Opinion Magazine
Number of visits: 9457359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડોનાલ્ટ ટ્રમ્પ સિઝન 2: બીજીવાર સત્તા મળશે તો ટ્રમ્પનું બેફામ વલણ અમેરિકાની ચમકને કાટમાં ફેરવશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 February 2024

મજાની વાત એ છે કે ટ્રમ્પને પોતાને એવું ક્યારે ય નહીં લાગે કે પોતે ખોટું કરે છે અથવા સરમુખત્યારશાહી ચલાવે છે – તેને તો એમ જ લાગશે કે પોતાના રાજકારણ સાથે મેળ ન ખાય અથવા પોતાને શાસનમાં નડે એવા અવરોધોને કાઢી નાખવામાં કંઇ ખોટું નથી

ચિરંતના ભટ્ટ

વિદેશી ધરતી પર પણ ચૂંટણીના પડઘમ ગાજી રહ્યા છે. દાંત ખોતરતાં, ખોતરતાં અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને વચગાળાના બજેટની ઉજવણી અને વાતો પછી વૈશ્વિક મહાસત્તા યુ.એસ.એ.માં સત્તા પરિવર્તનમાં શું થશે અને શું થવું જોઈએની ચર્ચા માટેની જગ્યા થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર તરીકે લેબલ પામી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધીઓ તાણમાં છે અને તેના ટેકેદારો ગેલમાં છે કારણ કે વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં ફરી ગોઠવાઇ જવા માટે ટ્રમ્પે એડી ચોટીનું જોર લગાડ્યું છે. રિપબ્લિકન નોમિનેશન માટે દેશભરમાં પ્રાઇમરીઝમાં 1,215 ડેલિગેટ્સની જરૂર છે અને ટ્રમ્પે હજી બે સ્ટેટ્સમાંથી માત્ર 32 ડેલિગેટ્સને ગજવે કર્યા છે છતાં પણ તેના પ્રતિસ્પર્ધી નિકી હેલીને લઇને લોકોમાં નિરાશા વર્તાવા લાગી છે. જો ટ્રમ્પ બીજી વાર આવે તો શુંની વાતો થવા માંડી છે.

ટ્રમ્પ જો સત્તા પર વશે તો અમેરિકાના નાગરિકી અને લોકશાહી સંસ્થાનોનો દાટ વળી જશે જેમાં ન્યાયતંત્ર, લશ્કર અને રાષ્ટ્રીય રાજકીય માહોલને પણ ગણી લેવાના એવી ચિંતા અમેરિકાના બુદ્ધિજીવીઓ જાહેર કરી ચૂક્યા છે. ટ્રમ્પ પહેલીવાર સત્તા પર આવ્યા તે પહેલાં સરમુખત્યાર, ફાસીવાદી જેવા શબ્દો વપરાયા હતા અને ટ્રમ્પનું બીજીવારનું સત્તા પર આવવું ડેમોક્રેટિક વિચારધારા ધરાવનારા નાગરિકોમાં લાચારીનો ભાવ પેદા કરશે એ ચોક્કસ. અમેરિકાના સામાન્ય મતદાતાઓ માટે આવનારી ચૂંટણી રિપબ્લિકન અને ઉદારમતવાદી ડેમોક્રેટ્સ વચ્ચેનો હજી એક રાજીકીય જંગ હોઇ શકે પણ ટ્રમ્પના વહીવટને પારખનારા, તેનું વિશ્લેષણ કરનારાઓ એમ જરૂરપણે માને છે કે ટ્રમ્પને જો બીજી ટર્મ મળશે તો અમેરિકન લોકશાહી પડી ભાંગશે.

ટ્રમ્પનું રાજકારણ બેફામ અને વિવાદી છે. અલબત્ત હજી તો ઘણો સમય છે કારણ કે ચૂંટણી છેક નવેમ્બરમાં છે. રિપબ્લિકન પાર્ટીમાં પણ તેના વિરોધીઓ તો છે જ અને તેઓ મનોમન એમ જ ચાહતા હશે કે કાનૂની ગુંચવણો પેદા થાય અને આખો મામલો બિચકે. પોતાના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને ‘બર્ડ બ્રેન’ કહી ચૂક્યા છે અને આવા વધુ બફાટ કરીને ટ્રમ્પ પોતાના લખ્ખણ તો દર્શાવી જ ચૂક્યા છે. છતાં પણ ટ્રમ્પના પ્રભાવથી ડરનારા નરમ રિપબ્લિકન રાજકારણીઓએ પોતે ટ્રમ્પ તરફી છે એ દર્શાવી દીધું છે. કોઈની પણ સાડાબારી રાખ્યા વિના, શાલિનતાને નેવે મૂકીને ટ્રમ્પે પોતે વેરનું રાજકારણ કરવાની દિશામાં આગળ વધે છે એવો ઢંઢેરો પણ પીટી નાખ્યો છે. ટ્રમ્પ પર મુકાયેલા આક્ષેપોથી આપણે અજાણ નથી અને ટ્રમ્પ જે રીતે અત્યારે વર્તાય છે એમાં લાગે છે કે તેમને ઓવલ ઑફિસમાં પહોંચીને સૌથી પહેલાં તો પોતાની પર આક્ષેપ મુકનારા તમામને દેખાડી દેવું છે, વળી સત્તા પર આવ્યા પછી પોતાના પગ તળે રેલો ન આવે એટલા માટે કાયદાની ઐસીતૈસી કરતા ટ્રમ્પને જરા ય વાર નહીં લાગે. વળી ટ્રમ્પની વિદેશી નીતિને આધાર આખા વિશ્વએ પોતાના સમીકરણો બદલવા પડશે. ટ્રમ્પે તો તાજેતરમાં એમ વચન આપેલું કે પોતે સત્તા પર આવશે તો ચાર વર્ષની યોજના લાગુ કરશે જેમાં ચીનના ઉત્પાદનોની આયાત ધીરે ધીરે સદંતર બંધ કરી દેવાશે. ચીન સાથેનું આ વ્યાપારી યુદ્ધ યુ.એસ.એ.ના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે, પણ ટ્રમ્પ વેરનાં વળામણાં કરવાના મૂડમાં હશે તો એ જે રાષ્ટ્રના પ્રમુખ હશે તેના અર્થતંત્રની ચિંતા કરશે ખરા? ટ્રમ્પ જો મનફાવે એ રીતે સરકાર ચલાવશે તો મહાસત્તાનું લેબલ યુ.એસ.એ. પાસેથી છીનવાઈ જવાના દિવસો ધાર્યા કરતાં જલદી આવી પહોંચશે.

અર્થતંત્રની સાથે રાજકીય ગણતરીઓની ચોપાટને ધૂળ અને ઢેફાં કરી દેતાં ટ્રમ્પને જરા ય વાર નહીં લાગે. ટ્રમ્પને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન – NATO – સામે ય વાંધો છે. જો બાઇડેનની સરકારે રશિયાએ યુક્રેઇન પર કરેલા હુમલામાં નાટો દ્વારા યુક્રેઇનને મદદ પહોંચાડી હતી પણ ટ્રમ્પને તો પુતિન પ્રિય છે એટલે એ સત્તા પર આવે અને રિપબ્લિક લેજિસ્લેટર્સને NATOના સાથીઓ સાથેની કડી તોડવા નાખવા કહી દે એવું ય થઈ શકે અને એ બહુ કટોકટી ભર્યો મુદ્દો બની શકે છે. પુતિને જ્યારે યુક્રેઇન પર હુમલો કરેલો ત્યારે ટ્રમ્પે આ ચાલને ‘જિનિયસ’ ગણાવેલી અને ટ્રમ્પે તો જાહેરમાં એવા દાવા પણ કર્યા હતા કે જો પોતે યુ.એસ.એના પ્રમુખ હોત તો પુતિન અને ઝેલેન્સ્કીને સામસામે બેસાડીને યુદ્ધનો અંત આણી દીધો હોત. જો ટ્રમ્પ સત્તા પર આવશે તો એ યુક્રેઇનને ધૂંટણીયે પાડી શકે છે એવી શક્યતા નકારી શકાય તેમ નથી. આવું થશે તો 75 વર્ષી યુ.એસ.એ.ને વૈશ્વિક સત્તાના માળખામાં અગત્યનો સ્તંભ સાબિત કરનાર NATOના પાયા હચમચી જશે. ટ્રમ્પની ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન સાથેની દોસ્તી ડિસઆર્મામેન્ટને મામલે કામ ન લાગી અને તેને પગલે દક્ષિણ કોરિયા સાથેના સબંધો બગડ્યા. જાપાન સાથેના વ્યાપારી કરાર અંગે પણ ટ્રમ્પે નકારાત્મક ટિપ્પણી કરી હતી. વળી ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશીપનો પણ ટ્રમ્પના રાજમાં છેદ ઊડી ગયો. ટ્રમ્પે તાઇવાનનો ઉપોયગ કરીને ચીન સાથે બગાડ્યું તો ફિલિપાઇન્સ પણ બેઇજિંગ તરફ વળ્યું. ચીન સાથે વ્યાપારી યુદ્ધમાં શિંગડા ભરેવીને ટ્રમ્પે બેઇજિંગનો ફાયદો કરાવ્યો. મિડલ ઇસ્ટ નીતિમાં ઇઝરાયલ પર ધ્યાન આપ્યું તેના જોખમ પણ મોટા છે તો ન્યુ યર પરના સંદેશાએ પાકિસ્તાનને બેઇજિંગ તરફ ધકેલ્યો. ભારતે સાવચેતીથી બન્ને બાજુએ સંતુલન કરવાની કોશીશ કરી. ટ્રમ્પે સંબંધો બગાડવા સિવાય ભાગ્યે જ કંઇ કર્યું છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

જો ટ્રમ્પને બીજીવાર યુ.એસ.એ.ના પ્રમુખ બનવાનો મોકો મળશે તો એ પોતાનું ધાર્યું કરવા માટે બંધારણ, કાયદા, સામાજિક સ્થિરતા, વૈશ્વિક રાજકારણ, અર્થતંત્ર બધું જ વખારે નાખશે. ટ્રમ્પ શું કરી શકે છેની ચર્ચા કરનારાઓ પણ એક ન વર્ણવી શકાય એવા ભયને કારણે પોતાના વિચારો કદાચ પૂરેપૂરી રીતે જાહેર નથી કરી રહ્યા. મજાની વાત એ છે કે ટ્રમ્પને પોતાને એવું ક્યારે ય નહીં લાગે કે પોતે ખોટું કરે છે અથવા સરમુખત્યારશાહી ચલાવે છે – તેને તો એમ જ લાગશે કે પોતાના રાજકારણ સાથે મેળ ન ખાય અથવા પોતાને શાસનમાં નડે એવા અવરોધોને કાઢી નાખવામાં કંઇ ખોટું નથી. ટ્રમ્પના રાજમાં ભ્રષ્ટાચાર તો સાહજિક ગણાશે એમ માનનારા વિચારકો પણ છે કારણ કે ટ્રમ્પનું રાજ એટલે દોસ્તોને લાભ અને દુ:શ્મનોને હેરાનગતિ અને એમાં રિપબ્લિકન સ્ટેટ્સને હંમેશાં દરેક બાબતે અગ્રિમતા અપાશે અને તેને ટેકો ન આપનારા સ્ટેટ્સમાં અરાજકતા ફેલાવાશે. આવી પરિસ્થિતિ સિવિલ વૉર તરફ લઇ જનારી સાબિત થઇ જ શકે છે.

ટૂંકમાં ટ્રમ્પની બીજી ઇનિંગ અમેરિકા માટે સર્વાંગી વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી સાબિત થવાના બધાં જ લક્ષણ ધરાવે છે. આવામાં ભારતે સાવચેતીપૂર્વકનો વહેવાર રાખવો પડશે, નહીંતર ‘સંગ તેવો રંગ’ વાળો ઘાટ થશે અને લાંબા ગાળે આપણે પણ હેરાન થવાનો વારો આવશે. જો કે કેન્દ્ર સરકાર જે સત્તા પર છે અને આવશે તે સારી પેઠે જાણે છે કે એક સમય પછી રાજકારણમાં પોતાની લીટી લાંબી કરવાનું મહત્ત્વ એટલું જ હોય છે જેટલું કદાચ એક તબક્કે બીજાનો છેદ ઉડાડવાનું હોય છે.

બાય ધી વેઃ 

ટ્રમ્પ આવીને બેફામ વર્તશે એમ તો લાગે જ છે. ભારતનો વહેવાર વ્યૂહાત્મક રહ્યો છે એટલે ટ્રમ્પ બીજીવાર આવે તો આપણે ડરવાની જરૂર નથી. પરંતુ એક નુકસાન એ ગણવું રહ્યું કે ટ્રમ્પ જો સત્તા પર આવશે અને ભારતમાં માનવાધિકાર અને લઘુમતિને નામે પ્રશ્નો ખડા થશે તો દિલ્હી સરકારને પોતાની છાપની ચિંતા નહીં કરવી પડે કારણ કે ટ્રમ્પની માનસિકતામાં આ ઘટનાઓ સમસ્યાઓ નહીં ગણાય. ટ્રમ્પ ફરી સત્તા પર આવશે તો યુ.એસ.એ.ની વૈશ્વિક મહાસત્તા તરીકેની ઓળખ ધીમે ધીમે ઝાંખી પડવા માંડશે તેવી ત્યાંના વિચારકોની દૃઢ માન્યતા છે અને ચીન આ બધામાં વધુ બળૂકો બનશે. બહુ ધ્રુવીય વિશ્વ ટ્રમ્પના મનસ્વી અભિગમને કેટલી હદે ચલાવી લેશે એ પણ એક મોટો પ્રશ્ન છે પણ માળું, બધાં ય ખેપાનીઓ ભેગા થઇ જાય તો સમજદારોએ ધીરજ અને મક્કમતાના શસ્ત્રથી જ લડત આપવી પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ફેબ્રુઆરી 2024

Loading

અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 February 2024

અર્થશાસ્ત્રના ચિંતક અને અધ્યાપક તેમ જ ગુજરાતના અગ્રણી બૌદ્ધિક રમેશભાઈ બી. શાહનું 03 ફેબ્રુઆરીના શનિવારે તેમના અમદાવાદના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 14 નવેમ્બરે 88માં  વર્ષમાં પ્રવેશ્યા હતા.

અચૂક પ્રગતિશીલ મૂલ્યો, બહુધા ક્રિટિકલ અભિગમ, વૈચારિક સ્પષ્ટતા તેમ જ વાસ્તવદર્શી વિશ્લેષણ સાથે એકલપંડે સતત અભ્યાસ-સંશોધન કરીને સંઘેડાઉતાર શૈલીમાં ગુજરાતીમાં જ લેખન કરીને વિદ્યાજગતને સમૃદ્ધ બનાવ્યું છે.

અત્યારની પેઢી માટે કદાચ ઓછા જાણીતા રૅશનલ, ઓછાબોલા, અંતર્મુખ અને માનવીય અભિગમ ધરાવનાર આ ચિંતકના બે પુસ્તકો હમણાંના વર્ષોમાં જાણીતા થયા હતાં – ‘અર્થવાસ્તવ’ (2019) તેમ જ ‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’ (2004). ‘અર્થશાસ્ત્રનો પારિભાષિક કોશ’ તેમણે વિદ્યાશાખાને આપેલી દેણ છે.

અમેરિકન અર્થશાસ્ત્રી W.C.Baumolના Economics Theory and Operation Analysis નામના સાડા આઠસો જેટલાં પાનાંના ગ્રંથનો ‘અર્થશાસ્ત્રના સિદ્ધાન્તો અને કાર્યાત્મક પૃથ:કરણ’ નામે, બંને ભાષાની પરિભાષા સૂચિ સહિતનો, સુવાચ્ય અનુવાદ તેમનું આકર કાર્ય છે.

ઉપરોક્ત પુસ્તકો ઉપરાંત રમેશભાઈના નામે જે વીસેક પુસ્તકો છે તેમાં છ જેટલાં મૌલિક છે, અને  પંદરેકમાં તેમનું સહલેખન છે. તેમના અન્ય પુસ્તકોમાં સંપાદનો અને તેમની વ્યાખ્યાન-પુસ્તિકાઓનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશમાં અધિકરણ લેખન સાથે તેમણે પરામર્શક તરીકેની જવાબદારી પણ નિભાવી છે. તેઓ ‘અભિદૃષ્ટિ’ અને ‘અર્થસંકલન’ સામયિકોના સંપાદક પણ રહી ચૂક્યા છે. ‘ નિરીક્ષક ‘, તેમ જ ‘નયા માર્ગ’માં, અને ક્યારેક  ‘પરબ’ કે  ‘પ્રત્યક્ષ’માં આવતા તેમના લેખો, ઉપરાંત વર્ષો સુધી  ‘બુદ્ધિપ્રકાશ’માં સાંપ્રત આર્થિક-રાજકીય-સામજિક પ્રવાહો પરની તેમની નોધો – આ બધું લેખન ખૂબ અભ્યાસપૂર્ણ અને વિચારપ્રેરક રહેતું.

તેમણે લેખનમાં અર્થશાસ્ત્રની સિદ્ધાન્તચર્ચાના પાસાં ઉપરાંત અર્થશાસ્ત્રનો ઇતિહાસ, ભારતીય અર્થતંત્ર, ગ્રામીણ અર્થવ્યવસ્થા, ખેતીનું અર્થશાસ્ત્ર, આંતરાષ્ટ્રીય તેમ જ વિકાસશીલ દેશોનું અર્થશાસ્ત્ર જેવા વિષયોને આવરી લીધા છે.

રમેશભાઈ ઉત્તમ અધ્યાપન માટે જાણીતા હતા. વિદ્યાર્થીઓ જોડે તેમની નિકટતાના કિસ્સા જૂજ હશે; પણ વર્ગમાં તેઓ ખૂબ નિયમિતપણે, ચોકસાઈથી, કાળા પાટિયાના ઉપયોગથી, વિદ્યાર્થીઓના સ્તરની સમજ સાથે, વિદ્યાર્થીઓને તરત સમજાઈ જાય તે રીતે શીખવતા.

તેઓ બહુ ઝડપથી બોલતા નહીં, એટલે તેમનાં વ્યાખ્યાનો દરમિયાન વર્ગ-નોંધો સારી રીતે કરી  શકાતી. આ નોંધો પરથી તૈયાર કરેલા જવાબો, વધારાનું કંઈ વાંચ્યાં-ઉમેર્યાં વિના પણ સારા ગુણ મેળવવા માટે પૂરતાં સાબિત થતા.

રમેશભાઈના જાહેર વ્યાખ્યાનો સાંભળવા એક લહાવો હતો. વાગ્મિતા અને વાકપટુતા,અવાજમાં આરોહ-અવરોહ, સંકુલતા અને સંદર્ભપ્રચૂરતા, ટોણા અને ટૂચકા એ  આકર્ષક  જાહેર વ્યાખ્યાનના ગુણો ગણાતા હોય છે. આમાંથી કશું રમેશભાઈના વ્યાખ્યાનોમાં ન મળતું અને છતાં તે ખૂબ અસરકારક બનતાં.

તેઓ સ્થિર ઊભા રહીને વ્યાખ્યાન આપતા, હાથમાં કાગળ કે પુસ્તક રાખ્યા વિના, અવાજની એક જ પટ્ટીમાં, એક સરખી ગતિથી વહેતી નદીના પ્રવાહની જેમ વ્યાખ્યાન આપતા. વ્યાખ્યાનના વિષય અંગેની તેમની વૈચારિક સ્પષ્ટતા સ્ફટિક જેવી સ્વચ્છ અભિવ્યક્તિમાં પરિણમતી.

રમેશભાઈ રૅશનાલિસ્ટ હતા, પણ તેમનો બુદ્ધિપ્રામાણ્યતાવાદ જાહેરમાં વ્યક્ત કર્યો હોવાનું જાણમાં નથી. પણ વ્યક્તિગત ધોરણે તે કેટલા પાકા રૅશનલ હતા તે તેમણે 4 એપ્રિલ 2016 તારીખે લખેલી વ્યક્તિગત નોંધમાં વાંચવા મળે છે.

આખરી વર્ષોમાં રમેશભાઈની ખૂબ સંભાળ રાખનાર તેમના અમદાવાદ-સ્થિત ચિરંજીવી ગૌરાંગભાઈએ તે નોંધ આ લખનારને, અને રમેશભાઈને લખવા-વાંચવામાં પ્રાસંગિક સહાય કરનાર કેતન રૂપેરાને બતાવી.

ગૌરાંગભાઈની અનુમતિથી તે નોંધ કોઈ પણ ફેરફાર વિના અહીં શબ્દશ: મૂકી છે. 

****** 

‘આ સૂચનાઓ હું પુખ્ત વિચારણા પછી સ્વસ્થ ચિત્તે લખી રહ્યો છું. તેનું ચુસ્ત રીતે પાલન કરશો.

1. અગ્નિ સંસ્કાર કરતાં પહેલાં અને અગ્નિ સંસ્કાર કરતી વખતે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કરવી નહિ. મારા શબ-નનામી ઉપર ફૂલો મૂકવાં નહિ. મારા શબની પ્રદક્ષિણા કરીને પગે લાગવું નહિ. 

2. મારા અસ્થિને કોઈ નદીમાં નાખવાનાં નથી, તેથી તે કાઢવાં નહિ. 

3. મારી પાછળ બેસણું રાખવું નહિ. 

4. દસમા-બારમા જેવો વિધિ કરવો નહિ. શ્રાદ્ધ કરવું નહિ. 

5. મારા અવસાન પછી કોઈ શોક પાળવાનો નથી. કુટુંબમાં કોઈ લગ્નપ્રસંગ હોય કે ઉત્સવનો પ્રસંગ હોય તો તે મુલત્વી રાખવો નહિ. તેમાં આનંદ અને ઉત્સાહથી ભાગ લેવો. મારું જીવન હું સારી રીતે જીવ્યો છું. બધાનો ખૂબ પ્રેમ અને સદ્દભાવ મળ્યો છે. આવું જીવન પૂરું થવાનો પ્રસંગ શોકનો નથી, પણ સંતોષ અને આનંદનો છે.  4 -4-2016 

‘તા.ક. મારું અવસાન થાય ત્યારે કોઈ દીકરો ગામમાં ન હોય તો, અગ્નિ સંસ્કારનો કોઈ વિધિ કરવાનો ન હોવાથી એમના આવવાની રાહ જોયા વિના અંગ્નિ સંસ્કાર કરી નાખવો.’ 

 – રમેશ બી. શાહ

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

1951-52માં દેશમાં પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષે કાઁગ્રેસની વિરુદ્ધમાં ઝંપલાવ્યું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|4 February 2024

રમેશ ઓઝા

સમાજવાદીઓ ભારત માટે અભિશાપ સાબિત થયા છે. તે આવતીકાલે શું કરશે તેની બીજાની વાત ક્યાં કરો, પોતાને પણ જાણ ન હોય. ૧૯૭૯માં જનતા પાર્ટીનું વિભાજન થયું અને મોરારજી દેસાઈની સરકાર લઘુમતીમાં આવી ગઈ. સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ કાઁગ્રેસે રાખ્યો હતો જેમાં સરકારના ઉદ્યોગ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસે સરકારનો જોરદાર બચાવ કર્યો હતો. દાખલા દલીલો સાથે એવું ઓજસ્વી ભાષણ હતું જેને લોકો આજે પણ યાદ કરે છે. જ્યોર્જના ભાષણની દેશમાં ચર્ચા ચાલી રહી હતી અને લોકો અભિનન્દન આપી રહ્યા હતા ત્યાં ખબર આવી કે જ્યોર્જ ફર્નાડીસે સરકારમાંથી રાજીનામું આપ્યું છે અને પક્ષમાં બળવો કરનાર ચૌધરી ચરણસિંહ સાથે જતા રહ્યા છે. એ ઐતિહાસિક ભાષણને હજુ ચોવીસ કલાક પણ નહોતા થયા.

આ સમાજવાદીઓના કુળલક્ષણ છે. ભારતમાં કાઁગ્રેસ અંતર્ગત સમાજવાદી પક્ષની સ્થાપના ૧૯૩૪માં થઈ હતી. ડૉ. રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની નજીક હતા. આ સિવાય ડૉ. અશોક મહેતા, અચ્યુત પટવર્ધન અને આચાર્ય નરેન્દ્ર દેવ પણ સમાજવાદી પક્ષના આદરણીય નેતાઓ હતા. ખાસ કરીને લોહિયા અને જે.પી.એ હજારીબાગની જેલમાંથી નાસીને જે સાહસ બતાવ્યું હતું એ જોઇને તો દેશ તેમના પર આફરીન હતો. ગાંધીજી અને જે.પી. ઈચ્છતા હતા કે સમાજવાદીઓએ કાઁગ્રેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. સમાજવાદીઓ આધુનિક દૃષ્ટિકોણ ધરાવે છે, ઉદારમતવાદી અને પ્રગતિશીલ છે અને ઉપરથી ગરીબ તરફી પણ છે. જો કે કાઁગ્રેસના જમણેરી નેતાઓને સમાજવાદીઓ દીઠ્યા ગમતા નહોતા એ જુદી વાત છે. માટે સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કાઁગ્રેસમાં જોડાઈ જવાની સલાહ આપી હતી અને ગોલવલકર ગુરુજીને જવાહરલાલ નેહરુ સાથે વાત કરવાની અને તેમને રાજી કરવાની સલાહ આપી હતી. સંઘના સરસંઘચાલક ગોલવલકરે નેહરુને ભારતનું રતન, ગરીબોની આંખોનાં નૂર અને એવાં શું શું વખાણ નહોતા કર્યા! નેહરુને લખેલા પત્રોમાં અને સંઘના ‘ઓર્ગેનાઈઝર’ નામનાં સામયિકમાં નેહરુપ્રશસ્તિનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. નેહરુ તેમની વાતમાં આવ્યા નહીં અને એ પછી સંઘે નેહરુને ગાળો દેવાનું શરું કર્યું. જો નેહરુ તેમની વાતમાં આવી ગયા હોત તો આજે જે સ્થિતિ છે એ પચાસ વરસ પહેલાં પેદા થઈ હોત.

બન્યું એવું કે સમાજવાદીઓને ગાંધી અને નેહરુ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હોવા છતાં સમાજવાદીઓએ કાઁગ્રેસમાંથી છૂટા થઈને કાઁગ્રેસમુક્ત અને કાઁગ્રેસ વિરોધી સમાજવાદી પક્ષ રચવાનો નિર્ણય લીધો. સંઘને કાઁગ્રેસમાં ઘૂસવા મળ્યું નહીં એટલે તેમણે પણ સંસદમાં સંઘનો રાજકીય બચાવ કરે એવા કોઈ રાજકીય પક્ષની આવશ્યકતા લાગી અને તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરી. પક્ષ માટે નેતા જોઈએ એટલે હિંદુ મહાસભાના નેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને ઉછીના લેવામાં આવ્યા. એમ તો હિંદુ મહાસભા નામનો હિન્દુત્વવાદી પક્ષ તેમની સામે હતો, પણ સાવરકર અને સંઘને એકબીજા માટે માન નહોતું એટલે સંઘના નેતાઓએ નવા નક્કોર પક્ષની સ્થાપના કરી હતી.

૧૯૫૧-‘૫૨માં દેશમાં પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ. એ ચૂંટણીમાં સમાજવાદી પક્ષે કાઁગ્રેસની વિરુદ્ધમાં ઝૂકાવ્યું હતું. મારો અભિપ્રાય એવો છે કે સમાજવાદી પક્ષે કાઁગ્રેસમાંથી બહાર પડવાનો જે નિર્ણય લીધો હતો એ દરેક રીતે યોગ્ય હતો. જો કાઁગ્રેસમાં રહ્યા હોત તો તેમને પ્રધાનપદાં પણ મળ્યા હોત, તેની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ સમાજવાદીઓએ કાઁગ્રેસમાંથી બહાર પડીને અલગ પક્ષ રચવાનો નિર્ણય લીધો હતો. અલગ પક્ષ રચવા માટેની ડૉ રામ મનોહર લોહિયાની દલીલ પણ ગળે ઉતરે એવી હતી. કોઈ પણ લોકશાહી દેશ માટે મજબૂત વિરોધ પક્ષ અનિવાર્ય છે. ભારત જેવા વિકાસશીલ (ત્યારે તો અવિકસિત) દેશ માટે વૈકલ્પિક વિરોધ પક્ષ ડાબેરી (લેફ્ટ ઓફ ધ સેન્ટર) હોય એ પણ જરૂરી છે. તેની વિચારનિષ્ઠા હોય ધ્રુવ જેવી અચલ હોય એ જરૂરી છે. કાર્યકર્તામાં ધ્રુવ જેવી અચલ વિચારનિષ્ઠા કેવી રીતે પેદા થઈ શકે? ડૉ લોહિયાએ કહ્યું હતું કે દરેક ચૂંટણીઓ લડીને. ચૂંટણી સત્તા માટેની માત્ર સીડી નથી, વૈચારિક પ્રશિક્ષણનું માધ્યમ પણ છે. એટલે સમાજવાદીઓ ચૂંટણી હારવાનો ડર રાખ્યા વિના પ્રજાનું અને કાર્યકર્તાનું પ્રબોધન કરવા દરેક ચૂંટણી લડશે. પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષે આચાર્ય નરેન્દ્ર દેવને જવાહરલાલ નેહરુ સામે ઊભા રાખ્યા હતા. જીતવા માટે નહીં, પણ પ્રશિક્ષણ માટે. બીજું પક્ષનો દરેક કાર્યકર્તા લોકોના પ્રશ્નો લઈને સંઘર્ષ કરશે અને જેલમાં જશે. પ્રજાના પ્રશ્ને જેલમાં જતો નેતા આપોઆપ પ્રજાનો આદર રળે છે. બીજું, જેલ કાર્યકર્તાની અંદર આત્મવિશ્વાસ પેદા કરે છે અને જેલ પ્રબોધનની સર્વોચ્ચ પાઠશાળા છે. એ પછી ડૉ. લોહિયાએ કહ્યું હતું કે ચૂંટણી લડવાની ન હોય અને સંઘર્ષ માટે કોઈ મુદ્દો ન હોય તો પક્ષના કાર્યકર્તાએ લોકોની વચ્ચે રચનાત્મક કામ કરવું જોઈએ. ડૉ. લોહિયાએ ત્રિસૂત્રી કાર્યક્રમ આપ્યો હતો. મતપેટી, જેલ અને પાવડો.

સમાજવાદીઓ સામે ચાલીને સત્તાથી દૂર ગયા હતા. દેશને રાજકીય વિકલ્પ આપવા. ડૉ. લોહિયાની ઉપર કહી એ પ્રસ્થાનત્રયી જોઇને તમે પણ પ્રભાવિત થયા હશો. કેવો મહાન સંકલ્પ અને કેવી વૈચારિક સ્પષ્ટતા!

૧૯૫૧-૫૨માં દેશમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી યોજાઈ. ૫૧-’૫૨ એટલા માટે કે પહેલી ચૂંટણી યોજવામાં છ મહિના લાગ્યા હતા. દેશમાં રસ્તાઓ નહોતા, નદીઓ પર પૂલ નહોતા, દેશની ૮૦ ટકા પ્રજા ગામડાઓમાં વસતી હતી અને દસથી પંદર ટકા પ્રજા ગાડાવટ પણ ન હોય એવા જંગલ કે અંતરિયાળ પ્રદેશમાં વસતી હતી. ભારતનાં અમૂલ્ય લોકતંત્રનો એ પહેલો ઉત્સવ હતો જેનો અત્યારે કમનસીબે નાભીશ્વાસ ચાલી રહ્યો છે. ૨૦૨૪ પછી ભારતમાં કદાચ લોકતંત્ર નહીં બચે.

ખેર, એ ચૂંટણીમાં કુલ ૫૩ પક્ષોએ ભાગ લીધો હતો જેમાંથી કાઁગ્રેસ અને સમાજવાદી પક્ષ તેમ જ બીજા બે-ચાર પક્ષોને છોડીને બાકીના પક્ષોને ભારતનાં આઝાદીનાં આંદોલન દરમ્યાન વિકસેલી અને દેશના બંધારણમાં આકાર પામેલી ભારતની કલ્પના સ્વીકાર્ય નહોતી. લગભગ ૪૫ જેટલા પક્ષો ભારતની કલ્પનાને નકારનારા હતા, ત્યારે કલ્પના કરો કે કાઁગ્રેસના વિકલ્પે ભારતની કલ્પનાને સ્વીકારનારા સમાજવાદી પક્ષનો કેટલો ખપ હશે! ૧૯૫૧-‘૫૨માં જવાહરલાલ નેહરુની સામે ડૉ. અશોક મહેતા સમાજવાદીઓના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા. “દેશ કા નેતા અશોક મેહતા” એ ત્યારે ઘર ઘર બોલાતું સૂત્ર હતું.

છેવટે છ મહિના લાંબી ચાલેલી ચૂંટણીનાં પરિણામ આવ્યાં. સમાજવાદી પક્ષને લોકસભાની ૧૨ બેઠકો સાથે ૧૦.૫૯ ટકા મત મળ્યા. ભારતીય જનસંઘને માત્ર ૩.૦૬ ટકા મત સાથે ત્રણ બેઠકો મળી. અને એ પછી એક યાત્રા શરૂ થાય છે જેમાં સમાજવાદીઓ ભટકી પડે છે અને પ્રારંભમાં કહ્યું એમ દેશ માટે અભિશાપ સાબિત થાય છે. એ કઈ રીતે એની વાત હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ફેબ્રુઆરી 2024

Loading

...102030...671672673674...680690700...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved