Opinion Magazine
Number of visits: 9741583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદથી અદાલતો પણ પર નથી !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 June 2024

ચંદુ મહેરિયા

અદાલતોનું કાર્ય કાયદા ઘડવાનું નથી એ સાચું પણ અદાલતો કાયદાની શલ્યાને અહલ્યા જરૂર કરી શકે છે. નમૂના દાખલ તલાકશુદા મુસ્લિમ મહિલાઓને ભરણપોષણનો હક હોવાનું જણાવતો શાહબાનુ ચુકાદો. સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો સંસદ અને વિધાનગૃહોએ ઘડેલા કાયદાની બંધારણીય સમીક્ષા કરે છે. આરોપીઓ સામેના તહોમતની પોલીસ અને બીજી તપાસ એજન્સીઓની તપાસની કાયદેસરતા ચકાસે છે. અદાલતોનું આ મુખ્ય કાર્ય છે, પરંતુ એવું અનેક વાર બન્યું છે કે અદાલતોના હુકમ પછી કાયદામાં સુધારા-વધારા, રદ્દબાતલ કે નવા ઘડવાનું બન્યું છે. ભારતની અદાલતો, નિષ્પક્ષ, નિર્ભીક અને પ્રગતિશીલ તો છે જ છે. તેના ઘણા જજમેન્ટ તેના ઉદાહરણ છે. પરંતુ અદાલતો પ્રતિગામી પણ છે. અદાલતોના ચુકાદા, નિર્ણયો અને ટિપ્પણીઓ પિતૃસત્તાત્મક વલણો-વિચારો અને લિંગભેદને પોષક હોવાનું જોવા મળે છે. જે ન્યાયના મંદિરોએ પિતૃસત્તાત્મક મૂલ્યો અને સ્ત્રી-પુરુષ ભેદને અલવિદા કહેવાનું હોય ત્યાં જ તે વ્યક્ત થાય ત્યારે અદાલતોનું આ પછાતપણું ખટકે છે.

જુલાઈ ૨૦૦૯માં સુંદરરાજને એક બાળકનું પૈસાની લાલચે અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી હતી. આરોપીને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજાની ભલામણ કરી, તેને વડી અદાલતે માન્ય રાખતાં તે સજા ઘટાડવા સુપ્રીમની દેવડી ગયો. આ કેસના ચુકાદામાં દેશની સર્વોચ્ચ અદાલતની એક બેન્ચે લિંગભેદી ટિપ્પણી કરી હતી. માનનીય ન્યાયાધીશોએ કહ્યું હતું કે  હત્યાનો ભોગ બનેલ બાળકનાં માતા-પિતાને ત્રણ દીકરી અને એક દીકરો છે. આરોપીએ તેમના એકના એક દીકરાનું અપહરણ એટલે કર્યું કે માતા-પિતાના મનમાં વધુ ડર અને આઘાત પેદા થાય. પુત્ર વંશ આગળ વધારે છે તેથી તેના અપહરણનું વધુ ગંભીર પરિણામ આવી શકે છે.  આ ટિપ્પણી ભારોભાર લિંગભેદી અને દીકરા-દીકરી વચ્ચે ભેદ ઊભો કરનારી છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન ગણે છે તેમાં પિતૃસત્તાને કોઈ સ્થાન નથી ત્યારે દેશની સૌથી મોટી અદાલતની આ ટિપ્પણી આઘાત અને અચંબો જન્માવે છે. જો કે મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણી સામે સખત વાંધો લીધો હતો અને સર્વોચ્ચ અદાલત સહિત દેશની તમામ અદાલતોને આ મુદ્દે વધુ સંવેદનશીલ બનવા જણાવ્યું હતું.

૨૦૨૧માં આઈ.આઈ.ટી. ગુવાહાટીના એક વિદ્યાર્થીએ તેની સહાધ્યાયિનીને છેતરીને તેના પર બળાત્કાર કર્યો. પોલીસ ફરિયાદ પછી તપાસની ધીમી ગતિ સામે ફરિયાદી યુવતીએ હાઈકોર્ટનું શરણું લીધું. ગુવાહાટી હાઈકોર્ટના જજસાહેબને પ્રથમ દર્શનીય રીતે જ યુવક દોષિત લાગ્યો પણ તેમણે બળાત્કારી યુવકના જામીન મંજૂર કર્યા અને તેને પ્રતિભાશાળી તથા રાજ્યની ભાવિ મોંઘી મિલકત (સ્ટેટ્સ ફ્યુચર એસેટ્) ગણાવ્યો. અદાલતનો આ ચુકાદો લૈંગિક ન્યાયના મૌલિક અધિકાર સામે મોટો પડકાર છે.

દીકરા-દીકરી વચ્ચેનો આ ભેદ જ્યારે વાત અમીર –ગરીબ કે સવર્ણ-અવર્ણની આવે તો કેવો બદલાઈ જાય છે તે ચાળીસેક વરસ પૂર્વેના ગુજરાત મોટર વ્હીકલ ટ્રિબ્યુનલના કદી ના ભૂલી શકાય તેવા ચુકાદામાં છે. દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈનું માર્ગ અકસ્માતમાં મોત થતાં તેના વળતર સંબંધી ચુકાદામાં અદાલતે કહ્યું મૃતકનાં માબાપ ખૂબ ગરીબ છે અને તેમને બીજાં પણ સંતાનો છે એટલે આ ગરીબ માતાપિતા માટે બાળક બોજારૂપ હતો. તેના મોતનું વળી વળતર કેવું? લાગે છે કે આપણો લિંગભેદ પણ ગરીબતવંગર અને નાતજાત જુએ છે.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના મહિલા જજસાહિબાને યૌન ઉત્પીડનના એક કેસમાં આરોપીને એમ કહીને નિર્દોષ જાહેર કર્યો હતો કે સ્કીન ટુ સ્કીન સંપર્ક થયો નથી. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે મહિલાના શિયળભંગના આરોપીના જામીન મંજૂર કરતાં અન્ય શરતો સાથે એક વિચિત્ર શરત ઉમેરી હતી કે આરોપીએ પત્ની સાથે રક્ષાબંધનના દિવસે ફરિયાદી મહિલાના ઘરે જઈને રાખડી બંધાવવી, તેની રક્ષાનું વચન આપવું અને રૂ.૧૧,૦૦૦ ભેટ આપવી. સમગ્ર ઘટનાનો વીડિયો, તસવીરો અને નાણાંની રસીદ મોકલવી. આ જ કોર્ટે બળાત્કારના આરોપીને ફરિયાદી મહિલા સાથે ત્રણ મહિનામાં લગ્ન કરવા જણાવ્યું હતું. બિહારના અરરિયા જિલ્લાની સિવિલ કોર્ટે બળાત્કારથી પીડિત મહિલા પર અદાલતી અવમાનનાનો કેસ નોંધી તેને જેલ ભેગી કરી હતી. આ મહિલા નર્વસ બ્રેક ડાઉન અને ભાવનાત્મક વિસ્ફોટને કારણે અદાલતમાં વારંવાર ન્યાયની માંગણી કરતી હતી. નામદાર ન્યાયમૂર્તિને તેનું આ વર્તન અદાલતના કામમાં હસ્તક્ષેપ અને અવમાનનું લાગ્યું. કર્ણાટક હાઈકોર્ટને વળી બળાત્કાર પછી મહિલા થાકીને અને ઊંઘી ગઈ તો તે બાબત ભારતીય મહિલા માટે અશોભનીય કૃત્ય લાગ્યું હતું. રાજસ્થાનની એક જિલ્લા અદાલતના ન્યાયાધીશે ચાર વરસની બાળકીના બળાત્કારી હત્યારાને મૃત્યુદંડની સજાની ભલામણ કરતાં કહેલું કે પોક્સો અધિનિયમમાં કઠોરતમ સજાની જોગવાઈ છતાં કોર્ટો તેમ કરવામાં કેમ કંજૂસી કરે છે ?  આ ટિપ્પણી ન્યાય અને સમાનતા ઝંખતા સૌને આશ્વાસનરૂપ છે.

ગુવાહાટી હાઈકોર્ટ સમક્ષ એક પતિદેવે એટલે છૂટાછેડાની અરજ કરી કે તેમના પત્ની સુહાગણના પ્રતીકો ધારણ કરતાં નથી. અદાલતે ગ્રાફિક એવિડન્સ (પરિણિત મહિલાએ બંગડી, સિંદૂર, મંગળસૂત્ર પહેરવા) વિનાના લગ્નને અમાન્ય ઘોષિત કરી પતિની છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી હતી. ફેમિલી કોર્ટે જે માંગણી નકારી હતી તેને વડી અદાલતે સ્વીકારી તે આંચકાજનક છે. ખુદ હિંદુ લગ્ન ધારામાં પણ ગ્રાફિક એવિડન્સની કોઈ જોગવાઈ નથી ત્યારે મહિલા પરિણીત છે, તેટલું પૂરતું નથી તે પરિણીત દેખાવી પણ જોઈએ તેમ માનતા માનનીય જજસાહેબના વિચારો કઈ સદીના હશે? બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠે પતિની કન્યાદાન ના થયું હોઈ લગ્ન ગેરકાયદે હોવાની માંગ સ્વીકારી નથી. હિંદુ લગ્ન ધારા પ્રમાણે માત્ર સપ્તપદી જ જરૂરી છે એટલે કન્યાદાન વિનાના લગ્ન ગેરકાયદે ઠેરવી શકાય નહીં. અદાલતે ઘરના આપસી વિવાદોને અદાલતમાં ના લઈ જવા અને અદાલતોનો સમય બરબાદ ના કરવા પણ જણાવ્યું છે. પરંપરા, પ્રથા કે રીત-રિવાજો માટે કાનૂન અને અદાલતનો આશરો યોગ્ય નથી.

બળાત્કાર પીડિતાના ટુ ફીંગર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આજે પણ આવી તપાસ થાય છે. યૌન ઉત્પીડનનો શિકાર મહિલા શારીરિક સંબંધની આદિ, અભ્યસ્ત કે સક્રિય છે કે કેમ તેની તપાસ માટે થતો આ ટેસ્ટ પીડિતાના ગૌરવને હણે છે, ગરિમાને આઘાત પહોંચાડે છે તેની સમજ કેમ હજુ ઊભી થઈ નથી? સ્તન કેન્સરથી પીડિત મહિલાના પતિએ આપસી સહમતિથી છૂટાછેડા માંગ્યા પણ સર્વોચ્ચ અદાલતે તેનો ઈન્કાર કર્યો હતો. પત્ની માટે પતિ પરમેશ્વર છે તેવું ન માની લઈએ તો પણ કેન્સરપીડિત પત્નીના છૂટાછેડા જરા ય યોગ્ય ન ગણાય. પત્નીએ રોગના ઈલાજ માટે વળતર અને ભરણપોષણ મળશે એટલે ડાઈવોર્સ માટે સંમતિ દર્શાવી છે તેવું જાણ્યા પછી તો પતિ પર ફિટકાર જ વરસે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.જે. ચંદ્રચૂડનો કાર્યકાળ અનેક દૃષ્ટિએ ક્રાંતિકારી રહ્યો છે. પરંતુ તે માત્ર ટેકનોલોજીના ઉપયોગ પૂરતો સીમિત ન રહેતા સંવેદના અને પ્રગતિશીલ વિચારોના સંદર્ભમાં પણ ક્રાંતિકારી બની શકે.  તેમાં અદાલતોની  પ્રતિગામી ટિપ્પણી, નિર્ણયો અને ચુકાદા બાધારૂપ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

કૌરવ કૌન, કૌન પાંડવ, ટેઢા સવાલ હૈ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 June 2024

અડવાણીની 2019ની બ્લૉગપોસ્ટ : મીડિયા સંસ્થાનો સહિતની લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા વિશે આપણે આશ્વસ્ત રહી શકીએ એવાં કોઈ ચિહ્નો આપણી રાજનીતિમાં હું જોતો નથી

પ્રકાશ ન. શાહ

લખી રહ્યો છું 2024ની 26મી જૂન વાસ્તે, અને સ્મરણ સ્વાભાવિક જ 1975ની 26મી જૂનનું – બરાબર 49 વરસને અંતરે, બલકે, 50માં વરસના પ્રવેશે થઈ રહ્યું છે. આ સ્મરણ પચાસીના રણકા ઉપરાંત વિલક્ષણ એ વાતે પણ છે કે કટોકટીની સાથે અને સામે હતાં એમના પૈકી ઘણાં બધાંમાં જાણે ફેરબદલ ન થઈ ગઈ હોય એવો ઘાટ છે. કોઈક પળે વાજપેયી એ કવિતા કરી હતી કે,  

‘કૌરવ કૌન

કૌન પાંડવ

ટેઢા સવાલ હૈ

દોનોં ઔર શકુનિ કા ફૈલા

કૂટજાલ હૈ.’

ભારત તો કાઁગ્રેસમુક્ત ન થયું પણ ભા.જ.પ. કાઁગ્રેસયુક્ત જરૂર થઈ, એ સંજોગોમાં વાજપેયીના ઉદ્દગારો જાણે જુદી રીતે સામે આવવા કરે છે.

ઉદ્દગારો એમ તો આ ક્ષણે સવિશેષ અડવાણીના પણ સાંભરે છે. કટોકટી કાળના એ જોધ્ધા અને ભા.જ.પ.ના તો સ્થાપક નેતાઓ પૈકી મોખરાના. 2014માં એમણે જાણીતા અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં એમ કહ્યું હતું કે ‘આજની તારીખે, બંધારણીય ને કાનૂની રાહે લોકશાહી અધિકારોની સુરક્ષા જોગવાઈઓ છતાં લોકશાહીને ચૂરેચૂરો કરી નાખે એવાં બળો આપણી વચ્ચે ઓર મજબૂતીથી ઉભર્યાં છે.’

આ પ્રતીતિ આગળ ચાલી અને 2019ના એપ્રિલની છઠ્ઠીએ (પક્ષના સ્થાપના દિવસે) અડવાણીએ એમના બ્લોગમાં લખ્યું હતું કે ‘મીડિયા સંસ્થાનો સહિતની લોકશાહી સંસ્થાઓની તેજતર્રાર સ્વતંત્રતા વિશે આપણે આશ્વસ્ત રહી શકીએ એવાં કોઈ ચિહ્નો આપણી રાજનીતિમાં હું જોતો નથી.’ તે ઉપરાંત એમણે જે પક્ષને સીંચ્યો હતો એને સલાહ પણ આપી હતી કે આપણી ટીકા કરે, વિરોધ કરે તે ‘રાષ્ટ્રદ્રોહી’ છે એવું કૃપા કરીને માની ન લેશો.

અડવાણીએ આટલાં ટીકાવચનો છતાં એક આશાવાદ ત્યારે જરૂર દાખવ્યો હતો કે 1977માં જનતા બળોએ કાઁગ્રેસને પરાસ્ત કરી એ બીના સૌને યાદ રહેશે તો એકે રાજકીય પક્ષ ફરી એવો રસ્તો લેવા પ્રેરાશે નહીં. વસ્તુત: 2024માં અડવાણી જો કોઈ બ્લોગપોસ્ટ ભર્યાં નારિયેળ પેઠે રમતી મૂકવા વિચારે તો શું લખે એની કલ્પના કરવાજોગ છે. એક તો કાઁગ્રેસયુક્ત મોદી ભા.જ.પ. કંઈક કદ મુજબ વેતરાઈ અને કાઁગ્રેસે વળતાં કદ ને કાઠીની આશા બંધાવી, એમાં જેમ કાઁગ્રેસમેન નહીં એવા ઘણાએ નવસંકેત જોયો છે એવું કાંક એ પણ લખે તો નવાઈ ન લાગવી જોઈએ.

26મી જૂન આગમચ અને હવેના અઠવાડિયે જે બે બાબતો ઓથાર પેઠે ઝળુંબી રહી છે તેનો નિર્દેશ કરું તો પચાસમાં વરસના પૂર્વ સપ્તાહે તે યોગ્ય લેખાશે. બુકર પુરસ્કૃત અરુંધતી રોય સામે અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ – યુ.એ.પી.એ. હેઠળનો તેર વરસ જૂનો કેસ દિલ્હીના લેફ્ટનન્ટ જનરલ સક્સેનાએ ઉખેળ્યો છે. (તેઓ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને આધીન છે.) તમે એક વાર પકડી લો પછી વરસોનાં વરસો લાગી તમે એને વગર ચાર્જશીટે ગોંધી રાખી શકો છો. ભીમા-કોરેગાંવ કેસમાં પકડાયેલી 16 પ્રતિભાઓ પૈકી સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, જર્નોન ગોંસાલ્વીસ, અરુણ ફેરેરા, શોમા સેન, વારાવારા રાવ, ગૌતમ નવલખા ચાર-પાંચ વરસ ગોંધાઈ રહી હવે જામીન પર છૂટ્યાં છે. એમને ગોંધી રાખવા માટેનાં કોઈ કારણો પોલીસ આપી શકી નથી. આવા જ એક કેસમાં તાજેતરમાં જમ્મુ-કાશમીર હાઈકોર્ટે પ્રોસિક્યુશનની ટીકા કરતા કહ્યું છે કે તમે એકનું એક કોપી-પેસ્ટ મટીરિયલ દરેક કિસ્સામાં લઈને આવો છો અને એમાં કશું ન્યાયિક સંજ્ઞાન (જ્યુડિશિયલ કોગ્નાઈઝન્સ) હોતું નથી પણ એના સતત રટણથી તમે કોર્ટને મનોવૈજ્ઞાનિક રીતે પ્રભાવિત કરવા માગો છો.

બીજી પાસ, પહેલી જુલાઈથી ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવે છે. જૂના પીનલ કોડ વગેરેને સ્થાને આ સંહિતા આણવાનો આશય મોદી સરકારના કહેવા પ્રમાણે ‘સાંસ્થાનિક બોજ’ દૂર કરવાનો છે. ભાઈ, સાંસ્થાનિક સમયમાં જે બન્યું તે એ બન્યું કે આપણા જીવનમાં કદાપિત નહોતું એ હદે રાજ્ય ઉત્તરોત્તર વધુ ને વધુ પેંધતું ગયું ને ભીંસતું ગયું. ન્યાય સંહિતા સરકારને (પોલીસને) જે સત્તા આપે છે એનાં લક્ષણો જોતાં તે દોઢ સાંસ્થાનિક વરતાય છે. એણે બહુ ગવાયેલ ‘રાજદ્રોહ’ એ સંજ્ઞા પડતી મૂકી છે પણ દેશની સંપ્રભુતા, એકતા ને અખંડિતતાને જોખમ રૂપ પ્રવૃત્તિઓ (જેની વ્યાખ્યા સરકારને અનુકૂળપણે બેશક ધૂંધળી ને એકતરફી જ હોય) પર કારવાઈનો મુદ્દો આગળ કર્યો છે.

ઈન્દિરા કાઁગ્રેસના કટોકટીરાજ સામે લડવામાં પોતે હતાં એ અંગે ગર્જનતર્જનની રાજનીતિ બઢીચઢીને કરવાનું ભા.જ.પ.નું વલણ રહ્યું છે. પ્રજાએ 1977માં જેને નસિયત ને શિકસ્ત આપી જાણી એમને સ્થાને આવેલા એ પોતે જુદા છે એ બતાવવા શું કર્યું ન કર્યું એ મૂલવવાનો આ સમય છે. માટે આટલી નુક્તેચીની.

બંધારણની તોડમરોડ વાહે વ્યક્તિગત સત્તાલક્ષી રાજરમતનો દોર આપણે જોયો છે. એમાં સુધારા કરી લોકશાહી પુન:સ્થાપનનો દોર પણ આપણે જોયો છે. કટોકટી સામેની લડતના વડા લાભાર્થી પક્ષ પરિબળનો દસકો પણ આપણે જોયો છે. 2019ની અડવાણીની બ્લોગપોસ્ટમાં વર્ણવ્યા પ્રમાણે મીડિયા સંસ્થાનો સહિત સર્વ સ્વતંત્ર સંસ્થાઓ પરની તવાઈને છેડે મતદારે 2024ની ચોથી જૂને વગાડેલ એલાર્મ બેલ પણ આપણે સાંભળ્યો છે.

એક જુદો જ એલાર્મ બેલ આપણે 26મી જૂન, 1975ની વહેલી સવારે સાંભળ્યો હતો. 25મી જૂનની વિરાટ સભાને સંબોધતા જયપ્રકાશે ઇન્દિરાજીને રાજીનામાની નૈતિક તાકીદ સંભળાવી હતી અને પોલીસ ને લશ્કરને કહ્યું હતું કે રાજકીય આકાઓના બંધારણબાહ્ય હુકમો ન માનશો. (બંધારણ મુજબ વર્તવું એ પોલીસ મેન્યુઅલનો હિસ્સો છે.) મોડી રાતે પોલીસ એમના ઉતારે (ગાંધી પીસ ફાઉન્ડેશન, રાઉઝ એવન્યૂ, નવી દિલ્હી) આવી અને લઈ ગઈ. જતાં જતાં રાધાક્રિષ્ણે સંદેશો પૂછ્યો તો જેપીએ કહ્યું, વિનાશકાલે વિપરીત બુદ્ધિ.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 જૂન 2024

Loading

દરેક વખતે સ્ત્રી સાચી જ હોય એ જરૂરી નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 June 2024

રવીન્દ્ર પારેખ

સાધારણ રીતે સ્ત્રી સંદર્ભે આરોપ પુરુષ પર હોય ત્યારે શંકાની સોય તેના તરફ જ તકાયેલી રહે છે. લોકો કે કાયદો પણ સ્ત્રી તરફ જ સહાનુભૂતિથી જુએ એમાં નવાઈ નથી, કારણ શારીરિક શોષણનાં મામલામાં પુરુષ જવાબદાર હોય એવાં ઢગલો ઉદાહરણો મળી રહે એમ છે. સ્ત્રીઓનું અનેક રીતે એટલી હદે શોષણ થતું રહ્યું કે કાયદાએ સ્ત્રી કેન્દ્રી થવાની ફરજ પડી. એ જરૂરી પણ હતું. એવું ન થાય તો સ્ત્રીનાં શોષણનો સિલસિલો અટકે એમ ન હતો. આજની તારીખે પણ સ્ત્રીઓ સાથેની છેડછાડ, લગ્નનો વાયદો કરીને થતી છેતરપિંડી, દુષ્કર્મની ફરિયાદોમાં જરા જેટલી પણ ઓટ આવી નથી, બલકે, સ્ત્રીઓનાં શોષણનાં નવા નુસખા અજમાવાતા હોવાનું મીડિયામાં ચર્ચાતું રહે છે. એમાં એક ફેક્ટર એ ઉમેરાયું છે કે સ્ત્રીઓ પણ શિક્ષિત થઈ છે અને જાહેર ક્ષેત્રોમાં તેનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. કેટલાંક ક્ષેત્રોમાં તો તે પુરુષ સમોવડી જ નથી થઈ, તેનાથી આગળ પણ નીકળી છે. તે પુરુષો સાથે સ્પર્ધામાં ઊતરી શકે એવી સક્ષમ થઈ છે.

કેરિયર ઓરિએન્ટેડ ઘણી સ્ત્રીઓ લગ્નને નકારતી કે લગ્નેતર સંબંધને સ્વીકારતી પણ થઈ છે. લિવ ઇન-નો વિકલ્પ પણ કેટલીક સ્ત્રીઓને માફક આવ્યો છે. આ બધું સારું છે કે ખરાબ તેમાં ન પડીએ, પણ અપરાધની બાબતે પણ સ્ત્રી પુરુષની બરાબરી કરતી થઈ છે. કેટલી ય એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં પત્નીએ દહેજનો ખોટો કેસ કરીને સાસરિયાંને સળિયા ગણાવ્યા હોય. લગ્નેતર સંબંધમાં પતિથી છાનો પ્રેમ સંબંધ વિકસાવ્યો હોય ને પતિને ખબર પડતાં વાત મરવા-મારવા પર આવી ગઈ હોય એવું પણ બન્યું છે. એક રીઢા ગુનેગારમાં હોય એવી લુચ્ચાઈ ને ખંધાઈ હવે સ્ત્રીઓમાં શોધવી પડે એમ નથી. સ્ત્રી કરુણાની મૂર્તિ નથી એવું નથી, તેની મમતા આજે પણ ખૂટી નથી, તેનાં સમર્પણ ને ત્યાગનો જોટો આજે ય જડે એમ નથી, પણ છેવટે તો તે માનવ છે. એક મનુષ્યમાં હોય તેવાં દુર્ગુણો તેનામાં પણ હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ. તેણે પણ આ દુનિયામાં જ જીવવાનું છે ને રોજિંદા જીવનમાં આવતા પડકારો ઝીલવાના છે. જીવવું તો તેણે ય છે ને જીવે છે. જીવવા માટે જે કરવું પડે તે, તે ય કરે છે …

રોજિંદા જીવનમાં પુરુષો દ્વારા થતી સ્ત્રીઓની છેતરપિંડીની કોઈ સીમા નથી. એનાં એટલાં ઉદાહરણો છે કે ગણતરી કરતાં પાર ન આવે. હવે એવી છેતરપિંડીમાં સ્ત્રીઓ પણ કદાચ પાછળ રહેવા માંગતી નથી, કારણ બધી બાબતોમાં સ્પર્ધા કરનારી સ્ત્રીઓ આ મામલે પણ પુરુષોથી પાછળ ન રહે એમ બનવાનું. એવો એક કિસ્સો જોવા જેવો છે –

અલ્હાબાદ હાઇકોર્ટમાં એક કેસ ચાલ્યો, જાતીય સતામણીનો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કાયદાઓ ભલે સ્ત્રીઓનાં હિતની સુરક્ષા માટે હોય ને પુરુષે અનેક વાર સ્ત્રીઓનાં હિતોને જોખમમાં મૂક્યાં હોય, તો પણ એ શક્ય છે કે દરેક વખતે પુરુષ ખોટો ન હોય. કેસ હતો, લગ્નનું ખોટું વચન આપીને પાંચ વર્ષ સુધી જાતીય સતામણી કરવાનો. સાધારણ રીતે આરોપો ખોટા સાબિત કરવાની કે પુરાવાઓ રજૂ કરવાની જવાબદારી આરોપીની હોય છે, પણ અલ્હાબાદ હાઇકોર્ટે પુરાવાઓ રજૂ કરવાની જવાબદારી ફરિયાદીની પણ છે એવી ટકોર કરી. એમાં કોઈ શક નથી કે યૌન અપરાધોમાં સ્ત્રીઓનાં સન્માન અને ગરિમાનું રક્ષણ આપતા કાયદાઓ મહિલા કેન્દ્રી જ હોય, પણ કોર્ટનું માનવું છે કે જે તે ઘટનાનું આકલન પણ થવું જોઈએ. જાતીય સતામણી સંબંધિત કાયદાઓ સ્ત્રી કેન્દ્રી હોય તે સમજી શકાય એવું છે, છતાં આ કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો. આરોપી વિરુદ્ધ એસ.ટી.-એસ.સી.નો કેસ પણ હતો.

પીડિતાએ 2019માં કેસ કરતાં જણાવ્યું હતું કે લગ્નનું વચન આપીને આરોપી તેની સાથે શરીર સંબંધ બાંધતો રહ્યો અને પાછળથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી, એટલું જ નહીં, તેની જાતિ સંબંધે અપમાનિત પણ કરી. આરોપી વિરુદ્ધ 2020માં ચાર્જશીટ દાખલ થયું. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલ્યો ને કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો અને માત્ર આઇ.પી.સી.ની કલમ હેઠળ જ દોષી ઠેરવ્યો. જો કે, એથી પીડિતાનાં મનનું સમાધાન ન થયું ને તેણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો. આરોપીનું કહેવું હતું કે સંબંધો પરસ્પરની મરજીથી બંધાયા હતા. તેણે મહિલા સાથે લગ્નની ના એટલે પાડી કે તે યાદવ સમુદાયની હતી એવી તેણે કહેલી વાત સાચી ન હતી ને તે અન્ય જાતિની હતી. સમગ્ર રેકોર્ડની તપાસ દરમિયાન એ વાત પણ બહાર આવી કે પીડિતા અગાઉથી જ પરિણીત હતી અને તેનાં લગ્ન 2010માં એક પુરુષ સાથે થઈ ચૂક્યાં હતાં અને લગ્નનાં બે વર્ષ પછીથી, તેનાં પતિથી તે અલગ રહેતી હતી, તે તો ઠીક પણ તેનો કોર્ટમાં કેસ દાખલ થયો ત્યાં સુધી પહેલું લગ્ન અસ્તિત્વમાં હતું ને પૂર્વ પતિ સાથે છૂટાછેડા થયા ન હતા ને આરોપી સાથે સંબંધો બાંધ્યા હતા. આ સ્થિતિમાં આરોપીએ પીડિતાને લગ્નનું વચન આપીને છેતરી હોવાનો વાંધો ટકે એમ ન હતો, કારણ લગ્નની બાબતમાં સંતાડવાનું તો પીડિતાના કિસ્સામાં વધુ હતું.

આમ તો પીડિતાની ફરિયાદ છેતરાયાંની હતી, પણ તેણે પહેલાં લગ્નની વાત ન કરીને આરોપીને છેતર્યો હતો. બંને અલ્હાબાદ, લખનૌની હોટેલોમાં, લોજમાં દિવસો સુધી સાથે રહ્યાં હતાં. એ ઉપરાંત તેણે જાતિ અંગે પણ આરોપીને અંધારામાં રાખ્યો હતો. હાઇકોર્ટે વિશેષ ટિપ્પણી કરતાં એ વાત નોંધી હતી કે આજે પણ સમાજમાં કોઈ સંબંધને લગ્નમાં ફેરવવો હોય તો જાતિની બાબતો જરૂરી છે. હાઇકોર્ટે એ બાબતે પણ ટકોર કરી કે પીડિતાને જાતિ છુપાવવાનું કયું કારણ હતું ને તે છુપાવવાનું કેમ જરૂરી હતું તે સાબિત કરવામાં તે નિષ્ફળ ગઈ હતી. ખરેખર તો એ નક્કી નહોતું થઈ શકતું કે કોણ, કોને મૂર્ખ બનાવતું હતું? હાઇકોર્ટે નિર્ણયમાં જાહેર કર્યું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યોગ્ય હતો. સાધારણ રીતે આવા કિસ્સાઓમાં આરોપી દોષી જણાતો હોય છે, પણ આ મામલામાં દુષ્કર્મના આરોપ માટે પુરુષ જવાબદાર ન હતો ને પીડિતાએ મૂકેલા આરોપો સાચા ન હતા. ટૂંકમાં, પુરુષ ખોટો ન હતો ને સ્ત્રી વધારે જવાબદાર હતી.

અહીં જોઈ શકાશે કે સ્ત્રી-પુરુષ વિષેની આપણી ધારણાઓથી સાવ ઊલટી જ વાત સામે આવે છે. સાધારણ રીતે તો પુરુષ લગ્નની લાલચ આપી નામુકર જતો જોવા મળે છે, પણ અહીં મહિલા જાતિ છુપાવે છે, એટલું જ નહીં, તે પરિણીત છે તે વાત પણ છુપાવે છે. આરોપીએ તેને લગ્નનું વચન આપીને છેતરી છે એવો આરોપ છે, પણ હકીકત એ છે કે તે પોતે પરિણીત છે ને એ લગ્નનો ભંગ થયો નથી એ વાત ન જણાવીને તેણે આરોપીને છેતર્યો છે. એ આઘાતજનક છે કે કોર્ટમાં કેસ દાખલ કરવા છતાં ફરિયાદીને એ વિશ્વાસ છે કે તે કોર્ટની આંખમાં પણ ધૂળ નાખી શકશે. વારુ, ટ્રાયલ કોર્ટનો ચુકાદો તેની તરફેણમાં આવ્યો નથી ને તેની સમગ્ર છેતરપિંડી ઉઘાડી પડી જાય છે, તો પણ તે ત્યાં અટકતી નથી ને હાર્યો જુગારી બમણું રમે એ રીતે તે હાઇકોર્ટનો દરવાજો પણ ખટખટાવે છે. ખબર નથી પડતી, તેને એવું કઈ રીતે લાગે છે કે કોર્ટનો ચુકાદો તેની ફેવરમાં આવશે? એ રીતે તો તે કેસ દાખલ કરીને કોર્ટને પણ સાચી હકીકતથી વાકેફ નથી કરતી, બીજા શબ્દોમાં તે કોર્ટને પણ છેતરવાની કોશિશ કરે છે. તેને કદાચ એમ છે કે દુષ્કર્મનો આરોપ મૂકવાથી આરોપીની વિરુદ્ધમાં ચુકાદો આવશે, કારણ કાયદાઓ સ્ત્રી કેન્દ્રી છે ને સાધારણ રીતે ચુકાદો પીડિતા તરફી જ આવે છે તો એ રીતે તેનાં તરફી પણ આવશે એવા ભ્રમમાં તે છે, પણ એવું બનતું નથી ને કોર્ટ નિષ્પક્ષ રહીને યોગ્ય તે નિર્ણય આપે છે ને અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહે છે. આ ચુકાદો એવા પુરુષો માટે આશીર્વાદરૂપ છે જેઓ નિર્દોષ છે ને દુષ્કર્મને નામે કસૂરવાર ઠરતાં હોય છે. એ મોટું આશ્વાસન છે કે કોર્ટ આજે પણ નિષ્પક્ષ ચુકાદાઓ આપે છે ને નિર્દોષનો વાળ પણ વાંકો થવા દેતી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 23 જૂન 2024

Loading

...102030...687688689690...700710720...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved