Opinion Magazine
Number of visits: 9457331
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટિશ ‘વુથરિંગ હાઈટ્સ’ સાથે દિલીપ કુમારનો હિન્દી રોમાન્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 February 2024

રાજ ગોસ્વામી

બહુ વર્ષો પહેલાં એવું વાંચ્યાનું યાદ છે કે અમિતાભ બચ્ચને ઇંગ્લિશ નવલકથાકાર અને કવિયત્રી, એમિલી બ્રોન્તેની યાદગાર નવલકથા ‘વુથરિંગ હાઈટ્સ’ (ઊંચાઈ પર આવેલું હવાદાર ઘર) પરથી ફિલ્મ બંને તો તેમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ નવલકથા બ્રિટિશ યુવા પેઢીમાં એટલી લોકપ્રિય હતી કે એક સમયે વેલેન્ટાઇન ડે પ્રસંગે તેના નામમાં કાર્ડ્સ બજારમાં વેચાતાં હતાં, જેના પર તેની એક યાદગાર રોમેન્ટિક લાઈન લખાતી હતી; હોન્ટ મી, ધેન! ( તો પછી મને પરેશાન કર). ત્યાંનાં ઘણાં પત્ર-પત્રિકાઓ તરફથી વર્ષો વરસ જાહેર થતી વેલેન્ટાઇન ડે નિમિત્તે વાંચવા જેવી રોમેન્ટિક નવલકથાઓની સૂચિમાં ‘વુથરિંગ હાઈટ્સ’નું નામ અચૂક હોય છે.

શ્રી અર્નશો દ્વારા વુથરિંગ હાઇટ્સ ખાતે રહેવા માટે લાવવામાં આવેલ એક અનાથ, હીથક્લિફ શ્રી અર્નશોની પુત્રી કેથરિનના પ્રેમમાં પડે છે. મિસ્ટર અર્નશોના મૃત્યુ પછી, તેમનો નારાજ પુત્ર હિન્ડલી હીથક્લિફ સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમની સાથે નોકરની જેમ વર્તે છે. સામાજિક પ્રસિદ્ધિ માટેની તેણીની ઇચ્છાને કારણે, કેથરિન હીથક્લિફને બદલે એડગર લિન્ટન સાથે લગ્ન કરે છે. હીથક્લિફનું અપમાન અને દુઃખ તેને હિંડલી, તેની પ્રિય કેથરિન અને તેમના સંબંધિત બાળકો પર બદલો લેવા માટે તેના મોટાભાગનું જીવન પસાર કરવા તરફ દોરી જાય છે.

‘વુથરિંગ હાઈટ્સ’ ઇંગ્લિશ સાહિત્યની ક્લાસિક નવલકથા છે. તે 170 વર્ષ પહેલાં, 1847માં, લંડનમાં પ્રકાશિત થઇ હતી. ઇંગ્લેન્ડના બ્રેડફોર્ડ શહેરની નજીક થોર્ટન નામના ગામડામાં જન્મેલી એમિલી બ્રોન્તેએ, 21 વર્ષની વયે આ નવલકથા લખી હતી. આ તેની એક માત્ર નવલકથા છે. નવલકથા પ્રગટ થઇ તેના એક જ વર્ષમાં, સ્થાનિક હવામાન અને ગંદકીના કારણે, બીમારીમાં તેનું અવસાન થઇ ગયું હતું.

એમિલી બ્રોન્તેને ચાર બહેનો અને એક ભાઈ હતાં. તેની બીજી બે બહેનો, શારલોત બ્રોન્તે અને એન બ્રોન્તે પણ સફળ લેખિકાઓ હતી.

તે વખતનો ઇંગ્લિશ સમાજ અને ખુદ બ્રોન્તેનો પરિવાર એટલો રૂઢિચુસ્ત હતો કે એમિલી બ્રોન્તેએ ‘એલિસ એન્ડ એક્ટન બેલ’ એવા બે લેખકોના નામથી આ નવલકથા પ્રકાશિત કરી હતી. શારલોત બ્રોન્તેની ‘જેન આઈરે’ નવલકથાએ પદ્ય લેખનના ક્રાંતિકારી શૈલી વિકસાવી હતી. એન બ્રોન્તેની નવલકથા ‘ધ ટેનેન્ટ ઓફ વાઈલ્ડફેલ હોલ’ શરૂઆતી નારીવાદી રચનાઓમાંથી એક ગણાય છે. ‘વુથરિંગ હાઈટ્સ’ અને ‘જેન આઈરે’ આજે પણ દુનિયાભરમાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસક્રમમાં ભણાવામાં આવે છે.

‘વુથરિંગ હાઈટ્સ’માં જે પ્રકારની હિંસા અને ઝનૂન હતું, તે જોઈને ઘણા લોકોને એવું લાગ્યું હતું કે આ નવલકથા કોઈ પુરુષ લેખકે લખી હોવી જોઈએ. તેમાં ત્રણ મુખ્ય પાત્રો હતાં; હીથક્લિફ લિન્ટન, કેથરિન અર્નશો અને એડગર લિન્ટન. ઘરમાં ગરીબી અને બીમારીઓ વચ્ચે મોટી થયેલી એમિલી બ્રોન્તેને 29 વર્ષના તેના જીવનમાં પ્રેમની તલાશ રહી હતી અને તેનું જ નિરૂપણ ‘વુથરિંગ હાઈટ્સ’માં હતું. જો કે, એમાં તેણે હીથક્લિફ નામના જીપ્સી જેવા એક એવા નાયકનું પાત્ર સર્જ્યું હતું કે એ નવલકથા વેરની વસૂલાત તરીકે જાણીતી થઇ ગઈ. એ વાર્તા અર્નશો અને લિન્ટન એમ બે પરિવારો વચ્ચે વહેંચાયેલી હતી અને બંને પક્ષે મળીને તેમાં 19 પાત્રો હતાં.

વાસ્તવમાં, અમિતાભને આવેલો વિચાર તદ્દન નવો નહોતો. અગાઉ, આ વાર્તા પરથી ત્રણ હિન્દી ફિલ્મો બની ચૂકી છે. 1950માં, નિર્દેશક શહીદ લતીફની ‘આરઝૂ,’ 1951માં એસ.કે. ઓઝાની ‘હલચલ’ અને 1966માં અબ્દુલ રશીદ કારદાર (એ.આર. કારદાર) નિર્દેશિત ‘દિલ દિયા દર્દ લિયા’ ‘વુથરિંગ હાઈટ્સ’ પરથી પ્રેરિત હતી. 

મજાની વાત એ છે કે એ ત્રણેમાં દિલીપ કુમારની મુખ્ય ભૂમિકા હતી. ’આરઝૂ’માં તેમની સાથે કામિની કૌશલ, ‘હલચલ’માં નરગીસ અને ‘દિલ દિયા દર્દ લિયા’માં વહીદા રહેમાન હતી.

અમિતાભને પણ હીથક્લિફનીએ ભૂમિકા કરવાનું કેમ મન થયું હશે તે સમજી શકાય છે. અમિતાભે હંમેશાં દિલીપ કુમારને તેમના આદર્શ માન્યા છે. દિલીપ કુમારે એક જ પ્રકારની વાર્તા પરથી ત્રણ ફિલ્મો કેમ કરી તે પણ સમજી શકાય તેવું છે. એનું કારણ વાર્તાનો નાયક હીથક્લિફ છે. એ પ્રેમમાં ખુદને અને બીજા લોકોને તબાહ કરી દેનારો નાયક છે. દિલીપ કુમારને આવી ભૂમિકાઓ બહુ ગમતી હતી. એટલા માટે જ તેમનું હુલામણું નામ ‘ટ્રેજેડી કિંગ’ પડ્યું હતું.  

આ ત્રણેમાંથી ‘દિલ દિયા દર્દ લિયા’ લોકપ્રિય થઇ કારણ કે 1950માં ‘આરઝૂ’ આવી તે પછીના 15 વર્ષમાં એક એક્ટર તરીકે દિલીપ કુમારમાં ઘણી પરિપક્વતા આવી ગઈ હતી (1955માં તેમણે બિમલ રોયની ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’માં આવા જ ટ્રેજિક હીરોની ભૂમિકા કરી હતી) અને બીજું, તેમાં નૌશાદનું સંગીત અત્યંત સુંદર હતું. 

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હિન્દી સિનેમામાં દર્દ ભર્યાં ગીતોમાં મૂકેશનું ‘રાજ’ ચાલે છે, જેમાં તે માનવીય દર્દ અને વેદનાને તેમના અવાજ દ્વારા રૂપેરી પડદે જીવંત કરે છે, જ્યારે મોહમ્મદ રફી તેમની વૈવિધ્યતા માટે જાણીતા છે. રફી ઓલરાઉન્ડર છે અને લાખો સિને રસિકો તેમને રોમાન્સના ‘બાદશાહ’ તરીકે ગણે છે, પરંતુ તમે જો ધ્યાન જુવો તો ખબર પડશે કે રફીનાં ઘણાં ગીતો ખરેખર હૃદયસ્પર્શી અને કરુણાથી ભરેલાં છે. 

‘દિલ દિયા દર્દ લિયા’ તેની સાબિતી છે. શકીલ બદાયુનીના શબ્દો અને લતા મંગેશકર, મહોમ્મદ રફી, આશા ભોંસલેના અવાજમાં તેમાં 8 ગીતો હતાં, પણ તેનું ‘દિલ દિયા દર્દ લિયા, ‘કોઈ સાગર દિલ કો બહેલતા નહીં,’ ‘ગુઝરે હૈ આજ ઈશ્ક મેં,’ દિલરુબા મૈંને તેરે પ્યાર મેં ક્યા ક્યા ન કિયા’ અને ‘ફિર તેરી કહાની યાદ આયી’ આજે પણ એટલાં જ લોકપ્રિય છે.

મોહમ્મદ રફીના કણસતા અવાજમાં દિલીપ કુમાર અને વહીદા રહેમાન પર ચિત્રિત થયેલું ટાઈટલ ગીત આજે પણ તમે સાંભળો તો, ભીડમાં હોય કે એકલા, તમે પણ ગીતની સાથે યાત્રા કરવા લાગો છો.

દિલરુબા મૈંને તેરે પ્યાર મેં ક્યા-ક્યા ના કિયા

દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા

કભી ફૂલોં મેં ગુજારી, કભી કાટોં મેં જિયા

દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા

જિંદગી આજ ભી હૈ, બેખુદી આજ ભી હૈ

પ્યાર કહેતે હૈ જિસે, બો ખુશી આજ ભી હૈ

મૈંને દિન-રાત મોહબ્બત કા તેરી જામ પિયા

દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા

એવું જ બીજું ગીત છે, જેમાં મોહમ્મદ રફીના અવાજમાંથી ઉદાસી ઘૂંટાઈ-ઘૂંટાઈને આવે છે;

કોઈ સાગર દિલ કો બહલાત નહીં

બેખુદી મેં ભી કરાર આતા નહીં

મૈં કોઈ પથ્થર નહીં ઈંન્સાન હૂં

કૈસે કહ દું ગમ સે ધબરાતા નહીં

એમાં રફી ‘સાગર’ શબ્દને એવી રીતે ઉચ્ચારે છે, જાણે શબ્દમાં જ સાગરની ગહેરાઈ બતાવવા માંગતાં હોય, તે ગીતને એક અલગ જ સ્તરે લઇ જાય છે. શાશ્વત ગીતકાર શકીલ બદાયુની પણ રફી સાહેબને ખુલ્લું મેદાન આપે છે. આ પંકિતિ જુવો –

જિંદગી કે આઈને કો તોડ દો

ઇસમેં અબ કુછ ભી નજર આતા નહીં 

(ફિલ્મની વાર્તા અંગે આવતા અંકે વધુ વાત)

(પ્રગટ : ‘સુપરહિટ, નામક લેખકની સાપ્તાહિક કોલમ; “સંદેશ”; 14 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વને વધુ સમાવેશી બનાવવાની જરૂર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 February 2024

ચંદુ મહેરિયા

દેશની પહેલી લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ પાંચ ટકા હતું. આશરે સિત્તેર વરસો પછી વર્તમાન સત્તરમી લોકસભામાં તે વધીને પંદર ટકા થયું છે. અર્ધી આબાદીનું રાજકીય પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે અને તેમાં વૃદ્ધિ કેટલી ધીમી છે તેનું આ પ્રમાણ છે. આખા દેશની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો સરેરાશ ૮ ટકા જ છે. ગુજરાત સહિત ૧૯ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો ૧૦ ટકાથી ઓછાં છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ ૨૦૨૨માં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દે ૧૪૬ દેશોમાં ભારતનું સ્થાન ૪૮મું હતું.

મહિલાઓ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના દ્વાર આપણી પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાએ ભીડી રાખ્યા છે. રાજનેતાઓની માનસિકતા અને રાજકીય પક્ષોની વિકટરી ફેકટરની સમજે પણ તેમાં મોટો ભાગ ભજવ્યો છે. મહિલાઓના અલ્પ રાજકીય પ્રતિનિધિત્વ માટે લૈંગિક અસમાનતા પણ કારણભૂત છે. રાજકારણ ગંદુ, ભ્રષ્ટ અને બેહદ કઠોર ક્ષેત્ર છે એટલે નરમ, કોમળ, સંવેદનશીલ, મમતામયી અને ચારિત્ર્યશીલ મનાતી મહિલાઓનું તેમાં કામ નહીં તેવી પણ છાપ ઊભી કરવામાં આવી છે. આ કારણોથી મહિલાઓનો રાજનીતિમાં પ્રવેશ ઓછો છે અને પુરુષો તેમાં બાધક છે. એટલે મહિલા અનામત દ્વારા મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વૃદ્ધિના પ્રયાસો કરવામાં આવ્યા છે.

પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત ઘણાં વરસો પૂર્વે દાખલ કરી શકાઈ હતી, પરંતુ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા અનામતનો પ્રયત્ન લાંબા સમયથી સફળ થઈ રહ્યો નહોતો. પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણ પ્રમાણે દર બે પૈકીનો એક ભારતીય માને છે કે મહિલા અને પુરુષ સમાન રીતે સારા રાજનેતા બની શકે છે. દર દસે એક ભારતીય માને છે કે સામાન્ય રીતે મહિલા પુરુષની તુલનામાં  સારા રાજનેતા બની શકે છે. એકંદર ભારતીય લોકમાનસ મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વની તરફેણમાં હોવા છતાં સત્તાવીસ વરસોના દીર્ઘ વિલંબે લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામતનું બિલ પસાર થઈ શક્યું છે. 

સંસદના બંને ગૃહોએ લગભગ સર્વાનુમતે પસાર કરેલા નારી શક્તિ વંદન અધિનિયમ ૨૦૨૩માં લોકસભા અને  તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી હવે તે કાયદાનું સ્વરૂપ લેવાની પ્રતીક્ષામાં છે. હાલનું મહિલા અનામત બિલ ૧૨૮મો બંધારણ સુધારો છે. બંધારણના અનુચ્છેદ ૩૩૦ (લોકસભામાં મહિલા અનામત), ૩૩૨ (વિધાનસભાઓમાં મહિલા અનામત) અને ૨૩૯ એ એ(દિલ્હી વિધાનસભામાં મહિલા અનામત)માં સુધારા કરવામાં આવ્યા છે. મહિલા અનામત માટે ૧૫ વરસોની સમય મર્યાદા ઠરાવવામાં આવી છે. નવી વસ્તી ગણતરી અને પરિસીમન પછી મહિલા અનામતનો અમલ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની હાલની જે અનામત બેઠકો છે તેમાં ૧/૩ બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. એટલે અનામતમાં પેટાઅનામત કે કોટા વિધિન કોટાની જોગવાઈ છે.

સત્તાવીસ વરસોથી આઠ વખતના પ્રયત્નો છતાં મહિલા અનામત બિલ પસાર થઈ શકતું નહોતું તેનું એક કારણ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની જોગવાઈની માંગણી હતી. લોકસભામાં જે બે મુસ્લિમ સાંસદોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું તેમની માંગણી મુસ્લિમ મહિલાઓ માટે અનામતની માંગણી હતી. આ બંને માંગણીઓને આંકડાકીય હકીકતો સાથે ચકાસતાં તેમાં તથ્ય જણાય છે અને વિરોધ વાજબી લાગે છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૮૪ મહિલા સાંસદો ચૂંટાયાં હતાં. તેમાં સામાન્ય વર્ગના ૫૫, દલિત અને આદિવાસી ૧૨-૧૨, મુસ્લિમ ૪ જ્યારે ઓ.બી.સી. ૧ હતા. ૮૨ મહિલા સાંસદોમાં એક જ અન્ય પછાતવર્ગના હોઈ તેમનું પ્રતિનિધિત્વ માત્ર ૧.૨૧ ટકા જ છે. જો કે ઓ.બી.સી.ના પુરુષ સાંસદો ૧૧૯ છે. મંડલ રાજનીતિના ઉભાર પછી કથિત ઉચ્ચ જ્ઞાતિઓનું વર્ચસ ખતમ કરીને પછાત વર્ગો લોકસભામાં પ્રવેશ્યા છે. હવે જો તેમની બેઠકો સામાન્યવર્ગની મહિલા અનામતમાં ફેરવાય તો પછાત વર્ગોનું વર્ચસ ઘટી જાય. લોકસભામાં દલિતો માટેની ૮૪ અનામત બેઠકોમાં ૨૮ મહિલાઓ માટે, આદિવાસીઓની ૪૭માંથી ૧૬ મહિલાઓ માટે અનામત રાખવાની છે, પરંતુ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની જોગવાઈ ન હોવાથી સામાન્ય વર્ગની મહિલાઓને જે ૧૩૭ અનામત બેઠકો ફાળવી છે તે ઓ.બી.સી. પુરુષોની બેઠકોને અસર કરી શકે છે. સરકાર પક્ષે એવી દલીલ છે કે અન્ય પછાત વર્ગોને શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે, પરંતુ તેમને પોલિટિકલ રિઝર્વેશન આપવામાં આવ્યું નથી. તેથી ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતનો સવાલ જ નથી. આ દલીલ પણ બંધારણીય રીતે સાચી છે.

મુસ્લિમ મહિલાઓ દેશની કુલ વસ્તીમાં ૬.૯ ટકા છે પરંતુ લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ૦.૭ ટકા જ છે. કેમ કે ૨૦૧૯માં ૫૪૩ સભ્યોની લોકસભામાં ૪ જ મુસ્લિમ મહિલા ચૂંટાયા હતાં. સત્તરમાંથી પાંચ લોકસભા ચૂંટણીમાં એક પણ મુસ્લિમ મહિલા ચૂંટાયા નહોતાં. અને તમામ લોકસભામાં તેમની મહત્તમ સંખ્યા ચાર જ હતી. લોકસભામાં દેશના ૨૪ રાજ્યોનું  મુસ્લિમ મહિલા પ્રતિનિધિત્વ શૂન્ય છે. એટલે ઓ.બી.સી. અને મુસ્લિમ મહિલાઓનું રાજકીય  પ્રતિનિધિત્વ નહિવત હોવાથી મહિલા અનામતમાં તેઓ અલગ ભાગ માંગે છે.

મહિલા અનામતનો મુખ્ય ઉદ્દેશ રાજનીતિમાં મહિલા ભાગીદારી વધારવાનો છે. ભારતમાં વર્ણ, વર્ગ અને ધર્મની રીતે તમામ મહિલાઓ સમાન નથી. તેથી તમામ મહિલાઓના પ્રતિનિધિત્વ વિનાની મહિલા અનામત અંગે ફેર વિચારની આવશ્યકતા છે. સમાજના તમામ વર્ગોની મહિલાઓનો મહિલા સંબંધી કાયદા અને નીતિઓ ઘડતી વખતે અવાજ હોય તે માટે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવાની જરૂર જણાય છે. જો તમામ મહિલાઓને પ્રતિનિધિત્વ ના મળે તો કદાચ જે તે સમુદાયની વાત રજૂ ના થઈ શકે. એટલે કાયદામાં અને યોજનામાં ઊણપ રહી શકે છે. જો કાયદાનો આશય મહિલા પ્રતિનિધિત્વમાં વૃદ્ધિનો હોય તો કથિત ઉચ્ચ વર્ણનાં મહિલાઓની સાથે તમામ જ્ઞાતિ – ધર્મના મહિલાઓને સ્થાન મળવું જોઈએ.

મહિલા અનામતથી પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઘટશે તો તે આ કાયદાની સૌથી મોટી ખામી હશે. અનુસૂચિત જાતિ, જનજાતિને પણ તેમની હાલની બેઠકોમાં જ મહિલા અનામત ફાળવી છે એટલે તે વર્ગોના પુરુષોની રાજકીય કારકિર્દીનો સવાલ પણ ઊભો થશે. કદાચ ૨૦૨૯ કે તે પછી મહિલા અનામતનો અમલ શરૂ થશે. અત્યારે તો વિપક્ષોએ મહિલાવિરોધી ના ગણાઈ જવાય તેની બીક્માં સરકારનું સમર્થન કર્યું છે. પરંતુ કાઁગ્રેસ સહિતના તમામ વિરોધપક્ષોએ અને ભારતીય જનતા પક્ષના ઓ.બી.સી. નેતાઓએ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની માંગ કરી છે. આ માંગ બુલંદ બને તે પૂર્વે તમામ રાજકીય પક્ષોએ એક મતે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવા વિચારવું જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

નીતિ અને અર્થશાસ્ત્ર : ભાગ-8; ભાગ-9; ભાગ-10 (છેલ્લો)

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|15 February 2024

નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની મિલીભગત : તેમની ભાષામાં જ તાનાશાહીની ગંધ!

વૈકલ્પિક આંક કેવા છે?

અમર્ત્ય સેનને ખ્યાલ આવી ગયો હતો કે એક વૈકલ્પિક આંકની જરૂર છે અને તેથી તેમણે મહબૂબ અલ હક અને બીજાઓ સાથે મળીને માનવ વિકાસ આંક કાઢવાની શરૂઆત કરી. તેમાં દેશની આવક, શિક્ષણ અને આરોગ્યના નિર્દેશકોનો સમાવેશ કરવામાં આવ્યો.

અન્ય નવા આંક પણ શરૂ થયા. જેમ કે, ઓ.ઈ.સી.ડી.નો બેટર લાઈફ ઇન્ડેક્સ. તેમાં અગિયાર ઘટકોનો સમાવેશ થયો છે. ભુતાનના રાજાનો કુલ રાષ્ટ્રીય સુખનો આંક (OPHI) અને UNDPનો બહુ આયામી ગરીબી (MPI) આંક તેમાં જ ગણી શકાય. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) કહે છે કે વૃદ્ધિ નહિ પણ સામાજિક ન્યાય ધ્યેય હોવું જોઈએ પરંતુ તે એમ સ્વીકારે છે કે “સામાજિક ન્યાયનો કોઈ વસ્તુલક્ષી ખ્યાલ નથી.”

હરમાન ડેલી (1938-) નામના પર્યાવરણ અર્થશાસ્ત્રીએ ચિરંતન વિકાસ માટેનો આંક સૂચવ્યો છે. તેમાં પર્યાવરણનું ધોવાણ અને કુદરતી મૂડીના ઘસારાને ધ્યાનમાં લેવામાં આવ્યાં છે. 1989માં તેમણે આ આંક સૂચવ્યો અને તેમાં ત્રણ નિયમો તેમણે જણાવ્યા : 

(1) પુનર્પ્રાપ્ય સંસાધનોનો ચિરંતન ઉપયોગ; એટલે કે એ સંસાધનોના પુનર્સર્જનનો જે સમયગાળો હોય તેના કરતાં તેના વિનાશનો સમયગાળો વધુ હોવો જોઈએ નહિ. 

(2) અપુનર્પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ પણ ચિરંતન હોવો જોઈએ; એટલે કે અપુનર્પ્રાપ્ય સંસાધનોનાં અવેજીરૂપ સંસાધનો જે ઝડપે ઉપયોગમાં આવે તેના કરતાં વધારે ઝડપથી તેમનું ધોવાણ થવું જોઈએ નહિ. 

(૩) પ્રદૂષણ અને કચરાનો ચિરંતન દર; એટલે કે કુદરતની વ્યવસ્થાઓ જે ગતિએ તેમને સમાવી શકે, ફરી ઉપયોગમાં લઈ શકે અથવા તેમને નુકસાનકર્તા ન બને તેમ કરી શકે; તેના કરતાં વધુ ઝડપથી તે વધવાં જોઈએ નહિ. 

આ બધા જ મિશ્ર આંકમાં, જો કે, ટેક્નિકલ ખામીઓ છે. પહેલી ખામી તો એ છે કે તેઓ એ ચીજો માપવાનો પ્રયાસ કરે છે કે જે માપી શકાય તેમ છે જ નહિ. જેમ કે, વ્યક્તિના મિત્રોની ગુણવત્તાની ગણતરી કરીને એ વ્યક્તિના સામાજિક જીવનની ગુણવત્તા નક્કી કરવી. બીજી ખામી એમાં છે કે જે માપી ન શકાય એવો જથ્થો છે તેને એક આંકડામાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને એ રીતે, નીતિનિર્ધારકોને નૈતિક પસંદગીઓ કરવામાંથી મુક્તિ આપી દેવામાં આવે છે.

કુલ રાષ્ટ્રીય આવકના ટીકાકારો જે રીતે આપણને યોગ્ય લાગે છે અને તેઓ લોકપ્રિય બન્યા છે, તેમાં મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બહુ સરળ અને સીધી-સાદી વાત કરે છે : સ્પષ્ટ અર્થ સાથે તેઓ આંકડા આપે છે. આ એક ડેશબોર્ડ અભિગમ છે. તેમાં દરેક બાબતને એવી રીતે જોવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તે બધી જ બાબતો બહુ જ જટિલ હોય. શિક્ષણ અને આરોગ્ય વિશેના ઢગલાબંધ આંકડાથી તમે કેવી રીતે એમ સાબિત કરી શકો કે કોઈ એક દેશ બીજા કરતાં બહુ સારી સ્થિતિમાં છે? 

નીતિશાસ્ત્ર કેવી રીતે અર્થશાસ્ત્રને મદદ કરી શકે?

અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રનો ફરીથી પ્રવેશ કરાવવાની સમસ્યા એ છે કે આર્થિક બાબતો અંગેના વિચારોમાં જ નૈતિક પાયો ઊભો કરવો. પણ હાલનો નૈતિક સિદ્ધાંત અલગ રીતે સ્થિર થઈ ગયો છે. મોટા ભાગના પાશ્ચાત્ય જગતમાં ધર્મ અને રીતરિવાજો સર્વસામાન્ય નૈતિકતાને ચોંટેલી બાબત રહી નથી. જૂની ધાર્મિક માન્યતાઓના ટુકડા તરીકે ધર્મનિરપેક્ષ નૈતિકતાની વ્યવસ્થાઓ ઊભી થઈ છે અને તેને માટે કોઈ દૈવી કાયદાની અધિકૃતતાની જરૂર નથી રહી.

વળી, ધંધો અને ધંધાકીય ગણતરીઓ મનુષ્યની પ્રવૃત્તિઓમાં વધુ મહત્ત્વનો હિસ્સો બન્યાં છે. તેમાં ધંધાકીય નૈતિકતા એટલે કોઈ છેતરપિંડી ન કરવી એટલું જ નહિ પણ તેના કરતાં કંઈક વધુ સમજવામાં આવે છે. આમ, નૈતિક વર્તન એટલે શું તેને વિશેની બાબત ધર્મનું પતન અને ધંધાકીય મૂલ્યોનો ફેલાવો એમ બંને પક્ષે મહત્ત્વનું બન્યું છે. પરિણામે નીતિશાસ્ત્ર વ્યક્તિગત ગણતરીની બાબત બની ગયું છે.

શું સારું છે તેને વિષે વ્યક્તિઓ વચ્ચે અસંમતિ હોય છે. સારા જીવન વિષેના સામાજિક પાયાનું ધોવાણ થયું છે ત્યારે તેના વિષે સર્વસામાન્ય વિચાર ફરી ઊભો કરવાનો પ્રયાસ કરવામાં પિતૃસત્તાકવાદ (paternalism) અથવા તો તેનાથી પણ વધુ ખરાબ એવી તાનાશાહીની ગંધ આવે છે.

તેમાં આપોઆપ ઊભી થતી સ્થિતિ એ છે કે વધુ ને વધુ ભૌતિક વસ્તુઓ પેદા કરવી અને વાપરવી. અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જે તમને આ કામ સૌથી કાર્યક્ષમ રીતે કરવા માટે સક્ષમ બનાવે છે એવી તેમાં ધારણા છે. આમ, આપણે ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ કે જ્યાં આપણે હતા.

અર્થશાસ્ત્ર કદાચ નીતિશાસ્ત્રને ક્યાંક મળી શકે તેવા તમામ મુદ્દામાં આપણે હંમેશાં નીતિશાસ્ત્રમાં જ વાંક જોઈએ છીએ. સમકાલીન અર્થશાસ્ત્ર અને સમકાલીન નીતિશાસ્ત્ર બંનેમાં એક જ પ્રકારનો વ્યક્તિવાદી દૃષ્ટિકોણ છે. સમકાલીન મૂડીવાદની નૈતિક ટીકાનો મુખ્ય મુદ્દો જ એ છે કે તેનું સત્તાનું માળખું બહુ ઓછા લોકોને સારી પસંદગીઓ કરવા માટેની તક પૂરી પાડે છે. ન્યાયી વહેંચણીને અધિકારિતાના એક સ્વરૂપ તરીકે તેમાં જોઈ શકાય છે. પરંતુ પસંદગીઓને આપોઆપ સાનુકૂળ રીતે સશક્ત લોકો પર છોડી દેવી જોઈએ એમ તેમાં કહેવામાં આવે છે. અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વ્યક્તિવાદની જે પદ્ધતિ છે તેને જ અનુસરીને એકસમાન ભાષા બોલે છે. 

સ્રોત: 
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics
——

નીતિ અને અર્થશાસ્ત્ર : ભાગ-9

પર્યાવરણના રક્ષણ માટે આર્થિક વૃદ્ધિનો દર ઘટાડવો પડે

જ્હોન મેનાર્ડ કેઈન્સે અર્થશાસ્ત્રનો નૈતિક પાયો સારા જીવન માટેની તકમાં શોધ્યો, કે જે અર્થતંત્રે અને ખાસ કરીને ટેક્નોલોજિકલ પ્રગતિએ ઊભી કરી હતી. સારું જીવન એટલે શું તેને વિશેનો તેમનો ખ્યાલ બહુ સ્પષ્ટ હતો. તેમણે એમ વિચાર્યું હતું કે સારા જીવનનો પાયો સાર્વત્રિક નૈતિક અંતર્પ્રેરણામાં છે. પરંતુ તેઓ નૈતિક સમુદાયના અસ્તિત્વનો ઉલ્લેખ કરતા હતા અને તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેના પર કશું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આજે આપણી પાસે નાના નૈતિક સમુદાયો છે અને તેઓ શું સારું છે તેને વિષે પોતાની દૃષ્ટિ ધરાવે છે. પરંતુ શું સારું છે તેને વિષે કોઈ નૈતિક સર્વસંમતિ પ્રવર્તતી નથી.

હેમન્તકુમાર શાહ

ધ્યેય સિદ્ધ કરવા માટેના નીતિશાસ્ત્રનું પતન થયું છે અને તેથી સમકાલીન નીતિશાસ્ત્રીય દલીલ સાધનોની નૈતિકતા તરફ વળી ગઈ છે. આપણે એને કાર્યવાહીગત (procedural) નીતિશાસ્ત્ર કહી શકીએ. આવકની ન્યાયી વહેંચણી અને જીવનની તકો એટલે શું એને વિષે રાજકીય દાર્શનિકોમાં ભારે ચર્ચા ચાલે છે. સામાજિક લોકશાહીવાદી જ્હોન રોલ્સ (1921-2002) અને રૂઢિચુસ્ત રોબર્ટ નોઝિક(1938-2002)ની ચર્ચા આ સંદર્ભમાં બહુ જ મહત્ત્વની છે.

જે કુદરતી અધિકારો છે તેમને માનવ અધિકારો બનાવી દેવામાં આવ્યા છે. લોકોને જાતિ, સ્ત્રી-પુરુષ અને ઉંમરને આધારે પોતાની સાથે ભેદભાવ ન થાય તેનો અધિકાર છે. જુદા જુદા માર્ગે છેલ્લે કોઈ તારણ પર આવીએ તો એમ કહેવાય કે ઉપયોગિતાવાદી અને અધિકારોનું દર્શન એમ સ્વીકારે છે કે કોઈને નુકસાન પહોંચાડવું એ ખરાબ બાબત છે. કોઈને નુકસાન થતું અટકાવવું એ લઘુતમ નૈતિક કાર્યક્રમ છે. શું સારું છે તેને વિષે આપણે સંમત ન થઈ શકીએ તો પણ શું ખરાબ છે તેને વિષે સંમત થવાની આપણે આશા રાખી જ શકીએ.

કોઈને નુકસાન થતું અટકાવીએ એવો જે વિચાર છે તે તો એવા વિચાર પર આધારિત છે કે વ્યક્તિઓ તેમની પોતાની સ્વતંત્ર યોજના મુજબ જીવન જીવી શકે છે, હા, એ બીજાને હાનિ પહોંચાડનારી ન હોવી જોઈએ. દા.ત. આરોગ્ય અને સુરક્ષાના નિયમો ઉત્પાદકોને એવી વસ્તુઓ અને સેવાઓ પેદા કરતાં રોકે છે કે જે તેના વપરાશકારોને નુકસાન કરતાં હોય; દુકાનદારો વસ્તુઓ વિષે સાચી માહિતી ગ્રાહકોને આપે તેવી અપેક્ષા છે. વર્લ્ડ વાઈડ વેબ ઉપર વધુ ને વધુ નિયમનો આવી રહ્યાં છે કે જેથી હાનિકારક, અપમાનકારક અને ઘૃણા પેદા કરનારી બાબતોનો ફેલાવો ન થાય. બીજાને થતું નુકસાન રોકવા માટેનો જે વિચાર છે તે હવે તો રોબોટને પણ લાગુ પડે છે.

બાયોકેમિસ્ટ અને લેખક આઈઝેક આસિમોવ (1920-92) દ્વારા રોબોટિક્સના જે ત્રણ નિયમો નિરૂપવામાં આવ્યા તેમાં એમ પણ છે કે “રોબોટ મનુષ્યને ઈજા નહિ કરે, અથવા, નિષ્ક્રિય રહીને મનુષ્યને બીજાને હાનિ પહોંચાડવા દે.”

પર્યાવરણીય અર્થશાસ્ત્ર (environmental economics) અને પરિસ્થિતિશાસ્ત્રીય અર્થશાસ્ત્ર (ecological economics) એમ અર્થશાસ્ત્રની બે શાખાઓ બીજાને હાનિ નહિ પહોંચાડવાના સિદ્ધાંતને અનુસરે છે. તેમણે મનુષ્યના અસ્તિત્વ સાથે જ એને જોડ્યો છે. માનવસર્જિત મોસમ પરિવર્તનથી જે ખતરો ઊભો થયો છે તે જોતાં આર્થિક પ્રવૃત્તિઓને મનુષ્યના અસ્તિત્વ સાથે સુસંગત બનાવવી પડે. સામૂહિક કારભારના વિચારના પુનરુત્થાન માટે આ એક પ્રવેશ બિંદુ છે. હાલ જેઓ પૃથ્વીના ‘માલિકો’ બની બેઠા છે તેમની ફરજ છે કે તેઓ ભવિષ્યના માલિકો માટે તેમના વારસાના મૂલ્યનું જતન કરે. અર્થશાસ્ત્રીઓ વિશિષ્ટ રીતે આ ફરજનું ખર્ચ શું તે ગણી કાઢશે.

પર્યાવરણીય અર્થશાસ્ત્ર એવી દલીલ કરે છે કે પર્યાવરણ એ અર્થતંત્ર માટે મહત્ત્વનું સંસાધન છે અને પર્યાવરણના નુકસાનથી આર્થિક ખર્ચ પેદા થાય છે અને તે જેણે ખર્ચ કર્યું છે તેને જ નહિ પણ બધાને વેઠવાનું આવે છે. આથી નૈતિક સંકટ(moral hazard)ની સમસ્યા પેદા થાય છે. એટલે કે તેમાં કંપનીઓ પ્રદૂષણ ફેલાવે છે અને એની સમસ્યા બીજાઓ પર ઠેલી દેવામાં આવે છે, એટલે કે ભવિષ્યની પેઢીઓ પર એ સમસ્યા ધકેલી દેવામાં આવે છે. એનો અર્થ એ છે કે પૃથ્વીને પ્રદૂષિત કરવાનું ખર્ચ કાર્બન વેરા દ્વારા ચૂકવાવું જોઈએ.

બીજું, પરિસ્થિતિશાસ્ત્રીય અર્થશાસ્ત્ર એ વધુ ઉદ્દામવાદી અભિગમ છે. તે પર્યાવરણનું રક્ષણ થવું જોઈએ એવા વિચારને સ્વીકારે છે પરંતુ તે એવા દાવાને નકારે છે કે પર્યાવરણના દરેક ધોવાણની બજાર કિંમત યોગ્ય રીતે નક્કી થઈ શકે છે. મહત્ત્વની બાબત એ છે કે લોકોએ એ સમજવું જોઈએ કે તેઓ પોતે આખી વૈશ્વિક વ્યવસ્થા(ecosystem)માં ક્યાં બંધ બેસે છે અને કેવી રીતે આર્થિક પ્રવૃત્તિઓ એ વૈશ્વિક  વ્યવસ્થાને હાનિ પહોંચાડે છે; અને કેવી રીતે તેનું જતન કરવા તેમણે પોતે બદલાવાની જરૂર છે. આ પ્રશ્ન સૌ પ્રથમ ‘ક્લબ ઓફ રોમ’ના એક અતિ મહત્ત્વના પુસ્તક ‘The Limits to Growth’માં ઉઠાવવામાં આવ્યો હતો. તેમાં જ્યોર્જસ્ક્યુ-રોગેન દ્વારા તો એટલી હદ સુધી દલીલ કરવામાં આવી હતી કે પૃથ્વી પરની અંધાધૂંધીને રોકવાનો એકમાત્ર ઉપાય આર્થિક વૃદ્ધિ ઘટાડવાનો (de-growth) છે.

આ જ શ્રેણીમાં એક મહત્ત્વની દલીલ કેટ રાવર્થ (1970-) દ્વારા “ડુનટ ઇકોનોમિક્સ” (doughnut economics) તરીકે કરવામાં આવી છે. તેમાં એમ કહેવામાં આવ્યું છે કે “સામાજિક પાયા” અને “પરિસ્થિતિશાસ્ત્રીય મર્યાદા” વચ્ચે અર્થશાસ્ત્રે સંતુલન શોધવું જોઈએ, એ તેને માટે પડકાર છે. આર્થિક પ્રવૃત્તિ પર્યાવરણીય શક્યતાઓની સીમાઓમાં રહીને જ  થવી જોઈએ એમ તેમાં કહેવામાં આવે છે.

સુખાકારીના અર્થશાસ્ત્રમાં આપણે જે જોયું તેવી જ અનિશ્ચિતતા પરિસ્થિતિશાસ્ત્રીય અર્થશાસ્ત્રના મૂળ વિચારમાં પણ છે. પર્યાવરણનું રક્ષણ એટલે ખરેખર શું? એ તો વર્તુળની બહાર કેટલીક ખરાબ બાબતોને મૂકે છે અને સારી બાબતોને વર્તુળની અંદર મૂકે છે એટલું જ. આપણે કુલ રાષ્ટ્રીય આવક તરીકે આપણી પોતાની પ્રવૃત્તિઓનું મૂલ્ય આંકવાની આશા રાખીએ છીએ પરંતુ કુલ રાષ્ટ્રીય આવકની અસર પર્યાવરણ પર શી થાય છે તે ચોક્કસપણે માપવાનો કોઈ રસ્તો છે જ નહિ. મોસમ પરિવર્તન (climate change) પોતે જ માપનના મોટા પ્રશ્નો ઊભા કરે છે. તેથી “ડુનટ ઇકોનોમિક્સ” એવા સર્વગ્રાહી શબ્દો છે કે જેમાં જેમને પર્યવરણના રક્ષણ સાથે સીધો સંબંધ નથી એવા સ્ત્રી-પુરુષ સમાનતા અને નેટવર્ક જેવાં અનેક યોગ્ય ધ્યેયોનો સમાવેશ પણ થઈ જાય છે. સંભવત: જેઓ લોભ અને વૈભવને ભારે ધિક્કારે છે તેમને એ પ્રગાઢ અપીલ કરે છે. પરંતુ તે પશ્ચિમના રાજકીય સ્વતંત્રતા અને આર્થિક સ્વતંત્રતાના મોડેલ સાથે સુસંગત છે કે નહિ તે પાયાનો પ્રશ્ન છે.તેમ છતાં સ્પષ્ટ રીતે વધુ સારી નૈતિક દલીલ પ્રાપ્ય છે; અને તે એ છે કે પ્રકૃતિ સાથે સંવાદિતાથી જીવવું અને તેથી પ્રકૃતિએ જે સીમાઓ દોરેલી છે તેમાં જ જીવવું; અને તે જ સારા જીવનનો ભાગ છે. આપણી ખરાબ આદતોને લીધે જે હાનિકારક પરિણામો માપી શકાય છે તેમને બાજુ પર મૂકીને પણ આ વાત સાચી છે એમ કહેવાય. પરંતુ, નિરાશાજનક બાબત એ છે કે આ દલીલ પણ સારું જીવન એટલે શું તેને વિષે પૂરતી સંમતિ ઊભી થાય તેના પર આધાર રાખે છે, અને એવી સંમતિનો તો અભાવ પ્રવર્તે છે. એટલે આપણે પાછા આભાસી વિજ્ઞાન પર આવી જઈએ છીએ અને આ મહાન હેતુ માટે કોઈ ટેકો ભાગ્યે જ મેળવી શકીએ છીએ.     

સ્રોત: 
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics
——

નીતિ અને અર્થશાસ્ત્ર : ભાગ-10 (છેલ્લો)

કેટલીક ચીજો એવી ખરી કે જેમની કોઈ કિંમત જ ન હોય?

અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રને પાછું લઈ આવવાના ખરેખર તો બે ખરા રસ્તા છે. પહેલો રસ્તો એ છે કે ‘ઘોડાના દિમાગમાં’ જઈને ગહન રીતે વિચારવું. એટલે કે ‘આર્થિક માનવી’(homo economicus) વિશેનો જે ખ્યાલ છે તેને વિષે ઊંડાણથી વિચારવું. તેનાથી એ ખ્યાલ આવશે કે નૈતિક બાબતોમાં ઘણું વૈવિધ્ય પ્રવર્તે છે તેમ છતાં તે ધારવામાં આવે છે તેટલી વિસ્તૃત બાબત નથી. તેમાં જેને આપણે ‘પાયાની ચીજો’ (basic goods) કહી શકીએ તેને વિષે એક વ્યાપક સંમતિ ઊભી થઈ શકશે.

આરોગ્ય, પરસ્પર આદર, સલામતી, વિશ્વાસના સંબંધો અને પ્રેમને દુનિયાભરમાં બધે જ સારા માનવીય જીવનના ભાગ તરીકે સ્વીકારવામાં આવ્યાં જ છે. એમની ગેરહાજરીને બધે જ કમનસીબી ગણવામાં આવે છે. એટલે પછી આપણી પાસે સારું જીવન એટલે શું તેના અર્થ વિષે સાર્વત્રિક તપાસ કરવાની સામગ્રી હાજર જ છે. તેને દેશ અને કાળ લાગુ પડતાં નથી. જો સારા જીવન વિશેની સર્વસંમતિ ઊભી કરીશું આપણે બજાર, કાયદા અને રાજકારણ દ્વારા ખેલવામાં આવતી મૂલ્યો વિશેની અનંત લડાઈ લડતાં લડતાં નાશ નહિ પામીએ.

બીજો અભિગમ દાર્શનિક માઈકલ સેન્ડલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે. તેમનું આરંભબિંદુ એ છે કે પિતૃસત્તાવાદની વ્યવસ્થા(paternalism)ના ભયને લીધે નૈતિકતાના અર્થો વિષે જાહેર ચર્ચાઓ થતી જ નથી. તેઓ પિતૃસત્તાવાદની રજૂઆત કરતા નથી પરંતુ તેઓ બજારની નૈતિકતા વિષે જાહેર ચર્ચા કરવાનું કહે છે.

શું તમે દરેક ચીજ ખરીદી શકો છો કે પછી કેટલીક ચીજો એવી છે કે જેમની કોઈ કિંમત હોતી જ નથી? કોઈક કતારમાં તમે ઊભા હોવ અને એમાં ઝડપથી આગળ વધવા માટે તમે કશુંક કરો તો તેનાં કેવાં પરિણામો આવે? યુદ્ધો અને જેલો માટે કોન્ટ્રેક્ટરો રાખવામાં આવે અને તેમનું એ રીતે આઉટસોર્સિંગ કરવામાં આવે તો તેનું શું પરિણામ આવે? જે બજારલક્ષી અર્થતંત્ર છે તે તો એક સાધન છે, તેનું રૂપાંતર એવા બજારલક્ષી સમાજમાં કરવામાં આવે કે જેમાં પ્રાથમિક ચીજો મેળવવા માટે પણ પૈસા અનિવાર્ય હોય અને તમામ સામાજિક સંબંધો રોકડ રકમમાં સમાઈ ગયા હોય, તો તેનું પરિણામ શું આવે?

માઈકલ સેન્ડલને એવી આશા છે કે આવા પ્રશ્નો ઉઠાવીને આપણે કદાચ સૌના ભલા વિશેનો જે જૂનો વિચાર છે તેને ફરી જીવંત કરી શકીએ.

અર્થશાસ્ત્રની અછતલક્ષી વ્યાખ્યા આપનારા લાયોનેલ રોબિન્સ દ્વારા અર્થશાસ્ત્રને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે નીતિશાસ્ત્રની અર્થશાસ્ત્રમાંથી જે હકાલપટ્ટી કરવામાં આવી તે એક મરણિયો પ્રયત્ન હતો. તે અર્થશાસ્ત્રની નબળાઈઓને વિજ્ઞાન તરીકે જોઈને તેના ટુકડા કરે છે. માનવ વર્તનના અનુભવોને આધારે મજબૂત નિયમો પ્રસ્થાપિત કરવાનું લગભગ અશક્ય છે ત્યારે, અર્થશાસ્ત્રનો જે ‘વૈજ્ઞાનિક ગર્ભ’ છે તે એકદમ જડ અને અવાસ્તવિક બાબતોને તાર્કિક અને ગાણિતિક સરવાળા-બાદબાકીવાળો બનાવી દે છે.

જ્હોન મેનાર્ડ કેઈન્સે જેને આત્મનિરીક્ષણ અને મૂલ્ય નિર્ણય કહ્યાં હતાં તેમાંથી અર્થશાસ્ત્ર છટકી શકે નહિ; પણ અર્થશાસ્ત્ર તેને વૈજ્ઞાનિક તર્ક દ્વારા કબરમાં દાટી દે છે. તેને પરિણામે અર્થશાસ્ત્રના મોટા ભાગના ખ્યાલો દુનિયાના ચિત્ર તરીકે નકામા બની જાય છે અને તેથી નીતિવિષયક નિર્ણયો માટે તે ગંભીર રીતે ગેરમાર્ગે દોરનારા બને છે. તેમ છતાં, પાશ્ચાત્ય જગતમાં હજુ પણ જે નૈતિકતા બચી છે તે અર્થશાસ્ત્રીઓની સામાજિક ભૂલો સુધારવા માટે પૂરતી શક્તિશાળી છે.     

સ્રોત: 
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...661662663664...670680690...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved