બદલવાનું શરૂ કર્યું એ પછીથી સ્થાળાંતરિત થનારાઓની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. જેમ કે ખુદ એન.સી.ઇ.આર.ટી.નાં પાઠ્ય પુસ્તકોનો હવાલો આપીએ તો તેમાં ચંદ્રયાન વિષે માહિતી આપ્યા પછી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે ભારતમાં તો પ્રાચીન યુગથી જ અવકાશ સંશોધન થતું હતું અને ચંદ્રયાન જેવાં યાનો અવકાશમાં જતાં હતાં. આ મહાન સંસ્થાએ ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાં પ્રત્યેક હિન્દુ રાજવીનાં પરાક્રમો વર્ણવ્યાં છે અને કેટલાક પરાજિત રાજાઓને મુસલમાનો સામે વિજેતા પણ જાહેર કરી દીધા છે. આ સંસ્થાએ એમ પણ વિચાર્યું છે કે ભારતીયોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ જાગૃત કરવા અંગ્રેજી ભાષાનાં પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવે.

બિચારા ભારતીય પ્રજામાં અને યુવાઓમાં દેશપ્રેમ જાગૃત કરવા કેટલી જેહમત ઊઠાવી રહ્યા છે અને છતાં સગવડ ધરાવનારા ભારતીયો દેશપ્રેમ તડકે મૂકીને ભારતમાંથી ઉચાળા ભરી રહ્યા છે. ૨૦૨૨માં સવા બે લાખ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું છે. ૨૦૧૯નાં પહેલાંનાં વર્ષોની તુલનામાં ત્રણ ગણો વધારો થયો છે. વિદેશમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વરસના અંતે દસ લાખ સુધી પહોંચશે. એમાં પણ ૨૦૧૯ની પહેલાંનાં વર્ષોની તુલનામાં અઢી ગણો વધારો થયો છે.

ચાલો એક કામ તો સારું થયું કે હિન્દુત્વવાદી શિક્ષણમહર્ષિઓએ મોડે મોડે પણ કબૂલ કર્યું કે વિશ્વગુરુ ભારતનાં મોટી સંખ્યામાં હિન્દુ વિધાર્થીઓ દેશ છોડીને વિદેશ જઈ રહ્યા છે અને જો અનુકૂળતા હોય તો માબાપ સહિત આખા ને આખા પરિવારો વિદેશ જઈ રહ્યા છે અને ભારતનું નાગરિકત્વ પણ છોડી રહ્યા છે. મેં આ વિષે વરસ પહેલાં ચેતાવણી આપનારો લેખ લખ્યો હતો તો મને એક ભક્ત દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમે ક્યારે જાવ છો.

ક્યારેક કડવી વાસ્તવિકતા સ્વીકારતા શીખવું જોઈએ. બીજા દેશો અને સમાજ પાસેથી ધડો લેતાં શીખવું જોઈએ. એનાંથી તમને અને તમારા સંતાનોને ફાયદો થવાનો છે, બીજાને નથી થવાનો. કડવી વાસ્તવિકતા એ છે કે ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દેશભક્તિના અભાવમાં વિદેશ નથી જતા પણ નકલી દેશભક્તિના અતિરેકના કારણે દેશ છોડીને જતા હોય છે. જગતને સારાનરસાનું ભાન નહોતું ત્યારે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવતી હતી અને ગણપતિ તેનું પ્રમાણ છે એ ભણવાથી દિ વાળવાનો નથી એ સાધનસંપન્ન ચતુર લોકો જાણે છે. આવું પાકિસ્તાનમાં અને બીજા મુસ્લિમ દેશોમાં દાયકાઓથી થઈ રહ્યું છે. પાકિસ્તાનનો ભદ્રવર્ગ ઇસ્લામના ઓવારણાં લે છે, મદરસાઓને આર્થિક મદદ કરે છે, મુસલમાનો સૌથી મહાનનાં ગાન ગાય છે, શાસકોના સમર્થકો છે પણ પોતાનાં સંતાનોને વિદેશમાં ભણાવે છે અને જો બાપીકો ધીકતો વારસો સંભાળવાનો ન હોય તો વિદેશમાં જ સ્થાયી કરી દે છે. પાકિસ્તાનમાં ટુંકો પાયજામો, લાંબો કુરતો અને માથે ગોળ ટોપી પહેરેલાં બાળકો મદરસા જાય છે. તેઓ વિકલ્પરહિત ગરીબોનાં તેમ જ ધર્મનાં કેફમાં ખપી જવા માગતા બેવકૂફોનાં બાળકો હોય છે. જો ખાતરી કરવી હોય તો પાકિસ્તાની અણુવિજ્ઞાની પરવેઝ હૂડભોયનાં અભ્યાસલેખો જોઈ જાવ. જેની શરૂઆત પાંચ દાયકા પહેલાં પાકિસ્તાનમાં થઈ હતી એ હવે ભારતમાં શરૂ થયું છે. છીછરી ધાર્મિકતા અને નકલી દેશપ્રેમનાં નામે ખપી જવા માટે બેવકૂફો થનગને છે અને વિકલ્પરહિત ગરીબો લાચાર છે. ગણપતિનું પ્રમાણ આપીને ભારતમાં પ્લાસ્ટીક સર્જરી પ્રાચીન યુગમાં કરવામાં આવતી હતી એવો દાવો કરીએ તો ઓક્સફર્ડ કે હાર્વર્ડમાં ભોજોભાઇ પણ ઊભો ન રાખે. આપણે વિશ્વગુરુ છીએ એવી કલ્પનાની દુનિયામાં રચવાથી સંતાનોનું ભલું ન થાય. માટે વિચાર અને વલણમાં મોકળાપણું અપનાવવું જોઈએ. યુરોપમાં પ્રોટેસ્ટન્ટ દેશો આવી મોકળાશ ધરાવે છે એટલે આગળ છે.

આંખ ઉઘાડવા એક ઉદાહરણ યુરોપનું આપું. યુરોપમાં જે દેશોમાં પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે એ દેશો કૅથલિક ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની બહુમતિ ધરાવનારા દેશોની તુલનામાં વિકાસની એરણે ક્યાં ય આગળ છે. કેથલિક ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ વઘારે ધર્મઘેલા, રૂઢિચુસ્ત અને જડસુ છે. આની સામે પ્રોટેસ્ટન્ટો આધુનિક, ઉદારમતવાદી અને મોકળું માનસ ધરાવે છે. જીવનમાં આગળ વધવું હોય તો ઉદારમતવાદી મોકળું માનસ પહેલી અને અનિવાર્ય શરત છે.

તો વાતનો સાર એ છે સાહેબ કે ભારતીય વિદ્યાર્થીઓ દેશભક્તિના અભાવમાં વિદેશ નથી જતા, નકલી દેશભક્તિના અતિરેકના કારણે વિદેશમાં સ્થળાંતરિત થઈ રહ્યા છે. ડિટ્ટો પાકિસ્તાનમાં પાંચ દાયકાથી થઈ રહ્યું છે એમ. પાછા આ બધા દેશભક્તો છે. ખૂદ શાસકવર્ગનાં સંતાનો છે, ગોદી ચેનલોના માલિકો છે, એંકરો છે, શાસકોને અનુકૂળ બનીને જે તે સંસ્થાઓના અધિપતિઓ છે, આઈ.આઈ.ટી. અને એનાં જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં ગોઠવાયેલા છે. જેનું પાન ભક્તોને કરાવવામાં આવી રહ્યું છે એનું પાન તેઓ પોતે નથી કરતા કે નથી પોતાનાં સંતાનોને કરાવતાં.

અહીં એન.સી.ઈ.આર.ટી.નાં અધિપતિઓને યાદ અપાવવી જોઈએ કે ભારતને આઝાદી અપાવનારા લોકો અંગ્રેજોએ લખેલાં પાઠ્યપુસ્તકો ભણવા છતાં ય દેશભક્ત બન્યા હતા અને દેશ માટે અંગત ત્યાગ કર્યો હતો. સામે પક્ષે દેશભક્તિનાં દિવસરાત ઘૂંટડા પીનારાઓએ આઝાદીની લડાઇમાં ભાગ નહોતો લીધો. ઊલટું અંગ્રેજોને મદદ કરી હતી. જો તેમને અત્યારનાં દેશભક્તિથી છલકાતાં પાઠયપુસ્તકો ભણાવાયાં હોય તો પણ તેમણે આઝાદીની લડતમાં ભાગ ન લીધો હોત. ગેરંટી. ભારતમાં ખાસ કરીને હિંદુઓમાં નવજાગરણ પેદા કરનારા રાજા રામમોહન રોયથી લઈને સ્વામી વિવેકાનંદ સુધીના ૧૯મી સદીમાં થયેલા સુધારકો ક્યાં હિન્દુત્વવાદીઓએ લખેલાં દેશભક્તિથી છલકાતાં પાઠયપુસ્તકો ભણ્યાં હતા? તેઓ પણ અંગ્રેજોએ લખેલાં પાઠ્યપુસ્તકો ભણીને અથવા ભણવા છતાંય દેશભક્ત બન્યા હતા.

ટૂંકમાં આ આખી કસરત વાડે પૂરવાની છે. પણ કોને? એ લોકોને જેની પાસે નાસી છૂટવાનો વિકલ્પ નથી. આર્થિક સગવડતા નથી. અને એ લોકોને જેઓ હોંશે હોંશે વાડે પૂરાવા થનગને છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 નવેમ્બર 2023

Loading

...102030...753754755756...760770780...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved