Opinion Magazine
Number of visits: 9741647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણના અનૈતિક વેપારનો ગ્રાહક છે ‘મધ્યમવર્ગ’

રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2024

રમેશ ઓઝા

પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવતો દેશ પેપર ફૂટ્યા વિના એક પરીક્ષા લઈ શકતો નથી. લગભગ દરેક પરીક્ષાના પેપર ફૂટી જાય છે. આને કારણે તો હવે સાધનસંપન્ન પરિવારોનાં બાળકો ભણવા માટે વિદેશ જવા લાગ્યા છે. બ્યુરો ઓફ ઈમિગ્રેશનના અહેવાલ મુજબ ૨૦૨૧ની સાલમાં ચાર લાખ ૪૪ હજાર ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા હતા અને ૨૦૨૨માં સાત લાખ ૫૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. એક વરસમાં લગભગ ૯૦ ટકાનો વધારો. આની સામે વિશ્વગુરુ પાસે દીક્ષિત થવા કેટલા વિદેશી વિદ્યાર્થીઓ આવે છે? ૨૦૨૧ની સાલમાં ૨૨,૧૪૯ વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવ્યા હતા અને ૨૦૨૨ની સાલમાં ૩૧,૯૧૦ વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા માટે આવ્યા હતા. આ વિદેશી વિદ્યાર્થીઓ એવા દેશોના છે જે શૈક્ષણિક સુવિધામાં ભારત કરતાં પણ પાછળ છે. સુદાન, અફઘાનિસ્તાન વગેરે. મુખ્યત્વે આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ. જ્યારે આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ., એમ્સ અને જે.એન.યુ. જેવી વિશ્વપ્રસિદ્ધ શિક્ષણસંસ્થાઓનું ભગવાકરણ થઈ ગયું હોય અને તેમાં પ્રાચીન યુગમાં ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી (ગણપતિ તેનું ઉદાહરણ છે) એવું ખાસ દિવ્ય શિક્ષણ આપવામાં આવતું હોય ત્યાં સગવડ ધરાવતો વિદ્યાર્થી શા માટે ભણે!

શા માટે પેપર ફૂટે છે? શા માટે શૈક્ષણિક માફિયાગીરી પર આધારિત ‘કોટા ફેક્ટરી’ જેવી વેબ સિરીઝ બને છે? શા માટે ભારતભરમાં કોચિંગ કલાસીસનો રાફડો ફાટ્યો છે? શા માટે મોંઘીદાટ ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે? એ પછી પણ શા માટે વિદ્યાર્થીઓ ભારત છોડીને વિદેશ ભણવા જઈ રહ્યા છે અને તેની સંખ્યા વરસે વરસે બમણી થઈ રહી છે? અને શા માટે ગરીબ દેશોને છોડીને કોઈ ભારતમાં ભણવા આવતું નથી? અને હજુ મહત્ત્વનો પ્રશ્ન: આમાં ભારતનાં લગભગ ૭૦ ટકા ગરીબ લોકોનાં બાળકો ક્યાં છે? તેમની પાસે વિદેશ જવાનો વિકલ્પ નથી, ખાનગી યુનિવર્સિટીઓમાં દાખલ થવાનો વિકલ્પ નથી, કોટા શહેરના કે બીજા કોઈ પણ કોચિંગ કલાસીસમાં દાખલ થઈને સજ્જ થવાનો વિકલ્પ નથી, પેપર ખરીદવાનો વિકલ્પ નથી, ગ્રેસ માર્ક્સ ખરીદવાનો વિકલ્પ નથી અને એ પછી પણ પાસ થાય અને સરકારી અનુદાન લેતી કોલેજમાં પ્રવેશ ન મળે તો વિના અનુદાનવાળી ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવવાનો વિકલ્પ નથી, કારણ કે ફી પરવડે એમ નથી. ગરીબોનાં ૯૦ ટકા બાળકો તો દસમાં કે બારમાં ધોરણ પછી ભણતરની રેસમાંથી બહાર નીકળી જાય છે.

તો પછી આ તમાશો કોના માટે થઈ રહ્યો છે? ૭૦ ટકા પરિવારોના વિદ્યાર્થીઓ તો બહાર છે. શ્રીમંતોનાં સંતાનો ખાનગી યુનિવર્સિટીઓમાં દાખલ થઈને કે વિદેશ જઈને પોતાનો રસ્તો કાઢી લે છે. આ જે શિક્ષણનો અનૈતિક વેપાર ચાલી રહ્યો છે એનો ગ્રાહક મધ્યમવર્ગ છે. અને હું ખાતરીપૂર્વક કહું છું કે તેમાંના ૮૦ લકા લોકો દેશભક્ત છે. રાષ્ટ્રવાદી છે. ધાર્મિક છે. તેઓ દેશભક્ત એટલા માટે છે કે તેઓ અનૈતિકતાની બજારના ગ્રાહકો છે અને તેને તે છૂપાવવા માગે છે. “કરવું પડે શું થાય! ફલાણા (બ્રાહ્મણ હોય તો બી.સી. કે પછાત, ઉત્તર ભારતીય હોય તો લૂંગી વગેરે) સીટ મારી જાય છે.” દરેક પાસે અનૈતિક વેપારમાં ગ્રાહક બનવા માટેનાં કારણો છે અને તેને છૂપાવવા તેઓ દેશભક્તિનો અને ધાર્મિકતાનો અંચળો ઓઢે છે. માત્ર કલ્પના કરી જુઓ કે ૭૦ ટકા ભારતીયોનાં સંતાનો હજુ તો બહાર છે અને શિક્ષણની બજારમાં આવ્યા નથી, પણ એ જો બજારમાં હોત તો શું થાત! હરીફ તેજસ્વી વિદ્યાર્થીઓને રસ્તા પરથી દૂર કરવા માટે ખૂન થાત. કોચિંગ ક્લાસના માલિકોનાં અને શિક્ષકોનાં તો અત્યારે ખૂન થવા લાગ્યાં છે અને આવતીકાલે તેજસ્વી વિદ્યાર્થીઓનાં ખૂન થવા લાગે તો નવાઈ નહીં પામતા.

પણ લાખ રૂપિયાનો સવાલ હવે આવે છે. શા માટે ભારતનો મધ્યમવર્ગ ડિગ્રી પાછળ ગાંડો થયો છે? શા માટે એમાં તેને પોતાનાં સંતાનનું કલ્યાણ દેખાય છે? કેટલાંક વરસ પહેલાં વડા પ્રધાને કોઈ ટી.વી. ચેનલને યોગ્ય જ કહ્યું હતું કે કોઈ યુવાન ભજિયાં વેચીને ગુજરાન ચલાવતો હોય તો એ રોજગાર કહેવાય કે નહીં? એ કથન માટે ખોટી રીતે વડા પ્રધાનની ઠેકડી ઉડાડવામાં આવે છે. એ રોજગાર કહેવાય જ, પણ સમસ્યા એ છે કે એવા રોજગારની પ્રતિષ્ઠા નથી. જે કામની પ્રતિષ્ઠા ન હોય એ કોઈ કરવા માગતું નથી અને એમાં મધ્યમવર્ગે તો પોતાને કહેવાતી સંસ્કારીતાના પ્રસાધનો દ્વારા એવો શણગાર્યો છે કે તે આવાં કામની કલ્પના પણ ન કરી શકે. માટે તેને એમ લાગે છે કે કોઈ સારી ડિગ્રી મળી જાય તો દીકરાનો બેડો પાર થઈ જાય. માટે તે અનૈતિકતાની બજારમાં ગ્રાહક તરીકે ઊભો છે અને શિક્ષણના વેપારને હજુ વધુ અભડાવે છે. નીચે લઈ જાય છે. બજાર મોટું છે અને વેપાર જબરો છે એટલે નેતા, બાબુ, માસ્તરો અને માફિયાઓની સાંઠગાંઠ વિકસી છે. કૌભાંડો તો થવાનાં જ!

અહી પેલો ડોસો આવી પહોંચવાનો. એ માણસ મર્યા પછી પણ પીંડ છોડતો નથી. તેમણે લગભગ સો વરસ પહેલાં કહ્યું હતું કે ડિગ્રી નહીં, શ્રમની પ્રતિષ્ઠા વધારો. કોઈ શ્રમિકને એમ ન લાગવું જોઈએ કે તે ઓછું મહત્ત્વનું કે નાનું કામ કરી રહ્યો છે. મારી દીકરી પોટરીવર્ક કરતી હોય તો આર્ટીસ્ટ તરીકે ઓળખાય, પણ એ જ કામ કરનારો કુંભાર વસવાયો (કાઠિયાવાડમાં વહવાયો જે વ્યવસાયનું અપભ્રંશ છે) કહેવાય. હાથથી બનાવેલ શ્રમજન્ય ઉત્પાદનમાં કુનેહ (એટલે કે આર્ટ, સાયન્સ, ટેકનોલોજી અને એન્જિનિયરીંગ) નથી? બધું જ છે. સોંદર્ય એટલે કે એસ્થેટિક પણ છે, પણ આપણે ત્યાં શ્રમની પ્રતિષ્ઠા નથી. કૌશલ્યવાન અભણ કે અલ્પશિક્ષિત તરીકે ઓળખાય છે. બધાને ડિગ્રી જોઈએ છે અને નોકરી કરીને સલામત જિંદગી જીવવી છે. એમાં જો સરકારી નોકરી મળે તો ગંગા નાહ્યા. ડિગ્રી પાછળ દોટ મૂકતી શિક્ષણ વ્યવસ્થાએ સાચી કેળવણી નહીં, યેનકેન પ્રકારે માર્ક્સ અંકે કરનારી અને સલામત જિંદગી જીવનારી નિર્વીર્ય પ્રજા પેદા કરી છે જે અનીતિના વેપારમાં ગ્રાહક બનીને ન આવે તો બીજું શું કરે! ગ્રાહક પિતા પોતે જ તેની આવી એક પેદાશ છે. કદાચ ત્રીજી પેઢી છે.

ગાંધીજીએ બીજી વાત એ કહી હતી કે શારીરિક શ્રમનું ન હોવું કે નહીંવત્ હોવું એ વિકાસ નથી. કોઈ કામ કુશળતાપૂર્વક અને આનંદપૂર્વક થાય એ માટે તેને જેટલું સહેલું બનાવી શકાતું હોય એટલું ચોક્કસ કરવું જોઈએ, પણ સાવ શ્રમ જ ન કરવો પડે એ વિકાસ નથી. નવરો માણસ શેતાની પ્રવૃત્તિ કરે છે. ટેકનોલોજીએ કામ છીનવી લીધું છે એટલે નવરો યુવક વોટ્સેપ યુનિવર્સિટીમાં શિક્ષિત દીક્ષિત થાય છે. કોઈકના ઘરમાં ડોકિયાં કરે છે. જાણે કે અજાણે જૂઠાણાં ફેલાવે છે. વર્તમાનથી ભાગવા કોઈકે કલ્પેલા ભવ્ય ઇતિહાસની સોડમાં લપાઈ જાય છે. આજે મધ્યમવર્ગના લગભગ દરેક ઘરમાં આ સ્થિતિ જોવા મળે છે. તેઓ માત્ર અનૈતિક શૈક્ષણિક વ્યાપારના ગ્રાહક નથી, ઝેરી રાજકારણના પણ ગ્રાહક છે.

છેલ્લે ફરી એકવાર યાદ અપાવી દઉં. હજુ ૭૦ ટકા ગરીબ લોકોનાં સંતાનો તો ડિગ્રી અને નોકરીની બજારમાં આવ્યા જ નથી. એ જો માર્કેટમાં હોત તો શું થાત!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2024

Loading

મેળવીએ

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|29 June 2024

ફેરથી એક દા’ણ મન મેળવીએ,

મન મળે તે પછી નયન મેળવીએ.

ભોગ-વિલાસ ત્યાગવા ભોગ દઈએ,

ભૂલ સુધારવા ગગન મેળવીએ. 

મત મતાંતર વિવાદનો ભેદ પારખ,

બેઉ પારસ બની લગન મેળવીએ.

ખાસ મિજાજની રસમ કાલવીએ, 

આત્મ મંથન કરી ચમન મેળવીએ.

જિંદગીનો પડાવ ઢોળાવ પર છે,

વાર-તારીખનો અમન મેળવીએ.

e.mail : addave68@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—254

દીપક મહેતા|Opinion - Opinion|29 June 2024

એક જમાનો હતો જ્યારે GPOની સોએ સો બારી ધમધમતી રહેતી  

જી.પી.ઓ. કહેતાં જનરલ પોસ્ટ ઓફિસના ત્રણ નંબરના ગેટમાંથી દાખલ થઈ થોડાં પગથિયાં ચડીએ એટલે સામે આવે એક સો ‘બારી’વાળો ભવ્ય વિશાળ હોલ, જે ઓળખાય ‘રોટુન્ડા’ નામે, કારણ ઉપરના ઘુમ્મટની જેમ આ હોલ પણ ગોળ છે. પણ તેમાં જે એક સો ‘બારી’ કહેતાં વિન્ડો છે તે હવાની આવનજાવન માટે નહિ, ટપાલની આવનજાવન માટે છે. એક જમાનામાં મોડી રાત સુધી આ સોએ સો બારીઓ ધમધમતી રહેતી. લોકલ ટપાલ માટેની બારીઓ જુદી, બહારગામ માટે જુદી, પરદેશની ટપાલની અલગ. તો ટપાલ ટિકિટ વેચવા માટે, મની ઓર્ડર લેવા માટે, પાર્સલ લેવા માટે જુદી જુદી બારીઓ. સાંજ પછી તો ઘણી બારીઓ સામે લાંબી લાઈનો લાગે. આખા કોટ વિસ્તારની ઓફિસો, દુકાનો, વગેરેના પટાવાળા કે ગુમાસ્તા ટપાલના, નાનાં પાર્સલના થોકડા લઈને ઊભા હોય. રોજે રોજ આવનારા પણ એ, અને બારી પર બેસનારા પણ એ. એટલે ઘણીવાર ઝડપથી એકબીજાના ખબરઅંતર પણ પૂછી લે.

એક સો ‘બારી’વાળું રોટુન્ડા

આ લખનારને બરાબર યાદ છે. દિવાળીના પાંચ-સાત દિવસ પહેલાં ‘સાલ મુબારક’નાં રંગબેરંગી પોસ્ટ કાર્ડનો થોકડો લઈને લાઈનમાં ઊભા રહી જવાનું. દરેક કાર્ડ પર ઘરે જ જરૂરી ટિકિટ ચોડવાની. ઘરથી નજીકમાં નજીકની પોસ્ટ ઓફિસ ઠાકુરદ્વારની. ત્યાંથી જરૂરી ટિકિટનાં શીટ પહેલાં લઇ આવવાનાં. પાછલી બાજુના ગુંદરને સહેજ ભીનો કરવાનો. શીટમાંથી એક-એક ટિકિટ છુટ્ટી પાડી હળવે હાથે પોસ્ટ કાર્ડ પર ચોડવાની. પછી ઉપર કપડાનો કટકો દાબવાનો. ટિકિટ વધુ પડતી ભીની થાય તો ફાટી જાય. એટલે સ્પોંજ કહેતાં વાદળીવાળી દાબડીમાં થોડું પાણી નાખવાનું અને એ વાદળી પર મૂકીને ટિકિટ થોડી ભીની કરવાની.

સ્મૃતિશેષ કલમ અને ખડિયો

સમય બદલાયો એમ ઘણું બદલાયું. હવે સ્પોંજવાળી દાબડી, ટાંકણી રાખવાનાં ‘પીન કુશન’, લાલ, કાળી ભૂરી શાહીના જાડા કાચના ખડિયા, અને તેમાં બોળીને લખવા માટેનાં ટાંકવાળાં હોલ્ડર, શાહી વધુ પડતી વપરાઈ હોય તો એ ચૂસી લેવા માટેના બ્લોટિંગ પેપર, — ઘણું બધું હવે સ્મૃતિમાં જ સચવાયું છે. અરે! હવે તો દિવાળી, નાતાલ, જન્મ દિવસનાં રંગબેરંગી છાપેલાં કાર્ડ પણ ઘરે કોણ લાવે છે? દિવાળી અને નાતાલ પહેલાં એકાદ મહિનાથી કેટલીયે દુકાનો આવાં કાર્ડ વેચતી. સ્ટેશનરીની દુકાનોમાં જન્મ દિવસ, પારસી નવું વરસ, વગેરેનાં કાર્ડ આખું વરસ વેચાય. તો પ્રેમપત્રો લખવા માટેના ‘ખાસ’ રંગબેરંગી લેટર હેડ અને કવર પણ આખું વરસ મળે. અદરાયેલાં કે નવાં પરણેલાં જાણે બહુ મોટું પરાક્રમ કરતાં હોય તેમ એ લઈ આવે અને ઘરમાં છાનામાના બેસી એકબીજાને પ્રેમપત્રો લખે. આ પત્રો વાંચવાના પણ છાનામાના. અને એ વાંચ્યા પછી ‘તૂ મેરા ચાંદ, મૈં તેરી ચાંદની’વાળાઓનાં મોઢાં બીજમાંથી પૂનમના ચાંદ જેવાં બની જાય!

પણ આજે આવો ટાઈમ કોને છે? પ્રેમપત્રની રાહ જોવાની ધીરજ કોનામાં છે? હવે તો ખોલો WA અને ટાઈપ કરો : I ♥U. વાત પૂરી. કોઈનો જન્મ દિવસ છે? Happy Birthday to You – એટલું લાંબુ લખે કોણ, અને વાંચે કોણ? લખી નાખો : HBD. અને આવાં અનેક કામ માટે મોબાઈલ નામનો અલ્લાદિનનો જાદૂઈ ચિરાગ હાજરાહજૂર છે. પછી આજે પોસ્ટ ઓફિસમાં જાય કોણ? શા માટે? એટલે જ આજનાં બાળકોને ધૂમકેતુની પ્રખ્યાત વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ ગળે જ ન ઊતરે. મરિયમના કાગળની આટલી રાહ કેમ જોવી પડે? એ માટે ડોસાએ રોજ પોસ્ટ ઓફિસ જવું કેમ પડે? દીકરીને WA પર મેસેજ કે વીડિયો કોલ કરીને ડોસો પૂછી કેમ ન લે કે બેટા, તું મજામાં તો છો ને?

અરે! બાળકોની વાત ક્યાં કરો છો? સાચું કહું? આ લખનાર જેવા બુઢ્ઢાએ વરસોથી હાથમાં બોલ પેન પકડી હોય તો તે ક્યાંક સહી કરવા માટે જ. એટલે જન્મજાત ખરાબ અક્ષર વધુ ખરાબ બન્યા છે. કારણ વરસોથી PC કે મોબાઈલ પર જ ટાઈપ કરવાની ટેવ પડી ગઈ છે. અને હવે તો ટાઈપ કરવા આંગળીઓ વાપરવાની પણ જરૂર નહિ! બોલતા જાવ, અને સ્ક્રીન પર ટાઈપ થતું જાય! એટલે પછી પોસ્ટ ઓફિસ, પોસ્ટ કાર્ડ, ટપાલ ટિકિટ, વગેરેને તો અમિતાભ બચ્ચનના અવાજમાં કહેવાનું રહે : ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ?’

પણ જે વાતમાં રહસ્ય ન હોય એ વાત તે કંઈ વાત કહેવાય? GPOના મકાનની વાતમાં પણ રહસ્ય છે. અને એ પણ એક નહિ, ત્રણ ત્રણ. આ રહસ્યોની વાત આપણા આંગણામાં લઈ આવશું હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 જૂન 2024)

Loading

...102030...684685686687...690700710...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved